સુખે દુ:ખે સમે કૃત્વા – ગિરીશ ગણાત્રા
પેલી માન્યતા છે ને કે દુ:ખ આવી પડે ત્યારે દરેક દિશાએથી એ આવતું હોય છે અને એકી સાથે જ આવે છે. પ્રેમનારાયણની પણ એવી જ હાલત થઈ. એની પત્ની જ્યારે માંદગીને ખાટલે હતી ત્યારે એના ભાગીદારે દગો દીધો. પૈસાની એક મોટી રકમ પેઢીમાંથી ગાયબ થઈ ગઈ. પેઢીમાં એની થોડા દિવસની ગેરહાજરીમાં એના ભાગીદારે રકમની ઉચાપત કરી લીધી અને પછી જ્યારે એ વિશે ગરમાગરમ ચર્ચા થઈ ત્યારે ભાગીદાર છેલ્લે પાટલે બેસી ગયો : મને ભાગીદારીમાંથી છુટ્ટો કરો અને મારું પેઢીમાંનું રોકાણ આપી દો. ભાગીદારને છુટ્ટો કરવા પ્રેમનારાયણ પૈસાની વેતરણમાં પડ્યા હતા ત્યાં એની જુવાન છોકરીએ ઘેરથી નાસી જઈ છાનામાંના લગ્ન કરી લીધાં. પ્રેમનારાયણે એના યુવાન પુત્રને ફેક્ટરી આપી હતી અને પુત્રની અણઆવડતને કારણે ફેક્ટરી બરોબર ચાલતી ન હતી એટલે છેલ્લાં પાંચ છ મહિનાથી એની ચિંતામાં એ પડ્યા હતા અને આ અંગે વારંવાર પુત્રની સાથે ચડભડ થયા કરતી હતી.
બધી બાજુએ પ્રેમનારાયણ ઘેરાયેલા હતા. જે વ્યક્તિએ પોતાની જુવાનીના દિવસોમાં ફૂટપાથ પર બેસી રૂમાલ વેચ્યા હોય, પોલીસના દંડા ખાધા હોય, કોઈ બંધ દુકાનના પાટિયે રાતો ગુજારી હોય અને પોતાની કાળી મહેનતના જોરે એ પૈસા રળ્યા હોય, એને સામાજિક અને આર્થિક ફટકો પડે ત્યારે એની મતિ મૂંઝાઈ જાય, એમાં નવાઈ શી ? પ્રેમનારાયણ અગ્રવાલ ભાંગી પડ્યા. એ મુશ્કેલીઓમાંથી બહાર આવવા ફાંફાં મારતા હતા. ત્યાં કુદરતે વળી એક બીજો ફટકો મારી લીધો. એની પત્ની દેવશરણ પામ્યાં. આ છેલ્લો આઘાત એ સહન ન કરી શક્યા. જેને માટે એ આ સંસાર-સંગ્રામ ખેલતા હતા એ સ્વજનો તો પરાયાં થઈ ગયાં. પત્ની મૃત્યુ પામી, પુત્રીએ સમાજમાં મોં દેખાડવા જેવું ન કર્યું, પુત્ર નપાવટ નીકળ્યો, ભાગીદાર વિશ્વાસઘાતી નીવડ્યો…. હવે કમાવું કોને માટે ?
