અય મેરે બિછડે ચમન ! – હરિશ્ચંદ્ર

[ ‘ભૂમિપુત્ર’ જાન્યુઆરી-2009માંથી સાભાર.]

શિયાળો શરૂ થાય કે અબાબીલોની હારની હાર આકાશમાં ઊડતી દેખાય. મને જોવાની બહુ મજા પડે. મારી મા મને કહે, ‘આ યાયાવર પંખીઓ છે. દૂર દૂર પોતાના વતન ઠંડા દેશોમાં જ્યારે કડકડતી ઠંડી પડવા લાગે, ત્યારે હજારો માઈલની સફર કરીને આપણા જેવા ઓછા ઠંડા પ્રદેશમાં આવી જાય; અને અહીં ગરમી પડવા માંડે કે ફરી હજારો માઈલની સફર કરીને પોતાના વતન પાછા પહોંચી જાય.’ મા કહેતી કે કોઈ પ્રાણીને કે પંખીને કોઈ બીજી જગ્યાએ લઈ જઈએ, તો તે પોતાની મૂળ જગ્યા ભૂલીને ત્યાં જ વસી જાય. પણ યાયાવર પંખીઓનું એવું નથી. હજારો માઈલ ઊડીને બીજી જગ્યાએ આવ્યાં હોય, છતાં પોતાના વતનને નહીં ભૂલે.

પણ માણસ ભૂલી જાય છે. માણસ દેશદેશાવર જાય છે અને વધુ ને વધુ કમાવાની લ્હાયમાં ત્યાં ને ત્યાં વસી જાય છે. પોતાના વતનને સાવ ભૂલી જાય છે ! ત્યારે અહીં રહી જનારાઓએ કેવાં દુ:ખ-દર્દ ભોગવવાં પડે છે, તે મેં અનુભવ્યું છે. મારાં માબાપ આવી રીતે કેવાં હિજરાતાં, તે મેં મારી નજર સામે જોયું છે. મારો ભાઈ એન્જિનિયર થયો અને તેને ચેન્નઈમાં નોકરી મળી. એ ત્યાં જતો રહ્યો. એ પરણ્યો અને એનું કુટુંબ ત્યાં જ વસી ગયું. મા એની યાદમાં ને યાદમાં બહુ ઉદાસ રહેતી અને આંસુ સારતી. મારા પિતાજીને પણ દીકરા વિના ગમતું તો નહીં, પણ એ પોતાના મનને મનાવતા ને માને પણ સમજાવતા. માણસ ઘરમાં જ બેઠો રહે તો એની પ્રગતિ કેવી રીતે થાય ? પંખી પણ બચ્ચાને ક્યાં સુધી પોતાની પાંખ નીચે રાખે છે ? બચ્ચાં મોટાં થતાં મરઘી પણ ચાંચ મારીને એમને પોતાનાથી દૂર ધકેલે છે. અને આપણે દીકરીને તો સાસરે વળાવીએ જ છીએ ને !

મા પણ આ બધું ક્યાં નહોતી સમજતી ? પણ દીકરી બાબત તો પહેલેથી જ મન પાકું થઈ ગયું હોય છે કે એ કાયમ આપણા ઘરમાં નથી રહેવાની. જ્યારે દીકરો તો ઘરમાં રહેશે, એની વહુ દીકરીની જગ્યા પૂરશે અને થોડાં વરસમાં તો પોતરા-પોતરીથી ઘર ભર્યું-ભર્યું થઈ જશે. આવી આશા દરેક માને હોય જ ને ! એટલે મા પોતાના મનને કેમેય કરી નહોતી મનાવી શકતી. અને મારા લગ્ન પછી તો માને બહુ વસમું લાગતું. ઘરમાં માત્ર બે જણ. ક્યારેક ભાઈ પાસે ચેન્નઈ જતી, પણ ત્યાં એને ગોઠતું નહીં. નાના ગામડામાં ને કસ્બામાં રહેલી એટલે મોટા શહેરમાં એને ફાવતું નહીં. દસ-પંદર દિવસમાં એ પાછી આવતી રહેતી.

માની આ બધી હિજરામણ મેં મારી સગી આંખે જોયેલી. તે વખતે મને તેનો પૂરો ખ્યાલ નહોતો આવ્યો, પણ હવે આવ્યો છે. આજે હું જોઉં છું કે મારી સ્થિતિ હવે માના જેવી જ થઈ ગઈ છે. એટલે મને આ બધું સમજાય છે. મારા બેઉ દીકરા ભણવા માટે અમેરિકા ગયેલા, પણ પછી ત્યાં જ રહી ગયા છે. શરૂમાં તો એમ નક્કી થયેલું કે થોડુંક કમાઈ કરીને અહીં પાછા આવી જશે. પરંતુ હવે તો અહીં આવવાનું નામ જ નથી લેતા ! પેલાં અબાબીલ તો દર વરસે પોતાના વતને અચૂક પાછાં ફરે છે, પણ આમને તો વતન યાદ જ નથી આવતું. અમે બેઉ બે વખત ત્યાં જઈ આવ્યાં, પણ વધારે રહેવાનું ત્યાં ગમ્યું નહીં. અને મેં જોયું કે બંને દીકરાઓ અને એમની વહુઓમાંથી કોઈએ અમને વધારે રહેવાનો આગ્રહ પણ ન કર્યો ! મને ઘણું ઓછું આવ્યું. માનાં દીકરા-વહુ તો જરૂર છેટે હતાં, પણ હતાં દેશમાં ને દેશમાં. જ્યારે મારાં તો સાત સમંદર પાર છે !

