જીવનના રંગ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] હીરાનાં લવિંગિયાં

પરસેવાથી રેબઝેબ રમા રસોડામાંથી ગૅલેરીમાં આવી ઊભી. પડોશની વ્યોમા તે જ વખતે બહાર જવા નીકળી. રમાની નજર વ્યોમાના કાનમાં લટકતાં લવિંગિયાં પર ચોંટી રહી. કેવાં સરસ ચમકદાર હીરાનાં લવિંગિયાં છે ! એણે મનોમન હિસાબ કરી લીધો. બે વરસ નોકરી કરી આઠ હજાર જેટલા તો ભેળા થયા છે. બીજા હજારેક થાય એટલે પોતાના કાનમાં પણ વ્યોમાના જેવાં જ લવિંગિયાં ચમકતાં હશે. હીરાનાં લવિંગિયાંની રમાને બહુ હોંશ. લગ્ન વખતે માબાપ એને લવિંગિયાં કરાવી આપવાનાં પણ હતાં. પરંતુ રમેશ જો પરદેશ જઈ ભણી આવે, તો લવિંગિયાં જ શું કામ, હીરાનો આખો સેટ પછી ક્યાં નથી કરાવાતો ? એટલે રમાએ આગ્રહ કરી એ પૈસામાંથી રમેશને બે વરસ ભણવા પરદેશ મોકલ્યો હતો.

રમેશ ભણી આવ્યો. સારી નોકરીએ લાગ્યો. એને પંદર-પંદર વરસ વીતી ગયાં પણ રમાનાં લવિંગિયાં ન આવ્યાં. સ્કૂટર આવ્યું, સારું ઘર લેવાયું પણ લવિંગિયાં યાદ ન આવ્યાં. રમાને તો વારે વારે યાદ આવતાં. લવિંગિયાં માટે એનું મન ઝૂરતું રહેતું. પણ પોતે યાદ કરે તેમાં એને નાનમ લાગતી. રમેશ પોતે સામેથી શું કામ યાદ ન કરે ? તેમાં છેલ્લાં પાંચ વરસથી તો રમાની વ્યથા અત્યંત ઘેરી બની ગઈ હતી. પડોશની વ્યોમાના કાનમાં લટકતાં લવિંગિયાં રમાના મનને હાલકડોલક કરતાં રહેતાં. છેવટે એણે નક્કી કર્યું કે હું નોકરી કરીને પૈસા બચાવીશ અને તેમાંથી લવિંગિયાં ખરીદીશ. રમેશને અને છોકરાંવને ગમ્યું તો નહોતું, પણ રમા મક્કમ હતી. અત્યાર સુધી તો રમાએ લવિંગિયાંની વાત કોઈને કરી નહોતી પણ ત્રણ-ચાર દિવસ ઉપર એની માસીની દીકરી મળવા આવી. એના કાન ઉપર પણ હીરાનાં લવિંગિયાં જોઈ રમાથી રહેવાયું નહીં. ‘હવે હુંય લવિંગિયાં લેવાની છું. મને સારાં લાગશે કે ?’
‘આ મારાં બે દિવસ પહેરીને જો ને !’

એનાં લવિંગિયાં રમાએ બે દિવસ પહેર્યાં. ઉત્સાહથી આજુબાજુમાં ગઈ. ખાસ લવિંગિયાં દેખાય એ રીતે બેઠી-ઊઠી પણ કોઈએ કાંઈ પૂછ્યું નહીં. રમાનું મન ખારું તો થયું પણ એણે મન મનાવ્યું કે એ તો જૂનાં ખરાં ને તેથી ઝટ કોઈની નજર ન જાય. મારાં નવાંનક્કોર આવશે કે બધાં જોઈ જ રહેશે ! અને નવાં લવિંગિયાં ખરીદવા એનું મન તલપાપડ થઈ ગયું.

