પોતાની જાતને બદલવી છે ? – સુધીર દેસાઈ

જીવનમાં આમ જુઓ તો નાની નાની બાબતો કે પ્રસંગો બન્યા જ કરતા હોય છે પણ આપણે એ બાબતોને ક્યારેય મહત્વ આપ્યું જ નથી. અને એ બાબતો કે પ્રસંગોનું આપણા વિકાસમાં મહત્વ છે. ઘણું મોટું મહત્વ છે એની આપણને ખબર જ નથી. ભલે એ બાબત કે પ્રસંગ નાનો લાગતો હોય પણ આપણું આખું જીવન બદલાઈ શકે છે એટલી નાની બાબત કે પ્રસંગથી. એ માટેની વાત મેં હમણાં જ તાજેતરમાં વાંચી. એના લખનાર છે ડબલ્યુ. કલેમેન્ટ સ્ટોન. એમાં જે પ્રસંગની વાત લખી છે એ પ્રમાણે આપણામાંથી ઘણાં આજે પણ કરતા જ હશે અને એટલે જ આ પ્રસંગનું આપણે માટે મહત્વ ઘણું વધી જાય છે. પ્રસંગ આ પ્રમાણે છે :

‘પપ્પા, તમે મને વચન આપ્યું હતું કે તમે મને વાર્તા કહેશો.’
લોઉ ફિંકે એના ચાર વર્ષના બાળક કેન્ટનો અવાજ સાંભળ્યો. શુક્રવારની મોડી સાંજ પસાર થઈ રહી હતી. એને ઑફિસેથી ઘેર આવતાં ઘણું જ મોડું થઈ ગયું હતું. અને એને કારણે એ કેન્ટ સાથે સાંજનું વાળુ લઈ શક્યો ન હતો અને લોઉએ એની પત્ની પેગને ફોન પણ કર્યો ન હતો. પેગ હજારો સ્ત્રીઓની માફક રાહ જોયા કરે અને કલાકો વીત્યા કરે. ‘રસ્તાઓ લપસણા થઈ ગયા છે. કદાચ મોટરનો અકસ્માત પણ થયો હોય ! પણ લોઉએ ફોન તો કર્યો જ હોત.’ પેગ વિચારતી હતી. પેગને આ રાહ જોવાનું ગમતું ન હતું. એને આ અનિશ્ચિતતાથી ઘણી અકળામણ થતી.

પણ હવે લોઉ ઘેર આવી ગયો હતો. એ હવે કેન્ટની પ્રભુ માટેની પ્રાર્થના સાંભળી શકશે અને એને પથારીમાં ઊંઘાડી શકશે. પત્ની પેગે બધું ગરમ કરવા માટે હવે રસોડું સંભાળ્યું. અને લોઉ કેન્ટને ઊંચકીને બેડરૂમમાં લઈ ગયો.
‘પપ્પા ! તમે વાર્તા કહેશોને ?’
‘પપ્પા તને કાલે રાત્રે વાર્તા કહેશે.’ પેગે રસોડામાંથી બૂમ પાડી કહ્યું.
‘પપ્પા ! ગઈકાલે રાત્રે તમે કહ્યું હતું કે જો તું અત્યારે તરત ઊંઘી જઈશ તો હું તને કાલે વાર્તા કહીશ. અને હું તમે કહ્યું કે તરત જ ઊંઘી ગયો હતો. તમે મને વચન આપ્યું હતું. પપ્પા ! તમે મને પ્રોમીસ આપ્યું હતું.’
લોઉએ કેન્ટની સામે જોયું અને કહ્યું : ‘વચન એટલે વચન અને કરાર એટલે કરાર. હંમેશા આ વાત યાદ રાખજે બેટા !’ અને લોઉએ કેન્ટને વાર્તા કહેવી શરૂ કરી – પરીઓની વાર્તા જેવી. જેમાં એક છ વર્ષનો છોકરો જંગલના બધા જ પ્રાણીઓનો મિત્ર હોય છે. એ બધાંને એમના નામથી ઓળખતો હતો. અને એ એમની સાથે એમની ભાષામાં વાત કરી શકતો હતો. એ એ બધાંને સમજી શકતો હતો અને બધાં એને સમજી શકતાં હતાં. અને આ પ્રમાણે બનતું હતું એનું કારણ જાદુઈ શક્તિ હતી. પણ આ બધું ત્યાં સુધી જ બની શકે જ્યાં સુધી આપેલું વચન પાળે.

