તૃણવત્ – મૃગેશ શાહ

[સત્યઘટના પર આધારિત. પાત્રોનાં નામ કાલ્પનિક છે.]

‘શું સુધીરભાઈ તમેય ! આટલી સરસ ઑફિસ છે, જરા વ્યવસ્થિત ગોઠવણી કરો તો આવનારનેય બે ઘડી બેસવાનું મન થાય.’ મેં ન છૂટકે નાના મોંએ મોટી વાત કરી દીધી.
‘પણ….’
‘પણ ને બણ…. આ રોડ તરફની બારીએ રંગબેરંગી પડદા ઝૂલતા થાય, ખૂણામાં પડેલી ફાઈલો માટે સામે નાનકડું કબાટ બની જાય અને તમારી એક સરસ કૅબિન તૈયાર થઈ જાય તો આખ્ખી ઑફિસની કંઈક રોનક જ બદલાઈ જાય.’
‘વાત તો તમારી સાચી છે પ્રશાંતભાઈ, પણ મને એ બધા માટે સમય ક્યાં રહે છે ? તમે જુઓ છો ને, સવારે વહેલો આવી જાઉં છું તે છેક રાત્રે અહીંથી ઊભો થાઉં છું.’

જો કે એમની વાત સાચી હતી. સુધીરભાઈ આખો દિવસ કંઈકને કંઈક કામમાં વ્યસ્ત હોય. તેમની ઑફિસ મારી ઑફિસની બરાબર સામે હતી. રોજ સવારે હું ઑફિસ ખોલું એની પહેલાં તો એમણે પોતાનું કામ શરૂ કરી દીધું હોય. એમનું કામ પણ અનોખું ! ન તો કોઈ કર્મચારી કે ન તો કોઈ પટાવાળો. પોતે જ પોતાના શેઠ ! શેરબજારના અનન્ય ઉપાસક. રોજના લાખો રૂપિયા રમે, ખર્ચે, ગુમાવે પરંતુ શેરબજારનું વળગણ ન છૂટે. સંપત્તિ તો એટલી કે ચાર પેઢી સુધી જોવાપણું ન રહે. છતાં પોતાને કોઈને કોઈ પ્રવૃત્તિમાં જોડી રાખવા મથે. હંમેશા ખુશખુશાલ દેખાય પણ ક્યારેક તેમના ચહેરા પર ભીતરનો અજંપો ડોકિયું કરી જાય. શેરબજારના સેન્સેક્સની જેમ એમનો મૂડ ચડ-ઉતર થતો દેખાય. ઉંમરમાં તો અમારી વચ્ચે એક પેઢીનું અંતર પરંતુ ધંધાકીય માહોલને કારણે એકબીજાને ‘ભાઈ’નું સંબોધન કરવું સહજ બની ગયું હતું.

ત્રીજે માળે મેં નવી ઑફિસ લીધી ત્યારે આજુબાજુમાં કોઈની વસ્તી નહીં. પાસેની બંને ઑફિસોને તાળાં લાગેલા રહેતાં. ક્લાસીસ પુરા થાય અને વિદ્યાર્થીઓ જતા રહે પછી સમય પસાર કરવો ભારે પડી જાય. આસપાસમાં વાતચીત કરનારું કોઈ નહીં. એડમિશનના દિવસો હોય ત્યારે ઑફિસ બંધ કરીને નીકળાય પણ નહીં. બપોરના ચાર વાગે એટલે હું સુધીરભાઈ પાસે જઈને બેસું. એ ટ્રેડિંગ પતાવીને સોદાઓનું વિશ્લેષણ કરવામાં પડ્યા હોય. કઈ કઈ સ્ક્રીપ્ટો ઊંચકાઈ, શેમાં આજે માર પડ્યો, શેમાં સર્કીટ લાગી, કેટલા પૈસાનો લાભ થયો અને કેટલા ગુમાવ્યા એની બધી બાબતો મને કહે. મને એ બધું કંઈ સમજ ન પડે પરંતુ એમની આવડત અને એકાગ્રતાથી કંઈક નવું શીખવાનું મળે. લેપટૉપ પર ફટાફટ આંગળીઓ ફેરવે અને ઘડીના છઠ્ઠા ભાગમાં અનેક પ્રકારના ચાર્ટ આંખો સામે ખડા કરી દે. મને આશ્ચર્ય થાય – આશ્ચર્ય એ વાતનું નહીં કે આ બધા ચાર્ટ એ ક્યાંથી લાવે છે; નવાઈ તો એ વાતની કે આટલા હોંશિયાર બિઝનેસમેનની સાવ આવી ઑફિસ ? લાખો-કરોડોમાં જે માણસ રમતો હોય તેની ઑફિસમાં એ.સી. પણ નહીં ? ચારેતરફ વેરવિખેર પડેલી ફાઈલો, જૂના ટેબલો, તૂટેલી ખુરશીઓ, નકામા લાકડાના ટુકડા અને પડદાં વગરની બારી ! ધારે તો કેટલું સરસ ફર્નિચર બનાવી શકે. ઓઈલપેઈન્ટ કલર કરાવી શકે. અસ્તવ્યસત પડેલા કાગળોને નોટીસબોર્ડ પર ચોંટાડી શકે. અરે, ખુદને માટે એક ‘રિવોલ્વિંગ ચૅર’ તો લાવી શકે ને ?

