રૂના પૂમડાં – પ્રદ્યુમ્ન આચાર્ય

[હાસ્યલેખ]

અચાનક એક દિવસ કાનમાંથી અવાજ આવવા લાગ્યો. મને થયું કાનના ડૉક્ટરને બતાવવું પડશે. ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ દવાખાને બતાવવા ગયો. ડૉક્ટરે પૂછ્યું કેટલા સમયથી અવાજ આવે છે, કેવો આવાજ આવે છે ?
મેં કહ્યું : ‘બે-ત્રણ દિવસથી અવાજ આવે છે. રાત્રે પેટ્રોમેક્સ બત્તી સળગતી હોય એવો સીઈઈઈઈ…. એવો અવાજ આવે છે. કંટાળી ગયો છું.’
‘કેવી પેટ્રોમેક્સ બત્તી ? ઉપર કેરોસીનવાળી કે નીચે કેરોસીનવાળી ?’
મેં પૂછ્યું : ‘તેમાં શું ફેર પડે ?’
‘ફેર પડે. ઉપર કેરોસીનવાળી પેટ્રોમેક્સ હોય તો ઉપરથી અવાજ આવે. નીચે કેરોસીનવાળી હોય તો નીચેથી અવાજ આવે.’
મેં કહ્યું : ‘અંદરથી અવાજ આવે છે.’ આ ડૉક્ટરને વંશપરંપરાગત પેટ્રોમેક્સનો ધંધો હતો. કાન તપાસી, દવા લખી આપી. ગાલ ફુલાવવાની કસરત કરવાની. કાનમાં રૂનાં પૂમડાં ભરાવવાનાં. કાનમાં પવન ન લાગે, શરદી ન થાય તેની કાળજી લેવા સૂચવ્યું. મેં પૂછ્યું કે કાનમાંથી આવતો અવાજ બિલકુલ બંધ થઈ જાય એવું બને ? તે કહે હા, કેમ નહીં ? તમારે ખૂબ ઠંડો પવન કાનમાં જાય તેનું ધ્યાન રાખવું. ધડાધડ, ધડાધડ અવાજ કરતાં કારખાનામાં નોકરી કરવી. નવરાત્રિના ઘોંઘાટમાં આઠે દિવસ નાચવું… મેં તેને અટકાવીને કહ્યું કે તેનાથી તો માણસ બહેરો થઈ જાય. તે કહે, હવે તમે સમજ્યા. માણસ બહેરો થઈ જાય પછી તેને અવાજ આવતા નથી. તકલીફ In betweenની છે. તેના કહેવાનો મતલબ હતો કે રૂનાં પૂમડાં મારા આજીવન સાથી થવાનાં છે.

મેડીકલ સ્ટોરમાંથી દવા કૉટન ખરીદ્યાં. મેડીકલ સ્ટોરમાંથી ખરીદો તો કૉટન કહેવાય. ખાદીભંડારમાંથી ખરીદો તો પૂણી કહેવાય. પણ તેનો ભેદ કાનનાં દ્વારે વિલીન થઈ જાય છે. ઘરે પહોંચી સારવાર શરૂ કરી દીધી. કાનામાં રૂનાં પૂમડાં ખોસી દીધાં. ભારે શાંતિ લાગવા માંડી, પણ મારી પત્નીને શાંતિ ભારે લાગવા માંડી ! મને કહે જમવા ચાલો. મેં સાંભળ્યું નહીં. તેણી પાસે આવી ઘાંટો પાડીને બોલી. ‘ક્યારની કહું છું, જમવા ચાલો, સંભળાતું નથી ?…’ મેં કાનમાંથી પૂમડાં કાઢીને બતાવ્યાં અને કહ્યું, ‘આ પૂમડાંને કારણે સંભળાયું નહીં. ડૉક્ટરે કાનમાં રૂનાં પૂમડાં ભરાવી રાખવાનું કહ્યું છે.
‘તમે આમેય ક્યાં મારું સાંભળો છો ? આ તો દોડવું હતું ને ઢાળ મળ્યો એવો ઘાટ થયો છે.’
‘એવું નથી. કાનમાં અવાજ આવતો હતો તેથી કાનના ડૉક્ટરને બતાવ્યું. તેણે દવા લખી આપી. કસરત બતાવી. કાનમાં રૂનાં પૂમડાં ભરાવી રાખવા કહ્યું છે. સારવારના ભાગરૂપે કાનમાં પૂમડાં ભરાવવાનું શરૂ કર્યું હતું. સારવારમાં વાર કરવામાં સાર નથી.’ મેં કહ્યું.
‘બીજી કઈ કસરત કરવાની કહી છે ?’ એણે પૂછ્યું.
‘ગાલ ફુલાવવાની.’

