પર્વ વિશેષ

[ મહાવીર જયંતી વિશેષ – જૈન સ્તવન ]

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભથાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

ગુણથી ભરેલા ગુણિજન દેખી હૈયું મારુ નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે

દીન ફ્રુરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ શ્રોત વહે

માર્ગ ભુલેલાં જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું

વીર વાણીની ધર્મ ભાવના હૈયે સહુ માનવ લાવે
વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો ગાવે.

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભથાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

[ઈદે મિલાદ વિશેષ – સલ્તનત અને ફકીરી (જલાલુદ્દીન રૂમીની દષ્ટાંતકથા) ]

બલ્ખના બાદશાહ ઈબ્રાહિમ ઈબ્ન અદહમ, અલ્લા સાથે કેવી રીતે એક થવાય એ વિશે વિચારતા હતા. એક રાતે તેઓ આરામથી અગાસી પર સૂતા હતા. ત્યાં અચાનક તેમણે પગલાંઓના અવાજો સાંભળ્યા. બાદશાહને આશ્ચર્ય થયું, ‘આવા સમયે મહેલમાં કોણ ચાલી રહ્યું હશે?’ ઊભા થઈ એમણે જોયું તો કેટલાક માણસો અગાસી પર આંટા મારતા હતા. બાદશાહે તેમને પૂછયું, ‘તમે કોણ છો ? અહીં શું કરો છો ?’

પેલા માણસો ખરેખર તો ફિરસ્તાઓ હતા. એમણે કહ્યું, ‘અહીં અમે અમારું ઊંટ શોધીએ છીએ.’
બાદશાહે આશ્ચર્યથી કહ્યું, ‘કમાલ છો તમે ! અહીં શાહી મહેલમાં ઊંટને શોધો છો ?’
ફિરસ્તાઓએ જવાબ આપ્યો, ‘અમને તમારા કરતાં પણ વધારે નવાઈ લાગે છે. તમે આ ભોગવિલાસમાં અલ્લાને શોધો છો ?’ આટલું કહી ફિરસ્તાઓ ગાયબ થઈ ગયા.

બાદશાહને એકાએક જ્ઞાન થયું. રાજધાની, મોજમજા અને રાજકાજમાંથી તેમનો જીવ ઊડી ગયો. રાજ છોડી ફકીરી અપનાવી. નિશાપૂરના જંગલમાં જઈ દસ વર્ષ ધર્મ-ધ્યાનમાં પસાર કર્યાં. પછી બધાથી અલિપ્ત થઈ ગયા. ફકીરનું જીવન ગાળવા લાગ્યા. નદીના કિનારે બેસી રહેતા. ત્યાં બેસી ફાટેલાં વસ્ત્રો સાંધવાનો ઉદ્યમ કરતા.

બલ્ખની સલ્તનતના વજીર એક વાર નદીના કિનારા પરથી પસાર થયા. પોતના પહેલાંના બાદશાહને તેમણે કપડાં સાંધતા જોયા. રાજપાટ છોડી આવું કરવા માટે બાદશાહની મૂર્ખાઈ પર વજીરને હસવું આવ્યું. વજીરના મનમાં ચાલતા વિચારો બાદશાહ સમજી ગયા. વજીરને ફકીરીની શક્તિ સમજાય તે માટે ફકીર-બાદશાહે પોતાના હાથમાંની સોય નદીમાં ફેંકી. પછી મોટા અવાજે દુઆ માગી :

‘હે અલ્લા, મારી સોય મને પાછી આપો !’
તરત જ નદીની સપાટી પર અસંખ્ય માછલીઓ આવી ગઈ. દરેકના મોંમા એક એક સોનાની સોય હતી. માછલીઓ કહેતી હતી : ‘બાબા, અલ્લા તરફથી આપ આ સોય સ્વીકારો.’
ફકીરે વજીરને પૂછયું, ‘બલ્ખની નાશવંત તુચ્છ સલ્તનત બહેતર છે કે ફકીરીની આ પ્રેમની સલ્તનત બહેતર છે ?’

વજીરને પસ્તાવો થયો તેમને થયું કે આ માછલીઓ પણ ફકીરીની શક્તિ જાણે છે, પણ હું તેનાથી બે ખબર છું. વજીર રડી પડ્યા. વજીરમાં ખુદા માટેનો પ્રેમ અને તાલાવેલી જાગ્યાં, પ્રધાનપદ છોડી એ ઈબ્રાહિમના શિષ્ય થઈ ગયા.

પસ્તાવા અને રુદનના પ્રતાપે એક પળમાં વજીર બદલાઈ ગયા. દુન્યવી મોહમાં દિવ્ય પ્રેમના વિશ્વમાં પહોંચી ગયા. આખી જિંદગી બુદ્ધિની ગુલામી કરી હતી પણ સાચું કામ તો અલ્લા માટેની દીવાનગીથી બન્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનસુખરામ માસ્તર – એક સત્ય ઘટના
તબીબી પ્રેક્ટિસ – ધનસુખલાલ મહેતા Next »   

7 પ્રતિભાવો : પર્વ વિશેષ

 1. farid says:

  મીલાદુન્‍નન્‍બી વિશેષ વાંચ્‍યું , સરસ
  મેં પણ અ વિષય પણ એક વિશેષ બ્‍લોગ અંક પ્રકાશિત કર્યો છે, જોવા વિનંતિ
  http://www.suvaas.blogspot.com

 2. બહુજ ઉદાત ભાવના સાથે નો આ લેખ વાન્ચી ને અનન્દ થયો. દરેક ધર્મ નુ મુળ માનવતા છે, પરધર્મ ની વાત જણાવવા બદલ મ્રુગેશભાઈ નો ખુબ ખુબ આભાર.

 3. અમિત પિસાવાડિયા says:

  સરસ ,, ઉપરવાળા માટે તો બધા એક સમાન ,,,

 4. nayan panchal says:

  “આખી જિંદગી બુદ્ધિની ગુલામી કરી હતી પણ સાચું કામ તો અલ્લા માટેની દીવાનગીથી બન્યું.”

  એકવાર એક પાગલ જેવો લાગતો ફકીર દરિયાકિનારે બેસીને ખોબેખોબે દરિયાનુ પાણી દરિયામાંથી, થોડે દૂર આવેલા એક ખાડામાં ભરી રહ્યો હતો. મહાન ચિંતક સોક્રેટિસે તે જોયુ અને કહ્યુ કે તે જે કરી રહ્યો છે તે શક્ય નથી. ફકીરે જવાબ આપ્યો કે, તુ પણ તો તારા ખોબા જેવડા મગજથી આખી સૃષ્ટિના રહસ્યોનો તાગ કાઢવા મથી રહ્યો છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.