વ્હાલી આસ્થા – કાજલ ઓઝા વૈદ્ય

[સાહિત્યમાં પુત્રી પ્રત્યે પિતાની લાગણી વ્યક્ત કરતાં લેખનો ખૂબ જૂજ પ્રમાણમાં મળે છે. તેમાંય તે પત્ર સ્વરૂપે હોય તેવો પ્રકાર તો લગભગ નહિવત્ છે. ‘વ્હાલી આસ્થા’ આ પ્રકારનું વિશિષ્ટ સર્જન છે. પિતા દ્વારા પુત્રીને લખાયેલા 25 પત્રો કાજલબેનની કલમે એક ધારાવાહી સ્વરૂપે ‘સાંવરી સામાયિક’ માં પ્રકાશિત થતા હતાં જેનો આ છેલ્લો હપ્તો છે; પરંતુ આ પત્ર સમગ્ર શ્રેણીના સારરૂપ છે. ટૂંક સમયમાં આ પત્રો પુસ્તક સ્વરૂપે પ્રગટ થશે. પ્રસ્તુત લેખના અંતે લેખિકાએ આ પત્રોની સર્જનપ્રક્રિયા વિશે કેટલીક બાબતો રજૂ કરી છે.]

આસ્થા,

અત્યારે આ પત્ર લખું છું ત્યારે મારી બાજુમાં તારાં લગ્નની કંકોત્રીઓનો એક ઢગલો પણ છે. એ ઢગલો જોઈને મનમાં કશુંક થઈ જાય છે. કોઈ એક જ વાતે તમને સુખ અને દુ:ખ બંનેનો અનુભવ થાય…. એવું મારી જિંદગીમાં પહેલી વાર બન્યું છે. આ કંકોત્રી જોઈને તું તારી ગમતી વ્યક્તિ સાથે તારું જીવન જીવવાની છે એ વિચારે સુખ પણ થાય છે અને હવે તું અમારી પાસે નહીં રહે એ વિચારે મન રડી ઊઠે છે.

હવે સવારના આંખ ઉઘડતાં જ તારો ચહેરો નહીં જોઈ શકું. જોગિંગ કરીને પરસેવામાં લથપથ તું ઘરમાં દાખલ થાય ત્યારે તારી સાથે ચા પીવાનો એ આનંદ નહીં રહે… ન્યૂઝ પેપરના સમાચાર કે કોઈ સારી ફિલ્મ ઉપર તારી સાથે ચર્ચા નહીં થઈ શકે. રસોઈ શૉમાં જોયેલી કોઈક વાનગીને મોડીફાય કરીને બનાવવાનો એ તોફાની અનુભવ પણ હવે નહીં થઈ શકે. નાની નાની સરપ્રાઈઝિસ, નાની નાની દલીલો, મતમતાંતરો, ગરમાગરમ ચર્ચા અને હૂંફાળાં આલિંગનો હવે માત્ર મારી સ્મૃતિમાં રહી જશે. આ વિચારું છું અને મારી અંદર કશુંક ખાલી થઈ જાય છે. તું હવે આ ઘરમાં રોજેરોજ અમારી સાથે નહીં જીવે એ વિચાર માત્ર મને ભીતરથી ખળભળાવી મૂકે છે. મન જાણે આવનારા એકલતાના દિવસોને અત્યારથી જ અનુભવવા લાગ્યું છે. તારાં લગ્નની તૈયારી કરતા કરતા વચ્ચે વચ્ચે હું ક્યાંક ખોવાઈ જાઉં છું….. ઊંડા વિચારમાં પડી જાઉં છું. તારી મમ્મી મને હચમચાવીને પૂછે છે : ‘શું થઈ ગયું ?’ હું કેમ સમજાવું એને કે તું ભલે એની કુખમાં જન્મી છે – અને એના શરીરનો હિસ્સો છે, પણ મારા મનનો, મારા જીવનનો એક અભિન્ન હિસ્સો પણ છે. તું જન્મી તે દિવસથી લગભગ એવું નક્કી જ હતું કે તારાં લગ્ન થશે અને તું આ ઘરમાંથી વિદાય થઈશ. પરંતુ હું ક્યારેય મારી જાતને એ બાબત માટે તૈયાર કરી શક્યો નહીં અને આજે જ્યારે બરાબર સત્તર દિવસ પછી તારાં લગ્ન છે ત્યારે આ ઘરમાં તારો છેલ્લો જન્મદિવસ છે એ વાત કેમેય કરી મારા ગળે ઊતરતી નથી.

બેટા, આપણું ગયું વર્ષ બહુ સારું નથી ગયું. સૌથી પહેલાં તો તારી ગઈ વર્ષગાંઠે આપણી વચ્ચે અબોલા હતા. છેક મોડી સાંજ સુધી તું મારી સાથે બોલી નહીં. હું તને વારંવાર મનાવતો રહ્યો, પણ કોણ જાણે કઈ વાતે તેં પહેલી વાર આટલી બધી જીદ પકડી રાખી. તારાં દાદી બોલ્યાં પણ ખરાં, ‘છોકરીની જાતને આટલી બધી જીદ સારી નહીં.’ હું એમની વાત સાથે અડધો સંમત છું… છોકરીની જાત કે છોકરાની જાત, જીદ એ સારી વસ્તુ નથી. તમે જે માનો છો તે કહેવાનો તમને અધિકાર છે. સામેની વ્યક્તિ તમારી વાત સમજે અને સ્વીકારે એવી અપેક્ષા રાખવી એ પણ તમારો અધિકાર છે. પરંતુ એમ ના બને તેથી એ વ્યક્તિને માફ ન કરવું, એની સાથેનો સંબંધ તોડી નાખવો કે મનોમન લાગણીની ગાંઠો વાળી લેવી યોગ્ય નથી જ. દરેક વ્યક્તિને એના ‘પેર ઑફ શુઝ’માં જઈને – આપણી જાતને એના સ્થાને મૂકીને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આવું હું તને વર્ષોથી સમજાવતો આવ્યો છું અને તે દિવસે પણ તને એ જ સમજાવવાનો પ્રયાસ કરતો રહ્યો. સામાન્ય રીતે આનંદ અને ઉલ્લાસનો દિવસ હોય એવો તારો જન્મદિવસ તે દિવસે અજબ જેવા વજન નીચે પૂરો થયો. ઘરમાં કોઈ તારા જન્મદિવસનો આનંદ માણી શક્યું નહીં, તું પોતે પણ નહીં !

આખરે સાંજે મેં તને પરાણે ખેંચીને છાતીસરસી ચાંપી, વહાલ કર્યું અને ‘આઈ લવ યુ’ કહ્યું ત્યારે તું રડી પડી. પછી તારી મમ્મી અને દાદી પણ રડ્યાં. હુંય જાતને રોકી ના શક્યો…. આપણા બધાના એકબીજા પરત્વેના ક્રોધ અને ફરિયાદો આંસુમાં ઓગળી ગયા. સાંજે સૌ સાથે જમ્યા. જાણે કોઈ કાચ ઉપર લાગેલું ધુમ્મસ લુછાય અને બહારનું દ્રશ્ય સ્વચ્છ થાય એમ બધાના મન ઉપર જામેલાં ધુમ્મસ લૂછાયાં અને બધાય એકબીજાની વાત સમજવા તૈયાર થયા….. તેં પણ કહ્યું કે તું બરાબર એક વર્ષ વરુણ સાથેના સંબંધને આપવા તૈયાર છે. મને જે જોઈતું હતું તે મળી ગયું – જેમ માટીના કાચા વાસણને નિંભાડામાં પકવવું પડે એવી જ રીતે કોઈ પણ નિર્ણયને એની સચ્ચાઈ સુધી પહોંચવા માટે સમય અને પરીક્ષાની આગમાંથી પસાર થવું પડે છે.