તે હસીને બેવડ વળી ગઈ. તે બોલી, ‘અમને ગાલ ફુલાવી બતાવો.’ મહેમાન આવે ત્યારે આપણા ચિરંજીવીની હોશિયારી બતાવવા જે પ્રમાણે કરીએ છીએ – બેટા ઝેક અને ઝીલ અંકલને ગાએ બતાવો. બિલકુલ તેમજ – મને થયું આ ગાલ ફુલાવવાની વાત કરીને પત્ની પ્રત્યે વફાદારી પ્રગટ કરવાની જરૂર ન હતી ત્યાં તો તેણીએ મોટેથી બૂમ મારી – છોકરાઓ ચાલો, તમારા પપ્પા ગાલ ફુલાવે છે તે જોવા. મારી રેવડી દાણાદાણ થઈ ગઈ. ત્યાં તો છોકરાઓ દોડતા આવ્યા. પપ્પા ગાલ ફુલાવો…. પપ્પા ગાલ ફુલાવો… તાળીઓ પાડી મોટે મોટેથી હસવા લાગ્યા. બાબલો બોલ્યો – પવનપુત્ર હનુમાન કી જે ! તેમને પપ્પાના નવા અજીબ સ્વરૂપનું દર્શન કરવું હતું. મેં છોકરાઓને ભગાડી મૂક્યા. નિરાશ થઈ ગયા. મેં મારી પત્નીને કહ્યું, ‘સંતો કહે છે કે ભક્તિ પ્રકાશમાં જાહેર ન કરવી. કોઈ જુએ એમ ન કરવી. એકાંતમાં કરવી. હું કહું છું કે ભક્તિ અને ગાલ ફુલાવવા જાહેરમાં ન કરવા. કોઈ જુએ એમ ન કરવા, એકાંતમાં કરવા.’ મને થયું એક વખત વાંદરજાત કહે તેમ કરીએ તો આખો દિવસ ગાલ ફુલાવ ફુલાવ કરવું પડે અને પછી તો મહોલ્લામાં જાણ થાય તો પછી રસ્તે જતું ટેણીયું પણ ફરમાઈશ કરે – અંકલ ગાલ ફુલાવો. અને રસ્તે જતા ગાલ ફુલાવ્યા કરીએ તો આપણી માનસિક સ્થિરતા સંબંધી શંકા થવા માંડે. પછી તો વાત ફેલાય તો ઑફિસમાં પટાવાળાથી માંડીને બોસ સુધી પહોંચે…. શ્રીમતીજીને જ્યારે લાગ્યું કે આ મરદ ગાલ ફુલાવે તેવું લાગતું નથી. પછી ધીરેથી મને સમજાવતી હોય તેમ બોલી, તમે ભલે છોકરાઓને ગાલ ન ફુલાવી બતાવ્યા પણ મને ફુલાવી બતાવજો. મને ખ્યાલ આવે કે કાયમ બેસી ગયેલા ગાલ ફૂલે ત્યારે કેવા લાગે છે. પરણીને આવી ત્યારથી કાયમ બેસી ગયેલા ગાલ જ જોયા છે. મને પણ થયું દિલ બહલાને કે લિયે ગાલ ફુલાના અચ્છા હૈ. પરંતુ તુરત જાત પર કાબૂ મેળવી લીધો.

ડૉક્ટર તરફથી મને બે અમૂલ્ય ભેટ મળી છે. રૂનાં પૂમડાં અને ગાલ ફુલાવવા. દુનિયાના સિતમો જુલ્મો સામે ઝીંક ઝીલવાની શક્તિ પૂરી પાડે છે. કહે છે મનુષ્ય ઈશ્વરનો અંશ છે તે પૃથ્વી પર અવતાર લે તે પહેલાં ઈશ્વરે તેને માટે આગોતરી વ્યવસ્થા કરી રાખી છે. રૂનાં પૂમડાં નાખવા કાન અને અત્તરના ફાયા રાખવા કાનમાં ખાનું. માણસને તેનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. હું પૂમડામય બની ગયો છું. સબહુભયા પૂમડામય જાની. મારા પેન્ટના ડાબા જમણા ખીસામાં, પાછળના ખીસામાં, પેન્ટના ચોર ખીસામાં, બુશકોટના બંને ખીસામાં, ચશ્માંનાં ઘરામાં બસ પૂમડાં જ પૂમડાં છે. પૂમડાંથી મન કોળેલું રહે છે. માણસ બહારગામ જતો હોય અને બૅગ તૈયાર કરતો હોય અને તેને બી.પી. રહેતું હોય તો બૅગમાં સૌપ્રથમ બી.પી.ની દવા મૂકે છે. ડાયાબિટીસ હોય તો તેની દવા મૂકે છે. કબજિયાત રહેતી હોય તો હરડેની ફાકી મૂકે છે. હું સૌપ્રથમ રૂનાં પૂમડાં મૂકું છું.

