પાર્કિંગ પ્રૉબ્લેમ ! – રતિલાલ બોરીસાગર

[તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘અમથું અમથું કેમ ન હસિયે !’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

amthuઅમદાવાદમાં વસવા માટે વાહન વસાવવાનું અનિવાર્ય ગણાય છે. પણ બધા વાહનચાલકો પોતાનાં વાહનો સરળતાથી પાર્ક કરી શકે એવી પાર્કિંગ-વ્યવસ્થા અત્ર-તત્ર-સર્વત્ર હોવી જોઈએ એવું સ્વીકારાયું નથી. એટલે પછી વાહનચાલકો અત્ર-તત્ર-સર્વત્ર આડેધડ પોતાનાં વાહનો પાર્ક કરી દે છે. ‘અમદાવાદમાં પાર્કિંગ પ્રૉબ્લેમ – એક વિવેચનાત્મક અભ્યાસ’ પી.એચ.ડી.ની ડિગ્રી માટે અભ્યાસ થઈ શકે એટલી ગુંજાશ છે આ વિષયમાં. ‘દરવાજા સામે વાહન પાર્ક કરવાં નહિ’ એવી નોટિસો ખાનગી મકાનોના કેટલાક માલિકો મૂકે છે. એ દરવાજા સામે બે-ચાર વાહનો પડ્યાં જ હોય છે ! કેટલાકને તો, દાખલા તરીકે મને, આવી નોટિસ વાંચીને જ ત્યાં વાહન પાર્ક કરવાની પ્રેરણા મળે છે. (એકવાર તો મેં ટ્રાફિક નિયમનખાતા તરફથી મુકાયેલા ‘નો પાર્કિંગ’ના લખાણવાળા થાંભલાને અડકાડીને જ મારું સ્કૂટર પાર્ક કર્યું હતું અને કડદો કરવામાં નિષ્ફળ જવાને કારણે દંડ પણ ભર્યો હતો.) કેટલીક વાર સ્કૂટર પાર્ક કર્યા પછી આજુબાજુ એટલાં બધાં સ્કૂટર પાર્ક થઈ ગયાં હોય છે કે એ ચક્રાવામાંથી સ્કૂટર બહાર કાઢવાની અભિમન્યુવિદ્યા જેને આવડતી હોય એ જ સ્કૂટર બહાર કાઢી શકે. આવી કોઠાવિદ્યાની જાણકારીના અભાવે એકવાર આવા ચક્રાવામાંથી સ્કૂટર બહાર કાઢવા જતાં એક મોટરસાઈકલ આખી અને એક સ્કૂટર અર્ધું – મારા પર એવી રીતે ગોઠવાઈ ગયાં કે સ્કૂટર બહાર કાઢવાની વાત તો બાજુ પર રહી પણ હું પોતે ચાર-પાંચ પરોપકારી સજ્જનોની સઘન મદદ પછી માંડ બહાર નીકળી શક્યો હતો.

