આપણાં લગ્નગીતો – પ્રતિમા જે. દવે
આપણાં લગ્નગીતોમાં ગણેશવંદનાનું મહત્વ છે. ગણેશવંદનાની ભાવનામાં સંસાર અને કુટુંબ ધન-ધાન્યથી ભરપૂર રહે, કુટુંબમાં દીકરા અને દીકરીઓ-વહુઓ સર્વેનું મંગળ કરે તેવી કામના સાથે લોકભાષામાં ગણેશજીનું આહવાન કરી સ્થાપના કરવામાં આવે છે.
ગણેશ પાટ બેસાડીએ
ભલા નીપજે પકવાન
સેવ, સુંવાળી લાપસી
લાડુડે બાંધી પાળ
જેને તે ઘેર ચાર દીકરા
તેનો ધન્ય ધન્ય અવતાર
ચારે વહુઆરુ પાયે પડે
જો પૂજ્યા હોય મોરાર
જેને તે ઘેર એક દીકરી
તેનો ધન્ય ધન્ય અવતાર
સાચવ્યાં સંઘર્યાં ધન વાપરે
જો પૂજ્યા હોય મોરાર
કાઠા તે ઘઉંની રોટલી ને
મહીં મેળવીયો ગોળ
ભેગા બેસી ભોજન કરે
જો પૂજ્યા હોય મોરાર
પૂજ્યા હોય તો પામીએ
લખ્યા હોય લલાટ
મોરાર એટલે ભગવાન પૂજવાની વાત છે. સંયુક્ત કુટુંબમાં દીકરા-દીકરીઓ-વહુઓ સહુની ઉપસ્થિતિ ગણેશની કૃપાથી જ હોય તેવી ભાવના છે. વળી રિદ્ધિ સિદ્ધિના કર્તા ગણેશને કારણે જ સાચવેલું ધન શુભ કાર્યમાં વાપરી શકાય અને ગણેશજીની પ્રિય વાનગીનો ઉલ્લેખ પણ આ લોકગીતમાં છે. જે ગણેશ સ્થાપન વખતે ગવાનો રિવાજ છે. આપણાં લગ્નગીતોમાં જાન અને જાનૈયાનાં વર્ણનો પણ છે. ભગવાન શ્રીકૃષ્ણની જાનમાં ગણેશના વિચિત્ર રૂપને કારણે તેમને જાનમાં લઈ જતા નથી. પરિણામે ગણેશ ભગવાન રૂઠે છે. જાનના માર્ગમાં વિધ્નો આવે છે. ભગવાન કૃષ્ણ આ વાત સમજી જાય છે અને કૃષ્ણ ભગવાન ઉઘાડે માથે અને અડવાણા પગે ગણેશજીને મનાવવા જાય છે. તેનું વર્ણન આ લોકગીતમાં છે. લોકગીતમાં સાહજિક હાસ્ય અને રમૂજ પણ છે.
[1]
ગણેશ દુંદાળા ને ફાંદે ફુંદાળા
ગણેશને પાટ બેસાડો રે
…. મારા ગણેશ દુંદાળા
[2]
કૃષ્ણની જાને રૂડા જાનૈયા સોંઢાડો
સર્વે અત્તરિયાના ભીના રે
કૃષ્ણની જાન ગોરી જાનડીયું સોંઢાડો
સર્વે કંકુડાની પીળી રે …..મારા ગણેશ દુંદાળા
[3]
સોંઢ્યા જાનૈયા ને સોંઢી જાનડિયું
ગણેશને ઘેર વિસાર્યા રે
ભાંગી પીંજણીયું ભાંગ્યા તળાજા
રણરે વગડામાં રથ રોકાયા રે
….મારા ગણેશ દુંદાળા
[4] ઉઘાડે માથે ને અડવાણા પગે
કૃષ્ણ મનાવા ચાલ્યા રે
અમે રે ફાંદાળા ને અમે રે દુંદાળા
અમ આવે તમે લાજો રે
અમારે જોશે સવામણનો લાડુ
વેવાઈ બિચારા ક્યાંથી કાઢે રે …..મારા ગણેશ દુંદાળા
[5]
તમે રે ફાંદાળાને તમે રે ફુંદાળા
તમ આવે અમ રૂડા રે
….મારા ગણેશ દુંદાળા
વિઘ્નહર્તા દેવ ગણેશજી માની જાય છે અને કૃષ્ણ આદર સહ તેમને જાનમાં લઈ જાય છે તેવી ભાવના આ લોકગીતમાં છે. આપણે ત્યાં ઘરે લગ્ન હોય અને દીકરી સાસરે હોય ત્યારે દીકરી ને તેડવા જવાનો રિવાજ છે. નાનો ભાઈ બહેનને તેડવા જાય છે અને લગ્નનું આમંત્રણ આપવા જાય છે. ઘરનાં કામકાજ અને બાળકોની જવાબદારીમાં બહેન એવી ગૂંથાઈ ગઈ હોય છે કે તે નાના ભાઈને ઓળખી શકતી નથી. પછી ભાઈબહેન વચ્ચે સંવાદ શરૂ થાય છે. ભાઈ તેની ઓળખાણ લોકશૈલીમાં આપે છે અને બહેન હરખમાં ફૂલી સમાતી નથી. ભાઈ સાથે બહેન તૈયાર થઈને પિયર લગ્ન માણવા નીકળે છે તેનું વર્ણન આ ગીતમાં છે.
માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠ
ફરતી મેલોને કંકાવટી.
તેડાવો રે મારા માણાપરના જોષી
કે આજ મારે લખવી છે કંકોતરી
બંધાવો રે મારે ભાઈને છેડે કે જાય
બેની (નામ) ના સાસરે
વીરા રે તમે ક્યા દેશથી આવ્યા ?
ક્યા ગામ તમારા બેસણાં ?
બેની રે અમે ઝાલાવાડથી આવ્યા
કે વઢવાણ શહેર અમારા બેસણાં
વીરા રે તમે ક્યા ભાઈના મોભી ?
કઈ માતાને ઓદર વસ્યાં ?
બેની રે અમે ભાઈ (નામ) ના મોભી
(નામ) બા પનોતા ને ઓદર વસ્યા
વીરા રે મને છોરુડે હરવાળી
કે આંગણે આવ્યો વીર ન ઓળખ્યો !
વીરા રે તમને ઝભલે ને ટોપલે દીઠા તે આંગણે….
વીરા રે હું ગરથિયોની ઘેલી કે આંગણે….
વીરા રે તમે રહો તો રાંધુ લાપસી
ચાલો તો કઢીયેલ દૂધ
વીરા રે તમે રહો તો પટોળાં પહેરીએ
ચાલો તો દક્ષિણી ચીર
વીરા રે તમે રહો તો માથા ગૂંથીએ
તમે ચાલો તો છૂટી વેણી
આગળ રે મારે (નામ) ભાઈના ઘોડા
ને પડઘી વાગે ને ધરતી ધમધમે
વચ્ચમાં રે મારે બેન (નામ)ના માફા
કે ઈંડાં, ઝળકે રે સોના તણાં
પાછળ રે ઓલા જમાઈ કામઠિયા
કામઠ તાણે ને કોહા કડકડે
જમાઈને આમ તો કશું કહી શકાય નહિ પણ ગીતોમાં રમૂજમાં કહી દેવાય છે :
રાજુભાઈએ રાયજગ માંડીઓ રે
હેમાબેન પરદેશ
રાજુભાઈ લખી કાગળ મોકલે
બેની વ્હેલાં રે આવો !
હું કેમ આવું દેશાવટી
ઘરે ઘાંયજાના કામ !
દિવસે જાવા માથા મુંડવા
રાત્રે મશાલુના કામ !
પિત્તળ વાટકડી અમર રહેજો
અમર ઘાંયજાના કામ
હેમાબેને રાયજગ માંડીઓ
દુષ્યંતભાઈ પરદેશ
હેમાબેન લખી કાગળ મોકલે રે
વીરા વ્હેલા રે આવો
હું કેમ આવું દેશાવટી રે
ઘરે દરબારી કામ
દિવસે જાવું દરબારમાં
રાત્રે લખવાનાં કામ
સોના વાટકડી અમર રહેજો
અમર દરબારી કામ…..
જમાઈને હસીને કહેવા માટેનું બીજું ગીત :
જૂનાં ઘર ઉખેડિયાં બે નારિયેળી….
નવલાં મેલ્યાં બાર બે નારિયેળી
ચાર કુંવરિયા વાદ વદે બે નારિયેળી
ચારે ને ઘોડે ચડ્યાનાં કોડ બે નારિયેળી
અવ્વલ વછેરી બહુરંગી બે…. નારિયેળી
એ ઘોડી રાજુભાઈ સરસોઈ…. બે નારિયેળી
તેજી ઘોડી બહુરંગી બે નારિયેળી
એ ઘોડી મેહુલભાઈ સરસોઈ… બે…..
ચોથી ઘોડી બહુરંગી બે નારિયેળી
એ ઘોડી નરેનભાઈ સરસોઈ બે….
રાતી ઘોડી બહુરંગી બે નારિયેળી
એ ઘોડી રાજાભાઈ સરસોઈ બે નારિયેળી
ચાર જમાઈડા વાદ વદે બે નારિયેળી
ચારેને ગધેડે ચડ્યાના કોડ બે નારિયેળી
લંગડું ગધેડું બહુરંગી બે નારિયેળી…
એ ગધેડું સુરેશ જમાઈ સરસોઈ… બે નારિયેળી
બાંડુ ગધેડું બહુરંગી બે નારિયેળી
એ ગધેડું ઉત્પલ જમાઈ સરસોઈ… બે…..
