નસીબદાર – નયનાબેન ભ. શાહ

દુર્ગેશે ઘરમાં પ્રવેશતાં જ કહ્યું : ‘દીદી, મને ઘર મળી ગયું, દીપને હવે હું બોલાવી લઈશ. દીપને ગમે તેવી જ જગ્યા છે. દીદી… હું બહુ જ ખુશ છું.’
‘ઘર મળ્યું એટલે કે દીપને બોલાવાની છે એટલે ?’ મેં પણ હસતાં હસતાં દુર્ગેશને કહ્યું. પણ મારી મજાકની પરવાહ કર્યા વગર દુર્ગેશે એના ખિસ્સામાંથી ડાયરી કાઢી અને મને બતાવતાં બોલ્યો. ‘જુઓ સુરત આવ્યે કેટલા દિવસ થયા ? ચોકડીઓ ગણી કાઢો.’
‘તો શું દુર્ગેશ તને અમારે ત્યાં નથી ગમતું’ મેં સહેજ ગંભીર થતાં પૂછ્યું.
‘દીદી, એ શું બોલ્યાં ? હું અમદાવાદથી નીકળ્યો ત્યારે જ તમારી દીદીએ કહેલું કે મારે તમારે ત્યાં જ આવવું, એટલું જ નહીં પણ, ઘર મળતાં સુધી તમારે ત્યાં રહેવા આગ્રહપૂર્વક કહેલું. બાકી હું હોટલમાં જ રહેત. પણ દીપની યાદ….’ મેં જોયું દુર્ગેશની આંખમાં આંસુ હતાં.

દુર્ગેશ મારી મોટીબેનની પડોશમાં અમદાવાદમાં રહેતો હતો. પરંતુ સુરતમાં કંપનીની ફેક્ટરી હોવાને કારણે દુર્ગેશની સુરત બદલી થઈ હતી. જો કે હકીકતમાં તો એ વ્યવસ્થિત રીતે ઘડેલી યોજના જ હતી, મનદુ:ખ કર્યા વગર જુદા રહેવાની. મેં દુર્ગેશને કહેલું તારી પત્ની સાથે જ આવવું હતું ને ? પણ દુર્ગેશ સંકોચસહ બોલેલો : ‘દીદી, તમને એક જણનું સાચવવાની તકલીફ પડે એમાંય બે જણનું સાચવવું પડે.’ દુર્ગેશ થોડા દિવસમાં અમારી સાથે ભળી ગયો હતો. જાણે કે વર્ષોથી અમને ઓળખતો હોય. અઠવાડિયું થતાં સુધીમાં તો દુર્ગેશ મારી સાથે મન ખોલીને વાતો કરતો થઈ ગયો હતો.

દુર્ગેશની વાતો મોટે ભાગે તો તેની પત્ની દીપર્શીને લગતી જ હોય. દુર્ગેશ ઑફિસથી આવે ત્યારે સામાન્ય રીતે હું ચા નાસ્તો તૈયાર રાખતી. ચા નાસ્તો કરતાં પણ દુર્ગેશ બોલતો : ‘દીદી, દીપ પણ હું ઑફિસથી આવું કે તરત ચા નાસ્તો હાજર કરી દે. દીપ હંમેશાં સરસ તૈયાર થઈને બેઠી હોય. દીપ તો મારી ખૂબ સંભાળ રાખે. દીપ તો હું ઑફિસે જવા તૈયાર થાઉં એ સમયે રૂમાલ, પાકીટ, ઘડિયાળ બધું તૈયાર રાખે. દીપનો સ્વભાવ તો બહુ જ મળતાવડો. દીપ બહુ ઓછું બોલે. પણ એ બોલે ત્યારે એના શબ્દોમાં પ્રેમ નીતરતો હોય… દીદી, અતયરે મારી દીપ શું કરતી હશે ?’ હું દુર્ગેશની વાતો સાંભળતી ત્યારે દીપર્શીને જોવાની, એને મળવાની મારી ઈચ્છા તીવ્ર બની જતી. હું દુર્ગેશને કહેતી : ‘દુર્ગેશ, તું દીપને આટલું બધું યાદ કરે છે તો અત્યારે દીપ તને જરૂર યાદ કરતી હશે.’ મારું વાક્ય સાંભળતાં જ એની આંખો ખુશીથી ચમકી ઊઠતી. જાણે દુર્ગેશ આ જવાબ સાંભળવા જ આતુર ના હોય ! મને થયું હું પણ મારા પતિ માટે આ જ રીતે બધું તૈયાર કરું છું. પણ આ વાત એમણે પ્રશંસારૂપ મને ક્યારેય કરી નથી કે બીજા કોઈને મારા વિષે કહેતાં સાંભળ્યા નથી. મને એમણે ક્યારેય ‘થેન્ક્યુ’ પણ કહ્યું નથી. આ બધું તો સહજ ક્રિયા રૂપે અમારા જીવનમાં બને છે.

