સુખ નામે સ્વપ્નપંખી – ડૉ. પ્રકાશ ગજ્જર

[1] વિશ્રામનો આનંદ

ભાગમભાગ દોડતા વંટોળિયાને ફિલસૂફે પૂછ્યું : ‘ભાઈ, શું કામ આ દોડાદોડી કરે છે ?’ વંટોળિયાએ એ જ ઝડપે ભાગતાં જવાબ આપ્યો : ‘હું સ્થિર હવાને શોધું છું.’ ફિલસૂફ હસીને બોલ્યો : ‘ભાઈ, તારું દોડવાનું બંધ કર; તો તું ખુદ સ્થિર હવા બની જઈશ.’ કયો ફિલસૂફ સમજાવે કે વિશ્રામ એ જીવનની જાગીરને હરિયાળી કરવાનો કીમિયો છે. કેટલું દોડ્યા, કેટલું પછડાયા, કેટલું રજોટાયા, કેવા ટિપાયા… તોય મનની મકસદ પાર ના પડી, વિધાતાને ફરિયાદોનાં ફરફરિયાં લખાતાં રહ્યાં, મનની મૂંઝવણ ઘટી નહીં, અંતરના ઉકળાટ શમ્યા નહીં, જિંદગીની જમાવટ થઈ નહીં, મોહનો ક્ષય ના થયો.

હવે વિશ્રામની કળા અજમાવીએ તો ? હાથ જોડીને બેસી રહેવાની આ વાત નથી. મનખાના મેળામાં ખોઈ નાખેલ મનના મોરલાના ગહેકા ફરીથી શોધવા છે. આભના ઓવારે અદશ્ય થઈ ગયેલાં સુખનાં શમણાંને ફરી વાર ધરતીમાં રોપી પાંગરતાં કરવાં છે. વિશ્રામને અવગણીને જીવનવાટિકાની એક ક્યારીને આપણે શુદ્ધ માવજતથી સંપૂર્ણ વંચિત રાખવા આવ્યા છીએ ને ? એ ભૂલ હવે સુધારી દેવી છે. જોરાવર જડતાઓના જંગમાં જકડાયેલી જિંદગીને એના ગૌરવવંતા સ્થાને મૂકવી છે. ભીખનાં હાંડલાને શીંકે નથી ચઢાવવાં; એમને ફોડી નાખીને એમની કરચો ભૂતકાળના મહાસાગરના તળિયે ફંગોળી દેવી છે. ‘સુખ આપણને મળી ગયેલું છે, એ આપણો સનાતન સ્વભાવ છે…’ – એવી વાતો કરીને તમને ભરમાવવા નથી. એ સાચું હોય તોપણ વાતોનાં વડાં કરવાને બદલે હકીકતની હાટડીએથી સુખને ખરીદવું છે.

માનવવ્યથાની પણ આગવી સુગંધ હોય છે, એ વિચાર સુખસેવી માનવીના દિમાગમાં ઉતારવાનું બહુ કપરું છે. એક બાજુવાળા સિક્કાનું અસ્તિત્વ શક્ય નથી. વ્યથા વગરનું જીવન ક્યાંય સંભવિત નથી. દુ:ખની ફ્રેમમાં મઢેલું સુખ વધારે સુંદર લાગે છે. કાંટાના ઢગલા વચ્ચે ખીલેલાં એકલ પુષ્પનું સૌંદર્ય અનેરું હોય છે. જીવનના આ સનાતન સત્યના દર્શન પ્રતિ આપણે જાગવાનું છે, આંખો ઉઘાડવાની છે. ગુરુદેવ ટાગોર કહેતા : ‘સુખદુ:ખથી પર એવી પરમ આનંદની ભૂમિકામાં હું એવો લયલીન થઈ ગયો છું કે સર્વત્ર તારાં વરદાનની ધૂપસુગંધ જ મને અનુભવાયા કરે છે.’ એમના જેટલા સુખદુ:ખથી પર ના થઈ શકીએ તોપણ આપણે દુ:ખના ગાંગડાને સુખના રસાયણમાં ઝબોળીને એમનો મૂળભૂત કાયાકલ્પ કરી શકીએ એમ છીએ.