પણ ના. એ જ એમનું ખખડધજ ટેબલ, જૂની-પુરાણી ખુરશી અને આઉટડેટેડ લૅપટૉપ. બે વર્ષની આત્મીયતા પછી મારે સુધીરભાઈને આ બાબતે ઘણીવાર કહેવાનું થાય. દર વખતે એ વાતને ટાળ્યા કરે. કોઈને કોઈ બહાનું સામે ધરી દે. પહેલાં તો મને એમ કે શેરબજારવાળા તો માત્ર કમાઈ જાણે, એટલે એમનો પૈસા ખર્ચવાનો જીવ નહીં ચાલતો હોય. પરંતુ જ્યારે તેમની આંખમાં આંખ પરોવીને હું જોઉં ત્યારે ભીતરમાં છુપાયેલી કોઈ વેદનાનો ભાર તેમની આંખોના પડદાને ચીરીને બહાર ધસી આવવા મથતો હોય એમ લાગે. પછી કોઈ કારણ હશે એમ માનીને મેં એ વાત કરવાનું છોડી દીધું. અતિતનું અનુસંધાન કરવાથી આમ પણ શું ફાયદો ? દરેક માણસની કોઈને કોઈ નબળાઈઓ હોય છે. નબળી બાજુને એક તરફ રાખીને પોતાની જે કાર્યક્ષમતા છે એમાંથી કંઈક પુરવાર કરી બતાવવું એ જ સફળતા છે ને ? સુધીરભાઈ એ રીતે સાચા અર્થમાં સફળ બિઝનેસમેન હતા. ભલે બે-ચાર બાબતો પ્રત્યે તેમનું વલણ નિષ્ક્રિય હોય, પરંતુ શેરબજારની બાબતમાં કોઈ તેમને આંટી શકે તેમ નહોતું.

શહેરના પૉશ વિસ્તારમાં એમનો બંગલો હતો. દશ-બાર વિશાળ ઓરડાઓ અદ્યતન ફર્નિચરથી સજાવેલા હતાં. રોડ તરફની અટારીઓ રંગીન કાચથી સુશોભિત કરી હતી. ચોતરફ બગીચા સાથે નાનકડા રંગબેરંગી ફુવારાઓ સુંદર રીતે ગોઠવાયેલા. બારણાની પાસે રખાયેલો કલાત્મક હિંચકો એમની નિત્ય બેઠક રહેતી. જ્યારે જ્યારે એમના ઘર પાસેથી પસાર થવાનું થાય ત્યારે હું આંટો મારતો જઉં. ઘડીક બેસીને અમે નિરાંતે વાતોએ વળગીએ. એ મારા કલાસીસની વાતો પૂછે. વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરીક્ષાની વિગતો વિશે વાત કરે. કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને કઈ લાઈનમાં ગયા એ બધી વિગતો જાણે. પછી અચાનક કંઈક વિચાર બદલીને શેરબજારની વાતો કરવા માંડે. ઘણીવાર મને તેમના વર્તનથી ભારે કૂતુહલ થાય. ઘરે મળવાનું થાય ત્યારે ફરી પાછો એ પ્રશ્ન મારા મનમાં સળવળે કે ઘર આટલું સુંદર અને ઑફિસ સાવ આવી….?! પણ ખેર ! જેવી જેની રૂચિ.

