- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આરણ્યક – બિભૂતિભૂષણ બંદોપાધ્યાય

[નોંધ : ઉત્તમ અને શિષ્ટ સાહિત્યના પ્રકાશનક્ષેત્રે ‘વિચાર વલોણું’ પરિવાર જાણીતું નામ છે. વાર્ષિક માત્ર રૂ. 200ના લવાજમમાં 6 સામાયિક અને 6 પુસ્તિકાઓ દ્વારા ઉત્તમ વાંચન પીરસતા આ પરિવાર દ્વારા ચાલુ માસમાં શ્રી બિભૂતિભૂષણ બંધોપાધ્યાય રચિત ‘આરણ્યક’ સંક્ષિપ્ત સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તિકાનો અનુવાદ ડૉ. ચન્દ્રકાન્ત મહેતાએ કર્યો છે તેમજ તેનું સંક્ષિપ્તીકરણ પ્રજ્ઞાબેન પટેલે કર્યું છે. એક જ બેઠકે વાંચી જવાય એટલી સુંદર આ પુસ્તિકા છે. કોલકતામાં રહેતો અને નોકરીની શોધમાં ફરતો કથાનાયક તેના મિત્રની હજારો વીંઘા જંગલની જમીન સંભાળવાનું કામ સ્વીકારે છે. અત્યંત ભીડભાડવાળી જિંદગીથી દૂર પ્રકૃતિના સાનિધ્યમાં જઈને ત્યાં તેને કેવા કેવા અનુભવ થાય છે, કુદરતના કેવા સ્વરૂપનું તે દર્શન કરે છે, જંગલના રહેવાસીઓ સાથે કેવી આત્મિયતા અનુભવે છે તેનું અદ્દભુત અને અત્યંત સુંદર વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. પુસ્તિકા ખોલતાની સાથે જ જાણે વાચક કોઈ ગાઢ… નિબીડ અને નિર્જન અરણ્યમાં જઈ પહોંચ્યો હોય તેવી અનુભૂતિ સહજ થાય છે. તેમાં એક મૂઠી ભાત ખાઈને જીવન ચલાવતા ગરીબ લોકોની પ્રસન્નતા અને અમીરીની વાતો છે તો તે સાથે મૌન રહેતી પ્રકૃતિના રોમાંચક અનુભવોની પણ ગાથા છે. કુદરતી સૌંદર્યના આલંકારિક વર્ણનો અને ઉત્તમોત્તમ ઉપમાઓ આપણને સાચે જ અરણ્યમાં હોવાની અનુભૂતિ કરાવે છે…. આ પુસ્તકનો પરિચય આપતાં લેખક લખે છે કે….

“મનુષ્યની વસ્તીની પાસે ક્યાંય ગાઢ જંગલ નથી. અરણ્ય તો ઘણું દૂર દૂર છે. જ્યાં વૃક્ષો પરથી ખરી પડેલાં પાકાં જાંબુની ગંધથી ગોદાવરી તીરની હવા ભારકાંત બને છે. ‘આરણ્યક’ એવું જ કલ્પનાલોકનું વિવરણ છે. આ ભ્રમરવૃતાંત કે ડાયરી નથી. આ છે નવલકથા. ‘આરણ્યક’ની પટભૂમિ તદ્દન કપોલકલ્પિત નથી. કોશી નદીની પેલી પાર આ પ્રકારનાં દિગન્તવિસ્તીર્ણ આરણ્યપ્રોતર પૂર્વે પણ હતાં. આજે પણ છે. દક્ષિણ ભાગલપુર અને ગયા જિલ્લાનાં વન અને પહાડો તો વિખ્યાત છે….”

