- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ટી.ઍમ – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[મહાન માણસોના જીવનની ઘટનાઓ તેમજ જીવન-પ્રસંગો સમાજ માટે અવશ્ય પ્રેરણાદાયી હોય છે પરંતુ સામાન્ય માણસના જીવનમાં જ્યારે તે આચરવાનો પ્રસંગ આવે ત્યારે એ કદાચ દલીલ કરી શકે કે ‘એ તો સંત હતા… મહાન હતા… વિરલ આદમી હતા…’ પણ જો મારી-તમારી આસપાસ ફરતા આમઆદમીના જીવનમાંથી ત્યાગ, પ્રેમ, પરોપકાર, સેવા, સત્ય, નિષ્ઠા વગેરે સદગુણો અને તેના આચરણ પ્રસંગો જાણવા મળે તો એ અનુકરણીય અને પ્રતીતિકર બની રહે. એવા જ આમઆદમીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનો (સત્યઘટનાઓનો) સંચય એટલે ‘સારપના સાથિયા’. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગુર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

‘આવો સાહેબ…!’
‘અરે નીરવ…. ! તું અહીં… ?’
‘હા સાહેબ… આપ શા કામે આવ્યા છો… ?’
‘મારો એક લેખ આપવા આવ્યો છું. અહીં ‘સબરસ’ પૂર્તિમાં સાહિત્ય વિભાગ કોણ સંભાળે છે…?’
‘આવો સાહેબ… મારી કૅબિનમાં આવો….’
અમે બંને એક કૅબિનમાં સામસામી ખુરસી પર ગોઠવાયા. મેં પૂછ્યું : ‘નીરવ…! તું અહીં સર્વિસ કરે છે…?’
‘ના. આ પ્રેસ અમારું છે. ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ અખબારનું પ્રકાશન અમે જ કરીએ છીએ. અને ‘સબરસ પૂર્તિ’નું સંપાદન હું જ કરું છું. શું લાવ્યા છો ?’

મારા વિદ્યાર્થીને આ સ્થાને જોતાં મને રોમાંચ થયો. હું ગૌરવભેર એના ચહેરા સામે તાકી રહ્યો…. ફાઈલ ટેબલ પર મૂકી બોલ્યો – ‘આ ફાઈલમાં મારા લેખ છે, આખી લેખમાળા થાય એટલા.’
‘એક લેખ નહીં, આખી ફાઈલ જ મને આપી દો. મેં ‘નવનીત’, ‘ગીતાધર્મ’, ‘દિવ્યધ્વનિ’, ‘બાલ-આનંદ’ વગેરે મૅગેઝિનોમાં આપની રચનાઓ વાંચી છે તેથી અમારી પૂર્તિમાં એમને અવશ્ય છાપીશું. હવે સ્કૂલે જાઓ છો ?’
‘ના…ના… રિટાયર્ડ થયે મને દસ વર્ષ થયાં. અત્યારે અડસઠમું ચાલે છે.’
‘લાગતું નથી. આપ તો એવા ને એવા જ દેખાઓ છો.’
‘એનું કારણ છે. શિક્ષક યુવાનો સાથે કામ કરે એટલે સદા યુવાન રહે. ઘરડાઘરનો કારકુન યુવાન હોય તોય ઘરડો લાગે. જેવા સાથે કામ કરે તેવા થઈ જાય.’ સાંભળી નીરવ હસવા લાગ્યો. મારી સામે કાર્ડ ધરી બોલ્યો – ‘લ્યો સાહેબ…! આ નિમંત્રણ કાર્ડ.’
‘શેનું છે….?’
‘કાલે મારા બાબાની બર્થ-ડે પાર્ટી છે. એમાં આપ અવશ્ય પધારશો. મોં મીઠું થશે, મારા કલાસ-મેટ્સ મળશે અને લેખ માટે આપને સામગ્રી મળશે.’
‘તો તો જરૂર આવીશ. નજીકમાં કોણ કલાસ-મેટ્સ રહે છે….?’
‘ચિંતન… મૂકેશ…. પેલો સુધીર જે બહુ રઘવાટિયો ને દોડાદોડી કરતો તે. એને આપ સુધીરને બદલે ‘અધીર’ કહેતા..’ અમે બંને હસી પડ્યા.
મેં પૂછ્યું : ‘એ અધીર હવે ‘સુધીર’ થયો છે કે નહીં ?’
‘ના…ના. હજી દોડાદોડી જ કરે છે.’
‘કેમ…?’
‘ઍમ. આર. થયો છે.’ કૅબિનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
*****

