નર્મદા પરિક્રમાના અનુભવો – અમૃતલાલ વેગડ

[ 78 વર્ષના શ્રી અમૃતલાલ વેગડ વિદ્વાન સાહિત્યકાર, ચિત્રકાર તેમજ નર્મદા નદીના ખોળે પોતાનું મોટાભાગનું જીવન વ્યતિત કરનાર પ્રકૃતિ પ્રેમી છે. નર્મદા પરિક્રમાનાં એમણે અનેક સુંદર ગુજરાતી અને હિન્દી પુસ્તકો લખ્યાં છે. તેમની મુલાકાત નવનીત-સમર્પણ મેગેઝીનના જાન્યુઆરી-2006ના અંકમાં પ્રસિદ્ધ થઈ હતી જેમાંથી તેમના કેટલાક અનુભવો (અમુક અંશ) આજે રીડગુજરાતી પર સાભાર પ્રગટ કરવામાં આવે છે. ]

નર્મદા પરિક્રમા કરવી અને તેના પુસ્તકો તથા સ્કેચ દોરવા – એ બધામાં મને લાગે છે કે પ્રભુની સુવ્યવસ્થિત યોજના હતી. મારો જન્મ જબલપુરમાં. જબલપુર નર્મદાકાંઠે આવેલું છે તેથી બચપણથી જ નર્મદા પ્રત્યે લગાવ પેદા થયો. વળી, મા-બાપ ગુજરાતી એટલે માતૃભાષા ગુજરાતી અને ત્યાંની પ્રાદેશિક ભાષા હિન્દી. એમ બંને ભાષા હું શીખ્યો. મારા પિતા પ્રકૃતિપ્રેમી હતા. તેમને ચાલવાનો શોખ હતો. આ બંને ચીજ મને વારસામાં મળી. આગળ જતાં હું કૉલેજ છોડીને શાંતિનિકેતન ગયો અને ત્યાં મને પ્રકૃતિના સૌંદર્યને જોવાની નવી દ્રષ્ટિ મળી અને આ રીતે સજ્જ થઈ હું જબલપુર પાછો આવ્યો. ઘરગૃહસ્થી અને બાળકોને મોટા કરવામાં અમુક વર્ષો ગયાં પણ બાળકો મોટાં થયાં એટલે હું નર્મદાકાંઠાનાં જુદાં-જુદાં સ્થળોએ જવા લાગ્યો. વેકેશનમાં જાઉં, બાર-પંદર દિવસ માટે જાઉં. એ સમયે અનેક પરિક્રમાવાસીઓને મળવાનું થાય. એમની સાથે વાતો થાય. મનમાં થાય કે મારી સ્કેચબુક લઈને એમની સાથે નીકળી પડું તો કેવું સારું ? એમને જોઈને પરિક્રમા કરવાની ઈચ્છા થતી. પણ એ કાંઈ એટલું સહેલું નહોતું.

આખરે અમુક વર્ષો પછી એવો સંયોગ થયો. મારા ત્રણ વિદ્યાર્થીઓ મારી સાથે ચાલવા તૈયાર થયા. 1977 માં મેં પરિક્રમા શરૂ કરી. આમ તો ઈચ્છા તો ઘણા વખતથી હતી, પણ તે ફળીભૂત થઈ 1977ની દિવાળીની રજાઓમાં. અમે નર્મદાને ઉત્તર કાંઠે જબલપુરથી મંડલા ગયા. બસમાં જાઓ તો આના ત્રણ કલાક લાગે. અમને પંદર દિવસ લાગ્યાં. નર્મદાને કાંઠે કાંઠે, પ્રકૃતિસૌંદર્ય જોતાં જોતાં, સ્કેચ કરતાં કરતાં…. અને મજાની વાત તો એ છે કે ત્યારે લખવાનો કોઈ વિચાર મનમાં ન હતો. યાત્રા તો મેં ચિત્રો માટે કરી હતી. પણ ત્યાંથી આવ્યા બાદ ચિત્રો તો બન્યાં, મેં સ્કેચ કરેલા તેના આધાર પર; પણ યાત્રાવર્ણન પણ લખાઈ ગયું. અને એમ આ સિલસિલો ચાલુ થયો. બીજે વર્ષે અમે મંડલાથી અમરકંટક ચાલ્યા, દિવાળીની રજાઓમાં. મારા ત્રણમાંનો એક જ વિદ્યાર્થી સાથે ચાલ્યો. પણ યાત્ર સરસ થઈ. ત્રીજે વર્ષે અમે અમરકંટક, જ્યાં નર્મદાનો ઉદ્દગમ છે, ત્યાંથી નર્મદાના દક્ષિણકાંઠે ચાલ્યા. આમ ધીરે ધીરે કટલે કટકે કરી અમે સાગરસંગમ સુધી પહોંચ્યા. પછી ઉત્તરકાંઠે ચાલ્યા. 1988માં નારેશ્વર સુધી પહોંચ્યા. પછી 1999થી નારેશ્વરથી જબલપુરની યાત્રા કરી, જે લગભગ 2001 માં પૂરી થઈ.

