કોની ભૂલ ? – ઉર્વી પ્રબોધ હરિયાણી

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રીમતી ઉર્વીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : urvi.dhru_hariyani@yahoo.com ]

‘ઠીક છે. રૂપાળી-ભણેલી તો સૌ દીકરીયું હોય પણ કમાતી છે કે નહીં ? મારે તો મારા વિનય માટે કમાતી વહુ જોઈએ છે. બેય જણાં કમાતાં હોય તો કંઈક બચત થાય, બે કિંમતી વસ્તુ વસાવી શકાય અને હરવા-ફરવા-ખાવા-પીવામાં લગીરેક છૂટ રહે….’ વિનય માટે જ્યારે પણ કોઈ વિવાહ સંબંધી વાતચીત લઈને આવતું ત્યારે ચારુબેન આમ કહેતા.

સુમંતભાઈ જિંદગીભર સંઘર્ષ કરી જુદી જુદી જગ્યાએ નોકરી કરી તેની બચત અને લોનથી હમણાં બે-ચાર વર્ષથી જ પોતાની માલિકીની દસ બાય પંદરની દવાની દુકાન ઊભી કરી શકેલા. એમાં બાપ-દીકરો મચીને મહેનત કરતા, પરંતુ જે આવક મળતી તે આ મોંઘવારીના જમાનામાં દેખાતી નહીં. સામાન્ય મધ્યમવર્ગીય ચાર જણાનો પરિવાર હતો અને ખાધેપીધે સુખી હતો. ચારુબેનની જિંદગી બે છેડા ભેગા કરવામાં વીતી ગયેલી, તેનો તેમને ખૂબ વસવસો રહેતો. તેથી, તેમને કમાતી વહુની ઝંખના હતી. બાકી તેમનો વિનય આમ શાંત-સીધો હતો. કમાતી પત્ની માટે તેને લગાવ ન હતો કે વિરોધ પણ ન હતો.
*****

‘તમે આવું સારું ઠેકાણું પાછું કેમ ઠેલ્યું એ સમજાતું નથી…..’ ધરાબેનના સ્વરમાં અવસાદ પ્રગટ થઈ રહેલો.
શતાયુભાઈએ ધરાબેનની સામે જોઈ પૂછ્યું : ‘સારું એટલે ?’
જેની વાતચીત ચાલતી હતી એ ઉલ્કા મમ્મી-પપ્પાનો સંવાદ સાંભળતાં રૂમમાં પ્રવેશવાને બદલે બારણે ઊભી રહી ગઈ.
‘સારું એટલે શું એમ પૂછો છો ? રૂપે-રંગે રૂડો ઈન્જિનિયર યુવાન, શાહીબાગમાં તેનો બંગલો અને ધમધોકાર ચાલતી ફેકટરી ! ઘરે ગાડી-નોકર-ચાકર….’
‘એક મિનિટ ધરા….’ શતાયુભાઈએ તેને અટકાવી, ‘હું નવસારી જિલ્લાનો હાલનો કલેક્ટર છું. અમદાવાદનાં ઠેકાણા જેવી જ બધી સુખ-સગવડ-સુવિધાઓ અહીં પણ છે. પણ એને શાંતિથી માણવાને બદલે આપણી ઉલ્કા શું કરે છે એ તું સારી રીતે જાણે છે ને ? એ અત્યારે અહીંથી વીસ કિલોમીટર દૂરનાં ગામની શાળામાં નોકરી કરે છે અને એ માટે અપડાઉન કરે છે. આ રીતે હેરાન થવાની એને શું જરૂર છે ? કલેકટરની રૂએ હું તેને નજીકમાં નોકરી અપાવી શકું એમ છું, પણ એ કહે છે તેવી નહીં….’

‘હું સમજી નહીં….’ ધરાબેન ગુંચવાઈ ગયા.
‘બે દિવસ પહેલાં ઉલ્કા મારી પાસે ભૂજ પાસે આવેલા શાપરની એક શાળાના વાઈસ પ્રિન્સિપાલનો નિમણૂકપત્ર લઈને આવી હતી. એ ત્યાં જવા ઈચ્છતી હતી અને મારે એને ના પાડવી પડી. તેનાં જેવી દેખાવડી-યુવાન-કુંવારી છોકરીને એકલી મોકલતા મારો બાપનો જીવ નથી ચાલતો. એના હાથમાં એ જ્યારે નિમણૂકપત્ર લઈને આવી ત્યારે એ જેટલી ખુશ હતી તેટલી જ ઉદાસ મારા ‘ના’ કહેવાથી થઈ ગઈ.’ શતાયુભાઈની નજર સામે તેમની ઉલ્કાનો તે સમયનો નારાજ ચહેરો તરવરી ઊઠ્યો.
‘તે ભલે થઈ. એ નાહકની નોકરી કરે છે. આવા શું ધખારા ! જરૂર વગરની નોકરી કરવાની એને શી અબળખા છે એ જ મને નથી સમજાતું.’ ધરાબેને બળાપો ઠાલવ્યો.
શતાયુભાઈ હસ્યા : ‘એ તને નહીં સમજાય ધરા ! ઉલ્કા જુદી માટીની છે. એને જોતા મને લાગે છે કે તે એના જીવનમાં હંમેશાં પ્રાધાન્ય તેની કારકિર્દીને આપશે. તેનાં માટે એ ગમે તેવું સમાધાન કરશે પણ નોકરી નહીં છોડે….’
‘આ તમે શું કહો છો ?’ ધરાબેન ચિંતિત થઈ ઊઠ્યા.
‘તારે એને માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં એ અંગે બધું વિચારી લીધું છે. રાત ઘણી થઈ છે, સૂઈ જઈએ.’ ધરાબેન વિશેષ કશું પૂછી શક્યા નહીં. મા-બાપ બેય દીકરી ઉલ્કાના વિચાર કરતાં નિદ્રાધીન થયા અને પિતાને સામે ચાલીને અમદાવાદનાં ઠેકાણા માટે ‘ના’ કહેવા આવેલી ઉલ્કા બારણેથી પાછી વળી ગઈ.