તમારો સંબંધ ગયા આખા વર્ષ દરમિયાન અનેક વાર આગમાંથી પસાર થયો. વરુણ ટ્રાન્સફર લઈને સિંગાપોર ગયો. પછી તમારી વચ્ચે ઈમેલ અને ટેલિફોન ચાલતા રહ્યા. (તારા અડધા ઉપરનો પગાર તેં ટેલિફોનમાં ખર્ચી નાખ્યો !) વરુણ બે વાર અહીં આવી ગયો, તું દસ દિવસ સાવ એકલી સિંગાપોર જઈ આવી. તારી મમ્મી અને દાદીએ ખૂબ વિરોધ કર્યો, પરંતુ મારું મન ઈચ્છતું હતું કે તું એની સાથે એવો સમય ગાળે, જેમાં કોઈ રોકટોક વગર, કોઈ સંકોચ-મર્યાદા વગર કે દંભ અને સારા દેખાવાની કોઈ ખોટી મહેનત કર્યા વગર તમે બંને એકબીજાની નજીક આવો અને એકબીજાને ઓળખી શકો. મને મારી દીકરી પર અને મારા સંસ્કાર પર હંમેશાં અખૂટ વિશ્વાસ રહ્યો છે. મને ખાતરી હતી કે તું એવું કંઈ જ નહીં કરે, જેનાથી તારે દુ:ખી થવું પડે અને એ દુ:ખ અમારા સુધી લંબાય. તારી મમ્મી અને દાદી બંનેનો વિરોધ અવગણીને મેં તને સિંગાપોર મોકલી. હું જાણતો હતો કે વરુણ સાવ એકલો રહે છે, તું ત્યાં જાય તો એના ઘરમાં જ રહે એ પણ સ્વાભાવિક છે અને કદાચ તમારી વચ્ચે શારીરિક આકર્ષણ થાય પણ ખરું – એ ભયને સાથે રાખીને જ મેં આ નિર્ણય કર્યો હતો.

શરીરને અવગણીને કોઈ જીવી શક્યું નથી. એક સ્ત્રીના પુરુષ સાથેના સંબંધમાં શરીર અગત્યનો ભાગ ભજવે છે. તેમ છતાં પ્રેમ શબ્દ અમૂર્ત છે, અને લગ્ન સંસ્થા મૂર્ત છે. લગ્ન આજના સમયમાં માણસની બાયોલોજિકલ જરૂરિયાતને શમાવવા, ઠારવાના ઈલાજ રૂપે નક્કી કરવામાં આવેલી એક સામાજિક વ્યવસ્થા છે. જેમાં શરીર કે સેક્સની અવગણના થઈ શકે તેમ નથી. મેં એવું નક્કી કર્યું હતું કે હું તને સમજાવીશ.- પરંતુ મને બહુ જ આનંદ થયો, જ્યારે તેં સિંગાપોર જતાં પહેલાં મને આંખમાં આંખ પરોવીને હિંમતથી કહ્યું, ‘પપ્પા, તમે મને મોકલો છો એ મોટી વાત છે. હું મમ્મી કે દાદીને દુ:ખ થાય એવું કશું જ નહીં કરું.’ અને ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે તું શરીરસંબંધનું મહત્વ સમજે પણ છે અને સમજાવી પણ શકીશ. હું સેક્સની વાત નથી કરતો. એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધવો એ મને ‘અયોગ્ય’ બાબત નથી લાગતી. મેં ક્યારેય કૌમાર્યને સ્ત્રીના ચારિત્ર્ય સાથે જોડ્યું નથી. મને હંમેશાં લાગે છે કે માણસે કોઈ પણ વર્તન કરતા પહેલાં એક વાર વિચારી લેવું જોઈએ. તમારો આત્મા જો એ વર્તનને યોગ્ય ઠેરવતો હોય તો એ વિશે ઝાઝો ઊહાપોહ કર્યા વિના એ પ્રમાણે વર્તવું જોઈએ અને બીજા લોકો શું માનશે, શું ધારાશે એની ચિંતા કરવી જોઈએ નહીં.

જો, આ વાતને બે પાસાં છે. એક રીતે વિચારીએ તો સમાજ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખનારી એક વિદ્રોહી મનોવૃત્તિ છતી થાય છે. વિચારીએ તો લાગે છે કે જો તમે લગ્ન ના કરો તો આખીયે સમાજ વ્યવસ્થા ઉથલપાથલ થઈ જાય. માણસો એકબીજાની સાથે રહેવા માટે લગ્નથી બંધાય છે. હવે જો મારી માન્યતા સાથે કોઈ જોડાય અને લગ્નનું મહત્વ રાખ્યા વગર માત્ર શારીરિક સંબંધ બાંધીને એકબીજા સાથે રહેવા લાગે તો સમાજને આંચકો લાગે એ સ્વાભાવિક છે. સાથે સાથે એવો સવાલ પણ આવે કે આવા સંબંધમાંથી જન્મેલાં બાળકો કોની જવાબદારી બને અને કોઈ એક કારણસર જો આ બે વ્યક્તિઓ છૂટી પડે તો એ બાળક કોનું ગણાય ? કાયદાએ લગ્નને સામાજિક વ્યવસ્થા જાળવવા માટેની એક અનિવાર્ય જરૂરિયાત ગણાવી છે, હું પણ આ વાત સાથે ઓછા-વત્તાપણે સહમત તો છું જ… હું પણ માનું છું કે લગ્ન સામાજિક વ્યવસ્થા માટે જરૂરી છે, પરંતુ માત્ર શારીરિક સંબંધના લાઈસન્સ તરીકે વપરાતાં લગ્નોની આ ચર્ચા નથી. હું તો કાયદા, સંસ્કૃતિ, સભ્યતાની સાથે સાથે સ્નેહ અને સંવેદનથી જોડાતાં લગ્નસંબંધની વાત કરું છું.

