અભિશાપ – જોસેફ મેકવાન

હમણાં અમદાવાદમાં રચનાત્મક પ્રવૃત્તિમાં ડૂબેલી અને ગરીબોના અભ્યુદયને વરેલી એવી એક વખતની મારી વિદ્યાર્થીનીના ઘેર જવાનું થયું. એના પ્રેમાગ્રહથી સાંજનું વાળુ એની સાથે લેવાનું સ્વીકાર્યું. લગભગ પાંચેક વાગ્યે સાયંકાળે હું એને ત્યાં પહોંચ્યો હતો. એ વીતેલાં વર્ષોની સ્મૃતિઓની વણઝારોમાં અને રસોઈમાં તલ્લીન હતી અને હું એને સાંભળતો સાંભળતો બરાબર એની સામેના જ એક બીજા મજલાના આવાસ તરફ તાકી રહેલો. અલબત્ત, એની વાતોનો હોંકારો હું દેતો, પ્રશ્નોના જવાબ પણ આપતો; પરંતુ એક વિલક્ષણ બાબતે મારી દષ્ટિ પેલા બીજા મજલાની બારી તરફ ખેંચી રાખેલી.

ત્યાં પેલી બારીમાં હતી બે ઉદાસ છતાંયે માસૂમ કીકીઓ ! રૂપકડું મુખડું, નમણું ચિબૂક, પ્રશસ્ત ભાલ અને ભિડાયેલા રહેતા કોમળ-કોમળ ઓષ્ઠદ્રય. ત્રણેક વાર અમારાં બંનેનું તારામૈત્રક રચાયું હતું. એ સુંદર ચહેરાને સુપેરે નીરખવા જ મેં મારી ખુરશી અમારી બારીની લગોલગ ખસેડી. પ્રથમ વાર અમારી આંખો મળી ત્યારે હું એને જ ટીકી રહ્યો છું એવો એને વિશ્વાસ નહોતો આવ્યો અને ખરેખર હું એને જ નીરખી રહ્યો છું એની ખાતરી મેળવવા એણે નજરો ત્રાંસી કરીને આંખોના ખૂણાઓથી મારી નજરને પારખવા પ્રયાસેલું. ક્ષણેક મને એવું મહેસુસાયું કે, એને પતિયાર નથી પડ્યો. પરિણામે એ નાજુક-નજાકત પેલા ઓરડાના ઊંડાણમાં ઓગળી ગઈ, પણ ઉત્સુકતાને કોણ રોકી શકે ? અને આ તો ક્રીડાતું કૌતૂહલ ! ફરીને એક વાર એ આકાર બારી મોઝાર આવ્યો. આ ફેરા એણે મારા પ્રતિ લોચન ના માંડ્યાં; માત્ર ખાતરી જ કર્યા કરી કે, ખરેખર મારાં લોચન એનામાં જ રમમાણ છે ! ને એને પતીજ પડી – કદાચ પ્રતીતિ લાઘી ગઈ કે હું તો બસ એને જ અવગાહી રહ્યો છું ત્યારે જાણે કે કોઈ અણકલ્પ્યા ઉમંગની ઉલ્લાસલહરી એના અણુએ અણુમાં પ્રકંપિત થઈ ઊઠી. એ ઉલ્લાસમાં જ એનાં ચરણોમાં ચેતના સ્ફુરી ને ફરી એ અસ્તિત્વ ગુફા સરીખા લાગતા પેલા ઓરડામાં ઓઝલ થઈ ગયું.

