- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કાલનો સૂર્ય – કેયૂર ઠાકોર

ચોથની રાત હતી. કૃતિને ઉપવાસ હતો. તે ચાંદો ઊગવાની રાહ જોતી હતી ને કૃતાર્થની પણ. સાંજે 6 વાગે ઘડિયાળના ટકોરે ઘરમાં પગ મૂકનારો આજે 9 વાગ્યા છતાં આવ્યો નહોતો, ત્યાં જ સ્કૂટરનો અવાજ સંભળાયો.

‘ક્યાં ગયો હતો ? કેટલી ચિંતા થતી હતી અમને ? કેના પણ પૂછી ગઈ બે વાર, પપ્પા આવ્યા કે નહિ ?’ કશું જ સાંભળ્યા વિના કૃતાર્થે ટિફિન સાફ કરવા મૂક્યું. ઠંડું પાણી પીધું ને ચશ્માંના ગ્લાસમાંથી બારી બહાર જોયું. બહાર આકાશ અને રાતનું મિલન જામ્યું હતું. સૂરજ ડૂબી ગયો હતો. કૃતાર્થને મનમાં થયું, ‘મારો સૂરજ તો ક્યારનોય….’

ત્યાં જ ચાંદો ઊગ્યો ને કૃતિએ બૂમ પાડી, ‘ચાલ જમી લઈએ. મને પણ ઉપવાસને લીધે ભૂખ લાગી છે. રસોઈ ઠંડી પડી જશે.’

‘મને ભૂખ નથી. ઑફિસમાં છ કપ ચા પીધી છે, દિવાળી આવતી હોવાથી સાહેબે આજે રોકાવવાનું કીધું. સાહેબના ચમચાઓ તેમની ટ્રેનની ટિકિટ, ઑફિસર્સ માટે ગિફટ વગેરે કામ પતાવીને ભાગી ગયા. આપણને તે આવડે નહિ એટલે બેસવું પડ્યું આંકડા જોડે. સાહેબ તો બેઠા એ.સી કૅબિનમાં ને આપણને કીધું બહાર બેસો. પંખાનો પવન પણ અડતો નહોતો. બસ ચા પીવાની અને નંબર વધારવાના.’

‘લે થોડુંક ખાઈ લે.’ કૃતિએ કહ્યું. ચૂપચાપ એણે વગર ભૂખે ખાઈ લીધું, પણ એનું મન તો કારકૂનીમાં જ રમતું હતું.
‘પણ ફોન તો કરવો હતો.’ ફરી કૃતિએ કીધું, ‘કેના બેટી કેટલી ચિંતા કરતી હતી. એને તેં વચન આપેલું કે સાંજે આઈસ્ક્રીમ ખવડાવીશ.’
‘હા’ પાછો તે પેલી કારકૂનીની યંત્રવત્ દુનિયામાં ખોવાઈ ગયો. શું આ જ જીવન ? સાહેબના ઑર્ડર મુજબ જ જીવવાનું ? આપણો સંસાર જ નહિ. આપણા બોલની વેલ્યુ જ નહિ ? પત્ની, બેટી, બેટીનું વચન બધું જ ચોપડાને ન્યોછાવર કરી દેવાનું ! કરોડોના હિસાબો લખવાના ને છેલ્લા અઠવાડિયે આપણાં ખિસ્સાં સાવ ખાલી.
‘પપ્પા આવી ગયા મમ્મી ?’ કેના એનું હૉમવર્ક પતાવી રૂમની બહાર આવી.
‘હા કેમ બેટા ?’ કૃતાર્થે કીધું.
‘પપ્પા કેમ વાર થઈ ? આજે તો તમે મને પ્રોમિસ આપેલું કે આપણે સાંજે લૉ ગાર્ડન જઈશું. ત્યાં ચીટી બેંગમાં મને ગાડી ચલાવવા દેશો. એકવાર નહિ, ચાર વાર પછી શંકરનો આઈસ્ક્રીમ…. ને તમે ખાશો અસર્ફીની કુલ્ફી.’
‘પણ બેટા, પહેલા એક કીસ. આજે તો પપ્પાના બંન્ને ગાલે.’ રોજની આદત મુજબ કેનાએ કૃતાર્થને કીસ કરી.
‘લો બે ગાલે બસ !… પણ મારું પ્રોમિસ ?…..’
‘પપ્પા હમણાં જ જમ્યા છે બેટા, ને પાછા થાક્યા પણ છે. તું એમને છોડ. તારું પ્રોમિસ પછી કોઈવાર. તેમને વહેલા ઊંઘવા દે.’ ‘રહેવા દે કૃતિ, મેં પ્રોમિસ આપેલું છે. પણ બેટા, આજે હું એક જ પ્રોમિસ પાળીશ. આઈસ્ક્રીમનું. બીજું પછી.’
‘સારું પપ્પા ! ઈટ્સ ઓલ રાઈટ.’