મડાને ખડા કરે તે પૂમડા મેળવવાનો બહુ જ મૌલિક ઉપાય અમે શોધી કાઢ્યો છે, અને તે પણ આડી વાટે નહીં, ઊભી વાટે. લોકમાન્ય તિલક ગીતા રહસ્ય સમજાવતાં કહે છે, કર્મરૂપી વીંછીની ફળની અપેક્ષાનો આંકડો કાપી નાખો. હું આ જ કરું છું. મારી પત્ની પૂજા-દીવાબત્તી માટે ઊભી વાટ, જેને ફૂલવાટ કહે છે જેના બજારમાં તૈયાર પડીકાં મળે છે, તે ઊભી વાટની પૂંછડી કાપી નાખું છું. સરસ મજાનું ગોળ ગોળ ટબ્બા જેવડું પૂમડું બનાવું છું. મારી પત્નીને ઘણી વાર શંકા થાય છે, દીવાબત્તી કરવાની ઊભી વાટ આટલી જલ્દી કેવી રીતે ખલાસ થઈ જાય છે ? બહાર નીકળતી વખતે મારી પત્નીને અવશ્ય પૂછું છું કાંઈ બજારમાંથી લાવવું છે ? તેણી કહે કાંઈ નહીં તો ફરી પૂછું છું ઊભી વાટના કેટલા ડઝન પડીકાં લાવું ? અને પછી ઊભી વાટ પકડું છું.

શાહુકારની એક વ્યાખ્યા એવી છે કે તે જ્યાં હાથ નાખે ત્યાંથી રૂપિયા નીકળે. અરે ચૂલાની આગવુણમાંથી પણ રૂપિયા નીકળે ! રૂનાં પૂમડાંની બાબતમાં હું શાહુકાર છું. જ્યાં હાથ નાખું ત્યાંથી રૂનાં પૂમડાં નીકળે. ટીવીના કેસ પર બે સફેદ નાના ભૂલકા કિલકિલાટ કરતાં, મારા કાનમાં જગા મેળવવા તલપાપડ હોય, ડાઈનિંગ ટેબલ પર ડાહ્યાડમરા થઈ બેઠા હોય, બેડરૂમમાં ગાદલા પર નસકોરા બોલાવતા ઊંધે કાંધ પડ્યા હોય, રસોડામાં દાળના વઘારની સોડમ લેવા જીભ મમળાવતા બેઠા હોય, પૂજાના રૂમમાં ભક્તિરસમાં તરબોળ થઈને આંખો મીંચી, તલ્લીન થઈ, હરિનામની ધૂન બોલાવતા હોય, બાથરૂમમાં શરદી થવાના ડરથી ખૂણામાં. પૂમડાં ક્યાં ક્યાં નથી ? ચાલીમા, મોરીમાં, પરસાળમાં, સોફામાં અત્ર તત્ર સર્વત્ર છે રૂનાં પૂમડાંનો વાસ. મારાં પત્ની રૂનાં પૂમડાંથી કંટાળ્યાં છે. હાય રામ, હવે આ પૂમડાં ઘરમાંથી રવાના થાય તો, ઈ જ પૂમડાનો દીવો કરીશ. નાળીમાં, રસોડામાં કબાટમાં મૂછો ફરકાવતા વંદા પ્રત્યે જેટલો તિરસ્કાર નથી એટલો તિરસ્કાર પૂમડા પ્રત્યે છે. પણ પડ્યું રૂનું પૂમડું નિભાવી લેવાનું છે, તેણી સમજે છે.