રસ્તા પર વાહનો પાર્ક કરવાં એ ગુનો ગણાય છે. પણ અમદાવાદમાં ગાય પોતે ઈચ્છે ત્યાં પાર્ક થઈને ઊભી રહે છે એ ગુનો બનતો નથી. મરજીમાં આવે ત્યાં પાર્ક થઈને ઊભી રહેતી ગાયને ઉપાડીને કોઈ ટ્રકમાં ચડાવી દેતું નથી. (એ રીતે સરકાર અને એનું ટ્રાફિક નિયમનખાતું પોતાનો સંસ્કૃતિપ્રેમ બતાવી રહ્યાં છે.) પણ ટ્રાફિક નિયમનખાતાની ગાડી નીકળે છે અને સ્કૂટરોનાં અપહરણ થવા માંડે છે. પૃથ્વીરાજ ચૌહાણ જેવા વીર પુરુષો સ્વયંવર મંડપમાંથી બધાંના દેખતાં જ પોતાને મનથી વરી ચૂકેલી કન્યાને ઉઠાવી જતા. આ વીર ટ્રાફિકવાળાઓ પણ એ જ રીતે ધોળે દિવસે બધાંના દેખતાં જ સ્કૂટરો ઉપાડી જાય છે. વાહનચાલકની મંજૂરી વગર આ રીતે એનું વાહન ઉઠાવી જવું એ ગુનો ગણાય પણ સરકારી ખાતું આમ કરે ત્યારે કાયદેસરની કાર્યવાહી ગણાય છે. એટલે હું સ્કૂટર ચલાવી રહ્યો હોઉં ને અપહરણકર્તાઓની ગાડી નજરે પડે તો હું એટલો બધો ભયભીત થઈ જાઉં છું કે સ્કૂટરનું બૅલેન્સ જાળવવાનું ખૂબ અઘરું થઈ પડે છે. આવા અપહરણમાંથી મારા સ્કૂટરને ઉગારવા જતાં જે આપત્તિ થઈ એની કથા જાણવા-માણવા જેવી છે એટલે લખ્યા વગર રહી શકતો નથી.
અમદાવાદમાં ‘મીઠાખળી છ રસ્તા’ નામનો વિસ્તાર છે. આ છ રસ્તામાંના એક રસ્તા પર કૉર્પોરેટ ક્ષેત્રની એક બૅન્ક આવેલી છે. આ બૅન્કમાં મારે ઓછામાં ઓછું મહિને એક વાર જવાનું થતું હતું – ડિપૉઝિટ મૂકવા માટે નહિ, બૅન્કમાંથી લીધેલી લોનનો હપતો ભરવા માટે. એક દિવસ લોનનો હપતો ભરવા જઈ રહ્યો હતો. તમે બાળકોને નિશાળે જતાં ને નિશાળેથી છૂટતાં જોયા છે ? નિશાળના દરવાજામાં પ્રવેશે ત્યારે પડી ગયેલાં મોઢે ને ઘસડાતા પગે પ્રવેશે પણ છૂટતી વખતે દરવાજામાંથી નીકળે ત્યારે હર્ષોલ્લાસથી કિકિયારીઓ કરતાં નીકળે. એ જ રીતે મારે જ્યારે લોનનો ચૅક લેવા બેન્કમાં જવાનું હોય છે ત્યારે મારું હૃદય ભારે ઉત્સાહમાં હોય છે, સ્કૂટરની સ્પીડ અમથી-અમથી વધી જાય છે, પરંતુ લૉનનો હપ્તો ભરવા બૅન્કમાં જવાનું થાય છે ત્યારે મારો ઉત્સાહ એકદમ મંદ પડી જાય છે. હૃદય વિષાદનો અનુભવ કરે છે. સ્કૂટર અમથું-અમથું ધીમું પડી જાય છે. હું જાણું છું કે બૅન્કોની લોનના હપતા ન ભરીએ તો ચાલે, ઓછામાં ઓછું નિયમિત ન ભરીએ એટલું તો ચાલે જ એવું માનનારો મોટો વર્ગ આપણે ત્યાં છે. મને પણ આ પ્રમાણે માનવાનું અને એ માન્યતા પ્રમાણે આચરણ કરવાનું ગમે. પરંતુ આ માટે જે હિંમત જોઈએ એ ‘હિંમત’ નામધારી વ્યક્તિનો ભાઈ હોવા છતાં મારામાં નથી એટલે લોનના હપતા ભલે કચવાતા જીવે પણ હું નિયમિત ભરું છું. તે દિવસે આ રીતે ખિન્ન હૃદયે લોનનો હપતો ભરવા જઈ રહ્યો હતો. ત્યાં દૂરથી મેં સ્કૂટર અપહરણ-કર્તાઓની ગાડી જોઈ. બહુ ઉત્સાહથી સ્કૂટરોને અપહરણ-ગાડીમાં નખાતાં જોયાં. એક ભાઈ પોતાનું સ્કૂટર પાછું મેળવવા કાલાવાલા કરી રહ્યા હતા. મારી નબળી આંખે પણ મને આ બધું સ્પષ્ટ દેખાયું.