મને જરાક ગ્લાનિ થઈ. મહાનગરની ઊંચેરી અટ્ટાલિકાઓની પછવાડે સૂરજદેવને સંતાવું પડતું હતું અને સમયથીયે વહેલેરાં સંધ્યારાણીનાં નૂપુર પ્રકાશને અલવિદા દઈ રહ્યાં હતાં. મને થતું હતું, હવે આછેરા ઉજાસમાં પેલી કીકીઓમાં રમતા અગોચર ભાવને પામવાનું નહીં બને ! ત્યાં જ ફરીને એક વાર એ માંસલ આકાર પેલી બારી વચાળે આવીને ઊભો. અમારું તારામૈત્રક રચાયું. એના મ્લાન હોઠો પર પ્રતીતિ-વિસ્મય હસી ઊઠ્યું. એકધારી સુરેખ દંતાવલિ ચમકી ઊઠી. હળવેથી ડોક હલાવતાં, હાં, હું ખરેખર તને જ નીરખી રહ્યો છું એવી પતીજ બંધાવતાં મેં પાંપણ સ્હેજ નમાવ્યાં અને પછી દોસ્તીનો હાથ લંબાવતો હોઉં એમ નયણાં ઉછાળીને મૌન અભિનયે જ પૂછી બેઠો : ‘કેમ છો ?’ એનું સમગ્ર અસ્તિત્વ જાણે રોમાંચિત થઈ ઊઠ્યું. અણપ્રીછ્યા હરખનો હેલ્લાળો એને હલાવી ગયો અને જાણે હેલ્લાળાનો ભાર એનાથી સહાતો ના હોય એમ ફરીને એણે કાયા સંકેલી લીધી, પેલા ઓઝલ અવકાશમાં !

મારા ચિત્તતંત્રનું સમગ્ર અવધાન સામનેવાલી ખિડકીએ હરી લીધું છે, એ સમજતાં મારી આતિથેયાને વાર ના લાગી. પાતરાં વઘારવાનાં પડતાં મેલીને એ મારી પાસે ધસી આવી.
‘શું જુઓ છો ?’
‘તું દરરોજ જેને નિહાળતી હોઈશ !’
‘જોવા જેવી હસ્તી છે, નહીં ?’
‘દર્શનીય !’
‘પણ સર….’ એ કંઈક કહેવા જતી હતી અને એની જોવા જેવી હસ્તી, પુન: એક વાર બારીની વચ્ચોવચ્ચ ફ્રેમમાં મઢેલી તસવીરની માફક ગોઠવાઈ ગઈ. કદાચ, ત્યાં જ આસનસ્થ થવા એણે કંઈક આધાર ગોઠવ્યો હતો. એ બારીમાં અર્ધી જાળી લગાવેલી હતી ને ઉપર અર્ધી ખેસવી શકાય એવી, જે આ પળે ત્યાં નહોતી. પેલી જાળીના ઉપરના ભાગે આડો હાથ ગોઠવીને એના પર પોતાની મુલાયમ ઠોડી ગોઠવીને એ આકાર હવે બરાબર મારી સામે નજરો મિલાવીને બેઠો. થોડેક દૂર નગરપાલિકાની વિદ્યુતસળી ઝબકારા કરી રહી હતી. હું બેઠો હતો એ રૂમમાં મારી યજમાનને મેં બત્તી કરતાં વારી હતી. સામેના ઓરડામાં અંધકાર ગાઢો થતો જતો હતો. વિલાતી જતી સાયંકાળની પ્રકાશરેખાના અંતિમ લસરકામાં મારે પેલી મારા પ્રતિ મંડાયેલી કીકીઓમાંની વેદના વાંચવી હતી ! પણ એ સંભવ નહોતું; ને તેમ છતાં અમે સામસામે નજરો માંડી રાખી : ક્યાંય સુધી, કેટલીયે વાર સુધી. એ મૌન સંલાપમાં જ જાણે કશોક સંવાદ સધાતો જતો હતો ! ને જાણે ના જ રહેવાયું હોય એમ એણે પૃચ્છા કરી નાંખી :
‘અહીં રહેવા આવ્યા છો ?’
મારી યજમાન ધીરેથી બોલી : ‘હા કહો.’ મેં ડોક હકારમાં હલાવી.
‘મહેમાન છો ?’ ફરી પૃચ્છા.
મને સલાહ અપાઈ કે ‘ના કહો.’ પણ અનાયાસે જ હકારમાં માથું હાલી ગયું. સાવ પાતળા પડતા જતા ઉજાસમાં કળાયું તો નહીં, પણ તે છતાં જાણે લાગ્યું કે એના અસ્તિત્વમાં એ પળે જે કશુંક ઉમંગી રહ્યું હતું, ઉમળકા લઈ રહ્યું હતું એના એ લયમાં યતિ આવી ગયો છે !