આશરે છવ્વીસ વર્ષીય ઉલ્કા તેજસ્વી-મેઘાવી યુવતી હતી. એમ.એસ.સી.માં ગોલ્ડમેડલ મેળવ્યા પછી તેણે બી.એડ., એમ.એડ. પૂરું કર્યું. તે ઘણી મહત્વાકાંક્ષી અને સ્વતંત્ર વિચારો ધરાવતી યુવતી હતી. તેનું લક્ષ્ય હતું કોઈ પણ ખ્યાતનામ-જાણીતી શાળાનું પ્રિન્સિપાલ પદ ! તે કોઈ સામાન્ય શિક્ષિકા બની રહેવા નહોતી માગતી, તેથી તેણે એમ.એડ. કર્યું હતું. હજુ નોકરી શરૂ કર્યે માંડ દોઢ વર્ષ થયેલું. શતાયુભાઈની ધારણા શત-પ્રતિશત સાચી હતી કે એ કોઈ માલેતુજાર કુટુંબમાં ઘર સંભાળીને બેસી શકે એમ નહોતી. તેથી લોકદષ્ટિએ સારું ગણાતું ઠેકાણું એમને પાછું ઠેલવું પડેલું. જો કે ઉલ્કા કેરિયરની લ્હાયમાં લગ્ન ન કરે તે તેમને સ્વીકાર્ય ન હતું.

‘ઉલ્કા, તું તો ભણેલી છે. સાહિત્યની શોખીન છે. તે ક્યાંય તો જરૂર એવું વાંચ્યું હશે કે સ્ત્રી હંમેશાં ‘પ્રોષિતા’ હોય છે, અર્થાત્ અવલંબિત ! હું જાણું છું આ શબ્દ તને નહીં ગમે પણ એ હકીકત છે કે સ્ત્રી યુવાન થાય ત્યાં સુધી પિતૃગૃહે અને પિતા પર આધારિત, લગ્ન થયા બાદ પતિગૃહે અને પતિ આધારિત અને ઘડપણમાં પતિ ન હોતા પુત્ર આધારિત બને છે. આર્થિક માપદંડથી તો હવે હું આ ઉક્તિને જૂની માનું છું. પણ એ ખૂબ સાચું છે કે પરણેલી સ્ત્રી કુંવારી સ્ત્રી કરતાં ઘણી સુરક્ષિત હોય છે. યુવાનીમાં પતિનું છત્ર ફક્ત શારીરિક સલામતી માટે નહીં પણ સમાજિક પ્રતિષ્ઠા માટે પણ એટલું જ જરૂરી હોય છે. તું કારકિર્દી માટે થઈને લગ્ન ટાળીશ તો એ નહીં ચાલે. હું તારી વાત અને ઈચ્છાને સમજું છું અને માનવાય તૈયાર છું. આપણે તારી કારકિર્દીમાં બાધક બને કે રૂંધે એવું નહીં પણ તને આગળ વધવા માટે મોકળાશ આપે એવું પાત્ર શોધીશું પણ તારે લગ્ન તો કરવા જ પડશે એ મારો અફર નિર્ણય છે.’ ઉલ્કા તેનાં પિતાની વાત સમજી ગઈ હતી.
*******