આમ તો મારાં પત્નીને પૂમડાં પ્રત્યે ભારે તિરસ્કાર છે પણ રાત્રે સૂતી વખતે પંખાનો પવન સહન થઈ શકતો ન હોય ત્યારે સામેથી પૂમડાં માગી લે છે. અને હર્ષ, ઉમળકાભેર, કાનાધિષ્ય રૂનાં પૂમડાં આપવાનો પોરસ અને જુસ્સો ચઢે છે. એક વખત અમે લગ્નમાં ગયાં હતા. ત્યાં અંજનાબહેન પાસે અત્તરની શીશી હતી, પણ પૂમડાં ન હતાં. તે વિના અત્તરનાં ફાયા બને તેમ ન હતાં. મારી પાસેથી પૂમડાં માગી લીધાં અને કોઈ વ્યક્તિ દીક્ષા લેતી હોય અને તેનો વરઘોડો નીકળે અને દીક્ષા લેનાર બબ્બે હાથે બદામ, કાજુ, અખરોટ, પરચૂરણની ઉછામણી કરે તેમ મારી પત્નીએ બબ્બે હાથે પૂમડાંની ઉછામણી કરી. બધાં બૈરાઓમાં વટ પાડી દીધો. મારાં પૂમડિયાંઓએ માહોલ મહેંકતો કરી મેલ્યો.

એક વખત અમારું વૉશિંગ મશીન બગડી ગયેલું. મિકૅનિકને બોલાવ્યો. તેણે સ્ક્રૂ ખોલવા ઘણી મહેનત કરી. પણ કટાઈ જવાના કારણે સ્ક્રૂ ખુલ્યાં નહીં. તેમાં કેરોસીન પૂરવાની જરૂર થઈ. કેરોસીન આપ્યું પણ તે પૂરવા રૂની જરૂર પડી. હું પણ ઉચ્ચકક્ષાનો રિપૅરર જીવ છું. તુરત મેં કાનમાંથી ગોળ ગોળ, ટબ્બા જેવડા, ટાઢાટબૂકલાં જેવાં પૂમડાં કાઢીને આપ્યાં. મિકૅનિક રાજીનો રેડ થઈ ગયો. પૂમડાં ઘણી વાર સુધી હાથમાં રમાડ્યાં કર્યાં. આવાં પૂમડાં તેણે જિંદગીમાં જોયાં ન હતાં. તેણે પૂછ્યું પણ ખરું કે ગામમાં આવાં પૂમડાં ક્યાં મળે છે, પણ મારાં પત્ની બાજુમાં જ ઊભાં હોવાથી જવાબની વાટને ઊભી જ ન થવા દીધી.

સમગ્ર દુનિયાની નારાજી, આક્રોશ રોષ, કંકાસ સામે પૂમડાં પહેરેગીરની ફરજ બજાવે છે. જેમ શિવાજીના બહાદુર સરદાર બાજીપ્રભુએ ગઢનાં બારણે ઊભા રહી મોગલોની સેનાને એકલે હાથે હંફાવી હતી, આડા ઘા ઝીલ્યા હતા તેમ પૂમડાં કાનના દરવાજે અડીખમ ખડાં રહી દુનિયાની નારાજી, પૂર્વગ્રહ, અણગમો, કકળાટના પ્રહારોને ઝીલે છે. ભાંગતાં જતા કુટુંબજીવનને બચાવે છે. પૂમડાં Latent છે. અસ્તિત્વ છે, પણ અદશ્ય છે. કોઈ પણ જાતનાં બાહ્ય દેખાવો કે પોકારો કરવાને બદલે જાતને કાનની ગુફામાં વિલીન કરી દઈ મૂંગા મૂંગા ફરજ બજાવે છે. ચિંતકો કહે છે મિત્રો બનાવવા છે તો કાન આપો, જીભ નહીં. દરેકની ઈચ્છા હોય છે તેને કોઈક સાંભળે. કોઈને સાંભળતાં ન હોઈએ છતાં સાંભળીએ છીએ તેવો દેખાવ ઊભો કરવો કળા છે. પૂમડાં નમ્રતાથી આ ફરજ બજાવે છે. વો ભી ખુશ હમ ભી ખુશ. પૂમડાં માણસને પ્રસન્ન રાખે છે.