ટૂંકમાં આ પુસ્તિકા સૌ કોઈને એક રોમાંચક સફર કર્યાનો આનંદ આપે તેવી છે. દેશ-પરદેશના વાચકો માટે આનંદના સમાચાર એ છે કે આ સંપૂર્ણ પુસ્તિકા ટૂંક સમયમાં ‘વિચાર વલોણું’ પરિવારની http://vicharvalonu.com વેબસાઈટ પર મૂકવામાં આવશે. (હાલમાં અગાઉની પુસ્તિકા PDF સ્વરૂપે મુકવામાં આવેલી છે.) સૌ વાચકમિત્રો તેનો લાભ લઈ શકે છે. આજે માણીએ આ સુંદર પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ. પુસ્તિકા પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, રીડગુજરાતી.]

પંદર-સોળ વર્ષ પહેલાંની વાત છે. હું તાજેતરમાં જ બી.એ. થયો હતો. નોકરીની શોધમાં દિવસો વિતાવતો હતો. મેં વિચાર કર્યો કે, આજે એક-બે ઠેકાણે નોકરી મળવાની આશા છે, ત્યાં જવા સિવાય બીજું કશુંય કામ નથી. એટલે આખો દિવસ શહેરમાં રખડીશ ને દેવીની મૂર્તિઓનાં દર્શન કરીશ. બીજું કરવાનોય શું હતો ! એવામાં વીશીનો નોકર જગન્નાથ આવ્યો ને એણે મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકી. એ ચિઠ્ઠીમાં વીશીવાળાએ પૈસાની ઉઘરાણી કરી હતી. વીશીમાં પૂજાનિમિત્તે આજે જમણ હતું. મારે બે મહિનાના દામ ચૂકવવાના હતા. એટલે પૂરા નહિ તો ઓછામાં ઓછા દશ રૂપિયા તો આપવાનું જ એ ચિઠ્ઠીમાં જણાવ્યું હતું. વળી એમાં એમ પણ જણાવ્યું હતું કે જો હું પૈસા નહિ આપું, તો આવતીકાલથી વીશીમાં મારાથી જમી શકાશે નહિ.

વીશીવાળાની વાત સોળેસોળ આના સાચી હતી. પણ મારી પાસે ખીસામાં ફક્ત બે રૂપિયા ને થોડા આના હતા. એટલે એ ચિઠ્ઠીનો કશોય જવાબ આપ્યા વિના હું વીશીમાંથી બહાર નીકળી પડ્યો. બહાર તો નીકળ્યો પણ ક્યાં જવું તેની મૂંઝવણમાં હું પડ્યો. જોડાસાંકોની શાળાની નોકરી છોડ્યે આજે એક જ વર્ષ પૂરું થયું હતું. એક વર્ષમાં તો નોકરીની શોધમાં બધેય મેં તપાસ કરી હતી પણ બધે ઠેકાણેથી એક જ જવાબ મળતો હતો : ‘નોકરી ખાલી નથી.’

