મકાનનાં ભૂત – ચંદ્રકાન્ત બક્ષી

[પ્રાપ્ત માહિતી અને વિગતો અનુસાર આ વાર્તા સ્વ.શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબની પ્રથમ વાર્તા કહેવાય છે. રીડગુજરાતીને આ વાર્તા ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી સુરેશભાઈ જાનીનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે મોટા ભાઇ ઉચ્ચ સ્વરે કાંઇક કહી રહ્યા હતા ને સૌ પથારી પર આડા પડ્યા પડ્યા ‘મિયાંની મીંદડી’ થઇને સ્તબ્ધતાથી સાંભળી રહ્યા હતા.

‘પરોઢીયે પાંચ વાગ્યે મેં એ મકાન જોયું છે. બપોરે, સાંજે ને રાત્રે 11 વાગે પણ મેં એ જ મકાન જોયું છે. છેલ્લા છ-એક માસથી હું બરાબર નિરીક્ષણ કરતો આવ્યો છું. આટલા દિવસોમાં મેં હજુ એ મકાનમાં એક પણ કપડું સુકાતું જોયું નથી. રાત્રે એક પણ સળગતી બત્તી જોઇ નથી. આવા સરસ વિસ્તારમાં ને આ જમાનામાં આવું સરસ મકાન આમ ખાલી પડ્યું રહે એ જ આશ્ચર્યકારક છે.’

મેં વચમાં જ પૂછ્યું, ‘ કયા મકાનની વાત કરો છો ?’ ‘મિશનરો ને સેન્ટ્રલ એવેન્યુના ક્રોસિંગ આગળ જ મોટું મકાન નથી? સામે પેટ્રોલનો પમ્પ છે, ને ડાબે હાથે ફોર્ડ કંપનીની ઓફિસ.’ મેં પૂછ્યું, ‘પેલું પાંચ માળનું છે એ મકાન ? કદાચ એને તો હજી રંગ પણ કરાવ્યો નથી.’ મોટાભાઇએ ઉત્તર આપ્યો, ‘હા, એ જ’

અવિનાશે પાસે ખસતાં મને બધી વાત સમજાવવા માંડી. એ જરા રહસ્યમય મકાન છે. કલકત્તાભરમાં મેં આવું વિચિત્ર મકાન જોયું નથી. મોટાભાઇ કહે છે કે એમાં કોઇ રહેતું નથી. લોકવાયકા પ્રમાણે યુદ્ધ પૂર્વે ત્યાં નીચે બુટની દુકાન હતી, અને તને યાદ હોય તો હજુ પણ એ દુકાનનું પાટીયું ત્યાં લટકે છે. એક રાત્રે કામ વધી જતાં એ દુકાનના ત્રણ માણસો રાત ત્યાં જ રોકાયા હતા. સવારે ત્રણેના મુડદાં મળી આવ્યાં. લોકો કહે છે કે યુદ્ધ દરમિયાન ગવર્મેન્ટે દસેક સૈનીક પણ એક વખત ત્યાં રાખ્યા હતા. બીજી સવારે દશેનાં શબ મળી આવ્યાં, ત્યારથી ત્યાં કોઇ રાત રહેતું નથી. નથી ત્યાં અવાજ સંભળાતા કે નથી કોઇ ભૂત દેખાતાં. પણ મકાનની બારીઓ હંમેશાં ખુલ્લી હોય છે. હજુ ધોળાવેલું પણ નથી. અંદર મેં હજુ સુધી એક પણ માણસ જોયો નથી. દરવાજા બહાર એક બિહારી દરવાન ખાટલા પર પડ્યો રહે છે. કહે છે કે સાંજ થતાં તો એ ય ચાલ્યો જાય છે. મુખ્ય દ્વારને તાળું મારેલું છે ને કોઇને અંદર જવા દેતા નથી.’

હું નિઃશબ્દ થઇને સાંભળી રહ્યો ને નાની વિશાખા તો જાણે તેની પાછળ જ ભૂત આવીને બેસી ગયું હોય તેમ એકદમ મોટાભાઇની સોડમાં આવીને બેસી ગઇ ! શાંતિ તોડતાં મેં કહ્યું, ‘તારી વાત તો બરાબર છે. મેં પણ કોઇ દિવસ એમાં સળગતી બત્તી જોઇ નથી. દરવાજાને હંમેશાં તાળું મારેલું હોય છે એ ય સાચી વાત. મુંબઇ કે મદ્રાસમાં પણ રાજમાર્ગ પર આવું ભેદી મકાન મેં કદી જોયું નથી.’