‘કાગડો દહીંથરૂ લઈ ગયો….’ જેને મોઢે સાંભળો ત્યાં આ જ વાત સંભળાતી હતી. ખુદ વિનયને આશ્ચર્ય થતું હતું કે મારામાં ઉલ્કાએ એવું તે શું જોયું હશે કે તેણે મને લગ્ન માટે પસંદ કર્યો. ભીનેવાન વર્ણ, સુકલકડી શરીર, ડિપ્લોમા ફાર્મસી થઈ બાપની માલિકીની દુકાનમાં ધંધો કરતા અને બે રૂમ-રસોડાનાં ફલેટમાં રહેતાં ત્રીસ વર્ષીય વિનયને લાગતું હતું કે મોડે-મોડે તેનું ભાગ્ય જાગ્યું છે. ત્રિવેદી પરિવાર ખુશખુશાલ હતો. ખાસ તો કમાતી-રૂપાળી-ભણેલી વહુને મેળવી ચારૂબેન ધન્યતાની લાગણી અનુભવી રહેલાં. શ્રીમંત કુટુંબમાંથી આવેલી ઉલ્કાને મધ્યમવર્ગીય પરિવારમાં સેટ થવાની મુશ્કેલીઓની શરૂઆત લગ્નથી જ શરૂ થઈ ગયેલી. મોટીબેનની જેમ હનીમૂન માટે મોરેશિયસ કે સિંગાપોર જવાની કલ્પના પર વિનયનાં નહીં જેવા બજેટથી પાણી ફરી વળેલું. લગ્નજીવનનાં ચાર મહિના બાદ માંડ માંડ આબુ જવાયેલું એમાંય વિનયનાં પૈસામાં તેના ભેળવવા પડેલા. વિનયે લગ્નનાં ખર્ચાની વિગત પ્રગટ કરી પોતાની લાચારી બતાવી અફસોસ વ્યક્ત કરેલ છતાંય ઉલ્કાના મનમાં ડંખ રહી ગયેલો. એ કારણસર કે પછી કોઈ બીજું કારણ હોય એણે જણાવી દીધેલું કે તે ઘરમાં તેની આવકનો એક પૈસો નહીં આપે. ઘરમાં પ્રગટપણે કોઈ કંઈ બોલ્યું ન હતું પણ ચારુબેનને એ બહુ ખટકી ગયેલું. તેમને સમજાવતા સુમંતભાઈએ કહેલું ભલેને એ બહાને બચત થતી, અંતે તો એ આપણા દીકરા માટે જ છે ને !

ગમે તેમ ઉલ્કા વહુ હતી અને ઘરનાં સર્વે તેની પાસે કામની અપેક્ષા રાખતા. ચારૂબેન ઈચ્છતા કે વહેલી સવારે સ્કૂલે જતી ઉલ્કા સાંજના રસોઈ-પાણીનો ભાર ઉપાડી લ્યે. ઉલ્કા કરતી ખરી પણ વેઠ ઉતારીને ! એણે બીજો પાર્ટટાઈમ અભ્યાસ શરૂ કર્યો હતો જે એની કેરિયરને મોટો ટેકો કરવાનો હતો. નવી મોટી ઈન્ટરનેશનલ સ્કૂલો હવે આ કોર્ષ પૂરો કર્યો હોય એવો આગ્રહ રાખતી થઈ હતી. એથી, ઉલ્કાને ઘરકામમાં જતો સમય ભારે કઠતો હતો. પરિણામે ઘરમાં અસંતોષ રહેવા લાગ્યો. બિચારા વિનયની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ રહી. એવામાં ઘરમાં બેન વિદ્યાનો લગ્નપ્રસંગ આવ્યો. લગ્ન તો રંગેચંગે ઉકેલાઈ ગયા, પણ તેનાં ખર્ચાની વિગતો અને રકમ જોતાં ઉલ્કાની આંખો પહોળી થઈ ગઈ. ઉપરાઉપરી આવેલાં લગ્નોને લીધે સુમંતભાઈને કરજ કરવું પડેલ. બાપ-દીકરો રાત-દિવસ મહેનત કરતા. ખર્ચાને પહોંચી વળવા સુમંતભાઈએ બાજુમાં ઈન્સ્યુરન્સ લાઈનનું કામ શરૂ કરેલ. ઉલ્કાએ કોઈ પ્રકારની મદદ કરવાની તૈયારી દેખાડેલ નહીં. ચારુબેન આ બાબતે સુમંતભાઈ પાસે ઉકળાટ કરતાં તો સુમંતભાઈ કહેતા કે એ નોકરી કરે છે એ તું ભૂલી જા. તેની પાસે આર્થિક સહાયની અપેક્ષા રાખવી ખોટી છે. ઉલ્કાની જાણ બહાર શતાયુભાઈએ મદદ કરવાની તૈયારી દેખાડેલ પણ સુમંતભાઈએ નમ્રતાથી ના પાડી હતી. વેવાઈની મદદ તેમને ખપતી નહોતી.

થોડોક સમય એમ જ વીત્યો અને એક દિવસ ઉલ્કાએ ધડાકો કર્યો. જામનગરની પ્રતિષ્ઠિત કંપની સંચાલિત સ્કૂલમાં તેને પ્રિન્સિપાલનો હોદ્દો ઑફર કરવામાં આવેલો. આકર્ષક પેકેજ સાથે ત્યાં રહેવા કવાર્ટર મળવાનું હતું. ઑફર ખરેખર સારી હતી. વિનયને એ માટે મનાવવા ઉલ્કાએ એડી-ચોટીનું જોર લગાવી દીધું હતું. વિનયનું મન માનતું ન હતું. દવાના ધંધામાંથી મળતી આવક તેને મન પૂરતી હતી. અલબત્ત, કરજ હતું અને એ બાપ-દીકરાએ ભેગા થઈને ફેડવાનું હતું એ વાત જરૂર હતી.