ખસલું ગધેડું બહુરંગી બે નારિયેળી
એ ગધેડું જાગ્રત જમાઈ સરસોઈ…. બે…..
કાલું ગધેડું બહુરંગી બે નારિયેળી
એ ગધેડું અંકિત જમાઈ સરસોઈ…બે…..
ચાર જમાઈડા સંતોષ્યા બે નારિયેળી
ચારેના પૂર્યા મનના કોડ બે નારિયેળી….
…ને વહુ-દીકરીને પણ લ્હાવમાં લેવાય છે…..
વાંકો વડલો ને વાંકી વડવાઈ
વાંકા બાંધે છે મેહુલભાઈ મોડિયા
વાંકી છે ગાયત્રી વહુની જીભ…. અવસર ઘેર આપણે…
આવતાં ને જાતાં ગોરી લવલવે
મેહુલભાઈ ગોરાંદે ને વારો….. અવસર ઘેર આપણે….
અમારાં તે વાર્યાં ગોરી નહીં વળે
કોકીબેન નણંદ ભળાવો….. અવસર….
કોકી બેન વીંછી કેરો આંકડો
પ્રજ્ઞાબેન સરપની ફેણ….. અવસર….
જાતાને વીંછી માંડે આંકડો
આવતાં ને સરપ માડે ફેણ…. અવસર…
કોકીબેન(ને) મેલો એમના સાસરે
પ્રજ્ઞાબેન (ને) મેલો મોસાળે…. અવસર….
તો વળી બેનની માંગણી શી છે ?
માંડવો નાંખ તો મુજને મોરથી તેડ મારી માના
હું રે પરદેશણ વીરા બેનડી….
સાડલાને સાટે સાઠ કોરી રોકડી, આપ મોરી માના…
હું રે નહીં લોભણ (!) વીરા બેનડી….
કપડાંને સાટે નાનુંસૂનું ગામડું-આપ મોરી માના.
હું રે નહીં લોભણ (!) વીરા બેનડી.
આવાં અનેક ગીતો છે. ‘મારા નખનાં પરવાળાં જેવી ચૂંદડી’ એ વખતમાં આપણાં દેશમાં કેટલું બારીક વણાટકામ થતું હતું તે પણ ખબર પડે છે. તો વળી વાતવાતમાં સહિયર કેવો વર વખાણે છે. ‘એક કેડે પાતળિયો ને મુખડે શામળિયો એ મારી સહિયરે વખાણિયો’ આમ કહીને દીકરી તેના પિતાને જણાવે છે કે તેને કેવો ‘વર’ જોઈએ છે. પહેલાંના વખતમાં આ મનોરંજન તો હતું જ અને એ રીતે જીવનની મધુરપ તેમાંથી લઈને હસતાં-ગાતાં એકબીજાને પ્રસંગમાં મદદ કરતાં પ્રસંગ ઉજવાતો હતો. અત્યારે ભાગ્યે જ કોઈને ગાતાં આવડે છે. અલબત્ત કેટલીક જગ્યાએ ગાવાવાળા ને ‘ઉઝીના’ (ભાડૂતી) લાવવામાં આવે છે. લગ્નગીતો સાંભળીને પણ માતાઓની આંખો ભીની થાય છે. કોઈની પણ દીકરી સાસરે જતી હોય ત્યારે કઈ માતાની આંખ ભીની થયા વગર રહે ? મને લાગે છે કે આ ગીતોની સુમધુર યાદે ઘણાંના હૈયામાં જૂનો જમાનો તાજો થશે.
Print This Article
·
Save this article As PDF
can anybody help from where I can download these and other this type of songs?
really fine….
ખૂબ જ માહિતીપ્રદ લેખ.
આભાર.
નયન
આ લગ્ન ગીતો મારી ગુઁજ સાઈટ પર મુકવાનો પ્રયત્ન કરીશ.
Gunj
http://shivalay-shivalay.blogspot.com
મીંઠા મધુરા લગ્ન ગીતોની મોજ માણી. કેટલાકે તો આવા લગ્ન ગીતો પોતાના લગ્નમાં ગવાય તે માટે મનમાં ગાંઠ વાળી હશે.
Old is Gold.
હા હા બહેની ! જૂની યાદો તાજી થઇ જ !
આવાઁ વધુ લગ્નગેીતોની પ્રતિક્ષા ને અભાર !
લગ્નગીતો ગાવાની પ્રતીક્ષામાં….!
સરસ સંકલન મૃગેશભાઈ.,
વળી હવે તો સીઝન પણ શરૂ થઈ
lgnagito vishe vadhu janvani pratixa, mahitisabhar ane rasprad artical