મારે તો મુંબઈ જ…. – શ્રીકાંત મૂર્તિ

gateway

[‘Stories waiting to be told’ શ્રીકાંત મૂર્તિના પુસ્તકમાંથી ‘I love Bombay’નો અનુવાદ. અનુવાદક : શ્રી જયંત દેસાઈ. ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી 2009માંથી સાભાર.]

ટ્રક ભલેને ગમે તે ઝડપે જતી હોય ! તે રેલવેના ઓવરબ્રિજ પરથી ચિત્તાની જેમ છલાંગ મારી, ચીલ ઝડપે ટ્રક પર સવાર થઈ જ જવાનો. ક્યારેક વળી જો તે પોતે ફૂટપાથ પર ખટારો પસાર થવાની રાહ જોતો ઊભો હોય અને ઝડપથી પસાર થતો ખટારો જુએ તો તે પાટલા ઘોની જેમ તે ખટારા પર લટકી ઉપર ચઢી જાય. એક વાર ટ્રક પર ગોઠવાઈ જાય પછી મજબૂત દોરડું ચપ્પુના એક જ ઝાટકે કાપી રૂની એકાદબે ગાંસડી નીચે ગબડાવી દે. પોતાને નાનો સરખોય ઘસરકો ન પડે તેમ હળવેથી નીચે ઊતરી અલોપ થઈ, પલકવારમાં ચોરીનો માલ ખરીદનાર વેપારીની દુકાને પહોંચી જાય. તેના ચાર મળતિયાઓ અહીં ગાંસડી લઈને હાજર. જે કંઈ રોકડ નાણું મળે તેમાંથી સરદાર તેનો ત્રીજો ભાગ લઈ બાકીની રકમ બીજાઓને વહેંચી આપે. આ એક સામાન્ય શિરસ્તો હતો. ક્યારેક સરદાર થોડો ઉદાર બની સાગરીતોને ચા-પાણી, નાસ્તોય કરાવે. જો મોટો દલ્લો હાથ લાગે તો સિનેમા જોવા લઈ જાય.

આ હતો ભીમરાજ વામન મિસ્ત્રી. ભીમરાજ રિમાન્ડ હોમમાં દાખલ થયો તેનાં એકાદબે વરસ પહેલાં જ તેના પિતા ગુજરી ગયા હતા. તેની વિધવા મા ઘરકામ કરી પેટિયું રળતી. ભીમરાજને એક બહેન હતી. બહેનનાં લગ્ન થઈ ગયાં હતાં. તે અલગ રહેતી હતી. ભીમરાજ મુંબઈની હાર્બર લાઈનમાં રે રોડ અને કોટનગ્રીન સ્ટેશનની વચમાં એક ફૂટપાથ પર તેની મા સાથે રહેતો. માલ ભરેલા ખટારાની હારની હાર અહીંથી ચાલી જતી. ભીમરાજ અને તેના ગોઠિયાઓને અહીં ખટારાઓમાંથી નાની-મોટી ઉઠાંતરી કરવાની સરસ તક મળી રહેતી. ભીમરાજની મા તેના લાડકવાયાનાં પરાક્રમોથી અજાણ હતી. માનો દીકરા પર જરા સરખોય કાબૂ નહોતો. આથી પિતાના મૃત્યુ પછી અભ્યાસ છોડી, અપરાધની દુનિયામાં સામેલ થઈ જવાનું ભીમરાજ માટે સહજ બની ગયું.

ભીમરાજ જ્યારે પહેલી વાર રિમાન્ડ હોમમાં આવ્યો ત્યારે કુમળી વયને ધ્યાનમાં લઈ ફરીથી ગુનો નહીં કરવાના જામીન લઈ તેને છોડી મૂક્યો હતો. બીજી વાર પકડાયો ત્યારે તેનું જામીન ખત રદ કરવામાં આવ્યું. તે પછી જ્યારે ત્રીજી વાર પણ ગુનો કર્યો ત્યારે તેની અટકાયત કરવામાં આવી. દફતરને ચોપડે તો તેણે બે-ત્રણ જ ગુના કર્યા હોવાનું નોંધાયેલું, પણ તેણે પોતે જ કબૂલ કરેલું કે કોર્ટમાં કેસ ચાલતો હોય તે સમયગાળા દરમિયાન પણ બીજા ગુના તેણે કરેલા અને તે દરેક વખતે ધરપકડ ટાળેલી.

