અનુભૂતિ – હર્ષદ કાપડિયા

દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રનાં રેલ્વે સ્ટેશનો પર કડવા લીમડાનાં વૃક્ષો જોઈને મન લહેરાતું. બપોરનો આકરો તડકો વરસતો હોય ત્યારે જંકશન આવતું. શાપુર એનું નામ. ત્યાંથી ગાડી બદલીને મામાને ગામ જવાતું. ગાડીની વાટ જોતાં લીમડા નીચે બેસતાંને ભાથું ખોલતાં. છાપાના કાગળમાં વાસી થઈ ગયેલા સમાચાર પર બાજરીના થેપલાંને દહીં મૂકતાં. કોઈ વાનગી પર કોથમીર ભભરાવીએ એમ અમારા આ ભાથા પર લીમડો પોતાની છાંય ભભરાવતો ને એ મીઠી લાગતી. સીમમાંથી દોડી આવતો પવન લીમડાને સ્પર્શીને પાવન બની જતો. ડોલતા લીમડામાં સમયનું લોલક દેખાયા કરતું. એને લીધે સમયનું આખું પરિમાણ બદલાઈ જતું. ગાડી આવતી ત્યારે બધા લીમડા પોતાની પાસેથી પસાર થતા એન્જિનને વધાવી લેતા. પણ ખરી મજા તો સ્ટેશનને છેડે જઈને એન્જિન ઊંભું રહેતું ત્યારે આવતી. એન્જિન સૂસવાટા કર્યે જાય ને એની પાસેનો લીમડો ધૂણ્યે જાય. અમે કહેતા કે જો લીમડાને એન્જિન વળગ્યું. એન્જિન એની ગરમાગરમ વરાળ પણ છોડે અને એ વખતે લીમડો રેબઝેબ થઈને નીતરે.

એમ તો ધર્મશાળાના ચોગાનમાંય ઘણા બધા લીમડા. ઢળતી બપોરે એની છાયામાં બેસીને કોઈક ઉતારુ બીડી તાણતો હોય ત્યારે એ આખા આયખાનો થાક ઉતારતો હોય એવું લાગે. એ મનોમન વાતો કરતો હોય ને લીમડો સાંભળતો રહે. રાતે લીમડાના પડછાયા લાંબા થઈને પરસાળમાં આવી પહોંચે. કડવી છતાં મીઠી વાસ લેતા આવે. શ્વાસમાં એનું ભાથું બાંધીને ઉતારુ આગળનો પ્રવાસ આરંભે. વધારે સંવેદનશીલ ઉતારુ લીમડાની નાનકડી ડાળ પણ બાંધી લે. એક લીમડાનું અસ્તિત્વ એક જ સ્થળે જમીનમાં ખોડાઈ રહેવાને બદલે ક્યાંનું ક્યાં પહોંચી જાય. સવારે એ દાતણ થઈને ઉતારુના બત્રીસ કોઠે દીવા કરે.

ભૂલેશ્વરમાં કે બજારગેટ સ્ટ્રીટમાં આજ સુધી લીમડાની સોટી જોતો ત્યારે શાપુર સ્ટેશન પર એન્જિન સામે ધૂણતો લીમડો નજર સામે તરવરતો. પણ થોડા દિવસથી મન:સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે મને એ દાતણની સોટીઓમાં લીમડાનાં શબ દેખાય છે. જે લીમડો શ્વાસમાં મીઠી લહેરખી ભરી દેતો, એનાં શબ મનમાં વલોપાત ભરી દે છે. પ્રકૃતિ અને માનવીના હિત માટે ડોલતાં સેંકડો લીમડાની કતલ કરવામાં આવીને આ હત્યારાને પૂછવાવાળું કોઈ નહીં. આવી રીતે કોઈ ધાર્મિક સ્થળ ધરાશયી થયું હોત તો વિરોધનો વંટોળ જાગત. આપણે લીમડાને મંદિર માનીશું ત્યારે ઈશ્વર જાગશે. ‘છોડમાં રણછોડ’ સુત્રનું ચુસ્ત પાલન જ હવે આપણને ઉગારી શકે. પરંતુ આપણી જડવૃત્તિ આપણને છોડમાં રણછોડ જોવા દેતી નથી.

