- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જેઓ કંઈક મૂકી ગયાં – જિતેન્દ્ર દેસાઈ

[‘જેઓ કંઈક મૂકી ગયાં’ પુસ્તકમાં લેખકે મુદ્રણ, પ્રકાશન, પત્રકારત્વ, શિક્ષણ અને લોકસેવા સાથે સંકળાયેલા 37 જેટલા મહાનુભાવોની જીવન ઝરમર સરળ શબ્દોમાં આલેખી છે. તેમના જીવનપ્રસંગો વાંચતા ઉચ્ચજીવન જીવવાની પ્રેરણા તો મળે જ છે પણ તે સાથે વિકટ પરિસ્થિતિઓમાં ટકી રહેવાનું આત્મબળ પ્રાપ્ત થાય છે. આ સૌમાંના એક એટલે ‘સસ્તું સાહિત્ય’ની સ્થાપના કરનાર ભિક્ષુ અખંડઆનંદ. ચાલો, પ્રકાશનક્ષેત્રે તેમના મહત્વના પ્રદાનને સ્મરીએ. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

ઘણાં વરસ પરની વાત છે. ભાવનગરનો એક યુવાન નસીબ અજમાવી પેટિયું રળવા મુંબઈ આવ્યો. નસીબ પાઘરું નહીં તે કોઈ પ્રામાણિક કામ મળ્યું નહીં ને મુંબઈના મવાલીઓના સંગે ચઢી ગયો. કામની શરૂઆત નાનકડી. મવાલીઓ ભેગા થઈ કાંઈ કોઠુંકબાડું કરતા હોય, જુગાર ખેલતા હોય, ત્યારે ગલીને નાકે બેસી પોલીસદાદા આવી ચઢે તો સિસોટી મારી સંજ્ઞા કરી દેવાની, જેથી પેલા મવાલીઓ ગુનાહિત પ્રવૃત્તિ બંધ કરી છૂ થઈ જઈ શકે. પેલાએ સિસોટી મારી ગુમ થઈ જવાનું, નહીં તો પોલીસ તેનેય પકડે ! શરૂઆત આમ થઈ પણ પછી કામગીરી વધતી ગઈ. મવાલીઓનો નવો સાગરીત મવાલી બની ગયો. નાનાંમોટાં ગુનાહિત કામો કરતો થયો ને મારામારી ખૂનખરાબા સુધીનાં કામમાં સામેલગીરી સુધી વાત પહોંચી ગઈ.

આ યુવાન આમ ગેરરસ્તે આગળ વધતો હતો પણ તેના વાંચવાના શોખે તેના જીવનમાં પલટો આણ્યો. વાંચવાનો શોખ એવો કે જે હાથ લાગે તે વાંચે. એમાં સારુંનરસું બધું આવે. એક વાર પ્રિન્સેસ સ્ટ્રીટની ફૂટપાથ પરથી એક ચોપડી હાથ લાગી. રસ્તાની બત્તીના અજવાળે આખું પુસ્તક પૂરું કર્યું ને થયું, ‘હું મુંબઈ શા માટે આવેલો ને નાના ગુનામાંથી મોટા ગુના કરતાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો ! આ તે કંઈ જીવન છે !’ બીજી સવારે વતનની વાટ પકડવાનું નક્કી કરી મુંબઈથી વીરમગામની ગાડી પકડી. આમ એ યુવાન મુંબઈના દોજખમાંથી પાછો ભાવનગર આવી ગયો. એનું નામ આત્મારામ ભટ્ટ. આ આત્મારામનો આત્મા જગાડનાર પુસ્તકનું નામ ‘ટૉલ્સ્ટૉયનું જીવન’ અને એ પુસ્તકના પ્રકાશક ભિક્ષુ અખંડ આનંદ. પ્રકાશન સંસ્થાનું નામ ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય.’

