સૂર્ય-ઉપાસના – વિનોબા ભાવે
[આજે સૂર્યસંક્રાંતિ, એટલે કે મકરસંક્રાંતિ-ઉત્તરાયણનું પર્વ. આ તહેવારની સૌ વાચકમિત્રોને શુભકામનાઓ. આજના વિશેષ દિને પ્રસ્તુત છે તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘સૂર્ય-ઉપાસના’ના કેટલાક અંશો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
સૂર્ય એટલે ઉત્તમ પ્રેરણા આપનારો. સુ + ઈર. ‘ઈર’ એટલે પ્રેરણા આપનારો. સૂર્યને જ સૂક્ષ્મ રૂપે સવિતા પણ કહે છે. ગાયત્રી મંત્રમાં એના જ વરણીય સ્વરૂપનું ધ્યાન કરીને બુદ્ધિ માટે એની પાસે ઉત્તમ પ્રેરણાની અપેક્ષા રાખવામાં આવી છે. સૂર્યનું એક નામ ‘સ્વરાટ્’ છે, જેના પરથી ‘સ્વરાજ’ શબ્દ આવ્યો. સ્વરાટ્ એટલે સ્વયંપ્રકાશી. સૂર્ય સ્વાવલંબી છે. ચંદ્રને અન્યરાજ કહ્યો. તે બીજાના પ્રકાશમાં વિરાજમાન છે. આમ ‘સ્વરાટ્’ શબ્દ બહુ સરસ અર્થ બતાવનારો છે. ‘ભાસ્કર’, ‘ભાનુ’ વગેરે શબ્દો પણ પ્રકાશસૂચક છે. સૂર્યનું સંસ્કૃતમાં એક નામ છે, ‘શંસ:’ તેના પરથી જ અંગ્રેજીમાં ‘સન’ (sun) થયું અને ફ્રેન્ચમાં ‘સોલઈ’ થયું. યુરોપની બધી ભાષાઓમાં સૂર્યવાચક શબ્દ સંસ્કૃત પરથી બન્યા છે.
સૂર્ય ઉપાસનાને આપણા પૂર્વજોએ માણસના જીવન સાથે વણી લીધી છે. આપણે ત્યાં યજ્ઞોપવિત વખતે જે જનોઈ પહેરાય છે, તે સૂર્યને દેખાડ્યા વિના નથી પહેરાતી, ‘સૂર્યાય દર્શયિત્વા’ – એમ કહીને જ પહેરાય છે. જનોઈ પહેરતી વખતે અમુક વિધિ કરવામાં આવે છે. વૈદિક મંત્રોથી પહેલાં તેને અભિમંત્રિત કરાય છે. તેમ છતાં હજી તે પહેરવા લાયક નથી બનતી. તે પહેરવા લાયક તો ત્યારે બને છે, જ્યારે તેને હાથમાં લઈને સૂર્યને દેખાડવામાં આવે છે. જ્યારે સૂર્યએ તેને જોઈ લીધી, ત્યારે જનોઈ પહેરવા લાયક બની. આમ, દરેક ચીજને સૂર્યદર્શન કરાવવું જોઈએ, એવી પરંપરા ઊભી થઈ. ‘પ્રકાશન’ શબ્દ પણ આના પરથી જ ઊભો થયો છે. પ્રકાશનનો અર્થ છે, સૂર્યનારાયણ સામે મૂકવું, સૂર્યનારાયણના પ્રકાશમાં રાખવું. તેને લીધે એ ચીજ સ્વચ્છ સ્વરૂપમાં સામે આવે છે, તેના ગુણ અને દોષ બંને સામે આવે છે. પ્રકાશનથી વસ્તુનું અસલ રૂપ લોકો સામે આવે છે. કોઈ ભૂલ થઈ હોય, તો તે પણ સામે આવવી જોઈએ અને સદવિચાર પ્રગટ થયા હોય, તે પણ પ્રકાશમાં આવવા જોઈએ.
