- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કૃતજ્ઞતા – ડૉ. મોહનભાઈ પંચાલ

[સત્યઘટના – ‘સુવિચાર’ સામાયિક : ‘જીવનમૂલ્ય’ વિશેષાંકમાંથી સાભાર.]

વર્ષો પહેલાં હું જ્યારે એક ગામમાં શિક્ષક બન્યો હતો, ત્યારનો એક પ્રસંગ યાદ કરતાં હું ગદગદિત થઈ જાઉં છું. એ શાળાનું સંચાલક મંડળ ગામના આગળ પડતા પાંચ માણસોનું હતું. પરંતુ તેમને શિક્ષણ અંગે ઝાઝી સૂઝ-સમજ ન હોવાથી, આણંદની ડી.એન. હાઈસ્કૂલના તત્કાલીન આચાર્ય શ્રી ઈશ્વરભાઈને સલાહકાર તરીકે નિમ્યા હતા. તેઓ અવારનવાર અમારી શાળાની મુલાકાત લેવા આવતા હતા. સંચાલક-મંડળની મીટીંગ રાખી જરૂરી ચર્ચા કરતા અને ઉપયોગી સૂચનો કરતા.

એક દિવસે ઈશ્વરભાઈ શાળાની મુલાકાતે આવેલા. સૌ પ્રથમ તેઓ આચાર્યને મળ્યા અને સ્ટાફ મીટીંગ યોજવાની ઈચ્છા વ્યક્ત કરી. સ્ટાફમાં બધા મળીને પાંચ શિક્ષકો હતા. તે પૈકી બે શિક્ષકો તેમના અંગત કામે રજા ઉપર હતા. જ્યારે હું આગલે જ દિવસે અમારી અઢી વર્ષની બાળકીનું અવસાન થયું હોવાથી રજૂ મંજૂર કરાવ્યા વિના ગેરહાજર રહ્યો હતો. આમ ત્રણ શિક્ષકોની ગેરહાજરી હોવાથી સ્ટાફ મીટીંગનો અર્થ નહિ સરે એવું માનીને આચાર્ય ઈશ્વરભાઈને નમ્રભાવે જણાવ્યું.
‘સાહેબ, સ્ટાફ મીટીંગ ભરવાનું આજે શક્ય નહિ બને કેમ કે ત્રણ શિક્ષકો ગેરહાજર છે.’
‘પાંચમાંથી ત્રણ ગેરહાજર રહે એ કેવી રીતે ચાલે ? તમે તેમને રજા ઉપર રહેવાની મંજૂરી આપી જ શા માટે ?’ ઈશ્વરભાઈએ આચાર્યને સવાલ કર્યો.
‘સાહેબ, બે શિક્ષકોએ તેમના લીવ રીપોર્ટમાં અંગત અને અનિવાર્ય કારણ દર્શાવ્યું છે એટલે મારે તેમની જરૂરિયાત સમજવી જ પડે ને ?’ આચાર્યએ સ્પષ્ટતા કરી.
‘અને ત્રીજા શિક્ષક ?’
‘તેમના તરફથી કોઈ રિપોર્ટ મને મળ્યો નથી કે કારણ પણ જાણવા મળ્યું નથી. તે ગઈ કાલે પણ ગેરહાજર રહ્યા હતા. હા, એવી માહિતી આજે મળી છે કે તેમની નાની બાળકી ગુજરી ગઈ છે….’
‘ક્યા શિક્ષક એ ?’

‘શ્રી પંચાલ, જે આપણી શાળામાં ચિત્રશિક્ષક છે.’
‘…અને તમે શ્રી પંચાલને ઘેર આવા પ્રસંગે ડોકિયું કરવા પણ ગયા નથી ? ચાલો, ઊભા થાવ. આપણે બંને તેમને ઘેર જઈએ અને આશ્વાસનના બે શબ્દો કહીએ… આવા પ્રસંગે મીટીંગ રદ કરીને પણ આપણે માનવધર્મ બજાવવાનું ચૂકવું ન જોઈએ.’ ઈશ્વરભાઈએ ઠપકાભર્યું વિધાન કર્યું તે સાંભળી આચાર્ય શરમિંદા બની ગયા. ઈશ્વરભાઈ અને આચાર્ય બંને મારે ઘેર આવી પહોંચ્યા. ત્યારે હું શાંત ચિત્તે એક બાંકડા ઉપર બેસી રહ્યો હતો. મેં તે બંને મહાનુભાવોને આવકાર આપી વંદન કર્યાં.

