- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પત્ની-પારાયણ : નીલેશ રાણા

પત્ની વિશે આજે હું કેમ લખવા પ્રેરાયો છું, એ જો તમે પતિ હશો તો પૂછવાની જરૂર નહીં રહે. ‘હસબન્ડ’ તરીકેની પાંચ વર્ષની એકધારી સેવા આપ્યા બાદ જ્યારે મારી ‘વાઈફે’ હસીને બંડ કર્યું ત્યારે મારું હસવાનું બંધ થઈ ગયું. અત્યાર સુધીનું મારું ‘સફળ પતિ’નું લૅબલ કશી પૂર્વમંત્રણા વગર જ છીનવી લેવામાં આવ્યું. જોકે શા માટે હું સફળ નથી થયો તેનાં કારણોની મારી શોધખોળ હજુ ચાલુ જ છે.

પત્નીને ગમે તેટલું આપો, પણ ફકીરની ઝોળી ખાલી ને ખાલી. ભોળું દેખાતું પ્રાણી પણ કેવું આક્રમણકારી બની શકે છે તેનું પરમ ઉદાહરણ તે પત્ની. તે હંમેશાં એક હાથમાં પતિને રાખે છે, બીજો હાથ પતિના ખિસ્સામાં રાખે છે. કૅલેન્ડરની વિવિધ તારીખો સાથે તેના મુખભાવોનું પરિવર્તન સંકળાયેલું છે. પ્રથમ તારીખે હાસ્યની આભા છલકે, તો આખર તારીખે ગુસ્સાનું આવરણ.

દુનિયામાં સૌથી મુશ્કેલ કાર્ય કર્યું ? મોટા ભાગના પરણેલાઓ તરત કહી ઊઠશે, પત્નીને સાચવવાનું. તમે કહેશો પૂર્વમાં જવું છે, તો તે કહેશે, ના, પશ્ચિમમાં જવું છે. આથી સ્ત્રી સાથે હંમેશા ઊંધી વાત કરવામાં જ ફાયદો છે. મને લાગે છે કે સત્યવાદી હરિશ્ચંદ્રને પણ કોઈક વાર તો પોતાની પત્ની સામે અસત્યનો આશરો લેવો પડ્યો હશે. કૃષ્ણ ભગવાનને પણ સોળ હજાર એક સો ને આઠ રાણીઓ સાચવવી પડતી હતી તેથી જ તો તેઓ એક સારા પોલિટિશિયન બની શકેલા. પત્નીમાંથી ધ્યાન છોડી તમે પ્રભુમાં ધ્યાન લગાવો તો કદાચ તમે પ્રભુને પામી શકો (તુલસીદાસ કે બુદ્ધનો દાખલો લો), સાચું જ્ઞાન પામી શકો; પણ જો પ્રભુને છોડી પત્નીમાં ધ્યાન લગાવો તો તેને પ્રસન્ન કરવી એટલી તો કઠિન છે કે મારા મતે તો પતિ બનતી દરેક વ્યક્તિને શહીદની પંક્તિમાં સ્થાન આપવું જોઈએ. બિચારાઓ પત્નીને રાજી કરવા સર્વસ્વ અર્પણ કરી દેતાં – અરે, પોતાની જાત સુદ્ધાં ખપાવી દેતા હોય છે !

ધડાકા કરવા એ પત્નીઓનો જન્મસિદ્ધ હક છે. કઈ ઘડીયે કયો ધડાકો કરશે તે હવામાનમાં થનાર ફેરફારની જેમ કલ્પવું મુશ્કેલ છે. પણ જેમ વરસાદ પડતાં પહેલાં માટીમાંથી ધીમી ધીમી સુગંધ વાતાવરણમાં પ્રસરે છે, તેમ આવતી મુસીબતનાં એંધાણ તો સહેજે કળી શકાય, પણ કઈ મુસીબત આવવાની છે તે કળવું જરા કઠિન છે. જ્યારે ઘરના વાતાવરણમાં અચાનક પલટો આવે, એટલે કે રોજ નહીંને કોઈક દિવસ અચાનક ‘વહાલા’ કહીને પ્રેમથી ઉઠાડે, તમને ચા, બનાવવાનો ઑર્ડર આપવાને બદલે પોતે કપ ઊંચકી તમારી પાસે લાવે, તો તમારે સમજી જવાનું કે તમે હવે ઊંચકાઈ જવાના છો. અને એ વખતનું તેનું અચાનક તમારી સાથે નું હસવું ઘણી વાર તમારાં ખિસ્સાંને રડાવી નાખે છે.