એક વાત મેં એ પણ અનુભવી છે કે રાતે જ્યારે નિદ્રાભંગ થાય છે, ઊંઘ ઊડી જાય છે, ત્યારે આપણે ચિંતનમાં પડી જઈએ છીએ. તો ક્યારેક ક્યારેક વિચારના એવા નવા નવા આવિષ્કારો થાય છે, જેવા દિવસની જાગૃતિમાં નથી થતા. રાતે વિચાર કરતાં ભાવનાનું જોર વધુ હોય છે, અને તેનો લાભ લઈ લેવો જોઈએ. પણ પાછું એમ પણ જોવા મળે છે કે રાતની પ્રેરણાઓ સૂર્ય-પ્રકાશમાં મોટે ભાગે ઓછી થઈ જાય છે. આ પણ સારું જ છે. આપણે સૂર્ય-પ્રકાશને પણ એનું કામ કરવા દેવું જોઈએ. સૂર્ય-પ્રકાશમાં જે પ્રેરણા ટકશે, બલ્કે બળવાન બનશે, તેને હું સ્વીકારીશ.
[ગ્રહણ આપણી આંખોને, સૂર્યને નહીં]
બીજી પણ એક વાત છે. વાદળાંને કારણે સૂર્ય ન દેખાય, તો આપણે કહીએ છીએ કે સૂર્ય ઢંકાઈ ગયો. ખરું જોતાં, સૂર્ય નથી ઢંકાયો, આપણી આંખ ઢંકાઈ છે. પણ આપણને લાગે છે કે સૂર્ય ઢંકાયો. અને જ્યારે વાદળ દૂર થઈ જાય છે ત્યારે કહીએ છીએ કે સૂર્યને મુક્તિ મળી ગઈ. સૂર્ય તો સ્વયંપ્રકાશી છે. તેને વળી કોણ ઢાંકવાનું અને કોણ મુક્ત કરવાનું ? આવી જ રીતે આપણી મન-બુદ્ધિ પણ મુક્ત જ છે. આપણે વિકારને વશ થઈ ગયાં, તો મન-બુદ્ધિ બદ્ધ થઈ ગયાં અને વિકારને હટાવી દીધા તો મુક્ત થઈ ગયાં. એટલે કહ્યું કે ‘બદ્ધો મુક્ત ઈતિ વ્યાખ્યા ગુણતો મે ન વસ્તુત:’ ગાઢ તમસની બનેલી તમોમયિ શક્તિ જ બુદ્ધિને ઢાંકે છે. આવું જ ગ્રહણની બાબતમાં પણ. જેમ સૂર્યનારાયણનો પ્રકાશ ગ્રહણથી ઢંકાઈ જાય છે, તેમ આપણી બુદ્ધિને પણ લોભ, મોહ વગેરે ગ્રસ્ત કરી લે છે. એ જ ગ્રહણ છે. ગ્રહણ વાસ્તવમાં આપણી આંખોને લાગેલું છે, સૂર્યને નહીં. જો કે આવી ઘટનાઓનો ઉપયોગ પણ શાસ્ત્રકારોએ પ્રજાને બોધ આપવા માટે જ કરી લીધો. એમણે કહ્યું કે આજનો ગ્રહણનો દિવસ આપણને સંદેશ આપી રહ્યો છે કે માણસના જીવનનો સાર પરોપકાર અને દાનધર્મ છે. માટે સ્નાન કરો અને દાન કરો – ‘દો દાન, છૂટે ગ્રહણ !’