તે દિવસે ઘણા સમય પછી એમને મળવાનું થયું. ઘરમાં લગ્ન-પ્રસંગ હોવાથી તેમણે ઑફિસે આવવાનું બંધ કર્યું હતું. નાનું-મોટું કામ ઘરે બેઠા પતાવી લેતાં. કંઈક અગત્યનું કામ આવ્યું હોય તો વચ્ચે એકાદ કલાક ઑફિસે આવીને નીકળી જતાં. મારે કલાસ ચાલુ હોય એટલે વાતચીત કરવાનો ખાસ મોકો ન મળતો. પરંતુ તે દિવસે એ તરફથી જતાં અચાનક મારા પગ એમના ઘર તરફ વળી ગયા.
‘આવો… આવો….. પ્રશાંતભાઈ.. આપણે તો બહુ દિવસે મળ્યા…’
‘હા. ઘણો વખત ગઈ ગયો. કેમ ? પ્રસંગ બરાબર સચવાઈ ગયો ?’ મેં બેસતાંની સાથે પૂછ્યું.
‘હા, હોં ભઈ. એકદમ સરસ રીતે. જો કે અમારા ગામ તરફ વાદળો ઘેરાતાં માવઠું થવાનો ડર લાગતો હતો, પરંતુ બધું હેમખેમ પાર ઊતરી ગયું. હજી પરમ દિવસે જ પરત આવ્યા. ઘરના બધા દેવસ્થાને પગે લાગવા ગયા છે અને હું મહિનાનો થાક ઊતારું છું !’ તેઓ હસીને બોલ્યા….
‘લો ત્યારે હવે તો તમે નિવૃત્ત થઈ ગયા…’ મેં પણ હસીને કહ્યું.
‘એમ કેમ ?’
‘કેમ વળી ? પ્રસંગો શાંતિથી ઉકલી ગયા. પરણીને સૌ સૌના ઘેર ! હવે તમારે રિટાયર્ડ લાઈફ ને !’
‘હં…. આમ જુઓ તો મારી આખી જિંદગી નિવૃત્તિ જેવી જ છે. કંઈ પ્રવૃત્તિ કરી હોય એવું લાગ્યું જ નથી….ઠીક છે, ચાલ્યા કરે…’ એમનો ચહેરો થોડો હતાશ થઈ થયો.
‘શું વાત કરો છો તમેય ! આ બધું કંઈ એમ ને એમ એક રાતમાં ઊભું થઈ ગયું ?’ મેં ડ્રોઈંગરૂમ તરફ નજર ફેરવતાં કહ્યું.
‘એ બધું તમારે મન ‘કંઈક’ હશે. મારે મન કંઈ જ નથી….’
‘એટલે ?’ હું ચોંકી ગયો.

પાસેનો તકીયો મારી તરફ ખસેડીને એમણે કહ્યું, ‘તમે બેસો શાંતિથી. હું પાણી લઈ આવું. પછી આગળ વાત કરીએ…’ એ અંદર ચાલ્યા ગયા. હું વિચારમાં પડ્યો. આટલો મોટો બંગલો, ત્રણ-ચાર ગાડીઓ અને કરોડોની આવક હોવા છતાં માણસ એવું કહી શકે કે – આ બધું મારે મન કંઈ નથી…. માણસની ઈચ્છાઓનો અંત ખરો કે નહીં ? આખરે એને કેટલું જોઈએ ? સાચું કહ્યું છે કે ધન મેળવવું એ ભાગ્યની વાત હશે પરંતુ સમજપૂર્વક સંતોષ કેળવવો એ તો કોઈ પરમની કૃપાથી જ સંભવી શકે…. સુધીરભાઈએ ટિપોઈ પર ટ્રે મૂકીને વાત આગળ ચલાવી.