સાથે રહેવું એટલે માત્ર એક છત નથી શ્વાસ લેવો એવું નહીં જ. સાથે રહેવું એટલે સાથે જીવવું, સાથે ધબકવું અને સાથે સાથે વિકસવું – ગ્રો થવું. બે વ્યક્તિઓ સાથે રહીને એકબીજાને ઘણું બધું આપતી હોય છે. આ આપવા-લેવાની વાત માત્ર સલામતી કે આર્થિક જરૂરિયાતો પૂરતી નથી. આ લેવડ-દેવડ એકબીજાને વધુ બુદ્ધિશાળી, વધુ સંવેદનશીલ, વધુ સમજદાર અને વધુ સારી વ્યક્તિ બનાવવાની એક પ્રક્રિયા હોવી જોઈએ. રિચર્ડ બેક (બેશ)એ જેને પોતાની આત્મકથાનો અંશ ગણાવ્યો છે એવી નવલકથા ‘ધ બ્રિજ અક્રોસ ફોર એવર’માં નાયિકા લેસ્લી એના પ્રિયતમને પત્ર લખે છે અને એ એનો આખરી પત્ર છે. એમાં એણે લખ્યું છે, ‘રિચર્ડ, માય પ્રેશિયસ ફ્રેન્ડ….’ જેની સાથે મનદુ:ખ થવાથી છૂટી પડી રહી છે એવી એ નાયિકા એને લખે છે, ‘આપણે એકબીજાની સાથે રહીને, એકબીજાને દુ:ખ આપવા સિવાય બીજું કંઈ જ કરી શકીએ તેમ નથી. મારે જે કહેવું છે તેમાં ક્યાંય રોષ, આરોપ કે તારી ખામીઓ દેખાડવાનો પ્રયત્ન નથી. માત્ર એકબીજાને જે વેદના આપણે આપી રહ્યા છીએ તે અટકાવવાનો પ્રયાસ છે……’ રિચર્ડ બેક (બેશ) એ આ પત્રને જે રીતે કંડાર્યો છે એ ભાગ્યે જ કોઈ પુરુષ લખી શકે એવો પત્ર છે. એક સ્ત્રીની કલમે મૂકાયેલ આ પત્ર એક સંવેદનશીલ સંબંધ પૂરો કરવાની એક હૃદયના ઊંડાણમાંથી પ્રગટતી ભાષામાં લખાયો છે. એમાં લેખકે લેસ્લી પાસે લખાવ્યું છે, ‘તારાથી છૂટા પાડવાની તકલીફ ચોક્કસ છે પણ સાથે એ વાતનો સંતોષ છે કે હું તને બીજાઓથી જુદી રીતે ઓળખી શકી છું, તને પૂરેપૂરો પામી શકી છું ! આપણે સાથે ગાળેલી ક્ષણોની સુગંધ મારી સ્મૃતિમાંથી ક્યારેય નહીં ભૂંસાય. તારી સાથે રહીને હું વિકસી છું, ઉઘડી છું, ખીલી છું…. મારા વ્યક્તિત્વનો અને મારા સ્ત્રીત્વનો વિકાસ તારી સાથે રહીને થયો છે એ પણ સત્ય છે, બીજું સત્ય એ પણ છે કે મેં પણ તને આપી શકાય એ બધું જ આપ્યું છે ! એકબીજા સાથે રહ્યા પછી આપણે હતા તેનાથી વધુ સંવેદનશીલ અને સમૃદ્ધ બન્યા છીએ, સારા બન્યા છીએ, સરળ બન્યા છીએ પણ સમજદાર બની શક્યા નથી અને કદાચ એટલે આ સંબંધ પૂરો થઈ રહ્યો છે. મને તારા માટે આદર છે, લાગણી છે અને આપણી મૈત્રી સદાય રહેશે પરંતુ સાથે સાથે મને એવું લાગ્યા કરે છે કે એક એવો સંબંધ આપણે બંને ગુમાવી રહ્યા છીએ જેમાં ખૂબ બધું પામ્યા વિનાનું રહી ગયું !’

ક્યારેક આવું થતું હોય છે, અને એમાં દુ:ખી થવાને બદલે એક વાત સ્વીકારવી જોઈએ કે સામેની વ્યક્તિ સાથેના આપણા સંબંધની આવરદા ફક્ત જેટલો ગાળો આપણે સાથે જીવ્યા એટલા પૂરતી જ મર્યાદિત હશે, હોઈ શકે ! દરેક વ્યક્તિની જિંદગીમાં આવા એકાદ તૂટેલા સંબધની કરચ હોય છે. જરૂરી નથી કે એ પ્રેમસંબંધ હોય – એ મિત્રતા હોઈ શકે. કોઈ પડોશી સાથે થયેલું મનદુ:ખ હોઈ શકે. છોડેલી નોકરીમાં ગુમાવેલા બોસ હોઈ શકે અથવા મારી જેમ પૂરેપૂરો સંબંધ માણ્યા વિના ચાલી ગયેલા પિતા પણ હોઈ જ શકે. જેમ દવા પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે એમ સંબંધ ઉપર પણ એક્સપાયરી ડેટ લખેલી જ હોય છે. ક્યારેક એ આપણે જીવીએ ત્યાં સુધી લંબાતી હોય છે અને ક્યારેક આપણી જિંદગી પૂરી થાય એ પહેલાં પૂરી થઈ જતી હોય છે. છૂટા પડવું બહુ સ્વાભાવિક ઘટના છે – આપણે આવનારા સત્તર દિવસ પછી છૂટા પડવાના છીએ. પરંતુ એ છૂટા પડવું અને તારું અને વરુણનું છૂટા પડવું જરા જુદા પ્રકારનું છે. આપણા સૌના જીવનનું સત્ય એ છે કે ખરેખર કોઈ કોઈની સાથે જીવનભર ચાલી શકતું નથી. થોડાં ડગલાં સાથે ચાલીને સૌએ પોતપોતાની દિશામાં જવાનું જ હોય છે. પતિ-પત્નીના સંબંધમાં પણ જો પોતપોતાનું કામ કે પોતપોતાના શોખ ના હોય તો બંને જણા બહુ લાંબો સમય ફક્ત એકબીજામાં ગૂંથાઈને જીવી શકતા નથી જ…

આ વાતને જો સમજી અને સ્વીકારી લઈએ તો જિંદગી સરળ બની જાય છે, પરંતુ એની વિરુદ્ધ હાથ-પગ પછાડીને, ચીસો પાડીને, રડીને, ફરિયાદ કરીને, જાતને તકલીફ આપીને સંબંધ તૂટ્યાનું કે હાથ છૂટ્યાનું દુ:ખ જીવનભર વેંઢારીએ તો એ ભાર ફક્ત આપણો, પોતાનો ભાર બની રહે છે. એને બદલે એ ભારને ઉતારી નાખીને સંજોગોવસાત છૂટા પડી ગયેલા બંને જણા ‘વાંક કોનો હતો’ એના પોસ્ટમોર્ટમમાં પડ્યા વિના એ વ્યક્તિ અને વિચારને વહી જવા દે તો કદાચ બંને જણા સુખી થઈ શકે એવું મને લાગે છે.