કેના ખૂબ જ કહ્યાગરી બેટી હતી ને સમજદાર પણ. તેને જોતાંની સાથે જ કૃતાર્થને આખા દિવસનો થાક ઊતરી જતો. કૃતાર્થે ગજવામાં હાથ નાંખ્યો. માંડ છસો રૂપિયા હતા ને હજુ તો પગારને અઠવાડિયું બાકી હતું. મંદીને લીધે આ વખતે બોનસનું પણ ઠેકાણું નહોતું. છતાં બેટીના વ્હાલ સામે એની ચિંતા ઓગળી ગઈ. સ્કૂટરની કીક વાગી અને ત્રણેય જણાં ઊપડ્યાં લૉ ગાર્ડન.

‘લો પપ્પા, લૉ-ગાર્ડન આવી ગયું. ચીટી બેંગ આ રહી, પણ એ કાલે. લો શંકરનો આઈસ્ક્રીમ. હું તો ચોકલેટ ચીપ્સ ખાઈશ. મમ્મી તું ને પપ્પા તો કુલ્ફી જ ખાશો ને ?’ કેનાનો ઉમંગ બાળપણના હીંચકે ઝૂલતો હતો.
‘એક ચોકલેટ ચીપ્સ કોનમાં ને બે મલાઈ કુલ્ફી’ કૃતાર્થે ઑર્ડર આપ્યો.
‘કેવી ઠંડક લાગે છે. કૃતિ કેવી ચહલપહલ છે આ રોશનીમાં ! આમ તો લોકો મંદીની બૂમો પાડે છે. પૈસાનો લોકો બળાપો કાઢે છે, પણ અહીં ! દેખાય છે કાંઈ ? બધાં જ નકાબ ઓઢીને જીવી રહ્યાં છે !’ કુલ્ફીની ઠંડક પણ કૃતાર્થના દિલને ઠારી શકી નહીં.

‘પપ્પા, મારે બીજો ખાવો છે !’
‘ના બેટા, ખોટો ખર્ચો ન કરાવ. વળી પાછી શરદી પણ થઈ જશે.’ કૃતિ તરત જ બોલી.
‘તું ય ખાને, છોડ ચિંતાને. મોંધવારી ઓછી ઘટવાની છે ! વળી, ચારેબાજુ આખા વિશ્વમાં તનાવ જ છે. માણી લે આ જિંદગીને કાલે કદાચ…..’ કૃતાર્થે કૃતિને કહ્યું.