પત્નીનાં અસ્થિ વિસર્જન કરવા નીકળેલા પ્રેમનારાયણે નક્કી કર્યું કે મનનો ઉદ્ગેગ દૂર કરવા ઉત્તર તરફ ભ્રમણ કરતા રહેવું, દેવસ્થાનો, આશ્રમ, મઠ કે ધર્મશાળામાં રહી સાધુ-સંતોનો સમાગમ કરવો, પ્રાર્થના અને પૂજામાં મન પરોવવું અને પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું. પ્રેમનારાયણ નીકળી પડ્યા. લગભગ છ મહિના સુધી એ પરિવ્રાજક બની ભમતા રહ્યા. હૃષીકેશ, હરદ્વાર, પ્રયાગ, ઉત્તરકાશીથી લઈ બદરીકેદાર સુધી ભ્રમણ કરી આવ્યા પરંતુ ક્યાંય મનને શાંતિ ન મળી. સતત પત્ની, પુત્ર, પુત્રી, ભાગીદાર, ધંધો અને વ્યવહારો એને સતાવતાં રહ્યાં. સાધુસંતોએ ઉપદેશેલો બોધ ક્ષણિક અસર કરતો, પરંતુ એકાદ બે દિવસ પછી એની એ જ હાલત. જિંદગીનાં ચાળીસ વર્ષોનાં પાનાં વિચારોનાં વંટોળમાં સતત ઊડતાં રહેતાં. ચાળીસ-ચાળીસ વર્ષોમાં એણે જિંદગીની યાતનાઓ સહી હતી અને સુખની સેજમાં પણ આળોટ્યા હતા. બંગલા જેવું ઘર હતું, ઘરના દરેક બેડરૂમ વાતાનુકૂલિત હતા, સુખ-સગવડની તમામ ભૌતિક સુવિધાઓ હતી અને સારી એવી મિલકત હતી છતાંય પ્રેમનારાયણને જે શાંતિ પ્રાપ્ત કરવી હતી એ પ્રાપ્ત તો નહોતી જ થતી.
પરિભ્રમણ દરમિયાન એક દિવસ એણે લક્ષ્મણઝૂલા પાસે એક ગાંડા જેવા માણસને ગંગાસ્નાન કર્યા પછી કાદવમાં આળોટતો જોયો. કાદવમાં આળોટી, તડકામાં સુકાઈને ફરી એ સ્નાન કરતો અને ફરી કાદવમાં રગદોળાઈ તડકામાં તપવા બેસી જતો. પ્રેમનારાયણને નવાઈ લાગી. આ બુઝુર્ગ આમ કેમ કરતો હશે ? એ એક પથ્થર પર બેસી આ જૈફ આદમીની ક્રિયા નિહાળવા લાગ્યા. પાસે ફુરસદ ને ફુરસદ જ હતી. કશું કામ નહોતું અને વૃદ્ધની ચેષ્ટામાં એની કુતૂહલવૃત્તિ અટવાતી હતી. તાગ લેવાના હેતુથી એ પથ્થર પર બેસી એ વૃદ્ધની દરેક ક્રિયાનો અભ્યાસ કરતા રહ્યા. બે કલાક પછી પેલા વડીલે ફરી ગંગાસ્નાન કર્યું. સ્વચ્છ થઈ એણે કપડાં પહેર્યાં અને ખભે બગલથેલો લટકાવી એ ચાલતા થયા. નિરુદ્દેશે પ્રેમનારાયણ પણ એની પાછળ ખેંચાયા. સરસ મજાનો સફેદ લેંઘો, લેંઘા પર કીમતી રેશમી ઝભ્ભો, સોનેરી ફ્રેમનાં ચશ્માં અને કાંડે મોંઘું ઘડિયાળ. એનો પહેરવેશ, ચાલવાની ઢબ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ નીરખ્યાં પછી પ્રેમનારાયણને થયું કે આ વ્યક્તિ ગાંડી તો નથી જ. લાગે છે બુદ્ધિશાળી, પણ તો પછી કાદવમાં આળોટવાનું પ્રયોજન શું ? આની પાછળ કંઈક ચોક્કસ કારણ તો હશે જ. એ કારણ જાણવાનું એને મન થયું. પેલા સજ્જને બજારમાં જઈ ફૂટપાથ પરની એક નાનકડી, એકાંતવાળી હોટેલ પસંદ કરી હોટેલના પ્રાંગણના એક ખૂણાના ટેબલ-ખુરશી પર બેસી ચાનો ઓર્ડર આપ્યો અને ચા પીતાં પીતાં ગજવામાંથી મોંઘી સિગારેટનું પેકેટ કાઢી એક સિગારેટ પસંદ કરી. વિદેશી બનાવટના લાઈટરથી એણે સિગારેટ સળગાવી અને શાંતિથી ધૂમ્રપાન શરૂ કર્યું.
