- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અનુકરણીય – હરિત પંડ્યા

[સત્યઘટના, ‘અખંડ આનંદ’માંથી સાભાર.]

અમારા કેર્સીભાઈ બહુ ઉતાવળિયા. એમના રઘવાટનો પાર નહીં. ઘેરથી કામે જતાં ત્રણેક વખત તો ઝાંપેથી પાછા આવે. ક્યાં તો રૂમાલ ભૂલી ગયા હોય કે ક્યાં તો પાકીટ નહીં તો પછી સ્કૂટરની ચાવી લેવાનું ભુલાઈ ગયું હોય. રસ્તામાં ખિસ્સામાંથી રૂમાલ કાઢતાં બૅન્કની પાસબુક કે અગત્યનો એકાદ કાગળ પણ માર્ગમાં પધરાવી દે.

એક દિવસ કેર્સીભાઈ રાત્રે નવેક વાગે ઘેર આવ્યા. ઘેર આવીને એમણે રાબેતા મુજબ એમના ટેબલ પર બધાં ખિસ્સાં ખાલી કરવા માંડ્યાં, અચાનક એ ચોંક્યાં. આજે બધું તો સલામત ઘેર પાછું આવ્યું હતું, પણ પાકીટ…? એ ભારે ચિંતામાં પડી ગયાં. એમણે ફરીથી બધાં ખિસ્સાં તપાસ્યાં. પણ પાકીટ ખિસ્સામાં હોય તો મળે ને ! ક્યાં ગયું હશે પાકીટ ? રસ્તામાં ખિસ્સામાંથી રૂમાલ કાઢતાં પડી ગયું હશે ? બે-ત્રણ હજાર તો હશે જ એમાં, હવે ? એ વિચારી રહ્યા.
‘શું શોધો છો ?’ એમનાં પત્ની, દેવયાનીએ પૂછ્યું.
‘પાકીટ, કદાચ પડી ગયું હશે રસ્તામાં.’ એમણે કહ્યું.
‘કેટલા પૈસા હતા એમાં ?’
‘બે-ત્રણ હજાર હશે.’
‘ચાલો, હવે એની ચિંતા ન કરશો, મળવાનું હશે તો મળશે. એની ફીકર છોડીને જમી લો નિરાંતે.’ દેવયાનીબહેને કહ્યું. એમણે કહ્યું તો ખરું પણ એય મનોમન કોચવાઈ રહ્યાં.
‘સારું. પીરસ.’ કહી કેર્સીભાઈ જમવા બેઠા. પણ એમના મગજમાંથી પાકીટ ખસતું નો’તું.
ત્યાં એમના મોબાઈલની રિંગ વાગી, એમણે મોબાઈલને કાને ધર્યો.
‘હલો, ફુઆ, હું અતુલ બોલું છું, વડોદરાથી.’
અતુલ કેર્સીભાઈના સાળાનો દીકરો. કેમ અત્યારે ફોન કર્યો હશે ? કોઈ દિ’ નહીં ને આજે ! કોઈ મોકાણના સમાચાર…. એ વિચારી રહ્યા.

‘હા, બોલ, કેમ ફોન કર્યો ? બધાં મજામાં ?’ એમણે ફોનમાં કહ્યું : ‘હા ફુઆ, તમારું પાકીટ ખોવાયું છે ?’
‘હા, પણ મારું પાકીટ અહીં અમદાવાદમાં ખોવાયું એની તને વડોદરામાં ક્યાંથી ખબર પડી ?’ કેર્સીભાઈએ આશ્ચર્ય પામતાં કહ્યું.
‘તમારા ઘરની આસપાસ મેં કલોઝ સર્કીટ કૅમેરા ગોઠવી રાખ્યા છે એટલે અહીં બેઠે બેઠે મને ત્યાંની નાનામાં નાની ઘટનાની જાણ થાય છે.’ અતુલે કહ્યું.
‘મજાક છોડ, બોલ, ક્યાંથી જાણ્યું તે ?’
‘હમણાં જ મારા પર એક ભાઈનો અમદાવાદથી ફોન આવેલો. ફોનમાં એ ભાઈએ કહ્યું, કે એમને રસ્તામાંથી એક પાકીટ મળ્યું છે. પાકીટમાં તમારું પૂરું નામઠામ તો હતું નહીં પણ મારા સરનામા અને ફોન નંબરવાળું કાર્ડ તમે તમારા પાકીટમાં મૂકી રાખ્યું હશે એટલે એ કાર્ડને આધારે એ ભાઈએ મને ફોન કર્યો. પાકીટ પર માત્ર કે.કે. ડૉક્ટર લખેલું, પણ એટલા પરથી તો એ ભાઈ તમને કેમના શોધી શકે ? મેં એ ભાઈનો ફોન નંબર લીધો છે, એને ફોન કરીને એનું સરનામું મેળવી તમારું પાકીટ લઈ આવજો એને ઘેર જઈને.’ કહી અતુલે એના ફુઆને પેલા ભાઈનો ફોન નંબર આપ્યો… અતુલ પાસેથી પેલા ભાઈનો નંબર મળતાં, બાકીની વાત ટૂંકમાં પતાવીને કેર્સીભાઈએ પેલા ભાઈનો નંબર જોડ્યો.

