અણખૂટી વાટ – અનુ. ભવાનીદાસ વોરા

મારી પત્ની છે એટલે નથી કહેતો, પણ એક બાબતમાં મારી પત્ની મનૂ જેવી મનસ્વી સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી. તમને થશે કે બાઈમાણસ છે એટલે કપડાં અને દરદાગીના લેવા માટે જીવ અકળાતો હશે. એવું નથી, તેનું આ મનસ્વીપણું એક જુદી બાબત વિષે જ છે. તમને ખોટું લાગશે પણ જાણે ભિખારીઓની તે વાટ જ જોતી હોય છે ! વિશેષત: તે ભિક્ષુક સાઠ વર્ષ ઉપરનો હોય તો તેની દાની વૃત્તિને જાણે પાંખો ફૂટે છે. તેને તાજી ભાખરી સાથે શાક પણ મળવાનું જ. કોઈ તહેવાર હોય તો કંઈક ગળ્યું પણ મળે અને જો લૂલો-લંગડો હોય તો બંગલાના એક ખૂણામાં બેસી ખાવાનો આગ્રહ કરશે અને છેલ્લે માટલાનું ઠંડું પાણી પણ આપશે. ઠંડીના દિવસોમાં કોઈ દીનદૂબળો દ્વારે આવ્યો તો તેને મારું જૂનું સ્વેટર આપી દેશે. એક ચાતુર્માસમાં તો એક રામદાસી સાધુને તેણે મારા નવાનક્કોર જોડા અને નવી છત્રી પણ આપી દીધી. તેની આ ઉદારતા ફક્ત જીવદયાને કારણે નહિ હોય એવું મને લાગતું. તેની પાછળ મનૂની કોઈ ગુપ્ત વ્યથા હશે તેમ મને થતું. કારણ ગામમાં કોઈ પાલખી આવે કે વારકરીઓની દિંડી ગામમાંથી પસાર થાય ત્યારે તે ત્યાં દોડી જતી. તેમની સામે જોતી તે જાણે પોતાની જાતને ભૂલી બેસતી. પ્રત્યેક વૃદ્ધ વારકરીને કંઈકને કંઈ આપ્યા વગર તેને ચેન પડતું નહિ. દર વર્ષે અનાજની એક ગૂણ અને લોટની એક ગૂણ ઘરમાં આ માટે જ રાખવામાં આવતી. તો પણ હું તેની આ દાની પ્રવૃત્તિની વચ્ચે આવતો નહિ. ઊલટ મારા જેવા સુખી માણસની પત્ની આખો દિવસ નવી-નવી સાડીઓ અને દાગીના ખરીદવાને બદલે ગરીબગુરબાંઓને કંઈ આપી તેમની દુવા લે છે તેનો મને સંતોષ થતો.

પણ એક દિવસ તો તેની ભિક્ષુકો પરની આ દયામાયા ટોચ પર પહોંચી. મનૂ તે દિવસે તાવથી તરફડતી હતી. મેં તેના કપાળ પર કોલનવોટરનું ભીનું પોતું મૂક્યું હતું. ડૉક્ટર પણ તપાસ્યા પછી પલંગ પરથી હાલવાનું નથી… તેવી ધમકી આપીને ગયા હતા. ત્યારે જ નીચેથી હાક સંભળાણી, ‘એ બંગલાવાળી માઈ…આખા દિવસનો ભૂખ્યો છું… કંઈ રૂખીસૂકી બે રોટલી આપ. ભગવાન તારું ભલું કરે….’ તેનો અવાજ મનૂના કાને ન પહોંચે એ માટે મેં ચાહીને રેડિયાનો અવાજ મોટો કર્યો, પણ પેલાએ તો ગળું ખેંચીને ફરી બૂમ પાડી : ‘માઈ, ઘરમાં છે કે નહિ ?’ આ શબ્દો સાંભળી મનૂનો જીવ વિચલિત થઈ ગયો. તે એકદમ ઊઠી, કપાળનું પોતું ફેંકી દીધું અને વીજળી વેગે રસોડામાં જઈ સાંજ માટે કરેલી ભાખરીઓ લઈ તેમાં અથાણું નાખી દોડીને એ ભિખારીને આપી આવી. હું તો જોતો જ રહ્યો. તેનામાં આટલી શક્તિ ક્યાંથી આવી ?