એ બજારમાં ગઈ. પાંચેક હજારથી લઈને પંદર હજાર સુધીનાં લવિંગિયાં હતાં. રમા આઠ-દસ હજારની આસપાસનાં નંગ શોધી રહી હતી. એક સોનીએ એને કહ્યું, ‘એવાં લવિંગિયાં આજે સવારે જ એક ગ્રાહકને આપ્યાં પરંતુ હું તમને એક બીજી ચીજ બતાવું. જુઓ, કેવા સરસ મોટા ને ચમકદાર હીરા છે ! આ છે નકલી, પણ ભારે અનુભવી ને પારખુ માણસ સિવાય કોઈને ખબર ન પડે. પાંચસો રૂપિયાની જોડી થાય. હમણાં આ બહુ ચાલે છે. તમારાં પાડોશી વ્યોમાબહેન છે ને, એ તો દર બે-ત્રણ વરસે આવી નવી જોડ લઈ જાય. એટલે હંમેશાં નવાંનક્કોર ને ચમકદાર લવિંગિયાં એમના કાને લટકતાં દેખાય !’
રમા તો સડક જ થઈ ગઈ ! તો, વ્યોમાનાં લવિંગિયાં અસલી નથી ? એ તો ભારે શેખી મારતી’તી કે ‘ઓછામાં ઓછા દસ હજારનાં નંગ છે !’ અને ઘણી વાર ટોણાયે મારતી : તમને શોખ નથી ?… બૅન્કનો બોજ થોડો ઓછો કરો, શરીર પર દેખાવા દો !’

રમાનું મન ચકડોળે ચઢ્યું… વ્યોમાના ઘરમાં તો નોકર-ચાકર-રસોઈયો. એ નકલી પહેરીને નીકળે તો કોઈને શંકા ન જાય. બધાં તેનાં લવિંગિયાંને અસલી જ માને. જ્યારે હું તે દિ’ સાચા હીરાનાં લવિંગિયાં પહેરી નીકળી તોયે કોઈનું ધ્યાન ન ગયું. કદાચ હવે પોતાનાં ખરીદીને પહેરીશ તોયે ઘણી પૂછશે, ‘સાચે જ આ હીરાનાં છે કે ?’ શું એ બધાને સાચાં લવિંગિયાંનું બિલ બતાવતી ફરશે ?….. હીરાનાં લવિંગિયાં માટેની તડપ એકદમ ઓસારી ગઈ. ‘શું આવી નાચીજ ચીજ માટે હું પંદર પંદર વરસ સુધી ઝૂર્યા કરી ? અને છેલ્લાં બે વરસથી નાહક આટલી બધી હડિયાપાટુ કરી ?’

નોકરીમાંથી એ રાજીનામું દઈ આવી. એના મન પરથી ભારે મોટો બોજો ઊતર્યો. તે સાંજે રમેશ આવીને બોલ્યો, ‘ચાલ રમા ! હું તારે માટે હીરાનાં લવિંગિયાં નક્કી કરી આવ્યો છું… ઠેઠ પંદર વરસે મેળ પડ્યો !……’
‘નહીં, નહીં, મારે લવિંગિયાં નથી જોઈતાં !’
રમેશે ચમકીને રમા સામે જોયું. પણ રમાની આંખોમાં ન ડંખ હતો, ન રીસ. એના ચહેરા પર તૃપ્તિ અને સમાધાન નીરખતાં હતાં.

(ઈંદ્રાયણી સાવકારની મરાઠી વાર્તાને આધારે.)
.

[2] કૅશિયરની કાબેલિયત

અશોક બેન્કમાં દાખલ થયો અને ત્યાં બહુ ભીડ જોઈને તેનું મોઢું કટાણું થઈ ગયું. પોતાના જ પૈસા મેળવતાં ખાસ્સો અડધો-પોણો કલાક આપવો પડશે ! પણ વચ્ચે બે રજા આવી ગઈ. એટલે આજે બૅન્કમાં ભારે ધસારો હતો. લાંબી લાઈનમાં ઊભા રહ્યા વિના છૂટકો નહોતો. લગભગ વીસેક મિનિટે ચેક આપીને ટોકન તેના હાથમાં આવ્યો. પછી તેનો નંબર બોલાતાં બીજી વીસ મિનિટ ગઈ. કાઉન્ટર ઉપર જઈને ટોકન આપીને તેણે પૈસા લીધા. કેશિયરે સો-સોની નોટનાં બે બંડલ આપ્યાં. બંને બાજુ સ્ટેપલ મારેલાં બે આખાં બંડલ હતાં. ઉપર બેન્કની સ્લીપ પણ હતી. અશોકે બંને બંડલ ગણ્યા વિના જ પોતાની બ્રીફકેસમાં મૂક્યા અને બહાર આવ્યો. બહુ મોડું થઈ ગયું હતું. તેણે સ્કૂટર મારી મૂક્યું. પરંતુ રસ્તા ઉપર પણ એટલી જ ભીડ. આજે તો કેટલાં બધાં કામો પતાવવાનાં હતાં ! પણ જ્યાં ગયો ત્યાં આજે મોડું ને મોડું જ થતું ગયું. છેવટે ઘરે પહોંચ્યો ત્યારે રાત પડી ગઈ હતી, અને તેની પત્ની ભારે આતુરતાથી તેની રાહ જોઈ રહી હતી.