બીજે દિવસે એડ્રેસ પ્રમાણે હું નીરવના બંગલે ગયો. એણે પોતાના પરિવારનો પરિચય આપ્યો. બાળકને માથે હાથ મૂકી મેં આશીર્વાદ આપ્યા. પરિવારનાં સૌ ભાવસભર નયને તાકી રહ્યાં… ! પછી સૌ બંગલાની પાછળના ફૅમેલી-ગાર્ડનમાં ગોઠવાયા. નીરવના કલાસ-મેટ્સ મળ્યા. શાળા-જીવનનાં સંસ્મરણોની ઉજાણીમાં વીસ વર્ષ પાછાં ઠેલાઈ ગયાં. બગીચાના એક ખૂણેથી મોગરાની માદક સુગંધ આવતી હતી. એ તરફ સંકેત કરી જરા જિજ્ઞાસાથી મેં નીરવને પૂછ્યું : ‘તમારો માળી કોણ છે ?’
‘કેમ સાહેબ….! માળી વિષે કેમ પૂછવું પડ્યું…?’
‘મોગરાના છોડ કોટની રાંગે છૂટા છૂટા વાવવાને બદલે આમ એક ખૂણામાં વાવી દીધા છે….!’
‘એ અમારું ટી.ઍમ છે.’
‘ટી.ઍમ…?’ મને કાંઈ સમજાયું નહિ.
‘હા સાહેબ. મેં આપને પ્રેસ પર કહ્યું હતું ને કે એક લેખ માટે સામગ્રી મળશે. એ આ અમારું ટી.ઍમ. આપણે પ્રેસ પર વિગતે વાત કરીશું. એક દિવસ સમય કાઢીને આવજો.’
‘ભાઈ…! પ્રેસમાં તારે હજાર કામ હોય… તું ક્યારે ફ્રી છે એ કહે.’
‘બુધવારે સાંજે ચારથી છમાં ફ્રી છું. આપ આવો.’
‘જરૂર.’ કહી પાર્ટી પૂરી થતાં હું વિદાય થયો.
****

બુધવારે હું પ્રેસ પર ગયો. બરાબર ચાર વાગ્યે મેં નીરવની કૅબિનમાં પ્રવેશ કર્યો. એ મારી રાહ જોઈને જ બેઠો હતો. મને જોતાં ખુરશીમાંથી ઊભો થઈ ગયો. કૅબિનની બહાર તાકી બોલ્યો : ‘અરે રધુ…! બે ચા આપી જા.’ પછી મને કહ્યું – ‘બેસો સાહેબ.’
જિજ્ઞાસા ન રોકાતાં મેં પૂછ્યું : ‘ચા આવે ત્યાં સુધી આપણે તમારા પેલા ‘ટી.ઍમ’ અંગે વાત કરીએ. ટી.ઍમ એટલે શું….?’
‘આપને માટે જે કવીઝ છે એ ટી.ઍમનો જવાબ હું છેલ્લે આપીશ. ટેબલ પર આ ફોટો છે તે મારા બચપણનો ફોટો છે. મેં જેની પીઠ પર હાથ મૂક્યો છે એ અમારો પાળેલો કૂતરો ટાઈગર. આલ્શેશિયન કૂતરો…. વાઘ જોઈ લ્યો…! એ ઝાંપામાં ઊભો હોય તો કોઈ પેસવાની હિમ્મત ન કરે. પણ… એ આડો પડ્યો હોય તો અમે બંને ભાઈ એનું ઓશીકું બનાવી સૂઈ જઈએ. એ અમારી સામે જોઈ વારે વારે આંખો પટપટાવે. એની મખમલ જેવી રૂંવાટી પર અમે પ્રેમથી હાથ ફેરવ્યા કરીએ. એને પણ એ ગમે.