બેટા, તું પાછી આવી એ પછી હું જોઈ શક્યો કે તમારા બંને વચ્ચે એક પ્રકારનું ડિસ્ટન્સ-અંતર આવતું ગયું. પહેલાં એના રોજ ફોન આવતા. ધીમે ધીમે એના ફોન ઓછા થયા અને પછી બંધ થઈ ગયા. મેઈલ પરનું ચેટિંગ પહેલાં મોડી રાત સુધી ચાલતું. ધીમે ધીમે ચાર દિવસે – અઠવાડિયે એનો એકાદ મેઈલ આવતો અને તું તારી ફુરસદે જવાબ આપતી થઈ ગઈ. આસ્થા, મેં તને કહ્યું હતું એમ ક્યારેક માણસનો સાચો પરિચય તમને એની ખૂબ નજીક લઈ જાય છે તો ક્યારેક એનો સાચો પરિચય તમને એનાથી દૂર લઈ જાય છે. આ બંને સ્થિતિ માટે ‘સાચો પરિચય’ જરૂરી છે. મેં તને સિંગાપોર મોકલી ત્યારે આ બેમાંથી એક પરિણામ નક્કી હતું. સાથે સાથે તારાં મમ્મી અને દાદી જે માનતાં હતાં એ ભય પણ જોડાયેલો તો હતો જ. તમારું શારીરિક આકર્ષણ તમને નજીક લઈ આવે અને એ પછી વરુણનો સાચો પરિચય તને એનાથી દૂર લઈ જાય તો શું ? પણ બેટા, એટલો ચાન્સ, એટલું રિસ્ક જિંદગીમાં લેવું જ રહ્યું. જો હું તારી પાસે સાચા નિર્ણયની અપેક્ષા રાખતો હોઉં તો એની સામે તું એ નિર્ણય કરી શકે એવી સગવડ અને સમજ આપવી એક પિતા તરીકે મારી ફરજ છે.

સિંગાપોરથી પાછી આવ્યા પછી લગભગ પાંચેક મહિને એક દિવસ તું રડી…. અને તેં મને જે કંઈ કહ્યું તેનાથી હું એટલું ચોક્કસ સમજી શક્યો કે વરુણ વિશેની મારી ધારણાઓ સાવ ખોટી તો નહોતી જ. બેટા, હું જિંદગીમાં અનેક માણસોને મળ્યો છું. એમને નજીકથી ઓળખવાની મને તક મળી છે અને એટલે જ વરુણને મળીને મને એમ લાગ્યું કે એ તારા માટે યોગ્ય જીવનસાથી નથી. ખોટા પડવાથી જગત ઉથલપાથલ થઈ જતું નથી. આવું હું પહેલેથી માનતો આવ્યો છું. આપણે કેવળ માણસ છીએ અને આપણે મોટા ભાગે હૃદયથી નિર્ણયો કરીએ છીએ. પુખ્તતા એટલે એક પ્રકારની સમજદારી. માત્ર ઉંમર વધવાથી પુખ્તતા આવતી નથી. પુખ્ત થવાનો મતબલ છે વ્યક્તિ હવે અતિભાવુક કે બેવકૂફ નથી. હૃદયની સાથે સાથે એ એના મગજનો ઉપયોગ કરી શકે છે. ભલું-બૂરું સમજી શકે છે અને બેટા, તને સાચું કહું તો પ્રેમ કરવા માટે બહુ મોટી હિંમતની જરૂર હોય છે. કારણ કે પ્રેમની મૂળભૂત જરૂરિયાત છે ‘સ્વ’ ને છોડીને, અહંકાર તથા અહમને છોડવાની. અહંકારને છોડીને સામેની વ્યક્તિ સુધી પહોંચવાની આપણામાં હિંમત જ નથી હોતી. અહમને છોડવો એટલે વ્યક્તિત્વનો ત્યાગ કરવો એવું નથી જ. પરંતુ સામેની વ્યક્તિ તમને પ્રેમ કરે છે એ વાત પણ તમારા અહમને પોસતી વાત છે અને એથી જ કદાચ માણસ એકલા પડવાના પર્યાયરૂપે પ્રેમ કરતો થઈ જાય છે. તમે તમારા અહમને પોસવા માટે જ્યારે પ્રેમ કરો છો ત્યારે એમાં જૂઠ છે, તમે સામેની વ્યક્તિને જે ગમે તેવા બનવાનો પ્રયત્ન કરો છો, પરંતુ તેવા તમે હોતા નથી. એટલે એ ચહેરો લાંબા સમય સુધી રહેતો નથી…. અને એ ચહેરો ચીરાઈને જ્યારે તમારો સાચો ચહેરો સામેની વ્યક્તિને દેખાય છે ત્યારે તમે ઓળખાઈ જાવ છો અથવા ઓળખી જાવ છો !

તારા અને વરુણની બાબતમાં આવું જ બન્યું. એણે તને જે ગમતું હતું તે દેખાડવાનો પ્રયાસ કર્યો, પણ એ એનો મૂળભૂત સ્વભાવ નહોતો. એટલે ટકી શક્યો નહીં અને સમય સાથે તું એને ઓળખી ગઈ…. એનો સાચો ચહેરો નજર સામે આવ્યો ત્યારે તને સમજાયું કે તું ‘આ’ વરુણને પ્રેમ નથી કરતી. તું તો ‘એ’ વરુણને પ્રેમ કરતી હતી, જે તેં ધાર્યો હતો, કલ્પ્યો હતો અથવા માની લીધો હતો. બેટા, પ્રેમ આવેશ નથી, કોઈ એક વ્યાખ્યામાં બાંધી શકાય એવી વ્યાખ્યા નથી. કોઈ એક પ્રકારની સંવેદના નથી. ‘પ્રેમ’ તો ઊંડી સમજ છે. – એવી સમજદારી, જેનાથી તમે પૂર્ણ બનો છો તમારી અંદરની અધૂરપ કોઈક પૂરી કરે છે. તમારી જિંદગીમાં કોઈ એક વ્યક્તિના આવવાથી તમારામાં કશુંક ઉમેરાય છે. તમે જેવા છો તેવા જ રહી શકો, અને સામેની વ્યક્તિ તમને એવા જ રહેવા દે એનું નામ પ્રેમ.

તેં મને રડતાં રડતાં કહ્યું કે, ‘લગ્ન બધું ખતમ કરી નાખે છે….’ પણ બેટા, લગ્ન કશું જ ખતમ કરતું નથી. લગ્ન તો કેવળ તમારી અંદર જે ધરબાયેલું છે એને બહાર લાવે છે. જો તમારી અંદર પ્રેમ છે તો લગ્ન પછી એ બહાર આવશે. પરંતુ તમારો પ્રેમ જો દંભ કે દેખાડો છે, સામેની વ્યક્તિને જીતવા માટેની લાલચ કે પ્રલોભન છે, તો વહેલું-મોડું એ બધું અદશ્ય થવાનું જ છે. વાસ્તવિકતાના પાયા પર રચાયેલો સંબંધ હંમેશાં મજબૂત હોય છે અને શાશ્વત પણ. ખલીલ જિબ્રાન કહે છે કે, ‘એક જ છતને આધાર આપતા બે સ્તંભ બનો. એકબીજા ઉપર સ્વામીત્વ સ્થાપવાનું શરૂ ના કરો. બીજાને સ્વતંત્ર રહેવા દો. એકબીજાની વચ્ચે સલામત અંતર જાળવી રાખો અને છતાં એક જ છતને આધાર આપો. તમારી ઉપરની એ છત અને તમારી વચ્ચેનું સલામત અંતર – તમારી સ્વતંત્રતા એ જ સાચો પ્રેમ છે.’

