સુખી થવાનો સીધો ઉપાય ! – હરેશ ધોળકિયા

સાંજ ઢળી રહી છે. ઓટલાઓ સામેના તળાવની ક્ષિતિજે લાલચોળ સૂર્ય અસ્ત પામવાની તૈયારી કરી રહ્યો છે. તળાવમાં જે થોડું ઘણું પાણી બચ્યું છે, તેના પર સૂર્ય કિરણોનો લાલ પટ્ટો પથરાયો છે અને પાણી, ગંદુ હોવા છતાં, અત્યંત ચળકી રહ્યું છે. તળાવ વચ્ચે આવેલ બાગમાંના વૃક્ષોનાં પાંદડાં સૂર્ય પ્રભાવે ઝગમગી રહ્યાં છે. ક્રમશ: પ્રકાશ ઘટે જાય છે અને વાતાવરણમાં ઝાંખાશ આવતી જાય છે. ઓટલા પર મંડળીઓ જામી છે. છૂટાંછવાયાં દંપતિઓ કે મિત્ર વર્તુળો બેઠાં છે. તળાવનું સૌંદર્ય આંખોથી પી રહ્યાં છે. બેસનારામાંથી મોટા ભાગના જીવન સંધ્યામાં છે. તેથી પ્રકૃતિની સંધ્યાને સમાનુભૂતિથી માણી રહ્યાં છે. યુવા દંપતિઓ માટે આ કેવળ સૌંદર્યદર્શન છે. તે તેમની ભાવિ સંધ્યાનો અહેસાસ નથી કરાવતી. તેમને તો આવનાર રાત્રીની મીઠાશની સ્મૃતિ કરાવે છે.

એક વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. અલબત્ત, સમય પસાર કરવા. પણ ચર્ચાનો વિષય રસપ્રદ છે. ડહાપણના પ્રતીક એવા રૂપેરી વાળ ધરાવતા એક વૃદ્ધ હસતાં હસતાં કહે છે : ‘આજે સર્વત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે. વિજ્ઞાને દરેક બાબતના ઉપાયો પણ શોધી કાઢ્યા છે. જુઓને, શરીરમાં તકલીફ કે પીડા થઈ નથી અને તરત ઈન્જેકશન મારી દે છે અને પળભરમાં દુ:ખ ગાયબ ! અથવા એન્ટિબાયોટિક દવા આપે છે. તો આ વિજ્ઞાન સુખનાં ઈન્જેકશન શોધતું હોય તો ? અથવા એન્ટિબાયોટિક દવા જેમ એન્ટિદુ:ખોટિક દવા બનાવતું હોય તો ? આ ઈન્જેકશન લીધું નથી અથવા ગોળી પેટમાં ગઈ નથી અને દુ:ખ ગાયબ !’

બીજા વૃદ્ધે ટેકો આપતાં કહ્યું : ‘સાચી વાત છે. કેટકેટલી ઉપાધિઓ હોય છે. સવાર પડી નથી અને ઉપાધિઓનો ઢગલો આવી પડે છે. દરેક ઉપાધિ તકલીફ ઊભી કરે છે. તેનું નિરાકરણ લાવતાં દમ નીકળી જાય છે. ઘરથી માંડી કેટકેટલાંને સાચવવાં ! કેટલા રિવાજો જાળવવા ! સંબંધો જાળવવા ! પોતાની માંગો પૂરી કરવી ! તે માટે કમાવું. દોડદોડમાં દિવસ જ નહીં, આખી જિંદગી નીકળી જાય છે. છતાં તકલીફો કે દુ:ખો ઘટવાનું નામ જ નથી લેતાં. આ ભાઈ કહે છે તેમ ગોળી કે ઈન્જેકશન આવતાં હોય તો દુ:ખ થકાવે કે તરત તે લઈ લેવાથી ફરી હળવા થઈ જવાય અને સુખમાં ડૂબી જવાય.’

