સરળ પ્રાણીકથાઓ – વસંતલાલ પરમાર

[બાળવાર્તાઓ – ‘સરળ પ્રાણીકથાઓ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

prani[1] કિરણ કાચબો

સુંદરવનમાં સુમન સસલાએ ‘જંગલ રેસ્ટેરાં’ નામની હોટલ ખોલી હતી. આથી જંગલના જાનવરોને ચટાકેદાર વાનગીઓ ચાખવાની મઝા પડી. સુમનની હોટલમાં ચા, કૉફી, ઉપરાંત પૂરી, કચોરી, ખમણ, ગોટા-ભજિયાં, ફૂલવડી એવાં ફરસાણ ઉપરાંત પેંડા, બરફી, ગુલાબજાંબુ, હલવો એવી સ્વાદિષ્ટ મીઠાઈ પણ બનતી હતી. થોડા દિવસોમાં તો સુમનની હોટલ આખાયે જંગલમાં પ્રસિદ્ધ થઈ ગઈ. આખો દિવસ હોટલમાં ગ્રાહકોની ભીડ રહેતી હતી. વકરો પણ સારો થતો રહેતો હતો. સુમન પણ ગ્રાહકોને સંતોષ આપતો હતો.

થોડા દિવસ પછી સુમનને જાણ થઈ કે, હોટલ તો ખોટમાં ચાલે છે, નફાને બદલે નુકશાન થઈ રહ્યું છે. ચોરીછૂપીથી સ્ટોર રૂમમાંથી ખાદ્યસામગ્રી છૂ થઈ જાય છે. કદી બરફી, પેંડા અને ગુલાબજાંબુ ભરેલા થાળમાંથી અડધા ઉપરાંત ગાયબ થઈ જાય છે, તો કદીક આટો અને ખાંડની બોરીઓ ખાલી થઈ જાય છે. તો કદી મીઠાઈ માટેના મેવા-મસાલા ઊપડી જાય છે. શરૂઆતમાં તો સુમનને પોતાના નોકરો પર ચોરીનો શક ગયો. એથી એણે જૂના નોકરોને છૂટા કરીને નવા અને વિશ્વાસુ નોકરો રાખી લીધા. આમ છતાં ભંડારમાંથી ક્યા રસ્તેથી ચોરી થતી એની કોઈને ખબર પણ પડતી નહિ. આખરે થાકીને સુમન સસલાએ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી. જમાદાર બનવારી બંદરે અને રાઈટર કોન્સ્ટેબલ ભવાન ભમરાએ જાસૂસી કરીને ચોરીની તપાસ આદરી પણ ચોરનો ક્યાંય પત્તો ન લાગ્યો કે ચોરીના ક્યાંયથી સગડ પણ ન મળ્યા.

pic2

એક દિવસની વાત છે.
સુમન સસલો હોટલના ગલ્લા પર ઉદાસ અને સૂનમૂન બેઠો હતો. ત્યાં કિશન કીડાએ ચાનો ઑર્ડર આપ્યો. કિશન ચા પીતો હતો ત્યાં જ કિરણ કાચબો અને વિનુ વાનરે આવીને જલેબી ઝાપટવા માંડી. કિશન કીડાએ ધીરે રહીને સુમનને પૂછ્યું : ‘કેમ, ભાઈ ! ચોરીનો કોઈ પત્તો લાગ્યો ?’
સુમન મોં બગાડીને બોલ્યો : ‘ના રે ભાઈ !’
કિશન કીડાએ વાત આગળ વધારી, ‘મેં તો સાંભળ્યું છે કે, જમાદાર બનવારી થાકી ગયો અને ભવા ભમરાની જાસૂસી પણ નિષ્ફળ ગઈ. હવે શો વિચાર છે ?’
‘હવે તો એવો વિચાર છે કે હૉટલ બંધ કરી દઉં. ક્યાં સુધી ખોટ ખમીને ધંધો કરવો ? દિવાળી પછી બીજો નવો ધંધો કાઢીશ.’ સુમન લાચારીથી આમ બોલીને ચૂપ થઈ ગયો. ચા પીને કિશન કીડો રવાના થઈ ગયો. એના ગયા પછી વિનુ વાનરે સુમન પાસે જઈને પૂછ્યું :
‘શું તમારે ત્યાં અવારનવાર ચોરીઓ થાય છે ? ચોરીનો પત્તો લાગતો નથી, આ વાત સાચી છે ?’
‘હા ભાઈ, એના લીધે તો હું નુકશાનીમાં ઊતરી ગયો છું.’ સુમને દુ:ખી થતાં કહ્યું.
‘ચોરને પકડી પાડવામાં સફળતા નથી મળતી ?’ કિરણ કાચબાએ મંદગતિથી ત્યાંથી આવીને પૂછ્યું.
સુમન સસલાએ નિરાશાથી માથું હલાવીને કહ્યું, ‘ચોર કે ચોરી બાબતની ક્યાંયથી માહિતી પણ મળતી નથી.’
‘તો એમ કરો, સુમનભાઈ ! જાસૂસીથી ચોર પકડાઈ જશે. મારો મિત્ર કિરણ કાચબો નામચીન જાસૂસ છે. એણે આજ સુધીમાં પોતાની જાસૂસીથી કેટલીયે ચોરીઓનો પત્તો મેળવ્યો છે. એને જ આ કામ સોંપો.’ વિનુ વાનરે આમ કહીને સુમન સાથે કિરણ કાચબાનો પરિચય કરાવ્યો.

