તેજીની કવિતા – કવિ દલપતરામ

[રીડગુજરાતીને આવું સુંદર કાવ્ય ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા) ખૂબ ખૂબ આભાર. ]

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નર્મદા પરિક્રમાના અનુભવો – અમૃતલાલ વેગડ
કાલનો સૂર્ય – કેયૂર ઠાકોર Next »   

13 પ્રતિભાવો : તેજીની કવિતા – કવિ દલપતરામ

  1. પ્રિય મૃગેશભાઈ,

    દલપતરામની આ કવિતા આપના બ્લોગ પર વાંચીને આનંદ થયો. 18 ફેબ્રુઆરી, 2006 ના રોજ આ કવિતા “તેજીની કવિતા – કવિ દલપતરામ” અમારા બ્લોગ લયસ્તરો પર પણ પ્રકાશિત થઈ હતી એ આપની જાણ ખાતર.

  2. nayan panchal says:

    અરે ભાઈ, અત્યારે તો મંદીની સિઝન ચાલુ છે. જૂના દિવસોની યાદ તાજી ન કરાવો.

    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.