આ વાત સાંભળતાં આલ્ડસ હકસ્લેની નવલકથા ‘આઈલેન્ડ’ યાદ આવી જાય. તેમાં પણ મોક્ષની ગોળીની કલ્પના કરી છે તેણે. જે લેવાથી વ્યક્તિ પળમાં સ્વમાં તલ્લીન થઈ જાય. આ કલ્પના હકસ્લેને ચરસ અને મેરીજુઆના લીધા પછી આવેલી. (તેનું વર્ણન તેણે પોતાનાં પુસ્તક ‘ડોર્સ ઑફ પરસેપ્સન’માં વિસ્તૃત કરેલ છે.) આ વાત પણ ગમે તેવી છે કે ગોળી કે ઈન્જેકશન આવતાં હોય તો સુખ સીધું જ મળી જાય. પળના છઠ્ઠા ભાગમાં ! આ તો રમૂજી વિચાર ગણાય, પણ હકીકતે સુખનો, સુખી થવાનો, કોઈ સીધો માર્ગ ખરો ? અથવા તેનો વિચાર થયો છે ખરો ? હકીકતે સુખ એ બહારની ઘટના નથી. તે માનવ-મનની સ્થિતિ છે. બહાર જે મળે છે, અથવા વિજ્ઞાન જે આપે છે, તે સગવડો છે. સગવડો પોતે સુખ નથી. હા, તેનાથી સુખ મળે છે તેમ વ્યક્તિ માની શકે છે ખરી ! વિજ્ઞાન તો સગવડો આપે ખરું, પણ સુખ તો માનવીના વિચારો પર આધારિત છે. સંપૂર્ણ સુખ વચ્ચે પણ વ્યક્તિ દુ:ખી હોઈ શકે અને ફૂટપાથ પર સૂતેલ પૂર્ણ અભાવગ્રસ્ત વ્યક્તિ પણ આનંદી હોઈ શકે.

પણ હા, આપણાં શાસ્ત્રોમાં આપેલ બે સૂચનો સુખ મેળવવાનો સીધો ઉપાય બની શકે. તેને જો મન ગળી જાય કે તે જો લોહીમાં ભેળવી દે, તો તે પળે જ વ્યક્તિ સુખી થઈ શકે છે. એક સૂચન છે ભગવદ ગીતામાં અને બીજું છે ઉપનિષદમાં. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે (5:3) ‘નિદ્વંદ્વો હિ સુખમ્ બંધાત્પ્રમુચ્યતે’ એટલે કે ‘નિદ્વંદ્વ વ્યક્તિ જ બંધનોમાંથી મુક્તિ મેળવી સુખી થઈ શકે છે.’ એટલે કે, સુખ મેળવવાનો સીધો ઉપાય છે નિદ્વંદ્વ થવું. દ્વંદ્વોથી મુક્ત થવું તે. કયો છે અગત્યનો દ્વંદ્વ ? તે છે ‘રાગ અને દ્વેષ.’ દુ:ખનો પાયો છે આ દ્વંદ્વ. માણસની સામે કશુંક પણ આવે – વ્યક્તિ કે વસ્તુ – તો તરત તે તેનાં સાથે રાગ ઊભો કરે છે. તેના તરફ તે આકર્ષાય છે અને આસક્તિ બાંધી લે છે. માનવ સંબંધો, માનવના વસ્તુ સાથેના સંબંધો-બધા પળભરમાં આ રાગ દ્વારા ખરડાઈ જાય છે. રાગ આસક્તિ જન્માવે છે. આસક્તિ મોહ જન્માવે છે. મોહ માલિકીભાવ ઊભો કરે છે. મોહ વ્યક્તિને બેહોશ બનાવે છે. આ બધાને પરિણામે તે તેને જોરથી પકડી બેસી જાય છે. જેવી રાગની પકડ વધે, તરત તે ગુમાવવાનો ડર ઊભો થાય. આ ડર અસલામતી જન્માવે. પરિણામે તે વ્યક્તિ કે વસ્તુ તરફ કોઈ નજર કરે, તો તે વ્યક્તિ દુશ્મન લાગે. પરિણામે તેના તરફ દ્વેષ ઉત્પન્ન થાય. તેને તે દૂર રાખવા પ્રયત્ન કરે અથવા અન્ય કારણોસર વ્યક્તિ કે વસ્તુ ચાલ્યાં જાય, તો શોક જન્મે અને વ્યક્તિ દુ:ખી થયા કરે. આમ જેવો રાગ પ્રગટ્યો કે મોહ અને શોક આવ્યાં જ ! અને તે વ્યક્તિ દુ:ખી રહેવાની જ.

