- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

તબીબી પ્રેક્ટિસ – ધનસુખલાલ મહેતા

[ ધોરણ 10 ના પાઠયપુસ્તકમાંથી આ વ્યંગરચના સાભાર લેવામાં આવી છે. વાંચીને આપ પણ કહેશો કે આને કહેવાય માર્કેટિંગ !! ]

મારો એક લંગોટિયો મિત્ર મારી સાથે જ ડૉકટર થયો. ગામમાં હમણાં એ બહુ ધીકતી પ્રેકટિસ ધરાવે છે એટલે એ ગામનું ખરું નામ તેમજ એનું ખરું નામ આપી શકતો નથી. ગામને હું નવાપુરા કહું છું અને એ ડૉકટરનું નામ જીતુભાઈ. મારું નામ તો નાનાભાઈ છે જ. નવાપુરામાં જીતુભાઈ બહુ મોટી આશાએ ગયેલો અને ડૉકટર તરીકે એના વિદ્યાર્થીજીવનમાં એ ઘણો ચંચળ, બાહોશ અને ખંતીલો એથી એનું ભવિષ્ય અમે ઊજળું જ ભાખેલું – અપટુડેટ ડિસ્પેન્સરી બનાવવામાં એણે ખરચો પણ સારો કર્યો. જીતુભાઈ અને એની તરતની પરણેલી પત્ની નવાપુરા ગયાં અને હું મુંબઈમાં જ એક મોટી ઈસ્પિતાલમાં આસિસ્ટન્ટ તરીકે, વધારે અનુભવ લેવા અને બને તો, એમ.ડી.નું કરવા રહી ગયેલો. પત્રવ્યવહાર ચલાવવામાં બંન્ને પક્ષ આળસુ એટલે ખાસ પત્રોની આપ-લે થતી નહિ.

અચાનક જીતુભાઈનો પત્ર આવ્યો. નવાપુરામાં ત્રણેક દાકતરોએ બરાબર અડ્ડો જમાવેલો, એમાં જીતુભાઈનું ગાડું જરા પણ ગબડ્યું નહોતું. આમ ને આમ ક્યાં સુધી ગાંઠનો ખીચડો ખાઈને પ્રેક્ટિસ ચાલુ રાખવી એ મહા ગંભીર પ્રશ્નની ચર્ચા કરવા અએ ધણી-ધણિયાણીએ મને એકાદ બે દિવસ ત્યાં બોલાવ્યો હતો. તે સમય મને રજા મળવામાં એવી અગવડ જેવું હતું નહિ, એથી હું તરત જ નવાપુરા પહોંચી ગયો. જીતુભાઈ પાસે પિતાના પૈસા સારા હતા એટલે ભીખ માગવા જેવી પરિસ્થિતિ હતી જ નહિ, પણ આમ ને આમ વગર પ્રેક્ટિસે ત્યાં બેસી રહેવામાં માણસ કટાઈ જાય અને સ્વમાન જેવું કશું રહે જ નહિ એટલે જ આ વિષયે ગંભીર સ્વરૂપ લીધું હતું.

અમે ત્રણ જણા રાતના જમીને ચર્ચા કરવા બેઠાં. ગરીબ દર્દીઓને મફત દવા આપવાનો નુસખો એણે અજમાવી જોયો હતો પણ તેમાં નિષ્ફળતા જ વરી હતી. ગરીબો પણ જીતુભાઈને બારણે ચઢતાં ન હતાં. ચર્ચા હાસ્ય અને કરુણા વચ્ચે ઝોલાં ખાતી આવતી હતી. ‘ભાઈ, રસ્તામાં તેલ-ચીકણું તલ રાતે રેડ જેથી કોઈ લપસીને ટાંટિયો ભાંગે તો તેમાંથી રોજી પણ નીકળે અને તું એને સારો કરી આપે એવી કીર્તિ પણ મળે !’ મેં કહ્યું.
‘મારી ખાતરી છે કે એમ કરું તો પણ પેલો પોતાનો ટાંટિયો સમો કરાવવા પેલા ત્રણ દાકતરોમાંથી એકની કને જ જાય. ચીકણા તેલના પૈસા મારા તો છૂટી જ પડે.’ જીતુભાઈએ હસતાં-હસતાં જવાબ વાળ્યો.