બેટા, આજે મને ખૂબ આનંદ છે કે તું નમનને મળવા તૈયાર થઈ. વરુણ સાથેનો સંબંધ તૂટ્યા પછી તેં લગ્ન કરવાની જ ના પાડી દીધી. થોડા સમય માટે મને લાગ્યું કે તું કદાચ સાચે જ લગ્ન નહીં કરે. અમે પણ તને તારી રીતે જીવવા દીધી. દરેક ઘાને રુઝાતા એક ચોક્કસ સમય લાગતો હોય છે અને એ સમય દરેક વ્યક્તિને મળવો જોઈએ. વરુણ સાથેનો સંબંધ તારો પહેલો સમજદારીથી કરાયેલો પ્રેમ હતો. એટલે એ તૂટ્યાનો અફસોસ તને હોય એ હું સમજી શકું છું અને એટલે જ કોઈ પણ પ્રકારનું દબાણ કર્યા વિના અમે તને તારી જાત સાથે છોડી દીધી. તું નમનને મળવા તૈયાર થઈ ત્યારે પણ તારાં દાદી અને મમ્મીના આગ્રહને વશ થઈ હતી એવું મને તો સમજાતું જ હતું…. મેં નમનને ફોન કરીને બધું જ જણાવ્યું હતું. એ પછી પણ નમને તને મળવાનો આગ્રહ રાખ્યો અને હવે બરાબર સત્તર દિવસ પછી તું અને નમન જીવનસાથી બનવાના છો એ વાત ખરેખર આનંદદાયક છે.

બેટા, નમન ખૂબ સમજદાર છે અને હું જિંદગીના અનુભવે એવું શીખ્યો છું કે પ્રેમ કદાચ થોડો ઓછો હોય તો જીવી શકાય છે, પરંતુ સમજદારી ઓછી હોય તો જીવન અઘરું થઈ જાય છે. તમારી અંદર જ્યારે છલોછલ સુખ હોય ત્યારે જ તમે બીજાને સુખ આપી શકો. તમારું પેટ ભરેલું હોય – તમે પરિતૃપ્ત હો તો જ બીજાના ભોજનનો કે બીજાના સુખનો વિચાર થઈ શકે… આ માનવસ્વભાવ છે અને એટલે જ માણસે પોતે પોતાનું સુખ છલોછલ માણી લેવું જોઈએ. એ પછી જ બીજાના સુખનો વિચાર કરવો જોઈએ. પ્રેમ લગ્ન પછી ખતમ થતો નથી. નવા સ્વરૂપે પ્રગટે છે. જે જાણતા નથી કે પ્રેમ શું છે એમનો પ્રેમ લગ્ન પહેલાં કે પછી, હોતો જ નથી…. જ્યારે પ્રેમને સમજનારા લોકો એકબીજાની સાથે પાંગરે છે, વિકસે છે, સુખી થાય છે અને સમાજને સુખ આપે છે. પ્રેમનો પહેલો પાઠ એ છે કે પ્રેમ માગવાની નહીં, આપવાની વસ્તુ છે. પરિણામની રાહ જોયા વિના પ્રેમ કરવાનું શરૂ કરો ત્યારે તમને સમજાય છે કે તમે જે શોધતા હતા એ તો તમારી અંદર જ છે. પાણીમાં પડીને જ તરતા શીખી શકાય એવી રીતે પ્રેમમાં પડીને જ પ્રેમ કરતા શીખી શકાય. લગ્ન અને પ્રેમ એકબીજાથી જુદા નથી. બેમાંથી કશું જ પહેલાં કે પછી નથી…. બંને એકબીજાનો હાથ પકડીને ચાલતી બે એવી બાબતો છે, જેને એકબીજાથી છૂટી પાડીને જોવી અસંભવ છે. જન્મ ભૂતકાળ છે, લગ્ન વર્તમાનકાળ છે અને મૃત્યુ ભવિષ્ય…. ભૂતકાળ પર આપણો કાબૂ નથી, ભવિષ્ય આપણે જાણતા નથી તો વર્તમાનને ચાહીને, સમજીને સ્વીકારીને ઉત્તમ શા માટે ના જીવવું ?

લગ્નની વેદી અને ચિતા – બંનેમાં અગ્નિ છે, પરંતુ એક અગ્નિ બે વ્યક્તિઓને એકમેક સાથે જોડે છે, જ્યારે બીજો અગ્નિ વ્યક્તિને આ જગતથી વિમુખ કરી, શરીરની બહાર, જગતથી દૂર લઈ જાય છે. સપ્તપદીના સાત મંત્રો :
ૐ ઈષ એકપદી ભવ ॥
ઈશ્વરની કૃપાથી સૌભાગ્ય શક્તિ મળે.
ૐ ઊર્જે દ્વિપદી ભવ ॥
ઈશ્વરની કૃપાથી એકબીજા વડે બળવાન થઈએ.
ૐ રાયસ્પોષાય ત્રિપદી ભવ ॥
ઈશ્વરની કૃપાથી ધનધાન્યનું પોષણ કરીએ.
ૐ માયોભવ્યાય ચતુષ્પદી ભવ ॥
ઈશ્વરની કૃપાથી અમે એકબીજાને સુખી કરીએ.
ૐ પશુભ્ય પંઝચપદી ભવ ॥
ઈશ્વરની કૃપાથી સાથે મળીને અમે પશુપ્રજા પાલન કરીએ.
ૐ ઋતુભ્ય: ષટપદી ભવ ॥
ઈશ્વરની કૃપાથી ઋતઋતુઓનાં સુખ ભોગવીએ.
ૐ સખ્યાય સપ્તપદી ભવ ॥
ઈશ્વરની કૃપાથી મૈત્રી સાધીને એકબીજાને અનુસરીએ.

બેટા, સપ્તપદીના પહેલા છ મંત્રો પતિ-પત્નીના જુદા જુદા સંબંધોની વાત કરે છે. પરંતુ સાતમો અને છેલ્લો મંત્ર મિત્રતાની વાત કરે છે. અને મિત્રતા એટલે દોસ્તી… દોસ્તીમાં ક્યારેય અપેક્ષા નથી હોતી, ઉપેક્ષા નથી હોતી ! મૈત્રી એક અકસ્માત હોય છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે, ખાસ સમયે મિત્રતા કેમ થઈ જતી હોય છે ? ત્યાં લેવડ-દેવડનાં બધાં જ ત્રાજવાં નકામાં કેમ ઠરતાં હોય છે ? પતિ અને પત્ની જેવા શબ્દો વાપરવાને બદલે ‘સ્પાઉસ’, ‘લાઈફ પાર્ટનર’ કે ‘બેટરહાફ’ જેવા શબ્દો વાપરવા વધુ યોગ્ય નથી ? એકબીજાની સામે જોયા કરવા કરતાં એક દિશામાં જોવું શ્રેષ્ઠ નથી ? એકબીજાની સાથે હરીફાઈ કરવાને બદલે એકબીજાની સાથે રહીને આ જગતની હરીફાઈમાં એકબીજાની મદદ કરવી વધુ જરૂરી નથી ?