અમે બાલમંદિર જતા ત્યારે લંચબોક્ષ સાથે ન્હોતા લઈ જતા. નવ વાગ્યે રિસેસ પડે ત્યારે મમ્મીએ બનાવેલા ગરમાગરમ નાસ્તાનું ટિફિન લઈને આવે. એના ગળાના પટ્ટાના આંકડે ટિફિન લટકાવેલું હોય. રસ્તામાં કોઈને હાથ પણ ન અડકાડવા દે. દેશી કૂતરાં તો એને જોતાં જ દૂમ દબાવી ભાગી જાય. બાલમંદિરના ઝાંપે પટાવાળો ઊભો હોય…. ટાઈગર એની પાસે આવી ઊભો રહી જાય…. પટાવાળો આંકડામાંથી ટિફિન કાઢી લે. રિસેસમાં અમારી નજર ઝાંપા તરફ જ હોય. અમારે મન નાસ્તાની અને ટાઈગરની સરખી પ્રતીક્ષા. ઝાંપા પાસે આવી, પટાવાળા પાસેથી ટિફિન લઈ, ટાઈગરને માથે હાથ ફેરવી અમે કહીએ ‘ગો….’ એટલે એ ઘર તરફ દોડે. હું અને દીપુ એને જતો જોઈ રહેતા. એ પછી તો અમે મોટા થતા ગયા… ટાઈગર પણ મોટો થતો ગયો… દાદીમા મંદિરે એકલાં જાય, ટાઈગરને સાથે ન લઈ જાય. પણ…. મંદિરેથી પાછાં ફરે એટલે ટાઈગર પગથિયામાં જ ઊભો હોય. દાદીમા હસીને પગથિયે પ્રસાદ મૂકે પછી જ પગથિયાં ચઢે. ઘણી વાર દાદી ટાઈગર સામે જોઈ કહેતાં – ‘બાપડો કોઈ પુણ્યશાળી જીવ છે જે આપણે ઘેર આપણો બનીને રહ્યો છે. હવે આ એનો છેલ્લો જનમ છે. હવે એને બીજો અવતાર ધારણ નહીં કરવો પડે. કહેવત છે ને ‘કૂતરું પાર ઊતર્યું.’ મારી સામે તાકી નીરવ બોલ્યો – ‘સાચું કહું સાહેબ….! દાદીમા પાસેથી અમે જેટલી કહેવતો સાંભળી છે એટલી તો શબ્દકોશમાં પણ નહીં હોય…’