ભીમરાજની એક ખાસિયત હતી. રિમાન્ડ હોમમાં આવતાં જ એનું વર્તન ધરમૂળથી બદલાઈ જતું. તેના પર મૂકવામાં આવે તે બધા જ આરોપ ડાહ્યોડમરો થઈ, હસતે મોઢે સ્વીકારી લેતો એટલું જ નહીં, પોતે ચોરી શી રીતે કરતો તેનું વિગતવાર વર્ણન કરતો. તેના અપરાધી જીવનની વિગતો પરથી અમે તેને રીઢો બાળગુનેગાર તો ઠરાવી ન શક્યા પણ અમને એ વાત સમજાઈ કે તે ટ્રકમાંથી સામાન ચોરવાનો આદિ બની ગયો હતો. અમને થયું ભીમરાજને ક્યાંક એવી જગ્યાએ મોકલીએ કે જ્યાં મુંબઈમાં છે તેવું ચોરી કરવા માટેનું સાનુકૂળ વાતાવરણ ન હોય, તેની ચોરીની આદત છૂટી જાય. અમે એ સંબંધી બાળગુનેગારોની અદાલતમાં ભલામણ કરી. અદાલતમાંથી આદેશ મળતાં અમે તેને યરવડાની ઔદ્યોગિક જેલમાં ત્રણ વરસ પાંચ મહિના અને અઢાર દિવસ સજા ગાળવા મોકલી આપવાની વ્યવસ્થા કરી. નવાઈની વાત એ હતી કે જ્યારે તેને અદાલતનો હુકમ સમજાવ્યો ત્યારે તેણે કોઈ જ પ્રતિભાવ આપ્યો ન હતો. ત્યારે પણ તેના મોં પર તો પેલું નિખાલસ હાસ્ય એવું તો રમી રહ્યું હતું કે આપણને લાગે ભીમરાજ હાસ્ય લઈને જ જન્મ્યો છે !

પોલીસની યોગ્ય દેખરેખ તળે ભીમરાજને પૂના મોકલવાની વ્યવસ્થા થતી હતી તે દરમિયાન તેને પ્રોબેશન ખાતામાં ઑફિસ બોયનું કામ સોંપવામાં આવ્યું. સંદેશા આપલેની નાનીમોટી ખેપ કરવા ઉપરાંત તે બાળગુનેગારોને તેમનાં નિવેદન આપવા રિમાન્ડ હોમમાંથી દફતરમાં લાવવાનું તેમ જ દફતરથી હોમમાં લઈ જવાનું કામ કરતો. બધાં જ કામ તે એકનિષ્ઠાથી કરતો એટલું જ નહીં, તેને અમારી સાથે રહેવું ગમતું અને સોંપાયેલાં કામ કરવામાં તેને આનંદ થતો. બે-એક અઠવાડિયાં પછી પૂનાથી વળાવિયા સિપાઈ આવ્યા. ભીમરાજને અમે શિખામણના બે શબ્દો કહ્યા. પૂનાની શાળામાં સમયનો સદુપયોગ કરી એકાદ ઉદ્યોગ શીખી લેવાની સલાહ આપી. અમે કહ્યું, ‘તું સજા કાપી બહાર આવે ત્યારે શાળામાંનું શિક્ષણ તને ગુજારો રળવામાં કામ આવશે.’ જોકે અમારી સલાહના પ્રત્યાઘાત સાનુકૂળ તો નહોતા જ. અમે માની લીધું કે જ્યાં પોતે મોજથી લાંબો સમય રહ્યો તે જગ્યા છોડતાં તે ઉદાસ બની ગયો હશે. અમારે તો બધું સમુંસૂતરું પાર ઊતરશે એવી જ આશા રાખવી રહી !