એક વખત અકબર બાદશાહે સભાને પૂછ્યું. દુનિયામાં કયું ફૂલ શ્રેષ્ઠ છે ? કોઈએ કહ્યું ગુલાબ, કોઈએ કહ્યું કમળ, કોઈએ કહ્યું ધતૂરો, જવાબોથી અકબર ખુશ ન થયો. તેણે બીરબલને પૂછ્યું. બીરબલે કહ્યું જહાંપનાહ, દુનિયામાં કપાસનું ફૂલ શ્રેષ્ઠ છે. તેમાંથી વસ્ત્રો બને છે. ઋતુઓમાં માણસની રક્ષા કરે છે. માણસની આબરૂ ઢાંકે છે. એક નૂર આદમી હજાર નૂર કપડાં. બાદશાહ તો જવાબથી ખુશ ખુશ થઈ ગયા. પછી પૂછ્યું, બીરબલ તેં બતાવ્યા તે ફાયદા સૌ કોઈ જાણે છે. બીજા કોઈ ફાયદા છે ? બીરબલ કહે હા નામદાર. અણે પાસે જઈ કાનમાંથી રૂનાં પૂમડાં કાઢી બતાવ્યાં અને કહ્યું, ઘરની કચકચથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. બાદશાહ બોલી ઊઠ્યો, શાબાશ બીરબલ. આજકાલ તું આટલો આનંદી અને પ્રસન્ન રહે છે તેનું રહસ્ય સમજાયું. પછી કાનમાં કહ્યું આપણે માટે પણ પૂમડાંની વ્યવસ્થા કરજે. તારે તો એક કચકચ છે, મારે તો પાર વગરની કચકચ છે. કહે છે, સોક્રેટિસ અને ટૉલ્સ્ટૉયને મહાન ચિંતક બનાવવામાં તેમની કજિયાળી, કંકાસખોર પત્નીઓનો બહુ મોટો ફાળો હતો પણ તેના કજિયા કંકાસથી પાગલ ન થઈ ગયા તેમાં રૂનાં પૂમડાંનો મોટો ફાળો હતો. પાગલ અને ચિંતક વચ્ચે રૂનાં પૂમડાંનો જ ફરક હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તૃણવત્ – મૃગેશ શાહ
અતીતના સંભારણા – સંકલિત Next »   

29 પ્રતિભાવો : રૂના પૂમડાં – પ્રદ્યુમ્ન આચાર્ય

 1. nayan panchal says:

  પૂમડાં-પુરાણ વાંચવાની મજા આવી ગઈ.

  આભાર.

  નયન

 2. Ravi Ponda says:

  Lovely comedy article..
  if David dhawan read it .. he may makes a film on “roo na pumda”
  and hero is Govinda….

 3. Brinda1 says:

  ઘણી સરસ હાસ્ય કથા

 4. payal says:

  very funny,
  interesting comment Ravibhai, there is a possibility of a hit musical number with roo na pumda too!

 5. pankita says:

  nice one.. 🙂

 6. unknown says:

  very fynny.

 7. રેખા સિંધલ says:

  લેખ વાંચીને થયુ કે દરેક ઘરમાં રૂના પૂમડાં હોવા જ જોઈએ. પાગલને ચિંતક બનાવવાનો અજબ કિમિયો છે આ તો ! ખુશ કરી દીધા પ્રદ્યુમ્નભાઈએ અને મૃગેશભાઈએ ! આભાર !

 8. સરસ હાસ્યલેખ. આભાર મૃગેશભાઈ અને હાર્દીક ધન્યવાદ પ્રદ્યુમ્નભાઈ.

 9. ranjan pandya says:

  રૂનાં પૂંમડાં–વાંચવાની ખુબ મઝા આવી ગઈ.

 10. nilesh says:

  nice one

 11. Niraj says:

  ખુબ જ સરસ…

 12. ASHOK DAXINI says:

  VERY GOOD, PRADYUMAN BHAI. READ A REALLY FUNNY ARTICLE AFTER A LONG TIME. SHALL WAIT FOR SUCH HEART RELIEVING ARTICLES FROM YOU.

 13. Sharad says:

  વાંચવા જેવો ખુબજ સરસ મઝા નો લેખ.

 14. paras says:

  રૂનાં પૂંમડાં–વાંચવાની ખુબ મઝા આવી ગઈ.

 15. parth says:

  રુ ના પુમડા નાખિ ને લેખ વાચિ ગયો. so can read cooly.very funy
  parth

 16. Nilesh Bhatt says:

  A great article which starts and then continues with non-stop comedy but unusually ends with a great learning.

  This is the greatness of any piece of art, that it can deliver the complex and difficult learning in easy going way.

  Carry on.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.