ને તે છતાં એણે બારી ના છોડી. હું પણ ત્યાં જ ‘એક તમારી આશ’ની ધૂન લગાવીને બેઠો હોઉં એમ સ્થૈર્ય ધારણ કરી રહ્યો. ધીરે ધીરે અંધકારે પ્રગાઢતા ધારણ કરવા માંડી. ટેવાયેલી દષ્ટિની જેમ જ અમે પરસ્પર એ અંધકારને પણ માણી રહ્યાં ને ચિર પ્રતીક્ષાની એકાંતિક ક્ષણોમાં અણચિંતવ્યો ભંગ પડે એમ અમારા ઓરડાની ઘડિયાળમાં સાડા સાતનો ડંકો રણકી ઊઠ્યો. એ સાથે જ સામેના ઓરડામાં ટ્યૂબલાઈટ ઝળહળી ઊઠી ને એક નારી સ્વરે અમારી મૈત્રી સમાધિમાં વિક્ષેપ પાડ્યો.
‘અરે ! હજી બારી બંધ નથી કરી ? બત્તી કરવાનું યે ભાન નથી ! શું કરે છે ત્યાં અંધારામાં, ચાલ ઊઠ !’
ને પહેલી વાર હું અસ્તિત્વ સોતો હાલી ઊઠ્યો. બારીમાં બેઠેલો પેલો આકાર કુદ્ધ થઈ ઊઠ્યો : ‘યુ શટ્ટઅપ્પ સ્ટુપિડ !!’ પેલી સ્ત્રીએ બારી ભડાક કરતી બંધ કરી દીધી, પણ એથી એની ભીતરથી ઊઠતા પડઘા બહાર આવતા ના અટક્યા. પેલો ‘શટ અપ’ કહેનારો સ્વર વધુ ને વધુ તીવ્ર, આક્રોશયુક્ત, આળો અને અમર્યાદ બની જઈ રહ્યો હતો. ક્યારેક એમાંથી ચિસાટો નીકળી જતો હતો, તો ક્યારેક અવરુંદ્ધ ફૂત્કાર !
હું નિસ્તબ્ધ ! મારી યજમાન અચળ !

થોડી વાર પછી પેલા શબ્દયુદ્ધમાં એક પુરુષ સ્વર ભળ્યો. એમાં સમજાવટ હતી, ધીરજ હતી. જાણે પોતે કશીક મહાન ભૂલ કરી રહ્યો હોય એવી સ્વીકૃતિ ને શરણાગતિ હતી. પણ સામેનો સ્વર રુંષ્ટ હતો. હવે એમાં બીભત્સતા ભળતી હતી અને બાસ્ટર્ડ જેવા અભદ્ર સંકેતાર્થો પડઘાતા હતા. છતાં પુરુષ સ્વર સંયત રહેતો હતો, સમજાવટની મથામણ કરતો. પેલો નારી સ્વર લાચારીની, નાદારીની, નિરર્થકતાની વાંઝણી લાગણી ઉમેરતો જતો હતો. થોડી વાર પછી કશીક ચીજ-વસ્તુઓ ફંગોળવાના, પછડાવાના, પ્રહારાવાના આઘાતો બહાર આવ્યા અને પછી એક કોમળ કંઠમાંથી અનરાધાર ફૂટી પડતાં ડૂસકાં ને રૂંધાતા મોજાં ભિડાયેલી બારીની તિરાડોમાંથી બહાર વહી આવ્યાં.