રસ્તે જતાં અચાનાક સતીશનો ભેટો થયો. હું ને સતીશ છાત્રાલયમાં એક જ ખોલીમાં રહેતા હતા. અત્યારે તો એ અલીપુરમાં વકીલાત કરતો હતો. સતીશ મને જોતાંવેંત જ દૂરથી બોલી ઊઠ્યો, ‘એ સત્યચરણ, ક્યાં ચાલ્યો દોસ્ત ? ચાલને આપણા છાત્રાલયમાં જઈને દેવીનાં દર્શન કરી આવીએ. આપણી જૂની જગ્યામાં મજા આવશે. ચાલ ! ચાલ ! ત્યાં તો જલસો હશે. પેલો…. અવિનાશ…. યાદ આવે છે ? કોઈ મોટા જમીનદારનો છોકરો હતો. એ તો હમણાં જાણીતો ગવૈયો બન્યો છે. એ આજે ગાવા આવવાનો છે. એણે મને સંગીત સાંભળવા નિમંત્રણ આપ્યું છે. એની જમીનદારી અંગે વકીલાતનું કામકાજ હું કરું છું ને એટલે. ચાલ દોસ્ત, ચાલ, તને જોઈને તો એ ખુશ થઈ જશે !’ ….. સંગીતની લહેરમાં એવો તલ્લીન બની ગયો કે કાલે વીશીવાળાને જો કશું ન ચુકાવ્યું તો ભૂખે મરવાનો વારો આવશે તે યાદ આવ્યું નહિ. જલસો રાતના અગિયાર વાગ્યા સુધી ચાલ્યો. અવિનાશ ને હું છાત્રાલયની વિવાદ સભાના સંયુક્ત મંત્રીઓ હતા. ત્યારથી મારી ને અવિનાશની વચ્ચે ખૂબ ગાઢો સંબંધ બંધાયો હતો. પણ કૉલેજ છોડ્યા પછી આ અમારું પહેલું મિલન હતું. અવિનાશે કહ્યું, ‘ચાલ, મારી મોટર છે. તારે જ્યાં જવું હોય ત્યાં ઉતારી દઉં. ક્યાં રહે છે તું ?’ પછી વીશીના દરવાજા આગળ મને એણે ઉતાર્યો, ત્યારે એણે કહ્યું, ‘કાલે બપોરે ચાર વાગે હેરીંગ્ટન સ્ટ્રીટમાં મારે ત્યાં ચા પીવા આવજે. ભૂલતો નહિ. બત્રીસ નંબરનું મકાન છે.’

બીજે દિવસે અવિનાશનું ઘર શોધી કાઢ્યું. અમે જાતજાતની વાતો કરી. પછી અવિનાશે પૂછ્યું, ‘હમણાં તું શું કરે છે સત્ય ?’
મેં કહ્યું : ‘જોડાસાંકો શાળમાં શિક્ષકની નોકરી કરતો હતો, પણ હમણાં તો બેઠાબેઠ છે. મારે હવે શિક્ષકની નોકરી તો નથી જ કરવી. જોઉં છું બીજે કોઈ ઠેકાણે નોકરીનો પત્તો લાગે છે કે કેમ…. એક-બે ઠેકાણે તપાસ કરી છે. મળે એવી આશા પણ છે.’
અવિનાશે થોડો વખત વિચાર કર્યો અને પછી એ બોલ્યો, ‘તારા જેવા લાયક માણસને નોકરી મળતાં જરાય મુશ્કેલી ન નડવી જોઈએ. જો એક વાત કરું. તેં તો કાયદાનો પણ અભ્યાસ કર્યો છે ને ?’
‘હા. મેં તો એલ.એલ.બી.ની પરીક્ષા પણ પસાર કરી છે, પણ વકીલાત કરવાની મારામાં હામ નથી.’
અવિનાશે કહ્યું : ‘પૂર્ણિયા જિલ્લામાં અમારું ઘણું મોટું જંગલ છે. લગભગ પચીશત્રીશ હજાર વીઘાં જમીન છે. ત્યાં અમે એક મુનીમ રાખ્યો છે. પણ એની ઉપર આટલી મોટી જમીનનો બંદોબસ્ત કરવાનો ભાર નાંખવો એ મને યોગ્ય નથી લાગતું. એથી અમે ઘણા વખતથી એક યોગ્ય માણસની તપાસમાં તો છીએ જ. બોલ તું ત્યાં જશે ?’

