- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બાલિકા વધૂ – અનામિકા

[સાહિત્ય બે પૂઠાંની બહાર પણ હોઈ શકે છે. તેના વિવિધ સ્વરૂપો છે. કદાચ તે ચિત્ર, ચલચિત્ર, નાટક કે પછી ધારાવાહી સ્વરૂપે પણ ક્યારેક પ્રગટ થતું જોવા મળે છે. જે કંઈ પણ ચીજ આપણી સંવેદનાને ઝંકૃત કરે, જીવન જીવવાનો સંદેશ અને સારા વિચાર આપે તેને આપણે સાહિત્ય તરીકે ગણી શકીએ. કંઈક આવી જ વાત છે તાજેતરમાં પ્રસારિત થઈ રહેલી ‘બાલિકા વધૂ’ ધારાવાહિકની. વર્તમાન અનેક બિનજરૂરી કાર્યક્રમો અને ઢંગ વગરના ધારાવાહિકો વચ્ચે આ શ્રેણી જુદી તરી આવે છે. નાનકડી આનંદીનો અભિનય તેમાં પ્રાણ પૂરે છે. પ્રસ્તુત છે આ શ્રેણીની રૂપરેખા અને આનંદી સાથે વાર્તાલાપ.]

થોડા સમય પહેલાં જ શરૂ થયેલી ‘કલર્સ’ ટીવી ચેનલ પર આવતી ‘બાલિકા વધૂ’એ મોટાભાગના પરિવારોને ઘેલું લગાડ્યું છે. સોમથી શુક્રવાર દરમિયાન સાંજે આઠ વાગે પ્રસારિત થતી ‘બાલિકા વધૂ’ શ્રેણીમાં બાળ વિવાહ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાને રજૂ કરવામાં આવ્યો છે. ગાલમાં ખંજન, કાળી આંખો અને નિર્દોષ હાસ્યવાળી બાલિકા-વધૂએ લોકોને મુગ્ધ કરી નાખ્યા છે. ટિપિકલ હિન્દી શ્રેણીઓના નામ માત્રથી જ નાકનું ટેરવું ચડાવનાર પુરુષવર્ગ પણ આ શ્રેણીથી ખાસ્સો પ્રભાવિત બન્યો છે.

‘બાલિકા વધૂ’ની વાર્તા છે રાજસ્થાનના અંતરિયાળ ગામડામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી આનંદી નામની બાળકીની. આનંદીને તેની ઉંમરના જ અન્ય બાળકોની માફક ફરવાનો-રમવાનો ભારે શોખ છે. ભણવામાં હોશિયાર આનંદીને સામાજિક પરંપરાના નામે શિક્ષણથી વંચિત રાખવામાં આવી છે. આવી જ એક પરંપરાના નામે આનંદીને માત્ર આઠ વર્ષની કુમળી વયે તેની જ ઉંમરના જગદીશ સાથે પરણાવી દેવામાં આવે છે. લગ્ન એટલે શું ? એ વાતથી તદ્દન અજાણ આનંદી નવા કપડાં, ઘરેણાં, રમકડાં મળવાની લાલચે સાસરે જાય છે. માતાપિતાનું એકનું એક સંતાન હોવાથી અત્યંત લાડકોડમાં ઉછરેલી આનંદીને અમીર સાસરામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વારંવાર અપમાનિત થવું પડે છે. આનંદીની સાસુ (સુષ્મા) તરફથી આનંદીને અપાર પ્રેમ મળે છે. તેના સસરા પણ આનંદીને પુત્રીની માફક પ્રેમ આપે છે, પરંતુ ઘરની મોભી અને આનંદીની વડસાસુ (દાદીસા) આનંદી સહિત ઘરની વહુઓને વારંવાર નીચા પાડવામાં, અપમાનિત કરવામાં ગૌરવ અનુભવે છે.

સામાજિક રીત-રિવાજોથી તદ્દન અજાણ આનંદી લગ્ન બાદ કરવામાં આવતી વિધિઓમાં વારંવાર ભૂલ કરે છે. પરિણામે દાદીસાને આનંદી તરફ શરૂઆતથી જ અણગમો ઉત્પન્ન થાય છે. એવામાં જ આનંદી પોતાની બાળવિધવા સહેલીને બંગડીઓ ભેટ આપવાની અને મિઠાઈ ખવડાવવાની નિર્દોષ ભૂલ કરી બેસે છે. પરિણામે ગુસ્સે થયેલા દાદીસા તેને કોટડીમાં પૂરી દે છે. ડરી ગયેલી આનંદી પોતાના પિયરમાં ભાગી જાય છે, પરંતુ સામાજિક બદનામીના ડરે આનંદીના માતાપિતા તેને પાછી સાસરે મૂકી આવે છે, જ્યાં તેનું બાળપણ, તેની જિંદગી જ બદલાઈ જાય છે.