ઘણીવાર દુર્ગેશના બેડરૂમની લાઈટ મોડી રાત સુધી ચાલુ હોય. સવારે હું વિવેક ખાતર પૂછતી : ‘દુર્ગેશ, તને અહીં કંઈ તકલીફ તો નથી ને ? ઊંઘ બરાબર આવે છે ? કાલે મોડી રાત સુધી તારા રૂમની લાઈટ ચાલુ હતી. તબિયત તો સારી છે ને ? દુર્ગેશ નિરાશ સ્વરે બોલતો : ‘દીદી, તમારે ત્યાં તકલીફ તો શું હોય ? તબિયત પણ સારી જ છે, પણ….’
‘પણ… પણ શું દુર્ગેશ ?’
‘દીપની યાદ. દીપ વગર ગમતું નથી.’
‘તો દીપને બોલાવી લે. દીપ આવવાથી મને કામમાં મદદ થશે અને તારી દીપને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.’

બીજે દિવસે રાત્રે પણ દુર્ગેશના રૂમની લાઈટ ચાલુ હતી. મેં મારા પતિને કહ્યું : ‘જુઓ, દુર્ગેશ એની પત્નીને જેટલી યાદ કરે છે એટલી મને તું યાદ કરે છે ? દીપર્શી નસીબદાર છે.’
‘રાતના બે વાગે વાતો કરવાનો સમય છે ? સૂઈ જા – મને ઊંઘ આવે છે.’ કહેતાં મારા પતિએ પડખું ફેરવી લીધું.’
‘ઓહ… તમે તો કેટલા નિરસ માણસ છો ? ત્રણ મહિના તમે અમેરિકા ગયા. મને યાદ કરી ? માત્ર બે પત્ર લખ્યા ટૂંકા ને ટચ… ચિંતા ના કરીશ, મઝામાં છું. અહીં ખૂબ કામ રહે છે… પત્ર વહેલો કે મોળો મળે તો ચિંતા ના કરીશ… અહીંથી કંઈ ખરીદી કરવી હોય તો લિસ્ટ કરીને મોકલજે….’
‘જો મને બહુ જ ઊંઘ આવે છે. પ્રેમ એ પ્રદર્શનની વસ્તુ નથી. મારી પોસ્ટ જવાબદારીવાળી છે. હું કલાર્ક નથી કે તારી જેમ સાહિત્યકાર નથી. મને પ્રેમપત્રો લખતાં ન આવડે અને પ્રેમનું પ્રદર્શન કરતાં પણ નહીં; સમજી ?’ ગમે તે હોય પણ દુર્ગેશનો એની પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈ મને સતત થતું કે દીપર્શી ખૂબ નસીબદાર સ્ત્રી છે.

દુર્ગેશે દીપર્શીને ઘર મળતાં જ બોલાવી લીધી. થોડી શરમાળ પરંતુ શોખીન સ્ત્રી લાગી. એકદમ આધુનિક-બોયકટ વાળ હતા. નખ રંગેલા હતા. સિલ્કની સાડી પહેરેલી, મેચીંગની લિપસ્ટિક કરેલી જોતાં ગમી જાય એવી હતી. દુર્ગેશના કહેવા મુજબ જ દીપર્શી ખૂબ ઓછું બોલતી હતી. દીપર્શીથી દસ દિવસ વિખૂટા પડ્યા બાદ દીપર્શીને જોતાં જ દુર્ગેશ ખુશ થઈ ગયો હતો. મારી હાજરીની પરવાહ કર્યા વગર દીપર્શીના બંને ગાલે હાથ ફેરવતાં બોલ્યો : ‘દીપ, દસ દિવસમાં તો જો તારા બંને ગાલ પણ બેસી ગયા છે. તારી આઈબ્રો કેટલી બધી વધી ગઈ છે….’
દીપર્શીએ સહેજ શરમાઈને મારી સામે જોયું. મેં દીપર્શીના ખભે હાથ મૂકતાં કહ્યું : ‘દીપર્શી, તું ખરેખર ખૂબ નસીબદાર છું. જો દરેક સ્ત્રીને દુર્ગેશ જેવો પતિ મળે તો સમાજમાં ‘દુ:ખ’ શબ્દ અસ્તિત્વમાં જ ના રહે. કોઈ ‘સ્ત્રીસંસ્થાઓ’ પણ ના ચાલે. બધે માત્ર સુખ સુખ અને સુખ જ હોય.’