આ પરિક્રમામાં અનેક રોમાંચકારી અનુભવો થયા. ભાતભાતના લોકોને મળ્યા અને અનેક યાદગાર પ્રસંગો બન્યાં. કોઈ એક કહેવો હોય તો કહેવો મુશ્કેલ છે. કેટલાંય એવાં પાત્રો છે કે જે મને યાદ છે. હું જો ગણાવવા બેસું તો હમણાં મુખાગ્રે કંઈ નહિ તો પચ્ચીસ પાત્ર ગણાવી શકું. છતાં બે-ચાર વિશે વાત કરું.

પહેલી યાત્રામાં અમને એક સંન્યાસીજી મળ્યા. એમની પાસે કાંઈ નહિ. માત્ર એક ધાબળો અને હાથમાં માટીનું કમંડળ. બધા એમને હાંડીવાલે બાબા કહેતા. અમારો સંગાથ થઈ ગયો. મને કહે, ‘સ્વાદ શેમાં છે, જીભમાં કે ગુલાબજાંબુમાં ?’ મને રસ પડ્યો. કહ્યું, ‘તમે જ આનો જવાબ આપો.’ તો કહે, ‘જુઓ, ગુલાબજાંબુમાં સ્વાદ હોય તો તે પ્લેટમાં પડ્યો પડ્યો જ સ્વાદ આપે. અને જો જીભમાં સ્વાદ હોય તો ગુલાબજાંબુ ખાવાની જરૂર જ શી છે? સ્વાદ નથી માત્ર જીભમાં કે નથી માત્ર ગુલાબજાંબુમાં; પણ બંનેના યોગમાં છે. એવી જ રીતે સાર્થકતા નથી માત્ર શરીરમાં કે નથી માત્ર આત્મામાં. બંનેના મિલનમાં છે.’ હવે આ કેટલી ગંભીર વાત – શેનીય પણ અવહેલના ન કરવી જોઈએ શરીરની, ને આત્માની તો નહીં જ – આ વાત તેમણે કેવા સરસ ઉદાહરણથી સમજાવી ! એવી જ રીતે એક સાધ્વીજીને મેં કહ્યું, ‘હું તો નોકરીમાં છું. તેથી પૂરી પરિક્રમા એકસાથે નથી કરી શકતો; રજાઓમાં કટકે કટકે કરું છું. તો કહે, ‘બેટા, એનો રંજ ન કરતો. બુંદીનો લાડવો પૂરો ખાઓ તો પણ મીઠો લાગે ને ચૂરો ખાઓ તો પણ મીઠો લાગે. કેવો સુંદર જવાબ !