ભીમરાજને ગયાને બે દિવસ વીતી ગયા. ત્રીજે દિવસે તેને લઈ જનારા બંને ઈન્સ્પેક્ટર વીલે મોંએ મારી સામે આવી ઊભા. બીજી કશીય વાત ન માંડતાં ભીમરાજ ક્યાં રહે છે તે તેમણે જાણવા માગ્યું. શી ઘટના બની ચૂકી હતી તેની મને જાણ તો હતી. પણ મેં અજાણ્યા હોવાનો ઢોંગ કર્યો. અસ્વસ્થ બની ગયેલા તે વળાવિયાઓની મૂંઝવણનો મેં આનંદ માણ્યો. બેમાંથી એક કોન્સ્ટેબલ તો કશું ન બોલ્યો પણ બીજાએ કહ્યું, ‘છોકરો ભાગી ગયો.’
‘એવું બને જ શી રીતે ? માત્ર ચૌદ વરસનો છોકરો અને તેની સાથે તમે બે કોન્સ્ટેબલ’
‘શું કહું સાહેબ ? ચાલતી ગાડીએ કૂદકો માર્યો….’
ભીમરાજે તેમને શી રીતે હાથતાળી આપી હતી તેની વાત તેમણે મને સંક્ષેપમાં કહી. ગાડી જ્યારે ખંડાલા ઘાટમાંથી પસાર થતી હતી ત્યારે ભીમરાજે તેની ટચલી આંગલી ઊંચી કરી. ગાડી એની રફતારમાં જતી હતી એટલે બંને સિપાઈને નિરાંત હતી. તેમણે ભીમરાજને ટોઈલેટ જવાની રજા આપી. બેમાંથી એક સિપાઈ તેના પર નજર રાખવા પેસેજમાં ઊભો રહ્યો. ભીમરાજ બે-એક મિનિટમાં ટોઈલેટમાંથી બહાર આવ્યો. ગાડી ડુંગરાઓમાંથી પસાર થતી હતી. મુસાફરો દરવાજો ખુલ્લો રાખી રમણીય દશ્યોનો આનંદ લૂંટી રહ્યા હતા. ભીમરાજને એ જ જોઈતું હતું. શું થઈ રહ્યું છે એની ચોકિયાતને જાણ થાય ત્યાં તો ભીમરાજ ઉભડક બેસી ગયો અને કુદરતનો આનંદ લૂંટતા મુસાફરના હાથ નીચેથી સબકારે ગાડી બહાર સરકી ગયો ! ચોકિયાતે રાડ નાખી. મુસાફરોને બાજુએ હડસેલી બહાર ડોકિયું કર્યું. તેને એમ કે છોકરો જીવતો નહીં રહે. પણ તે તો પગભર થઈ એક ખડક ઠેકી બીજા પર થઈ, કૂદતો કૂદતો, ઢાળ ઊતરી, ભાગી જઈ રહ્યો હતો. મુસાફરોએ બીજા સિપાઈને સાવચેત કર્યો. ગાડી બહાર ઝંપલાવવામાં જીવનું જોખમ હતું. તેમણે સાંકળ ખેંચી. તીણી ચીસ સાથે ગાડી ઊભી રહી. એક સિપાઈએ મોટરમેનને બોલાવી બનેલી બીનાની જાણ કરી. બીજા સિપાઈએ છોકરો જે દિશામાં દોડી જતો હતો તે દિશામાં દોડવા માંડ્યું. થોડો સમય વીત્યા પછી ગાડી રવાના થઈ.
‘અચ્છા તે ભાગી ગયો એમ જને ?’ મેં કહ્યું, ‘અને તે ક્યાં અલોપ થઈ ગયો તેની તમને ખબર નથી !’