બૅન્ક પાસે સ્કૂટર ઊભું રાખવાને બદલે હું આગળ છ રસ્તા પર લઈ ગયો. હું એટલો બધો ગભરાઈ ગયો હતો કે મને થયું કે સ્કૂટર ધીમું પણ પાડીશ તો આ લોકો મને પણ સ્કૂટર સહિત અપહરણ-ગાડીમાં ચડાવી દેશે ! છ રસ્તા સુધી તો પહોંચી ગયો પણ ત્યાં ટ્રાફિક એટલો બધો હતો કે આમ જાઉં કે તેમ જાઉં – એવું વિચારવાનો વખત નહોતો. એક ફિલ્મી ગીતમાં નાયક ગાય છે કે ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઈસ ગલી મેં હમે પાંવ રખના નહિ’ મારી મન:સ્થિતિ એથી ઊલટી હતી : ‘જિસ ગલી મેં તેરી ગાડી ખડી હો મહેરબાં, ઉસ ગલી મેં હમેં સ્કૂટર રખના નહિ’. છમાંની એક ગલીમાં સ્કૂટર વાળીને દૂર-દૂર લઈ ગયો. ત્યાં એક ખાંચો જોયો. એ ખાંચામાં કેટલાંક સ્કૂટરો પડેલાં મેં જોયાં. મેં ત્યાં સ્કૂટર પાર્ક કરી દીધું. તાપ એટલો બધો હતો કે ઘડીક તો અહીં હું શા માટે આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે તેવા, સામાન્ય રીતે તત્વજ્ઞાનીઓને થાય તેવા, પ્રશ્નો મને થવા માંડ્યા. મેં તાપથી રક્ષણ મેળવવા માથા પર ટોપી ધારણ કરી હતી. આ કારણે તાપ ઓછો આવતો હતો, પણ વિચારો બિલકુલ આવતા નહોતા. સ્કૂટર પાસે જ સ્થિર થઈને હું થોડી વાર ઊભો રહ્યો. આખરે મને યાદ આવ્યું કે હું બૅન્કની લોનનો હપ્તો ભરવા નીકળ્યો છું. હું ખાંચાના છેડા પર આવ્યો, ત્યાં એક ખાલી રિક્ષા જોઈ. તાપથી હું એટલો બધો અકળાઈ ગયો હતો કે બૅન્ક બહુ દૂર નહોતી. તોય મેં રિક્ષા ઊભી રખાવી અને એમાં હું બેસી ગયો અને એ રીતે બૅન્કમાં પહોંચ્યો.

લોનના હપતાનો ચૅક ભરવા મેં સ્લિપ મેળવી. સ્લિપમાં ડિપૉઝિટરનો રસીદ નંબર ભરવાનો આવ્યો. રસીદનંબરવાળી પાવતી તો સ્કૂટરની ડીકીમાં રહી ગઈ હતી ! હવે ? હું દર મહિને લોનનો હપતો ભરવા આવતો હતો એટલે કાઉન્ટર પરના અધિકારી મને એક પ્રમાણિક દેણદાર તરીકે દીઠે ઓળખતા હતા. મેં એમને રસીદનંબર જોઈ આપવા વિનંતી કરી. એમણે મારું નામ પૂછ્યું – મેં ‘રતિલાલ બોરીસાગર’ કહ્યું. એમણે કમ્યૂટરની કળો દબાવી, બે-ત્રણ વાર દબાવી – પછી કહે, ‘નામ ખોટું લાગે છે.’ જે નામ મને જન્મ પછી તરત મળ્યું હતું, જે નામથી મેં મારું ભણતર પૂરું કર્યું હતું, લગ્નની કંકોતરીમાં જે નામ છપાવીને મેં લગ્ન કર્યાં હતાં, જે નામથી એકતાળીસ વરસ નોકરી કરી હતી – એ નામ ખોટું છે, એવું જિંદગીના ઉત્તરાર્ધમાં સાંભળીને ઘડીભર તો હું ડઘાઈ ગયો. મેં નમ્રતાથી કહ્યું, ‘હું બહુ બધું ભૂલી જાઉં છું તે સાચું છે, પણ મારું પોતાનું નામ ભૂલી જાઉં એટલો સ્મૃતિભ્રંશ હજુ નથી થયો.’
‘એમ નહિ. આને બદલે બીજા કોઈ નામે ડિપૉઝિટ હશે.’ અધિકારીએ કહ્યું.
‘મારે નામે પણ આટલી ડિપૉઝિટ માંડ મૂકી શક્યો છું. બીજાને નામે ડિપૉઝિટ મૂકી શકું એવો સમૃદ્ધ હું ક્યારેય હતો નહિ ને લાગે છે કે હઈશ પણ નહિ.’
‘તમે રતિલાલ પછી શું કહ્યું હતું ?’
‘બોરીસાગર.’
‘બોરીસાગર શું છે ?’
‘અટક છે.’ – મારા આ જવાબ પછી અધિકારીએ ફરી કમ્યૂટરની કળો દબાવી. રસીદનંબર મળ્યો. આ રસીદનંબર મળતાં અધિકારીએ કહ્યું, ‘તમારે અટક પહેલાં બોલવી જોઈતી હતી.’
‘હવે લોનનો હપતો ભરવા આવીશ ત્યારે એમ કરીશ.’ મેં કહ્યું.
‘ના, હવે આવો ત્યારે નંબર ઘરેથી લખીને જ લાવજો.’
‘ઓ.કે.’ મેં કહ્યું.