ઘણી વાર માણસના કાન એને છેતરે છે. મને પણ કાંઈ એવું જ લાગ્યું. અવિનાશ આ શું કહે છે ? આજે એક વર્ષથી નોકરીની શોધમાં રખડતાં રખડતાં જોડાનાં તળિયાં ઘસાઈ ગયાં, અને આજે ચા પીવાનું આગ્રહપૂર્વક આમંત્રણ આપી સામેથી પાછો નોકરી સ્વીકારવાની વિનંતી કરી રહ્યો છે ? અવિનાશ ખૂબ ભોળો અને દરિયાવદિલ આદમી હતો. એણે તો તરત જ કહી નાંખ્યું : ‘હવે વિચારવાફિચારવાનું રહેવા દે. હું હમણાં જ મારા પિતાજીને કાગળ લખી નાંખું છું કે, મને એક અત્યંત વિશ્વાસુ ને પ્રામાણિક માણસ મળી ગયો છે. અમારે જમીનદારીના કામનો જાણકાર માણસ નથી જોઈતો. એવો માણસ મોટે ભાગે ચોરી જ કરે. તારા જેવા ભણેલા ને બુદ્ધિશાળી માણસની જ અમારે જરૂર છે. જંગલ હમણાં જ લીધું છે. ત્રીસ હજાર વીઘાં જમીન કાંઈ જેવા-તેવા માણસના હાથમાં થોડી સોંપી દેવાય છે ? તારી જોડે મારે વધારે વાત કરવી જ નથી. તારી રગેરગ હું જાણું છું. તારે હા જ પાડવાની છે. હું હમણાં જ બાપુજીને લખી દઉં છું કે તારી નિમણૂકનો કાગળ તને મોકલી આપે.’

બે અઠવાડિયે હું મારો બધો સામાન લઈને બી.એન.ડબલ્યુ. રેલવેના એક નાનકડા સ્ટેશને ઊતર્યો. શિયાળાનો બપોર હતો. જમીન પર બધે વૃક્ષોની ગાઢી છાયા પથરાયેલી હતી. જંગલનાં દૂર દૂરનાં વૃક્ષો પર ધુમ્મસ છવાયેલું હોય એમ લાગતું હતું. રેલવે લાઈનની બંને બાજુ વટાણાનાં ખેતરો હતાં, ત્યાંથી તાજા વટાણાની સુગંધ લઈને પવન આવતો હતો. વાતાવરણમાં નિર્જનતા ને શાંતિ હતી. મનમાં થયું કે જે જીવન હું વિતાવવા જાઉં છું તે પણ નિર્જનતાભર્યું ને અકળાવી મૂકે તેવી શાંતિથી ભર્યું હશે. સાંજે ગાડું આવ્યું. એ ગાડામાં જ કલકત્તાથી લઈ આવેલો તે કામળો ઓઢીને આખી રાત વિતાવી. બરફ જેવી ઠંડી રાત હતી. મને શી ખબર કે આવી કાતિલ ઠંડી હશે ! સવારે તડકો થયો ત્યારે પણ ગાડું ચાલતું હતું. પણ મેં આસપાસ જોયું તો જમીનનાં રૂપરંગ બદલાઈ ગયાં હતાં. પ્રકૃતિદેવીએ જાણે જુદાં જ વસ્ત્ર પહેર્યાં હતાં. ખેતરો નહોતાં. વસ્તી જેવું પણ કાંઈ દેખાતું નહોતું. ફક્ત નાનાંમોટાં જંગલો જ હતાં. ક્યારેક ગાઢ, ક્યારેક આછાં. વચ્ચે વચ્ચે ખુલ્લાં મેદાનો આવતાં. પણ ત્યાં ખેતી થતી હોય એમ લાગતું નહોતું. લગભગ દશ વાગે હું કચેરી પહોંચ્યો. જંગલમાં જ લગભગ દશ-બાર વીઘાં સાફ કરીને થોડાં ઘાસથી છવાયેલાં ઝૂંપડાં તૈયાર કર્યાં હતાં. જંગલનાં જ લાકડાં, જંગલના જ વાંસ ને જંગલનું જ ઘાસ વાપર્યું હતું. ઝૂંપડામાં જમીન પર લીંપણ કર્યું હતું. આ બધાં ઝૂંપડાં તાજાં જ બાંધ્યાં હોય એમ લાગતું હતું. ઝૂંપડાની અંદર જતાં જ ભીના ઘાસની, તાજા લીંપણની ને લીલા વાંસની વાસ આવતી હતી. પૂછતાં ખબર પડી કે પહેલાં કચેરી જંગલની બીજી બાજુએ હતી. પણ ત્યાં શિયાળામાં પાણી સહેલાઈથી મળતું નહિ, એટલે થોડો વખત પહેલાં જ અહીં આ નવાં ઝૂંપડાંઓ બાંધ્યાં હતાં. પાસે જ ખળખળ ઝરણું વેગથી વહેતું હતું, એટલે પાણીની કશી મુસીબત નહોતી.