તેઓ શું બોલે ? બંને ચૂપ રહ્યા. એ દરમિયાન મેં ચિઠ્ઠી મોકલી હતી એટલે ભીમરાજ સામે આવી ઊભો ! એક સિપાઈ આ તે સપનું છે કે સત્ય ? તેની દ્વિધામાં પડી ભીમરાજને જોઈ રહ્યો. બીજો ગુસ્સાથી, ‘બદમાશ ! અમને ફસાવીને ભાગી ગયો ? અહીં આવ, હું તને પાઠ ભણાવું….’ એમ કહેતોક ભીમરાજ તરફ ધસી ગયો. હું જો વચ્ચે ન પડ્યો હોત તો તેણે ભીમરાજને સારો એવો મેથીપાક ચખાડ્યો હોત.
‘મોટાસાહેબ ! તમે કહો છો એટલે એને જવા દઉં છું, નહીં તો એની ધોલાઈ કરી નાખત….’

ગાડીમાંથી ભાગી આવી ભીમરાજ તરત જ તેના ધંધામાં સામેલ થઈ ગયો. હવે બન્યું એવું કે એક વખત તે જ્યારે ટ્રક પરથી માલ સેરવી રહ્યો હતો ત્યારે જ એક ટ્રાફિક પોલીસ ટ્રકની સમાંતરે મોટરબાઈક પર જઈ રહ્યો હતો. ભીમરાજ પકડાઈ ગયો અને આમ વર્તુળ પૂરું થયું. તે રિમાન્ડ હોમમાં આવી ગયો. ભીમરાજના આવવા સાથે જ એક હસમુખો ચહેરો અને શામળી, ખુશમિજાજ, મસ્તીખોર આંખોનું પણ પુનરાગમન થયું. રિમાન્ડ હોમમાં એવો એકેય બાળગુનેગાર નહોતો જેને ભીમરાજથી વધુ સખત શિક્ષા કરી શકાય. પણ તે જ્યારે તમારી સામું જોઈને મલકે ત્યારે તમારાથી સામું મરકલું આપ્યા વિના ન જ રહેવાય. તેના પ્રત્યે દુર્ભાવ જાગે એવું કશુંય તે કરતો નહીં. આવો હતો ભીમરાજ, સૌને માટે કોયડારૂપ ! એકવાર બોર્ડ પર કેસ આવે પછી તેનું વર્તન બદલાઈ જાય. તે સૌને અનુકૂળ થઈ વર્તે. સામાન્ય રીતે ગુનેગાર પોતે ગુનો કર્યાની કબૂલાત કરતો નથી. જે કોઈ સવાલ તમે પૂછો તેનો તે ગોળગોળ જવાબ આપે. પણ ભીમરાજ તો પોતાનો ગુનો ખુલ્લા દિલે કબૂલી લેતો. અદાલતમાં તેને ગુનેગાર સાબિત કરવા ઝાઝી મહેનત પડતી નહીં. ગુનો કબૂલી લીધો એટલે ભીમરાજને સ્કૂલમાં ભરતી કરવાનો પ્રશ્ન આવ્યો. ન્યાયાધીશે તેને ફરીથી યરવડા મોકલી આપવાનો હુકમ કર્યો. આ વખતે રિમાન્ડ હોમના બે કાર્યકરોએ જ તેને પૂના પહોંચાડવાની જવાબદારી માથે લીધી. તેઓ અગાઉના અનુભવથી માહિતગાર હતા એટલે ભીમરાજને રિમાન્ડ હોમમાંથી બહાર લઈ ગયા ત્યારથી તેને યરવડા જેલમાં દાખલ કર્યો તેની પાવતી લીધી ત્યાં સુધી ખૂબ જ સાવચેતી રાખી. મોટું પરાક્રમ પાર પાડી આવ્યા હોય એવા ભાવથી તેઓ મુંબઈ પાછા આવ્યા. મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો તેમનો આનંદ માત્ર એક દિવસ પૂરતો જ જળવાઈ રહ્યો. બીજે દિવસે યરવડાથી તાર આવ્યો : ‘યરવડાનો ગઢ ભીમરાજને બંદીવાન રાખવા કે દુર્લંધ્ય બનાવવા અસમર્થ નીવડ્યો.’ સાંજે યરવડાની જેલમાં આવેલો ભીમરાજ બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે જેલમાં ક્યાંય નજરે ચડ્યો નહીં ! લાંબા વાંસની મદદ વિના તે ગઢ શી રીતે કૂદયો હશે ?