રજાઇમાંથી મોઢું બહાર કાઢતાં સુરેશે કહ્યું, ‘યાર, તપાસ તો કરવી જોઇએ. એવા મકાનનો અનુભવ પણ કરવા જેવો હોય છે.’ અવિનાશ બોલ્યો, ‘રજાઇમાંથી જ, કેમ?’ ને સૌ હસી પડ્યા.’
આજના મકાન માલિકો એવા મુર્ખ નથી કે આવું સરસ મકાન તદ્દન ખાલી રહેવા દે. વિસ્તાર પણ સરસ છે. એવા બ્લોકોની આજે પાઘડી પણ સારી આવે. કૈંક હોવું જોઇએ. કારણ વગર આટલું મોટું મકાન સાવ નિર્જન ન રહે.’ મોટાભાઇએ કહ્યું.
મેં પૂર્તિ કરી, ‘હા, નહીંતો સરકાર નિરાશ્રીતોને કેમ ન રાખે? અત્યારે તો સરકાર ફાજલ મકાનો પણ લઇ લે છે. મને તો એ મકાનમાં જ કંઇ વિચિત્રતા જણાય છે.’
મોટાભાઇએ કહ્યું ‘ આ ભેદી મકાન છે તે હું ઘણા વખતથી જાણું છું. ગઇ કાલે એક શીખ ટેક્ષીવાળાએ મને કહ્યું કે, એ મકાન કોઇ અશુભ ઘડીએ શરૂ થયું છે, કે હવે તેમાં કોઇ માણસ રાતભર જીવતો રહી શકતો નથી. અંદરના ઓરડા પણ વર્ષોથી સાફ થયા વગરના પડ્યા છે. ભીંતો, બારીઓ પર સર્વત્ર ધૂળના થર જામી ગયા છે.ચામાચીડિયાં ધોળે દિવસે ત્યાં ઊડે છે.’

ભીંત પરના ઘડિયાળમાં ટકોરો પડ્યો.. સાડા અગિયાર થયા હતા. બહાર સુસવાટા મારતો ઠંડો પવન ફુંકાતો હતો. અને છેલ્લી ટ્રામ પણ ક્યારની ડીપો તરફ ચાલી ગઇ હતી. બત્તી બંધ કરીને મોટાભાઇના આદેશથી સૌએ સૂવાની તૈયારી કરી. મારા મગજમાં હજુ એ મકાન ઘોળાયા કરતું હતું. મને વિચાર થતો હતો કે, આવું ભેદી મકાન કલકત્તામાં હોય અને કોઇ જવાંમર્દ ત્યાં રાત રહેવાની હિંમત ન કરે તેમ બને નહીં. પણ તરત જ બીજો વિચાર આવ્યો. સૈનિકો પણ જો જીવતા બહાર ન નીકળી શક્યા હોય તો સામાન્ય માણસનું શું ગજું ? વળી સૈનિકો પણ એક – બે ન હતા ; દસ સુસજ્જ સૈનિકો ! દરવાન પણ અંદર સૂતો ન હતો. દરવાજાની બહાર ખાટલા પર સૂતો હતો. કારણ વિના એ બહાર શા માટે સૂએ? અને આવા સરસ સ્થળે બંધાયેલા મકાનમાં લોકો ન રહે તે પણ શક્ય નથી. કંઇક અદભુત તત્વ જરૂર હશે, જે આ ભેદી મકાનની ભયંકરતા પાછળ ભાગ ભજવી રહ્યું છે. વિચારાધીન અવસ્થામાંથી નિદ્રાધીન ક્યારે થયો એ ખબર પડી નહીં. પણ અરધી રાત્રે જ્યારે ઘડિયાળમાં બેના ડંકા પડતા હતા ત્યારે હું સહસા પથારીમાં બેઠો થઇ ગયો અને મેં જોયું કે મારા કપાળ પર પ્રસ્વેદના બુંદ બાઝી ગયાં હતાં.