જે આત્મારામનું જીવન એક પુસ્તક વાંચી સન્માર્ગે વળ્યું તેનુંય જીવનચરિત્ર તેમના પુત્રવધૂ મીરાંબહેન ભટ્ટે લખ્યું છે. વાંચવા જેવું છે. ગાંધીજીના સાહિત્યની અસરમાં આવી આત્મારામભાઈ પ્રખર સત્યાગ્રહી બન્યા હતા. પૂર્વજીવનમાં ગૂજરાત વિદ્યાપીઠમાં રહેતા ત્યારે વિદ્યાપીઠની બહાર આશ્રમ રોડ પર ખાદીની અડધી બાંયની ચડ્ડી, અડધી બાંયનો ઝભ્ભો ને માથે ટોપી લઈ હાથમાં ગાંધીજીની આત્મકથા ને બીજાં ગમી જાય તેવાં પ્રકાશનો લઈ બસ સ્ટૅન્ડ પર ફરતા. કોઈ પુસ્તક જોવા માગે તો બતાવતા ને ખરીદવા માગે તો છાપેલી કિંમતે તેને આપતા. પુસ્તકો ખરીદતા ત્યારે તેમને છાપેલી કિંમત પર કમિશન મળતું. પણ તેમની આ પ્રવૃત્તિ કમિશન કમાવાની ન હતી, ‘મિશન’ હતી. શું મિશન ? તેમના જીવનને એક સારાં પુસ્તકે નવો વળાંક આપેલો, સારો વળાંક આપેલો, એટલે આપણે થાય તો બીજાને તેમ કરવામાં મદદ કરવી. જો ભિક્ષુ અખંડાનંદ ન હોત, તેમનું સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ન હોત, અને તેણે મહાત્મા ટૉલ્સ્ટૉયનું જીવનચરિત્ર પ્રસિદ્ધ કર્યું ન હોત તો પેલા મવાલીઓના રવાડે ચઢેલા આત્મારામ કદાચ મુંબઈના કોઈક ‘ડૉન’ના નિકટના સાગરીત બન્યા હોત.

સસ્તું સાહિત્યવાળા ભિક્ષુ અખંડઆનંદે પણ મુંબઈથી જ પોતાની પ્રવૃત્તિના શ્રીગણેશ કરેલા. તેઓ પણ વાચનના જબરા શોખીન. બોરસદના વતની. સ્વમાની એવા કે ભાઈએ ઠપકો આપ્યો તે મુંબઈ ભાગી ગયેલા. ભાઈઓ સાથે ભાગ વહેંચણી પછી આ લલ્લુભાઈ ઠક્કરે ધંધો કરી જોયો પણ ફાવ્યા નહીં. લગ્ન કરેલાં પણ સાધુસંતના સત્સંગનું ભારે આકર્ષણ. બીડી ફૂંકે ને વિચારે ચઢી જાય. સંસાર તરફ વૈરાગ્ય આવ્યો. જાનકીદાસ મહારાજ પાસે જઈ સંન્યાસ લેવાની ઈચ્છા વ્યકત કરી. મહારાજ કહે : ‘તું બીડી છોડી શકતો નથી, સંસાર કેમનો છોડી શકીશ ?’ લલ્લુને હાડોહાડ લાગી આવ્યું. બીડી છોડી. એકાંતમાં ધ્યાન લેવાનું શરૂ કર્યું. પત્નીનું મૃત્યુ થયેલું. અંતે સંસાર છોડવાનો નિર્ણય કરી અમદાવાદ આવ્યા. શિવાનંદ પાસે શિવરાત્રીએ સંન્યાસ લઈ લલ્લુભાઈ ઠક્કર અખંડાનંદગિરિ બની ગયા. અખંડાનંદગિરિ ગયા, પ્રયાગ, કાશીના તીર્થાટને ગયા ને ત્યાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ફરતા ફરતા પાછા મુંબઈ આવ્યા.