‘હું અહીં બેસું તો તમને વાંધો નથી ને ?’ પ્રેમનારાયણે એની સામેની ખુરશી ખેંચતાં પૂછ્યું.
‘બિલકુલ નહિ. શૌખસે બેઠીએ.’
‘શુક્રિયા’ પ્રેમનારાયણે ખુરશી પર બેસતાં કહ્યું, ‘આપ મેરે સાથ ચાય-પાન કરેંગે ?’ એ સજ્જન ઘડીભર પ્રેમનારાયણ સામે તાકી રહ્યા અને પછી હસીને કહ્યું :
‘મંગાવો, પરંતુ અર્ધો જ કપ, હમણાં જ મેં ચા લીધી.’
ચા પીતાં પીતાં થોડી વાતો થઈ, અછડતો પરિચય અપાયો અને પ્રેમનારાયણે મનમાં રમતો સવાલ કરી લીધો : ‘તમારા વિચિત્ર પ્રકારના ગંગાસ્નાનનું રહસ્ય શું ?’
‘આત્મપીડન’ બહુ જ સરળતાથી પેલા સજ્જને જવાબ આપ્યો.
‘કંઈ સમજાયું નહિ.’
‘જિંદગી આખી સુખના સાગરમાં જ ડૂબકીઓ મારી છે એટલે હવે પીડાનો અનુભવ કરું છું. સુખને સમજવા પીડાને પામવું રહ્યું.’
પ્રેમનારાયણને આ સજ્જ્નની જિંદગીની ફિલસૂફીમાં રસ પડ્યો. એની સાથે વાતચીતનો દૌર લંબાવ્યો. પેલા સજ્જન એટલા સરળ અને સીધા નીકળ્યા કે પ્રેમનારાયણથી પોતાની આપવીતી કહેવાઈ ગઈ.
‘ઓહો ! ત્યારે તમે મનની શાંતિ માટે નીકળ્યા છો નહિ ?’ એણે કહ્યું.
‘હા. છેલ્લા છ મહિનાથી અહીં-તહીં ભટકું છું, પણ મનના વિચારોની ઉથલપાથલ સતાવે છે.’
‘તમારી ઉંમર કેટલી થઈ ?’
‘ચાળીસ.’
‘બહુ મોટી ઉંમર ન કહેવાય. યુરોપિયનોના મત મુજબ આ ઉંમરે જિંદગીની ખરી શરૂઆત થાય છે અને એની શરૂઆત થઈ ત્યાં જ તમે હારી ગયા ?’
‘શું કરું ? એટલા બધા ઉપરાછાપરી ફટકા પડ્યા છે કે જિંદગી જીવવા જેવી લાગતી નથી.’
‘તમારી જિંદગી તો ભાઈ ખૂબ જ સરળ છે. તમે કશું જ અનુભવ્યું નથી કે ગુમાવ્યું નથી એમ કહું તો ચાલે. રસ્તે જતા હોઈએ અને કેળાની છાલ પર સહેજ પગ લપસી ગયો હોય અને જે દુ:ખ અનુભવવું પડે એટલું જ દુ:ખ અનુભવ્યું છે. બસ, આટલા આ નાનકડા દુ:ખથી તમે હારી ગયા ? અરે ભાઈ, જિંદગી એ ભરપૂર ભોજન ભાણું છે. એ રસથાળમાં તો અનેક વાનગીઓ આવે. મીઠી, ખાટી, તીખી, તમતમતી, તૂરી, ગરમ, ઠંડી. આ બધું આપણે પચાવી જાણીએ તો જ ભોજનનો આનંદ માણી શકાય. શરીરના આરોગ્ય માટે જેમ તમામ પ્રકારના રસ જરૂરી છે. એમ લાંબી જિંદગીની મોજ માણવા માટે પણ તમામ વિવિધતાઓ જોઈએ. માત્ર એક જ પ્રકારની જિંદગી જીવવાથી સુખનો અહેસાસ નથી થતો. અંગૂરની જેમ થોડા ખટ્ટા, થોડાં મીઠ્ઠા સ્વાદ પણ જરૂરી છે. જુઓ, તમને એક વાત કહી દઉં. કદાચ, આ પૃથ્વી પર સુખી માણસોની શોધમાં તમે નીકળ્યા હો અને એનું લિસ્ટ બનાવો તો એ યાદીમાં મારું નામ જરૂર સામેલ કરજો…..’ કહી એ સજ્જન પ્રેમનારાયણને પોતાની સાથે લઈ ગયા.