અવારનવાર ભાગી છૂટી પાછા મુંબઈ જ આવી રહેવાની ભીમરાજની સમસ્યા ફરીથી અદાલતમાં રજૂ થઈ. અદાલતે હંમેશ મુજબ તેની સામે વોરંટ કાઢ્યું. જો કે સૌને ખબર હતી કે વોરંટ બજાવો યા ન પણ બજાવો, ભીમરાજ સ્વેચ્છાએ હોમમાં હાજર થશે જ. પંદરેક દિવસ બહાર રહી, વધુ ગુના કરી તે ફરી રિમાન્ડ હોમમાં આવી પહોંચ્યો. આ વખતે લાંબા સમય સુધી તેની અવગણના કરવામાં આવી. અવમાનનાથી બેતમા ભીમરાજ વફાદારી અને આદરપૂર્વક કાર્યાલય અને તેના કાર્યકર્તાઓ સાથે રહેવા લાગ્યો. બેફિકર ભીમરાજ પર માન-અપમાનની કોઈ અસર થતી ન હતી.

થોડાંક અઠવાડિયાં વીતી ગયાં. ભીમરાજ પર આખરી હુકમ બજવણી થવાની હતી. ભીમરાજને રિમાન્ડ હોમ છોડી બીજે જવું નહોતું. તેને વધુ કંઈ કહેવા કરવાને મારું મન માનતું ન હતું. તેમ છતાં તેને મારી પાસે બોલાવી તેની સાથે ખુલ્લા દિલે વાત કરી.
‘ભીમરાજ, તને સુધરવાની કેટલી બધી તક મળી ! તને મળેલી દરેક તકનો તેં દુરુપયોગ કર્યો. મારી વાતની તારા પર કોઈ અસર થવાની નથી તે હું જાણું છું. એક વાત તું બરાબર સમજ. અંતે નુકશાન તને જ થવાનું છે.’ ભીમરાજ ચૂપ રહ્યો. તે દિલ ખોલીને વાત કરે તે માટેનો આગ્રહ મેં ચાલુ રાખ્યો.
‘ધારો કે અમે તને યરવડા પાછો મોકલીએ તો તું શું કરીશ ? ભાગી જઈશ ?’
એ અબોલ જ રહ્યો. તેના મોંમાંથી એકેય શબ્દ નીકળ્યો નહીં. જો કે શબ્દથીય વધુ તો તેનો ચહેરો બોલી રહ્યો હતો. સૂચન સ્પષ્ટ હતું : જરાય સમય ગુમાવ્યા વિના તે પાછો ફરશે. વાત લંબાવવાનો કશો અર્થ ન હતો તોય મેં વાત લંબાવ્યે રાખી.
‘મને કહે તું વારંવાર મુંબઈ જ શા માટે ભાગી આવે છે ? અહીં તને શું મળે છે ? મને કહે.’ તે કશું જ બોલ્યો નહીં. મારી ધીરજનો અંત આવી રહ્યો હતો. હું ન કરવાનું કરી બેસવાની અણી પર હતો. મેં તે જ વખતે તેના હોઠને ફફડતા જોયા. ગુમાવેલી સ્વસ્થતા મેં પાછી મેળવી લીધી. સંભળાય પણ નહીં એવા ધીમા અવાજે, જાણે ગુસપુસ કાનમાં વાત કરતો હોય તેમ તેણે કહ્યું :
‘મારે તો મુંબઈમાં જ રહેવું છે ! મારે તો મુંબઈ જ…..!’

મારા ધ્યાન બહાર રહેલી વાત આ તબક્કે મારા મનમાં ઊગી નીકળી. યરવડા જેલની સરખામણીમાં મુંબઈનું રિમાન્ડ હોમ કોઈ વિસાતમાં નહોતું. વાસ્તવમાં મુંબઈના રિમાન્ડ હોમમાંથી ભાગી જવું યરવડાની જેલમાંથી ભાગી જવા કરતાં વધારે સહેલું હતું. તો પછી ભીમરાજ અહીંથી કેમ ભાગી જતો નથી ? તેણે કહ્યું, ‘મારે તો મુંબઈ જ….’ આ મુદ્દો મેં પકડી લીધો.