બીજે દિવસે થોડી જક કરીને દુર્ગેશ દીપર્શીને એણે ભાડે રાખેલા ઘેર લઈ ગયો અને થોડો સામાન ગોઠવવા લાગ્યો હતો. બંને જણાં પાછાં ફર્યા ત્યારે દીપર્શી થાકેલી લાગતી હતી. દીપર્શીના થાકનું કારણ પૂછતાં જ દીપર્શી બોલી ઊઠી : ‘દીદી, સામાન તો માત્ર કલાકમાં ગોઠવાઈ ગયો. પરંતુ બે કલાક બ્યુટી પાર્લરમાં બેસી રહેવું પડ્યું ત્યારે નંબર લાગ્યો.’
‘પરંતુ દીદી, જુઓ હવે દીપર્શી કેટલી સરસ લાગે છે !’ અને હાથમાં રાખેલું સાડીનું પેકેટ ખોલી મને સાડી બતાવતાં કહ્યું : ‘આ દીપર્શી માટે લીધી. એ તો ના જ પાડતી હતી, પણ મને ગમી ગઈ.’
‘દીપર્શી, દુર્ગેશ આટલા પ્રેમથી સાડી લે છે તો તું કેમ ના પાડે છે ?’
‘દીદી, સાડીની કિંમત રૂપિયા 500/- હતી. એવો ખોટો ખર્ચ….’
‘દીપર્શી, તું પાગલ છું. એમાં સાડીની કિંમત ના જોવાય. તું દુર્ગેશનો પ્રેમ જો. દીપર્શી તું નસીબદાર છું. પ્રેમ આગળ 500/- રૂપિયાની કંઈ કિંમત નથી. હું કંઈ અને ખોટો ખર્ચ નથી માનતી.’ મેં દીપર્શીની વાત વચ્ચેથી કાપતાં જ કહ્યું. અને દુર્ગેશે સાડીનું પેકેટ મારા પતિ તરફ ધરતાં કહ્યું, ‘જુઓ જીજાજી, સાડી કેવી છે ?’
મારા પતિએ છાપામાંથી નજર ઊંચી કરી. મારી સામું જોઈ મને પૂછ્યું : ‘આ સાડી સારી છે ? તને ગમે છે ? તને ગમતી હોય તો તું લઈ આવજે. આ બધી બાબતોમાં આપણને ખબર ના પડે. હું અમેરિકા ગયેલો ત્યારે મારા એક મિત્રની પત્નીને કહેલું કે તમને પસંદ પડે એવી થોડા આછા કલરની વીસેક સાડીઓ ખરીદી લેજો. એ ખરીદી લાવેલી અને ભારત આવી બધી સાડીઓ મેં આને આપી દીધી. જેને જેવો વ્યવહાર કરવાનો હોય એવો કરજે. વધે એ બધી તારી. બધી સાડીઓ ગમે તો તું રાખી લેજે. અહીંથી બીજી વસ્તુઓ તને યોગ્ય લાગે તે ખરીદીને વ્યવહાર કરજે. આ બધી બાબતોમાં મારું જ્ઞાન હાસ્યાસ્પદ છે. તે તારી દીદી જાણે…’ મારી તરફ જોતાં બોલ્યાં : ‘બરાબર ને ?’ અને ફરીથી છાપું વાંચવા માંડ્યું.

રાત્રે રસોડામાં અવાજ થતાં મારી આંખ ઉઘડી ગઈ. જોયું તો દુર્ગેશ દૂધ ગરમ કરી રહ્યો હતો. મને જોતાં જ એની આંખોમાં આનંદની ચમક આવી ગઈ. બોલ્યો : ‘દીદી, દીપને ઉધરસ થઈ લાગે છે. સારું થયું તમે ઊઠ્યાં. હળદર ક્યાં છે ? હળદરવાળું દૂધ પીવાથી એની ઉઘરસ ઓછી થઈ જશે.’ મેં દૂધ ગરમ કરી એમાં હળદર નાંખી આપી. હું બેડરૂમમાં આવી ત્યારે એમણે પૂછ્યું :
‘રસોડામાં શેનો અવાજ આવતો હતો ?’
‘બધા તમારા જેવા હોય ? તમને તો ગેસ સળગાવતાં પણ નથી આવડતો. જ્યારે દુર્ગેશ અડધી રાત્રે પત્ની માટે દૂધ ગરમ કરવા ઊઠ્યો.’ મેં ભરપૂર કટાક્ષ સાથે કહ્યું. એ સાંભળી એ હસી પડ્યાં, બોલ્યાં : ‘અજાણ્યા ઘરમાં બિચારાને ઉધસરસની દવા ક્યાંથી મળે ? પણ તું તો ઘરમાં આવી દવાઓ રાખે છે તો તે દવા કેમ ના આપી ?’
‘તમે નહીં સમજો. દવા કરતાં પ્રેમની અસર જલદી થાય છે.’ હું ગુસ્સામાં બોલી ઊઠી.
‘હું ક્યાંથી સમજી શકું ? મને લાગે છે કે ડૉક્ટરો પણ આ વાત નહીં સમજતા હોય, દવાખાનાં બંધ કરવાં જોઈએ. બીમાર માણસ આગળ માત્ર પ્રેમાલાપ કરવો જોઈએ. તારી વાત ધ્યાનમાં રાખીશ. તું બીમાર હોઈશને ત્યારે બસ.’ અને હસી પડ્યા. દરેક વાતને હસીને ઉડાવી દેવાની મારા પતિમાં આવડત છે અને આ વાત સાંભળતાં હું પણ હસી પડી.