એક સુંદર સામાજિક સંદેશો આપતી શ્રેણી ‘બાલિકા વધૂ’નું શક્તિશાળી પાસું રાજસ્થાની લોકસંગીત છે. લલિત સેન રચિત ‘કેસરિયા વાલમ’ અને શીર્ષક ગીત ‘છોટી સી ઉમર મેં…’ આજે લોકજીભે ચઢી ગયા છે. સમગ્ર શ્રેણીને રાજસ્થાની રંગે રંગવા માટે આર્ટ ડાયરેકશન, વેશભૂષા અને રાજસ્થાનની દેશી ભાષા પર પણ ખાસ્સું રિસર્ચ કરવામાં આવ્યું છે. આ શ્રેણીએ પ્રમાણમાં ઘણાં ઓછા એપિસોડ પૂર્ણ કર્યા છે, ત્યાં તો તેને મળી રહેલા પ્રચંડ પ્રતિસાદથી ટી.વી. ચેનલોમાં ધમાલ મચી ગઈ છે ! સપ્ટેમબર મહિનાના ટી.આર.પી પ્રમાણે ‘બાલિકા વધૂ’ અત્યાર સૌથી વધુ જોવાતી શ્રેણીઓને પાછળ પાડીને લોકપ્રિયતામાં બીજા નંબરનું સ્થાન મેળવી લીધું છે. તથા જે રીતે તેના દર્શકગણ વધતા જાય છે તે જોતાં આવનાર સમયમાં તે નંબર-1 બની જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

‘બાલિકા વધૂ’ તમામ પાસાંઓથી એક સંદેશાત્મક ધારાવાહિક હોવા છતાં દસ્તાવેજી ફિલ્મ સમી બની રહેતી નથી, તે જ તેનું સૌથી શક્તિશાળી પાસું છે. સાથે સાથે આ ધારાવાહિકે સાસુ-વહુ અને ઢંગધડા વગરના રિયાલિટી-શૉના કુછંદે ચડેલા ભારતીય દર્શક વર્ગને એક સામાજિક જાગૃતિનો સંદેશો આપતી કલાત્મક ધારાવાહિક તરફ વાળ્યા, તે જ ‘બાલિકા વધૂ’ની સાચી સફળતા છે. બીબાંઢાળ સિરિયલથી સાવ અલગ આ સિરિયલમાં બાલિકા વધૂનું મુખ્ય પાત્ર ભજવનાર આનંદી (અવિકા ગૌર) લોકોના દિલોદિમાગ પર છવાઈ ગઈ છે. ‘બાલિકા વધૂ’ની આ બાળવધૂ અવિકા ગૌર કેટલીયે સિરિયલોમાં ચમકી છે પણ જો કે આ સ્વીટ બાળ કલાકારને અસલ પિછાણ તો ‘બાલિકા વધૂ’થી જ મળી છે. અવિકાએ ક્યારેય વિચાર્યું નહોતું કે બાલિકા વધૂ ઉર્ફે આનંદી એને આટલી લોકપ્રિય બનાવી દેશે. તો ચાલો, મળીએ આ મીઠડીને….

# સૌથી પહેલાં તારું પારિવારીક વર્તુળ જણાવ.
>> હું મુલુંડમાં રહું છું. ઘરે મમ્મી-પપ્પા અને હું ત્રણ જણ છીએ. મમ્મી પપ્પા બેઉ વીમા સલાહકાર છે. મુલુંડની રોશન સ્કૂલમાં હું છઠ્ઠા ધોરણમાં ભણું છું.

# પહેલીવાર એક્ટિંગ ક્યારે કરેલી ?
>> સ્કૂલની ઈતરેતર પ્રવૃત્તિઓમાં હું પહેલેથી ભાગ લેતી રહી છું. છ એક વર્ષથી વેસ્ટર્ન મ્યુઝિકની ટ્રેનિંગ પણ ચાલે છે. મને ડાન્સનો બેહદ શોખ છે. એની ટ્રેનિંગ ‘કેસબર ડાન્સ એકેડમી’માં લીધી છે. ડાન્સના મેં 100-150 શૉ કર્યા છે. સ્કૂલમાં જો કે મેં એકટિંગ નહોતી કરી. મારે તો ડાન્સર જ બનવું હતું.