‘આજે તમે ક્યાં ખોવાઈ ગયા હતા ? બપોરે જમવા પણ નહીં આવ્યા ?’
‘અરે, જમવા આવવાની ફુરસદ જ ક્યાં હતી ? દિવસ આખાની રઝળપાટથી આજે તો બહુ કંટાળી ગયો.’
‘અરે, પણ બૅન્કમાંથી બે જણ બે વખત તમારી પૂછા કરતા ઘરે આવી ગયા. કાંઈ ગરબડ થઈ છે ? આ ફોન નંબર આપતા ગયા છે. કહી ગયા છે કે રાતે ગમે તેટલા મોડા આવે પણ જરૂર-જરૂરથી આ નંબર ઉપર ફોન કરાવશો.’

અશોકે ચિઠ્ઠી હાથમાં લીધી. કોઈક સુધીરબાબુનો ફોન નંબર હતો. અશોક ચિંતામાં પડી ગયો. એમને વળી મારું શું કામ પડ્યું હશે ? મૂંઝવણ સાથે તેણે નંબર જોડ્યો. સુધીરબાબુ જાણે એની વાટ જોઈને જ બેઠા હતા. એમના અવાજમાં ચિંતા ને ઉત્કટતા તરવરતી હતી.
‘અશોકબાબુ ! અમે બબ્બે વાર તમારે ઘરે આવી ગયા પણ આપ ન મળ્યા. તમે આજે બૅન્કમાં આવ્યા હતા ને ! વીસ હજાર રૂપિયા તમે ઉપાડ્યા. સો-સોનાં બે બંડલ. બંડલ તમે ચેક કર્યાં ?’
‘કેમ ? શી બાબત છે ?’
‘જરીક ગંભીર બાબત છે. તે પૈસા હજી તમારી પાસે જ છે ?’
‘હા, હા, પણ તેનું શું છે ?’
‘તમે તે બંને બંડલ ફરી તપાસી લેશો ?’
‘જરા થોભો !’ – કહી અશોકે બ્રીફકેસ ખોલી બંડલ હાથમાં લીધાં. હેરવી-ફેરવી જોયાં. બંને બંડલ એમ ને એમ આખાં હતાં. તેમાં કશું અવનવું જણાયું નહીં. તે ફોન ફરી લેવા જતો હતો, ત્યાં જ તેની આંખો ચમકી. એક બંડલ હાથમાં લીધું. ધ્યાનથી બે વાર તપાસ્યું. એ સોને બદલે પાંચસોની નોટોનું હતું. તેના મગજમાં ઝબકારો થયો. હૃદયના ધબકાર થોડા વધી ગયા. પણ તેણે જાતને સંભાળી લીધી. ફરી ફોન લઈ સહજ સ્વરે બોલ્યો, ‘હા, સુધીરબાબુ ! બંને બંડલ મારા હાથમાં છે. તેનું શું કરવાનું છે ?’
‘બંને બંડલ સો-સોની નોટનાં જ છે ?’
‘હાસ્તો ! કેમ આમ પૂછો છો ?’
‘તેમાંનું એક પાંચસોની નોટોનું નથી ને ? બંનેની સાઈઝ સરખી છે અને લગભગ એક સરખાં જ લાગતાં હોય છે.’
‘ના, પણ એવું કાંઈ નથી. બંને સો-સોની નોટોનાં જ છે.’ – અશોકે ચીપી-ચીપીને કહી દીધું.

જો કે ફોન મૂકી દીધા પછી અશોકના મનમાં ઘમસાણ ચાલ્યું. મોડે સુધી ઊંઘ ન આવી. આ ઠીક કર્યું કહેવાય ? બિચારો કેશિયર મરી જશે. પણ શું કરીએ ? ધંધામાં મને ઘણા ધૂતી જાય છે, ત્યારે હું કોને કહેવા જાઉં છું ? આજે ઘર બેઠાં 40 હજારનો નફો થયો છે, તે કાંઈ થોડો જવા દેવાય ? ધંધામાં આવા લાગણીવેડા ન ચાલે. મનને આવી રીતે ઢબૂરીને શાંત કર્યું ત્યારે તેને ઊંઘ આવી.