‘હલો !’ સામેથી અવાજ આવ્યો.
‘ભાઈ, હું કે.કે. ડૉક્ટર બોલું છું. તમને મારું પાકીટ રસ્તામાંથી મળ્યું છે. એ મને વડોદરા રહેતા મારા ભત્રીજા પાસેથી જાણવા મળ્યું, તમે ખૂબ ભલા માણસ છો. પાકીટ તમારી પાસે રાખવાને બદલે, ગાંઠના પૈસા ખરચીને તમે વડોદરા ફોન કરીને એની જાણ કરી એ સારું કહેવાય. હું સિનિયર સિટીઝન છું અને રાત્રે સ્કૂટર ચલાવવાનું ટાળું છું. હું વેદ મંદિર પાસે રહું છું. ત્યાંથી તમારે ત્યાં દાણીલીમડા આવવાનું ખાસ્સું દૂર પડે. નહીં તો ચાલતો આવી જાત. એમ કરો, તમે મારું પાકીટ હમણાં તમારી પાસે જ રહેવા દો, હું સવારે આવીને લઈ જઈશ. તમારું સરનામું જરા વિગતે લખાવજો.’ કેર્સીભાઈએ કહ્યું.
‘અંકલ, તમારે સવારે અહીં સુધી આવવાની તસ્દી લેવાની જરૂર નથી. હું હમણાં જ મારા મિત્ર સાથે ત્યાં આવીને તમારું પાકીટ આપી જાઉં છું. વેદ મંદિર પાસે કઈ જગ્યાએ તમે રહો છો ?’ પેલા ભલાભાઈ કહ્યું. કેર્સીભાઈએ સરનામું આપ્યું એ સાથે જ સામેથી ફોન મુકાઈ ગયો.

એ જમીને હાથ-મોં ધોતા હતા ત્યાં તો એમના આંગણે એક સ્કૂટર આવીને ઊભું રહ્યું. એના પર સવાર બે યુવાનોએ કેર્સીભાઈનું બારણું ખખડાવ્યું.
‘આવો, ભાઈ !’ કહી એમણે આગંતુકોને આવકાર્યા. એમના પોષાક પરથી તેઓ શ્રમજીવી વર્ગના લાગતા હતા.
‘લો, અંકલ તમારું પાકીટ. જોઈ લો અંદર, બધું બરાબર છે ને ?’
‘ભાઈ, એમ કરીને મારે તમારી પ્રમાણિકતાનું અપમાન નથી કરવું.’
‘સાંજે સાતેક વાગે તમે ગીતા મંદિર રોડ પરથી પસાર થતા હતા ત્યારે અમે તમારી પાછળ જ હતા. તમારું પાકીટ ત્યાં જ પડી ગયેલું. અમે ઘણી બૂમો પાડી પણ ભીડમાં શાની સંભળાય !’
‘ચાલો, ખૂબ ખૂબ આભાર તમારો. બોલો, ચા લેશો કે કૉફી ?’
‘કશું જ નહીં અંકલ, હમણાં જ જમીને આ મિત્રના સ્કૂટર પર નીકળ્યા આ તરફ. ફરી ક્યારેક આવીશું ખાસ ચા પીવા જ, કહી બંનેએ બારણા તરફ ચાલવા માંડ્યું.’
‘ઊભા રહો એક મિનિટ.’
અને એ ભલો યુવક ના ના કરતો રહ્યો તોય કેર્સીભાઈ એને નાનકડી રકમ ટોકન ઈનામ તરીકે આપ્યા વિના ન રહ્યા.
એ સજ્જને સ્કૂટર સ્ટાર્ટ કર્યું. ત્યાં કેર્સીભાઈને યાદ આવ્યું.
‘અરે ભાઈ, તમારું, નામ તો કહેતા જાઓ.’
પણ, ત્યાં સુધીમાં તો સ્કૂટર ઝાંપાની બહાર ચાલ્યું ગયું હતું.

આજે બસમાં, ટ્રેઈનમાં કે ગમે ત્યાં જામેલી ભીડમાં લોકોના ખિસ્સાં કપાયાના સમાચાર એ રોજિંદી ઘટના બની ગઈ છે ત્યારે એક સજ્જન શ્રમજીવી પોતાને મળેલું પાકીટ સામે ચાલીને એના માલિકને સુપરત કરવા પ્રેરાય એ એક વિરલ અને આનંદાશ્ચર્ય ઉપજાવે તેવી બાબત છે. ધન્ય છે એ શ્રમજીવી યુવકને !