બીજે દિવસે સવારે છ વાગ્યે દુર્ગેશ મારી પાસે આવી બોલ્યો : ‘દીદી, આજે તમે સમય લઈને દીપ જોડે બહાર જજો. એના માટે ઘરમાં પહેરવા સ્લીપર લઈ આવજો. ખુલ્લા પગે ચાલવાથી દીપને શરદી વધી જશે.’ બે ત્રણ દિવસ બાદ દુર્ગેશ અને દીપર્શી નવા ઘરમાં રહેવા જતા રહ્યાં. ત્યારબાદ દુર્ગેશ અવારનવાર મારે ત્યાં આવતો. દીપર્શી શાંત જ હોય. ખૂબ ઓછું બોલતી. દુર્ગેશ વારંવાર મને એના ઘેર આવવાનું આમંત્રણ આપતો અને કહેતો : ‘દીદી, તમે મારી દીપની રસોઈ તો ચાખી જુઓ. બહુ સરસ બનાવે છે. એણે ઘર પણ સરસ ગોઠવી દીધું છે. દીદી, ક્યારેક તો આવો.’
‘દુર્ગેશ, તારા જીજાજીને જ્યારે સમય હોય છે ત્યારે મને નથી હોતો અને મને સમય હોય છે ત્યારે તારા જીજાજીને. હમણાં નવી વાર્તા લખવાની ચાલુ કરી છે. હવે નોવેલ પૂરી થશે પછી આવીશ. અને દુર્ગેશ, મને થાય છે કે હું વાર્તામાં તારા જેવા એક આદર્શ પતિનું વર્ણન કરું, તું સમાજમાં આદર્શરૂપ પતિ છું.’

દિવસો વિતતા ગયા. એક દિવસ બજારમાંથી ખરીદી કરીને આવતી હતી અને વરસાદ પડવો શરૂ થઈ ગયો. વરસાદમાં રિક્ષા મળવી મુશ્કેલ હતી અને ખૂબ ઠંડો પવન ફુંકાતો હતો. ઘર દૂર હતું. મને યાદ આવ્યું દીપર્શી તો અત્યારે ઘરે હશે જ અને દુર્ગેશ તો એના ઘેર આવવા મને અનેક વખત આમંત્રણ આપી ચૂક્યો હતો. મને થયું કે રિક્ષાની રાહ જોઈને ઠંડીમાં પલળવું એના કરતાં દુર્ગેશને ત્યાં જઈ ગરમાગરમ કૉફી પીવી સારી. હું દુર્ગેશને ઘેર પહોંચી તો મને જોતાં જ દીપર્શી ખુશીથી નાચી ઊઠી : ‘દીદી, તમે આવ્યાં ? કેટલું સારું થયું ? મને બહુ જ ગમ્યું. અરે, તમે તો આખાં પલળી ગયાં છો. મારાં કપડાં પહેરી લો અને ત્યાં સુધી હું તમારા માટે ગરમાગરમ કૉફી મૂકું છું.’ હું હસી પડી અને બોલી, ‘દીપર્શી, તું આટલું બધું એક સાથે બોલી શકે છે એ જાણી આન6દ થયો અને આશ્ચર્ય પણ થયું.

મેં કપડાં બદલ્યાં ત્યાં સુધી દીપર્શી કૉફી તૈયાર કરીને ડ્રોઈંગ રૂમમાં મારી રાહ જોતી હતી. મને જોતાં જ બોલી, ‘દીદી, માથું પણ પલળી ગયું છે. વાળ છોડી નાંખો. આજે તો હું તમારું માથું ઓળી આપીશ. દીદી, તમારા વાળ જોયા ત્યારથી મને તમારું માથું સરસ ઓળી આપવાનું મન થયેલું. દીદી, મારા વાળ તો તમારાથી પણ લાંબા હતા.’
‘મારાથી પણ લાંબા ?’ મેં ઢીંચણ સુધીના મારા લાંબા વાળ હાથમાં લેતાં આશ્ચર્યવ્યક્ત કરતાં કહ્યું :
‘હા, દીદી મને લાંબા વાળ ખૂબ ગમે છે.’
‘તો તારા વાળને શું થયું ?’
‘થવાનું તો શું હતું ? એમને બોયકટ વાળ ગમે છે એટલે મારે વાળ કપાવી કાઢવા પડ્યા.’ બોલતાં દીપર્શીની આંખો ભીની થઈ ગઈ.
હું ગુસ્સાથી બોલી ઊઠી : ‘તો શું તારી ઈચ્છાનું ઘરમાં કંઈ સ્થાન નથી ?’
‘ના, દીદી, એમની ઈચ્છા સર્વોપરિ. એ કહે તું હસ તો મારે હસવાનું, એ કહે કે તું રડ તો મારે રડવાનું. અરે, ક્યારેક સમયસર ટિફિન તૈયાર ન થાય તો હાથ ઉગામતાં પણ અચકાતાં નથી. જુઓ દીદી, મારા હોઠ કેટલા કાળા પડી ગયા છે. એ કહે છે કે લિપસ્ટિક વગરના હોઠ મને નથી ગમતાં.’
‘દીપર્શી, તું શું વાત કરે છે ?’ દુર્ગેશનું આવું સ્વરૂપ ?’
‘દીદી આ તો થોડીક જ વાતો માત્ર છે. હું એમની હાજરી માત્રથી ડરી જાઉં છું. મારા પોતાના શોખ હું ભૂલી જ ગઈ છું. મારે એમની ઈચ્છા પ્રમાણે જ કરવું પડે છે. મારે હંમેશા સિલ્કની જ સાડી પહેરવી પડે છે. જ્યારે મને સુતરાઉ સાડી ગમે છે. દીદી, તમે નસીબદાર છો. જીજાજી એમની કોઈ પણ પસંદ તમારી પર ઠોકી બેસાડતાં નથી. તમે તમારી રીતે સ્વતંત્ર છો. અમે ગઈ વખત તમારે ત્યાં આવેલા અને તમે સાત વાગ્યા સુધી લખતાં હતાં. રસોઈની તૈયારી પણ કરી ન હતી. જ્યારે જીજાજીનો જમવાનો સમય સાત વાગ્યે છે. તો પણ અમને હસીને આવકારતાં કહ્યું કે આજે તમારી દીદી લખવાના મૂડમાં છે. હજી રૂમમાંથી બહાર નીકળી નથી. થોડીવાર બેસો એ બહાર આવશે જ.’ જીજાજી તમને સમજી શકે છે. આ જગ્યાએ દુર્ગેશ હોય તો મને જરૂર મારી હોત.