મુંબઈ સ્વપ્ન નગરી છે. અહીં એક સપનું સાચું પડે ત્યાં બીજાં હજાર સપનાં રોળાઈ જતાં હોય છે. નસીબનું પાંદડું જો ક્યારેક ફરવાનું હશે તો તે મુંબઈમાં જ ફરશે એ આશા સાથે મુંબઈગરો મુંબઈ છોડતો નથી. મોહમયી માયાજાળમાં અટવાયેલો જીવ એ જાળમાંથી છટકી શકતો નથી. કદાચ ભીમરાજનું પણ કંઈક આવું જ હોઈ શકે. મેં જોયું કે ભીમરાજની મુંબઈ માટેની લગની મીરાંની ‘મોહે તો ગિરિધર ગોપાલ’ જેવી જ ઉત્કટ હતી. બાળગુનેગાર ભીમરાજે મંદ સ્વરે ઉચ્ચારેલા ‘મારે તો મુંબઈ જ….’ શબ્દોથી મને વાસ્તવિકતા સમજાઈ. માન્ય શાળાના મુખ્ય અધિકારીની પરવાનગીથી મેં તેને મુંબઈની જ ‘ડેવિડ સાસૂન ઈન્ડસ્ટ્રિયલ સ્કૂલ’ માં દાખલ કરાવ્યો. ‘અને….. જુઓ તો ખરા ! તુક્કો તીર બની ગયો !’ દર વખતે ભાગી છૂટતા ભીમરાજને અહીં ગોઠી ગયું. પોતાની સજાનાં ત્રણ વરસ કાપતાં તેણે અહીં સુથારી કામમાં ખાસ રસ લીધો. શાળા છોડી ત્યારે તેણે આ કામમાં સરસ કૌશલ કેળવી લીધું હતું.

અમને છોડીને ગયાને ભીમરાજને દસ વરસ વીતી ગયાં. આજે તે તેની પત્ની અને બાળકો જોડે પ્રમાણમાં સારી એવી ઝૂંપડપટ્ટીમાં વસે છે. તેણે કોઈ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમ તો ન કહેવાય પણ તે સાવ મામૂલી માણસ તો નથી જ. ઘણા બધાને તેની જરૂર પડે છે. આજે તે ‘વોન્ટેડ મેન’ છે. પોલીસ નહીં, શહેરના ઈન્ટીરિયર ડેકોરેટર તેને શોધતા આવે છે. આ હતો ભીમરાજ ! સંસ્થા ભલેને ગમે તે હોય એની દીવાલો મુંબઈમાં જ ચણાઈ હોય તો ભીમરાજને એ દીવાલ પાછળ રહેવામાં કોઈ જ હિચકિચાટ ન હતો. અન્યથા કોઈ જ શક્તિ એને મુંબઈ બહારથી પાછો મુંબઈ આવતાં રોકી શકે એમ ન હતી. હું તેને જ્યારે એક વાર મળ્યો ત્યારે મેં તેને મજાકમાં પૂછ્યું, ‘રજાઓમાં તું ક્યારેક મુંબઈ છોડી બહાર જાય છે કે ?’ તે કશું બોલ્યો નહીં. તેના મોં પર તેનું હંમેશનું નિખાલસ હાસ્ય રમી રહ્યું. તેના હાસ્યમાં જ તેનો જવાબ હતો : મારે તો મુંબઈ જ ! મુંબઈ જ મારું સર્વસ્વ હોય તો મારે બીજે શા માટે જવું ? આવી ઉત્કટ હતી તેની મુંબઈ નગરી માટેની લગની.