[2] છલકે અજવાળાં

એક શેઠની ઘણી જાણીતી વાત યાદ કરીએ. એમની ઉંમર થઈ ગયેલી. ત્રણ દીકરા હતા. એમને લાગ્યું કે હવે કોઈ પણ એકને વહીવટ સોંપી દેવો. એમણે ત્રણેને પાંચ પાંચ રૂપિયા આપ્યા ને કહ્યું કે એ રકમમાંથી એમને ફાવે એ રીતે ત્રણ નવી ઓરડીમાંથી એક-એક ઓરડીને ભરવી.

પહેલાંએ પાંચ રૂપિયા આડેધડ વાપરી નાખ્યા ને મિત્રો સાથે પૂજ્ય પિતાશ્રી નિરીક્ષણ માટે આવ્યા ત્યારે વટપૂર્વક કહ્યું કે પોતે અંધારાથી ઓરડીને ખીચોખીચ ભરી દીધી હતી ! એ લોકો વચેટની ઓરડીએ ગયા તો જમીન ઉપર ઘાસ પાથરેલું જોવા મળ્યું. સાવ નિરાશ થઈ એ સહુથી નાનાની ઓરડીએ ગયા તો બહારથી જ ખુશ થઈ ગયા. ઓરડીમાંથી અગરબત્તીની સુગંધ આવતી હતી. વચ્ચોવચ્ચ મોટા કોડિયામાં જ્યોત ઝળહળતી હતી. બાજુમાં અગરબત્તી સળગતી હતી. નાનાએ સહુને આદરપૂર્વક અંદર બોલાવ્યા ને કશું બોલ્યા વગર ઊભો રહ્યો. વારસાનો વહીવટ કોને સોંપાયો હશે એ સમજી શકાય એવું છે.

જીવનને એમ જ ભરી દેવાનું નથી, એને તમામ રીતે સાર્થકતાથી છલોછલ કરવાનું છે. જીવન એટલે પોતાના રોજેરોજના અસ્તિત્વમાં અજવાળાં પ્રગટાવવાની કળા. આપણું સદભાગ્ય એ છે કે અગાઉ એ કળા બરાબર હસ્તગત ના કરી હોય તો કોઈ પણ વયે એની શુભ શરૂઆત થઈ શકે છે. વિખ્યાત ફિલસૂફ સેનેકા કહેતો : ‘જિંદગી વાર્તા જેવી છે. એ કેટલી લાંબી ચાલે એ નહીં, એમાં કેટલો રસ મૂકી શકો એ મહત્વનું છે.’ જીવન લંબાઈ ઉપર નહીં, સરસતા ઉપર, સભરતા ઉપર વધારે આધાર રાખે છે. એ માટેના કીમિયા સહુએ શીખવા-વધારવા રહ્યા.

[3] વણપીછ્યાં વરદાન

મીરાંની કક્ષાની સૂફી સંત રાબીયા એક વખત પાણી ભરવા માટે પોતાના કબીલા પાસેના રણદ્વીપે જતી હતી ત્યારે વસાહતની બહાર એક યુવાન માથે કપડું બાંધીને બેઠો હતો. એનો ચહેરો સાવ ઢીલો થઈ ગયેલો. લમણાની નસો તંગ. પાછો ઊંહકારા કર્યા કરે.
‘શું થયું તને ?’ રાબીયાએ કરુણાથી પૂછ્યું.
‘સખત માથું ચઢ્યું છે. છેલ્લા પચ્ચીસ વરસમાં મને કદી માથું નથી ચઢ્યું. આજ એ ફાટી જાય છે.’
‘એ…મ ! એટલા માટે માથે આ ફટકો બાંધીને બેઠો છે ને પરવરદિગારને ઈલઝામ આપે છે ! પચ્ચીસ વરસમાં કદી માથું ના ચઢ્યું એની ખુશાલીમાં કોઈ દિવસ ફટકો ના બાંધ્યો ને આજ સરજનહારના નામની ધજા બાંધીને બેઠો છે ? જરા તો લાજ !’

