સાંજનું સ્વરૂપ – પ્રણવ ત્રિવેદી

[રીડગુજરાતીને આવો સુંદર લેખ લખી મોકલવા માટે શ્રી પ્રણવભાઈ ત્રિવેદીનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. લેખકશ્રી ઍસોસીએટ બેન્કસ ઑફિસર્સ ઍસોશિયેશન યુનિટ, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર-ઝોનલ ઑફિસ-રાજકોટ દ્વારા પ્રકાશિત થતા ‘લીલુંછમ પર્ણ’ નામની ગુજરાતી પત્રિકાના સંપાદક છે. ]

માણસ સંસ્કૃતિની પગથારે ચાલતો થયો ત્યારથી ચોવીસ કલાકના ચોકઠાનો ઓશિયાળો બની ગયો. માણસના બે પગ ઘડિયાળના બે કાંટાના ગુલામ બન્યા. માણસ હંમેશા દોડતો થઈ ગયો અને સમયને હંફાવવાના પ્રયત્નોમાં પોતે હાંફતો રહ્યો, પણ આપણે તો વાત કરવી છે આ ચોવીસ કલાકમાંથી સૌથી વધુ વૈવિધ્ય ધરાવતી સાંજ વિશે.

સવાર, બપોર, સાંજ, સંધ્યા, રાત, મધરાત, ઉષાકાળ વગેરેમાંથી સૌથી વધુ વૈવિધ્ય સમૃદ્ધિ જો કોઈની પાસે હોય તો તે છે સાંજ. કવિઓનો પણ માનીતો સમય છે આ સાંજ. ‘અણગમતું આયખું લઈ લો ને નાથ, મને મનગમતી સાંજ એક આપો…’, કે ‘ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા..’ કે ‘જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી…. કે ‘તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ….’

કેટકેટલાં રંગરૂપ છે આ સાંજના. પ્રેમીઓને મેળાપનો આ ઉત્તમ સમય મનાય તો નોકરિયાતો માટે અને પેલા પંખીઓ માટે પણ સાંજ એટલે માળામાં પાછા ફરવાની વેળા. વેપારીઓ માટે ‘ઘરાકીનો સમય’ ! પ્રબુદ્ધો માટે આ ચિંતનનો સમય અને બાળકો માટે બાળપણને સોળે કળાએ ખિલવા દેવાનો સમય ! કદાચ શ્રદ્ધાંજલિ માટે પણ આ સમય શ્રેષ્ઠ ગણાતો હશે તેથી જ તો સાદડી કે બેસણું કે શોકસભા પણ મોટેભાગે સાંજે જ હોય છે !

સાંજ એટલે દિવસનો વન પ્રવેશ ! સવારે સમયસર પોતાની આકાશી ઑફિસમાં હાજર થયેલાં સુરજ માટે પણ દિવસ દરમિયાનની પૃથ્વી પરની ગતિવિધિનો અહેવાલ બનાવવાનો સમય ! સાંજના સમયે કોઈ વૃક્ષને, ધારી ધારીને જોજો. પોતાના અનેક હાથ પ્રસારીને પુરા વડીલભાવથી પંખીઓને આવકારવા ઉત્સુક થયેલું દેખાશે. વાદળોએ વરસાવેલાં આકાશી હેત પછીના સંતૃપ્તિસભર ભાવો પણ સાંજે જ મેઘધનુષ થઈને પ્રગટતા હોય છે.

સાંજ સોહામણી લાગે છે કે ગમગીન, ઉદાસ લાગે કે રંગીન તેનો આધાર પુરો દિવસ કેવી રીતે વિત્યો છે તેના પર છે. કદાચ નયનરમ્ય સંધ્યા પણ પશ્ચિમાકાશે ત્યારે જ પ્રગટતી હશે જ્યારે સૂર્યનો આખો દિવસ સુખાનુભૂતિમાં વિત્યો હોય ! આ જ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે. આખોયે દિવસ પ્રસન્નતાપૂર્વક જીવવાના સફળ પ્રયત્નો જ સાંજને માણવાલાયક બનાવશે. વનપ્રવેશની સાંજ સમી વેળાએ જીંદગીને મબલખમાણી હશે તો જ જીવન-સંધ્યા વળગણવિહોણા કેસરી રંગથી સલુણી થઈને મહોરી ઉઠશે.

સૌને સ્વસ્થ સવાર અને સંતૃપ્ત સાંજ માટે અઢળક શુભકામનાઓ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાવ્યસંચય – ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી
દેવસ્ય પશ્ય કાવ્યમ્ – પ્રવીણ દરજી Next »   

16 પ્રતિભાવો : સાંજનું સ્વરૂપ – પ્રણવ ત્રિવેદી

 1. dmkhatri says:

  પ્રિય પ્રણવભાઈ,

  આજે આપનો સાંજ વિષે નો લેખ વાંચ્યો .. મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું.. સુંદર મજાની સાંજ .. ઢળતા સૂર્યની સાંજ..કેસરવર્ણી કાયાથી સજેલી ધરતી.. પ્રિયે ની રાહમાં વાટ પર અજંપાભરી નજરોને માણતી સાંજ..બાળકો સાથેની ધિંગામસ્તીની સાંજ..મંદિરના મધુર ઘંટારવની સાંજ..ગૌધનની રણકતી ઘંટડીઓ અને ઊડતી ધૂળની ડમરીઓ, ને ધાવણ થી વ્હાલ વરસાવતી સાંજ..

  સર્વ ને સદાકાળ સુંદર સાંજ પ્રાપ્ત થાવો એવી અભ્યર્થના..
  ( એસ.બી.એસ ના અધિકારીગણને ખાસ..)

  દિલીપ મ. ખત્રી
  ૧૭.૦૪.૨૦૦૬

 2. Darshana says:

  sA^j ane enA sAj, kAvyo nA sanDarbhamAn varNan saras shobhe chhe.
  Darshana

 3. Sanjay Upadhyay says:

  sundar bhasha-shaili, adbhut kalpan ane shabdo ni chusti lekh ne sanj nu saundarya bakshe chhe. dhanyavad.

 4. sanjay says:

  dear pranav

  congratulation

  sanjay mehta

 5. G.Shah says:

  A nice articale….please continue to write

 6. Ashok Pandya says:

  પ્રિય પ્રણવ ભાઈ,

  સલુણી સાંજ નો સુગંધી લોબાન તમારા આ લેખ માં મઘમઘે છે, તો ગોરજ વેળાની ગાયોની ડોકની ઘંટડીઑ પાદરના શિવાલયની આરતી જેમ ગુંજે છે.
  અદભૂત શબ્દ ચિત્ર … સાંજની સલામ …

  અશોક પંડ્યા

 7. nayan panchal says:

  સાંજ વિશે આ રીતે તો ક્યારેય વિચાર્યુ જ નહોતુ. જીવનમાં પણ જો સવાર (બાળપણ), મધ્યાહન (યુવાની) સારી રીતે વીતે તો સાંજ પણ એકદમ સોહામણી બની જતી હોય છે. લેખકને આટલા સુંદર લેખ બદલ અભિનંદન.

  નયન

  “સાંજ સોહામણી લાગે છે કે ગમગીન, ઉદાસ લાગે કે રંગીન તેનો આધાર પુરો દિવસ કેવી રીતે વિત્યો છે તેના પર છે.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.