પતિ-પત્ની વચ્ચે જ્યારે મિત્રતા હોય – મૈત્રી હોય, દોસ્તી હોય ત્યારે અહમ નથી રહેતો અને જ્યાં અહમ નથી રહેતો ત્યાં પ્રેમ આપોઆપ આવીને વસે છે. મિત્રતા એટલી મૂલ્યવાન છે કે કોઈ પણ સંજોગોમાં ટકવી જોઈએ. લગ્નને બંધનને બદલે એકબીજા સાથેની જીવનભરની દોસ્તી માનશો તો ખૂબ સુખી થશો એવું મારું તમને વચન છે. માનવજીવનમાં આઝાદીનું મૂલ્ય સર્વોચ્ચ છે અને જો એકબીજાને આઝાદી આપીને એકબીજા સાથે એક છત નીચે ઊભેલા બે સ્તંભની જેમ જીવી શકશો તો જ એક સુખી કુટુંબની રચના કરી શકશો.

તું જઈશ પછી આ ઘર ખાલી થઈ જશે. મારું મન આ ઘડીએ પણ તારા જવાના વિચારમાત્રથી ખળભળી ઊઠે છે. નમનને મળ્યા પછી મને એક વાતનો સંતોષ છે કે હું તારા માટે જેવો પતિ શોધવા માગતો હતો એવો આ છોકરો છે… ભૂતકાળના પડછાયાને લૂછીને એની સાથે નવેસરથી નવો સંબંધ જોડવાનો પ્રયાસ કરજે. ક્યારેય વીતી ગયેલી વાતોને પોતાના ખભા પર લઈને જીવનારા સુખી થઈ શકતા નથી. વરુણ અને નમન જુદા છે એટલે એમને બે જુદી વ્યક્તિઓ તરીકે જ જોજે અને ઓળખજે. જિંદગીનો એક અનુભવ કડવો કે ખરાબ હોય એનો અર્થ એવો નથી જ કે જિંદગીના બીજા અનુભવો પણ એવાં જ હોય અને સાચું કહું તો વરુણ પાસે એની પોતાની દુનિયા છે. એ જે રીતે વર્ત્યો તે રીતે વર્તવા માટે એના પોતાના કારણો પણ છે જ. એથી એને પણ માફ કરી દઈને નવી દુનિયામાં, નવા વાતાવરણમાં જીવવાનો પ્રયાસ કરજે. કોઈ માણસ ક્યારેય ખોટો નથી હોતો. એના સંજોગો એને અમુક રીતે વર્તવા બાધ્ય કરે છે. વરુણની સાથે થયેલો સંબંધનો અનુભવ કડવાશથી જોવાને બદલે હળવાશથી જોજે. મને લાગે છે કે એનાથી ઘણા બધા સવાલોના જવાબો આપોઆપ મળી જશે. નમનની સાથેના સંબંધને નવેસરથી મૂલવજે….

ખભા ઉપર તૂટેલાં સંબંધનો ભાર લઈને ફરતા લોકો ક્યારેય નવા સંબંધને માણી શકતા નથી. બેગમાં કંઈ ગોઠવવું હોય તો પહેલેથી ભરેલી વસ્તુઓને ખાલી કરવી પડે, એવી જ રીતે મનમાં ભરેલી વાતોને ખાલી કરીને કોઈ પ્રકારના બેગેજ વિના નમન સાથેનો સંબંધ જોડવાનો પ્રયત્ન કરજે. જિંદગી ખૂબ સુંદર છે અને માનવીય સંબંધો અનેક રંગવાળા મેઘઘનુષ જેવા. દરેક રંગને પોતાની આગવી ચમક છે, પોતાનો આગવો અર્થ અને પોતાની આગવી ઓળખ છે…. સંબંધને પણ એકબીજાથી છૂટા પાડીને અનુભવવાનો પ્રયાસ કરજે. તારા આજના જન્મદિવસે તને મારે એટલું જ કહેવું છે કે જિંદગીનો એક નવો વળાંક હવે શરૂ થવાનો છે. સૂરજ ઊગવાની તૈયારી છે તો રાતને ભૂલીને ઊગતા સૂરજ તરફ જોજે…. ઉજાસ આપોઆપ ફેલાઈ જશે. આ ઘરમાં આજે તારો છેલ્લો જન્મદિવસ ઉજવાશે, કદાચ… આવતા વર્ષે તું અમારી સાથે નહીં હોય એમ પણ બને અને છતાં તારો જન્મદિવસ અમારા માટે એટલો જ અગત્યનો હશે… એટલા જ આનંદનો દિવસ અને અમે કદાચ આવી જ રીતે ઉજવીશું ! તું ત્યાં નમન સાથે આ દિવસ ઉજવીશ… અમે અહીં તને યાદ કરીશું.

હેપ્પી બર્થડે એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ….
(સંપૂર્ણ)
*******

લેખિકાના બે બોલ :

પિતા-પુત્રીના સંબંધો કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલ’થી શરૂ કરીને ચંદ્રકાન્ત બક્ષીના ‘પ્રિય નિકી’ સુધી અનેક જુદી જુદી રીતે આલેખાતા રહ્યા છે. પુત્રી કદાચ પિતાની જિંદગીની છેલ્લી સ્ત્રી હોય છે ! પિતાએ પુત્રીને લખેલા આ પત્રો એક એવા નાજુક સંબંધના બદલાતા રંગોને આલેખવાનો પ્રયાસ છે.

મારે ઘણા પુરુષમિત્રો છે, સાચું કહું તો વધારે પુરુષમિત્રો જ છે. એમાંના ઘણા બધા દીકરીના પિતા છે. જે.ડી. મજીઠિયા – જે જાણીતા અભિનેતા અને નિર્માતા છે. એને બે દીકરીઓ છે – કેસર અને મિસરી…. એણે એક વાર કહેલું, ‘મારી દીકરી લગ્ન કરવાનું નક્કી કરશે ત્યારે હું કેવું રિએક્ટ કરીશ એની મને નથી ખબર.’ વિજય રણાલકર અને ગૌરી રણાલકર મારાં માસીસાસુ અને માસાસસરા થાય. એમણે એમની દીકરીઓ પલક અને આશ્કાને જે રીતે ઉછેરી છે એ જોતાં એમના ઉછેર પર ગર્વ થાય એવું છે. ડૉ. બિપીન નાયક અને પ્રીતિ નાયક – મારા ભાઈ-ભાભી… એમની દીકરીઓ લારા અને લજ્જાને મેં ઉછરતા જોઈ છે અને એ ઉછેરમાંથી હું ઘણું શીખી છું. આરતી પટેલ અને સંદીપ પટેલ – મારા મિત્રો. એમની દીકરીઓ આરોહી અને સંજના, મારા બીજા ભાઈ અનંતની દીકરીઓ પ્રિયમ અને પ્રાચી…. મારી નણંદ નીતાની બે દીકરીઓ – શૈલજા અને ખુશી…. દરેક વખતે મને બે દીકરીના માતા-પિતાની મીઠી ઈર્ષ્યા આવે !