સમયની બાબતમાં પણ પત્નીઓ ભારે આગ્રહી હોય છે ( પણ તે સિર્ફ બીજાને માટે. પોતાને માટે નહીં.) જરાક મોડા પડ્યા કે તમારું આવી જ બન્યું. ‘કેમ મોડા આવ્યા ? ક્યાં ગયા હતા ? કોણ મળ્યું હતું ? શી વાત કરી ? શા માટે કરી ?’ સી.બી.આઈના માણસો પણ કદાચ આટલી ઊંડી તપાસ નહીં કરતા હોય. અને વહેલા પહોંચો તો પણ દુ:ખ. ઘરે શાંતિ મેળવવા આવનાર પતિને મોટે ભાગે અશાંતિનો જ ભેટો થતો હોય છે. એક જજે કોર્ટમાં એક સ્ત્રીને સવાલ કર્યો કે, ‘તમે તમારા પતિને ખુરશી શા માટે મારી ?’ તો પત્નીએ કહ્યું, ‘સાહેબ, ટેબલ ન ઊંચકાયું માટે !’ આમ તેઓ, અચૂક નિશાન લેવામાં પણ જન્મથી પાવરધી હોય છે.

પત્ની આમ તો ગૃહપ્રધાનનો હોદ્દો પણ જાળવે છે. જુઓને, મારા જ ઘરનો દાખલો લો ! (સૉરી ! હું આ લખી રહ્યો છું ત્યારે મારી પત્ની મારી પાછળ ઊભી ઊભી મને લખતો જોઈ ઘૂરકી રહી છે. ઘૂરકવાની તેને આદત છે. પણ હું શું લખી રહ્યો છું તે એ જાણતી નથી.) એના એકહથ્થુ શાસનનો તમને એક દાખલો આપું. એક શહેરમાં પતિઓની સભા ભરાઈ. પત્ની વિરુદ્ધ લડવાનો ઠરાવ પસાર થયો. જ્યારે પ્રમુખશ્રીનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું, ‘ઊભા રહો, મારે શું બોલવું તે મારી પત્નીને પૂછી આવું !’

મારા એક રેડિયોમિકૅનિક મિત્રના કહેવા મુજબ, પત્ની એક રેડિયો સમાન છે. જ્યારે પ્રોગ્રામ સાંભળવો હોય ત્યારે રેડિયો જેમ ઘોંઘાટ કરે તેમ પત્નીને કંઈ પૂછો તો બસ આડુંઅવળું જ બોલી તમારો સમય બગાડશે, કાન પકવી નાખશે. રેડિયો પર મુંબઈ સાંભળવું હોય ને આવે અમદાવાદ, તેમ પત્નીને કરવાનું કહ્યું હોય કંઈક અને કરી લાવે કંઈક.

ત્યારે મારા બીજા મિત્રના દાવા મુજબ પત્ની વૉલ-કલૉક જેવી છે. ઘડિયાળ ચોવીસે કલાક ટક…ટક કરે ને પત્ની કટ…કટ ! પણ એક વિરોધાભાસ છે કે ઘડિયાળને ટક….ટક…. કરવા ચાવીની જરૂર પડે છે, જ્યારે પત્નીને તેવી કશી જરૂર નથી પડતી. ખોટો ટાઈમ બતાવતી ઘડિયાળની માફક પત્ની પણ તમને કોઈક જગ્યાએ તમે ટાઈમસર પહોંચવા માગતા હો તો જ ન પહોંચવા દે !