પરંતુ કિરણ કાચબા સામે જોતાં જ સુમનને એના ઉપર વિશ્વાસ ન પડ્યો. એણે આ વાતમાં કંઈ ઈંતેજારી ન બતાવી. સુમન તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો, છતાં કાચબાએ સુમનને પૂછવા માંડ્યું, ‘ચોરી ક્યાંથી થાય છે એ કહો ?’
સુમન કહે : ‘હોટલના સ્ટોરરૂમમાંથી.’
‘ઠીક છે. અમને સ્ટોર રૂમ બતાવો.’ વિનુ વાનરે આગ્રહ કર્યો એટલે સુમનથી કંઈ બોલી શકાયું નહીં. એ બંનેને સુમન સ્ટોરરૂમમાં લઈ ગયો. સ્ટોરરૂમમાં આમતેમ ફરીને તલાશી અને નિરીક્ષણ કર્યા પછી કિરણ કાચબાએ પૂછ્યું : ‘આ જંગલમાં કીડા-મંકોડા રહે છે ?’
સુમન કહે : ‘હા, નજીકમાં જ કિશન કીડાનો મોટો પરિવાર રહે છે.’

હવે કિરણ કાચબાને ચોરીની કડીઓ મળવા માંડી. એ ઉત્સાહભર્યો બોલ્યો : ‘ત્યારે તો નક્કી એ જ કિશન કીડાનો પરિવાર જ ચોર છે.’
સુમન કહે : ‘ખોટી વાત. કિશન આખાયે જંગલમાં સૌથી સુખી, સાધનસંપન્ન, નેક-ઈમાનદાર અને મહેનતુ છે. હું એને સારી રીતે ઓળખું છું. એ મારી હોટલનો નિયમિત ગ્રાહક છે. પૈસા પણ રોકડા આપે છે. તારું અનુમાન ગલત છે. એને ક્યાં ખોટ છે કે ચોરી કરે ?’
‘સુમનભાઈ ! કિરણની ઈમાનદારીથી તમે છેતરાયા હો એમ લાગે છે. મારી વાત પર વિશ્વાસ કરો.’ આમ કહીને કિરણ કાચબો સ્ટોરરૂમમાંથી બહાર નીકળી ગયો. સુમન સસલાને એની હોટલ પર છોડીને વિનુ વાનર અને કિરણ કાચબો બંને જણા પોલીસ ચોકી પર પહોંચ્યા અને જમાદાર બનવારી બંદરને વાત કરી કે સુમનની હોટલના ભંડારમાંથી જે ચોરી થાય છે, એનો અસલી ચોર કિશન કીડો અને એનો પરિવાર છે. પરંતુ જમાદાર બનાવારીને કિશન ચોરી કરે એ વાત પર વિશ્વાસ ન બેઠો. કિરણ કાચબાએ પોતાની વાત બનવારીના ભેજામાં ઠસાવતાં કહ્યું : ‘જમાદાર સાહેબ ! શક ઉપરથી કોઈના ઘેર તલાશી લેવી કે ઝડતી કરવી એ ગેરકાનૂની નથી. મને મારા અનુમાનથી પૂરેપૂરો વિશ્વાસ છે કે, સુમનની હોટલ પાસે જ કિશનનો પરિવાર વસે છે. માટે એમણે આ ચોરી કરેલી છે. મારી વાત ખોટી ઠરે તો મને શિક્ષા કરજો.’