આ ચીમકી રાબીયાએ પેલા યુવકના નિમિત્તે આખી માનવજાતને આપી હોય એમ મને લાગે છે. આપણી વાડીમાં કેટલાં ફૂલ ખીલ્યાં એની નોંધ આપણે લઈ ના શક્યા. સમજો કે એ બધું નજરઅંદાજ કરતા રહ્યા. ને ક્યાંક એક કાંટો-કદાચ ઘણાબધા કાંટા-જોવા મળતાં કાળો કકળાટ કરી મૂક્યો. વરદાનને ઓળખતાં આવડ્યું નથી. સંવાદિતાની સુગંધ માણી શક્યા નહીં, ગરબડની ગંધ પારખતાં વધારે આવડી ગયું. માની લીધેલા અભિશાપને મનના મુગટ બનાવી જગદેખાડા કર્યા. લીંબુના ઢગલા કરતા ગયા. મધમીઠાં શરબત બનાવવાની કળા શીખી ના શક્યા. અબજો રૂપિયે ના મળે એવી જિંદગીનાં અણમૂલાં વર્ષોને બે કોડીની, ધૂળ જેવી વિચારધારામાં વેડફી નાખ્યાં.

પોતાની જાત પ્રત્યેની જવાબદારી ના સમજ્યા તે ના જ સમજ્યા. ક્યારેક કોઈ સુંદર વિચારઝબકાર થયો, તો જૂની ટેવની ઝાપટે એને ઠારી નાખ્યો. કોઈ આશાવાદી વિચારસરણી સામે મૂકવામાં આવી તો એ જ જમાનાજૂની દલીલો લઈ આપણે ધસી આવ્યા. કલ્પનાની કૂલડીમાં જેટલા કાળા રંગ હતા એ બધાને આડેધડ લપેડી નાખ્યા. જિંદગીનું ઈન્દ્રધનુષી ચિત્ર સર્જવાને બદલે ભદ્દા ડાઘ ખડકી દીધા. આ પરિસ્થિતિને બદલવાની હવે તાતી જરૂરિયાત છે.

[4] સુખની સરગમ

સુખ… એ સ્વપ્નપંખીનું નામ, જેને પ્રાપ્ત કરવા માટે માનવજાત આદિકાળથી પ્રયાસ કરતી આવી છે, જેના માટે જાતજાતનાં પીંજરાં તૈયાર કરાવાય છે, જેના માટે જિંદગીઓ કુરબાન થઈ જાય છે. છતાં પેલા ઝાકળબિંદુની જેમ સુખ મળ્યું ના મળ્યું, એનો સ્પર્શ થયો ના થયો, ને એ ગૅબના પરદા પાછળ અદશ્ય થઈ જાય છે. સુખને કોઈએ ધરતી-આકાશના મિલન સાથે સરખાવ્યું, કોઈએ એને અદશ્ય મલમલ કહ્યું, કોઈએ છદ્મવેશી રૂપાંગના સાથે એની તુલના કરી. તો કોઈ મરમી કશું જ બોલ્યા વગર, હસતા રહી ગયા. આવા મૃગજળ મનાયેલા સુખને આપણે ઓળખી શકીએ, એને પાલવમાં ભરી શકીએ, એને આપણા અસ્તિત્વનો અંશ બનાવી શકીએ, એમ બની શકે ખરું ? ક્ષણિકતાની એની કણીને સનાતન ડુંગર બનાવી શકાય ખરી ?