તેનો ઉપાય છે તે બંનેનો ત્યાગ. સમગ્ર દ્વંદ્વથી મુક્તિ. હવે આનો આધાર બહારનાં વ્યક્તિ કે વસ્તુ નથી. તેઓ તો કેવળ સંયોગવશાત વ્યક્તિ પાસે આવેલ છે. તેને સ્વીકારવાનાં પણ છે અને તેને પ્રેમ પણ કરવાનો છે. પણ પ્રેમ કરવો અને રાગ કરવો એ બે અલગ બાબત છે. પ્રેમમાં આગમનનો સ્વીકાર છે, પણ ‘જશે તો’ – ગુમાવવાનો ડર નથી. પ્રેમને જ્ઞાન છે કે જે આવે છે તે જઈ પણ શકે છે અને એક સમયે જશે જ ! માટે હોય ત્યાં સુધી માણવું. જાય તો જવા દેવું. રાગ આ નથી સ્વીકારતો. તે માને છે કે જે આવે તે ટકવું જ જોઈએ. તેની માલિકી તેની જ હંમેશ માટે હોવી જોઈએ. આ હંમેશ શક્ય નથી. માટે ડર ઉત્પન્ન થાય છે જે મોહ ગાઢ બનાવે છે. વ્યક્તિ કે વસ્તુ જવાથી જે દુ:ખ થાય છે, તે આ મોહભંગનું પરિણામ છે, તે જવાનું નહીં. નિદ્વંદ્વ થવું એટલે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાં જ નહીં એવું નથી. જે જ્યારે આવે તેને પ્યારથી સ્વીકારવાનાં છે. તેનો યથાયોગ્ય ઉપયોગ પણ કરવાનો છે. તેને માણવાનાં પણ છે. પણ દરેક પળે, માણતી વખતે, ‘તે જઈ પણ શકે છે.’ તે જાગૃતિ રાખવાની છે. તેની ક્ષણભંગુરતાનો પણ સ્વીકાર કરવાનો છે. આ રીતે અનાસક્તિ આવી કે તરત દ્વંદ્વનો પ્રભાવ ચાલ્યો જશે. દ્વંદ્વો તો રહેશે જ, તે તો જગતનો સ્વભાવ છે, પણ તેનો પ્રભાવ ન સ્વીકારવો તે વ્યક્તિની પસંદગી છે. આવું થયું કે તે પળે સુખ જ સુખ છે. અને હકીકતે દુ:ખ છે જ નહીં, દુ:ખ તો દ્વંદ્વને સ્વીકારવાથી જ થાય છે. દુ:ખનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી અને દ્વંદ્વનો અભાવ તે જ સુખ !