મેં હંમેશાં જોયું છે કે દીકરો ઝંખતા ઘણા મા-બાપ સમયાંતરે એવું સ્વીકારતા થયા છે કે એમની દીકરી જ એમનું વધારે ધ્યાન રાખે છે. અંગ્રેજીની એક કહેવત છે, ‘અ સન, ઈઝ અ સન, ટીલ હી બ્રિંગ્સ હોમ હીઝ વાઈફ, અ ડોટર, ઈઝ ડોટર, ઓલ યોર લાઈફ !’ આ વાત કોઈ દીકરાઓને ઉતારી પાડવા કે દીકરાઓ એમના માતા-પિતાનું ધ્યાન નથી રાખતા એવું કહેવા માટેની નથી, પણ અગત્યની વાત એ છે કે લગ્ન કરીને બીજા ઘરમાં ગયેલી દીકરી પણ માતા-પિતા માટે સતત જીવ બાળતી રહે છે. એનાથી ન પહોંચાય તો પણ દોડી દોડીને એમના સારા-ખરાબ પ્રસંગે એમની મદદમાં હાજર રહે છે. પુરુષ સ્વભાવે જ સહેજ બેજવાબદાર અને બેદરકાર છે. ખાસ કરીને લાગણીઓની બાબતમાં ‘અભિવ્યક્તિ’ એ પુરુષની ફાવટ નથી ! એક દીકરો બાર વર્ષે જેટલી આસાનીથી પોતાની વસ્તુઓ રખડતી મૂકીને હોમવર્ક કર્યા વિના રમવા ભાગી જઈ શકે એની સામે દીકરી માને શાક સમારવામાં મદદ કરે, વાસણ ઘસી નાખે કે પોતાની વસ્તુ સાચવીને મૂકે…. આ એની પ્રકૃતિ છે.

પિતા-પુત્રીના સંબંધો પર ઘણું લખાયું છે. ઘણા પિતાઓએ પોતાની પુત્રી પર લેખો લખ્યા છે. જેમાં ‘દીકરી એટલે દીકરી’ અને ‘દીકરી વહાલનો દરિયો’ જેવા સુંદર સંગ્રહો ગુજરાતી ભાષાને મળ્યા છે. પુત્રીઓએ પિતા પર લખેલા લેખોનો ઉત્તમ સંગ્રહ ‘થેન્ક યૂ પપ્પા’ મારા પતિ સંજયે સંપાદિત અને પ્રકાશિત કર્યો છે. એ લેખો વાંચતી વખતે મને સમજાયું કે ઘણા બધા પિતા પોતાની પુત્રીઓ સાથે ઘણું બધું વહેંચવાનું ભૂલી ગયા… દીકરી મોટી થઈ ગઈ, પણ પિતાના મનની વાત મનમાં જ રહી ગઈ ! મારો ઉછેર પણ એક ગુજરાતી કુટુંબની દીકરી તરીકે શ્રેષ્ઠ ઉછેર કહી શકાય, પરંતુ મારા પિતા સાથેના સંવાદો આંગળીના વેઢે ગણી શકાય એટલા ઓછા પ્રસંગોએ અને એટલાં ઓછાં વાક્યોમાં થયા છે. અમે એકબીજાને ખૂબ ચાહીએ, મહદઅંશે એકબીજા જેવા… પણ સામસામે બેસીને ‘વાતો’ કરવાના પ્રસંગ અમે બંને શોધી શક્યા નહીં !ક્યારેક સમયના અભાવે, ક્યારેક શબ્દના અભાવે, ક્યારેક આવડતના અભાવે તો ક્યારેક અભિવ્યક્તિના અભાવે પિતા-પુત્રીનો સંવાદ જે રીતે થવો જોઈએ એ રીતે થઈ શક્યો નહીં. ખાસ કરીને ગુજરાતી ભાષામાં આવું કશું લખાયું નથી. જવાહરલાલ નેહરુના ‘લેટર્સ ટુ ઈન્દુ’ અંગ્રેજી ભાષાનું એક ઉત્તમ નજરાણું છે.

વાત શરૂ થાય છે…. મારા એક મિત્રના એની પુત્રીના સાથેના સંબંધથી ! આસ્થા એની દીકરીનું નામ – મારા મિત્રનું નામ વત્સલ પટેલ. એ મને હંમેશાં કહ્યા કરે કે, ‘મારે આસ્થાને ઘણું બધું કહેવું છે, પણ કઈ રીતે કહેવું એ મને સમજાતું નથી !’ સમયાંતરે એ આસ્થા વિશેના પ્રશ્નો મને પૂછે, હું એક દીકરી તરીકે – સ્ત્રી તરીકે મને સૂઝે તેવા, સમજાય તેવા જવાબો આપું…. એ દલીલો કરે – એક પુરુષ તરીકે, એક પિતા તરીકે ! અમારી વચ્ચેનો આ સંવાદ મને દોરી ગયો આ પત્રો લખવા સુધી. મને લાગ્યું કે મોટા ભાગના પિતા – ખાસ કરીને પુરુષ હોવાને કારણે એમની ઋજુ વાતો, દીકરી માટેની લાગણી, એના અંગેની ચિંતા અને કાળજી…. આ જગતને પુરુષની નજરે જોવાથી એમને અકળાવતા ભય અને ઊઠતા સવાલો સીધેસીધા પોતાની દીકરી સાથે ચર્ચી શકતા નથી. કિન્નરી પરીખ અને ડૉ. શિરીષ પરીખ – વલ્લભી એમની દીકરી. વલ્લભીને શિરીષભાઈએ લખેલો પત્ર મારી આંખ ભીંજવી ગયો, મને લાગ્યું કે દરેક પિતાને આવો પત્ર લખવાની ક્યારેક ને ક્યારેક તો ઈચ્છા થઈ જ હશે. આ પત્રો એ બધી જ લાગણીઓને સ્પર્શવાનો નમ્ર પ્રયાસ છે.

હું હૃદયપૂર્વક સ્વીકારું છું કે આ પત્રો લખતી વખતે મેં બની શકે એટલો વધારે એક પિતા અથવા પુરુષની જેમ વિચારવાનો પ્રયાસ કર્યો છે. મારા આ તમામ મિત્રો, ભાઈઓ અને સગાંઓને પ્રશ્નો પૂછ્યા છે અને આ પત્રો સર્જાયા છે. લખાઈ ગયા પછી જાણીતા સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીને એ વાંચવા આપ્યા – એમને પણ બે દીકરીઓ છે – ઉત્સવી અને વલ્લભી. ડૉ. ભીમાણીએ આ પત્રો કાળજીપૂર્વક વાંચ્યા, નાનાં-મોટાં સૂચનો કર્યાં. હું સામાન્ય રીતે મારું લખાણ રિ-રાઈટ કરતી નથી. પરંતુ આ પત્રો ત્રણ વાર ફરી ફરીને લખાયા છે અને કદાચ એટલે જ ઘૂંટાયેલા લખાણમાંથી લાગણી ટપકે છે.

આજના સમયમાં જ્યારે સંતાનો માટે ‘સમય નથી’ કહીને, વસ્તુઓથી પોતાની ગેરહાજરીના અભાવનો એકાઉન્ટ ‘સેટલ’ કરતાં માતા-પિતાની સંખ્યા વધતી જાય છે ત્યારે આ લખાણ કદાચ કોઈ પિતાને પોતાની પુત્રીને પત્રો લખવા પ્રેરણા આપે, પ્રોત્સાહિત કરે કે પ્રયત્ન કરવા તરફ લઈ જાય તો હું એક પુત્રી તરીકે એ પિતાનો આભાર માનીશ.