મેં જિંદગીનો મોટો ભાગ કલકત્તામાં જ વિતાવ્યો હતો. મિત્રોનો સાથ; પુસ્તકાલય; નાટકસિનેમા; જલસા એ બધા વિનાની જિંદગીની હું કલ્પના જ કરી શકતો નહોતો. આવી પરિસ્થિતિમાં ફક્ત થોડા રૂપિયા માટે જે જગ્યાએ આવ્યો તે જગ્યા આવી નિર્જન હશે તેની તો મને કલ્પના પણ નહિ. દિવસો પર દિવસો વહી જતા હતા. દૂરના પહાડો ને જંગલો પર પૂર્વાકાશમાં હું સૂર્યોદય જોતો હતો, ને સાંજે સિંદૂરવર્ણાં વૃક્ષોની પાછળ સૂર્યને ડૂબતો પણ હું જોતો હતો. એ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો અગિયાર કલાકનો શિયાળાનો દિવસ શી રીતે વિતાવવો એ મારે માટે એક મોટી સમસ્યા હતી. કામ કરવું હોય તો ઘણું કામ થઈ શકે એમ હતું, પણ હું તો તદ્દન નવો જ આવેલો. અહીંના લોકોની ભાષા હજી પૂરી સમજતો નહોતો. કશાય કામમાં હજી મને પૂરી ગમ પડતી નહોતી. જે થોડી ચોપડીઓ સાથે લઈ આવ્યો હતો, તે મારા ઓરડામાં વાંચી વાંચી હું દિવસો જેમતેમ પૂરા કરતો હતો. કચેરીમાં જે માણસો તે જંગલવાસી હતા. એઓ મારી વાત સમજે નહિ, હું એમની વાત સમજું નહિ. પહેલા દશ દિવસ તો જાણે દશ યુગની જેમ વીત્યા. ઘણી વાર તો થયું કે ચૂલામાં જાય નોકરી, અહીં રહીને જીવવા કરતાં તો કલકત્તામાં પેટ ઠોકીને પડી રહેવું ઘણું સારું. અવિનાશને કોણ જાણે ક્યાં ચોઘડિયામાં હા પડાઈ ગઈ ને આ જંગલમાં આવીને પડ્યો…. ના રે ના, આ જિંદગી મારે માટે નથી.