આવા અનેક પ્રશ્નોની સામે આ પળે આપણે ઊભા છીએ. ખ્યાલ એ રાખવો છે કે દૈનિક જીવનમાં કામ ના આવે ને અમલમાં ન મૂકી શકીએ એવી એક પણ વાત કરવી નથી. મારા-તમારા જેવા સરાસરી માણસોએ અગાઉ અમલમાં મૂકીને સુખની ઉપલબ્ધિ જેના દ્વારા કરી હોય એવી યુક્તિઓ, સાધનો અને ચિંતવનનો જ મહદઅંશે ઉપયોગ કરવો રહ્યો. બંગાળી ભક્તકવિ ચંડીદાસનાં કેટલાંક અદ્દભુત ભજનો છે. એમાંની એક કડીનો સાર : ‘મંગલ અને સુંદરને શોધનારી આંખ આપીને તેં મારા ઉપર જે ઉપકાર કર્યો છે એ ભૂલી શકાય એમ નથી. એ આંખ દ્વારા તેં મને સુખ અને શાન્તિની ચાવી આપી દીધી છે.’ આમાં વ્યવહાર્ય વાત એ છે કે મંગલ અને સુંદરને શોધનારી આંખ આપણી પાસે નથી એમ લાગતું હોય તો એ નવેસર મેળવવાનું શક્ય છે. એ નૂતન દષ્ટિનાં અંજન આપણે પોતેય આંજી શકીએ. ચંડીદાસનો મહામંત્ર ‘છતાં હું ખુશ’ આપણે પણ અજમાવી શકીએ. હર હાલતમાં આનંદના ફુવારા છલકાવતા જવાનું આપણા માટે શક્ય છે. મનના વલણને બદલવા એ માટે થોડો પ્રયાસ જરૂરી છે.

[5] સ્વપ્ન નથી

કવિ લોંગફેલોએ એક અદ્દભુત જીવનગીત લખ્યું છે. આપણાં વિદ્યાધામોમાં માત્ર એ ગીતનાં રહસ્યો સમજાવી દેવામાં આવે તો ઘણું મોટું કામ થઈ જાય. અધ્યાપકોને જાતે એ સમજવું પડે એ જરા તકલીફ ખરી ! ‘મને વેદનાભર્યા સ્વરે ના કહેશો કે જીવન એક ખાલીખમ સ્વપ્ન છે.’ લોંગફેલોએ પોતાના સમગ્ર જીવનચિંતનનો અર્ક આ અગિયાર શબ્દોમાં આપી દીધો છે. તરંગોમાં રાચનારા કે આંખો મીંચીને ઊંઘનારા માટે જીવન શું હોઈ શકે એ વિચારવાનું આ સ્થાન નથી. જાગી ગયેલા – ને પછી જાગતા રહેલા – માણસ માટે જીવનનો સામાન્ય સંદર્ભ બદલાઈ જાય છે. એક અનુભવીની વાણી સાંભળીએ :

‘ઊંઘ મહીં દેખાયું : જીવન ખાલી ઘર્ષણ છે,
સપનામાં માણ્યું કે જીવન તો આકર્ષણ છે,
જાગીને જોયું તો જીવન મૂક સમર્પણ છે,
પરમ દશામાં પરખ્યું : જીવન અમૃતવર્ષણ છે.’