પછી તે ઉપર આવી અને પલંગ પર પટકાઈ પડી. પહેલાં કદી ન આવેલા ગુસ્સા સાથે મેં પૂછ્યું, ‘એક દિવસ તેને ભીખ ન આપી હોત તો કર્ણની આ બહેનનું પુણ્ય ઓછું ન થઈ જાત. આવતા-જતા પ્રત્યેક ભિખારીને દાન આપનારા કંઈક ભલા-મોટા માણસો પોતે ભીખ માગતા થઈ ગયા છે. અને આજનો આ યાચક કંઈ લીધા વગર જાત તો ભૂખે ન મરી જાત. પણ તારી આ દોડધામથી વધારે તાવ આવશે તેનું શું કરશું ?’
‘રહેવા દો, તમને એ નહીં સમજાય.’ એમ કહી તેણે મારાથી મોઢું ફેરવી લીધું. મેં પણ વધારે પૂછપરછ કરી નહિ. માત્ર બીજે દિવસે ભિખારીઓ તેને હેરાન ન કરે તેની વ્યવસ્થા કરી. ભિખારીઓ બંગલાની અંદર ન આવે તે માટે બંગલાનું ફાટક બંધ કરી દીધું. મનૂ આ બધું જોતી હતી. હવે મારા ધ્યાનમાં આવ્યું કે મેં ફાટક બંધ કર્યું અને તેણે પોતાનું મોઢું. તે દિવસે આખો દિવસ તેણે મૌન પાળ્યું. પણ એ મૌન પાછળની વ્યથા મને સમજાયા વગર રહી નહીં. એ મૌન તાવનું ન હતું, સંતાપનું હતું, એ સંતાપને કારણે તેનો તાવ વધશે એવી બીકથી હું સીધો નીચે આવ્યો અને ફાટક ખોલી નાખ્યું. એ સાથે જ મનૂનું મૌન ખૂલી ગયું. આનંદિત ચહેરે તે પોતાની મેળે કહેવા લાગી : ‘તમે તમારા મનમાં મને ગાંડી ગણતા હશો, મૂર્ખ કહેતા હશો, હઠીલી કહેતા હશો, જક્કી માનતા હશો પણ શું કરું ? બારણે વયોવૃદ્ધ ભિક્ષુક આવે કે હું ઘાંઘી થઈ જાઉં છું. બધું ભૂલી ને તેને કંઈક આપું ત્યારે જ મને શાંતિ થાય છે. આ માટે તમે મને માફ કરી દેશો.’

‘અહો, વરસવું એ વરસાદનો ધર્મ છે અને પ્રાણીમાત્ર પર માયા કરવી તે સ્ત્રીજાતિનો ધર્મ, પણ તારો આ ભિક્ષુકો પ્રત્યેનો મનસ્વી તલસાટ સાવ સાદો નથી લાગતો. નક્કી તેની પાછળ કોઈ રહસ્ય છે.’
‘સાચી વાત છે. આજ સુધી તમને કહ્યું નહીં તે મારી ભૂલ; પણ થાય છે કે આજે તમને બધું જ કહી દઉં.’ તેનો અશક્ત હાથ મારા હાથમાં લઈ મેં કહ્યું, ‘મનૂ, કંઈ ઉતાવળ નથી. તું સાજી થાય પછી નિરાંતે કહેજે.’
‘ના, આજે મને નિરાંત જ છે. સાંભળો, મારા લગ્ન વખતે મારા નાનાએ કહ્યું હતું – ‘છોકરીનાં માબાપ નથી’ તે અર્ધસત્ય હતું. અર્ધું સાચું, અર્ધું ખોટું.’
‘એટલે…. તારી મા…. ?’ મેં અચકાઈને પૂછ્યું.
‘મા સ્વર્ગવાસી થઈ ગઈ છે તે સાચું છે, પણ પિતા માત્ર આ પૃથ્વીના પટ પર ક્યાંક જીવંત છે.’
‘જીવતા છે ? તો તને મળવા કેમ નથી આવતા ?’
મનૂ શૂન્ય નજરે કહેવા લાગી, ‘કેમ કહું – આવતા હશે – જતા હશે – મને ઓળખવા નહીં ઈચ્છતા હોય ?’