વિનય અને સુમંતભાઈની નજરે નાની દેખાતી-ઘરનાં કામકાજ અંગે સાસુ-વહુ વચ્ચે ચાલતી ચણભણ હકીકતમાં મોટું સ્વરૂપ પકડી ગયેલી. ઉલ્કાને કામ કરવું પડતું તેથી સાસુ પ્રત્યે તીવ્ર અણગમો થઈ ગયેલો. વધુમાં ચારૂબેન કામમાં ચોખ્ખા હોઈ તેમને જેવું-તેવું ગમતું નહીં અને એ અંગેનાં સલાહ-સૂચન ઉલ્કાને ટકટકારા સમાન લાગતા. તે અલગ થવાનો વિચાર જ કરી રહેલી અને તેને આ ઑફર મળી હતી. તે આ તક કોઈ હિસાબે છોડવા નહોતી ઈચ્છતી. ઉલ્કા વિનયને દબાણમાં લાવવાં કહેતી :
‘ઘણીવાર પપ્પા તને કહેતા હોય છે કે આ દુકાન મારી છે. મારા પ્રમાણે રહેવું હોય અને કામ કરવું હોય તો રહે નહીં તો છુટો થઈ જા ! તો તું શા માટે દુકાનને વળગી રહ્યો છે ? તારી હાલત પપ્પાની દુકાનમાં નોકરી કરી રહેલાં કેમિસ્ટથી વધુ કાંઈ નથી. પપ્પા તને ખર્ચાની બાંધી રકમ આપે છે અને વધુ માંગે તો હિસાબ પૂછે છે. એના કરતાં તો તું કોઈ ફાર્મા કંપનીમાં નોકરી કરે એ વધુ સારું નહીં ?’

હા, સુમંતભાઈનો સ્વભાવ કંઈક આકરો હતો. મધ્યમવર્ગીય પરિવારનાં વડીલનો સ્વભાવ સાધારણ રીતે આકરો હોય છે. એનું કારણ તેમણે કરેલો સંઘર્ષ અને સંજોગોનો વેઠવો પડેલો આકરો તાપ હોય છે. પણ યુવાવર્ગ સમજતો નથી, ઓછી સહનશક્તિ અને અપૂરતી સમજશક્તિને કારણે યોગ્ય રીતે તેનું મૂલ્યાંકન કરી શકતો નથી. ઘરમાં પત્નીથી અને દુકાનમાં પિતાથી આર્થિક રીતે દબાયેલા વિનયને હવે એ નક્કી કરવાની ઘડી આવી પહોંચી હતી કે કાયમી કોના શરણે જવું ? પિતા પાસે જે આર્થિક સલામતી હતી એ તો પત્ની પણ આપી શકે એવી સક્ષમ હતી. વળી ઉલ્કાએ ક્યારેય તેને નીચો નહોતો ગણ્યો. તેને પૂરું માન આપતી અને બધી રીતે પ્રસન્ન રાખવાની કોશિશ કરતી. ન કરે નારાયણને ઉલ્કા ઘરકંકાસથી કંટાળી તેની પરવા કર્યા વગર એકલી જામનગર ચાલી જાય તો એ એના વગર રહી શકે તેમ હતો ? એનો સંદેહ અસ્થાને ન હતો. ઉલ્કા એની રીતે પૂરેપૂરી તપાસ કરી ચૂકી હતી અને એણે જાણી લીધું હતું કે ત્યાં ઘણી શિક્ષિકાઓ એકલી અને પૂરતી સલામતી સાથે રહે છે. ત્યાનું વાતાવરણ ઘણું કડક-શિસ્તભર્યું અને સલામતીવાળું હતું.

વિનયે પત્ની સાથે જામનગર જવાનું નક્કી કર્યું. ઘરમાં સોપો પડી ગયો. સુમંતભાઈ વર્ષો બાદ ચારૂબેન પાસે રડી પડ્યા હતા – ‘આ દુકાન પાછળ મારી મહેનતનું મુખ્ય કારણ એ જ હતું કે મારે જે મુશ્કેલીઓ વેઠવી પડી તે વિનયને ન વેઠવી પડે. એની નિષ્કાળજી કે છોકરમતને લીધે મેં ક્યારેક એને ઊંચા સાદે કહ્યું હોય કે ઠપકો આપ્યો હોય તો શું હું એ બાપ તરીકે ન કરી શકું ? એમ તો મેં એને ભણાવતી વેળાએ પણ ક્યાં નથી માર્યો ?’ ચારૂબેન જો કે મક્કમ બની ગયેલાં. ચાલતી આવતી સમાજની પરંપરા પ્રમાણે એમણે એવું જ માનેલું કે દીકરો-વહુ સાથે રહેશે, આપણે પૌત્ર-પૌત્રી રમાડશું અને વૃદ્ધાવસ્થામાં આરામ કરીશું. પરંતુ ઉલ્કાનાં વર્તન-વ્યવહાર પરથી તેઓ સમજી ચૂક્યા હતા કે વહેલા-મોડા દીકરો-વહુ અલગ થશે.