એક પુસ્તક ખરીદવા પ્રિન્સેસ સ્ટ્રીટ ગયા. પુસ્તકની કિંમત સાંભળી ઠરી ગયા અને વિચારે ચઢ્યા. મનમાં એક વિચારે ઘર ઘાલ્યું, ‘કોઈ ગરીબ માણસ આટલાં મોંઘાં પુસ્તક કેવી રીતે ખરીદી શકે. તેને સસ્તી કિંમતે પુસ્તકો મળવાં જોઈએ.’ આ વિચારમાંથી ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’નો ગર્ભ બંધાયો. પોતે અમૃતલાલ સુંદરજી પઢિયારને ત્યાં ઊતરેલા. સાંજે તેમને વાત કરી. ‘ગીતા લેવા ગયેલો. બે રૂપિયા કિંમત. કેમ પોસાય ? ગીતા સસ્તી મળે તે માટે કાંઈ કરવું જોઈએ.’ પઢિયાર કહે, ‘વાત સાચી છે, પણ તમે સાધુ માણસ. માગીને ખાવું ને મસીદે સૂવું. તમારે ઉપાધિ શા માટે વહોરવી જોઈએ ?’ અખંડાનંદજી કહે, ‘કેમ ? એમાં ઉપાધિ શાની ? મારે માટે કરું તો ઉપાધિ. બાકી લોકોના ભલા માટે તો સાધુએ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ.’ સાંજે નાથીમા ભાટિયાને ત્યાં જમવા ગયા. ગર્ભશ્રીમંતી નાથીમા સાધુસંતોને જમાડે. ભિક્ષુ અખંડાનંદજી જમવા તો બેઠા, પણ તેમના મને તો પેલાં સસ્તાં પુસ્તકો આપવાની વાતનો ભરડો લીધેલો. તે ભાણા પરથી ઊભા થઈ ગયા. નાથીમાને થયું કે સાધુને કાંઈ વાંકું પડ્યું. પૂછ્યું પણ ખરું. ભિક્ષુએ કહ્યું, ‘કાંઈ થયું નથી, પણ જમવાનું મન નથી થતું. બાઈબલ સસ્તું મળે, કુરાન સસ્તું મળે અને એક ગીતા જ મોંઘી મળે એ કેવું ? મારે બે રૂપિયે મળતી ગીતા બે આને આપવી છે. હજારની મૂડી ઊછીની જોઈએ છે, પછી આપી જઈશ.’ નાથીમાએ સાધુની માગ સ્વીકારીને હજાર રૂપિયા ગણી આપ્યા. વધુમાં કહ્યું, ‘મારે રૂપિયા પાછા નથી જોઈતા. સારાં કામમાં વાપરી નાખજો.’ આમ સારા વિચારને સધિયારો મળી ગયો. ગીતાની દસ હજાર નકલ તરત છપાવી. બે આને વેચવા માંડી. લેવા માટે પડાપડી થઈ, ચપોચપ ઊપડી ગઈ. નકલે એક પૈસો નફો થયો. આમ ‘સસ્તું સાહિત્ય’ની પ્રવૃત્તિ શરૂ થઈ. ગીતા છપાવે, ખપી જાય, ફરી છપાવે, ફરી ખપી જાય. ભિક્ષુ પ્રકાશક બન્યા. હિમાલય હિમાલયની જગ્યાએ રહી ગયો. મુંબઈ કરતાં અમદાવાદ સસ્તું. સસ્તુના સ્વામીજી અમદાવાદ આવ્યા. ભદ્રમાં આજે જ્યાં ‘અખંડ આનંદ’ની ઈમારત ઊભી છે ત્યાં ફૂટપાથ પાસે પતરાંના છાપરામાં ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ની શરૂઆત થઈ.

કોઈ સાધુ હિમાલયમાં તપ કરે તેના કરતાંય આકરું તપ સ્વામીજીએ ભદ્રમાં પતરાંની છાપરી નીચે આદર્યું. જ્યારે જુઓ ત્યારે સ્વામીજી પ્રકાશનના, સસ્તાં પુસ્તકોના કામમાં રત હોય. પ્રૂફ વાંચતા હોય. પાઈએ પાઈનો હિસાબ રાખતા હોય. આ તપે મહાભારતના સાત ભાગ આપ્યા. ગીતા બે આને આપવાનું ચાલુ હતું. તુલસી રામાયણ ક્ષેપક સાથે અર્ધી કિંમતે. એક ભાગ બે રૂપિયે મૂક્યો. શ્રાવણ માસમાં બધાં પુસ્તકો અડધી કિંમતે. એક સાધુ સાધના છોડી પુસ્તકો લખાવે, છપાવે, વેચે તેની બીજા સાધુઓ નિંદા કરે. ‘આ તે કાંઈ સાધુનું કામ છે ?’ ભિક્ષુ અખંડાનંદ સ્વસ્થતાથી જવાબ આપે : ‘હું સાધુનું જ કામ કરું છું. લોકો નીતિને રસ્તે ચાલે તે માટે જીવન ઉપયોગી ધાર્મિક અને આરોગ્યનું સાહિત્ય સસ્તું આપવું જોઈએ. ખરાબ ચોપડી સસ્તી મળે તો સારી ચોપડી સસ્તી કેમ ન મળે ? લોકો ખરીદી શકે તેવાં ઉત્તમ પુસ્તકો સસ્તી કિંમતે તો પ્રજા નીતિનાશને માર્ગે નહીં જાય. આ પણ સાધુનું જ કામ છે.’