મુંબઈ ! જીવતાં કે મરતાં, અમે પણ તને એટલું જ ચાહીએ છીએ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અણખૂટી વાટ – અનુ. ભવાનીદાસ વોરા
સુખે દુ:ખે સમે કૃત્વા – ગિરીશ ગણાત્રા Next »   

35 પ્રતિભાવો : મારે તો મુંબઈ જ…. – શ્રીકાંત મૂર્તિ

 1. Krunal says:

  આવો જ મુંબઇ પ્રત્યેનો પ્રેમ મેં અનેક લોકોમાં જોયો છે. જીવનના દરેક સંઘર્ષો વચ્ચે પણ તેમને મુંબઇની લાઇફ ગમતી હોય છે પણ એનાથી અનેક ગણી નિરાંતવાળી જીંદગી બીજા શહેરમાં જીવવાની તેમની તૈયારી નથી હોતી. મુંબઇ કદાચ શહેર જ એવું છે કે જે પણ ત્યાં જાય એને એનું ધેલું લાગી જાય છે. કોઇ પણ બહારનો માણસ 2-3 વર્ષ મુંબઇ આવીને રહે તો તેના માટે પાછું ફરવું મુશ્કેલ થઇ જાય છે.

  હું આમ તો છું અમદાવાદી તો પણ મેં જીંદગીના અમુક વર્ષો મુંબઇમાં વિતાવ્યા છે અને મારી પાસે જો પૂરતા પૈસા હોય અને મને ક્યાં શહેરમાં રહેવું એની પસંદગી આપવામાં આવે તો હું કદાચ મુંબઇ પસંદ કરું. મુંબઇની જીંદગીમાં અનેક હાડમારીઓ છે જેમ કે ભાગતું જીવન, ભીડભાડવાળી લોકલ ટ્રેનો, મકાનની માથાકૂટ, ગંદકી વગેરે વગેરે છતાં મુંબઇ પાસે એક સામાન્ય માનવીને આપવા માટે ઘણું છે.

  According to me, “Mumbai breathes the air of difference and hence it is city of dreams.”

  માણસમાં તાકાત હોય એટલું એ ઉપર જુએ અને પરિશ્રમ કરે તો મુંબઇ એને દરેક ઉંચાઇઓ સુધી પહોંચાડવા માટે પૂરતી તકો આપતું જ રહે છે….

 2. Ami says:

  મુમ્બઈ નો નશો સહેલાઈથેી ઉતરે નહેી! મારો અનુભવ બોલે છે!

 3. કલ્પેશ says:

  બોમ્બે (હવે મુંબઇ) જે એક વખત આવે છે તેને પાછા જવાનુ મન થાય?

  મારા મમ્મી મને કહેતા કે “મુંબઇમા રોટલો મળે પણ ઓટલો ન મળે”.
  લોકોના ઘરો ફુટપાથ પર જુઓ તો લાગે કે આ લોકો આમ કેમ રહે છે, પોતાના ગામ કેમ પાછા નથી જતા રહેતા? પણ મુંબઇ એટલે મુંબઇ.

  બીજા બધા શહેરો કરતા મુંબઇની વાત અલગ છે કારણકે અહિયા એક સરખા લોકો રહેતા નથી.
  દા.ત. અમદાવાદમા ગુજરાતીઓ વધુ હશે. મુંબઇમા મારા ઘરથી બહાર જતા ઓછામા ઓછી ૪/પ ભાષાતો સાંભળવા મળે જ. (ગુજરાતી, મારવાડી, મરાઠી, હીંદી, તામિ અને મુસલમાન/પંજાબી/ખ્રિસ્તી/પારસી લોકો પણ જોવા/સાંભળવા મળે)

  મુંબઇને ભારતનુ નાનુ સ્વરુપ કહી શકાય.

 4. કલ્પેશ says:

  અમેરિકામા ન્યુયોર્ક આવીએ તો મુંબઇ યાદ આવી જાય.
  તકલીફમા પણ સાથે અને તહેવારમા પણ બધા સાથે.

  કદાચ “Melting Pot” આને જ કહી શકાય.

 5. કલ્પેશ says:

  Mellting Pot (definition on the web, which I lied the most)

  A belief that all ethnic differences would amalgamate and a novel person would emerge from this new ethnic synthesis.

 6. really nice story…. badhane aavi tak nathi malti hoti….