મારી વિદ્યાર્થીની મેરીએ લાઈટની સ્વિચ ઑન કરી.
મારી આંખોમાં વ્યથામઢી કરુણા પૃચ્છાભાવે વહી રહી હતી ! એ ‘ચાલો ત્યારે વાળુ કરી લઈએ’ એવા આગ્રહનંા સાહસ ન કરી શકી. ખુરશી ખેંચીને મારી પાસે બેઠી.
‘અઠવાડિયામાં બે-ચાર વાર આવું બને છે સર ! આજે કૈંક વિશેષ બન્યું છે !’
‘પણ આટલો રૂપકડો ચહેરો, આંખોમાં તો જાણે પારાવાર પ્રેમ ! અને એ જ આટલું કુદ્ધ, આટલું વિકૃત કઈ રીતે વર્તી શકે ?’
‘વર્તે છે સર, મોટે ભાગે. એને આવું વર્તવાની ફરજ પાડે છે !’
‘કોણ ?’
‘અત્યારે એ જેમની સામે સંઘર્ષી રહ્યો છે, એ જ એનાં મા-બાપ !’
‘તું કહેવા શું માગે છે ?’
‘મેંગ્લોરિયન કુટુંબ છે. પતિ-પત્ની અને તમને આકર્ષી ગયેલ દષ્ટિવાળો આઠ-નવ વરસનો એ અબોધ બાળક. બસ, નાનું કુટુંબ સુખી કુટુંબ !!! મા સવારે સાડા સાતે નોકરી પર નીકળી જાય છે તે સાંજે સાડા સાતે પાછી આવે છે. પાંચથી સાડા સાત ટ્યુશનો કરે છે. બાપ સાડા દશે ઑફિસે જાય છે ત્યારે આ છોકરાને સાથે લેતો જાય છે ને અગિયાર વાગે એની સ્કૂલમાં છોડી દે છે. ત્યાંથી એ બે વાગે છૂટે છે. ત્રણેક વાગે ઘેર આવે છે ત્યારે પડોશી એને એના ઘરનું બારણું ખોલી આપે છે. છોકરો અંદર પ્રવેશે એટલે બહાર ફરી પાછું તાળું લાગી જાય છે. એ પછી છોકરો એકલો-અટૂલો પડી જાય છે ! ઢાંક્યું-ઢુબ્યું ખાઈ લે છે. પછી ‘હોમવર્ક’ કરવા બેસે છે. કંટાળી જાય ત્યારે ટી.વી. ચાલુ કરે છે. કવચિત ટી.વી. ચાલુ જ રહે છે અને એ ઊંઘી જાય છે, પણ મોટે ભાગે એને નીંદર ઓછી આવે છે અને કંટાળો અધિક. ત્યારે કોમિક્સ વાંચે છે, પણ એકાંત એને બંદી બનાવી દે છે. એનામાં કોળી રહેલી શક્તિઓ, એના બાળસુલભ હૈયામાં ઊઠતા અસીમ આવેશો, કૂદવાની, છલાંગવાની કે દોટ દઈને દોસ્તને પકડી પાડવાની દિલની દુર્દમ્ય વૃત્તિઓ, વગર પાંખે આસમાનને આંબી જવાના એના મનોરથ ! આ બધ્ધાંનો કચ્ચરઘાણ વળી જાય છે. બાર બાય દશના રૂમમાંથી એ આઠ બાય છના રસોડામાં જાય છે ને ત્યાંથી ફરી એના એ જ ઓરડામાં આવે છે. એ રૂમમાંનો પલંગ, કબાટ, છત નીચે લટકતો પંખો કે સામે ગોઠવાયેલું ટી.વી. એ તમામ પોતાનામાંની નવીનતા ગુમાવી બેઠાં છે એને માટે ! આજીવન કારાવાસના કેદીની ઓરડી; એની દીવાલો અને પેલા સળિયા જેમ કેદીને મન અસ્તિત્વહીન બની જાય છે, એમ જ આ બાળકને માટે એ પુરાયો છે એ રૂમનો પરિવેશ જડ, સંવેદનાશૂન્ય બની ગયો છે. ઓરડાની એક પણ ચીજમાં દિલ નથી પરોવી શકતો. એનાં પુસ્તકો, રમકડાં, કૉમિક્સની પણ એ જ નિષ્પ્રાણ હાલત થઈ ગઈ છે.