‘દીદી, આજ સવારથી મારી તબિયત સારી નથી. કારણ જાણો છો ? અહીં પાણીની તકલીફ છે. બહારથી પાણી ભરવા માટે મોટર લાવવા કહું છું ત્યારે એમની પાસે પૈસાની સગવડ હોતી નથી અને સિલ્કની સાડીના 500 રૂપિયા સહેજે ખર્ચી શકે છે. એમને ઢીંગલીની જેમ ઘરમાં ફરતી પત્ની જોઈએ છે. ના દીદી, એક દાસી જોઈએ છે. સુંદર તૈયાર થયેલી અને રાતદિવસ એમની ચાકરી કરતી. મારે એક એક પૈસા માટે એમની ઉપર આધાર રાખવો પડે છે. મારા પિયરથી આવેલા પૈસા પણ હું મારી રીતે વાપરી શકતી નથી. દીદી, આજે મારી તબિયત સારી નહીં હોવા છતાં પણ મને દવાખાને લઈ જવાને બદલે ઑફિસ ગયા.’ કહેતાં દીપર્શી રડી પડી. હું સ્તબ્ધ થઈ ગઈ. મને યાદ આવ્યું મારી તબિયત થોડા વખત પહેલાં બગડેલી ત્યારે બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મિટિંગમાં જવાનું હોવા છતાં પણ મારી સાથે દવાખાને આવેલા. પૈસાની બાબતમાં તો હું સંપૂર્ણ સ્વતંત્ર હતી. ઘરની બાબતમાં તો એમણે ક્યારેય મને કોઈ વાતની ‘ના’ કહી ન હતી. ઘરમાં મારી ઈચ્છા મુજબ ખરીદી કરતી હતી. તે ઉપરાંત મારાં કપડાં બાબત કે મેકઅપ બાબત ક્યારેય કોઈ જાતનો હઠાગ્રહ કર્યો ન હતો. આવી તો કેટલીય બાબતો તરફ મારું ધ્યાન ગયું જ નહોતું.

દીપર્શી તરફ મારું ધ્યાન જતાં હું પાણીનો ગ્લાસ લઈ આવી; દીપર્શીને પાણી આપ્યું. દીપર્શી આંખો લૂછતાં બોલી : ‘દીદી, તમે ખરેખર નસીબદાર છો. જીજાજી ક્યારેય કોઈ બાબતમં અતિશયોક્તિ કરતા નથી. હું તમારા જેટલી હોંશિયાર નથી. મેં તમારા પેઈન્ટિંગ્સ જોયાં છે, તમારી વાર્તાઓ વાંચી છે. તમારી રસોઈ જમી છું. મેં તમારાં અનેકરૂપ જોયાં છે. દીદી, ખરેખર તમારા માટે મને ગર્વ થાય એવું છે. જીજાજી તમને પુષ્કળ પ્રેમ કરે છે. હું ત્યાં હતી અને તમે અગાસીમાં લખવા બેઠેલાં ત્યારે રાત્રે તમારું ચાનું થર્મોસ અને શાલ ચૂપચાપ જીજાજી અગાસીમાં મૂકી ગયેલા. દીદી, જ્યાં હોંશિયારી છે, આવડત છે એનો ઢંઢેરો પીટવાનો ન હોય. દીદી, જેની પત્નીમાં અણઆવડત છે એ વ્યક્તિ જ હંમેશાં પોતાની પત્નીની વધુમાં વધુ પ્રશંસા કરે છે. દુર્ગેશ હંમેશ જીભેથી બીજાની હાજરીમાં મારી પ્રશંસા કરે છે. અરે મારાં સાસું-સસરા પણ તમારી જેમ માને છે કે હું નસીબદાર છું. મને કોઈ કશું કહે તો જાણે મારી પર પુષ્કળ પ્રેમ હોય એમ મારું ઉપરાણું લઈ એ વ્યક્તિ સાથે ઝઘડે. મારાં સાસુસસરા પણ એટલે જ મારાથી દબાયેલાં જ રહેતાં. દીદી, પ્રેમ જીભમાં નહીં આંખોમાં હોવો જોઈએ.’ હું દીપર્શી સામે જોઈ રહી. ઉંમરમાં મારા કરતાં ઘણી નાની હતી. પરંતુ વાસ્તિવક જીવનની ઠોકરો ખાઈને ઘણી અનુભવી થઈ ચૂકી હતી.