મારું સ્વપ્ન મને યાદ આવવા માંડ્યું….. આ અસામાન્ય ચમત્કારનો ઉકેલ શોધવા મેં ત્યાં રહેવું શરુ કર્યું. પહેલી રાત હતી અને મારી બારી રસ્તા પર પડતી હતી. પથારીમાં લગભગ જાગતો જ પડ્યો હતો. પાસે ટોર્ચ અને ભરેલી પિસ્તોલ રાખી હતી. અને બારી તરફ મારી નજર હતી. મેં જોયું કે સાંજે દૂધ પીધા પછી ટેબલ પર મૂકેલો કાચનો ગ્લાસ એકએક નીચે પડ્યો અને ફૂટી ગયો. પાછળથી બેચાર ચામાચીડિયાં આવ્યાં અને બારીની બહાર ઝડપથી ઊડી ગયાં. ત્યાં બારીમાં હાડપિંજર જેવી આકૃતિ જણાઈ. મેં ટોર્ચનો પ્રકાશ બારી તરફ ફેંક્યો. મારી પિસ્તોલ છૂટી શકી જ નહીં.- હાથમાં સ્થિર થઇ ગઇ ! આગળથી, પાછળથી, ચારે દિશાઓમાંથી ભયંકર અટ્ટહાસ્ય સંભળાવા માંડ્યા. હું રજાઇ ફેંકીને ઊભો થયો. ત્યાં તો હાડપિંજર બારીમાંથી અંદર પ્રવેશ્યું અને અસહ્ય ગભરાટને કારણે મારી આંખ ઊઘડી ગઇ. હૃદય ખૂબ વેગથી ધબકતું હતું. સ્વપ્નની અસર દૂર કરવા મેં બત્તી ખોલી અને બે ગ્લાસ ઠંડું પાણી પીધું. ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યમ ના મહામંત્રનું રટણ કરતો કરતો રજાઇ ઓઢીને હું ફરી સુઇ ગયો.

સવારે હું ઘણો મોડો ઊઠ્યો. તરત જ મને રાત્રે આવેલું દુઃસ્વપ્ન યાદ આવ્યું. મેં નિશ્ચય કર્યો કે એ મકાન વિષે તપાસ તો કરવી જ. ભોજનાદિ પતાવીને હું બપોરે ઊપડ્યો. પંદરેક મિનીટમાં મકાનની નિકટ આવી પહોંચ્યો. સામેની હોટલમાં પ્રવેશીને લસ્સીનો ઓર્ડર આપ્યો. અને અનેક વખત જોયેલા મકાનનું હું ધ્યાનથી નિરીક્ષણ કરવા માંડ્યો. મોટભાઇની અને અવિનાશની વાત સાચી લાગતી હતી. એક દરવાન ખાટલા પર બહાર બેઠો હતો. મુખ્ય દ્વાર પર મોટું તાળું લટકતું હતું. ઊપર મોટા ભાગની બારીઓ ખુલ્લી હતી, જ્યારે અમૂક બંધ હતી. મકાન વિશાળ હતું પણ રંગ હજુ થયો ન હતો. મેં ધાર્યું કે છેલ્લો હાથ લગાવવાનો હશે અને કંઇક અશુભ પ્રસંગ બન્યો હશે એટલે રંગનું કામ અટકી પડ્યું હશે.
હોટલવાળાને પૈસા ચૂકવી હું દરવાન પાસે આવી પહોંચ્યો અને પૂછ્યું, ‘યહાં કિરાયે પર કમરા મિલેગા?’
વિશાળ પેટ પ્રસારીને બેઠેલા ભૈયાજીએ પ્રયત્નપૂર્વક મારી સામે જોયું ને ‘નાંહી’ કહીને ફરી ડાબી હથેળીમાંની તમાકુમાં ચૂનો નાંખીને જમણા હાથના અંગુઠાથી ઘસવા માંડ્યો.
‘ક્યોં ?’ મેં પૂછ્યું.

મારા પ્રશ્નના ઉત્તરમાં ભૈયાજીએ જે ઇતિહાસ સંભળાવ્યો તેનો સારાંશ આ પ્રમાણે છે-
આ મકાન એક મારવાડી શેઠનું હતું. તેમણે પોતાની હયાતીમાં એ શરૂ કરાવ્યું હતું. પણ જ્યારે રંગ લગાવવાનો સમય આવ્યો ત્યારે ત્યારે શેઠજી એકાએક મરી ગયા. શેઠનો મોટો પુત્ર વ્યભિચારી હતો અને એક વેશ્યામાં ફસાયેલો હતો. નાનામાં બુદ્ધિનું પ્રમાણ જરા ઓછું હતું. મકાન જે સ્થિતિમાં હતું તે જ સ્થિતિમાં અટકી ગયું અને સંપત્તિ વિભાજિત થઇ ગઇ. આ મકાન પર તકરાર ચાલી. મોટો પુત્ર એને પેલી વેશ્યાને નામે કરવા માંગતો હતો. નાનો આવા સરસ મકાનને છોડવા ઇચ્છતો ન હતો. બન્ને પાસે પુષ્કળ સંપત્તિ અને સાધનો હતા. પ્રશ્ન કોર્ટે ચડ્યો. પાંચેક વર્ષથી કેસ ચાલે છે. નિર્ણય હજુ આવ્યો નથી અને નિકટના ભવિષ્યમાં આવશે પણ નહીં. કારણકે બન્ને પક્ષોએ રુશ્વતો આપીઆપીને કેસ અત્યંત જટિલ બનાવી દીધો છે. જ્યાં સુધી મકાનની માલિકી ન્યાયાલય દ્વારા સ્વીકૃત થાય નહીં, ત્યાં સુધી ભાડુઆતો પણ રાખી શકાય નહીં. વૃદ્ધ શેઠજીએ તૈયાર થઇ ગયેલી એક દુકાન બૂટવાળાને ભાડે આપી હતી. પણ કેસ કોર્ટમાં જતાં તેણે પણ એ દુકાન ખાલી કરી નાંખી. આજે તો તેની સ્મૃતિમાં તેનું બળેલું, ધૂળના થરમાં ઢંકાઇ ગયેલું પતરાનું પાટીયું જ રહ્યું છે. કાયદાની રૂએ સરકાર આ મકાન જપ્ત કરી શકતી નથી. ભૂતોના ઉપદ્રવ વિષેની બધી વાતો બિનપાયાદાર હતી.