બસ રહી ગઈ છે, આ એક જ ખુલી-અધખુલી ખિડકી ! એ અહીં બેસે છે; પણ દુર્ભાગ્ય એ છે કે ત્યાંથી એ નથી ખુલ્લું વિસ્તૃત આકાશ નીરખી શકતો કે નથી નિહાળી શકતો ઉડાન ભરતાં વિહંગોને. કવચિત ઘરઘરાટી કરતું વિમાન ઉપરથી પસાર થઈ જાય છે ત્યારે એ એની નાજુક ડોક ઊંચી કરીને એવો તો ઓશિયાળો બની જાય છે કે મારું હૈયું ફાટી જાય છે. સૌ પ્રથમ આ બારીએ મેં એને જોયો ત્યારથી અમારી ય આવી જ તારામૈત્રકની મૈત્રી છે. હું હોઉં ઘરમાં એ દરમિયાન આ જ બારી પાસે બેસીને એને હું હુલાવવા-ફુલાવવા ને મોજમાં રાખવાના અનેક પ્રયાસો કરી છૂટું છું, પણ મારુંય કામ એવું છે કે અધિક સમય એને નથી આપી શકતી. એ કોરી ખાતી એકલતામાં એ હિજરાય છે; પણ એને માટે કોઈ છૂટકારો નથી. હવે તો ધીરે ધીરે ટેવાઈ ગયો છે, પણ મને ડર છે સર, કે એની આંખોમાં આપણને પરાણેય આકર્ષી રાખતું જે વશીકરણ છે એ ખૂબ જ જલદી ગુમાવી બેસશે. ગમગીન ઉદાસીના ઓછાયા તો હવે ત્યાં વર્તાવા જ માંડ્યા છે !’

સાંભળીને હું કંપી ઊઠ્યો.
‘માય ગોડ ! મેરી ! આ તો અત્યાચાર કહેવાય ! આપણા દેશમાં…. આ….આ….’ હું આગળ ના બોલી શક્યો.
‘આ બધું પરથમવાર જાણ્યા પછી તો હું યે વિચલિત થઈ ગઈ હતી. ના જ રહેવાયું ત્યારે બીજા જ રવિવારે વગર બોલાવ્યે પણ એ ઘરે પહોંચી ગઈ હતી. એની માતા સાથે પરિચય કેળવ્યો હતો અને પછી બંને મા-બાપ સાથે મેં દિલ ખોલીને વાતો કરી હતી, પણ એ લોકોની મજબૂરી…. એને મજબૂરી કેમ કહેવાય સર ? એમને કમાવું છે કારણ સારો ફલેટ લેવો છે. સુખ-સગવડનાં સાધનો વસાવવાં છે. છોકરાને ખૂબ ભણાવી મોટો બનાવવો છે. આ બધા માટે પૈસા તો જોઈએ જ ને….! બસ, એ ‘પૈસા’ કમાઈ રહ્યાં છે.
‘પણ એ સ્ત્રી ટ્યુશન ના કરે તો !’
‘બજેટ બગડી જાય ને….. મહાનગરનું આ બજેટ છે. રહે છે એટલી જગ્યાનું ભાડું અને નોકરી પર જવા-આવવાનો ખર્ચ ટ્યુશનમાંથી મેળવે છે. એ સ્ત્રી પાછી ચાઈલ્ડ સાયકોલોજી ભણી છે, પણ કહે છે કે એનો વ્યવહાર જીવનમાં ના કરાય !’
‘પણ આ અબોધ બાળક, અગાધ શક્યતાઓ ભરેલો એનો વિકાસ. નિર્બંધ ઊછરવા ચાહતી એની મનોવૃત્તિઓ અને સંગાથ ઝંખતું હૈયું… કશાયની એ મા-બાપને ચિંતા જ નથી ?’
‘હોય કદાચ, તેથી શું ! મેં તો વણમાગી સલાહ આપી હતી કે એક બીજું માત્ર એક જ બીજું બાળક થવા દો. એને સાથી મળશે, સંગી મળશે. એને માટે એ મહાન ભેટ, અરે વરદાન હશે તમારું માતા-પિતા તરીકેનું…. પણ ના, એ નહીં માને, નથી જ માનતાં ! એ પાછી વધારાની પળોજણ ! તમારી ભાષામાં કહું તો અત્યાધુનિકતાનો વ્યામોહ !’ અને એ હસી પડી. હું હેરત પામી ગયો. સાવ યુવાવસ્થામાં એને શિરે સરેરાશ સત્તર-અઢાર વરસના હાયર સેકન્ડરી અને કોલેજમાં જતી છોકરીઓના છાત્રાલયની ગૃહમાતા બનવાની જવાબદારી આવી હતી. બખૂબી એણે નિભાવી જાણી હતી. અકાળે એ ‘માતા’ના રોલમાં આવી ગઈ હતી. જરાક કોઈનું મ્લાનવદન જુએ કે એના હૈયામાં ધ્રાસકો પડે. રડતી તો કોઈને સહી જ ના શકે ! આવી મેરી સંવેદનાથી છલોછલ ભરેલી. પેલા નિર્દોષ શિશુની યંત્રણાને વ્યક્ત કરતાં હસી શકે ?