થોડી પૂછપરછ કરી મને સાંત્વન આપતાં ઈશ્વરભાઈએ જણાવ્યું : ‘એ બાળકી અને તમારો સંબંધ પૂરો થયો એટલે તેને ભગવાને બોલાવી લીધી. ત્યાં તેની જરૂર હશે. અહીં તમારી જરૂર છે. પોતાનું પ્રિય સંતાન ગુમાવતાં ક્યાં માબાપને આઘાત અને શોક ન થાય ? છતાં આપણે લાચાર છીએ, ભગવાનના નિર્ણય સામે….’
હું ગદગદ સ્વરે બંનેને પ્રણામ કરીને બોલ્યો હતો : ‘મારા આવા સમયે આપ બંને વડીલો મારે ઘેર પધાર્યા અને અમને આશ્વાસન આપ્યું તે બદલ આભાર સાહેબ !’
‘અરે, ભાઈ પંચાલ આભાર તો મારે આ આચાર્યનો માનવાનો કે તેમણે મને આ કરૂણ ઘટનાથી અવગત કર્યો અને તેથી હું મારો વડીલધર્મ બજાવી શક્યો. નહિ તો હું તમારે ઘેર આવી ન શકત. તમારો પણ આભાર મારે એટલા માટે માનવાનો કે તમારા જીવનની આ ઘટના નિમિત્તે હું એક માનવીય મૂલ્યને વ્યવહારમાં મૂકી શક્યો.’
અમારા બંને વચ્ચેનું આ શબ્દોનું આદાન-પ્રદાન સાંભળીને પેલા મૌન રહેલા આચાર્ય પણ બોલી ઊઠ્યા :
‘ઈશ્વરભાઈ સાહેબ, મારે ખરેખર તો આપનો આભાર માનવાનો રહે છે કેમ કે આપની સક્રિયતાથી હું આપને અનુસરી મારો ધર્મ, ફરજ અદા કરવાનું શીખ્યો. મારું આચાર્યપદ શોભાવી શક્યો.’