સવારમાં અશોક હજી નાસ્તો કરતો હતો તેવામાં સુધીરબાબુ જાતે તેના ઘરે આવી પહોંચ્યા.
‘અશોકબાબુ, પેલાં બંડલ મને બતાવશો ?’
અશોક જરીક થોથવાયો, પણ પછી બોલ્યો, ‘આપણે ફોનમાં વાત થયા બાદ પૈસા તો હું મારી ઑફિસમાં મૂકી આવ્યો. અને આજે મારે બહાર જવાનું હોવાથી ચાવી મારા મેનેજરને આપી આવ્યો છું. એ દસ વાગ્યા પહેલાં ઑફિસ નહીં ખોલે.’
સુધીરબાબુએ નિસાસો નાખ્યો. પછી ધીરે ધીરે વાત કરી. ‘અશોકબાબુ જેના હાથમાં આ પાંચસોનું બંડલ ગયું હશે, તેની અમને ભારે ચિંતા થાય છે કેમ કે પાછળથી અમારી રીજિઅનલ ઑફિસ તરફથી અમને ખબર મળ્યા કે પાંચસોની નકલી નોટોનું એક બંડલ ગઈ કાલે અમારી બ્રાન્ચમાં આવી ગયું છે. અમે બહુ તપાસ કરી. અમારી સિલકમાં તો તે નથી. ચૂકવણીમાંયે અમે પાંચસોનું બંડલ કોઈને આપ્યું નથી. એટલે સંભવ એવો છે કે સોને બદલે પાંચસોનું બંડલ કોઈને દેવાઈ ગયું હશે.’
અશોક અંદર તો ખળભળી ઊઠ્યો, છતાં મોઢા ઉપર જણાવા દીધા વિના બોલ્યો, ‘હા, બંને બંડલ સાવ સરખાં જ લાગતાં હોય છે. હું ઑફિસે જઈને ફરી બરાબર જોઈ લઈશ અને તુરત તમને જણાવીશ.’

અને બૅન્ક ઊઘડતાં વેંત અશોકબાબુ બંને બંડલ સાથે બૅન્કમાં કેશિયર સામે હાજર. ‘હા, તમે કહેતા હતા તેવું જ થયું. મને સમજાતું નથી કે કાલે રાતે કેમ મારા ધ્યાનમાં ન આવ્યું ?’ કેશિયરે ભગવાનનો પાડ માન્યો. પાંચસોનું બંડલ લઈને સોનું આપ્યું અને ‘આ વાત કોઈને કરતા નહીં’ – એમ અશોકને વારંવાર કહ્યું. અશોકને પણ ‘હાશ’ થઈ.

અશોકે વાત તો કોઈને ન કરી. પણ થોડા દિવસ પછી બૅન્કના મેનેજરને મળવાનું થયું. એમની સાથે થોડી ઓળખાણ હતી. અશોકે પોતાની વાત તો ન કરી, પણ સામાન્ય વાત કરતો હોય એમ પૂછ્યું, ‘આજકાલ પાંચસોની નકલી નોટો બહુ ફરતી થઈ ગઈ છે. તમે લોકો તેને કઈ રીતે પહોંચી વળો છો ?’
‘હવે સરળ થઈ ગયું છે. એક મશિન હોય છે. તે નકલી નોટોને તુરત પકડી પાડે છે. રીજિઅનલ ઑફિસમાં બધી નોટોને તપાસીને જ અમને મોકલાય છે.’
‘છતાં ક્યારેક પકડાયા વિના નહીં જતી રહેતી હોય ?’
‘નહીં, બિલકુલ નહીં. અને હવે તો અમારી બ્રાન્ચમાં પણ આવું અદ્યતનમાં અદ્યતન મશિન આવી ગયું છે. એટલે હવે આવો સંભવ જ નથી. અને પાંચસોની નોટોને તો બે વાર તપાસીએ છીએ.’

અશોક મૂંગો થઈ ગયો. કાંઈક ધંધાદારી ફટકો પડ્યાની તેને લાગણી થઈ. કેશિયર ભારે કાબેલ નીકળ્યો ! 40 હજાર હાથમાંથી ઝૂંટવી ગયો !

(શ્રી મહેશ ભટ્ટની અંગ્રેજી વાર્તાને આધારે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારમાળાનાં મોતી – સં. ગોપાલ મેઘાણી
જૂનું ઘર – ઉપેન્દ્ર પંડ્યા Next »   

38 પ્રતિભાવો : જીવનના રંગ – હરિશ્ચંદ્ર

 1. Hiral Thaker "Vasantiful" says:

  Nice stories

 2. nayan panchal says:

  Both stories are very nice. Cashier must be a gujju…

  Why am I not able to type in Gujarati today?