‘પપ્પા આ મોંઘવારીનો જ આઈસ્ક્રીમ બનાવીને ખાઈ જઈએ તો !’ કેનાએ પપ્પાના સૂરમાં સૂર પુરાવ્યો.
ત્યાં જ છાયાગીતનું એક ગીત કૃતાર્થના કાને અથડાયું, ‘સુરજ ઊગતે મૈંને ન દેખા… ચાંદ ચમકતે મૈંને ન દેખા… સબ ગમ હૈં મેરે મૈં ગમ કા હૂં, ક્યોં કિ મૈં એક કલર્ક હૂં.’ ને કૃતાર્થનો આનંદ કારકૂનીના ગમમાં તરવા માંડ્યો. કાલે પાછું એનું એ જ. એ જ સવાર, 10.30નું પંચિંગ…. એ જ ટેરવાઓનું કી-બોર્ડ પર ફરવું, ફાઈલો, ચા-કૉફી અને લોકોના અવાજો. બસ એ….જ, એ….જ ને એ….જ ન સવારનું સંગીત ને ન સાંજનું ગીત, ન સાહિત્યની વાતો, ન જાણવાની વાતો. બસ પૈસાની ગણતરી ને હાજી….હાજી….

‘ચાલો ઘરે જઈશું ? કેનાને સવારની સ્કુલ છે.’ કૃતિએ એકદમ કહ્યું.
સ્કૂટરની કીક વાગી ને ત્રણેય ઘરે આવ્યાં. કપડાં બદલી ત્રણેય પથારીમાં પડ્યા.
‘પપ્પા, રોજ તમે મને વાર્તા કહો છો ને આજે હું તમને વાર્તા કહીશ.’
‘બોલ બેટા.’ કૃતાર્થે કહ્યું.
‘એક મજૂર અને તેનું કુટુંબ શહેરની એક સડક પર રહેતાં. રોજ મજૂર અને તેની પત્ની મજૂરી કરતાં ને કુટુંબનું ભરણપોષણ કરતાં. તેને એક દીકરો હતો તે ધીમે ધીમે મોટો થતો ગયો. એક દિવસ એણે પૂછયું, ‘પપ્પા શું આપણેય આવો બંગલો ન હોય ? શું આપણે આમને આમ સડક પર જ રહેવાનું ?’ મજૂરે કહ્યું, ‘હા બેટા, મજૂરનું જીવન તો એવું ને એવું જ હોય. રોજ મજૂરી કરવાની, બે પૈસા કમાવાના ને સડક પર સૂઈ જવાનું !’
‘ના પપ્પા, હું એવું એકને એક નહિ જીવું. મારી પાસે સપનાં છે. ભલે એ સાચાં પડે કે ન પડે. હું સપનાં જોઈશ. જિંદગીને માણીશ. પૈસા નથી તો શું ? સપનાં તો છે ને. અને સપનાં સાચાં પડે તો ? હું મારી જિંદગી સપનામાં પણ માણીશ.’ દીકરીએ કહ્યું. ‘અને પપ્પા, એના સપનાં સાચાં પડ્યાં તે ભંગાર લે-વેચનો વેપારી બન્યો અને સાચેસાચ બંગલામાં રહેવા ગયો.

વાર્તા પૂરી થતાં જ કેના સૂઈ ગઈ. કૃતિ તો ક્યારનીય સૂઈ ગઈ હતી પણ કૃતાર્થને ઊંઘ ન આવી. તે પડખાં ફેરવતો હતો. તેણેય વિચાર્યું કે હું પણ સપનાં જોઉં. ભલે જીવન એક રીધમ હોય પણ હું રૂટિન તોડીશ. હું સાહિત્ય, સંગીત, કલા કે કોઈ પણ ક્ષેત્રે પ્રદાન કરીશ. વિશાળ સમુદ્રમાં એક ટીપું બનીશ. રાતની ભલે રીધમ હોય, પણ સૂર્યના સપનાં હોય છે. સૂરજ તે સાચા પાડવાનો સ્ત્રોત્ર છે. કાલનો સૂર્ય કદાચ મારો પણ હોય, કદાચ નહિ, છે……જ તેના વિચારોમાં પંક્તિઓ જોડાઈ.

‘સૂરજ જ્યારે નીલ આકાશે એવો તો ચમકશે એક દિવસ, એ દિવસ મારા માટે જ તો ઊગશે.’