ભૈયાજીને નમસ્કાર કરીને જ્યારે હું પાછો વળ્યો ત્યારે મને બે કારણો પર હસવું આવતું હતું.- એક તો ગઇ રાતના ‘ભયંકર’ સ્વપ્ન પર અને બીજું આ બે ભાઇઓની મુર્ખાઇ પર. ઘેર પહોંચતાં જ મેં બહાદૂરીથી અને ઉત્સાહથી મોટાભાઇને કહ્યું, ‘પેલા મકાનનો બધો જ ભેદ ઉકેલી લાવ્યો છું.’
‘હા, હું પણ આજે ખરી વાત જાણી લાવ્યો છું એ મકાન તો બે ભાઇઓના ઝઘડાને કારણે નિર્જન પડ્યું છે ને ભૂત- બૂતની વાતો સાવ ખોટી છે.’ પુસ્તકમાંથી માથું ઊંચું કર્યા વગર જ સ્વસ્થતાથી તેમણે જવાબ આપ્યો.

….. અને હું યંત્રવત્ ઊભો જ રહી ગયો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તબીબી પ્રેક્ટિસ – ધનસુખલાલ મહેતા
પોસ્ટઑફિસ – ધૂમકેતુ Next »   

11 પ્રતિભાવો : મકાનનાં ભૂત – ચંદ્રકાન્ત બક્ષી

 1. Sejal says:

  Really very nice.
  I like to read horrer story. but in that end is always like that. why is it so? i always wonder. All sayas that there is BHOOT on this earth and i want to experiance it. But cant.

 2. અમિત પિસાવાડિયા says:

  ખરેખર , થ્રીલર કહી શકાય તેવી વાર્તા છે , મજા આવી અને અંત મા તો વધુ મજા આવી ,,,,

 3. ભાઇઓ, ભૂત જેવું કાંઇ હોતું નથી. એ બધા આપણા મનના ખેલ જ હોય છે. સીઝોફેન્યા જેવા માનસિક રોગોના દર્દીઓને સગી આંખે અવનવા કાલ્પનીક દ્રશ્યો દેખાતા હોય છે. મનના ભૂતોનો નકાબપોશ કરતી આ વાર્તા બક્ષી સાહેબે તેમની યુવાન વયમાં લખી હતી.

 4. […] # પ્રથમ વાર્તા   કુમાર – 1951     :  એક રચના […]

 5. નિરજ says:

  વાહ વાહ!!

 6. nayan panchal says:

  અરે વાહ! એકદમ રસપ્રદ. આવુ કોઇક મકાન તો સુરતમાં પણ છે એવુ સાંભળ્યુ છે.

  નયન

 7. Dharmin says:

  ખરેખર , થ્રીલર કહી શકાય તેવી વાર્તા છે , મજા આવી અને અંત મા તો વધુ મજા આવી એકદમ રસપ્રદ. આવુ કોઇક મકાન તો સુરતમાં પણ છે એવુ સાંભળ્યુ છે.ભૂત જેવું કાંઇ હોતું નથી. એ બધા આપણા મનના ખેલ જ હોય છે. સીઝોફેન્યા જેવા માનસિક રોગોના દર્દીઓને સગી આંખે અવનવા કાલ્પનીક દ્રશ્યો દેખાતા હોય છે. મનના ભૂતોનો નકાબપોશ કરતી આ વાર્તા બક્ષી સાહેબે તેમની યુવાન વયમાં લખી હતી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.