‘ઘરડાં એટલે જ્ઞાનનો ખજાનો. અનુભવનું અમૃત એમની પાસેથી જ મળે. માટે જ અમે કહીએ છીએ વડીલોને આદર આપો. પણ… આજે જમાનો બદલાઈ ગયો. વડીલોને આદરને બદલે ચાદર આપી ઘરડાઘરમાં મોકલે છે..’ કહેતાં કહેતાં મારો સ્વર ગંભીર થઈ ગયો. રઘુ ચા આપી ગયો. અમે સાથે ચા પીધી. ચાના કપ સામે જોઈ નીરવ બોલ્યો : ‘અમારો ટાઈગર સદા ચા પીએ. એને ચાની તલપ આવે ત્યારે રસોડામાં જઈ અમારા મહારાજની ધોતીનો છેડો ખેંચે. મહારાજ ઈશારો સમજી જાય. દાદા મૉર્નિંગ વૉક પર જવા તૈયાર થાય એટલે તરત જ એમની સ્ટીક દાંતમાં દબાવી હાજર થઈ જાય. જ્યાં સુધી દાદાનો હાથ માથે ન ફરે ત્યાં સુધી ખસે નહિ. મોટા પપ્પા પ્રેસ પર જવા નીકળે એટલે છેક કારના દરવાજા સુધી વળાવવા જાય. ઝાંપામાં કોઈ અજાણ્યું પેસવા જાય તો ટાઈગર ભસે નહિ પણ એકદમ આગળના પંજા ઊંચા કરી જાણે એની છાતી પર મુક્કા મારવા જતો હોય એમ છલાંગ મારે. પેલો દસ કદમ પાછો હઠી જાય….! અમારો ટાઈગર કદી કોઈને કરડે નહિ. બિલાડીની પાછળ દોડે પણ બચકું ન ભરે.’

‘એક વાર હાસ્યલેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ એક લેખ આપવા ઘરે આવ્યા. એમને પહેલી વાર જોઈ અમારો ટાઈગર પગથિયેથી દોડ્યો સીધો ઝાંપા તરફ. એને જોઈ મધુસૂદનભાઈ તો ડઘાઈ ગયા. હીંચકે બેઠેલ દાદા ઓળખી ગયા. ટાઈગરને કહે – ‘બૅક…બૅક…’ અને… નીચી મૂંડી કરી, પાછો આવી ટાઈગર પગથિયામાં બેસી ગયો. મધુસૂદનભાઈ દાદા પાસે હીંચકે બેઠા. લેખ આપવા ફાઈલ કાઢી ત્યાં મહારાજ ચા લાવ્યા. દાસકાકા પણ હતા. ટિપાઈ પર ચા મૂકી મહારાજ ગયા એટલે મધુસૂદનભાઈએ પૂછ્યું – ‘કઈ ચા પીઓ છો…?’
‘લીપ્ટન’ દાદાએ કહ્યું અને હસતાં હસતાં પૂછ્યું : ‘કેમ તમે ચાનો ધંધો પણ કરો છો…?’
‘ના. ધંધો તો નથી કરતો પણ પ્રચાર જરૂર કરું છું.’
‘કઈ ચાનો…?’
‘વાઘ-બકરી ચા.’
‘લીપ્ટન કેમ નહિ….?’ દાદાએ એમની આંખોમાં આંખો પરોવી પૂછ્યું.
મધુસૂદનભાઈ હસતાં હસતાં બોલ્યા – ‘નવું પરિણીત જોડું જો પાંચ વર્ષ વાઘ-બકરી ચા પીએ તો બકરી વાઘ બની જાય ને વાઘ બકરી બની જાય.’ સાંભળતાં જ ત્રણે જણ ખડખડાટ હસી પડ્યા. પછી દાસકાકા ધીરે રહી બોલ્યા : ‘મારો નાનકો ગયા માગશરમાં જ પરણ્યો છે. વહુએ આ સાંભળ્યું ન હોય તો સારું.’ હસતાં હસતાં મધુસૂદનભાઈએ વિદાય લીધી. બીજે દિવસે છાપામાં એમના હાસ્યલેખમાં આ વાક્ય હતું – ‘હું તંત્રીશ્રીને લેખ આપવા એમને બંગલે ગયો ત્યારે મારું પહેલું સ્વાગત ‘શ્વજન’ દ્વારા થયું પછી સ્વજન દ્વારા.’ આટલું કહી નીરવ બોલ્યો : ‘આમ એક હાસ્યલેખકની કલમે અમારો ટાઈગર છાપે ચઢ્યો.’