વરસાદ બંધ પડ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. તે સાંજે હું ઘેર આવી ત્યારે મારા પતિ ઘેર આવી ગયા હતા. મને જોતાં જ બોલ્યા : ‘આજે બારણું બંધ જોતાં જ મને થયું કે સાંજે ચા વગર રહેવું પડશે. સારું થયું તું આવી ગઈ. એક કપ ગરમાગરમ ચા પીવી પડશે. નાસ્તો તો ફ્રીઝમાંથી કરી લીધો છે.’
હું હસતાં હસતાં બોલી : ‘તમે જોયું નહીં કે મેં કઈ સાડી પહેરી છે ? મેં દીપર્શીની સાડી પહેરી છે. હું એને ત્યાં ગઈ હતી.’
‘તે જે સાડી પહેરી હોય તે. તું ઘેર આવી એટલે બસ….’ હું હસી પડી. રસોડા તરફ જોતાં બોલી : ‘હું ખરેખર નસીબદાર છું.’
‘પણ દીપર્શી જેટલી નહીં…. કેમ ?’ અને એ હસી પડ્યા. હું એમની મજાકની આદતથી પરિચિત હતી. તેથી બોલી : ‘બરાબર છે. કારણ દીપર્શી કરતાં ઘણી જ વધારે નસીબદાર છું. શું સમજ્યા ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જૂનું ઘર – ઉપેન્દ્ર પંડ્યા
વાચકમિત્રોને વિનંતી Next »   

40 પ્રતિભાવો : નસીબદાર – નયનાબેન ભ. શાહ

 1. nayan panchal says:

  સુરતમાં મરચાનો આઈસક્રીમ મળે છે, દુર્ગેશનુ પાત્ર કંઇક આવુ જ છે. અડધી રાત્રે દૂધ ગરમ કરનાર માણસ આટલો અહંકારી અને નિષ્ઠૂર હોઈ શકે તે થોડું વિચિત્ર લાગે છે, પણ દુનિયા તો આવી વિચિત્રતાઓથી ભરેલી છે.

  અને લેખિકા પણ દીપર્શીની હકીકત જાણ્યા પછી જ પોતાને વધુ નસીબદાર માનવા માંડ્યા. આવી સરખામણીની શી જરૂર… જો દીપર્શી ખરેખર નસીબદાર હોત તો બિચારા પતિને વધુ ટોણાં સાંભળવા પડત.

  નયન

 2. હાથીના દાંતની જેમ કેટલીક વ્યક્તિઓના બે અલગ રૂપ હોય છે. તે દર્શાવતી સરસ વાર્તા.

 3. Hiral Thaker "Vasantiful" says:

  ક્યારેક દેખાય તે સાચુજ હોય તે જરુરી નથી….

  “પ્રેમ જીભમાં નહીં આંખોમાં હોવો જોઈએ”….પ્રેમ એ પ્રદર્શનની કોઇ ચીજ નથી. પણ પ્રેમ ની અનુભુતિ માણસના વરતનમાં થી જ અલગ તરી આવે..બસ એને પારખતા આવડવુ જોઇએ.

 4. આખી વાર્તા એક જ સંદેશ આપે છે કે પ્રેમને શબ્દોથી વ્યક્ત કરવો જરૂરી નથી …

  પણ સામેની વ્યક્તિ જ્યારે આપણા વ્યવહારમાં એનો અનુભવ કરે એ જ એની સાચી અભિવ્યક્તિ છે…

  સુંદર વાર્તા …

 5. shruti maru says:

  પ્રેમ એ નિસવારથ છે. તેને કેવી રીતે વય્ક્ત કરવો તે જે તે માણસ પર છે.

 6. Malay says:

  પ્રેમ શબ્દની આ કોમેડી કે ટ્રેજેડી બેય એકસાથે છે. દરેક કિસ્સા મા પ્રેમ નુ જુદુ અર્થઘટન કરવામાં આવે છે.

 7. Selly Thakkar says:

  rightly said by Kunal, સામેની વ્યક્તિ જ્યારે આપણા વ્યવહારમાં એનો અનુભવ કરે એ જ એની સાચી અભિવ્યક્તિ છે…

  પણ સામેની વ્યક્તિ અનુભવ કરે એટ્લી અભિવ્યક્તિ તો જરુરી જ છે ને!!

 8. jasvir bunait says:

  આવા માણસોથી ચેતતા રહેવુ. વઘુ વાતોથી પ્રેમ દર્શાવનાર અન્દરથી આવો ખતર્નાક હોઇ શકે !!!.સાચી વાત તો જાણકારી મળે થી જ પ્રાપ્ત થાય.સાચેજ કહ્યુ છે કે પ્રેમ જીભમાં નહીં આંખોમાં હોવો જોઈએ.પરન્તુ દુર્ગશે તો હદ કરી નાખી.
  ખરે ખર સુન્દર વાર્તા છે…….

 9. charulata desai says:

  પારકે ભાણે મોટા લાડવા.

 10. mohit says:

  In this story, durgesh has possessiveness 4 his wife.It’s not love but obsession as if his wife is like an object just like car or tv.It looks like that this guy has some psychiatric problem most likely schizophrenia.Never mind, but the point is true love doesn’t necessarily means being romantic everyday.For some people,buying a life insurance policy or fix deposits can b mor important than giving surprise gifts like foreign trip or diamond necklace.You can never judge true love by expecting good words but u have 2 c what is being done 4 u without telling a word or without expecting anything in return.”મરીઝ” સાહેબની પ્રખ્યાત ગઝલનો શેર ટાંકીને કહીએ તો,
  “મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ!”