# તો એક્ટિંગમાં કેવી રીતે આવી ગઈ ?
>> મારા ડાન્સના-શૉઝ જોઈને પપ્પાને લાગ્યું કે હું એક્ટિંગ પણ કરી શકું છું. પછી કોઈએ જણાવ્યું કે રાજકુમાર આર્યન માટે ચાઈલ્ડ આર્ટિસ્ટનું ઓડિશન થઈ રહ્યું છે. પપ્પા મને લઈ ગયા. ઓડિશન પછી હું પસંદ થઈ ગઈ. પછી તો એક પછી એક સિરિયલ્સ મળવા માંડી.

# બાળલગ્ન વિશે તું કશુંય જાણે છે ?
>> પહેલા નહોતી જાણતી. આ સિરિયલમાં કામ કર્યા પછી થોડી થોડી ખબર પડવા માંડી છે.

# બાળલગ્ન સારાં ગણાય કે ખરાબ ?
>> બહુ ખરાબ ! એને લીધે બધું બગડી-છૂટી જાય છે. બીજું તો શું કહું ? હું તો હજુ ખૂબ નાની છું ને ?

# અચ્છા, તને જમવામાં શું શું ભાવે ?
>> મને તો છે ને બટાકાની બધી વાનગીઓ બહુ જ ભાવે. શાકભાજી અને કચુંબર તો હું બહુ જ ખાઉં. દૂધ તો પીવું જ પડે ! એટલે આમ તો બધું જ ભાવે.

$# સેટ પર કોની સાથે વધુ ફાવે છે તને ?
>> બધાની સાથે. હું તો સૌની લાડકી છું. ચોકલેટ અને આઈસ્ક્રીમ મને મળ્યા જ કરે છે. સેટ પર અમે બહુ ધમાલ કરીએ છીએ.

# આટલો નેચરલ અભિનય કેવી રીતે કરી શકે છે ?
>> (વિચારીને) પપ્પા શીખવે છે, મમ્મી શીખવે છે. હું તો ડિરેક્ટર અંકલ પાસેય શીખી લઉં છું.

# બુઢ્ઢી સાસુ બનેલી સુરેખા સીકરી સિરિયલમાં તને ખૂબ પરેશાન કરે છે, નહીં ?
>> (હસીને) હા, પણ રિયલ લાઈફમાં એ એવાં નથી. એમનો સ્વભાવ ખૂબ સારો છે. મને બેહદ પ્રેમ કરે છે.

# સેટ પર ક્યારેય કોઈ યાદગાર વાત થઈ ?
>> હા, અમે લોકો રાજસ્થાનના ખેજડલા ગામમાં શૂટ કરતા હતા. એક હૉટલમાં ઉતર્યા હતા. ત્યાં સ્વિમીંગ પુલ પણ હતો. મને સ્વિમીંગ નહોતું આવડતું. તેથી મોઢું વકાસી ચૂપચાપ ઊભી રહેતી. પછી ખબર છે શું થયું ? મને આર્ટીસ્ટો અને ડિરેક્ટરે મળીને સ્વિમીંગ શીખવી દીધું. એકદમ ફાસ્ટ ફાસ્ટ ! ખાલી બે દિવસમાં !

# શૂટિંગ વચ્ચે ભણવાનું તું કઈ રીતે સંભાળી શકે છે ?
>> સિરિયલની આનંદીની જેમ મનેય ભણવું ખૂબ ગમે છે. સ્કૂલે ન જઈ શકું એ દિવસની સ્ટડીઝ ફ્રેન્ડઝની હેલ્પથી કરી લઉં છું. સેટ પર પણ બુક્સ લઈ જાઉં છું. શૉટ ન હોય ત્યારે ભણું. એક્ટિંગ તો મારી હોબી છે અને શિક્ષણ બહુ જરૂરી છે. એટલે ભણવાનું હું ક્યારેય નહીં છોડું.

# સ્કૂલમાં તું ફેમસ થઈ ગઈ હોઈશ, નહીં ?
>> હા. (હસીને) ઘણી ! જો કે કેટલાક ફ્રેન્ડઝ મને આનંદી કહીને ચીડવે છે. જો કે મને તો સારું જ લાગે છે.

(‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.)