તેનું આ કહેવું સાંભળી તેનો તાવ વધ્યો હશે એમ ધારી મેં તેના કપાળ પર હાથ મૂક્યો. કપાળ ઠંડું હતું, તો પણ હું બોલ્યો : ‘મનૂ…. શું તું પણ ગમે તેમ બોલે છે ?’
‘ના, ગમે તેમ નથી બોલતી. સાચું બોલું છું. મારા પિતા એટલે નાનાના મતે દુર્ગુણોનો ભંડાર હતા, તે ક્રોધી હતા, રંગીભંગી હતા, દારૂ પણ પીતા હતા. નઠારા મિત્રોની સોબતથી તેમને આ વ્યસન લાગુ પડ્યું હતું. ત્યારે જ મા સગર્ભા થઈ હતી. પિતાનું વ્યસન વધી જવાથી માને પૂરું જમવાનું કે પૂરતાં કપડાં પહેરવા પણ મળતાં ન હતાં. હું પેટમાં હોવાને કારણે મા બધી વાતો પેટમાં જ રાખી દિવસો પસાર કરતી હતી. ત્યારે અમે મુંબઈમાં હતાં. એ વખતે નાનીએ નાના મામાને મુંબઈ મોકલ્યા અને સુવાવડ માટે માને પોતાની પાસે બોલાવી લીધી. તેનો ફિક્કો ચહેરો, ઓછું વજન અને નબળું શરીર જોઈ નાની રડી પડ્યાં. માએ પણ પિયરમાં મોકળા મને બધી વાતો કહી. આ બધું સાંભળી નાના તો ભયંકર ગુસ્સે થઈ ગયા અને બાબા (પિતા)ને ભાંડવા લાગ્યા. થોડીવાર પછી તે શાંત થયા. બાબાને દીકરીની બહુ હોંશ હતી એટલે દીકરી જન્મી છે તે ખબર પડતાં જ દોડતા આવ્યા. મારા નામકરણને દિવસે પ્રેમપૂર્વક મારા નાના હાથોમાં સોનાની બંગડી પહેરાવી. સૌ આશ્ચર્ય પામી ગયા, કારણ કે ગયે વર્ષે જ દારૂના વ્યસનને કારણે તેમણે જે સ્ત્રીના દાગીના વેચી નાખ્યા હતા. એ જ બાપ આ વર્ષે એ જ સ્ત્રીની દીકરીને અર્ધા તોલા સોનાની બંગડીઓ પહેરાવે એ ઘટના જ વિસ્મયકારક હતી.

