દેવસ્ય પશ્ય કાવ્યમ્ – પ્રવીણ દરજી

હું ભોગવાદી અને ભાગ્યવાદી બંનેથી દૂર રહીને આ વિશ્વને જોવાનું અને વચ્ચે નિવસવાનું પસંદ કરું છું. વેદાન્ત કરતાં મને વલ્લભાચાર્ય વધુ ગમ્યા હોય તો તે જગત વિશેના તેમના હકારાત્મક વિભાવને લઈને. હું પળેપળ એમ વિચારું છું કે મારે આ જગત વચ્ચે જ જીવવાનું છે, એને સ્પર્શીને આવતા શ્વાસથી જ હું મારા પ્રાણને પોષું છું તો પછી મારે ઝઘડો એની સાથે કેવી રીતે હોઈ શકે ? મારા જીવતરનું જે કેવળ એક સત્ય છે એને હું મિથ્યા કેવી રીતે કહી શકું ? હું એની સાથે કમસેકમ દુશ્મનાવટ તો ન જ બાંધી શકું ને ? અને તે પણ વિના કારણે ? ઊલટાનું, બનવું જોઈએ કે મારે એની પ્રત્યે વધુ ને વધુ મૈત્રી માટે મથામણ કરવી જોઈએ. મારે મારા બધા જ વિસ્મયોને, પ્રાણની સમગ્ર લીલાને, ચૈતન્યનાં સ્ફુરણોને – એ જગતને વધુમાં વધુ પામું, માણું એ માટે યોજવાં રહે. જે ધરતી ઉપર ઊભા રહીને હું ઈશ્વરની મનોહારી મૂર્તિ કલ્પી શકતો હોઉં, જે માનવ વચ્ચે રહીને હું વધુમાં વધુ બહેતર માણસની છબી મારા ચિત્તમાં અંકિત કરવા પ્રયત્ન કરતો હોઉં, જે ધરા ઉપરનાં વૃક્ષો નિહાળીને હું અંદરથી અનેકશ: વિસ્તરતો હોઉં, જે પંખીઓનું ઉડ્ડયન અને ગાન મારા મનને છલકાવી જતાં હોય – એ સર્વથી હું મારું મુખ કેવી રીતે ફેરવી લઉં ? આ વિશ્વ વચ્ચે ઊભા રહીને મહાકવિઓએ તેમનાં ઉત્તમોત્તમ સર્જનો આપ્યાં છે. વૈજ્ઞાનિકોએ અદ્દભૂત શોધો કરી છે. આ વિશ્વ એ રીતે હારક નથી, પ્રેરક છે. એના દોષો ગણાવીએ ત્યારે પણ ગુણોને કઈ રીતે નજરઅંદાઝ કરી શકીએ ? માણસ માટે આ વિશ્વ કોઈ પણ પળે ચમત્કાર સર્જી શકે તેવું નિગૂઢ છે, તે કોઈ પણ ક્ષણે માણસને અંદરથી ખીલવીએ રહે છે, અને નવી નવી છટાઓથી ભરી દે છે, એને બાહ્યન્તર પ્રકાશિત કરી રહે છે, શરત એટલી કે માણસે એવા એ વિશ્વમાં તદાકાર થવાનું છે. એની પ્રત્યેક ભંગિમાને પામવા – સમજવા બુદ્ધિની સાથે હૃદયશક્તિને જોતરતા રહેવાનું છે. વિશ્વ સાથે જેનો ઘરોબો રહ્યો છે એ વિશ્વની ક્ષણે ક્ષણની લીલાથી ધન્ય થઈ ઊઠે છે પ્રશ્ન ઉપર કહ્યો તેમ તે સાથેની આપણી તદ્રુપતાનો છે. એવી તદ્રુપતા કેળવીએ તો રેતીનો કણ રેતીનો કણ નથી રહેતો, વિલિયમ બ્લેકની જેમ તેમાં વિશ્વદર્શન પણ થઈ શકે છે. પેલાં પર્ણૉમાં રાધાની જેમ જ આપણે ભર્યોભર્યો જીવનરસ જોઈ શકીએ, આકાશના તારકોમાં ઈશ્વરનું હાસ્ય પામી શકીએ, ઝરણાંના નિનાદમાં યક્ષકન્યાનાં ગાન સાંભળી રહીએ, ઝૂમી રહેલા તૃણાંકુરમાં આખા આકાશનું ડૉલન અનુભવી રહીએ, લાલ લાલ વરસાદી ગાયની ચાલમાં ધરતીનો લય કળી શકીએ, વહેતા પવનમાં ઉપનિષદોના મંત્રોના કેફને પ્રત્યક્ષ થતા જોઈ શકીએ. સાચ્ચું કહું તો વિશ્વ આખું ઈશ્વરનું એક અમર સર્જન છે, એક અનુપમ કાવ્ય છે. મારી મદદે અથર્વવેદ પણ આવીને ઊભો રહે છે. ઋષિ ગર્વિલી ડોકે મને સંભળાવી રહ્યા છે – દેવસ્ય પશ્ય કાવ્યમ્ ન મમાર, ન જીર્યતિ અર્થાત્ દેવના કાવ્યને જુઓ : તે નથી ક્યારેય મૃત્યુ પામતું કે નથી ક્યારેય જીર્ણ થતું. સદા તાજું, તાજું સ્ફૂર્તિલું એ કાવ્ય છે.