પરસ્પર આભાર માનીને અમે ભાવવિભોર બની ગયા. કૃતજ્ઞતાના મોંઘેરા મૂલ્યની પ્રતીતિ કરાવતી એક બીજી ઘટના પણ અત્રે નોંધવા જેવી છે. ત્યારે એક મોટા ગામની વિશાળ શાળાના આચાર્યપદે નિમાયો હતો. મને સંચાલક મંડળે ખાસ કામ સોંપીને આચાર્યની જવાબદારી આપતાં કહ્યું હતું : ‘આ સંસ્થાની ક્ષીણ થઈ ગયેલી ખ્યાતિ પાછી મેળવી આપવા સહિત આપને શાળામાં ઘર કરી ગયેલાં એક-બે અનિષ્ટ તત્વો નાબૂદ કરવાનું સોંપવામાં આવે છે. મેં તેમની અપેક્ષા પ્રમાણે જવાબદારી અદા કરવાનું સપ્રેમ સ્વીકારી લીધું હતું કેમ કે એવું જવાબદારીવાળું કામ કરવાનું મને વધુ પસંદ પડતું હતું. તેમણે મને મારી કોઈ અન્ય શરતો હોય તો તે જણાવવાનું પણ કહ્યું, જેના પ્રત્યુત્તરમાં મેં જણાવ્યું :
‘સરકારી ધારાધોરણ પ્રમાણે પગાર વત્તા મારે રહેવા-જમવાની સંતોષકારક વ્યવસ્થા, કેમ કે અહીં હું એકલો કુટુંબ સિવાય રહેવાનો છું.’
‘આપીશું, પણ આપનું કુટુંબ તો હશે જ ને ?’ પ્રમુખશ્રીએ પૃચ્છા કરી.
‘હા, મારા કુટુંબમાં મારા સાથે છ માણસો છે. હું દર શનિ-રવિવારે મારા કુટુંબ પાસે જતો રહીશ.’ મેં અધિક સ્પષ્ટતા કરી. તેનો પણ તેમણે સહૃદય સ્વીકાર કર્યો. ચાર-છ દિવસમાં મારા નિવાસ માટે તેમણે સારા લત્તામાં એક ઘણા વિશાળ અને આધુનિક સગવડવાળા મકાનમાં એક સેલ્ફ ફર્નિશ્ડ રૂમ નક્કી કરી લીધો. એ મકાનમાં માલિકનું કુટુંબ-યુવા પતિપત્ની, બે બાળકો અને એક વૃદ્ધ માતા. તેમણે જ્યારે જાણ્યું કે મારે એ રૂમમાં એકલા રહેવાનું છે ત્યારે સામેથી પૂછ્યું :
‘સાહેબ, જમવાનું ક્યાં રાખશો ?’
‘સામે, પી.કે પટેલના રસોડે.’
‘ના, તેઓ રહે અમારા ઘરમાં ને જમવા બીજે જાય એ સારું નહિ લાગે. અમે સાહેબને માટે જમવાની વ્યવસ્થા પણ કરીશું અને બીજી એક વાત – સાહેબનું રહેવાનું ઘરભાડું કે જમવાનું ખર્ચ – એ બેમાંથી એક પણ અમારે લેવાનું નથી.’ ઘરવાળાં સરોજબહેને શરત મૂકી.
‘એ તમે જાણો અને રહેનાર સાહેબ જાણે.’ કહીને વ્યવસ્થાપકે એ વાત પાકી ગોઠવી દીધી. તેમણે મને એ ઘર બતાવ્યું. સરોજબહેને પ્રસન્નતાથી મને પૂછ્યું : ‘આ રૂમ તો તમને ફાવશે ને સાહેબ ? ના ફાવે તો બીજો રૂમ પસંદ કરો. અને હા, તમારે તમારા સામાનમાં કપડાં સિવાય બીજું કંઈ પણ લાવવાનું નથી. જે જોઈશે તે બધું જ અમે આપીશું. જમવાનું પણ બંને વખત અમે આપીશું. તમારી અનુકૂળતા મુજબ અમે રાંધીશું, સાહેબ !’
‘જેવી આપની બધાંની ઈચ્છા. હું આ રવિવારથી રહેવા આવી જઈશ.’ કહીને હું મારા અંતરમાં, એ પરિવારે મારા પ્રત્યે દાખવેલ પ્રેમ અને સૌજન્યની કદર કરતો ત્યાંથી ચાલી નીકળ્યો. સ્કૂલમાં ગયા પછી ક્યાંય સુધી ઈશ્વરે અને તેની પ્રેરણાથી પેલા પરિવારે મારા ઉપર દાખવેલ સહાનુભૂતિ અને સદભાવ; સ્નેહ અને આદર માટે આભારની લાગણી માણી રહ્યો.

હું રવિવારે મારાં કપડાં અને અન્ય જરૂરી સામગ્રી લઈ સરોજબહેનના મકાને ગયો ત્યારે તે અને તેમના પતિ રજનીકાંત મારું સ્વાગત કરવા પ્રવેશદ્વારે ઊભાં હતાં. પ્રેમથી હસતા મુખે મારા હાથમાંથી સૂટકેશ લઈ લેતાં તેઓ બંને મારા નિશ્ચિત રૂમ તરફ દોરી ગયાં. ‘પધારો સાહેબ’ કહી તેમણે એ રૂમની સજાવટ બતાવી. પલંગ, સુંદર ચાદર, ટેબલ-ખુરશી, નાનું કબાટ, ટેબલ લેમ્પ, નેપકિન, બાથટૂવાલ, ઠંડા પાણીનો જગ વગેરે યોગ્ય સ્થાને ગોઠવી દીધાં હતાં. તેમણે કરેલી અદ્દભુત ભૌતિક વ્યવસ્થા ઉપરાંત તે પાછળ દર્શાવેલ ઉત્સાહ અને આદરપ્રેમની ભાવનાથી હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. હું ગદગદ કંઠે ફકત એટલું જ બોલી શક્યો :
‘થેન્ક યુ સરોજબહેન; થેન્ક યુ રજનીભાઈ…..’
‘થેન્કસ શેના સાહેબ ? તમે તો અમારા અતિથિ છો, સન્માનનીય વડીલ છો. ઈશ્વરે અમારે ઘેર મોકલેલા પ્રતિનિધિ છો. અમે તો તમારા સંતાનો છીએ. અમને તમારી સેવા કરવાનો આ અવસર મળ્યો છે તે માટે અમે તમારા ઋણી છીએ. કૃતજ્ઞ બનતાં અમને આનંદ થયો છે.’ વારાફરતી બંને પતિ-પત્ની બોલી ગયાં. મેં તેમની આંખોમાં ભીનાશની છાંટ નિહાળી ત્યારે હું પણ એવી જ સ્થિતિમાં મૂકાઈ ગયો.