બૅન્કમાંથી નીકળી હું ચાલતો-ચાલતો ફરી મીઠાખળી છ રસ્તા પર આવ્યો. પણ હવે જ ખરી સમસ્યા ઊભી થઈ. આ બૅન્કના રસ્તા સિવાય બીજા પાંચ રસ્તા હતા. આ પાંચમાંથી ક્યા રસ્તે જઈને મેં કોઈ ખાંચામાં સ્કૂટર પાર્ક કર્યું હતું, તે યાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો. પણ કશું યાદ આવ્યું નહિ. હું સ્કૂટર લાવ્યો હતો કે નહિ, એ જ યાદ કરતાં ઘણી મુશ્કેલી પડી. ‘ટૅક્સી-ડ્રાઈવર’ નામની જૂની ફિલ્મમાં ફિલ્મનો હીરો દેવાનંદ એક ગીત ગાય છે. તલત મહમૂદના મખમલી કંઠથી એ ગીત ગવાયું છે : ‘જાયેં તો જાયેં કહાં, સમજેગા, કોન યહાં, દર્દભરે દિલ કી જુબાં…. જાયેં તો જાયેં કહાં ?’ મને પણ આવો જ પ્રશ્ન થવા માંડ્યો. ક્યાં જાઉં ? ક્યા રસ્તે જાઉં ? અત્યારે મારા હૃદયમાં જે દર્દ છે તે પાર્કિંગના આયોજનની જેની પાસે સત્તા છે કે સ્કૂટરનું અપહરણ કરી જવાની જેમની સત્તા છે તે સમજશે ? કોણ સમજે ? શા માટે સમજે ?

છ રસ્તા પર આમ હું મનોમંથન કરતો ઊભો હતો, ત્યાં એક રિક્ષા મારી પાસે ઊભી રહી. રિક્ષાવાળા ભાઈએ પૂછ્યું : ‘અરે સાહેબ, હજુ અહીં છો ? સ્કૂટર નથી લઈ આવ્યા ?’ મેં જોયું કે સ્કૂટર મૂકીને હું જે ખાંચા પાસેથી રિક્ષામાં બેસીને બૅન્ક પાસે આવ્યો હતો એ જ આ રિક્ષા હતી ! ચમત્કારો આજેય બને છે ! સાક્ષાત પ્રભુ ગરુડ પર બેસીને મારી સમસ્યા હલ કરવા આવ્યા હોય એવો આનંદ મને થયો. મેં પૂછ્યું, ‘જે ખાંચા પાસેથી હું તમારી રિક્ષામાં બેઠો હતો તે ખાંચા સુધી તમે મને લઈ જઈ શકો ? એ ખાંચો અહીંથી તમને જડે ?’
‘હા-હા કેમ નહિ ? હું આંખો મીંચીને રિક્ષા ચલાવું તોય ખાંચો જડી જાય.’ રિક્ષાવાળા ભાઈએ કહ્યું. આંખો મીંચીને રિક્ષા ચલાવવાની એમની વાતથી હું થોડો ગભરાયો. પણ પછી સમજ્યો કે એ સાહિત્યની ભાષામાં બોલ્યા હતા. હું રિક્ષામાં બેઠો. થોડી જ વારમાં રિક્ષાવાળા ભાઈ મને પેલા ખાંચા પર લઈ આવ્યા, એટલું જ નહિ, રિક્ષા ખાંચામાં વાળીને બરાબર મારા સ્કૂટર પાસે જ ઊભી રાખી !

[કુલ પાન : 160. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001. ફોન : +91 79 26564279 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખ નામે સ્વપ્નપંખી – ડૉ. પ્રકાશ ગજ્જર
વિચારમાળાનાં મોતી – સં. ગોપાલ મેઘાણી Next »   

25 પ્રતિભાવો : પાર્કિંગ પ્રૉબ્લેમ ! – રતિલાલ બોરીસાગર

 1. nayan panchal says:

  મજા આવી ગઈ.

  આભાર.

  નયન

 2. dhiraj says:

  mari drastie ratilal borisaagar vartaman hasya lekhako ma hasya samarat chhe.
  temna ghana lekho me vanchya chhe ane pachhi ghanu ghanu hasyo chhu.

  jem ke

  khovayeli saikal
  hraday rog
  juni vastu ono sanghrah

  etc

  please emne ek message convey karjo ke bija bhale emne pasand na karata hoy pan gujarat ma ek vachak to chhej je emna lekho vanche chhe………..