 7. મુંબઈની વાત જ અલગ … !!

 8. Bhargav says:

  વાહ વાહ……ઘણા જુના દીવસો યાદ આવિ ગયા….

  Sydney, Munich જેવા શહેરો મા રહ્યા છતા સાચુ કહુ તો મુંબઇ એટલે મુંબઇ…

  અને સાવ સાચિ વાત છે.

  ‘જો એક વાર મુંબઇ રહો તો બિજે જવાનુ મન ના થાય.’

  મજા આવિ ગયિ…..

 9. R N Gandhi says:

  ખરો મુમ્બઈકર ભીમરાજ! શીવસૈનિક બનવાને લાયક! પણ મુમ્બઈ તો છે જ મોહમયી! વાર્તા સુન્દર છે.
  સાદી સરળ અને સૂન્દર!

 10. કેયુર્ says:

  મને આવી જ ભાવના થાય છે મારા અમદાવાદ માટે.
  “મારે તો અમદાવાદ જ…”

 11. Ashmita Mehta says:

  મસ્ત મુબંઇ….. જે જ્યા રહેલુ હોય તેને તે ગામ ગમે….

 12. ભાવના શુક્લ says:

  આ કોઇ એક ભિમરાજની વાત નથી, મુંબઈમા ઉછરેલા દરેકનુ એક સર્વ સામાન્ય વિધાન છે… “ભૈ… મુંબઈ બહાર જવાનુ ના કહેશો…” મુંબઈની ૯૯% યુવતીઓ ગમે તે સજોગોમામુંબઈની બહાર લગ્ન કરવા માટે કોઈપણ સમજુતી કરવા તૈયાર નથી હોતી.. સ્વપ્ન નગરી સમી મોહમયી નગરી છે આ મુંબઈ !!!

 13. Rajni Gohil says:

  સ્થળ પ્રત્યેનો અનેરો પ્રેમ. એ ન ભુલવું જોઈએ કે ગુન્હેગારોને પણ હૃદય હોય છે. આ વાર્તા અપણને બતાવે છે કે ગુન્હેગાર ઉત્પન થાય છે તેમાં સમાજ પણ જવાબદાર છે. બાળગુન્હેગારને યોગ્ય તક આપવામાં આવી તો તે કેવો સુધરી ગયો! બધાને એક જ લાકડીથી ન હંકાય.

  In management calculated risk is necessay for progress. Whether you manage a company or human beings calculated risk shows benefits. Nice story.

 14. Ravi Ponda says:

  Mumbai is a city of dream !!
  at the same time u can fill the true reality of life also in mumbai…

 15. shilpa bhatt says:

  Too good article.Whereever you go,roots always fascinate you. 🙂

 16. piyush says:

  Dear bhavnaji
  ya mumbai is in real most beutiful place od india. but it does not mean that the other areas are really bad.Every place has its own identity and characteristics.Always the people makes places wonderful.Like the western countries are more developed than india just because of the people otherwise the god has given all resources to all the countries.

 17. jasama says:

  મારા બનેવિ પન કાવેલ kavel streetma bapdadana vakhtathi raheta hata. temne pan indiama handloom housema job mate farvu padatu hatu. aakhre sari job chodi didhi. ne mumbaima aavenej rahya. ame suratna. emni dikari surat aave to pan e chokari adjust thai sshakati nahi. ane radine pachi jati rheti.badha suratma bhaibenona chokaravo chidhve. aato bhai bombayni! jsk.jasama gandhi.florida.usa.

 18. Hitesh says:

  I am also from Mumbai now living in USA but can never forget Mumbai.

 19. Dhaval B. Shah says:

  Nice and different story.

 20. nayan panchal says:

  હું પણ હાલ મુંબઈમા છું. પરંતુ મારો મુંબઈપ્રેમ આટલો ઉત્કટ નથી. પણ એક વાત બેશક સાચી છે કે મુંબઈ ‘માયાનગરી’ છે.

  નયન

 21. Janki says:

  hmm.. lolzz. nicee.. i duno how people live in Bombay!!! way too crowded …

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.