ગુજરાતની પ્રજાને નીતિનાશને માર્ગે ન જતાં ધર્મ ને નીતિને માર્ગે જવામાં પ્રેરણા આપે તેવાં પુસ્તકો સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયે વાજબી દામે અને વિવિધ સ્વરૂપે આપ્યાં. ધાર્મિક સાહિત્યની સંકુચિત વ્યાખ્યા તો તેણે બાંધી જ ન હતી. જેમ્સ એલનનાં બે પુસ્તકોનો અનુવાદ ‘નરમાંથી નારાયણ’ અને ‘દૈનિક કલ્યાણસૂત્ર’ સ્વામીજીએ શરૂમાં જ આપેલાં. માર્ડન અમેરિકન લેખક. તેમનાં મડદાંને બેઠા કરે તેવા સાહિત્યે સ્વામીજીને આકર્ષ્યા. સ્વામીજીએ અનુવાદના હક્ક માટે લખ્યું. લેખકે ચાર ચોપડી મોકલી લાખ રૂપિયા રૉયલ્ટી માગી. સ્વામીજીએ પોતાની પસંદગીની ચાર ચોપડીને સારવીને જોવા મોકલી. વધુમાં લખ્યું અમે તો ભિક્ષુ છીએ. પુસ્તક છપાવવા કાગળના પૈસાય ઊછીના લાવી, પુસ્તક વેચાય પછી ચૂકવીએ ! અમે આપનાં પુસ્તકોનો પ્રચાર અમારી ભાષામાં કરવા માગીએ છીએ. માર્ડને અમેરિકામાં વસતા ગુજરાતીને ભિક્ષુ અખંડાનંદજી અને તેમની પ્રકાશન પ્રવૃત્તિ વિશે પૂછ્યું. પેલાએ કહ્યું : દુનિયામાં ક્યાંય આટલું સસ્તું સાહિત્ય કોઈ નહીં આપતું હોય. વધુમાં કહ્યું, ‘ભિક્ષુ બાફેલા મગ પર જીવે છે. તે ચૌદ ચૌદ કલાક પુસ્તકો પર કામ કરે છે !’ માર્ડન વારી ગયા. સ્વામીને તેમનાં પુસ્તકો મફત છાપવાના અધિકાર આપ્યા. તેથી ‘ભાગ્યના સૃષ્ટા’, ‘સુખ, સામર્થ્ય, સમૃદ્ધિ’, ‘આગળ ધસો’ ને ‘સુખી જીવનનાં સાધનો’ જેવાં ઉત્તમ પુસ્તકો ગુજરાતી વાચકોને મળ્યાં. કંઈ કેટલાય આત્મારામોને આ પુસ્તકોએ નવી દિશા બતાવી હશે તે કહી શકાય તેમ નથી. આમ, સીધી રીતે અને વિશાળ અર્થમાં જેને ધાર્મિક સાહિત્ય કહેવાય તેવાં પુસ્તકોના પ્રકાશનથી ‘સસ્તું સાહિત્ય’નું સૂચિપત્ર બે પાનામાંથી સોળ પાનાં જેવડું થઈ ગયું. પુસ્તકો ઘેરઘેર તો નહીં પણ ગામેગામ જરૂર પહોંચી ગયાં. આ માટે જોઈતાં નાણાં ઊભાં કરવા તેમણે દોઢ રૂપિયામાં 1500 પાનાંનું વાચન આપતી ‘વિવિધ ગ્રંથમાળા’ શરૂ કરી.