‘તમને આશ્ચર્ય થાય છે ને સર ! આ અમદાવાદમાં હું આવી ત્યારે મનેય તમારા જેવું જ થતું હતું, પણ અહીં નિત્યપ્રતિ એવી એવી અમાનવીય દુર્ઘટનાઓ નિહાળતાં-નિહાળતાં અનાયાસે આ છાતી વજ્જર બની ગઈ. લાગણીસૂની…. કાલે મારું બાળક જન્મે તો એમાંથી એ દૂધ ના પામે…. રંગ કે ગુણ વિનાનું કશુંક પ્રવાહી જ પામે…. નામ નથી આપી શકતી એને…..’ એ ઊભી થઈ ગઈ. સ્વર આવિષ્ટ હતો એનો ! કદાચ એને આંસુ ગોપવવાં હતાં. રસોઈમાંથી એ બહાર આવી ત્યારે મને લાગ્યું જ, એણે મ્હોં પર પાણી છણકોર્યું હતું. મને કહે :
‘હાથ ધોઈ લ્યો. જમીએ ! તમારે જવાનું મોડું થશે !’
નથી જમવું કે જમવાનું હવે મન જ નથી એવું કહેવું એ નર્યા લાગણીવેડા જ નહીં, એની સજીવી લાગણીનું અપમાન હતું. હું બાથરૂમ ભણી ગયો. એણે ટેપરેકોર્ડરની સ્વિચ દબાવી. વેદનાથી બોઝિલ બની ગયેલી કોઈક તરજ સણકી ઊઠી. એણે સ્ટોપ કરીને ટેપ રિવાઈન્ડ કરી, ફરી ચાલુ કર્યું તો કશુંક ધમાલિયું સંગીત વિસ્ફોટાઈ ઊઠ્યું. એણે ચીડથી ટેપ બંધ કરી દીધું. મોં લૂંછતાં લૂંછતાં હું બોલ્યો : ‘રહેવા દે, ક્યાંય સંવાદ નથી !’ એ ન બોલી. જમતી વેળા વાત બદલવાના પલાયનથી અમે બંને સભાન હતાં.