આંખે કાળા પાટા બાંધીને જેમણે જીવનને જોયું એમને સર્વત્ર ધુમ્મસ અને અંધારાનો અનુભવ થયો. જેમણે આશાવાદના ગુલાબી ચશ્મા લગાવ્યા એમને જીવન ગુલાબી ગુલાબી લાગ્યું. મજૂરવૃત્તિવાળાને એમાં કાળી મજૂરી વગર બીજું કાંઈ ના દેખાયું. હિસાબવાળો એમાં માત્ર બજાર જોઈ શક્યો, ‘ટકા’થી આગળ એ વધી ના શક્યો ને કલામય દષ્ટિ વિકસાવનારને જીવનમાં એક અનંત કલાસાધનાનાં દર્શન થયાં. ફરી એક વાર… જેવી જેની દષ્ટિ ! ‘જીવન એટલે મશ્કરી, સ્વપ્ન, એક કિરણ ને પછી અંધકાર… ખાસ્સી મહેનત ને પછી આખરી સલામ.’ જેણે આ તારણ કાઢ્યું એના જીવનમાં એને અનુરૂપ અનુભવો થયા હશે એ સ્પષ્ટ કરવાની ખાસ જરૂર ખરી ? જીવનના નાટકમાં થોડા સ્મિત, ઝાઝાં આંસુ, થોડાં ફૂલ, ઝાઝાં ખાસડાં ને છેવટે ‘આવજો રામરામ !’ – જેણે આ સાર કાઢ્યો એને સાવ અવગણી નહીં શકાય. જગતના ચૉકમાં એની જીવનઝોળીમાં આવા અનુભવો ભાગમાં આવ્યા હશે.

હકીકતમાં પ્રત્યેક માણસની આગવી વ્યાખ્યા હોય છે. એમાં આનંદની એક વાત ઉમેરી શકાય એમ છે : આપણે જિંદગીને એવી નવી રીતથી જીવવાનું શરૂ કરવાની ક્ષમતા રાખીએ છીએ કે મનગમતી વ્યાખ્યા બાંધવાનું આપણા માટે શક્ય બની શકે. જીવનના આખરી દિવસોમાં એક ચિંતકે જાહેરખબર છપાવેલી એ જુઓ : ‘મારા જીવનની મીણબત્તી બંને છેડે બળી રહી છે. મારી વ્યથાઓનો પાર નથી. તોય મારા દુશ્મનો ! નોંધ લેજો કે હું જે અજવાળાં માણું છું એના આનંદનો તમને અણસાર પણ નહીં આવે.’

મારા સહયાત્રીઓ, જિંદગી એટલી ટૂંકી છે કે જાતે બની બેઠેલા દુશ્મનોને આપણે એમના નકારાત્મક નરકાગાર ડૂબેલા રહેવા દઈએ ને મિત્રોને કહીએ કે પોતપોતાની રોશની લઈને આવો; આપણે એક મનોહારી દીપમાળાની રચના કરીએ… અજવાળાંને આકાશમાં પહોંચાડી દઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટી.ઍમ – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’
પાર્કિંગ પ્રૉબ્લેમ ! – રતિલાલ બોરીસાગર Next »   

21 પ્રતિભાવો : સુખ નામે સ્વપ્નપંખી – ડૉ. પ્રકાશ ગજ્જર

 1. Hiral Thaker "Vasantiful" says:

  સરસ.

  ‘ઊંઘ મહીં દેખાયું : જીવન ખાલી ઘર્ષણ છે,
  સપનામાં માણ્યું કે જીવન તો આકર્ષણ છે,
  જાગીને જોયું તો જીવન મૂક સમર્પણ છે,
  પરમ દશામાં પરખ્યું : જીવન અમૃતવર્ષણ છે.’

 2. nayan panchal says:

  એક બાજુવાળા સિક્કાનું અસ્તિત્વ શક્ય નથી.

  દુ:ખની ફ્રેમમાં મઢેલું સુખ વધારે સુંદર લાગે છે.

  ‘જિંદગી વાર્તા જેવી છે. એ કેટલી લાંબી ચાલે એ નહીં, એમાં કેટલો રસ મૂકી શકો એ મહત્વનું છે.’

  “મંગલ અને સુંદરને શોધનારી આંખ આપીને તેં મારા ઉપર જે ઉપકાર કર્યો છે એ ભૂલી શકાય એમ નથી. એ આંખ દ્વારા તેં મને સુખ અને શાન્તિની ચાવી આપી દીધી છે.”

  આજનો વિચારવિસ્તારઃ “‘મને વેદનાભર્યા સ્વરે ના કહેશો કે જીવન એક ખાલીખમ સ્વપ્ન છે.’”