બીજી એક વાત કરું. અમે જઈ રહ્યા હતા. સવારની વેળા હતી. બહુ તો એક કલાક ચાલ્યા હોઈશું. એક માણસ મોટરસાઈકલ પર નીકળ્યો. પાછળ ઘાસનો ભારો હતો. અમને જોઈને થોભ્યો, ‘તમે શું પરકમ્મા કરો છો ?’ અમે કહ્યું, ‘હા’. તો કહે, ‘સામે દેખાય છે તે મારું ગામ છે. લીમડા નીચે મારું ઘર છે. ત્યાં આવજો, જમજો ને રાત ત્યાં રહેજો.’ મેં કહ્યું, ‘અમને બહુ મોડું થશે. આજ તો નેમાવર પહોંચવું જ છે.’ એ બહુ નિરાશ થયો એટલે કહ્યું, ‘લે ચાલ, થોડીવાર માટે આવીશું.’ એણે બહુ સ્વાગત કર્યું અમારું. પછી મૂકવા ચાલ્યો. મેં કહ્યું, ‘અમારી ચિંતા એ છે કે નેમાવરમાં ક્યાં રહીએ?’ નાનું ગામ હોય તો કોઈના પણ ઘરે રહેવાય; પણ આ જરા મોટું – કસ્બા જેવું. તો કહે, ‘તમે ચિંતા શું કામ કરો છો ? ત્યાં મારી બહેન રહે છે, બિલકુલ નર્મદાને કાંઠે, લાલમાઈની કોઠીમાં.’ પછી કહે, ‘હું તમને મૂકવા ચાલું.’ મેં કહ્યું, ‘રોજ કેટલાય પરિક્રમાવાસીઓ નીકળે. વરસે તો હજારો નીકળે. આમ રોજ તમને તેમની સરભરા કરતાં કંટાળો ન આવે ? ત્રાસ ન થાય ?’ તો કહે, ‘જુઓ, ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના કુટુંબનું ભરણપોષણ તો કરે જ છે. અમે પરકમ્માવાસીઓને અમારા કુટુંબના સભ્ય ગણીએ છીએ. એમને સાચવવા અમારી ફરજ છે, કેમ કે અમારું માનવું છે કે તેઓ જે પરિક્રમા કરે છે એમાં અમારો પણ હિસ્સો છે.’

એની વાતે મને સ્તબ્ધ કરી દીધો. આ છે આપણા ભારતની સંસ્કૃતિ. પાછળથી એક ચિત્રકળા પ્રદર્શનના ઉદ્ઘાટન વખતે મેં આ પ્રસંગ વર્ણવીને કહ્યું, ‘પેલા નર્મદાતટવાસી ગ્રામીણનો પરકમ્માવાસીઓ પ્રત્યે જે અભિગમ હતો તે એક સ્વસ્થ સમાજનો પોતાના સંસ્કૃતિકર્મીઓ પ્રત્યે હોવો જોઈએ. તેમણે કળાકારને કહેવું જોઈએ કે તમે આ જે કવિતા લખી રહ્યા છો અથવા ચિત્ર બનાવી રહ્યા છો અથવા મૂર્તિ ઘડી રહ્યા છો, તેમાં અમારો પણ હિસ્સો છે. અમે પણ આ જ કાર્ય કરવા ઈચ્છીએ છીએ; પણ અમુક કારણોને લીધે કરી નથી શકતા. તમે અમારું જ કામ કરી રહ્યા છો તેથી અમારી ફરજ છે કે તમારી બનતી સંભાળ લઈએ. તમે અમારા કુટુંબીજન છો.’

એક બીજો કિસ્સો કહું. પહેલી યાત્રામાં અમે કિરગી ગામમાં રોકાયેલાં. ત્યાં આંબા અને ચમેલીનાં લગ્ન લેવાયાં હતાં. આંબાને ફળ હતાં; પણ માન્યતા એવી હતી કે જ્યાં સુધી તેનાં લગ્ન ન થઈ જાય ત્યાં સુધી માણસથી તેના ફળ ન ખવાય. વળી સાથે અખંડ કીર્તન ચાલુ હતું. બહુ આનંદ આવ્યો એટલે ત્યાં બે દિવસ અમે રોકાયાં. હમણાં પચ્ચીસ વર્ષ પછી ફરીવાર નીકળ્યા, પાછું કિરગી ગામ આવ્યું. મને યાદ હતું કે કોને ઘરે અમે રોકાયા હતા – મેં લખી રાખ્યું હતું. – એટલે મેં કહ્યું, ‘ચાલો, એમને મળતા જઈએ.’ એમના ઘરે ગયા. એ પોતે તો નહતા, પણ એમની પત્ની અને દીકરી હતાં. એમને મળીને અમે આગળ ચાલ્યા. ચાર કિ.મી આગળ ગામ આવ્યું ત્યાં રોકાયા, રાત ત્યાં રહીશું એમ ધારીને. કલાક-દોઢ કલાક પછી બે કિશોરીઓ આવી અને લાગી અમને બધાને પગે લાગવા. અમે કંઈ સમજ્યા નહિ. તો કહે, ‘હું ઠાકુર મોહનસિંહની દીકરી છું. મારું નામ મોતી. તમે આવ્યા ત્યારે પિતાજી બહાર ગયા હતા. આવ્યા ત્યારે અમે તમારી વાત કહી. તો એમણે અમને તમને લેવા મોકલી છે. એમને બરાબર યાદ છે તમે અમારે ત્યાં રોકાયેલા, અને આજે પણ તમે અમારે ત્યાં રોકાયા વિના જઈ ન શકો. તમે અમારી સાથે ચાલો.’ હવે ચાર કિ.મી ચાલીને લેવા આવી ! ને વળી ચાર કિ.મી પાછી જશે ! બહુ મુશ્કેલીથી મેં એને સમજાવી કે, ‘બેટા ! જો નદી પાછી વળી ન શકે – એ તો આગળ જ વધે. તેમ પરકમ્માવાસી પણ પાછો ન જઈ શકે. આવી રીતે, કેમે કરીને, બહુ મુશ્કેલીથી એને સમજાવી. બહુ નિરાશ થઈ એ; પણ અમારાથી પાછા જવાય તેમ ન હતું. ગામવાસીઓની કેવી ઉચ્ચ આતિથ્ય ભાવના અને શું તેમનો અહોભાવ !