દર વર્ષે હોળી પેટાવવા માટે થતો લાકડાનો ખડકલો મને ગુના વગર દેહાંત દંડની સજા પામેલા વૃક્ષની યાદ અપાવે છે. હોળીની આસપાસ ટોળે વળેલા લોકોને, ઋષિઓના હવનમાં વિધ્ન નાખતા અસુરો સાથે સરખાવી શકાય. આ આસુરોને વૃક્ષો સાથે બાપે માર્યા વેર છે. એક શહેરમાં સંખ્યાબંધ વડને ઢાળી દેવાયા ત્યારે એ સફાચટ વિસ્તાર જોઈને કોઈકે હરખાઈને કીધેલું : ‘જોયું, હવે આ જગ્યા કેવી ચોખ્ખી લાગે છે.’ એ જ શહેરમાં એક રસ્તો પહોળો કરવા માટે કેટલાંય વૃક્ષો કાપી નાખ્યાં. એમાં એક વૃક્ષ પર તો પોપટની વસાહત હતી. એ પંખીઓને વૈકલ્પિક આવાસ આપવાની જોગવાઈ આપણા બંધારણમાં નથી. આપણું માનસિક બંધારણ જ એવું થઈ ગયું છે કે આપણને પશુ અને પંખીઓ પરના અત્યાચાર સ્પર્શી શકતા નથી. આપણી જડતાનો એક નમૂનો મારી સ્મૃતિમાં એક ઘાની જેમ કોરાઈ ગયો છે. જૂનાગઢમાં એક ગાય રસ્તામાં ઊભી ઊભી વાગોળતી હતી. એક માણસ અચાનક દોડતો આવ્યો, ઊછળ્યો ને ગાયના પેટમાં લાત ઝીંકી દીધી. ગાય તમ્મર ખાઈને પડી. પેલો માણસ હસતો હસતો જતો રહ્યો. એને કહેવાવાળું કોઈ નહોતું. ગાય પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી શકતી નથી. જોકે કુદરતી ન્યાયમાં માનતા લોકો કહે છે કે આવા જુલમનો બદલો મળે જ છે. પણ આજે અછતથી પીડાતા ગુજરાતના અમુક વિસ્તારોમાં શિક્ષા તો પશુઓ અને પંખીઓ જ ભોગવે છે. આપણા અસ્તિત્વ માટે અણમોલ યોગદાન આપતા આ જીવો જ વધારે સહન કરે છે, અને મરે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હનુમાન જયંતી વિશેષ
કાવ્યસુધા – નિતલ શેઠ Next »   

16 પ્રતિભાવો : અનુભૂતિ – હર્ષદ કાપડિયા

 1. Dilip M Khatri says:

  માનનીય શ્રી,
  આપનો ‘અનુભૂતિ’ લેખ વાચીને રુદયામાં એક અનુકંપા જાગી ગઇ..ખરેખર માણસ એક અવ્વલ નંબરનું સ્વાર્થી પ્રાણી છે. આની સામે આપણે કાંઇ જ કરી શકતા નથી તેનો અફસોસ જરુર થી રહે છે. વિકાસ ના નામે ચાલતી આ હત્યાઓ ક્યારે અટકશે?? આપણાં માં રહેલુ હિજડાપણું ક્યારે દૂર થશે? મૂક અને નિશ્ચલ જીવોના આક્ર્ન્દને કોણ સાંત્વન આપશે?

  પંદર દિવસ બાદ હું મારાં ઘરે ગયો..જોઉ છું કે જે લીમડાના વૃક્ષ ની છાયાંમા રમ્યા હતાં, જેની ડાળીઓ ઉપર ચડ્યાં હતા..જેની છાયામાં ભણ્યાં હતાં..પડોશી શ્રી એ તેની કત્લ કરી નાંખી હતી..આંખોમાં અશ્રુ સાથે વિલાપ કરવા સિવાય મારી પાસે કોઇ માર્ગ ન હતો.. વધુ તો શું કરું..બે વૃક્ષ ની વાવણી કરવાની શ્રધ્ધાંજલી અર્પી શક્યો છું.

  દિલીપ ખત્રી

 2. અમિત પિસાવાડિયા says:

  લાગણી સભર લેખ છે , વૃક્ષો મા પણ જીવ હોય છે ,,

 3. Sejal says:

  ઘણું જ સરસ. એક સારો લેખ છે. ઘણાં સમયથી રીડ ગુજરાતી વાંચી શકતી નથી, કામની વ્યસ્તતાને કારણે. સોરી મૃગેશભાઈ

 4. ઘણો જ સરસ લેખ છે. પરમ કૃપાળુ પરમાત્માએ જે સુંદર જીવસૃષ્ટ આપેલ તેનો માનવ તરીકે આપણે મોટાભાગે ગેરઉપયોગ કરીએ છે. કેટલાય વૃક્ષોની વગર કારણસર કે સ્વાર્થી કારણોસર હત્યા થઈ જાય છે. લેખકની પરિસ્થિતિ અમે પણ અનુભવી શકીએ છે. આશા રાખીએ કે આપણા રાજકારણીઓ પર્યાવરણની જાળવણી પર વધારે ધ્યાન આપે અને આંધળા વિકાસની દોડમાં જીવનનાં મૂળભુત મૂલ્યોનું જતન કરવાનાં પ્રયત્નો કરે.

  સિદ્ધાર્થ શાહ

 5. satya maheshwari says:

  very very interesting article, should be published at national network. than you very much.

 6. Rasikbhai Gandhi says:

  Dear Mrugeshbhai,
  I like readgujarati site very much. A few years back I had read a “Hasya Lekh” on Maharashtrian Surnames in one of our gujarati magazines by a gujarati writer. I donot remember the name of the magazine or the writer. But I wish to read it again. It was a great experience and I think the readers would enjoy reading it. Can you find out and print it?

  Regds
  Rasikbhai Gandhi

 7. Naresh says:

  Very Good ! Really sensitivity toewards animals and trees is already receding in the human beings daily routine , you helped to realise by narration of incidents. Please keep it up

 8. nayan panchal says:

  ખૂબ જ લાગણીસભર લેખ છે. જીવમાત્ર દયાને પાત્ર છે.

  જો અન્ય જીવોને પણ વાચા હોત તો તેઓ પણ ફરિયાદ કરત કે માનવી નામનુ “સામાજિક પ્રાણી” તેમને કેટલી પીડા આપે છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.