પછી માએ મને કહ્યું હતું, ‘દીકરી, તારા ગોરા હાથમાં પહેરાવેલી એ બંગડીઓનો સંદેશ મેં સાંભળ્યો નહિ. એ ફક્ત તારા પરના પ્રેમની નિશાની જ ન હતી પણ તે હવે સુધરવા લાગ્યા છે તે વિષેનો સંકેત હતો. પછી ત્રણ મહિના પછી તેઓ મને તેડવા આવ્યા. ત્યારે પણ એક તોલાનો ચેઈન તેમણે તારા ગળામાં પહેરાવ્યો. તેમની પ્રશંસા કરવી તો દૂર રહી, પણ નાનાજી કુત્સિતપણે બોલ્યા : ‘ક્યાંય હાથ મારીને તો ચેઈન નથી લઈ આવ્યાને જમાઈરાજ ?’ ત્યારે માનો ચહેરો શરમથી લાલ અને બાબાનો સંતાપથી લાલ થઈ ગયેલો. તે ઊંચે અવાજે બોલ્યા : ‘સસરાજી, મારી નિષ્પાપ દીકરીના અંગ પર પાપનું સોનું પહેરાવવા જેવો અધમ બાપ હું નથી. આ દીકરીના સોગન, તેના જન્મ પછી હું દારૂને અડક્યો પણ નથી. એ બધા બચાવેલા પૈસા બાજુએ મૂકી તેની આ ચેઈન ખરીદી છે.’ તો પણ મોઢું મચકોડી નાનાજીએ કહ્યું, ‘પેલા મરાઠી નાટકમાં પણ બાપે સંતાનના સોગન ખાઈ દારૂ છોડ્યો હતો, પણ પછી શું થયું તે ખબર છે ને ?’
‘એ નાટક હતું, અહીં તો વાસ્તવિક જીવન છે.’ બાબાએ જવાબ આપ્યો. બાબાનો એ સ્વસ્થ ઉત્તર સાંભળી નાનાએ કહ્યું, ‘નાટક એ જીવનનું જ સાચું પ્રતિબિંબ હોય છે ને ?’
‘છતાં પણ ફોટોગ્રાફ અને જીવંત માણસમાં ફરક હોય જ છે, સસરાજી !’

તે જ દિવસે બાબા મને અને માને લઈને જમવા માટે પણ ન રોકાતાં-મુંબઈ આવી ગયા. મા મને કહેતી હતી, ‘આપણે મુંબઈ પહોંચ્યાં. ઘરની બે ખોલી મને દેવમંદિર જેવી લાગી. તેમણે પોતાની નાની દીકરી માટે નવી પથારી-ચાદર લાવી મૂક્યાં હતાં. દીવાલ પરનો કોઈ નટીનો ફોટો હટાવી ત્યાં દહીંહાંડી ફોડતા બાળકૃષ્ણની તસ્વીર ટીંગાડી હતી. જ્યાં પહેલાં દારૂની બોટલ રહેતી તે અભરાઈ પર દૂધની બોટલ બિરાજમાન હતી. તારા રમવા માટે ચાવીવાળી આગગાડી અને બીજા રમકડાં લાવી મૂક્યાં હતાં.’ પછી તેમણે મને કહ્યું : ‘ઠીક, હમણાં તું આને રમાડ ત્યાં સુધીમાં બાજુની વીશીમાંથી ટિફિન ભરીને લાવું છું. આજે તું થાકેલી છે એટલે રસોઈ કરવાની નથી. કાલથી આ ઘરમાં અમારા રાણીસાહિબાનું રાજ્ય શરૂ.’ અને તે હસતાં હસતાં કૂદકો મારીને નીચે ચાલ્યા ગયા. તે રસ્તામાં જ હશે, ત્યાં જ મારા નાના મામા દરવાજા પર દેખાયા, ‘આ શું ભાઈ ? તું અમારી લાગોલાગ કેમ આવ્યો ?’
‘હું તમારી જ ગાડીમાં હતો…. બીજા ડબ્બામાં.’
‘પણ એવું અર્જન્ટ કામ મુંબઈમાં શું નીકળી આવ્યું ?’
‘આ ઢીંગલીના નાનાજીએ કહ્યું છે કે એ તો રંગભંગી માણસ છે એમ કંઈ સુધરશે નહીં. લખણ પડ્યાં તે લાખા. પત્ની-દીકરીને મારાશે લાતો અને ફરી દારૂની બાટલીઓથી નાહવા લાગશે. એટલે તું ગુપચુપ બધું જોઈ આવ. અને જો એવું કંઈ લાગે તો મા-દીકરીને વળતી ગાડીમાં જ પાછા લઈ આવજે.’