પણ મારા ખ્યાલ મુજબ, પત્નીને છત્રી સાથે સરખાવવી જોઈએ. (મારાં શ્રીમતીજી અત્યારે શાકભાજી ખરીદવા ગયાં છે.), કારણકે જ્યારે તમે તેને કોઈ મુસીબતની પળે તમારી જોડે સહમત કરવા ઈચ્છો, ત્યારે સહમત થાય જ નહીં, અને જ્યારે મુસીબત ટળી જાય ત્યારે, વર્ષામાં ભીંજાયા પછી છત્રી જેમ વિના આનાકાનીએ ખૂલી જાય તેમ પત્ની પણ તમારી વાત સાચી છે એમ તરત કબૂલી લે !

ગૃહના રાજકારણમાં અચાનક ફેરફારમાં તે માને છે. પોતાના પક્ષના સભ્યનું આગમન થતાં જ ઘરની રોનક બદલાઈ જાય છે. મિષ્ટાન્નો સુલભ બને છે; પણ પતિના પક્ષ તરફનો ઉમેદવાર આવ્યો તો રેશનિંગની પદ્ધતિ દાખલ કરવામાં આવે છે અને જાણે-અજાણ્યે વિરોધ પણ પ્રગટ થઈ જાય છે.

ભામા પામ્યા પછી પતિને રામાનાં કામો પણ કરવાં પડે છે. ખાસ કરીને રજાના દિવસે આ સજા અચૂક મળે છે. સવારે બગાસાં ખાતાં દૂધ માટે લાઈન લગાવી દૂધ લાવો, ત્યાં રેશનિંગની લાઈનમાં જવાનો આદેશ ઊભો જ હોય. એ લપમાંથી છૂટો ત્યાં ઘાસતેલની ક્યૂ માટે વ્યૂહ રચવો પડે. આમ સારા પ્રમાણમાં કસરત બાદ બપોરે જ્યાં જરાક આરામનો વિચાર કરો ત્યાં તો (ઘરમાં કુળદીપક હોય તો) બાબાને સુવાડવાની જવાબદારી તમારા પર લદાઈ જાય. તેને સમજાવી પટાવી તમે સુવડાવો ત્યાં સુધીમાં તો શ્રીમતીજીએ પોતે એક લાંબી ખેંચી કાઢી હોય.

હવે તમારો શ્વાસ કંઈક હેઠો બેસતો લાગે, ત્યાં તો પિક્ચર જોવા કે ફરવા લઈ જવાની રામાયણ શરૂ થાય. તમને ફરજિયાત તૈયાર થવા મજબૂર કરે. તમે કચવાતા મને સંમત થઈ તૈયાર થઈને બેસો ત્યાં શ્રીમતીએ તો હજુ મોઢું પણ ન ધોયું હોય ! એનો ઈંતજાર કરતાં તમારો મૂડ બગડી ગયો હોય અને તમે ઝોકાં ખાતા બેઠા હો ત્યાં એ તૈયાર થઈ જતાં તમને પરાણે ખેંચી જવામાં આવે. કોઈકે ખરું જ કહ્યું છે કે પત્ની જીવનમાં બે જ દિવસ સુખના લાવે છે; એક લગ્નનો દિવસ, અને એક તેના મરણનો દિવસ. વગર કહ્યે ગમે ત્યાંથી પણ મુસીબતને ખોળી કાઢીને તે એ તમારા ગળામાં આરોપી દેશે. જીવનમાં અવનવી સમસ્યાઓ ઊભી કરી વગર કોઈ ચિંતાએ (તેમના કહેવા મુજબ) પતિના વાળએ ધોળા કરી દેશે, ટાલ સુદ્ધાં પાડી દેશે.

‘રિડકશન સેલ’ પ્રત્યે પત્નીઓ જબ્બર આકર્ષણ ધરાવે છે, મધ માટે ફૂલ શોધતી મધમાખીની માફક તેમની આંખો આવા કોઈ ‘સેલ’ને શોધવામાં વ્યસ્ત હોય છે, જ્યારે પતિઓ તો આ શબ્દને જોઈ, સામે દોડી આવતા આખલાને જોઈ કોઈ દોડે તેમ દૂર ભાગે છે. કદાચ ‘સેક ગો ટુ હેલ’ એમ મુખમાંથી અનાયાસ નીકળી જાય તો ય નવાઈ નહીં. સ્પેનના અખાડામાં ઊતરી તમે આખલાથી કદાચ બચી શકો. પણ ‘સેલ’ શબ્દ જોયા પછી પત્નીની પકડમાંથી છૂટવું અસંભવિત જ – એ સાઠમારીમાં તમારે માથું નમાવવું જ પડે છે.