લોઉ આગળ વાર્તા કહે, જેમાં પેલો છોકરો વચન પાળતો નથી, એ ભાગ આવે તે પહેલાં જ દીકરો કેન્ટ ઊંઘી ગયો. એ થાકી ગયો હતો અને કદાચ આ વાર્તાની અસરને કારણે પણ લોઉને ઊંઘ આવવા માંડી અને એ પણ ઊંઘી ગયો. પેગે આવીને જગાડ્યો, ‘ચાલો, જમવાનું તૈયાર થઈ ગયું છે. બહુ મોડું થઈ ગયું છે અને આજે બપોરે મને જમવાનો સમય નથી મળ્યો એટલે બહુ ભૂખ લાગી છે.’ વચન એટલે વચન – આ વિચાર લોઉના મનમાં જમતી વખતે પણ ઘોળાયા કરતો હતો. અને એ સ્વાભાવિક પણ હતું. અને પરીઓની વાર્તાના મૂળ ઘણીવાર મનમાં ઊંડે સુધી ઊતરી જતા હોય છે. જમ્યા પછી ખુરશીને સહેજ ખસેડી ટેબલથી સહેજ દૂર, બેસી તે બોલ્યો, ‘તને ખબર છે ? કરાર એટલે કરાર અને વચન એટલે વચન.’

પેગે સ્મિત કર્યું. એ સમજી ગઈ હતી કે લોઉ પોતાની જોડે જ વાત કરી રહ્યો હતો. અને એ આગળ ચલાવશે એ પણ એને ખબર હતી. લોઉએ ચલાવ્યું પણ ખરું. ‘સારા માણસો હંમેશા પોતાનું આપેલું વચન પાળતા હોય છે. ખરી વાત કે નહીં ? માણસ હંમેશા બીજાને આપેલું વચન પાળે જ.’ પેગે ફરી સ્મિત વેર્યું પણ કંઈ બોલી નહીં. તે આગળ બોલ્યો : ‘પણ એમણે પોતાની જાતને આપેલા વચનનું શું ? અને નવા વર્ષે પોતે પોતાને માટે લીધેલા નિર્ણયોનું શું ? જે ફક્ત થોડા મહિનાઓ પૂર્વે જ લીધા હતા ? જરા વિચાર ! જો માનવી પોતે પોતાના માટે લીધેલા નિર્ણયો પ્રમાણે કામ કરે તો જીવનમાં કેટલો બધો આગળ નીકળી જાય !!! જે રીતે એ બીજાને આપેલા વચન આનંદથી વ્યવસ્થિત રીતે પાળે છે એવી જ રીતે પોતે પોતાને આપેલા વચન પાળે તો ?! અને શું પોતે પોતાને આપેલું વચન મહત્વનું નથી ? આ બીજાને આપેલ વચન કરતાં વધારે મહત્વનું ના કહેવાય ? શું એણે પોતાને આપેલા વચન પ્રમાણે પોતાનું વર્તન ન રાખવું જોઈએ ?’

‘મને એ વિચાર આવે છે કે સફળતાને વરેલા માનવીઓ અને સામાન્ય રગશિયા ગાડાની જેમ જીવતા માનવીઓમાં જે તફાવત છે તે આ જ છે. એ લોકોની નિષ્ફળતા એમણે પોતાને આપેલા વચન પ્રમાણે નહીં વર્તવાને કારણે જ આવતી હોય છે. આ આપણી પાસે રહેતી હેલને નવા વરસે નિર્ણય કર્યો હતો કે એને હાર્ટએટેક આવ્યા પછી કે ડૉક્ટરે જે કહ્યું છે અને જેટલું ખાવાનું કહ્યું છે એટલું જ ખાવાનું અને એણે એ નિયમ થોડા મહિના પાડ્યો. પછી ગમે તે ખાવા માંડ્યું અને ગમે એટલું ખાવા માંડ્યું. અને પછી મરી ગઈ…. અને આ જૉનું કુટુંબ દાનધર્માદા ઉપર જીવે છે. કારણ નવા વરસે જૉએ પોતે પોતાને વચન આપ્યું હતું કે એ હવે દારૂ નહીં પીએ. અને આજે એ ગટરમાં પડેલો, દારૂ પીધેલો મળે છે…… અને આ પેલો હોવાર્ડ સ્મિથ ! એને પ્રિન્સ્ટનની બહાર લાત મારીને કાઢી મૂક્યો ન હોત જો એણે પોતાની જાતને આપેલું વચન પાળ્યું હોત અને આપેલું ઘરકામ કર્યું હોત !’