‘તમને ઘણીવાર થતું હશે કે શા માટે હું બધી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ નથી લઈ રહ્યો ? કદાચ એમ પણ પૂછવાનું મન થતું હશે કે મોટા પાયે વ્યાપાર વિકસી શકે તેવી તમામ અનુકૂળતાઓ હોવા છતાં શા માટે આટલી નાની ઑફિસ સંભાળીને બેસી રહ્યો છું ? ક્યારેક તમને એમ પણ થતું હશે કે હું બહુ તરંગી માણસ છું ! પણ વાસ્તવમાં એમ નથી. મારી આ બધી વર્તણુંક પાછળનું એક જ કારણ છે – મને કશામાં જરાયે રસ નથી.’
‘રસ નથી ? પણ એવું કેમ ? શું તમે તમારી પ્રગતિથી સંતુષ્ટ નથી ?’
‘પ્રગતિ માટે પ્રથમ પગલું ભરવાની શરૂઆત જ ક્યાં કરી છે, પ્રશાંતભાઈ ? કશુંક અંકુરિત થાય એ પહેલા એને જળમૂળથી ઉખેડી નાખવામાં આવ્યું.’
‘એટલે ? હું કંઈ સમજ્યો નહિ.’ મેં કહ્યું.
‘તિરાડ પડેલા કાચના ગ્લાસને ગમે એટલો શણગારીને શૉ-કેસમાં મૂકવામાં આવે તો પણ એ શણગાર પેલી તિરાડને છુપાવી નથી શકતો. એ તિરાડ એનું સમગ્ર સૌંદર્ય હરી લે છે. મારા જીવનમાં એવી તિરાડ મારા બાપુજી પાડીને ગયા છે. એ હવે કેમેય કરીને દૂર કરી શકાય એમ નથી.’
‘એવું તે શું કર્યું તમારા બાપુજીએ ?’
‘હું આઠ-દસ વર્ષનો હતો ત્યારની આ વાત છે. મારું મગજ ટૅકનોલૉજી પાછળ જાણે કે પાગલ હતું. કંઈક નવું સંશોધન કરવાની મારામાં અપ્રતિમ ભૂખ જાગતી. જૂની-તૂટેલી વસ્તુઓ હાથમાં લઉં કે હાથ સળવળે. એ બધામાંથી કશુંક અદ્દભુત સર્જન કરવાનું રેખાચિત્ર મનમાં ઉપસતું જાય. ભણવાની સાથે મારી એ પ્રવૃત્તિ સતત ચાલ્યા કરે. દસમા ધોરણમાં આવ્યો ત્યારે એવું એક સાધન વિકસાવ્યું કે જેનાથી અગાશી પર મૂકેલી ટાંકીમાં પાણીનું સ્તર કેટલું છે એ ઘરમાં બેઠા ખબર પડી જાય ! બાપુજીને નિસરણી લઈને ઉપર જોવા જવાની જરૂરત ન રહે. જે કોઈ આ સાધન જુએ ને દંગ થઈ જાય. એકવાર તો ભેટમાં મળેલા ઘડિયાળને છૂટું કરીને એમાં સેકન્ડ કાંટાના સ્થાને એવું નાનકડું લાલ ટપકું બેસાડ્યું કે જોનારને એમ લાગે જાણે એ ટપકું કોઈ પણ આધાર વિના સેકન્ડ કાંટાની માફક ફરી રહ્યું હોય. આવું તો કેટકેટલું ! નાની-મોટી મારી કારીગીરી ચાલુ જ હોય. થોડા મોટા થયા એટલે વિજ્ઞાનકથાઓ અને ઈજનેરી ઉપકરણો વિશે વાંચવામાં રસ પડવા લાગ્યો. નવા નવા સંશોધનો વિશે વાંચતા જ મારું મન કલ્પનાની પાંખે સવાર થઈ જાય. યૌવનમાં પગ મૂકતાં મનમાં એક ગાંઠ બાંધી દીધી કે ભણવું તો એન્જિનિયરિંગ જ. રોમેરોમથી એ વિષય પ્રત્યે મને અદ્દભુત લગાવ હતો.

પણ આખરે તિરાડ પડીને જ રહી. મેટ્રિક પાસ કરતાંની સાથે બાપુજીએ મને પૂછ્યા વગર મારું બી.કૉમનું ફોર્મ ભરી દીધું. ન તો મારી પસંદગી પૂછી કે ન તો મને કોઈ પ્રતિકાર કરવાની તક મળી. હું નિર્ણય બદલી શકું એટલો અવકાશ પણ ન રહ્યો. સપનાંના સાતેય વહાણો જાણે કોઈ અજ્ઞાત શીલા સાથે અથડાઈને મધ્યદરિયે ડૂબી ગયા અને મેં બી.કૉમ ફર્સ્ટકલાસ પાસ કરીને બાપુજીની દુકાનમાં એકાઉન્ટનું કામ સંભાળી લીધું. એમને તો એ જ જોઈતું હતું. પરંતુ હવે મારી અંદરનો જ્વાળામુખી કેમ કરીને શાંત થાય ? કોઈ કામમાં મન લાગે નહીં. કશુંક ન પામ્યાની પીડા દીલને કઠ્યા કરે. બસ ત્યારથી, જીવનનો ઉત્સાહ જ માર્યો ગયો. મારે માટે આ બધું બોજ સમાન થઈ ગયું છે જેનો ભાર હું ખેંચ્યે જાઉં છું. એ તો સારું છે કે ઘરને સુરેખા સજાવી-શણગારી લે છે, બાકી મારી અંદરનો સર્જક તો ક્યારનોય મરી પરવાર્યો છે !