રાતે મારા ઘરમાં બેસીને આવા વિચારો કરતો હતો, ત્યાં કચેરીનો વૃદ્ધ મુનીમ ગોષ્ટ ચક્રવર્તી બારણું ઉઘાડીને અંદર આવ્યો. આ એક જ માણસ એવો હતો કે જેની જોડે બંગાળીમાં વાત કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું હતું. ગોષ્ટબાબુ અહીં સત્તર-અઢાર વર્ષોથી હતા. વર્ધમાન જિલ્લામાં વનપાસ સ્ટેશનની નજીક ક્યાંક એનું ઘર હતું. મેં કહ્યું : ‘બેસોને, ગોષ્ટબાબુ.’
ગોષ્ટબાબુ પાસેની ખુરશી પર બેઠા પછી બોલ્યા, ‘તમને એક વાત કહેવા આવ્યો છું. સાધારણ વાત અમસ્તી કાને નાંખવા આવ્યો છું. અહીંના કોઈ પણ માણસનો વિશ્વાસ કરશો નહિ. આ બંગાળા નથી. અહીંના લોકો તો ઘણા ખરાબ છે…..’
‘બંગાળાના બધા લોકો કંઈ બહુ સારા નથી ગોષ્ટબાબુ.’
‘એ હું જાણું છું મેનેજરબાબુ ! એ દુ:ખે ને મેલેરિયાને લીધે તો હું અહીં આવ્યો. હું જ્યારે પહેલવહેલો અહીં આવ્યો ત્યારે મને ઘણી મૂંઝવણ થતી. આ જંગલ જોઈને મને ગભરામણ છૂટતી. હવે એવું થયું છે કે બંગાળાની વાત તો આઘી રહી પણ પટણા કે પૂર્ણિયા જાઉં છું તોપણ બે-ત્રણ દિવસથી વધારે હું ત્યાં રહી જ શકતો નથી ને.’
ગોષ્ટબાબુના મોઢા તરફ હું તાકી રહ્યો. પછી બોલ્યો, ‘એમ કેમ ? જંગલનું ખેંચાણ એટલું બધું જબરું છે કે ?’
ગોષ્ટબાબુ મારા મોઢા તરફ જોઈને જરા હસ્યા ને બોલ્યા, ‘એમ જ સમજો ને. એ તો તમને પણ એવો અનુભવ થશે. તાજા જ કલકત્તેથી આવ્યા છો, એટલે કલકત્તે જવા તડપી રહ્યા છો. તમારી ઉંમર પણ નાની છે, મેનેજરબાબુ ! એ તો થોડો વખત અહીં રહેશો ને પછી અહીંની એવી માયા લાગશે. જોજો ને.’
‘એમાં જોવાનું શું છે ?’
‘જંગલ તમારા મનનો કબજો લઈ લેશે સાહેબ ! ધીમેધીમે લોકોની ભીડ ને અવાજો તમને ગમશે નહિ. મારો એવો જ અનુભવ છે મેનેજરબાબુ ! ગયે મહિને અહીં જ પાસેના ગામે અદાલતના કામે ગયેલો ત્યારે એવું જ થયેલું કે ક્યારે અહીંથી નાસી જાઉં.’ મેં મનમાં ને મનમાં વિચાર્યું : ભગવાન એવી દશામાંથી મને બચાવે. મારા મનથી એવી સ્થિતિ આવે તે પહેલાં અહીંથી રાજીનામું આપીને કલકત્તા ચાલી જાઉં.
ગોષ્ટબાબુ બોલ્યા : ‘રાતને વખતે બંદૂક તો પાસે જ રાખીને સૂવું. આ જગ્યા સારી નથી. પહેલાં અહીં કચેરીમાં ડાકુઓ આવેલા, ને બધું લૂંટી ગયેલા. તેથી હવે આપણે કચેરીમાં ઝાઝા પૈસા રાખતા નથી.’

નોકરીની ઘણી શોધ કરી તોયે નોકરીનો પત્તો લાગ્યો નહિ, ને આખરે આ ભયાનક જગ્યામાં આવી પડ્યો. પહેલાં જાણતો હોત કે આ જગ્યા આવી છે તો કેમે કરીને હા પાડત નહિ. આવા વિચારોનું ધમસાણ ચાલતું હતું, ત્યાં ઊગતા ચંદ્રનું સૌંદર્ય જોઈને મારું મન સહસા અત્યંત પ્રફુલ્લિત બની ગયું.
*****