[નિસર્ગના લય સાથે આપણોયે લય સાધવો]
આવી બધી પરંપરા આપણા ઋષિમુનિઓ બહુ લાંબી દષ્ટિથી અને સમજપૂર્વક ઊભી કરી ગયા છે. નિસર્ગના લય સાથે આપણો લય મેળવવાની કોશિશ એમણે કરી છે. એમણે કહ્યું કે, આજે મકર સંક્રાંતિનો દિવસ છે. આજથી સૂર્ય હવે ઉત્તરની તરફ વળી રહ્યો છે. અત્યાર સુધી સૂર્ય દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો હતો. હવે તેણે દિશા બદલી. હવે તે ઉત્તર દિશા તરફ જશે. એટલે તેને ઉત્તરાયણ કહે છે. આ એક સંક્રાંતિકાળ છે. એટલા વાસ્તે આપણા માટે આ એક પવિત્ર દિવસ છે. સંક્રાંતિ એટલે રસ્તો બદલવાનો સમય. સૃષ્ટિમાં આવો ફરક થઈ રહ્યો છે, તો આપણે આપણા જીવનમાંયે ફરક કરીએ. સૂર્યએ જેમ દિશા બદલી તેમ આપણે પણ આપણા જીવનની દિશા બદલીએ. અને એટલે આ દિવસને ઉત્સવ રૂપે, તહેવાર રૂપે ઊજવીએ. આની પાછળ એક દર્શન છે કે, પ્રકૃતિમાં પરિવર્તન આવે તેની સાથે આપણોયે અનુબંધ રહે, એમ આપણે ઈચ્છીએ છીએ. એટલે આજના દિવસે આપણે પણ આપણા જીવન ઉપર એક નજર નાખી લઈને જોઈ લઈએ કે આપણે કઈ રીતે જીવી રહ્યા છીએ, આપણી જીવનપદ્ધતિ કેવી છે, તેમાં કાંઈ સુધારા કરવા જેવા છે કે નહીં. આ દિવસને આપણે આંતર-નિરીક્ષણનો દિવસ માનીએ, ત્યારે આવા દિવસનો આપણને લાભ મળે. નહીંતર તો અન્ય દિવસોની જેમ આ દિવસ પણ આવશે ને જશે.
ઋષિમુનિઓએ કેટલું ઊંડું ને લાંબું વિચાર્યું છે ! એટલે હિંદુસ્તાનના લોકો આનો તહેવાર ઊજવીને આજના દિવસે એકબીજાને તલ-ગોળ ખવડાવે છે અને મોં મીઠાં કરે છે. અને નિશ્ચય કરે છે કે આજથી અમે બધાં સાથે પ્રેમથી વર્તીશું, કંઈ ભૂલ કરી હશે તો સુધારીશું, કંઈ ઝઘડો થયો હોય તો તે ભૂલી જઈને પ્રેમથી વર્તવાની આજથી ફરી શરૂઆત કરીશું. આવો સંકલ્પ કરવાનો એક શુભ દિન બનાવી દીધો ! સમાજનું ઘડતર કરવાની કેવી કુશળતા અને કેવી લાંબી દષ્ટિ ! આજના દિવસે સૂર્યનારાયણની સાક્ષીએ આ રીતે શુભ સંકલ્પ લેવાય છે. એ ખરું કે, સંકલ્પ તો જાણે કોઈ પણ દિવસ લઈ શકાય. જે સમયે આપણને સત્સંકલ્પ કરવાનું સૂઝ્યું, એ જ સમય ને એ જ દિવસ સૌથી શુભ સમય છે અને આપણા માટે સૌથી શુભ દિવસ છે. તેમ છતાં આપણા સહુનો અનુભવ છે કે રોજ રોજ કરતાં કોઈક વિશેષ દિવસે, તહેવારને દિવસે સત્સંકલ્પ કરવા માટે કંઈક વિશેષ પ્રેરણા આપણને મળે છે. તેથી પ્રાચીન કાળથી આપણા પૂર્વજોએ આવા ખાસ તહેવાર-ઉત્સવના દિવસે સત્સંકલ્પ લેવાની પ્રથા શરૂ કરી છે. વળી, આને લીધે આપણને વિશેષ બળ પણ મળે છે. મકર-સંક્રાંતિને દિવસે સૂર્યનારાયણની સાક્ષીએ કોઈ સંકલ્પ લઈને આપણે જો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, તો આપણે માત્ર આપણા બળ ઉપર જ આધાર રાખવાને બદલે તે શુભ દિવસનું બળ પણ મેળવીએ છીએ. તેને લીધે આપણો સંકલ્પ સિદ્ધ કરવામાં આપણને મદદ મળે છે.