એકવાર હું દુકાને બેઠો હતો ત્યારે શહેરના એક મોટા વેપારી કંઈક માલ ખરીદવા આવી પહોંચ્યા. એ નિયમિત આવતા એટલે થોડોઘણો પરિચય કેળવાયો હતો. વાતમાંથી વાત નીકળતાં તેઓ બોલ્યા કે એમના પુત્રને આર્મીમાં જોડાવું છે. મારાથી સહસા પૂછાઈ ગયું કે :
‘તમે એને આર્મીમાં જોડાવા દેશો ?’
ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના તેઓ તુરંત બોલ્યા : ‘કેમ નહીં ? એ આર્મીમાં જ જોડાશે.’
‘તો પછી તમારી આટલી મોટી ફૅક્ટરીનું શું ?’
‘તાળાં મારી દઈશ…. પણ એને તો આર્મી માં જ મોકલીશ’ તેઓ જુસ્સાથી બોલી ઊઠ્યા. ખલાસ…. ! એ ક્ષણે મારા મનમાં બાપુજી તરફ તીવ્ર ધિક્કારની લાગણી જન્મી. એક તરફ આ માણસ પોતાની બે કરોડની ફેક્ટરીને તાળાં વાગી જાય તો પણ પોતાના પુત્રને તેને ગમતી પ્રવૃત્તિમાં કરવા દેવા તૈયાર છે, અને બીજી તરફ મારો બાપ જુઓ ! પોતાના સ્વાર્થ માટે મને એકાઉન્ટન્ટ બનાવીને દુકાને બેસાડી દીધો. પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે એણે દીકરાના સપનાંઓની બલી ચઢાવી દીધી ? આ તે કેવો ક્રૂર હૃદયી પિતા ! પ્રશાંતભાઈ, એ દિવસથી મને મારા બાપુજી પ્રત્યે કોઈ માન તો ન જ રહ્યું પણ ઊલટું ઘૃણાની-ધિક્કારની લાગણી જન્મવા લાગી. આ આઘાતમાંથી હું આજે પણ બહાર આવી શક્યો નથી.

વળી, માણસને પોતાનું ધ્યેય સિદ્ધ ન થાય એનું કદાચ બહુ દુ:ખ નથી થતું પણ તેની નજર સામે બીજા જો એ લક્ષ્ય હાંસલ કરી લે તો એની ઊંઘ હરામ થઈ જાય છે. તમને ખબર છે ? આટલી ભૌતિક સંપત્તિ અને સમાજમાં માનભર્યું સ્થાન હોવા છતાં હું કોઈ કલબનો સભ્ય નથી બન્યો. કારણ એક જ – હું ડૉક્ટર, એન્જિનિયર કે ઉચ્ચ શિક્ષિત વર્ગ સાથે આંખ મિલાવી શકતો નથી. તેમની હાજરીમાં મારી જાતને હું હતાશ અને નિષ્ફળ મહેસૂસ કરું છું. મારું રોમેરોમ દાઝી ઊઠે છે. અંદર એક ચીસ ઊઠે છે કે શા માટે મેં બી.કૉમ કર્યું ? કુદરતે મારા જીવન સાથે આ રમત શા માટે કરી ? જો કે સમાજની નજરમાં હું સંપત્તિવાન છું પરંતુ આ તમામ સંપત્તિ જો મને મારા ગમતા વ્યવસાય થકી મળી હોત તો હું એને મન ભરીને માણી શક્યો હોત. આજે મારે મન આ તમામ સંપત્તિ તૃણવત્ છે. મારે મન એનું મૂલ્ય શૂન્ય બરાબર છે. જાણે કે જીવતી લાશ બનીને જીવન વ્યતિત કરું છું. જિંદગી પ્રત્યે કોઈ અપેક્ષા રહી નથી તેથી મોતને આવકારવા તત્પર રહું છું. કદાચ આ જન્મે ન સહી, આવતે જન્મે તો મારા સપનાંઓ સાકાર કરી શકું !’

તેમના અંતરની પીડા જાણીને હું મૌન થઈ ગયો. પશ્ચિમમાં અસ્તાચળે ડૂબી રહેલો સૂરજ સંધ્યાના રંગો પૂરવામાં વ્યસ્ત હતો ત્યારે સુધીરભાઈના આંખોના ખૂણા ચીરીને તેમના હૈયાની વ્યથા બહાર વહી રહી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખી થવાનો સીધો ઉપાય ! – હરેશ ધોળકિયા
રૂના પૂમડાં – પ્રદ્યુમ્ન આચાર્ય Next »   

35 પ્રતિભાવો : તૃણવત્ – મૃગેશ શાહ

 1. nayan panchal says:

  સત્ય વાત.

  ઘણા લોકોને પોતાના જીવનનો હેતુ ખબર નથી હોતો, અને સુધીરભાઈ જેવા લોકો જીવનનો હેતુ ખબર હોવા છતા કમનસીબે સાધી નથી શકતા.