હવે બનવારીને કિશનની વાત વજૂદવાળી લાગી. એ તરત જ તૈયાર થઈને વિનુ વાનરને સાથે લઈને અને બીજા સિપાઈઓ સાથે સુમન સસલાની હોટલે પહોંચ્યો. એની સાથે કિરણ અને ભવાન ભમરો પણ હતાં. સુમનને સાથે લઈને બધા સ્ટોરરૂમમાં ગયા અને ત્યાં તપાસ કરીને પાછળના રસ્તે થઈને કીડાને ત્યાં પહોંચ્યા અને તરત જ બનવારી એ સિપાઈઓને કિશનના ઘરની તલાશી લેવાનો હુકમ કર્યો. કિશન અને એનો પરિવાર આ અચાનક છાપાથી ખૂબ ગભરાઈ ગયો. કિરણ કાચબાની જાસૂસી સાચી સાબિત થઈ. સુમનની હોટલની બનેલી મીઠાઈઓ-પેંડા, બરફી, જલેબી વગેરે ભરેલો એક મોટો ડબ્બો મળ્યો. વધુ તપાસ કરતાં આટો અને ખાંડ ભરેલી બોરીઓ મળી આવી. એક નાની કોથળીમાં મેવા-મસાલા મળ્યા, આ બધો મુદ્દામાલ કિશનના ઘરમાં જોતાં જ જમાદાર બનવારી આશ્ચર્યચકિત બની ગયો. સુમન સસલો પણ સાથે જ હતો. પોતાની હોટલમાં બનેલ પકવાનો, આટો અને ખાંડનો મોટો જથ્થો જોતાં જ એ દંગ બની ગયો. હવે એને કિશનની ઈમાનદારી પ્રત્યે નફરત પેદા થઈ.

ચોરીનો મુદ્દામાલ પકડાઈ જતાં જમાદાર બનવારીએ કિશન અને એના ઘરવાળાઓને હાથકડી કરીને પોલીસ ચોકી ભેગા કરી દીધા. જમાદાર બનવારીને હવે કિરણ કાચબાની અનોખે જાસૂસી પ્રત્યે માન ઊપજ્યું. એણે પીઠ થાબડી શાબાશી આપતાં કહ્યું : ‘અરે, ભાઈ કિરણ ! કિશન અને એના માણસોએ ચોરી કરી છે, એવું તેં કેવી રીતે શોધી કાઢ્યું ?’
કિરણ કાચબો કહે : ‘જમાદાર સાહેબ ! જ્યારે મેં હોટલના સ્ટોરરૂમમાં પ્રવેશ કર્યો તો એક અનોખી ગંધથી આ ચોરી પકડી પાડી. આ ગંધ સ્ટોરરૂમના પછવાડાના રસ્તા સુધી ફેલાયેલી હતી. કીડીના શરીરમાંથી ‘ફિરોમોન’ નામનો રસાણિક પદાર્થ નીકળે છે. કીડા-કીડીઓ જે રસ્તેથી નીકળે છે, જાય છે, એ રસ્તા પર ફિરોમોન છોડતા જાય છે. જેથી એ ફિરોમોનની ગંધથી પોતાના ઘર સુધી રસ્તો ભૂલ્યા વગર પહોંચી જાય. કિશન કીડો અને એના પરિવારના સભ્યો પોતાના ઘરથી સુમનની હોટલના સ્ટોર રૂમ સુધીના રસ્તે ફિરોમોન છોડતા જતા હતા. એ જ ફિરોમોનની ગંધથી મેં કિશનની ચોરી પકડી પાડી છે.’ કિરણ કાચબાએ પ્રમાણસહ પોતાની વાત સૌની સમક્ષ કહી સંભળાવી.