શતાયુભાઈને આ વાતની ખબર પડતાં તેમણે ઉલ્કાને આમ ન કરવા સમજાવેલી. કહેલું કે કારકિર્દી અને મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે આંધળાભીંત થઈ તારે તારી ઘરની વહુ તરીકેની ફરજ અને સ્ત્રીની ઋજુતા ન ગુમાવવી જોઈએ. વિનયનું હિત તેનાં બાપીકા ધંધામાં જ છે. વિનય વગર તેનાં મા-બાપની હાલત પાણી વગરનાં માછલા જેવી થઈ જશે. નસીબ હશે તો તને આનાથી પણ સારી ઑફર તારા નજીકના વિસ્તારોમાંથી મળી જશે. ઉલ્કાએ ફોન પર શતાયુભાઈની સમજાવટભરી વાતો હા-હા કહીને સાંભળી લીધેલી, પણ ધાર્યું તો એનું કરેલું.
********

‘ઈટ્સ સિવિયર ડિપ્રેશન….’ ડૉકટરે વિનયને તપાસી ઉલ્કાને જણાવ્યું. આગળ બોલ્યા, ‘તમે એમને ક્યાંક થોડાક દિવસ ચેન્જ માટે લઈ જાવ. દવા લખી આપું છું.’ ઉલ્કા વિનય તરફ જોઈ રહી. વિનયના ચહેરા પર કોઈ ભાવ ન હતા. વિનય ખાતો ન હતો – હસતો ન હતો – સૂતો ન હતો – ચૂપચાપ બેસી રહેતો અને ક્યારેક રડી પડતો. તે ઉલ્કાનું ચીંધ્યું કામ કર્યે જતો, બીજું કાંઈ નહીં. સ્વતંત્ર ધંધો કરવા ટેવાયેલા વિનયને નોકરી માફક આવી ન હતી. બે-ત્રણ દવાની દુકાનમાં ક્યાંક પગાર ઓછો પડતાં – ક્યાંય દુકાનમાલિક સાથે મેળ ન પડતાં તેના મન પર ઠીક ઠીક તણાવ ઊભો થવા પામેલો. ઉલ્કાએ કહેલું કે, ‘કંઈ વાંધો નહીં. આપણે કોઈ દુકાનમાં નોકરી નથી કરવી. કોઈ સારી ફાર્મા કંપનીમાં નોકરી શોધીશું.’ એમ કંઈ તેત્રીસ વર્ષે ફાર્મા કંપનીમાં નોકરી મળવી સહેલી હતી ? અને એય તે કોઈ ચોક્કસ શહેરનાં પરિઘમાં ? ઘેર બેઠા બેઠા વિનયનાં મનની હાલત બગડવા માંડી. પોતાની કારકિર્દીમાં રત એવી ઉલ્કાને આ વાતનો ખ્યાલ આવ્યો ન હતો એમ તો ન હતું પણ તેણે એની ગંભીરતા સમજી ન હતી. પણ જ્યારે એ એક દિવસ ઘરે આવી ત્યારે વિનય બેહોશ થઈને પડેલો અને હાથના ઘામાંથી લોહી વહી રહેલું. કદાચ વિનયનો એ આત્મહત્યાનો પ્રથમ પ્રયાસ હતો. ચોંકી ઊઠેલી ઉલ્કા હવે સાવધાન થઈ ગઈ. ડૉક્ટરે જણાવેલું કે ડિપ્રેશનનાં અમુક તબક્કા વટાવ્યા બાદ ઘણા દર્દીઓમાં સુસાઈડ ટેન્ડસી પ્રવેશે છે. તેમનામાં જીવવાની કોઈ જીજીવિષા રહેતી નથી તેથી તેઓ જિંદગીનો અંત આણવાની કોશિશ કરે છે.