એક ધર્મશાળાની ગંદી ઓરડીમાં ચાદર બિછાવી એણે પ્રેમનારાયણને પોતાની જીવનકથા સંભળાવી : ‘મેં તમને કહ્યું હતું ને કે હું સુખીમાં સુખી માણસ છું, પણ મારી કથા સાંભળ્યા પછી કદાચ તમે મને સુખી ન પણ ગણો. મેં હજુ તમને મારો પરિચય આપ્યો નથી. જ્યારે જ્યારે હું આમ રખડવા નીકળી પડું છું ત્યારે મારો પરિચય કોઈને આપતો નથી. પણ તમારી દાસ્તાં સાંભળ્યા પછી તમને મારી વાત કહેવાની ઈચ્છા થઈ છે. મારું નામ કેશોલાલ પંજવાણી. દિલ્હીમાં મહેરઅલી રોડ પર રહું છું. મારો ત્યાં આલીશાન બંગલો છે. નોકરચાકર છે. પાંચ-છ કાર છે. મુરાદાબાદમાં મારી ત્રણ ફેક્ટરીઓ છે. ત્રણેય ફેક્ટરીઓ ખૂબખૂબ કમાણી કરી આપે છે…..’
‘તમારા પુત્રો એ ચલાવતા હશે, નહિ ?’ પ્રેમનારાયણને પોતાનો પુત્ર અને એની માંદી ફેક્ટરી યાદ આવી ગયાં.
‘ના. હું એકલો જ ચલાવું છું. જ્યારે જ્યારે આવી રીતે બહાર ભમવા નીકળી પડું ત્યારે ઑફિસસ્ટાફ અને કામદારો એ સંભાળે છે….’
‘તમારો પરિવાર….?’
‘મારો એ રીતનો કોઈ પરિવાર જ નથી. પરણ્યો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા થવાની તૈયારીમાં હતા ત્યારે જ કરાચીમાં પરણ્યો. કરાચીમાં અમારાં ઘરનાં ઘર હતાં, દૂધ વેચવાનો મોટો કારોબાર હતો. મીઠાઈની બે મોટી જાણીતી દુકાનો હતી. મા, બાપ, ભાઈઓ, કાકાઓ મળી પરિવારની અઢારેક વ્યક્તિઓ આ કારોબાર સંભાળતી….’
‘તો એ બધાં અત્યારે ક્યાં છે ?’
કેશોલાલે આંગળી ઊંચી કરી – ઉપર આકાશ તરફ.
‘શું વાત કરો છો ?’
‘હા. ભાગલા વખતે જ ભાંગફોડની શરૂઆત થઈ. દુકાનો લૂંટાઈ, ખુનામરકી થઈ, માણસો રહેંસાયા અને હિજરત શરૂ થઈ. અમારું કુટુંબ ત્યાંના થોડા રાજકારણીઓ સાથેના સંબંધને કારણે વિશ્વાસમાં રહ્યું કે અમને, અમારા કારોબારને ઊની આંચ પણ નહિ આવે. અમે ભોળવાઈ ગયાં. પણ એક દિવસ એક મોટું ટોળું અમારા ઘરમાં ઘૂસી આવ્યું. મારાં વૃદ્ધ માતાપિતાને, બે કાકાઓને રહેંસી નાખ્યાં. મારી પત્નીને અને ઘરની સ્ત્રીઓને ઉઠાવી ગયા. નાનકડા બાળકોની ઝનૂનપૂર્વક હત્યા કરવામાં આવી. ઘર-દુકાનો લૂંટાઈ ગયાં. હું બાજુના ગામડામાં ગયો હતો એટલે બચી ગયો. થોડા મિત્રો અને સંબંધીઓની સાથે હિજરત કરી જીવ બચાવી દિલ્હી આવ્યો. એ વખતે હું અઠ્યાવીસ વર્ષનો હતો. દિલ્હી આવ્યો ત્યારે એકલો અને અટૂલો હતો. સૌ કુટુંબીજનો હું ગુમાવી બેઠો હતો…..’