લિ.
કાજલ ઓઝા વૈદ્ય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગણિતનો વર્ગ – ગિરીશ ગણાત્રા
અભિશાપ – જોસેફ મેકવાન Next »   

37 પ્રતિભાવો : વ્હાલી આસ્થા – કાજલ ઓઝા વૈદ્ય

 1. Neal says:

  am totally agree with what kajalben said i have 5 sister but more than me they take care of my parents….been away frm family from quite a few years nows but they stands with them anytime…પેલી કહેવત છે ને “દિ વાળે ઈ દિકરી”….

 2. orchid says:

  Excellentttttttttttttttttttttttttttttt.i am impressed.The most beautiful relationship in a world .

 3. Ravi Ponda says:

  really Amzing Article..
  please write on son and father relationship..also

 4. ZANKHANA says:

  realy excellent artical on relationship beetwin father b& daughter. i also agry with kajalben.

 5. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.. પિતા પુત્રીના સંબંધોની નાજુકાઇ ને ખુબ સરસ રીતે પત્ર સ્વરુપે આલેખી છે.

 6. Dipak says:

  very nice & tuochy article.in many families,it is a reality.thanx Kajalben.

 7. Dhaval B. Shah says:

  ખૂબ સરસ.

 8. Pratik says:

  is there any need to “comment” on this article…..????
  it’s superb.!!!!

 9. Rupal says:

  This is very nice, touchy and expressive article. Thank you Mrugeshbhai putting this article in Readgujarati. Kajalben is my favorite author. Thank You Kajalben.

 10. કેયુર says:

  કોમેન્ટ લખવા માટે શબ્દો મળતા નથી. ખુબ જ સરસ.
  કાજલજી ની કલમનું નવું પાસુ માણવા મળ્યુ.

  કેયુર્

 11. Payal says:

  પ્રેમ કદાચ થોડો ઓછો હોય તો જીવી શકાય છે, પરંતુ સમજદારી ઓછી હોય તો જીવન અઘરું થઈ જાય છે.
  such powerful words. excellent article!!

 12. nayan panchal says:

  અદભૂત લેખ.

  I am speechless, simply amazing. One of the best articles of Readgujarati.

  Thanks a lot.

  nayan

 13. Chirag Patel says:

  What a wonderful story! Its simply amazing and yes I am speechless. As I was reading though the story, I was thinking about my one year old daughter and how my wife the other day just said it jokeling that we have to find a nice boy for my Shiva – I couldnt bare it and I picked up my little one and hugged her and cired to thinking that she will be leaving us one day!

  Thanks,
  Chirag Patel

 14. Urmi Trivedi says:

  Dear Kajalben,

  It ‘s awesome. You put lots of fathers feelings in words.

  Thanks Tons.

  Best regards
  urmi

 15. Aditi says:

  પ્રેમ કદાચ થોડો ઓછો હોય તો જીવી શકાય છે, પરંતુ સમજદારી ઓછી હોય તો જીવન અઘરું થઈ જાય છે. તમારી અંદર જ્યારે છલોછલ સુખ હોય ત્યારે જ તમે બીજાને સુખ આપી શકો……………..Really very nice and touchy….

 16. sweta says:

  Kajalben,

  It’s a wonderful article . You just said everything in so easy language what every father wants to tell her daughter.I do not have words to praise you for this.

  Thanks for this,
  Sweta.

 17. Vinod Patel says:

  Fathers can make such a difference in their daughters’ lives. But often, girls are overlooked as fathers develop special bonds with their sons. Fathers are the first male that a girl knows, and the relationship with him sets the tone for all male-female relationships she will have in the future. Fathers are role models for their daughters. This is the most awesome article and it is the most timely article to benefit me personally. Thank you kajalben.

  Vinod Patel
  USA

 18. Veena Dave says:

  Very touching article.

  Thanks Kajalben.

  Veena Dave
  USA

 19. Deepal says:

  ખરેખર બહુજ સરસ ચ્હે its really nice articals i m speekless about this articals
  its really really nice & amazing

  Deepal

 20. Urvi Pathak says:

  ખૂબ જ સુંદર….

 21. rutu says:

  really its very nice. and i dont have words to write but the best relationship is between the father and the daughter.

 22. sima says:

  કહેવત છે “દિ વાળે ઈ દિકરો”….

 23. Jaydev says:

  excellent artical. .

  પ્રેમને સમજનારા લોકો એકબીજાની સાથે પાંગરે છે, વિકસે છે, સુખી થાય છે અને સમાજને સુખ આપે છે. પ્રેમનો પહેલો પાઠ એ છે કે પ્રેમ માગવાની નહીં, આપવાની વસ્તુ છે.

  ‘પ્રેમ’ તો ઊંડી સમજ છે. – એવી સમજદારી, જેનાથી તમે પૂર્ણ બનો છો તમારી અંદરની અધૂરપ કોઈક પૂરી કરે છે. તમારી જિંદગીમાં કોઈ એક વ્યક્તિના આવવાથી તમારામાં કશુંક ઉમેરાય છે. તમે જેવા છો તેવા જ રહી શકો, અને સામેની વ્યક્તિ તમને એવા જ રહેવા દે એનું નામ પ્રેમ.

  Astha na vicharo ne ena vicharo ni disa maj ena papa e risk lai ne astha ne sachi paristhiti thi avgat karavi ne Astha ne sachi disa ma vadi. .

 24. vandana shantuindu says:

  putrine sapno bharo samaznar darek ma-bape vachava jevo lekh.

  દેી

 25. manish sonpal says:

  kajal saras lakhe chhe.she knows what 2 write,where 2 write,when2 write,how 2 write.kavita bhav nu laghavroop chhe. to mare kahevu padse aakho patra kavita chhe. ek pan aksar vadhare ke ochho karva jevo nathi

 26. SAKHI says:

  It is a Beautiful Artical

  Kajal ben you mention in this artical about Nehru write a letter “Letters to Indu”

  If oy have can you please post I really want to read .Even any other artical like

  this I really love to read .

  Thank you so much

  Sakhi

 27. VIJAY CHHABDA says:

  KAJALBEN, ALL WRITER ARE WRITING RELATION ABOUT DAUGHTER, WHY NOT ABOUT SON ? I HAVE NO SISTER AND I HAVE ONLY SON (SUJAY) WHO IS 15 YEARS. WE HAVE ALSO EMOTIONS. WHEN I HEARD “DIKARI VAHAL NO DARIYO”. I FILL AS SON OF MY PARENTS I AM “DIKARO PREM NO MAHASAGAR”.
  SURE DAUGHTER (FEMALE) HAVE SOME GOOD TECHNIQ TO SHOW EMOTION BRU WRITE SOMETHING ABOUT SON ALSO.

  LAST WEEK GIVEN PHONE CALL ABOUT “DARIYO EK TARAS NO”.

  VIJAY CHHABDA
  MEHSANA.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.