  નયન

 3. Rajni Gohil says:

  ‘મંગલ અને સુંદરને શોધનારી આંખ આપીને તેં મારા ઉપર જે ઉપકાર કર્યો છે એ ભૂલી શકાય એમ નથી. એ આંખ દ્વારા તેં મને સુખ અને શાન્તિની ચાવી આપી દીધી છે. માનવવ્યથાની પણ આગવી સુગંધ હોય છે. …….. શબ્દોનો આનંદ મણ્યો. ખુબ જ સુન્દર અને જીવન ઉપયોગી લખણ છે.

  સુખ-દુઃખ તો સાક્ષેપ છે. કુંભારના નિંભડામાં કાચા માટલા પડ્યા હોય અને વરસાદ પડે તો? એને દુઃખરૂપ લાગે, પણ તે જ વરસાદ ખેડૂતને સુખરૂપ લાગે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છેઃ “પ્રત્યવાયો ન વિદ્ધયતે” જગતમાં દુઃખ છે જ નહીં. આપણે જેને દુઃખ કહીએ છીએ તે તો જીવન વિકાસ માટેનું સાધન છે. જીવનમાં દુઃખ ન હોય તો સુખની કોઇ કિંમત ખરી? દુનિયામાં એકલું અજવાળું જ હોય અને અંધારું હોય જ નહીં તો જીવી શકાય ખરું? સુખ તો આપણી અંદર જ છે. આપણે એને બહાર લાવવાનું છે.

  જિંદગી એટલી ટૂંકી છે કે જાતે બની બેઠેલા દુશ્મનોને આપણે એમના નકારાત્મક નરકાગાર ડૂબેલા રહેવા દઈએ ને મિત્રોને કહીએ કે પોતપોતાની રોશની લઈને આવો; આપણે એક મનોહારી દીપમાળાની રચના કરીએ… અજવાળાંને આકાશમાં પહોંચાડી દઈએ. Have positive attitude for life and life will be enjoyable beyond our imagination.

  Thanks for giving us સુખના નામે સ્વપ્નપંખી.

 4. Veena Dave says:

  very good.

 5. Ramesh Pael says:

  ના માનજે જીદંગીને તું ઝાડવાં વ્યથાનાં
  છે શાખાઓ તારી ઝૂલાવવા સંગીત કલરવના

  ખૂબ જ પ્રેરણાદાયી લેખ્.સવારે વાંચતાં મનનું પ્રભાત ખીલ્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. pragnaju says:

  ુંદર લેખ
  સ્દેહની અથડામણ તો થઈ હોય ને વાગ્યું હોય તો દવા કરાવે કે મટી જાય, પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુધ્ધિના ડાઘ પડ્યા હોય તેને કોણ કાઢે? હજારો અવતારે ય ના જાય.

 7. Viren Shah says:

  Good one….

 8. mohit says:

  “એક જ ટાંકણે કોરાણાં બન્ને, સુખને આકાર છે ને દુઃખ નિરાકાર છે.”
  “સાત પગલાં આકાશમાં” માં કુંદનિકાબેન લખે છે કે;”જીવન એ કંઇ જેમતેમ પૂરું કરી નાખવાની બાબત થોડી જ છે. એનું તો એક સુંદર કલાકૃતિની માફક સર્જન અને જતન કરવું જોઇએ,ભલેને સંજોગો ગમે તેવા હોય !”

 9. HARESH GAJJAR says:

  Dear Prakash dada,
  I like very much. I am a fan of you. I like gujarati novel also.

  I know you very well and we also met some years ago at Ahmedabad.
  I know Nagendramama.
  I know Jayeshmama and anandmama. I was leaving with them at kadi. Mr Ishwarlal gajjar & Ms.Jayaben are Uncle and Aunty of my mother.

  My cell no. is +91 9824405144 , 9427472680

 10. nilesh gohil says:

  it’s very good.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.