‘અરેરેરે !’ પ્રેમનારાયણથી બોલાઈ ગયું.
‘સૌને ગુમાવી બેઠાના દુ:ખ સાથે દિલ્હી આવ્યો, પણ અહીં કરવું શું ?’ શરૂઆતના વર્ષોમાં એ યાતનાભર્યા દિવસો યાદ આવતા રહ્યા, સતાવતા રહ્યા. કશું કરવાનું મન ન થાય, ક્યાંય કામમાં ચિત્ત ન ચોંટે. આપઘાત કરવાના વિચારો મનમાં ઘોળાતા ગયા. મન જ્યારે જ્યારે કલુષિત થાય ત્યારે કોઈ મંદિરના ઓટલે જઈ બેસતો. બસ, એ દિવસોમાં એક વિચાર મનમાં આવ્યો – આ જગતમાં મને પ્રવેશ કરાવનાર ઈશ્વરે મારા માટે કશું નિર્માણ કર્યું હશે ને ? આ જગતના રંગમંચ પર પ્રવેશ કરાવનાર નિયંતાએ મારું કોઈ પાત્ર નક્કી કર્યું તો છે જ. તો પછી, એનો આભાર માની, શા માટે મારે મારા પાત્રને ન્યાય ન આપવો ?’
‘બસ દોસ્ત, બાસઠ વર્ષથી આ પાત્ર સફળતાપૂર્વક ભજવી રહ્યો છું. જે જે પરિસ્થિતિમાં એમણે મને પાત્ર ભજવવાનું કહ્યું તે ભજવી બતાવું છું. એનાથી મને સંતોષ છે. ફરી વખત લગ્નય કર્યા નથી. સૌને મારા આપ્તજન ગણી આ સંસારપ્રવેશને સફળ બનાવવાનો પ્રયત્ન કરું છું….’
‘આટલી બધી સાહ્યબી હોવા છતાં તમે આવી ગંદી ગોબરી ધર્મશાળામાં રહો, કાદવથી સ્નાન કરો, ફૂટપાથ પરની હોટલમાં ચા પીઓ….’
‘મિત્ર, મેં તમને કહ્યું ને કે આત્મપીડન. ભૌતિક સુખોથી કંટાળું ત્યારે જિંદગીની મધુરતા માણવા આ કડવો સ્વાદ માણી લઉં છું. સુખ શબ્દની મારી ફૂટપટ્ટી અને એનાં માપ જુદાં છે. તમારા માપ પ્રમાણે કદાચ હું દુ:ખીમાં દુ:ખી હોઈશ. મારા માપ પ્રમાણે હું સુખી છું….’
કેશોલાલની કથની સાંભળી બીજે જ દિવસે પ્રેમનારાયણ પોતાને વતન પાછા ફર્યા. છ મહિનાથી બંધ પેઢીનાં તાળાં ખોલતી વખતે એણે કેશોલાલનું સ્મરણ કરી લીધું અને પછી પોતાની શેષ જિંદગીનું ઈશ્વરનિમિત્ત પાત્ર ભજવવા તૈયાર થયા – જે ગમ્યું તે જગદીશને, ગણીને.
Print This Article
·
Save this article As PDF
ખુબ જ સરસ
ખુબ સરસ. હંમેશ મુજબ ગીરીશભાઈની વાર્તા કાંઈને કાંઈ શીખવી જાય છે.