દરવાજા નજીક મામા ઊભા હતા તેની પાછળ જ ટિફિન પછાડવાનો અને દૂધની બાટલી ફૂટવાનો અવાજ આવ્યો. બાટલી શું ફૂટી, માનાં જ નસીબ જ ફૂટી ગયાં !’ બાબા બહુ સ્વાભિમાની હતા. પોતાના સ્વાભિમાન પર આઘાત થતાં જ તે ચીસ પાડીને બોલ્ય : ‘મારા સસરાની મારા વિષે આવી જ ધારણા હોય અને રહેવાની હોય તો તેમની ઈચ્છા પ્રમાણે આ જ પગલે તેની દીકરી અને દોહિત્રીને પાછી લઈ જા. અને ફરી આ જન્મમાં તેમનું અથવા તારું-તમારા કોઈનું પણ મોઢું મને દેખાડશો નહિ.’ અને એમ જ ગુસ્સાથી લાલચોળ બાબા પગમાં ચંપલ નાખી દાદરો ઊતરી ગયા. અને એ ક્રોધી નાનાનો ક્રોધી દીકરો એ જ દિવસે અમને બંનેને લઈ પૂના પાછો આવી ગયો. ફરી કોઈવાર બાબા અમને તેડવા આવ્યા નહિ. તે ક્યાં ગયા છે તેની પણ અમને કોઈ દિવસ ભાળ લાગી નહિ. હું માના ધાવણના દૂધ બદલે માની આંખોના આંસુ પીને મોટી થઈ. કાળાંતરે નાના ગુજરી ગયા. મા પણ મરી ગઈ. સૌભાગ્ય લઈને ગઈ, જિંદગીભર તેણે પતિ કોઈ દિવસ પાછો ફરશે એમ ધારી કપાળે કંકુનો ચાંદલો કર્યો. પણ પતિ કદી આવ્યો જ નહિ. એ અર્ધશિક્ષિત, દૂબળી-બીકણ સ્ત્રી પ્રથમ પિતાની ધાકથી અને પછી પતિની ધાક મનમાં રાખીને તરફડતી રહી. હું નાનાને ત્યાં જ મોટી થઈ. સમજણી થઈ ત્યારે મા પાસેથી બધું જાણવા મળ્યું. ત્યારથી એમ થાય છે કે બાબા… ક્યાંક તો જીવતા હશે… સાઠ વર્ષ ઉપરના થયા હશે. ઘરના માણસોએ દાખવેલી ઉપેક્ષાથી કદાચ ફરી વ્યસની થઈ ગયા હશે. કોને ખબર કદાચ સાધુ-સંન્યાસી થઈ ગયા હોય !’

ડૂસકાં ભરતી મનૂ રડવા લાગી. કહેતી હતી, ‘એટલે જ બારણે કોઈ ભિક્ષુક, સાધુ-સંન્યાસી આવે તો તેને ખાલી હાથે મોકલવાનું મારાથી બનતું નથી. કોને ખબર તે કોઈમાંથી મારા બાબા પણ હોય !’ મનૂની આ વાત સાંભળી હું સ્તબ્ધ બની ઊભો રહ્યો. ધીમેધીમે બધી વાતો મારા મનમાં ઊતરવા લાગી. મનૂના આ જીવદયાના કાર્યમાં કદી વચ્ચે ન આવવું અને તે કદી અટકવા ન દેવું એવો મનમાં મક્કમ નિર્ણય કરી મેં તેને કહ્યું : ‘ચાલ, હવે સૂઈ જા, આટલી લાંબી વાત કર્યા પછી તું થાકી ગઈ હોઈશ.’

આ વાર્તાના કોઈ વાચકને મનૂના બાબા મળે તો તેમને કહે કે તેની દીકરી તેમની હજુ પણ વાટ જોઈ રહી છે. પોતાના બાબાને મળતાં મનૂને આનંદ થશે..અપાર આનંદ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકમિત્રોને વિનંતી
મારે તો મુંબઈ જ…. – શ્રીકાંત મૂર્તિ Next »   

26 પ્રતિભાવો : અણખૂટી વાટ – અનુ. ભવાનીદાસ વોરા

 1. Hiral Thaker "Vasantiful" says:

  ઓહ… કેવી વ્યથા. આંખમાં આંસુ આવી ગયા.

 2. JALPA says:

  heart touching story. i couldn’t stop my tears.