વડ્ઝૅવર્થ કવિતાને મનુષ્યહૃદયના અમર્ત્યગાન તરીકે ઓળખાવે છે. તો આપણો આ ઋષિ સૃષ્ટિને ઈશ્વરના હૃદયના અમર્ત્યગાન તરીકે ઓળખાવે છે. પણ યાદ રાખો, ઈશ્વરનું આ ગાન માત્ર અમર્ત્ય જ છે એટલું જ નહિ, એ કદી જીર્ણ પણ થતું નથી. ક્ષણે ક્ષણે તે અવનવું પ્રકટ કરે છે, તે અતીવ રમણીય છે. આવું રમણીય કાવ્ય સંભવ છે અડધું સમજાય, અડધું ન સમજાય પણ જેટલુંએ સમજાય એટલું એ હૃદયને નચાવી મૂકે એવું હોય છે. કેટલુંક બુદ્ધિની પકડમાં આવે છે. આપણે ખુશ થઈ રહીએ છીએ. કેટલાકમાં બુદ્ધિ બુઠ્ઠી બની જતી હોય છે. ત્યાં કશોક બીજો કીમિયો કરવો પડે છે. આપણે ત્યાં હૃદયની મદદ લેવી પડે છે, આત્માને કામે લગાડવો પડે છે. મહાકાવ્ય અને મહાછંદ બુદ્ધિને અનેક વાર હંફાવતાં હોય છે. એમનું ગુઢ કેવળ તે હૃદય પાસે જ ઉકેલે છે. મહર્ષિ અરવિંદે સૃષ્ટિના આવા મહાસર્જનને પામવા સાચી રીતે જ બુદ્ધિથી કંઈક બીજાની અપેક્ષા રાખી છે. આ બીજું તે હૃદયગ્રંથિ જગત સાથે એ જોડાય એટલે જગત એનો બધો વૈભવ આપણી સમક્ષ નિવેદિત કરી દે છે. વાત માત્ર અહીં અટકતી નથી. વિશ્વનિયંતા ખુદ એના આ વિરાટ સર્જનના પ્રેમમાં પડે છે. હું એક છું અને અનેક થઈ જાઉં. આપણા લૌકિક કવિ જેવું જ આ ઈશ્વરકવિનું પણ વ્યાપન રહ્યું છે. તે ગાઈ ઊઠશે. એકોહમ્ બહુસ્યામ્ | એના કાવ્યની પંક્તિએ પંક્તિમાં, એના શબ્દે શબ્દમાં, એના લયમાં અને આવર્તનોમાં, એના અર્થમાં પછી એનાં વિભિન્ન રૂપોએ એ ડોકાતો અનુભવાશે. પુષ્પોની પાંદડીઓમાં, મેઘધનુષના રંગોમાં, આકાશના નાટારંભમાં, સાગરના ગર્જનમાં, અડાબીડ નવરાજિની શોભામાં, સૂર્યોદય અને સૂર્યાસ્તમાં, પતંગિયાની પાંખમાં, ખિસકોલીની તરલ પુચ્છમાં, બાળકની નિર્દોષ આંખોમાં, એનાં નાનાં નાનાં ડગમાં, પર્જન્યની ધારામાં, વસંતના પ્રભવમાં, પહાડોના મૌનમાં, મંદિરના ઘંટારવમાં, આરતીની આશકામાં, બીજાંકુરની પ્રક્રિયામાં, એકાકી સમાધિ લગાવીને બેઠેલા પાષાણોમાં, તળાવમાં ખીલેલા કમળના દંડમાં, વૃક્ષની ડાળ ઉપર ઝૂલ્યા કરતા પંખીના કંઠમાં અને એની આકર્ષક પાંખમાં – બસ, આ યાદી લંબાવતા જાવ – જ્યાં દષ્ટિ પડે ત્યાં પેલા વિશ્વકાવ્યનાં જ પદચિન્હો જોવા મળશે. સઘળું કાવ્યમય, સઘળું બ્રહ્મમય. આપને જે પળે સૃષ્ટિકાવ્યના એવા ભાવકોત્તમ થઈ રહીએ છીએ એ પળે જ ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિ આપણા કાન આગળ આવીને કહે છે: ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્. આ બધું ઈશમય છે, ઈશનો જ આવાસ છે. આ આવાસમાં આપણે પણ ખરાસ્તો ! આવું ઈશ્વરનું કાવ્ય – શ્રેષ્ઠ કાવ્ય માત્ર મારા માટે જ કેવી રીતે હોઈ શકે ? જે કોઈ એમાં તન્મય થઈ શકે છે એ સર્વને માટે આ દોમ દોમ કાવ્ય છે. કાંઠે ઊભીને તમાશો જોનાર માટે મોતીનું કોઈ મૂલ્ય નથી. જે એમાં અનેકવાર ડૂબકી મારે છે, મુઠ્ઠીમાં મોતી લઈ આવે છે, એને પેલો ઝળહળાટ માલામાલ કરી જાય છે. ઈશ્વરના કાવ્યરૂપ આ વિશ્વ તો જ્યાં છે ત્યાં જ ઊભું છે. એ નિત્ય નૂતનરૂપા છે. એ કાવ્યને આપણે જેટલું પામતા જઈએ, એટલું એ આપણું થઈ રહે. જેવો ભાવક, જેવી એની મથામણ એ રીતે આ વિશ્વકાવ્ય એનું હૃદય આપણી સમક્ષ ખુલ્લું કરે. ઈશ્વરની એવી સુકૃતિને પામવા વિકૃતિઓને બહાર રાખીને અંદર પ્રવેશ કરવો રહે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાંજનું સ્વરૂપ – પ્રણવ ત્રિવેદી
‘મિસ્કીન’ની મહેફીલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