આ સાંભળી બનવારી જમાદાર એને શાબાશી આપતાં ખુશ થઈને બોલ્યો : ‘કિરણ ! તારી ચતુરાઈ, બુદ્ધિમતા અને જાસૂસીનાં જેટલાં વખાણ કરું એટલાં ઓછાં છે. બહારથી શરીફ લાગતા કિશન જેવા બાહોશ ચોરને પકડવામાં તેં અમને ખૂબ જ મદદ કરી છે એ બદલ તને અભિનંદન આપું છું.’ કિરણ કાચબાની આ વિચક્ષણભરી જાસૂસી જોઈને સુમન સસલો આભારવશ બની ગયો. એણે કિરણ કાચબાને અને એના મિત્ર વિનુ વાનરનો ખૂબ ખૂબ આભાર માન્યો. એમને નાસ્તા-પાણી કરાવીને પછી ઈનામ આપી વિદાય કર્યા. એ દિવસથી આખા જંગલમાં કિરણ કાચબાનું નામ એની અદ્દભુત જાસૂસીથી પ્રખ્યાત થઈ ગયું.
.

[2] વનરાજનું ફટફટિયું

ઉનાળાના ધોમધખતા દિવસો હતા.
ગિરના જંગલમાં આવેલી બોડમાં અકળામણ અનુભવતા ટીલિયા સિંહને એનો ભેરુબંધ મોહન યાદ આવ્યો. એણે ફોન કર્યો પણ લાગ્યો નહિ. બન્નેએ મળીને શિકારે જવાની યોજના ઘડી કાઢી હતી. હવે શું કરવું ?’ એનું નામ ટીલિયો તો માલધારીએ પાડ્યું હતું, પણ જંગલનાં પ્રાણીઓ તો એને ‘વનુભા વનરાજ’ નામે ઓળખતાં હતાં. વનુભા વનરાજ માથે છત્રી ઓઢીને બહાર નીકળ્યો. થોડે ગયો ત્યાં તો ગરમીને લીધે હેરાન-પરેશાન બની ગયો. એનું આખુંયે શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. ચહેરા પરથી પરસેવો ટપકી રહ્યો હતો. દૂરથી શકરા શિયાળે વનરાજને જોયો. એને વનરાજના શિકારના મારણની એંઠ મળતી હતી, એટલે એ દોડતો પાસે આવી ખુશામતભર્યા સ્વરે બોલ્યો :
‘ઘણી ખમ્મા અન્નદાતાને ! આપ તો આખાયે જંગલના રાજા છો, એથી આપ છત્રી લઈને ચાલો એ શોભાસ્પદ નથી.’

વનુભા વનરાજને પણ શકરા શિયાળની વાત ઠીક લાગી. એણે માથું હલાવી એની વાતનો સ્વીકાર કર્યો. પણ છત્રી પકડીને ચાલે કોણ ? એની દ્વિધામાં વનરાજ પડ્યો. ત્યાં તો શકરો શિયાળ આગળ બોલ્યો : ‘મહારાજ ! આપ છત્રી કોણ પકડી ચાલે, એનો વિચાર કરી રહ્યા છો ?એવો એક જણ છે. પેલો બાબુ બંદર હરામનું ખાઈને હંમેશાં આંખો મીંચીને પડ્યો રહે છે. એ છત્રી પકડીને આપની સાથે ચાલશે. એને પણ કામ મળી રહેશે અને આપનું કામ પણ થઈ જશે.’ શકરા શિયાળને બાબુ બંદર વારંવાર પજવતો હતો. એટલે એણે પાઠ ભણાવવા આ તક ઝડપી લીધી. પરંતુ વનરાજ એની આ મેલી મુરાદ સમજ્યો નહિ. એણે શકરાની વાત માની લીધી. એ છત્રીના બોજથી છુટકારો મેળવવા ઈચ્છતો હતો. એટલે તરત જ બાબુ બંદરને બોલાવ્યો અને છત્રી પકડીને ચાલવાનું કામ સોંપી દીધું. વનરાજને ના પણ કેમ પડાય ?