સ્વામીજીય આખરે તો મનખા દેહધારી હતા. એટલે દેહ રોગમાં સપડાયો ને અંતકાળ નજીક દેખાયો એટલે સ્વામીજીએ પુસ્તકો અડધી કિંમતે વેચવા કાઢ્યાં પણ તેથી તો પુસ્તકોની માગ ઓર વધી ગઈ. પુસ્તકો છપાવવાનું કામ ધમધોકાર ચલાવવું પડ્યું. સંસ્થા બંધ કરવાનો વિચાર માંડી વાળી તેને કાયમી ધોરણે ચલાવવાની યોજના સાથે સ્વામીજીએ તે સ્વ. મનુ સૂબેદારને સોંપી. ઊંચા સાહિત્યને સસ્તું આપનાર ભિક્ષુ અખંડાનંદ 1942માં સ્વર્ગે સિધાવ્યા. પછી 1942થી 1992 લગીનાં 50 વરસ સંસ્થાએ સ્વ. મનુ સૂબેદાર અને સ્વ. એચ. એમ. પટેલના નેતૃત્વ હેઠળ સ્વામીજીની પરંપરાને ચાલુ રાખી પ્રકાશનો કરતાં રહેવાનું પુણ્યકાર્ય ચાલુ રાખ્યું. દેશકાળની અસરથી સંસ્થા મુક્ત ક્યાંથી રહે ? એટલે કામદાર સંઘ, લાલ વાવટા, સૂત્રોચાર, કાનૂની લડાઈ, તે દરમિયાન નીપજતી કામચોરી ને અશિસ્ત વગેરેના વમળમાં સંસ્થા ભીંસમાં આવી. ન્યાયતંત્રની અતિસક્રિયતાએ એક ઉત્તમ કામ કરતી સંસ્થાને એવા સંજોગોમાં મૂકી દીધી કે સાહિત્ય સસ્તું આપવાનું કામ અશક્ય થઈ જાય. સ્વ. એચ.એમ. પટેલ જેવા કુશળ વહીવટદારે સંસ્થા સમેટી લેવાનું ઉચિત માન્યું. સંસ્થાનું પ્રેસ બંધ થયું ને પ્રકાશન પ્રવૃત્તિ પણ અટકી ગઈ. પણ સ્વામીજીએ જે અલખ જગાવેલો તેની ધૂણી તો ધખતી જ રહી. ધાર્મિક સાહિત્યની માગ ચાલુ જ હતી અને ધાર્મિક ગ્રંથ એટલે ‘સસ્તું સાહિત્ય’નો જ એવી છાપ કોઈથીય ભૂંસાય તેવી ન હતી. આર્થિક સ્થિતિ પ્રતિકૂળ હતી ને પ્રવૃત્તિ કેમ ચાલુ રાખવી તે મૂંઝવણ હતી. ત્યાં જેમ સ્વામીજીને નાથીમા મળેલાં તેમ સંસ્થાના પ્રમુખ આનંદભાઈ ને મુંબઈના ગોકુલ પરિવારના મિત્રો મળ્યા. પ્રકાશન પ્રવૃત્તિ અને ખાસ કરી મહાભારતના સાત ગ્રંથો સુલભ કરવા જોઈતી મોટી રકમ તેમણે વગર વ્યાજની લોન તરીકે આપી. છેલ્લાં બે વરસની મહેનતના પરિપાકરૂપે મહાભારતના સાત ભાગનું ગુજરાતી વાચકોને લોકાર્પણ કરાયું.

મહાભારતના પ્રકાશન સાથે સસ્તું સાહિત્ય હવે પુનર્જીવિત થાય છે. ગીતાનો ગુટકો પાછો પંચાવન હજારના પ્રિન્ટ ઓર્ડર સાથે ફરતો થયો છે. બીજાં 122 જેટલાં પ્રકાશનો હવે સુલભ થયાં છે અને ચાળીસેક તૈયાર થવામાં છે. (2005ની માહિતી પ્રમાણે) પુનર્જન્મ પામેલી આ સંસ્થા સામે સમૂહ માધ્યમોનો પડકાર પણ ઊભો જ છે. છતાં જ્યાં સુધી રામાયણ ને મહાભારત, ગીતા ને ઉપનિષદો, સદચરિત્રો ને લોકકથાઓને લાગેવળગે છે ત્યાં સુધી તેનાં પુસ્તકોનો વિકલ્પ હાથવગો નથી. ‘સસ્તું સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય’ એવી ભિક્ષુની ભાવના ગુજરાતમાં સહેજે લુપ્ત થાય તેવું અલૂણું ગુજરાત હજુ આજે તો નથી.

[કુલ પાન : 244. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380 001. ફોન : +91 79 25516573.]