એણે કહ્યું : ‘મહાનગરોના “કલ્ચર”ની આ જ અવગતિ છે !’ એણે ‘સંસ્કૃતિ’ શબ્દ જાણી જોઈને ટાળ્યો હતો.
‘મહાનગરનો અભિશાપ કહે મેરી. સંધાયનો હ્રાસ. સંસ્કૃતિ, સભ્યતા, માનવમૂલ્ય અને આપણે ઝંખીએ છીએ તે સર્વનું સુખદ ભવિષ્ય ! ઘણીયે વાર વિચારું છું ત્યારે ઠીક નથી લાગતું. જીવ ડંખ્યા કરે છે, પણ એવો અવિચાર ફરક્યા વિના નથી રહેતો કે હિરોશીમાનો સર્વનાશ નોતરનાર અણુબોમ્બ આવાં જ કોઈ કારણોએ શોધાયો હશે !’
‘બસ, મારી લાગણી…. ના, ના…. મારા કહેવાથી જ એ લોકો પેલી બારીની અર્ધી ગ્રિલને ખીલા નથી ઠોકાવતાં, જેથી એનું રૂપકડું મુખડું વિનાવ્યવધાન હું ન્યાળી શકું, પણ મનેય હવે ઝાઝો સમય નથી મળતો !’ મને રવીન્દ્રનાથ ટાગોરની ‘હોમ-કમિંગ’ વાર્તાનો કિશોર યાદ આવ્યો. એનું નામ બહુ મથ્યો તો ય ના સાંભર્યું. મારાં રૂંવાડાં આતંકિત થઈ ઊઠ્યાં. બાળક રવીન્દ્રને પણ ચાકરો ઓરડામાં કેદ કરી દેતા હતા, પણ એમની ખિડકી સંપૂર્ણ ખુલ્લી હતી ! સામે અફાટ આભ હતું. વિસ્તીર્ણ ક્ષિતિજ હતી. સંધ્યા-ઉષાના અવનવા રંગો હતા. આકાશે યથેચ્છ વિહરતાં ઉડ્ડગણ હતાં અને સચરાચર સૃષ્ટિ હતી !
ને આની સામે ! સિમેન્ટિયા અભેદ્ય કોટ-કાંગરા !
જોડાસાંકુદના બંદીઘરે રવીન્દ્ર સર્જ્યો હતો.
અમદાવાદ મહાનગરનાં નિર્મમ ચણતરો શું સર્જશે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વ્હાલી આસ્થા – કાજલ ઓઝા વૈદ્ય
જીવનપાઠ – એન. આર. નારાયણમૂર્તિ Next »   

29 પ્રતિભાવો : અભિશાપ – જોસેફ મેકવાન

 1. કલ્પેશ says:

  આજના સમાજમા આ સમસ્યા છૂપી રીતે પગલા માંડી રહી છે.
  સંતોષથી, તાણ વગર કેવી રીતે જીવાય એ પણ શીખવુ જરુરી છે

 2. Jay Patel says:

  આવી પીડા આજ ના યુગ મા ઘણા બાળકો ને વેઠવી પડે છે . . કયા તે ગામડા નુ હસતુ રમતુ બાળપણ અને ક્યા આ એકલવાયુ પ્રેમ અને હુંફ વગર નુ અધંકાર થી બિંહામણુ બનેલુ આજ નુ બાળપણ . . ખરેખર આંખ ભીની કરી દે તેવી વ્યથા આલેખી છે . .

 3. ભૌતિકવાદી માબાપના પ્રેમવિહોણા બાળકોની કરૂણ દશા સમજાવતી આવી વાર્તાઓ જાગૃતિ લાવે એવી શુભેચ્છા.

 4. nayan panchal says:

  ખૂબ જ સંવેદનશીલ વાર્તા.

  કમનસીબે આજે આવુ વધતા ઓછા અંશે ઘણા ઘરોમાં જોવા મળે છે. આ રીતેતો આપણે અપાર શક્યતાઓથી ભરેલા બાળમનને ઠંડા કલેજે ખતમ કરતા રહીએ છીએ.

  નયન

 5. mohit says:

  આ લેખ વર્તમાન ની એક ગંભીર સમસ્યા નો નિર્દેશ કરે છે. બાળકના ભવિષ્ય માટે આપણે તેનો વર્તમાન બગાડી રહ્યા છીએ.આવતીકાલના મોરને માટે આજનું કબૂતર કુરબાન કરવા બેઠા છીએ. આજે આપણે જે અસંવેદનશીલ સમાજ જોઇ રહ્યા છીએ તે આપણા આવા અવિચારી અને સ્વાર્થી પગલાંઓનું પરિણામ છે. આંગણે બાવળ વાવીને કેરી ખાવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આપણે સૌએ વિચારવાનો સમય છે કે આપણું ઘડપણ સુધારવા ક્યાંક આપણે બાળકનો વર્તમાન તો નથી છીનવી રહ્યા ને ?