ગઈકાલ સુધી સહાયક લાગતો વિનય આજે તેની સમસ્યા બની ગયો હતો. વિનયને હવે ઘરે એકલો છોડી શકાય એમ ન હતું. નોકરી કરી શકે એવી હાલતમાં તો એ હતો જ નહીં. ડૉક્ટરે તેને મક્કમતાથી જણાવેલું અને સમજાવેલું કે ડિપ્રેશનના દર્દીઓની સારવાર માટે દવા કરતાં પણ વધુ અસરકારક ઘરની વ્યક્તિની હાજરી, તેની હૂંફ અને માવજત હોય છે. તેને પૂર્ણ સમય આપી શકે-સંભાળી શકે એવી વ્યક્તિ જરૂરી હોય છે. મારા મતે આ કામ શ્રેષ્ઠ રીતે માતા-પિતા જ કરી શકે. જો તમારા સાસુ-સસરા હયાત હોય તો એમને જરૂર તેડાવવાં. ઉલ્કાના મનમાં એક ખટકો જાગ્યો ન જાગ્યો અને શમી ગયો. પૂરા બે વર્ષ પછી તેણે ચારૂબેનને ફોન કર્યો. દીકરાના સમાચાર જાણી ચારૂબેન ફોન પર રડી પડ્યાં. એ રાતે જ તેઓ ત્યાંથી નીકળી ગયા. સુમંતભાઈ બે વર્ષમાં ઘણા ખખડી ચૂકેલા. વિનય જતાં તેઓ ધંધામાં અપંગતા અનુભવતા. દોડાદોડીનું કામ, એજન્સીઓ પાસેથી દવા લાવવાનું કામ, ઉઘરાણી-ચૂકવણી એ બધું વિનય સારી પેઠે જોતો. નવી આવતી દવાઓનું જ્ઞાન પણ એને સારું રહેતું. વિનય જતાં તેમનો ધંધો ચાલીસ-પચાસ ટકા થઈ ગયેલો. પરિણામે તેમને દુકાન વેચવાની ફરજ પડેલી. કરજ ચૂકવી બાકીનાં પૈસા ફિક્સ ડિપોઝીટમાં મૂકી પતિ-પત્ની વ્યાજની ટૂંકી આવકમાં કરકસરથી રહી રહેલાં. તરવરિયા સુમંતભાઈને ધંધામાંથી આ રીતે ફારેગ થવું પડેલું એ બહુ વસમું લાગેલું. તેમની માનસિકતા પણ હલી ગયેલી. પરંતુ તેમની પડખે ચારૂબેન જેવા પ્રેમાળ પત્ની હતાં જેમણે તેમને તૂટી પડતા અટકાવી લીધેલા.

ભરૂચથી જામનગર આવતા ચારૂબેન વિચારી રહેલાં કે મેં કમાતી વહુની ખેવના એ આશાએ રાખેલી કે જિંદગીભર કરકસરથી જીવ્યા અને દીકરાને કોઈ લકઝરી ભોગવવા નથી મળી તો એને બધી લકઝરી જલ્દી મળે. પણ એને બદલે આ શું થયું ?

જામનગર ઘરે પહોંચ્યા ત્યારે ઉલ્કાએ પડેલા મોંએ અપરાધની ભાવના અનુભવતા તેમને આવકારેલા. વિનયની હાલત જોઈ માતા-પિતા બેયનું હૈયું ચિરાઈ ગયું. વિનય દરેક કાર્ય યંત્રવત્ સૂચના પ્રમાણે કરતો હતો. ઉલ્કાએ કહ્યું કે પપ્પા-મમ્મી આવ્યાં છે, તો એણે ફક્ત તેમની સામે જોયું, ન કંઈ બોલ્યો-ન સહેજે હસ્યો. ચારૂબેનની નજર ઘરમાં ફરી વળી. સુખ-સગવડનાં બધાં આધુનિક સાધનો ઉલ્કાએ વસાવી લીધા હતા. નવી ડિઝાઈનનાં સોફા-ડાઈનિંગ-ડબલબેડ-સીડી-સિસ્ટમ-લેપટોપ સુદ્ધાં વસાવાઈ ગયેલ. રસોઈઘર પણ બધા અદ્યતન સાધનો જેવાં કે ઑવન-ફૂડ પ્રોસેસર-ડિશ વૉશર-વોટર પ્યોરીફાયર-ફોર બર્નર સ્ટવથી ઝગમગી રહેલું. ચારૂબેનનાં હૈયેથી નિ:સાસો સરી પડ્યો. દીકરાને બધું મળ્યું પણ સમય આપી શકે એવી-તેને જાળવી શકે તેવી પ્રેમાળ પત્ની ન મળી. એવી મહત્વાકાંક્ષી પત્ની મળી કે જેણે પોતાની કેરિયર માટે પતિની જિંદગી ટલ્લે ચઢાવી રોળી નાખી. દુ:ખી હૈયે ચારૂબેન-સુમંતભાઈ દીકરા વિનયને લઈ ભરૂચના ઘરે પાછા ફર્યાં.

બે વર્ષ વીતી ગયા છે. ચારૂબેન અને સુમંતભાઈ જીવની માફક વિનયને સાચવી રહ્યાં છે. વિનયની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેની તબિયતમાં ઘણો સુધારો છે. ઉલ્કાનાં ફોન વિનય પર આવે છે અને વિનયનાં ડૉક્ટર પર આવે છે. ઉલ્કાને વિનયની ગેરહાજરી સાલે છે પણ એટલી નહીં. જ્વલંત કારકિર્દીની સીડી પર તે એક પગલું હજી આગળ ચઢવાની છે. જામનગર શાળાની સંસ્થાકીય મેનેજમેન્ટ તેની ધગશ અને કાર્યક્ષમતાથી ખુશ છે. કંપનીનાં ચેરમેને તેમની છેલ્લી મુલાકાત વેળાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની કંપની સંચાલિત મુંબઈ ખાતેની નંબર વન ગણાતી ઈન્ટરનેશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલપદ માટે તેનું નામ ગંભીરતાથી વિચારાઈ રહ્યું છે. ઉલ્કા ખૂબ ખુશ છે, પરંતુ વિનય પર હજુ ક્યારેક ડિપ્રેશનના હુમલા આવે છે. તેને એ વિચારો પજવે છે કે સંપૂર્ણ સાજા થઈ ગયા બાદ શું ? હું શું કરીશ ? મને ક્યં અને કઈ નોકરી મળશે ? હું એકલો રહી શકતો નથી. માતા-પિતા માટે ભારરૂપ થઈ ગયો છું. મારું શું થશે ? શું થશે ? શું થશે ?