બીજા ઘણા પ્રશ્નો ચર્ચાયા. જાહેર ભાષણો – વૈદ્યકીય વિષય સંબંધે કરવાનું મેં સૂચવ્યું. જવાબમાં મેં સાંભળ્યું કે અત્યાર સુધીમાં જીતુભાઈએ ત્રણ ડઝન ભાષણો કર્યા હતાં. છેવટેનાં ભાષણોમાં ત્રણચાર શ્રોતાઓની હાજરી રહી. રમતગમતની કલબમાં પણ જીતુભાઈએ આગળ પડતો ભાગ લીધેલો અને નાની-નાની ક્રિકેટ મૅચોમાં પોતે રમીને બૅટિંગ અને બોલિંગમાં સારી રમત બતાવી હતી. પણ એમની આ ક્ષેત્રમાં મેળવેલ કીર્તિ એમને દાકતરી ક્ષેત્રની કમાણી અપાવી શકી નહિ.

આખરે વાતો કરતાં-કરતાં અમે એક યોજના ઘડી કાઢી. મારા જુવાનીના જીવનમાં મેં કાંઈકાંઈ વ્યવહારુ મશ્કરીઓ કરેલી અને કાંઈકાંઈ ધિંગાણાં કરેલાં, એટલે મારી પ્રકૃતિને માફક આવે તેવો માર્ગ મેં સૂચવ્યો, અને જીતુભાઈએ કમને તે સ્વીકાર્યો. મેં મુંબઈ લખીને થોડીક રજા વધારે મંગાવી. મારો પોશાક મેં બદલી નાખ્યો અને એક નાની હોટલમાં હું રહેવા ચાલ્યો ગયો; જીતુભાઈને હું ઓળખતો જ ન હતો એવો મેં દેખાવ કર્યો.

ગામને પાદર નદી અને નદી આગળ એક નાનો બાગ. બાગની પાળી ઉપર હું બેઠોબેઠો નદીનાં ઊંડા પાણી જોઈ રહ્યો હતો. આસપાસ સારા પ્રમાણમાં માણસો ફરતાં હતાં. અચાનક મને ચક્કર આવ્યાં અને હું ધબાક કરતો પાણીમાં પડ્યો. પાછળ સુભાગ્યે એક માણસ પણ પાણીમાં પડ્યો. તરવામાં હું ઉસ્તાદ હતો, એટલે પેલા ભલા માણસને હું સારી રીતે થકવી શક્યો, પણ પછી બેભાનાવસ્થામાં હું એને શરણે થયો.

માણસ મને કિનારે લાવ્યો. માણસોની ઠઠ જામી ગઈ. પોણી મીંચાયેલી આંખથી હું જીતુભાઈને જોવા પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં માણસોને આમથી તેમ ખસેડતો એ આવી પહોંચ્યો. ‘હું દાકતર છું, આધા ખસો, મને મારું કામ કરવા દ્યો.’ વગેરે વાક્યો બોલતાં તેણે મારો કબજો લીધો એટલે મને નિરાંત થઈ. હું હાલતો પણ અટકી ગયો.

‘મારું નામ ડૉકટર જીતુભાઈ. તમે બધા ગભરાઓ નહિ. હું મારાથી બનતા બધાજ પ્રયાસો એને બચાવવા કરીશ. હું માગું તેટલી મદદ તમે મને કર્યા કરજો. જીતુભાઈએ ઘાંટો પાડી કામ આગળ ચલાવ્યું. ‘દર્દીની સ્થિતિ ગંભીર લાગે છે, પણ કશી હરકત નહિ. પાંચ વર્ષ પર આમ બન્યું હોય તો કશું થઈ શકત નહિ, પણ અત્યારે તો મહાન શોધો થઈ રહી છે એટલે તમે કોઈ ગભરાશો નહિ.’ આવાં આવાં વાક્યો હું લાકડાના કકડા પેઠે પડ્યોપડ્યો સાંભળતો હતો.

‘હં, નાડ ધીમી પડવા માંડી છે. સારી થઈ શકે તેવા ઉપચાર મેં કર્યા છે. ઝટ એને કોઈ સાર ઘરમાં ખસેડીએ. ત્યાં હું વધારે ઉપચાર કરું.’ ડૉકટરના શબ્દો પરથી મને ઊંચકીને ગામના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થના ઘરમાં લઈ જવામાં આવ્યો. ગૃહસ્થે જીતુભાઈએ જેજે કહ્યું તેતે બધું હાજર કર્યું.