પેગે ફરી સ્મિત કર્યું.
‘અને પેગ ! મેં પણ વચન આપ્યું હતું. અને મને હમણાં જ ખ્યાલ આવ્યો કે મેં પણ આપેલું વચન નથી પાળ્યું. મેં મને વચન આપ્યું હતું અને આ બહુ અગત્યની વાત છે.’
પેગ હસતી અટકી ગઈ. એને થયું કે લોઉ ખરેખર અત્યારે બહુ સિરિયસ થઈ ગયો છે. ખૂબ જ સિરિયસ ! અને ખૂબ જ ધ્યાનથી એ સાંભળવા લાગી.
‘પેગ ! ગયા નવા વરસે મેં મારી જાતને વચન આપ્યું હતું. મેં પ્રભુને વચન આપ્યું હતું કે દરેક નવા વરસે પ્રભુની મહેરબાની માટે હું એમનો આભાર માનીશ અને તારો અને કેન્ટનો પણ આભાર માનીશ. મેં તને સુખી કરવાનું વચન આપ્યું હતું. દરેક નાની નાની બાબતોમાં પણ, જેમાં હું કાળજી નહોતો રાખી શકતો.’ લોઉએ હવે પેગની આંખ સાથે આંખ મેળવી કહ્યું, ‘પેગ ! તું મારા ઉપર વિશ્વાસ રાખી શકે છે. હું સમયસર રાત્રે જમવા ટાણે હાજર થઈ જઈશ. અને તું જાણે છે કે હું બીજાને આપેલું વચન હંમેશા પાળું છું. અને હવે પછી હું મને આપેલું વચન પણ ચોક્કસ જ પાળીશ. જો કંઈ ઈમરજન્સી આવી જશે તો હું તને ફોન તો જરૂર કરીશ. અને ઘણો વહેલો ફોન કરીશ. એટલે તારે મારે માટે ચિંતા નહીં કરવી પડે. અને મને એ પણ ખબર છે કે તું મારે માટે આટલી બધી ચિંતા કરે છે કારણ કે તું મને ખૂબ ચાહે છે.’

પેગે ફરી સ્મિત વેર્યું. પણ હવે એણે સાંભળવાનું બંધ કર્યું. એ એની પાસે આવી. એના હાથમાં હાથ લઈને એણે કહ્યું, ‘લોઉ, મેં પણ નવા વરસે એક નિયમ લીધો છે કે તું ગમે તેટલો મોડો આવે તો પણ તારી જોડે ઝગડો ના કરવો. અને આજે મેં તારી જોડે ઝગડો નથી કર્યો. આ અઘરી વાત હતી છતાં આજે હું કરી શકી છું. અને મને લાગે છે કે આમ નિયમ પાળવાથી આપણે જે વચન આપણને આપ્યું હોય તે પાળવાથી આપણો આનંદ વધે જ છે. વિકાસ થાય છે.’

અને ત્યાર પછી આખી જિંદગી એ લોકો આનંદથી પસાર કરી ગયા. આ વાત વાંચ્યા પછી મને થયું કે આપણામાંથી કેટલા બધા માનવીઓ પોતાને આપેલું વચન નથી પાળતા ! એ જો પાળવા માંડે તો ! વાત એવી કંઈ અઘરી કે અશક્ય નથી. જો આપણે બીજાને આપેલું વચન પાળી શકતા હોઈએ તો આ તો આપણી પોતાની જોડેનો કરાર છે !!! અને એ આપણા વિકાસ માટે, આપણા આનંદ માટે જ છે. અને આપણે એને જ નથી પાળતા ! આ વાંચ્યા પછી આપણે બધા આપણને આપણે આપેલા વચન પ્રમાણે જીવવાનું નક્કી કરીએ તો !? અને આમ દર વરસે કંઈક ને કંઈક આપણે આપણને જ વચન આપીએ. નાનું તો નાનું, પણ એનાથી જીવનમાં મોટો ફેરફાર થઈ જાય એવું નથી લાગતું ? આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછવાનો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંબંધોમાં સ્નેહસિંચન – જયવતી કાજી
સર્વરને થઈ શરદી ! – તંત્રી Next »   

15 પ્રતિભાવો : પોતાની જાતને બદલવી છે ? – સુધીર દેસાઈ

 1. rutvi says:

  આ તો મારા મનની જ વાત રજૂ કરી .,
  ખરેખર , કેટલાક દિવસો થી કહોને ૧ – ૨ વર્ષથી ગડમથલ ચાલતીતી મારા મનમા ,
  હુ મારી પોતાની કેટલીક આદતો થી બહુ પરેશાન હતી , મને ખબર છે કે મારી નબળાઇ ક્યા છે અને તેનો ઉપાય પણ કયો છે, પણ હુ તેનો અમલ કરી નોતી કરી શકતી કારણ મારુ મન.