  હમણા આવેલી ફિલ્મ “હીરોઝ”માં કંઈક આવી જ વાત હતી,પુત્રને આર્મીમાં જવુ હોય છે અને પિતા તેને પોતાની જેમ ડોક્ટર બનાવવા માંગે છે. પુત્ર આર્મીમાં જાય છે અને શહીદ થઈ જાય છે. પિતા આ વાત સહી નથી શકતા અને મરેલા પુત્રને નફરત કરે છે. આખરે પિતાના હ્રદયનો ભાર ત્યારે જ હળવો થાય છે જ્યારે તે પુત્રની ભાવના સમજી શકે છે અને પછી તેમના દિલમાં રહેલી કડવાશ દૂર થાય છે.

  અહીં પરિસ્થિતી ઊલટી છે. પરંતુ સુધીરભાઈ તેમના પિતાને માફ નહીં કરે ત્યા સુધી તેમની મનઃસ્થિતી આમ જ રહેશે. બાકી, તેમનો ભૌતિક સંપત્તિ પ્રત્યેનો વૈરાગ્યતો આવકારવા લાયક છે જ.

  આભાર.

  નયન

 2. JITENDRA J. TANNA says:

  વાહ મૃગેશભાઈ, ખુબ સરસ આલેખન સત્ય ઘટનાનું. ખુબ સરસ વર્ણન. સાથે સાથે મા-બાપને સંતાનો પ્રત્યેની ફરજનો સંદેશ પણ આપી દીધો.

 3. કમભાગ્યે કેટલાક માતા પિતા સઁતાનને સમજવા કરતા સમજાવવામાઁ વધારે વ્યસ્ત હોય છે.

 4. dhiraj says:

  પિતા પ્રત્યે આટલી કડવાસ પણ સારી ના કહેવાય.

 5. Darsha Kikani says:

  Parents always think good for their children, if children do not like the decision : they should have courage to rebel at the time of taking the decision. Ther is no point complaining after giving in !

  Instead of complaining, Sudhirbhai can still apply new techniques and creativity in Share business, most of the Financial analysts are engineers ! Life is too short to grumble and waste, one can start afresh anytime, anywhere.

 6. kali says:

  નાઈસ સ્ટોરી. પોતાનુ ધાર્યુ ના થાય ત્યારે આવો જ ડખ રહી જાય છે.

 7. Urmila says:

  Although Sudhirbhais domineering father forced him to be an accountant instead of scientiest- Sudhirbhai is not fair entirely – Once he matured -once he made his money-he could have gone into another profession – people often are forced due to circumstances to follow professsion that is practical in life to feed the family -we all know of lots of stories where people after they have retired have achieved fulfilment from what they enjoy and have made their mark – or earlier once they plan their life – one canot be emotional about lost opportunity and be depressed all your life and blame and hate father – as time goes on – one matures and comes out of the shadow of the father and makes one’s own decisions

 8. Sandeep says:

  જે થવાનુ હતુ તે થઈ ગયુ. હજી જીન્દગી બાકી છે. Take It Positively. આભાર એ પિતા નો જેણે આ દુનિયા મા કૈક કરવા સધીરભાઈ ને જન્મ આપ્યો. ત્યારે નહિ થઈ શક્યુ તો હવે કરો. Never underestimate yourself. Enjoy in God’s World.

 9. Navin N Modi says:

  શ્રી નયન પંચાલના પ્રતિભાવમાંની માફ કરવાથી જ માનસિક શાંતિ પ્રાપ્ત થાય એ વાત ખૂબ સાચી છે. આ સત્ય વાતમાંનો બીજો એક મુદ્દો પણ બહુ વિચારવા લાયક છે.
  વાતમાંની ‘માણસને પોતાનું ધ્યેય સિદ્ધ ન થાય – – -‘ એ વાક્ય માણસના મનમાં રહેલા ઈર્ષાના ભાવનું પ્રાગટ્ય છે. એ પણ ધ્રુણાની ભાવના જેટલું દુખ આપે છે. વળી ઈર્ષા તો આપણે મનગમતી પ્રવ્રુતિ કરતા હોઈએ તો પણ આપણો પીછો છોડતી નથી. તેથી એ પણ એક તજવા જેવી વ્રુત્તિ છે.