એ ઓરડામાં અને કમ્પાઉન્ડમાં માણસોની મેદની જામી હતી. જીતુભાઈએ પોતાનો ડગલો ઉતારી નાખ્યો હતો. ખમીસની બાંય ઊંચી ચઢાવી દીધી હતી. સ્ટેથોસ્કોપના ગોદાઓ અવારનવાર લાગતા હતા, તેમજ મારી નાડી તપાસવામાં જીતુભાઈએ મારા બંન્ને હાથ ખૂબ મસળ્યા હતા. થોડીથોડી વારે જીતુભાઈ મોટેથી દર્દીની સ્થિતિ વિશે બોલતા જતા હતા અને તે બધું બહાર કમ્પાઉન્ડમાં પણ તરત ‘રીલે’ થઈ જતું હતું. વચમાં કોઈએ સૂચના કરી હતી કે, બીજા દાકતરોને બોલાવીએ, પણ કડક ચહેરો કરીને જીતુભાઈએ જવાબ વાળી દીધો હતો કે : ‘આવા કેસમાં દાકતર તો એક જ અનુભવી હોય તો બસ છે. બીજા તો સામાન્ય કામ કરવાવાળાની હાજરીની જરૂર હોય છે.’ પેલા શેઠ અને તેમના બહોળા કુટુંબે આ કામ કરવાવાળાની જગ્યા બહુ આનંદથી લઈ લીધી હતી, એથી બીજા દાકતરોને બોલાવવાની યોજનાને કોઈએ ટેકો આપ્યો નહિ.

‘દર્દીની નાડ ચાલતી બંધ થઈ ગઈ છે. શ્વાસ પણ નથી. પણ ફિકર નહિ. અર્વાચીન શોધોથી મને હજી પૂરી ખાતરી છે કે માણસ બચી જશે. જલ્દી ટુવાલ લાવો. એને હિમબાથની જરૂર છે. મોટું ટબ લાવો.’ જીતુભાઈનો અવાજ સંભળાયો.
‘થોડીક જિંજર મારી પાસે છે, લાવું ?’ શેઠિયાએ કહ્યું. જવાબમાં હા થઈ. છાતી વાંસા ઉપર જિંજર ચોળવામાં આવી અને થોડીક મારા મોં આગળ ધરવામાં આવી. ભૂલમાં હું તે પી ગયો. પણ જીતુભાઈ પણ હોંશિયાર આદમી, તે તરત બોલી ઊઠ્યા, ‘જોયું ! આ રીફલેકસ એકશન થયું તે ! ગ્લોસો ફેરીન જીસસ ટ્રેક્ટ આગળ જો તમે જિંજર ધરો તો કોઈ પણ શબ પી જાય ! પણ હવે બધા આઘા ખસો. મારે માર્શલ હોલની રેસુસીટેશન રીતનો અખતરો અજમાવી જોવો છે.’ આમ બોલીને માણસોને થોડાં આઘાં કાઢ્યાં અને મને બહુ ધીમેથી કહ્યું, ‘ગધેડા, બધી બાજી ધૂળમાં મેળવી દેત ! જિંજર પીવા ક્યાં બેઠો ?’

મારું આખું શરીર કોઈ મલ્લ મસળે તેમ તેણે મસળવા માંડ્યું. તે ઓરડામાં તેમજ બહાર માર્શલ હોલની રીતની વાત પ્રસરી ગઈ. ‘કશી અસર થતી નથી, પણ ફિકર નહિ. મૃત્યુના દેવને આજે તો હું પાછો વાળું ત્યારે જ ખરો. સિલ્વેસ્ટરની રીત અજમાવી જોઉં.’ આટલું કહીને જીતુભાઈએ મને વધારે મસળ્યો.
લોકોનાં ઉશ્કેરણી, ઘોંઘાટ વગેરેની વચ્ચે મેં ધીમેથી જણાવ્યું, ‘મારે ખરેખર મરવું નથી. હવે તું આ નાટક બંધ નહિ કરે તો હું ઊઠીને ઊભો થઈ જઈશ.’

જવાબમાં, ‘ગાંડા, હવે જરા માટે સરસ પ્રસંગ બગાડતો નહિ.’

બે-ત્રણ છાપાંના રિપોર્ટરો આવી પહોંચ્યા. જીતુભાઈએ તેમને વધારે ને વધારે અઘરા વૈદકીય શબ્દોમાં સમજણ પાડી : ‘અરેરે ! હું હાર્યો હોઉં એમ લાગે છે. આ માણસ મને અપજશ અપાવવા – આપવા બેઠો છે, પણ સબૂર ! કોઈ વાર દેશી વૈદોથી પણ ચમત્કાર થાય છે. કોઈની પાસે પેલી નાની શૉક-બૅટરી છે કે ? લાવો જલ્દી લાવો.’ અલ્પ સમયમાં ત્રણેક બૅટરી હાજર થઈ ગઈ. મને તાર લગાડયા. કમબખ્ત જીતુભાઈએ નાટક બહુ વાસ્તવિકતાથી કર્યું અને પરિણામે મને સખ્ત આંચકો લાગ્યો. હું ધડાક દઈને બેઠો થઈ ગયો. અલબત્ત, હું પાછો જાણીજોઈને ગબડી પડ્યો, પણ જીતુભાઈએ પણ જાણ્યું કે હવે નાટક લંબાવવામાં જોખમ છે એટલે એણે હર્ષનાદ કર્યો. બધાં માણસોએ તે ઝીલી લીધો. સતી સાવિત્રીએ પોતાના પતિને યમરાજ પાસેથી પાછો લીધેલો એ જ પ્રમાણે ડૉ. જીતુભાઈએ આ માણસને મરેલો ત્યાંથી બેઠો કર્યો, એવા પોકાર થઈ ગયા.