  ૨ વર્ષ પહેલા મે હોળી ના દિવસે સંકલ્પ કર્યો તો કે હુ મારા સિધાંતો પ્રમાણે વર્તીશ પણ તે ખાલી ૧-૨ અઠવાડી યા સુધી જ ચાલ્યો , ત્યાર પછી મારા જન્મદિવસે મે નિર્ણય કર્યો પણ પરિણામ શૂન્ય,
  આ વર્ષ અમેરિકામા adjust કરવા મા પણ થોડો સંઘર્ષ કરવો પડે , આજે સવારે જ મે નિર્ણય કર્યૉ હવેથી હુ મારા નિર્ણય ને વળગી રહીશ , આજનો દિવસ તો સારો રહ્યો ,
  હુ વિશ્વાસ રાખીશ કે હવે ક્યારે નહી ભુલુ મારા સિધાંત ને ગમે તેટલુ મારુ મન ચંચળ બને તો પણ્,

 2. JITENDRA J. TANNA says:

  ખુબ સરસ વાત. સવાર સુધરી ગઈ. આભાર.

 3. nayan panchal says:

  એ કેવી વિચિત્ર વાત છે કે બીજાને આપવા માટે આપણી પાસે ઘણી બધી સલાહો, બીજાને આપેલા વચનો પાળવા માટે જોઈતો સમય આપણને મળી રહે છે. પરંતુ પોતાને જો બદલાવુ હોય કે પોતાને આપેલા વચનો પાળવા હોય તો તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

  સુંદર પ્રસંગકથા. આભાર.

  નયન

 4. mohit says:

  રોનક ચહેરા પર ન જો લાવી શકો
  છલકો નહીં તો ક્યાંથી છલકાવી શકો ?
  સ્વીકાર પોતાનો જ પૂરો હોય ના
  તો અન્યને કેવુંક અપનાવી શકો ?
  -રાજેન્દ્ર શુક્લ
  if u really want to b happy b sincere with urself first. keep the commintment which u make 2 urself. do whatever it takes 2 make urself happy. unless u feel happy u can’t make any1 surrounding u feel happy anyway.have an interospection 4 the real desires in ur life fulfilling which make u really happy. if u can’t get this words, never mind. just go & watch “rock on”.it says it all.go 4 ur ultimate desire !b true 2 urself !

 5. Rajni Gohil says:

  પોતાની જાતને બદલવી છે? Want to change yourself? સુધીરભાઇ દેસાઇએ સુંદર વાત કરી. With very good example. Honesty is the best policy. This also implies to the honesty with ourselves, our “atma” and God. One man says “God, send $100 of which I will donate $25 to your temple.” Instead the man received $75. He said to God: “Thank you God for money, but you already kept donation money. Our policy should not be like this. We are not supposed to cheat ourself.

  Firm determination is key to keep promises.It is explained with nice example. In the beginning it may be inconvenient to stick to our promises, but in long run you are a winner. Always think that you will succeed in your endeavour. Satyavadi Raja Harishchandra and Bhishmah Pitamah are very good examples to follow. Mahatma Gandhiji also promised fought with nonviolence for our freedom. Remember, If we cannot do great things, we can always do small things in greater way.

  To keep our words, it is good idea to put it on paper and let other concerned people know that. Be honest with yourself. In case you can not keep words, have some light punishment like not watching TV for certain time or not eating favorite food for certain days.

  Have full trust in yourself and full trust in God. Adversities – that is God is taking our exam, are for our progress. God help those who help themselves.

  Mrugeshbhai, thanks for publishing this life changing story. This will be very helpful to many people.You did a great job.

 6. Chaitanya Bhatt says:

  Thank you Mrugeshbhai. I also got reminded of some basic promises I have done to myself, but somehow, have been missing to keep the same. Most of the time it is our indifference to ourselves that is responsible for this, which mostly implies that We don’t respect ourselves in the true sense of the word. Whatever we show as our respect for ourselves are more often than not our Ego about ourselves. We may take ourselves for granted but can’t talerate others doing the same.
  “Succesfull people don’t do different things, they do things differently”, and perhaps keeping the promises done to one’s ownself is one of those qualities they develop with self discipline and determination.

 7. Veena Dave says:

  very true

 8. kantibhai kallaiwalla says:

  If one is faithful and honest to oneself, then one can never cheat to anyone. And if one is dishonest and unfaithful to oneself then every chance is there that knowingly and/or unknowingly, one will cheat and/or will be cheated.Best shoert story

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.