 3. JAWAHARLAL NANDA says:

  hriday ni aarpaar nikri gayu aa tir ! SUPERB ! KOI NA KARYA KOI BHOGVE ! KHAREKHAR HRIDAY NI AARPAAR TIR NIKRI JAY TEVI VARTA CHHE !

 4. Darsha Kikani says:

  એકદમ હ્રદયદ્રવક કથા ! જોકે અશોકકુમાર ની કોઇ ફિલ્મ ની ઝાંખી થતી હતી . આંખોમાં આંસુ આવી ગયા.

 5. Vishal Jani says:

  ખરેખર છાપ ભુસાતા વાર લાગે છે. –

 6. tejal tithalia says:

  Really heart touching………..It makes me speechless…………………..

 7. GIRISH H. BAROT says:

  BAHU J SACHHI VAAT,KHUB J ‘ASAR KARAK’ RAJUAT,’MAA BAAP NI ‘PUTRI NA JIVAN MA VADHARE PADTI ‘CHANCHUPAT’ PAN PUTRI ANE CHHOKARA NA JIVAN KHATAM KARE CHHE.

 8. ભાવના શુક્લ says:

  જીવનના રંગો ખરે જ નિરાળા છે.

 9. Rajni Gohil says:

  દુનિયાનો નિયમ છે કે આપણે જે આપીએ છીએ તેજ પામીએ છીએ. આશા અમર છે.

  જેના પર વિતી હોય તેને સાચો ખ્યાલ આવે. આંખોથી સામા માણસને બરાબર ન ઓળખી શકાય, તેને માટે તો પ્રેમથી નીતરતું હૃદય જોઇએ.

  ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહિ ….. નું કેટલું સરસ દ્રષ્ટાંત આ હૃદયદ્રવક વાર્તા આપણને આપી જાય છે. સત્કર્મની ટેક પણ કેવી! આખી જીન્દગી ભર પાળી. કર્મની ગતિ કેવી ન્યારી છે!

 10. Ashmita Mehta says:

  એવા બાબા ની રાહ શુ જોવની જે સ્વાભીમાની નહી પણ જીદ્દી હતા …

 11. dipak says:

  I AM TEARLESS PERSON, BUT AFTER READ THIS STORY I COULD STOP MY SELF.

 12. dipak says:

  I COULD NOT CONTROL MY SELF AFTER READ THIS STORY.

 13. Dhaval B. Shah says:

  Nice one!!

 14. Chirag Patel says:

  WOW!!! Amazing story. Want to thank Manu for her devotion and search for her father. I really wish from the bottom of my heart that one day she finds her father and spends some time with him. I can understand his father as well but I can also undrestand Manu’s grand father. In this whole story, the weakest link was Manu’s mother who could have stopped long back but she couldnt or she didnt.

  Thank you,
  Chirag Patel

 15. Chirag Patel says:

  Ashmita – you will not understand this. I have a year and half old daughter at home. I work long hours due to my profession (IT Enginner). But when I get home and when my daughter come running to me calling me “…Daddy… Daddy…” – no matter how tired I am or how bad the day I had, it all goes away just by seeing her smile and hearing her calling me. She comes and puts her arms around me – I pick her up and give her a big kiss – she smiles and gets down and runs away – Asmita this is what Manu is / was missing. This is why she is looking for her dad.

  Thank you,
  Chirag Patel

 16. nayan panchal says:

  ખૂબ જ સંવેદનશીલ વાર્તા.

  ક્રોધે અને અહંકારે કેટલી જિદંગીઓને દુઃખથી ભરી દીધી.

  નયન

 17. Rita Saujani says:

  Yes! I could see the heroin from Ashokkumar’s Film AASHIRVAAD! The touching song was Ek Tha Bachpan Ek Tha Bachpan, Bachpan mein Ek Babuji The Dono kA Sinder tha smabandh!

  I can not stop my tears!

 18. Janki says:

  woww. wht a story… !!! very heart touching.

 19. krishna says:

  ખુબજ સંવેદનશીલ છે રચના..

 20. Anger is very dangerous. In this story due to Anger of nana and baba, three lifes has been spoiled….
  Good story with touching call..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.