આ કોની ભૂલ છે ? કોના કારણે વિનયની આ હાલત થઈ ? એ માતાની કે જેણે કમાતી વહુના મોહમાં દીકરો ખોયો છે કે એ મહત્વાકાંક્ષી પત્નીની કે જેણે કેરિયરની મોહમાં પતિધર્મ ચૂકી પતિ ગુમાવ્યો છે ? માનવામાં ન આવે એવી આ હકીકત એ આજના સમાજની કઠોર વાસ્તવિકતા છે અને ધ્યાન માંગી લેતી બાબત છે. આજના સમયમાં સુખી અને સંયુક્ત કુટુંબ જીવવું અને સાચવવું હોય તો વડીલો-યુવાનો અને સ્ત્રીઓએ સમજભર્યા સમાધાન માટે હંમેશા તૈયાર રહેવું પડશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પપ્પા, હવે ફોન મૂકું ? – મનોહર ત્રિવેદી
વાત એક મહિલા વિજ્ઞાનીના સંઘર્ષની – ડૉ. પંકજ શાં. જોષી Next »   

19 પ્રતિભાવો : કોની ભૂલ ? – ઉર્વી પ્રબોધ હરિયાણી

 1. ભૂલ તો બંનેની પણ સૌથી વધુ તો સમાજનો ઢાંચો જ એવો છે કે ભૂલ થઈ છે તે ખ્યાલ આવવા છતા સુધારવા માટે ઘણુ વધુ કષ્ટ સહન કરવું પડે. સમાજને લાલબત્તી દર્શાવતી વાર્તા !

 2. Neal says:

  If we notice , in this story both women’s decision make a man helpless and victim of depression…so sometimes hard to understand women’s mind… 🙂 Hope people take this comments positive….

 3. mohit says:

  પ્રથમ નજરે જોતાં સમગ્ર ઘટનામાં વાંક ચારુબેન કે ઉલ્કાનો જ લાગે.કોઇ વળી વિનયના ગભરુ સ્વભાવ કે સુમંતભાઈના કઠોર સ્વભાવને પણ જવાબદાર માની શકે. પરંતુ સુક્ષ્મ દ્રષ્ટિએ સમગ્ર ઘટના તપાસતાં મને આ પરિસ્થિતિ માટે ઉલ્કાના મા-બાપ વધુ જવાબદાર લાગે છે.મારી દ્રષ્ટિએ ઉલ્કા જેવી career-oriented, ambitious સ્ત્રીઓ માટે લગ્ન બંધન સમાન બની રહેતા હોય છે. આવી સ્ત્રીઓને તેની નજીકની વ્યક્તિઓ જ સાચી રીતે સમજી શકતી હોય છે.અલબત્ત, મહત્વકાંક્ષી દરેક વ્યક્તિને, ચાહે સ્ત્રી હો યા પુરુષ, તેની મહત્વકાંક્ષા આગળ બાકીનું બધું ક્ષુલ્લક લાગતું હોય છે. આવી વ્યક્તિઓ તેમની મહેચ્છા પૂર્ણ થયે જ સાંસારિક જીવનમાં ઠરીઠામ થવાનું વિચારી શકે છે. તે માટે યોગ્ય પાત્ર મળે તો ઠીક અન્યથા કુંવારા રહેવાનું પસંદ કરે છે.આવી વ્યક્તિને જીતવા તેને સમજી શકે તેવી વ્યક્તિની જરુર હોય છે. ઉલ્કાના સાસુ-સસરા કે પતિ આ વાત સમજી ન શક્યા કારણ કે ઉલ્કા તેમની વહુ અંગેની પરંપરાગત વ્યાખ્યાથી અલગ છે. પરંતુ ઉલ્કાના માતા-પિતા, કે જે ઉલ્કાને સારી રીતે જાણતાં હતાં, તેમણે પણ લગ્ન એક અનિવાર્ય જરુરિયાત ગણાવી ઉલ્કાના લગ્ન માટે યોગ્ય જીવનસાથીની રાહ જોવાના બદલે બિનજરુરી ઉતાવળ દાખવી અંતે બધા માટે દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. આપણે સમજવું પડશે કે લગ્ન એ કોઇ સનાતન સંબંધ નથી પરંતુ એક સામાજિક વ્યવસ્થા છે, માટે જરુરી નથી કે દરેક વ્યક્તિ લગ્ન માટેના સમાજે ઘડેલાં નિયમોને અનુસરી પોતાનો સંસાર વસાવે. કારકિર્દી માટે લગ્ન ન કરનારા ઘણાં મહાનુભાવો આનું જીવંત ઉદાહરણ છે.