  Thanks,

  nayan

 3. Chirag Shah says:

  Really nice stories………Specially the second one…………..like the trick that Cashier has applied………………too good…………….

 4. JITENDRA J. TANNA says:

  બન્ને સરસ વાર્તા.

 5. Sujal Shah says:

  બન્ને ખુબજ સરસ વાર્તા છે.

 6. Moxesh Shah says:

  Excellent.Nice stories.

 7. Rajni Gohil says:

  રમાની આંખોમાં ન ડંખ હતો, ન રીસ. એના ચહેરા પર તૃપ્તિ અને સમાધાન નીરખતાં હતાં. સંતોષી નર સદા સુખી. સુખને બહાર, લવિંગિયાં કે બીજી વસ્તુમાં ગોતવાની જરુર નથી. આત્મસંતોષમાં જ ખરું સુખ છે તે રમાબહેને Practically બતાવ્યું. ઘણું જ ઉપયોગી માર્ગદર્શન છે.

  બંને બંડલ સો-સોની નોટનાં જ છે ? ભગવાન આવી રીતે આપણી પરીક્ષા લેતા હોય છે. કોઇક મણસ પૈસા રાખીને ભગવાનની કૃપા ગુમાવે અને કોઇક મણસ ઇમાનદારી બતાવીને ભગવાનની કૃપા મેળવે છે. Honesty is the best policy. વાર્તા સુંદર છે. ચાલો આપણે બધા જ આવા ગુણો કેળવીએ.
  Thanks Harishchandrabhai for spreading moral values by these stories.

 8. hiral says:

  ઇત વસ અ ગોૂફ સ્તોર્ય તો રેઅદ & અપ્પ્લ્ય્,

 9. pragnaju says:

  બન્ને બોધપ્રદ સુંદર વાર્તાઓનો એટલો જે ભાવવાહી અનુવાદ

 10. Riya says:

  લાભ કો ઈ પણ દિવસ કરવો નહિ. સંતોષી મન સદા સુખિ.

 11. VIPUL PANCHAL says:

  both stories are really nice.

 12. mohit says:

  both stories r basically about cheating. both others as well as self.in the first story, vyoma cheated rama saying artificial diamond necklace 2 b real one & in the other ashok cheated cashier. but eventually both got exposed. & this is the moral of the stories. truth always prevails,sooner or later.don’t rush 4 the diamond necklace bcoz some1 is already working there for u for years & he is more important than diamonds. & don’t even think of stealing that 500currency bundle bcoz some1 is always there 2 take that away from u as well.so better b true 2 others & self too!

 13. Veena Dave says:

  Both are good stories.

 14. Dhaval B. Shah says:

  Nice stories.

 15. param sneh says:

  simple and sobar….but i liked it..

 16. unknown says:

  Both are too good stories.

 17. પૂર્વી says:

  ખૂબ સરસ વાર્તાઓ.

 18. better than the best…….

 19. kamlesh patel says:

  immandari khandani hoy chhe tene amiri ke garibi sathe kainj leva deva nathi hotun karanke jo aamaj hot to aapna netao,amaldaro imandaraj hot.

 20. vinodpatel says:

  Both are very good stories I like most second more. In second story both ‘s fortune change one’s after another At last cashier win the game.

 21. ભાવના શુક્લ says:

  જીવનભર ઉત્કંઠાથી એક સ્વપ્ન પાછળ દોડતા રહીયે અને અંતમા એવી સુંદર સવાર ઉગે સ્વપ્નની મયાજાળ માથી બહાર આવી જઈએ. વ્યોમાના નકલી લવિંગિયાએ રમાને સ્વપ્નમાથી ઉગારી એક સુંદર વાસ્તવિક સવાર બક્ષી.

 22. Kaushik tanna says:

  Good work i read first web site in gulbsbui . Thanks all of you.

 23. Kaushik tanna India Porbandar says:

  Good work i read first web site in gujarati . Thanks all of you.

 24. Janki says:

  short but sweet.. great work . thanks

 25. Premal says:

  સુપર્બ વાર્તા છે. બાય ધ વે આજે First Time આ Website જાણવા મા આવી. I am really a big fan of reading Gujarati Novels and short stories. Nice Work

 26. Ha Ha Ha….Really Cashier is very intelligent.
  Nice story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.