હજી ખૂબ ધમાલ ચાલી રહી હતી ત્યાં જીતુભાઈએ મને પોતાને ઘેર ઊંચકી પહોંચાડ્યો, અને ત્યાં પહોંચ્યો કે તરત મને મારી રૂમમાં સુવડાવી બારણું બંધ કરાવી દીધું અને બીજા પા કલાકમાં તો આખા દવાખાનામાંથી લોકોને પાછા ઘરે તેણે મોકલી દીધા.

‘દાકતરોની ફરજ છે કે કોઈ પણ સમયે મોતના દૂત પાસે પોતાની હાર કબૂલવી નહિ. બાકી તો મેં આ માણસને બચાવવા શાં શાં પગલાં ભર્યાં તેની મને પણ હવે સમજણ પડતી નથી.’ આ યાદગાર શબ્દોમાં જીતુભાઈએ મારું પ્રકરણ સંકેલી લીધું. બીજે જ દિવસે મને જીતુભાઈએ સામે આવીને મુંબઈ પહોંચાડી દીધો. મેં વચમાં એકાદ બે પત્રો લખ્યા, પણ એ ધણી-ધણિયારીએ આળસમાં જવાબ નહિ આપ્યો. આખરે ચારેક મહિને જીતુભાઈનો પત્ર આવ્યો :

‘નવાપુરામાં મેં એક માણસને મોતના જડબામાં ગયો હતો ત્યાંથી બચાવ્યો તે પછી મારી પ્રૅક્ટિસ કેવી ચાલી તે વિશે જાણવાની તને ઉત્કંઠા થઈ જ હશે અને થાય જ તે સ્વાભાવિક છે. પેલા બિચારા ત્રણે દાકતરોની ત્રણ ત્રણ વિકેટ આબાદ ઊડી ગઈ છે. જ્યાંત્યાં ડૉ. જીતુભાઈની બોલબાલા છે. તું ગયો પછી એક જ અઠવાડિયામાં ત્રણ છોકરાંના તાવ, ઉધરસ, બે છોકરાંના હાથ-પગને પાટાપિંડી, આઠ કેસ ઝાડાના, પંદર કેસ સામાન્ય નબળાઈના, નવ સ્ત્રીઓની સહજ માંદગીના, બે કૅન્સરના અને પાંચ ટાઈફૉઈડના કેસો મળી ગયા. પછી દિવસે – દિવસે વધારો જ થતો ગયો છે. નવાપુરામાં આટલા બધાં માંદા પડતાં હશે એનો ખ્યાલ મને હમણાં-હમણાં જ આવ્યો છે. બે કમ્પાઉન્ડરો અને એક નર્સને મેં રોકી લીધાં છે; પણ તેમના કામને પહોંચી વળાતું નથી. છેલ્લાં – છેલ્લાં અહીં એક બહુ જ પૈસાદાર શેઠિયાના નાના છોકરાએ નાકમાં લખોટી ખોસી દીધેલી તે મેં અરધી મિનિટમાં કાઢી ત્યારથી તો હું ધન્વન્તરિનો અવતાર જ મનાઉં છું.

જે ધરમાં તેં મરવાનું નાટક કરેલું તે ધરના ધનવાન માણસોમાં તો હું જીતુમામા કહેવાઉં છું, અને થોડાક વખતમાં નવાપુરામાં હું મામો નિમાઉં તો મને નવાઈ નહિ લાગે.

આના બદલામાં હું તો તારે માટે શું કરી શકું ? હા, પ્રેક્ટિસ કરવી હોય તો એકાદ નવાપુરા શોધજે. હું ત્યાં આવીને પાણીમાં પડીશ, પણ એકની એક યુક્તિ બીજીવાર અજમાવવામાં જોખમ છે.

અરે હા ! મારે સરસ કાર લેવી છે, જરા જોઈ મૂકજે. હું અને તારા ભાભી થોડા દિવસમાં તારે ત્યાં આવી પહોંચશું અને કાર લઈ જઈશું. ધન્યવાદ.’