પત્નીઓ પોશાકની બાબતમાં મૅચિંગની જબરી હિમાયતી હોય છે – ત્યાં સુધી કે તેમના પતિઓ પણ તેમનાં કપડાંને મૅચ થાય તેવાં કપડાં પહેરે એમ ઈચ્છે છે. આમ ઘરના રાજકારણમાં સર્વસ્વ પત્નીનું જ વર્ચસ્વ નજરે પડે છે. નવી નવી વાનગીઓ પ્રત્યે પણ એમની નજર મીઠી હોય છે, અને તેનો પ્રથમ અખતરો પતિ પર જ કરવામાં આવે છે. પતિદેવની તબિયત ભલે ખતરમાં મુકાઈ જાય, પણ વાનગીનાં વખાણ સાંભળીને જ તેઓ જંપે છે. વળી હરેક નવી ફૅશનનો તેમનો મોહ ઘણીવાર તેમની પાસે એવા સ્વાંગ ધારણ કરાવે છે કે તે તમારી પત્ની છે તે જ તમે ભૂલી જાઓ !

પત્નીની હાજરીમાં ક્યાંક આડીઅવળી નજર કરતાં પૂરી સાવચેતી જરૂરી છે – ખાસ કરીને કોઈ યુવાન સ્ત્રી તરફ. સોમાંથી નવ્વાણું ટકા તો તમે પકડાઈ જ જવાના ! જ્યારે પણ તમે એની સાથે બહાર નીકળો ત્યારે એટલું યાદ રાખવું જરૂરી છે કે તમે ભલે જગને જોતા હો પણ તમારી પત્નીની નજર તમારી પર જ ચોંટેલી રહે છે.

પત્નીઓ પોતાની માગણીઓ સંતોષવા હંમેશાં આક્રમણકારી રીતો જ અપનાવે છે. ‘રસોડું બંધ’ની ધમકી આપી, તેમની માગણી પૂરી પાડવામાં ન આવે તો તમને ફરજિયાત ભૂખહડતાળ પર ઊતારી દે, અથવા તો પિયર જવાની ધમકી આપી રોજિંદો વહેવાર ખોરવાવી દે. આમ તેમની ઘણી અઘટિત માગણીઓ પણ કચવાતે મને પૂરી કરવી જ પડે છે.

આમ પત્નીઓના ગુણો (કે પછી અવગુણો) ગણવા બેસીએ તો એક થીસિસ લખાઈ જાય. કોઈકે કહ્યું છે કે પોતાને અનુભવે જિંદગી જીવવા માટે ટૂંકી છે. તેથી જ જોયેલા અને જાણેલા અનુભવે જિંદગી જીવવા માટે ટૂંકી છે. તેથી જ જોયેલા અને જાણેલા અનુભવો પણ જીવનમાં કામ લાગે છે. આ લેખ વાંચનારને એક વિનંતી છે કે તમે નવા પરણેલા હો (જૂના તો મારા કરતાં વધુ અનુભવી હશે) તો આ લેખ પત્નીથી છુપાવીને વાંચજો, જો પરણવાના હો તો તે સાચવીને રાખજો જેથી લગ્ન પછી ફરી એકવાર વાંચી જવાય. ભૂલેચૂકેય તમારી પત્નીના હાથમાં આ લેખ પડી ગયો તો – તો મારી સાથે તમને પણ બે-ચાર ચોપડાવી દેશે…

મને લાગે છે કે મારી પત્નીના પાછા આવવાનો ટાઈમ થઈ ગયો છે, બાબો ઘોડિયામાં રડવા માંડ્યો છે, તેથી અહીં જ સમાપ્તિ કરું છું.