કચેરીથી થોડે દૂર વડના એક જૂના ને વિશાળ વૃક્ષની આસપાસ પથ્થરનો ચોતરો ચણેલો હતો. એ વડને બધા ગ્રાન્ટ સાહેબનો વડ કહેતા. એ નામ શાથી પડ્યું તેની ઘણી તપાસ કરવા છતાં કાંઈ માહિતી મળી નહિ. એક દિવસ સાંજે ફરતાં ફરતાં પશ્ચિમ દિશા તરફ સૂર્યાસ્તની શોભા જોતો જોતો એ ચોતરા પર બેઠો. હું ક્યાં અહીં દૂર દૂર આવી ચડ્યો ! મને ગૂંગળામણ થવા લાગી. કોઈ નિર્જન અરણ્યમાં, ઘાસની ને વાંસની ઝૂંપડીમાં હું રહેતો હતો…. ફક્ત પેટને ખાતર ! શું માણસ અહીં રહી શકે ? ન મળે કોઈ માણસ, ન મળે કોઈ સંગી-સાથી, એકલોઅટૂલો. કોઈ વાત કરવાવાળું પણ નહિ. અહીંના તો બધા મૂરખ જંગલી માણસો, જરા સરખી વાત તો તેઓ સમજે જ નહિ. એવા લોકોના સાથમાં દિવસો વિતાવવાના ! રે ભગવાન ! મનમાં નક્કી કર્યું કે હવે આ મહિનાના તો થોડાક જ દિવસો બાકી રહ્યા છે. આવતો મહિનો ગમે તેમ કરીને આંખ મીંચીને કાઢી નાખીશ. ત્યાર પછી અવિનાશને એક લાંબો કાગળ લખીને, નોકરીમાંથી રાજીનામું આપીને પાછો કલકત્તે ચાલી જઈશ.

પાછો કચેરીમાં આવ્યો ને દીવો સળગાવી એક ચોપડી વાંચતો બેઠો. ત્યાં ચોકીદાર મુનેઘર આવીને સલામ કરીને ઊભો રહ્યો. મેં પૂછ્યું : ‘કેમ મુનેધર, શું છે ?’
મુનેધર બોલ્યો : ‘હજૂર, તમે મુનીમબાબુને મારે માટે એક લોખંડની કઢાઈ ખરીદવા હુકમ આપો ને.’
‘લોખંડની કઢાઈને શું કરશે તું ?’
‘એક લોઢાની કઢાઈ હોય તો કેટલી સગવડ થાય હજૂર ! એને જ્યાં જઈએ ત્યાં સાથે લઈ જઈએ તો એમાં ભાત રંધાય, એમાં આપણી ચીજવસ્તુ રાખી શકાય, એમાં જમાય, ને વળી ભાંગી જાય તેની ચિંતા નહિ. મને એક કઢાઈ અપાવો.’

આ દુનિયામાં એવા ગરીબ લોક હોય છે કે જેમને છ આનાની લોખંડની કઢાઈ મળે કે જાણે સ્વર્ગ મળ્યું હોય એમ લાગે છે ! મેં સાંભળ્યું હતું કે આ પ્રદેશના લોકો ઘણા જ ગરીબ છે, પણ આટલા બધા ગરીબ હશે એમ તો ધારેલું નહિ. મને એમની પર માયા ઉપજી. બીજે દિવસે મારી સહીવાળી એક ચિઠ્ઠીને જોરે મુનેધરસિંહ નવગછિયાના બજારમાંથી એક કઢાઈ ખરીદી લાવ્યો ને મારા ટેબલ પર મૂકી મને ઝૂકીને સલામ કરીને ઊભો રહ્યો.
‘થઈ ગયું. હજૂરની કૃપાથી કઢાઈનું થઈ ગયું.’ એનું આનંદથી પ્રફુલ્લિત મુખ જોઈને આ એક મહિનામાં મને પહેલવહેલું થયું : ‘કેવા ભલાભોળા લોકો છે ! ખરું દુ:ખ મારું નહિ, એ લોકોનું છે.’

[પ્રકરણ-1 સમાપ્ત]

[કુલ પાન : 105. કિંમત રૂ. 55 પ્રાપ્તિસ્થાન : દીપક સોમપુરા, વિચારવલોણું પરિવાર, બી-5 રંભા કોમ્પ્લેક્ષ, ગુજરાત વિદ્યાપીઠ સામે, નવજીવન, અમદાવાદ-380014. ફોન : +91 79 27541953]