મેં જિજ્ઞાસાથી પૂછ્યું : ‘તે દિવસે પાર્ટીમાં તો મેં એને ક્યાંય જોયો નહિ….!’
આ સાંભળી નીરવના ચહેરા પર ગંભીરતાની છાયા પથરાઈ ગઈ એ મેં જોયું. ઘેરા અવાજે એ બોલ્યો : ‘સાહેબ… એ કરુણ ઘટના સ્વપ્નમાં પણ આવતાં હું ઝબકીને જાગી જાઉં છું. બે વર્ષ પહેલાંની વાત છે. ઘરનાં સૌ લગ્નપ્રસંગે બરોડા ગયેલાં. તબિયત ઠીક નહીં હોવાને કારણે મોટા પપ્પા, દાદીમા અને મહારાજ ત્રણ જણ ઘરે રહેલાં. અમને કોઈને ન જોતાં ટાઈગર એકલો પડી ગયેલો. ઉદાસ ચહેરે પગથિયાના ખૂણે પડ્યો રહે. બરોડામાં અમે સૌ લગ્નની મોજ માણતાં હતાં ત્યારે અહીં રાત્રે મોટા પપ્પાને ઍટૅક આવ્યો. ભારે શરીર એટલે ઊઠી શકે નહીં. છાતી પર વારે વારે હાથ ફેરવ્યા કરે. મહારાજ તાબડતોબ ચા બનાવી લાવ્યો પણ છાતીનો દુખાવો વધતો જતો હોઈ ચા પિવાઈ નહીં. દાદીમાએ મહારાજને પડોસી દાસકાકાને બોલાવી લાવવા કહ્યું. એ આવે તો કોઈ ડૉક્ટરને બોલાવી લાવે. બે દિવસથી ઘરનો ફોન પણ બગડેલો હતો. દાસકાકા સફાળા જાગ્યા…. આવ્યા…. જોયું. ઍટૅક જાણી એ પણ ઢીલા પડી ગયા. રથયાત્રાને કારણે શહેરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. સરકારે આખા શહેરમાં કરફ્યૂ જાહેર કરેલો. અમારો ફૅમિલી ડૉક્ટર પણ આવી શકે એમ નહોતું. દાસકાકાએ પોતાના દીકરાને ઉઠાડ્યો. એણે પાસેની સોસાયટીના ડૉક્ટરને ફોન કર્યો. બે સોસાયટી વચ્ચે કોમન બારી હતી. એમાંથી ડૉક્ટર આવ્યા. ગોળી, ઈન્જેકશન વગેરે બનતી ટ્રિટમેન્ટ કરી પણ… એમના ચહેરા પરની રેખાઓ જોઈ દાદીમા ઢીલાં પડી ગયાં.