11 પ્રતિભાવો : દેવસ્ય પશ્ય કાવ્યમ્ – પ્રવીણ દરજી

  1. સુરેશ જાની says:

    બહુ જ સુદર વાત કહી પ્રવિણભાઇ તમે. આપણા સાહિત્યમાં આપણા કહેવાતા ધર્મોપદેશકોના વિચારોનું એટલું તો બધું આક્ર્મણ છે કે , આ જગતથી તે આપણને વિમુખ થવા પ્રેરે છે. વેદિક માન્યતાઓ કદી પલાયનવાદી ન હતી. એ ઋષિઓએ કરેલું પ્રકૃતિનું દર્શન આપણે ખોઇ બેઠા છીએ.
    આવા વિચારોનો ઘણો જ પ્રચાર કરવાની આપણા સમાજને જરુર છે. જીવન તરફની દૃષ્ટિ આવી હકારાત્મક અને 'Down to earth' કરવાની તાતી જરુરિયાત છે. ઘણો ઘણો આભાર પ્રવિણભાઇ.આવા વિચારો વ્યક્ત કરવા માટે.

  2. nayan panchal says:

    લેખકની દ્રષ્ટિ ખૂબ જ વિસ્તૃત. વાંચીને વાગોળવા જેવો લેખ.

    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.