[સૂર્યમંદિરો પાછળની સર્વાંગી જીવનદષ્ટિ]
આમ, આપણે ત્યાં સૂર્યને આપણા આખા જીવન સાથે સાંકળી લેવામાં આવ્યો છે. સૂર્યને પરમ મિત્ર કહ્યો, સચરાચરનો આત્મા કહ્યો, જીવનના સર્વ રસનો દાતા કહ્યો. એટલે આપણે ત્યાં નાનાં-મોટાં સૂર્યમંદિરો પણ અનેક બન્યાં છે. લોકોએ એમ વિચાર્યું હશે કે ઉત્પત્તિ, સ્થિતિ ને લય એ બધું સૂર્યદેવ જ કરે છે, તો એમનું મંદિર બાંધીએ અને તેમાં જીવનની બધી લીલાઓ ચિત્રિત કરીએ. જો કે સૂર્યમંદિરો વિશે જાતજાતના વિવાદ ચાલ્યા કરે છે, અને ઘણી ગેરસમજો પ્રવર્તે છે. કેટલાક કહે છે કે મંદિરમાં આટલો બધો શ્રૃંગાર તે બતાવવાનો હોય ? કેટલાકને તો એ બધાં શ્રૃંગારિક શિલ્પો જોઈને એટલી બધી ઘૃણા ઊપજે છે કે તેઓ ત્યાં સુધી કહે છે કે આવાં બધાં શિલ્પોને તોડી નાખવાં જોઈએ ! જો કે મને એમ લાગે છે કે સામાન્ય રીતે લોકો ત્યાં જાય છે, તેઓ ભક્તિભાવથી જાય છે અને તેઓ મોટે ભાગે આ બધું જોવાને બદલે ભગવાનને જ જુએ છે. વળી, મને એમ લાગે છે કે પહેલાંના સાધકોએ આને જ પોતાની સાધના માની હશે કે આ બધુંયે નિર્વિકાર દષ્ટિએ જોવું.
ખરું કહું તો હું તો કોણાર્કનું સૂર્યમંદિર જોઈને બહુ જ આકૃષ્ટ થયો. ભગવાન સૂર્યના રથના આકાર જેવું એ મંદિર સાત ઘોડા અને ચોવીસ પૈડાંવાળું છે. સૂર્ય એટલે કલાત્મા. સાત ઘોડા એટલે સાત દિવસ, અને ચોવીસ પૈડાં એટલે ચોવીસ પખવાડિયાં. આખીયે કલ્પના ખરેખર મહાન અને ભવ્ય છે. તે મંદિરની દીવાલો ઉપર દુનિયામાં ચાલનારી બધી જ કૃતિઓ પથ્થરમાં કંડારાયેલી છે. પણ એ બધું બહાર છે. એ બધી જીવનની વિવિધ પ્રેરણાઓ છે. અને અંદર આ બધાથી સાવ અનાસક્ત ભગવાન સૂર્ય-નારાયણ અંતર્યામી વિરાજમાન છે. મારા ઉપર તો આ બધું જોઈને સારી જ અસર પડી. રવીન્દ્રનાથ ઠાકુરે એમ કહીને આવાં શિલ્પોનો બચાવ કર્યો છે કે આપણે ત્યાં ‘મિથુનદર્શનં મંગલમ્’ – મિથુનનું દર્શન મંગળ અને શુભ શુકન રૂપ મનાયું છે, એટલે આ મંગલ દર્શન છે, અભદ્ર દર્શન નહીં. જો કે હું આની તરફ એ જ દષ્ટિએ જોઉં છું કે આ બધી જીવનની વિવિધ પ્રેરણાઓ છે, જેમની પ્રેરક શક્તિ ભગવાન સૂર્ય છે. અને એ જ ભગવાન અનાસક્ત રૂપે આપણી અંદર પણ વિરાજમાન છે. સૂર્ય એ શક્તિસ્વરૂપ છે, અને પ્રજનન-ક્રિયા એ પણ એક શક્તિનું જ રૂપ છે. સૂર્યનાં અનેક શક્તિસ્વરૂપો બતાવવા સાથે આ શક્તિનું રૂપ પણ બતાવવું જોઈએ, એમ એ કાળના લોકોને લાગ્યું હશે.