ગામેગામ દરેક લોકો અમને બહુ પ્રેમથી પોતાને ત્યાં ઉતારો આપતા અને સાથે સાથે પ્રેમથી જમાડતા. હું ઘણીવાર ઘરની મહિલાઓને કહેતો, ‘બેટી, વહેલી સવારે નીકળી જઈશ. બે રોટી વધુ બનાવીને રાખી લેજે.’ આનો મને હંમેશા એક જ જવાબ મળ્યો છે : ‘તમને વાસી રોટલી ખવડાવીશ ? શું વહેલી ઊઠીને બે રોટલી ગરમ નથી બનાવી શકતી ?’ અમારા ગોખલેજી તો કહેતા કે હું 28,000 કિ.મી પગે ચાલી ચૂક્યો છું, પણ આજ સુધી વાસી રોટલી ખાવી પડી નથી. આ માતાઓ અને બહેનોને ભરોસે તો હું આવડી પદયાત્રાઓ કરી શક્યો છું. આખા હિન્દુસ્તાનમાં આ આતિથ્યભાવના છે. ખરેખર ! આપણો આ ભારત દેશ આવી આતિથ્યભાવનાથી મહાન છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હરિ તારાં નામ છે હજાર
તેજીની કવિતા – કવિ દલપતરામ Next »   

24 પ્રતિભાવો : નર્મદા પરિક્રમાના અનુભવો – અમૃતલાલ વેગડ

 1. Darshana says:

  After Reading this article, I can not wait to once again start Shri Amrutlal Vegad’s Narmada Parikrama.
  Prakrutik saundrya and Bharatiy Atithya two of the great assets of Bharat Desh comes across stongly in his yatra lekhan.

 2. આ લેખ અદભુત લાગે છે.લેખક અને તેમના કમઁ મહાન છે.
  વિરલ
  અમદાવાદ

 3. Neela says:

  વધુ લેખ વાંચવાની ઈચ્છા છે.

 4. Alka Bhonkiya says:

  MARO DESH MAHAN
  MERA BHARAT MAHAN
  BHARAT ni aatithy bhavna jivant j rahese varso yugo sudhi..
  mara maheman mara aankh mataha par…
  aabhar sah

 5. Anonymous says:

  Lage che ke “Atithi Devo Bhava” ni bhavana mari parvari che. Pun aa vanchi ne thau ke Haju sudhi pure puri nathi mari paravari. Dhnya che e gamada na loko jeo paisa ni khoti race ma samil na thai ne bharat ni parampara ne sachvi rakheli che.

 6. Suhas Naik says:

  This is the reason why we can say, East or West India is the Best…Very good article…Thanks…!

 7. nayan panchal says:

  અદભૂત લેખ.

  ખરેખર હજુ પણ ઘણા લોકો અતિથીદેવો ભવઃ માં માને છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.