 11. Rajni Gohil says:

  આપણે રીડગુજરાતી.કોમના વાચકો નસીબદાર છીએ કે આપણને મૃગેશભઇ શાહ મળ્યા જેમને ગુજરાતી માટે સાચા હૃદયનો પ્રેમ છે. તેઓ પણ નસીબદાર છે કે તેમને જીવનનો બોધપાઠ આપે તેવી વાર્તા નયનાબેન પાસેથી મળી. નયનાબેનના કુટુંબ અને સંસક્રુતિ તરફના પ્રેમ વગર આવી વાર્તા ક્યાંથી મળે?

  નસીબદાર વાર્તા આપણને ઘણું બધું સમજાવી જાય છે. વાર્તાના દુર્ગેશ માટે Hypocrite શબ્દ બંધબેસતો છે. મોહ જ્યરે પ્રેમ નો અંચળો ઓઢીને આવે છે ત્યરે આપણે દીદીની માફક મ્રુગેશ જેવાની શબ્સોની જાળમાં ફસઇ ન જઈએ તે શીખવાનું છે. આપણે જાણતા કે અજાણતા દુર્ગેશ જેવું વર્તન તો નથી કરતાને? સાવકી મા પણ જાહેરમાં સાવકા દિકરાને ઘણો પ્રેમ છે એમ બતાવતી જ હોય છે ને!

  I love you (because I need you.) આ પ્રેમ નથી. દુર્ગેશ મોહને પ્રેમનું લબેલ લગાડવામાં સફળ થયો. “પ્રેમ જીભમાં નહીં આંખોમાં હોવો જોઈએ”…. ખરી રીતે તો પ્રેમ હૃદયમાં હોવો જોઈએ જે આખોંમાં આપોઆપ દેખાઈ આવે. પ્રેમ એ પ્રદર્શનની કોઇ ચીજ નથી છતાંપણ હૃદય પૂર્વક ઉચ્ચારેલા શબ્દો પ્રેમ દર્શાવવામાં જરુર સહાયભૂત થાય છે. દુર્ગેશના પાત્ર દ્વારા આપણને શીખવા મળે છે કે પ્રેમ માંગવાની ચીજ નથી, આપવાની ચીજ છે. તે બળજબરિથી પ્રેમ માગતો હતો.

  માંનું હૃદય કાઢીને દોડતા દિકરાને ઠેસ વાગે છે ત્યારે માંનું હૃદય બોલી ઉઠે છે કે દિકરા તને વાગ્યું તો નથીને? માનો સાચો પ્રેમ બતવતી આ વર્તા તો આપને ખબર જ છે.

  ફીલ્મ અભિનેતઆઓ છોકરઆઓ પર પ્રેમ બતાવવા સ્કુલમાં જાય, મફત નાસ્તો પણ આપે, સરસ વર્તા કહે. તાળીઅઓ પડે. એજ અભિનેતા બાળકોને નુકશાનકારક ઠંડાપીંણાની જાહેરાતમાં આવે. ત્યારે બળકો તરફનો પ્રેમ ક્યાં ગયો? આતો નર્યો પૈસાનો પ્રેમ છે એમ કહેવાની જરૂર ખરી?

  આંખો ઉઘાડનારી આ વાર્તા તો ભલભલાને વિચાર કરતા કરી મુકશે અને મારા જેવા કંઇ કેટલાયને સાચા પ્રેમ તરફ વાળશે એમ લાગ્યા વગર રહેતું નથી.

  મા જન્મ આપીને પ્રેમથી વંચિત રાખી દિકરાની માવજત ન કરે તો? પ્રેમ વગર જીવન શક્ય જ નથી. પ્રેમમાં, મા-બાપ, ભઇ-બહેન, મિત્ર, પડોશી, શિક્ષક-વિધ્યાર્થી વગેરે બધા જ પ્રેમ આવી ગયા. જીવન પ્રત્યે પ્રેમ ન હોય તો જીવી શકાય ખરું? વાંચન પ્રત્યે પ્રેમ ન હોય તો વેઠ ઉતારવાથી શું જ્ઞાન મળે? શો જીવનનો વિકાસ થાય? ઋષિ-મુનીઅઓને ભગવાન અને કુદરત પર ખૂબ પ્રેમ હતો. તેથી તો તેઓ ઝરણા પાસેથી સંગીત, પહાડ પાસેથી સ્થિરતા, આકાશ પાસેથી અગાધતતા વગેરે ઘણું બધું પ્રાપ્ત કરી શક્યા.

  GOD IS EVERY WHERE બધા જ મનુષ્યોમાં, પ્રણીઅઓમાં, વનસ્પતિમાં, વસ્તુઅઓમાં ભગવાન છે આની પાકી સમજણ આવે તો દુનિયામાં દરેક વસ્તુ માટે પ્રેમ ઉત્પન થાય. પત્નીને પતિ પર પ્રેમ છે માટે તે સાસુ-સસરા, દિયર વગેરએની સેવા કરે છે, ચા, રસોઇ બનાવે છે.