 10. મને લાગે છે સુધીરભાઇએ પોતાની વિચારધારાને થોડી બદલવાની જરૂર છે. જે ભૂતકાળમાં થઇ ગયું છે એ વાતનો રંજ રાખીને જીવન જીવવું એ અયોગ્ય છે. વાર્તા પરથી એમ લાગે છે કે તેઓ ખૂબ સાધન સંપન્ન છે અને કદાચ જવાબદારીઓથી પણ પરવારી ગયા છે. તો હવે તેઓ પોતાનો સમય પોતાના માટે અને પોતાને મનગમતી પ્રવૃત્તિઓ માટે ફાળવી શકે છે. કદાચ નિવૃત્તિ ના લઇ શકે તો પણ પોતાના માટે સમય કાઢીને પોતાના મનમાં દબાઇને રહી ગયેલી ઇચ્છાઓને ફરીથી સાકાર કરી શકે છે. ભૂતકાળ માણસ બદલી શકતો નથી પણ પોતાનું ભવિષ્ય તો તે બનાવી જ શકે છે.

  After all, Life is all about attitude.

 11. Manisha says:

  Hello Mrugesh,

  Nice one ! Ask sudhirbhai to start study for his choice of subject.

  Why he is not taking advantage of the situation when he can take decision
  by himself for his life ??

  Be positive friend !! Life is too short and need to live a big life in short time.

  Best Wishes…

  Manisha

 12. Ashish says:

  Society has tried very good to give you the best privileges possible. Desires always exceeds what is given by privileges. So it is the nature of the desire itself. Desires are good. Have more of them. But always remember that you are higher than your desires. You have created the desires. Don’t loose that power. You are always higher than your desires. Do not allow your desires to create you or destroy you. Let your desires doesn’t create you. Let your desires be a natural part of your life. Let them follow you.

  Don’t forget the out of millions of seeds only few becomes plants, or humans. Millions of desires go unfulfilled. Your Life itself is the result of the desire. Enjoy it.

 13. payal says:

  I agree with the reader’s comments. No point in wallowing in self pity. It is never too late to do anything in life. When I graduated from college, there was a 90 year old african american woman who graduated with a college degree with us!! Our dean had no words to express the deligence of this woman who was raised in an era where women especially black women had no privilages..Her mother was a slave in the southern united states and she herself was sold into slavery when she was little. She did not even learn to read and write until she was a teenager!!! She was in a wheelchair but the entire auditorium stood up in her honor!! May be sudhirbhai should take some inspiration from her!!

 14. Purvi says:

  We cannot change what has been passed but we can certainly do the best with what we have. જે નથી મળ્યુ તેના દુખ મા આખી જિન્દગી ના વેડફી નખાય.

 15. Vinit says:

  હુ પોતે ગુજરાતિ છુ…પણ એક વાર મિત્ર જોડે તેલુગુ મુવિ જોયુ…”બોમરિલ્લુ”…જે એન્ગ્લિશ સબટાઈટલ સાથે youtube પર છે..

  હુ બધા ને એ મુવિ જોવાનો આગ્રહ કરિસ્….એ મુવિ નિ કથા આ લેખ જેવિજ છે..

  http://www.youtube.com/watch?v=jr5L31LoTc8

 16. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સુંદર વર્ણન.

  પણ, સુધીરભાઈની પાસે આટલી સંપત્તિ હોય અને આટલો રસ હોય, તો તેઓ પોતાની એક કંપની જરુર શરુ કરી શકે. એન્જીનિયરીંગ ભણ્યા નહી એ નસીબ હતુ, પણ અત્યારે એ થોડા એન્જીનીયરોને કામ પર જરુર રાખી શકે.

  નીરસ જીવન જીવવા કરતાં, સ્ટીવ જોબ્સ અને બીલ ગેટસ (બંને ગ્રેજ્યુએટ નથી) માંથી પ્રેરણા લઈ ટેકનોલોજી ક્ષેત્રે પદાર્પણ કરી શકે.

  એકવાર ટેકનોલોજીમાં પડ્યા પછી, એમને એવું અનુભવવાના પૂરા ચાન્સીસ છે કે, આના કરતા શેરબજાર વધુ સારું હતું.

  પિતાને ધિક્કારવા કરતાં, પોતાના ધન અને જીવનના અનુભવથી બાકી રહેલા સપના કેમ પૂરા થાય એના પર વિચાર કરવો યોગ્ય રહે.

 17. Hiral Thaker "Vasantiful" says:

  ક્યારેક એમ બને કે જે કરવાની કે બનવાની ઇચ્છા હોય પણ ન થઇ શકાય. પણ એનો રંજ રાખી ને બાકીની જીંદગી વેડફી ન દેવાય. ભલે સુધીરભાઇ જીંદગીના શરુવાતના વરષોમાં કોઇ વૈજ્ઞાનિક કે એવુ કંઇ ન બની શક્યા પણ જ્યારે આટલો ડેવલપ થયેલો ધંધૉ હોય તો તેમાંથી થતી આવક કદાચ વૈજ્ઞાનિક હેતુ પાછળ પણ વાપરી શકે, કે પછી પોતે કોઇ એવી સંસ્થામા જોડાઇ શકે.