બાબુ બંદર મનમોજી હતો. જંગલમાંથી ભાવતાં ફળ ખાતો અને આમતેમ કૂદકા મારતો. થાકે ત્યારે નિરાંતે ઊંઘતો હતો. એ વનરાજની ગુફાના સામેના ઝાડ પર રહેતો હતો. હવે તો બાબુ બંદરની આઝાદી છીનવાઈ ગઈ. વનરાજ સાથે બંધાઈ ગયો. વનરાજ જ્યાં જાય ત્યાં એની છત્રી ઉપાડીને ચાલવું પડતું. બાબુ બંદરને મકાઈના કુમળા દાણાવાળા મકાઈદોડા ખૂબ ભાવતા હતા. પરંતુ ખેતરો તો જંગલથી થોડાં દૂર હતાં. હવે ત્યાં જવું મુશ્કેલ હતું. બાબુ ફુરસદના સમયે વિચારતો : ‘આ સિંહડાની છત્રીમાંથી ક્યારે છુટકારો મળશે ? ભલા આ તે કોઈ કામ છે ?’

એક દિવસ બાબુએ પોતાની આ મુશ્કેલી રામુ રીંછ આગળ રજૂ કરી. રામુ રીંછ ઘણી વખત મધપૂડાની શોધમાં જૂનાગઢ શહેર તરફ ઘૂમી વળ્યો હતો. એણે બાબુની મુશ્કેલી પર વિચારણા આદરી. થોડી વાર વિચાર કરી રામુ બોલ્યો : ‘દોસ્ત બાબુ ! વનરાજને જો ફટફટિયું આપવામાં આવે તો તું છૂટો થાય.’
‘એ ફટફટિયું વળી શી બલા છે ?’ બાબુ અચરજ પામી બોલ્યો.
રામુ રીંછે એને સમજાવતાં કહ્યું : ‘શહેરના લોકો ફટફટિયાને મોટરસાઈકલ કહે છે. એ ઉતાવળું ચાલે છે અને જબરો અવાજ કરે છે. વનરાજને માટે એ સાધન બરાબર છે.’ રામુ રીંછની વાત બાબુને ગળે ઊતરી. એ વિચારવા લાગ્યો કે, તક મળે વનરાજને આ વાત કરું.

pic1એક દિવસ વનુભા વનરાજ ફરવા નીકળ્યા. બાબુ બંદર છત્રી પકડીને સાથે ચાલતો હતો. વનરાજને ખુશમાં જોઈને બાબુ બોલ્યો : ‘હજૂર ! એક વાત કહું ? આ છત્રી એ તો જૂની-પુરાણી યાદ છે. હવે તો આપે નવા જમાના પ્રમાણે એક ફટફટિયું વસાવવું જોઈએ. એના પર બેસીને તમે નીકળો તો જંગલમાં વટ પડી જાય.’
‘એ ફટફટિયું વળી શી બલા છે ?’ વનરાજે એની પાસેથી વાત કઢાવવા પૂછ્યું.
બાબુ બોલ્યો : ‘હજૂર ! પહેલાંના જમાનામાં લોકો ઘોડા પર બેસી ફરતા હતા, એમ આજના લોકો આ ફટફટિયા પર બેસીને અવરજવર કરે છે. ઘણા લોકો એના અવાજ પરથી એને ‘ભટભટિયું’ પણ કહે છે. એ લોઢાની બેઠકવાળી ગાડી છે. બે પૈડાં પર ઝડપથી દોડે છે. એક વાર એની પર બેસો તો ઊતરવાનું મન પણ નહિ થાય.’
વનરાજે પૂછ્યું : ‘એને તેં દેખ્યું છે ?’
બાબુ ખમચાઈને બોલ્યો : ‘ના, મેં તો નથી જોયું પણ રામુ રીંછ ઘણી વાર જૂનાગઢ નજીક જાય છે, એણે જોયું છે. એને ચલાવતાં પણ આવડે છે. એ આપને શિખવાડી દેશે.’
‘ઠીક છે, રામુ રીંછને મારી પાસે મોકલજે.’ વનરાજે હુકમ કર્યો.