વાત એમ છે કે કેટલાક લોકોનું વલણ puritan – શુદ્ધિવાદી હોય છે, અતિનૈતિકવાદી હોય છે. પણ આ શુદ્ધિવાદ – ચોખલિયાપણું ઘણી વખત એકાંગી બની જાય છે, અને અમુક પ્રક્રિયાને ખરાબ માનીને તે આવા ઠેકાણે ન જ હોવી જોઈએ એમ વિચારે છે, અને એવું જ્યાં કાંઈ જુએ છે કે તુરત ભડકી ઊઠે છે ! પણ આમ એકાંગી નહીં બનવું જોઈએ. ઘણી વાર આ પ્રજનનની પ્રક્રિયા પ્રત્યે બહુ જુગુપ્સાથી જોવામાં આવે છે. પણ મારા દિલમાં પ્રજનનની પ્રક્રિયા પ્રત્યે એવી કોઈ જુગુપ્સા નથી. જેનાથી હું ને તમે પેદા થયા, સંતો ને મહાત્મા પેદા થયા, તેને હું એક પવિત્ર ક્રિયા માનું છું. તેના વિશે જુગુપ્સાની દષ્ટિ મને ઉચિત લાગતી નથી. આ રીતે કોણાર્ક ને ખજુરાહોનાં સૂર્યમંદિરોનાં શિલ્પો તરફ જોશો, તો તેનું રહસ્ય તમને સમજાશે.
મૂળમાં સમજવાની વાત એ છે કે આપણે ત્યાં સૂર્યની ઉપાસનાને જીવનનાં વિવિધ અંગો સાથે વણી લેવામાં આવી હતી. તેની પાછળ જીવનની એક સમગ્ર ને સર્વાંગી દષ્ટિ હતી.
[કુલ પાન : 64. કિંમત રૂ. 25. પ્રાપ્તિ સ્થાન : યજ્ઞ પ્રકાશન. ભૂમિપુત્ર, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ગુજરાત. ફોન નંબર : +91 265 2437957.]
Print This Article
·
Save this article As PDF
i want all the liturature regarding gujarati version.
happy sankranti to you all !!!
અએ કાયપો છે …………………….
મકરસંક્રાંતિ- તહેવારની સૌને શુભકામનાઓ.
સૂર્ય-ઉપાસના અંગે વિનોબા ભાવેનો ખૂબ સરસ માહિતીપૂર્ણ લેખ
Saras lekh 6. pustak mangavi vanchvu j padse. dhanyvad
ઉત્તરાયણની અસર અહી ન્યુજર્સીમા એટલીજ જોવા મળે કે દિવસ ધીમે ધીમે લાંબો થતો જાય…
સુંદર દિવસે સુંદર વિચારો વાચીને સ્વદેશની યાદ તરોતાજા થઈ…
iam very much happy on reading this article . really it is most informative& spiritual . thanks to website organiser . upendra
I am happy to read this type of mail and share the knowledge.
its very nice..
મકરસંક્રાતિ અને સૂર્યમંદિરો વિશે સાચુ જ્ઞાન આજે મળ્યુ.
આભાર.
નયન
સૂર્ય વિષે વિચારો અને વેદ સ્મરનણ ન કરો તો વાત અધૂરી રહી જાય. અગ્નિ પછી ઈંન્દ્ર અને ઈંદ્ર પછી સૌથી વધુ સ્તોત્રો સુર્ય વિશે છે. સૂર્ય એ વિષ્ણુ છે. ઘણી પૌરાણિક કથાઓના મૂળ આપણને રુગ્વેદમાંથી મળે છે. દા. ત. વામન અવતારના ત્રણ ડગલામાં આકાશ ધરતી અને પાતાળ ઓળંગી જવાની વાત, તેમજ વૃત્રાસુર ને મારવાની વાત. સૂર્ય એ ઈન્દ્ર છે જે પોતાના કિરણો રુપી બાણોથી વાદળોરુપી વૃત્રાસુરના પાણીના બિન્દુ રુપી કટકા કરીને ધરશાઈ કરે છે.
વિશ્વમૂર્તિ (રુદ્ર = શિવ) એ સૂર્યમાં રુદ્ર નામ સ્વરુપે છે.
વિશ્વમૂર્તિ ને ત્રણ નેત્રો છે જે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ છે.
દુનિયામાં સૂર્ય અને અગ્નિ ઉપાસના સૌ થી જૂની અને સર્વ વ્યાપક રહીછે.
વેદોમાં વિશ્વને એક દેવ માન્યા છે. જેને રુદ્ર કહ્યા છે.
very good
ખુબજ સરસ….