બરોબર પોણા બે વર્ષ સુધી તેમણે મને એક અતિથિ તરીકે, વડીલ અને આદરણીય વ્યક્તિ તરીકે રાખ્યો, જમાડ્યો અને કુટુંબથી દૂર હોઈ, સહવાસ, સાહચર્ય અને સાનિધ્ય પૂરાં પાડ્યાં હતાં. અવારનવાર મને ભાવતું ભોજન બનાવીને સમયસર પીરસી જવાનું સરોજબહેને કૌશલ્ય દાખવ્યું હતું તો રજનીભાઈએ મારી અંગત સેવા કરીને મને હેમખેમ રાખ્યો હતો. પેલાં વૃદ્ધ માતાએ અવારનવાર સરોજબહેનને પૂછીને ખાતરી કરી હતી : ‘સાહેબને જમાડ્યા ? સાહેબને ફરી ચા પીવી હોય તો પૂછી જો. શિયાળો છે તો સાહેબને એક વધારાનો બ્લેનકૅટ ઓઢવા આપજે સરોજ. અને સવારે નાહવાનું ગરમ પાણી પણ ડોલ ભરીને તેમની બાથરૂમમાં મૂકી આવજે…’ મારાં પોતાનાં પરિવારજનો કરતાં પણ વિશેષ કાળજી લેનાર, મારા પ્રત્યે આદર દાખવનાર, મારી વાતો શ્રદ્ધાપૂર્વક સાંભળનાર અને મને મારી જવાબદારી ક્ષમતાપૂર્વક પૂરી કરવામાં પ્રેરક બનનાર એ શ્યામ કમળશી સરોજ, રાત્રિની નીરવ શાંતિ સમાન ગંભીર રજનીભાઈ, માના વાત્સલ્યની અનુભૂતિ કરાવનાર એ વૃદ્ધ માતા અને પેલાં બે હસમુખાં નિર્દોષ અને અજ્ઞાંકિત બહેન-ભાઈ : આરતી અને ઊર્મિલ મારાં પૂર્વજન્મનાં સ્વજનો બની ગયાં હતાં.

પોણા બે વર્ષ સુધી એ મમતાભર્યા, અમીરસ ઢોળતા કુટુંબની વિદાય લેવાનો વખત આવ્યો ત્યારે બે શબ્દો આભારના કે કૃતજ્ઞતાના વદતા મારી આંખે ઝળઝળિયાં આવી ગયાં છતાં હિંમત કરીને બોલ્યો : ‘માજી, સરોજબહેન-રજનીભાઈ અને આરતી-ઊર્મિલ તમારો આભાર માનું છું. તમે મારા પ્રત્યે એક વડીલ પ્રત્યે શોભે તેવો વ્યવહાર દાખવ્યો છે તે બદલ હું તમારો પાંચેયનો હૃદયપૂર્વક આભાર માનું છું !’ સામે ઊભેલ સરોજબહેનની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી તો રજનીભાઈ તેમના ખભે માથું મૂકીને જડ બની ગયા હતા. પેલા વૃદ્ધ માજી પણ અકથ્ય વેદનામાં ડૂબી ગયાં હતાં.

‘સાહેબ, આભાર તો અમારે તમારો માનવાનો કે આપે અમારા કુટુંબને શાંતિ, પ્રેમ, સલાહ, સાંત્વન અને ઘણું બધું આપ્યું. અમારું આંગણું તમારા જેવા પુણ્યાત્માને પગલે પાવન થયું. અમે શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખ્યાં. તમારો અમારા ઉપરના અપાર ઉપકારનો બદલો અમે ક્યારે આપી શકીશું. મને સરોજબેન ન કહેતાં ફક્ત સરોજ કહી તમારી દીકરી ગણશો તો મને પિતાનું વાત્સલ્ય પુન: પ્રાપ્ત થયું લાગશે… આવજો, સાહેબ… અરે.. પિતાશ્રી. સમયાંતરે અમને દર્શન દેતા રહેશો.’ સમગ્ર પરિવારની આંખમાં આંસુ હતાં.