ઈશ ઉપનિષદ આ વાત બીજી રીતે કહે છે. તે કહે છે કે, ‘ત્યાગીને ભોગવ’ ઘણા ગોટાળા આ વાક્ય સંદર્ભે થયા છે. હજારો વખત એમ કહેવાયું છે કે આમાં ત્યાગની મહત્તા બતાવી છે, પણ આ વાક્યમાં ક્રિયાપદ ‘ભોગવ’ છે, ‘ત્યાગ’ એમ નથી. વાત તો ભોગવવાની જ કરી છે. માત્ર તેની રીત ‘ત્યાગ’ બતાવી છે. ત્યાગ પદ્ધતિ છે, ક્રિયા નથી.
શેનો ત્યાગ ?
દ્વંદ્વનો જ ! આસક્તિનો જ ! માલિકીભાવનો જ !
ઉપનિષદ કહે છે કે જગત ભોગવવા માટે જ છે. જે કંઈ છે, તે માણવાનું છે. માત્ર ખ્યાલ એ રાખવાનો છે કે તેના પ્રત્યે આસક્તિ ઊભી ન થાય. તે ‘મારું’ છે તેમ નથી માનવાનું. ‘મને ભોગવવા મળ્યું છે’ એમ માનીને ‘છે’ ત્યાં સુધી માણવું. જાય તે સ્વસ્થતાથી જવા દેવું, પછી તે પોતાનું પ્રિયજન હોય કે પ્રિય વસ્તુ હોય કે ગમે તે. પણ હોય ત્યાં સુધી આનંદથી માણવું. વ્યક્તિ કે વસ્તુને નથી ત્યાગવાનાં, તેના પ્રત્યેના રાગ અને મોહને ત્યાગવાના છે. તેને ત્યાગીને ‘ભોગવ’ એમ કહે છે.

બસ ! આ ચાવી છે સુખની. હકીકતે સુખ મેળવવાનું જ નથી. વિશ્વમાં સુખ સિવાય બીજું કશું જ નથી. માત્ર જો ભૂલથી પણ દ્વંદ્વ સ્વીકાર્યું અને પકડ્યું, તો પછી દુ:ખ આવે જ છે. દુ:ખ એ સુખનો અભાવ નથી, પણ રાગી થવાથી ઊભી થતી પરિસ્થિતિ છે. જો રાગ-દ્વેષ છોડ્યાં, તો સુખ જ સુખ ! તે પકડ્યાં, તો દુ:ખ જ દુ:ખ ! અને દુ:ખ માટે ‘ઉપાધિ’ શબ્દ વપરાય છે. ઉપ અને આધિ. આધિ એટલે તકલીફ. ઉપ એટલે ગૌણ. બહાર જે વ્યક્તિ કે વસ્તુ છે તે ગૌણ છે. મુખ્ય આધિ નથી. મુખ્ય આધિ તો રાગ અને દ્વેષ છે. તે છોડ્યાં તો સુખ. આ જ ઈન્જેકશન છે; એન્ટિદુ:ખોટિક ગોળી છે.

શું સ્વીકારવું તે વ્યક્તિની પસંદગી છે. માટે જ ગીતા કહે છે : ‘યથેચ્છિસિ તથા કરુ’ – તું ઈચ્છે તેમ કરી શકે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુરક્ષાચક્ર – જીતેન્દ્ર જે. તન્ના
તૃણવત્ – મૃગેશ શાહ Next »   

16 પ્રતિભાવો : સુખી થવાનો સીધો ઉપાય ! – હરેશ ધોળકિયા

 1. વ્યક્તિ કે વસ્તુને નથી ત્યાગવાનાં, તેના પ્રત્યેના રાગ અને મોહને ત્યાગવાના છે. તેને ત્યાગીને ‘ભોગવ’ એમ કહે છે. ..સુખી થવાનો રાજમાર્ગ બતાવતો લેખ.

 2. Ravi Ponda says:

  Very short and interesting way to get Happiness..

  ઉપ અને આધિ. આધિ એટલે તકલીફ. ઉપ એટલે ગૌણ.

 3. nayan panchal says:

  ખૂબ જ સુંદર અને સચોટ લેખ.

  ખૂબ ઓછા શબ્દોમાં લેખકે ઘણી મોટી અને મહત્વની વાતો કરી દીધી.

  આભાર.

  સુખી થવા પર વધુ એક સરસ લેખ માણો

  http://www.readgujarati.com/sahitya/?p=55

  નયન

 4. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ… “યથેચ્છિસિ તથા કરુ”…. ધારીયે તેમ કરી શકાય..