 6. Navin N Modi says:

  ભૌતિક જરુરિયાત માટે અનાયાસે થતી સંવેદનાની કુરબાનીનું બયાન કરતી સુંદર ક્રુતિ. આવી પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને માટે આત્મનિરિક્ષણની એક તક. જીવનમાં ભૌતિક્તા અને સંવેદના વચ્ચે સંતુલનનો સંદેશ આમાં છુપાયેલો છે. આશા છે કે આવી પરિસ્થિતિમાં જીવતા લોકો જો આ વાંચી આત્મમંથન કરશે તો એમને એ દ્વારા જીવનામ્રુત ચોક્કસ પ્રાપ્ત થશે. લેખકને લખવા બદલ અને આપને એ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

 7. Malay says:

  ખરુ કહુ તો આમાં ભૂલ માતાપિતા ની જ છે.

 8. Kanan says:

  The story Author is trying to remeber is ‘Post Office’ by Tagore. Main charecter was little boy called Amol.

 9. Chirag Patel says:

  Very sad yet very ture these days. Kids and parents don’t even know eachother dispite leaving under one roof and having same blood – Very sad…

  Thank you,
  Chirag Patel

 10. સંતાનોને પેદા કરતા પહેલા આજે મા-બાપોએ વિચારવું રહ્યું. આજના યુગમાં મા-બાપ બન્ને નોકરી કરતા હોય એવા સંજોગોમાં બાળપણ ગુંગળાય જાય એવું ન બને એની તકેદારી સરકાર અને સમાજે રાખવાની હોય!!

  અહિં પરદેશમાં આ પ્રશ્નનો હલ બેબી-સિટર અને ચાઇલ્ડ ડે કેર મારફત લાવવામાં આવેલ છે. અને કાયદો છે કે બાર વરસ કરતાં નાનું બાળક એકલું પોતાના ઘરમાં ય ન રહી શકે. આ કાયદાનું બરોબર પાલન થાય છે.
  બાળકને એકલું મુકી જનારા દંપતિઓ ભાગ્યે જ જોવા મળે.
  કાયદાઓ તો ભારતમાં હશે. પણ એનો અમલ કરવો અને કરાવવો જરૂરી છે.

  બાળ મજુર નાબુદીનો કાયદો છે. બાળ મજુર રાખી ન શકાય, છતાં સરકારી કચેરીમાં ચા આપવા જતો છોકરો કોઇને નજર ન આવે!! કદાચ, પોલિસને પણ કોઈ ગણપત ચા પીવડાવતો મળી જાય…
  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/

 11. અદભુત!
  એ બાળકનુ નામ હતુઃ Phatik Chakravorti

 12. Riya says:

  એક સવાલ આજના માતા પિતા માટૅ….

  શુ બાળકોનુ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન નુ Sacrifice કરવુ જરુરી છે?

 13. Veena Dave says:

  very true.

 14. geeta says:

  બિલકુલ સાચિ વાત ચ્હે.

  ઘણીયે વાર વિચારું છું ત્યારે ઠીક નથી લાગતું. જીવ ડંખ્યા કરે છે, પણ એવો અવિચાર ફરક્યા વિના નથી રહેતો કે હિરોશીમાનો સર્વનાશ નોતરનાર અણુબોમ્બ આવાં જ કોઈ કારણોએ શોધાયો હશે !’ અને કાદચ તાજેતર મા થએલ આતકવાદિ હુમલા પન.

 15. unknown says:

  I think now adays in India also they have a baby sitter and day care available.
  especially in Metro cities like Ahmedabad,Mumbai…. Parents should think about this.

  Any way it is a good story.

 16. Pravinchandra.F.Gandhi says:

  Not only in limited city but the all city through out India where the most of women are as now working women.

  select the city for the same purpose as the most govt offices and industries

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.