SARAS VARTA CHE. JINDGIMA SADAI THI JIVVU JOIYE ANE JINDGI NA ALG ALG RANG JOVO JOIYE.
ખુબ મજાની વાર્તા ..
એક આડવાત
😀
રીસેશનથી અસરગ્રસ્ત થયેલા – victimize – ભગ્નહ્રદયો ને માટે પેઈનકીલર દવા જેવો લેખ … !! 😉
khoob saras pan sharuvat nu thodu chhodi devu.
આ જગતના રંગમંચ પર પ્રવેશ કરાવનાર નિયંતાએ મારું કોઈ પાત્ર નક્કી કર્યું તો છે જ. તો પછી, એનો આભાર માની, શા માટે મારે મારા પાત્રને ન્યાય ન આપવો ? સરળ તત્વજ્ઞાન છે.
જે ગમે જગદગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો….. આપણે મોંઢેથી બોલીએ છીએ પણ તેને સાચા હૃદયપુર્વક જીવનમાં ઉતારવું જોઇએ એવું આ વાર્તા આપણને નથી સમજાવતી?
આ જીવનોપયોગી વાર્તા આપણને સુખી જીવન જીવવાનું રહસ્ય બતાવે છે. ” પ્રત્યવાયો ન વિધ્યતે” એટલે કે દુનિયામાં દુઃખ છે જ નહિ તેનું આ ગિરીશભઇની વાર્તા સચોટ ઉદાહરણ પુરું પાડે છે. જો દુનિયામાં દુઃખ ન હોય તો સુખની કોઇ કિંમત ખરી? કહેવત છે ને કે સુખંમાં સોની સાંભરે અને દુઃખમાં ભગવાન. તેથી દુઃખ તો આપણને ભગવાન તરફ વળવા માટેનું પ્રેરક બળ પુરું પાડે છે તેનું આ વાર્તા પ્રતિપાદન કરે છે.
સુખ તો વસ્તુમાં નહીં પણ આપણી અંદર જ છે પણ આપણે કસ્તુરી મૃગની માફક બહાર શોધવા મથીએ છીએ. આ વાર્તા પ્રેમનારાયણ જેવા કેટલાય લોકોને માર્ગદર્શન આપી સુખની અનુભુતિ કરાવશે એમાં શંકાને સ્થાન નથી. ગિરીશભઇ ગણાત્રાને ખુબ ખુબ અભિનંદન.
ખુબજ સાચી વાત કે ઉપરવાળાઍ મારુ પાત્ર નક્કિ કર્યુ જ હશે.WEL COME LIFE AS IT COMES &
THANK GOD FOR THAT SITUATION.VERY NICE STORY.
Very good story. This story will be very useful in our everyday’s life.
Wah.. khub saras . mane maja padi. sathe shikh pan mali. wah..
પ્રેરણા રૂપ વાર્તા… સરસ …. મૃગેશ ભાઈ , દરેક પોસ્ટ વેીણી વીણી ને મુકો છો..! અભિનન્દન આપ્ને અને શ્રેી ગિરીશ ભાઈ ને..
Short and sweet.
ગિરિશભાઈનો ખૂબજ આભાર.
જીવન જીવીને જ તેની વ્યાખ્યા બાંધવાની હોય છે. સુખે દુઃખે સમતા જાળવવી એ ઘણી વ્યાખ્યાઓમાંની એક.
Inspiring at this difficult time.
બહુ જ સરસ. ખરેખર life time યાદ રાખવા જેવી વાત છે.
બહુ જ સુંદર વાર્તા.
God is a DJ, Life is a dance floor…
આ જગતના રંગમંચ પર પ્રવેશ કરાવનાર નિયંતાએ મારું કોઈ પાત્ર નક્કી કર્યું તો છે જ. તો પછી, એનો આભાર માની, શા માટે મારે મારા પાત્રને ન્યાય ન આપવો ?
નયન
ખુબ સરસ…
such a nice story.. thanks