  ચીલાચાલુ પૂજા-પાઠ, પ્રસાદ, દાન-દક્ષિણા, માંગણીનું લીસ્ટ વગેરેથી શું ભગવાન રાજી થતા હશે એમ લાગે છે? કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે મન્મના ભવ… એટલે કે તારું હૃદય મારામાં પરોવ. આ બધામાં હૃદયના દર્શન થાય છે? કે પછી નસીબદારના મ્રુગેશની માફક…………

 12. કલ્પેશ says:

  અંગ્રેજીમા કહીએ તો “Grass looks greener on the other side”.

 13. Chirag Patel says:

  I agree with Kalpesh that grass looks greener on the other side. Infact, its our (human) nature that we always like and see other what others have rather enjoying what we have. I am like the other guy – can not express my love with poems and romantic lines to my wife but every time she looks in my eyes she knows – I love her – And my major question is – why this lady is still with loser husband – why doesn’t she divorce him? Or this the best she could do for her self – I strongly believe that if you are in very abusive relationship – leave NOW – END it TODAY!!!! – You must have some self respect for your self, must love your self – if you don’t you will be in same situation as this lady is…

  Thank you,
  Chirag Patel

 14. Gira says:

  પ્રેમ જિભ મા નહિ પણ આન્ખો મા હોવો જોઇએ… કેટ્લુ સુન્દર ને સાદી ભાષા મા લેખિકા એ દર્શાવ્યુ છે… i truly believe in this.. 🙂

 15. raju yadav says:

  અહીં દુર્ગેશનો પ્રેમનો અભિનય ઘણો સારો કહી શકાય કે નાયિકા ને પોતાના પતિનો પ્રેમ પણ ઓછો લાગે છે.

 16. really mast 6e. i agre with you……

 17. most of loko deeparshee su 6 ae samajya vagar deeparshee thava mage 6…and that’s strange! varta khubaj saral 6, nice! very nice representation

 18. dipak says:

  It is true that everytime you don’t need to say “I LOVE YOU”.It is a kind of obsession.We can hear this types of things happen in our society.

 19. now we come to know that how dr. jeckil and mr. hide was created. in the matter of love no one should compare each other, coz one has rightly said that marriages are made in heaven.

 20. chhokari ae pahelaj divash thi himat kari potani maraji mujab karel hot to aavu na banat. dareke pota echha vykt karava ni himat rakhavi jaruri chhe. jaisadguru.

 21. payal says:

  Durgesh’s feelings for Deep is very disturbing. These are classic signs of a possesive psychopath. His caracter reminds me of the one played by nana patekar in the movie agnisakshi.. He needs real help. Poor Deep, if this continues, she might just have to find life on her own, may be didi can help her..? This story can have a second part..I wish the author had spent more time on exploring helping poor deep than to superficially compare Drugesh’s so called feeling of LOVE (more like obsession of an egotistic mainiac) to her own husband’s real love. I like the subject matter but the story was focused on a silly side track as supposed to the main probelm. It is well writen. Sorry for crtitisism.

 22. mukesh says:

  very nice story and let’s hope that every reader would not only agree but act as well. Love is not to be shown but to be felt.

 23. kamlesh patel says:

  khoob vichitra lagyun. ardhethi aavo valank joi hun chonki gayo jane koi swapn joto houn.aava loko mansik bimar hoy chhe.hun pan mari patni ne khoob prem karu chhun kyarek khangi maan enu pradarshan pan karu chhu.pan aavun jhuththu pradarshan,dhikkar chhe aavi strio upar prem na name attyachar karnaraone.

 24. vaishali says:

  This story resembalce to my life experience. I also came across the same character of Durgesh. But thanks to my family who supported and stood by me to get out of this rid before marriage. My engagement period was really painful. But thanks to that guy also behaved his originality before marriage so that i could understand his character and escaped. It was horrible.

  I feel its a real need to know “Pren etke shu nahi?”. Then the person will know what is love. Over possessiveness and controlling attitude is a curse for any relation. One should accept the other as an independant personality first and then only he or she can respect and understand the other.

  There should be a full fledge article on this psychology by a doctor. There are a few girls who can take the decision of being apart after involved in any relation and there is hardly any family who will support the daughter and understand. So its the girl who should be decisive. Or it would be wasting of the whole life, waiting for the time that the guy would understand and change. (I spent my whole period with this hope only and thank god me & my family took a firm decision before marriage).

 25. ભાવના શુક્લ says:

  ખરેખર સુંદર વાર્તા….. પ્રેમની પ્રતિતી અનુભુતીથી થાય શબ્દોથી નહી… દીપની એક વાત બહુ ગમી ક્યારેય એ બાજુ ધ્યાન ગયેલુ નહી કે “જ્યાં હોંશિયારી છે, આવડત છે એનો ઢંઢેરો પીટવાનો ન હોય. દીદી, જેની પત્નીમાં અણઆવડત છે એ વ્યક્તિ જ હંમેશાં પોતાની પત્નીની વધુમાં વધુ પ્રશંસા કરે છે.”
  અહી તો દીપ ને પણ અણઆવડત વાળી ના કહી શકાય હા દુર્ગેશને અધુરો અને આવડત વગરનો કહી શકાય કારણકે આટલી સમજુ પત્નીથી સમજ પણ ના કેળવી શક્યો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.