 18. Malay says:

  જો આ સત્યઘટના હોય, તો આ પાત્ર ને માટૅ હજી પણ સમય છે. ચેતન ભગત નુ વક્તવ્ય (આ જ વેબસાઇટ પરથી) આ ભાઇ ને વંચાવવા વિનંતી.

 19. SURESH TRIVEDI says:

  If Sudhirbhai thinks that his father has deprived of his talent,is he sure that he would have proved himself in the thing that he was interested in?Had he not succeded in his thinking what his father would have thought for himself?It is being said “WHATEVER HAPPENS HAPPENS FOR GOOD”.Sudhirbhai should be grateful to his father and not to be unhappy and shameful.And what is parents feelings and sympathy for their children and try to do all kinds of efforts for the wellbeing of them.If Mrugeshbhai knows SUdhirbhai personally,tell him to be polite and go to his father if (alive) and ask him to forgive and see and feel his response.MR.Sudhirbhai do you have COURAGE and SHAME??!!

 20. kumar says:

  સ્વામી વિવેકાંનદે જે વર્ષો પહેલા કહેલુ તે આજે પણ એટલુ જ સત્ય છે.
  ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધિ મંડ્યા રહો.

  જગ્યા ત્યર્થી સવાર્.

 21. hemant desai says:

  dear mrugeshbhai-while v r really loving it to read-can i know how do i read previous articles repeatedly?kindly pl reply

 22. URVI says:

  Good Story . In our Gujarati Society – It happens with all Youngsters . Parents force to their children to go in that line only from they get economic value and status .

 23. Ashmita Mehta says:

  jaagya tyaar thi savar !

 24. ASHOK DAXINI says:

  SARAS, MRUGESH BHAI,
  I WISH I COULD WRITE SO! INCIDENTALLY, THIS HAPPENS TO BE THE TRUE STORY OF MY FIRST BOSS, DR. VIJAY B. MEHTA, IN BOMBAY. HE HAD TO TAKE CARE OF HIS FATHERS BUSINESS COMING BACK FROM ENGLAND, WHERE HE WAS DOING HIS RESEARCH IN ELECTRONICS, THOSE DAYS. SOMETIMES, FACTS ARE MORE TRUE AND DRAMATIC THAN FICTION!!

 25. dipak says:

  This is a nice & some kind of true story.Done is done.Never cry for past.Now at this age also he can do his choice work.

 26. Vaishali Maheshwari says:

  Interesting true story and interesting comments too.

  Lets look at both the sides of coins here.

  First, Sudhirbhai’s dad was wrong here. Parents should not force children to do something that they want their kids to do. Before this story, I just read about little girl Prima’s parents (Interview by Mr. Mrugesh Shah). Sudhirbhai’s dad needs to learn little from Prima’s parents. Sudhirbhai’s dad should have atleast consulted his son before taking his admission in B.Com.

  This is one side of the story. Again, I understand Sudhirbhai’s feelings completely. He must have felt very disheartened when he was not allowed to do something that he wished to do. I would also have felt sad if this would have happened with me. But then, this is not the end of life. Sudhirbhai is wrong here for sure.

  He did B.Com and then served as an Accountant in his Dad’s store. But now things have changed. He could have worked for few years as an accountant and then fulfilled his wish of Engineering. May be he had some other constraints financially or anything else, but still after few years, when he was financially well-set, then he could have opted for some engineering course or could have restarted his research and invented new things as he used to do before.

  He needs to change the view to live life. Life is too short. We never know if we will survive or will be meeting God at the very next moment, then whats the point in complaining. God also gives us many hardships to see how strong we are, but we do not start hating God, then it should be the same for our Parents too.

  Parents are not less than God. If Sudhirbhai’s dad forced him to do something that he really did not wish to do, then he could have told his dad at that very moment. Still if he did not listen, then he should have tried to find happiness in what his dad wished him to do. Later on, as I have mentioned before, he could have joined engineering or did anything that he was interested in doing.

  Sudhirbhai’s dad did something that hurt Sudhirbhai, but it was not such a big mistake that his dad did. Sudhirbhai should not obviously hate his father just for this reason. Parents give birth to us, so that is the biggest gift from them to us. We owe a lot to them, which I feel we will never be able to repay, but atleast we can keep them happy forever.

  Thank you once again Mrugeshbhai for this wonderful story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.