ટાઈગર બંગલાના પગથિયામાં આંટા મારતો હતો. ઘડીક મોટા પપ્પા સામે નજર કરે તો ઘડીક ઝાંપા તરફ. એનેય ચૅન ન્હોતું પડતું. અચાનક પગથિયા વચ્ચે બેસી, ડોક ઊંચી કરી, ટાઈગર ઊ….ઊ….ઊ…. એમ કરુણ સ્વરે રડવા લાગ્યો. વારે વારે રડે…. એને રડતો સાંભળી દાદીમાના છક્કા છૂટી ગયા. દાદીમા મોટા પપ્પાના ઓશીકે બેસી માથે હાથ ફેરવતાં જાય ને રડતાં જાય. દાસકાકા પણ ઢીલા પડી ગયા. ડૉક્ટર લાચાર બની પેશન્ટ સામે તાકી રહ્યા…. મોટા પપ્પાની વેદના વધતી જતી હતી. પાંચેક મિનિટ થઈ ત્યાં… ટાઈગર રડતો બંધ થઈ ગયો. બારણા વચ્ચે આવી બે પગે ઊંચા કૂદકા ભરવા લાગ્યો, જાણે કોઈને ઓરડામાં પ્રવેશતાં રોકી રહ્યો ન હોય…! મહારાજે નજર કરી પણ કોઈ દેખાયું નહિ. ટાઈગર કોઈને રોકવા વારે વારે કૂદકા ભર્યા કરે. છાતીમાં ન્હોર મારવા જતો હોય એમ પંજા ઉગામે. લગભગ અડધો કલાક આમ કૂદકા ભર્યા પછી બારણા વચ્ચે જ ઢળી પડ્યો. મહારાજ, દાસકાકા અને ડૉક્ટર જોઈ રહ્યા… ટાઈગરની આંખો ફાટી ગઈ હતી… જીભ બહાર લબડતી હતી. દાદીમા બોલ્યાં – ‘આવનાર એના પ્રાણ લઈ ચાલ્યા ગયા. હવે રામુભાઈને કાંઈ નહિ થાય.’
મોટા પપ્પા સામે જોઈ દાદીમા બોલ્યા : ‘દીકરા…! તું બચી ગયો. ટાઈગરે તને આયખું આપ્યું. તારું મોત એણે પોતાને માથે લીધું. આ કૂતરો નહિ, ગયા ભવનો કોઈ દેણદાર હશે. તને જીવતદાન દઈ ગયો.’ દાદીમાના શબ્દો સાંભળી મહારાજ, દાસકાકા અને ડૉક્ટર ત્રણેની આંખોના ખૂણા ભીંજાઈ ગયા. મોટા પપ્પાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતો હતો.. એમાં આંસુમાં આખું ઓશીકું પલળી ગયું.

વહેલી પરોઢે બરોડાથી અમે આવ્યાં ત્યારે મોટા પપ્પા પલંગ પર આરામની નીંદ લઈ રહ્યા હતા. પાસે મહારાજ અને દાસકાકા જાગતા બેઠા હતા. ઝાંપામાં પ્રવેશતાં જ ટાઈગરની હાલત જોઈ અમારા હૈયામાં ફાળ પડી. દાદીમાએ બધી વાત કરી ત્યારે જ અમને હકીકત સમજાઈ. સૌની એક આંખમાં હર્ષનું આંસુ હતું તો બીજી આંખમાં વિષાદનું. અમે બ્રાહ્મણને બોલાવ્યો. એણે ટાઈગરના મુખમાં ગંગાજળ રેડ્યું, તુલસીનું પાન મૂક્યું. આપે અમારા બગીચાના ખૂણા પર મોગરાનું જે સર્કલ જોયું હતું એ જગ્યાએ નોકરે ખાડો ખોદ્યો. ટાઈગરને એમાં દફનાવી સૌએ મોગરાનાં ફૂલોની અંજલિ આપી. દરેકે ખોબો ખોબો મીઠું નાખ્યું…. ઉપર માટી વાળી દીધી. આસપાસ બેસી સૌએ આંસુભીની આંખે પ્રાર્થના ગાઈ. એના મૃત્યુના તેરમા દિવસે સોસાયટીનાં સૌ બાળકોને જમાડ્યાં. સોસાયટીનાં સૌ કૂતરાંને લાકડશી લાડુ ખવડાવ્યા. અમારા માળીએ એ ખાડાની આસપાસ મોગરાના છોડ વાવી દીધા.’ કહી નીરવ સાચા અર્થમાં ની-રવ થઈ ગયો.

રઘુ બે ગ્લાસ પાણી લાવ્યો. પાણી પીને નીરવ જરા સ્વસ્થ થયો એટલે મેં જિજ્ઞાસાથી પૂછ્યું : ‘ભાઈ…! પેલા ટી.ઍમ.ની કવીઝનો જવાબ…. ?’
‘ટી.ઍમ. એટલે ટાઈગર મૅમોરિયલ.’

[કુલ પાન : 182. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન. 403, ઓમદર્શન ફલેટ્સ. 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે. પાલડી. અમદાવાદ – 380 007.]