 5. ખુબ સુંદર ઉપાયો આપણા શ્રુતિ અને સ્મૃતિ માંથી શ્લોકો ટાંકીને બતાવ્યા. છતાં અહીં એક પાયાની ભૂલ રહી ગઈ હોય તેવું લાગે છે. જેમ કે રાગ-દ્વેષની વ્યાખ્યા જોઈએ તો સુખાનુશય રાગ અને દુખાનુશય દ્વેષ. હવે જે પદાર્થ, પરિસ્થિતિ, વ્યક્તિ સુખ આપતા હોય તેવું લાગે તેમાં પ્રિતિ બંધાવી તેનું નામ જ રાગ છે. તેવી જ રીતે જે પદાર્થ, પરિસ્થિતિ, વ્યક્તિ દૂઃખ આપતા હોય તેવું લાગે તેના પ્રત્યે ધૃણા થવી તેનું નામ દ્વૅષ છે. હવે જ્યાં સુધી સુખ અને દુઃખની લાગણી છે ત્યાં સુધી આ રાગ અને દ્વેષ વિદાય લેવાના નથી. તેથી રાગ અને દ્વેષની સાથે સુખી થવાની અને દુઃખી ન થવાની ઈચ્છાનો પણ ત્યાગ કરવો પડે.

  પાતંજલ યોગ દર્ર્હન પ્રમાણે જીવને મુખ્ય પાંચ ક્લેશો હોય છે.
  ૧. અવિદ્યા
  ૨. અસ્મિતા
  ૩. રાગ
  ૪. દ્વેષ
  ૫, અભીનીવેશ

  જેમણે યથાર્થ કલ્યાણ સાઘવું હોય તેમણે આ પાંચે ક્લેશથી મુક્ત થવું જોઈએ.

 6. tvisha says:

  ખુબ જ સુન્દર !!

 7. Veena Dave says:

  સરસ્

 8. Viren Shah says:

  Bhangar ane Bakavas…

 9. કલ્પેશ says:

  અતુલભાઈ,

  આ થોડા વિસ્તારથી સમજાવશો.
  અને એક વિનંતી – તમે અધ્યાતમ વિશે સારુ જ્ઞાન ધરાવો છો તો રીડગુજરાતી પર એક લેખથી શરુઆત કરો તો? તમારા લેખક તરીકેની કારકિર્દીની શરુઆત કરો તો ઘણુ સારુ લાગશે.

 10. mohit says:

  good article on ” what is true happiness”. this article reflects one statement of lord Budhdha which says ” if u want to b happy, prepare ur mind to let go off the things which u like d most.” I personally think that mr.atulbhai jani has misunderstood that sukhanushay means raag & dukhanushay means dwesh.They r not d synonyms but have cause & effect relationship. જે વસ્તુ આપણને ભૌતિક સુખ આપે તેના માટે આપણે રાગ means attatchment અનુભવીએ છીએ, જ્યારે જે વસ્તુ આપણને સુખ કે આનંદ ન આપે બલ્કે દુઃખ જન્માવે તેમાં આપણે દ્વેષ means dettatchment અનુભવીએ છીએ. આમ રાગ અને દ્વેષ એ સુખ અને દુઃખનો પર્યાય નહિ પરંતુ તેના માટેની આપણી લાલસાનું પરિણામ તરીકે જોવા જોઈએ તેમ હું માનું છું. અને આ દ્ર્ષ્ટિએ જોતાં રાગ અને દ્વેષમાંથી આપણી જાતને મુક્ત કરી દરેક વસ્તુ કે ઘટના માટે આપણે નિર્મોહી બની શકીએ તો જ આપણે સાચું સુખ પામી શકીએ.

 11. anil b lalcheta says:

  ખુબ મજ્જા આવિ

 12. Vikram Bhatt says:

  હરેશભાઇ ખૂબ સારા લેખક, અનુવાદક, columnist હોવા ઉપરાંત effective management trainer પણ છે.
  ‘યથેચ્છિસિ તથા કરુ’ – “તું ઈચ્છે તેમ કરી શકે છે. ખૂબ motivational statement.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.