 4. pankita says:

  bahu j saras varta! ava kissao aaj kal vadhi rahya che.. tyar avi varta mathi apne jaroor thi koi bodhpadh lai sakiye.. lekhak ne gana abhinandan..

 5. પૂર્વી says:

  I agree with mohitbhai. ઉલ્કાએ લગ્ન કરવાની જરૂર નહતી.

 6. nayan panchal says:

  કોની ભૂલ છે એના કરતા કોની ભૂલ નથી, એ સવાલનો જવાબ કદાચ વધારે આસાન રહેશે. મને તો આ આખી વાર્તામાં દરેક પાત્ર વધતે-ઓછે અંશે જવાબદાર લાગે છે.

  આ વાર્તામાં ધણા બધા loose ends છે, જેના લીધે તે હ્રદયસ્પર્શી નથી બની શકતી. રેખાબહેનની વાત સાથે સહમત છું કે આપણા સમાજ જ એવો છે કે પરાણે પણ ઘસડાવુ પડે.

  નયન

 7. Hema Bhatt says:

  HEMA
  Kamati hoy te stri ghar ni jawabdari barabar nibhavi n sake avu nathi pan Ulka ne a karavu j natu baki samaj ma ghani stri avi chhe je service ane samajik jawabdari ma balance kari ne khushkhushal jindagi jive chhe. Bhul to Ulka na parents ni pan ganay ke ane ani dikari ne ghar-gruhasthi sambharavani kelaavni j n aapi. Charu ben a pan a mansaki taiyari rakhavani jarur hati ke kamati vahu joiti hoy to ani sathe kam babat thodu adjustment karavu padase.

  Hema Bhatt

 8. payal says:

  There is no one person at fault so to speak. These people failed to co exist as family members is the bottom line. It is ok to have different opinions in life and mother in law daughter in law conflicts are centuries old. Family members need to respect each other. As long as they can manage that; this situation will resolve itself. It is unfair to blame charuben and Ulka alone. If all want to live togather as a family then every one will have to make compromise. Some more than others. In this case if ulka really wanted to move to jamnagar and vinay’s parents wanted their son to have the shop may be they could have sold the old shop and opened a new one in Jamnagar. Ulka should also consider the fact that since she is a married woman she WILL have responsibilities otherwise she should have stayed unmarried and she would have climbed the carrer ladder in no time. All these people in this story are being very childish and selfish. So no happy ending!! 🙂

 9. Rajni Gohil says:

  Urmiben got us nice problem to solve. “Bhool Koni” who is at fault? The main thing is we are not supposed to look at the fault of the others. People think that watch/clock not working is useless. But see it positively that it will atleast show correct time twice a day.

  Everything in this world happens at God’s wish. Ulka tried to make life easier her own way. She was capable of doing it. But it did not work that way and Vinay Got sick. They all were supposed to work together to find the solution. Just with trust in God and trust in oneself, family problems can be solved.

  When we see the situation with other’s eye, problem do not arise. Even if it arises, it can be solved easily. “Adjust Everywhere” this can get liberation (Moksha)

  If everybody had acted differently, different problem would have arised. Just accept it as “Banyu Te Nyay”

 10. Urmila says:

  Ulka is bright and ambitious – she shouldnot have got married until she achieved what she wanted in her life – it transpires from the story that she was pressurised by parents (knowing she is ambitious and will not be able to settle in married life easily) due to social culture that exists in the society –

 11. ઈન્દ્રેશ વદન says:

  વાર્તા સારી છે, પણ બધા પાત્રો નબળા છે. સિવાય કે શતાયુભાઈ, જેઓ પીઢ અને સમજુ લાગે છે.
  ઉલ્કા ના મગજ ની ક્માન સૌથી વધુ છટકેલ હોય એમ લાગે છે. 😉 અતિ મધ્યમ વર્ગીય કુટુંબ માં લગન કર્યા, ને પછી કહે છે મારી ાવક માંથી ેક પૈસો નહી ાપું.

 12. Gaurang Nathwani says:

  As we all know, unlike Hindi & English movies, the vast majority of the society cannot be easily classified into two mutually exclusive groups: Good & Bad. Good guys have something bad in them and bad guys have have something good in them. In this story too, it is not easy to pinpoint whose mistake it was. Hence, lets not try to answer the author’s question. Instead let’s enjoy the story, I mean the beauty that it is. It is amazing how beautifully she has developed the characters in the story. All the characters are very human. She deserves hearty congratulations.

 13. Geetika parikh dasgupta says:

  A very well written story !!!

 14. Mehul says:

  વાર્તા ઘણી જ સારી છે પણ એના પાત્રમાં વિનય કઇ જ કરી શકતો જ નથી તે તો બસ પહેલા મા-બાપ કહે એમ કરે છે અને પછી પત્ની કહે એમ એ પોતાના મગજ થી કઇં જ વિચારી શકતો નથી એટલે વિનયનું પાત્ર ખુબ જ નબળુ છે…

 15. Neil says:

  It is a tragedy of modern times that parents like Vinay’s mother have lost their moral compass. Vinay is weak – but difficult to blame him – what can one expect from son of a mother like Charuben who has such obvious lack of judgement.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.