 3. 😀 …

  મજા પડી !! ઘણા દિવસે રતિકાકાનો લેખ !!

 4. Vishal Jani says:

  બહુ ખરાબ – ટ્ર્ફીક, બહુ સુદર – લેખ

 5. kumar says:

  કલાત્મક્ક
  આવા વધુ લેખ આપવા વિનન્તિ

 6. Rajni Gohil says:

  રતિલાલ બોરીસાગરનો હાસ્યલેખ વાંચવાની મઝા માણી. મન પ્રફુલ્લિત થયું. પ્રવહિ શૈલી પણ ખુબ જ ગમી.

  ૧૯૮૫માં હું મારી પત્ની, મારા સાસુ અને સાળાને Garden State Mall (New Jersey, USA)માં લઇ ગયો હતો. ગાડી પાર્ક કરીને નીશાની તરીકે Lord And Taylor ના પાટિયા બાજુના પાર્કીંગ લોટમાં છે તે ધ્યાન રાખ્યું હતું. બહાર નીકળીને ગાડી શોધતાં પોંણો કાલાક થયો. કારણ એક સરખા Lord And Taylor ના પાટિયા ત્રણે બાજુના પાર્કીંગ લોટમાં હતા. શરૂઆતમાં તો મને એમ લાગ્યું હતું કે કોઇ ગાડી ચોરી ગયું હશે. You cannot park on Parkway (It is highway) and you can not drive on driveway.

 7. Ramesh Pael says:

  આનંદના ટ્રાફિકમાં શ્રી રતીલાલ બોરીસાગરે અટવાય પાડ્યા.
  ખૂબ જ મજા આવી.

  રમેશ પટેલ(આકાશદીપ) યુ એસ એ

 8. ઈન્દ્રેશ વદન says:

  સારો લેખ.
  મોદી સાહેબે ટ્રાફિકની સમસ્યા નિવારવા પગલાં લેવા જોઈએ.

 9. mohit says:

  અમદાવાદનો ટ્રાફિક problem,અમદાવાદીઓની traffic-sense(or non-sense), રખડતી ગાયોની સમસ્યા,toeing squad નો આતંક,traffic department ની નિષ્ક્રિયતા,છ રસ્તા જેવા junctions પર location indicators નો અભાવ જેવાં કેટલાંય traffic related issues રતિકાકાએ કેવી હળવી પણ અસરદાર શૈલીમાં રજૂ કર્યું છે! દરેક અમદાવાદીએ વાંચવા જેવો લેખ.

 10. Hiral Thaker "Vasantiful" says:

  “સાક્ષાત પ્રભુ ગરુડ પર બેસીને મારી સમસ્યા હલ કરવા આવ્યા હોય એવો આનંદ મને થયો. ”

  😀

 11. unknown says:

  If you can drive in Ahmedabad, you can drive in any where in the world!

  Good article.

 12. Urmila Rathod says:

  Khub ja saraa, Hasya vagar na rahevayu

 13. have trafik polis strik thai chhe, car, skuter uthavi jai chhe, mate park karata pahela chek kari park karasho. ratikaka ne sambhala jevachhe, tensan mukt karechhe, hasavechhe, anand aapechhe. jaisadguru.

 14. ASHOK DAXINI says:

  GOOD SENSE OF HUMOUR, VERY MUCH NEEDED IN THESE DAYS OF STRESS & STRAIN!!!

 15. Anant Patel says:

  ખુબ સરસ લેખ .

 16. Janki says:

  lollzz. omg.. that was hilarious.. he forgot wer he parked the scooter!!!!.. wow.. and also that bank person.. ” borisagar shu che” !!!! lolzz

 17. MAHENDRA THAKKER says:

  AKDAM SARAS MAJA AVI GAI DHANYAVAD RATIKAKA

 18. shailesh patel says:

  article raed karya pachhi scooter up-harankartao ne jovathij hasvu rokatunathi, aatlubadhu halvu hasya BORISAGARKAKA sivay koi biju na aapi sake,maru manvuchhe ke ratikakane DOCTOR kahishakay , vagar medicine tabiyat sudhari aapechhe, khub khub …….aabhar.

 19. Neha Pancholi says:

  kharekhar bahu maja avi.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.