બીજે દિવસે વનુભા વનરાજ અને રામુ રીંછ જૂનાગઢ ગયા. વનુભાને કાળા કલરનું ફટફટિયું ગમી ગયું. ભાવતાલ નક્કી કરીને ખરીદી લીધું. ચાર-પાંચ દિવસની માથાકૂટ પછી રામુ રીંછે વનરાજને ફટફટિયું ચલાવતાં શિખવાડી દીધું. કાળા કલરનું ફટફટિયું સૂરજનાં કિરણોમાં ચમકતું હતું. વનરાજ એના પર બેસતાં શોભી રહ્યા હતા. એણે નવો સૂટ પહેર્યો હતો અને ગળામાં મોતીની માળા હતી. બાબુ બંદરને પણ આજે નવાં કપડાં મળ્યાં હતાં. રામુ રીંછે ઈશારો કર્યો એ સાથે જ વનરાજનું ફટફટિયું દોડ્યું. વનુભા વનરાજ શાહી અદાથી એને ચલાવી રહ્યા હતા. જંગલનાં પ્રાણીઓ જોવા એકઠાં થયાં હતાં. બાબુ બંદર છત્રી પકડીને વનરાજની પાછળ બેઠો હતો. ફટફટિયું ઝડપથી ચાલી રહ્યું હતું. ત્યાં તો પવનને લીધે બાબુના હાથમાંથી છત્રી છૂટી ગઈ. બાબુએ બૂમ પાડી : ‘હજૂર ! છત્રી ઊડી ગઈ.’
વનરાજે ફટફટિયું રોક્યું. છત્રી એક ઊંચા ઝાડની ડાળોમાં ફસાઈને કાગડો બની ગઈ હતી. બાબુ ઝાડ પર ચઢ્યો. કાગડો બનેલી છત્રી વનરાજ સામે ધરીને બોલ્યો : ‘ફટફટિયા પર છત્રી ન રહી શકે. રેઈનકોટ અને માથે પહેરવા લોઢાની ટોપી લાવવી પડશે. એને ‘હેલ્મેટ’ કહેવાય.’

વનરાજે એની વાત માની લીધી. રામુ રીંછ રેઈનકોટ અને હેલ્મેટ શહેરમાં જઈ ખરીદી લાવ્યો. વનરાજને આ વસ્તુઓ ગમી ગઈ. જ્યારે એ પહેરીને એ ફટફટિયું લઈને નીકળી પડતા ત્યારે બધાં પ્રાણીઓ એની સામું દંગ બનીને જોઈ રહેતાં. હવે છત્રીનું કોઈ કામ રહ્યું ન હતું, એથી બાબુ બંદરને છુટ્ટી મળી ગઈ. બાબુ, રામુ રીંછનો આભાર માનવા લાગ્યો. વનરાજની નોકરીમાંથી રામુ રીંછની તરકીબને લીધે બાબુ બંદરને મુક્તિ મળી. એની ખુશીનો પાર ન રહ્યો. એ પહેલાંની જેમ આમતેમ ઠેકડા મારતો બોલવા લાગ્યો : ‘હાશ, હવે ભરપેટ મકાઈડોડા ખાવા મળશે….’

[કુલ પાન : 80. કિંમત રૂ. 30. પ્રાપ્તિ સ્થાન : ગૂર્જર પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001. ફોન : +91 79 26564279 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત એક મહિલા વિજ્ઞાનીના સંઘર્ષની – ડૉ. પંકજ શાં. જોષી
રણછોડલાલને સણસણતી અંજલિઓ ! – નિર્મિશ ઠાકર Next »   

14 પ્રતિભાવો : સરળ પ્રાણીકથાઓ – વસંતલાલ પરમાર

 1. dhiraj says:

  મજા પડી ગઈ……..

 2. Payal says:

  very creative new generation’s children’s stories.

 3. nayan panchal says:

  પ્રથમ વાર્તા સારી લાગી (ચંપક + સફારી).
  બીજી વાર્તામાં મજા ન આવી.

  આભાર.

  નયન

 4. Prerana* says:

  Enjoing with childrens. its learning activity & fun for them.

 5. uday says:

  મારા પુત્ર ને વાર્તા બહુ જ ગમિ.તે વાર્તા નો શોખિન ચ્હે.વાર્મ્વાર આવિ વાર્તા લખશો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.