હું મારી આસપાસ જોઉં છું કે આવી સ્થિતિ મારી એકલીની નથી. આજે તો જાણે વતન છોડીને વિદેશ જવાની હોડ લાગી છે ! પાસપોર્ટ અને વીઝાની કચેરીઓની બહાર લાઈનો લાગી છે. બારી દસ વાગ્યે ખૂલતી હોય, પણ લોકો અડધી રાતથી આવીને બેસી જાય છે ! શરૂમાં તો માબાપનેય દીકરાને વિદેશ મોકલવાની હોંશ હોય છે, પણ પછી પસ્તાય છે, હિજરાય છે. થોડોક વખત એમનેય ડૉલર-પાઉન્ડની છાકમછોળ સારી લાગે છે, પણ પછી સમજાય છે કે આ ડૉલર-પાઉન્ડથી દિલની ભૂખ કાંઈ ભાંગતી નથી. ડૉલર-પાઉન્ડ કાંઈ થોડા જ પોતરા-પોતરીનો કિલ્લોલ ઘરમાં લાવી દે છે ? ડૉલર-પાઉન્ડ કાંઈ થોડા જ સાજે-માંદે સ્વજનના શીળા હૂંફાળા હાથનો અનુભવ કરાવી શકે છે ? કુટુંબ આખું સાથે ખાવા બેઠું હોય ત્યારે ખાવામાં જે લિજ્જત આવે, તે ડૉલર-પાઉન્ડ ક્યાંથી લાવી શકવાનાં ? સૂમસામ ઘરમાં જ્યારે ડોસો-ડોસી બે એકલાં હોય, ઘર જાણે ખાવા ધાતું હોય, ઘરમાં જાણે સ્મશાનની શાંતિ હોય, ત્યારે ડૉલર-પાઉન્ડને શું ચાટવાનાં ?

મારી માની તડપન મેં જોયેલી. આજે એવી જ તડપન હું જાતે અનુભવું છું. ઘણા મને કહે છે કે હવે જમાનો બદલાઈ ગયો છે, હવે તો દુનિયા નાની થઈને ગામ જેવી થઈ ગઈ છે. પણ મને આ કાંઈ સમજાતું નથી. આ સંકોચાઈ રહેલી દુનિયા શું મારા ઘરને કચડી નાખવાની છે ? મારી ઊર્મિઓને મચડી નાખવાની છે ? દુનિયા એક બનશે, તેથી કાંઈ મારા ઘરની એકતા તોડી નાખવાની છે ?

આકાશમાં જોઉં છું. અબાબીલોની હારની હાર ઊડી રહી છે. અહીં એ દાણા ચણશે, માળા રચશે, પણ વતનને ભૂલશે નહીં, છેવટે પાછા વતન તરફ પાછાં વળશે. માણસ શું ઢગલો દાણા ચણતાં-ચણતાં વતનને ભૂલી જશે ?
(શ્રી જસવિંદર શર્માની હિંદી વાર્તાને આધારે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ-ગરબી – અશરફ ડબાવાલા
જીવનના રંગ – સંકલિત Next »   

18 પ્રતિભાવો : અય મેરે બિછડે ચમન ! – હરિશ્ચંદ્ર

 1. Veena Dave says:

  very true.

  Veena Dave
  USA

 2. pragnaju says:

  અબાબીલોની હારની હાર ઊડી રહી છે. અહીં એ દાણા ચણશે, માળા રચશે, પણ વતનને ભૂલશે નહીં, છેવટે પાછા વતન તરફ પાછાં વળશે.
  માણસ શું ઢગલો દાણા ચણતાં-ચણતાં વતનને ભૂલી જશે ?

  મન હચમચાવી મૂકે

 3. rekhasindhal says:

  સત્યની ખુબ નજીક એવી આ સરસ વાર્તા છે. સિકકાની બીજી બાજુ પણ પીડા તો છે જ પણ જુદી જાતની છે. વતન પાછા ફરવું એ અહીં પરદેશ આવ્યા તે કરતાં વધારે કઠીન છે. કચડાયા વગર ખીલવાની તક સ્વદેશમાં કેટલી? વળી અહીં માબાપને રાખવા એટલે એમને સોનાના પીંજરામાં કેદ કરવા અને એમાંય જો આગ્રહથી રાખ્યા હોય તો એમની કેટલીક અવાસ્તવિક અપેક્ષાઓને ઓછી કરવા કહેવાનું ય અઘરૂ થઈ જાય છે. ” અમે ત્યાં સુખી હતા, તમારા કહેવાથી અહીં આવ્યા હવે તમને અમારા માટે સમય કેમ નથી?” એ સવાલ ઊભો જ રહે છે. પોતાના બાળકો માટે ય જ્યાં પૂરતો સમય નથી ત્યાં માબાપ તરફનું બેલેંસ તો કેમ જળવાય? કેટલાક માબાપ બાળકોના દાદા-દાદી થઈને રહે છે પણ પછી એના વળતરરૂપેની માબાપની અપેક્ષાઓમાં પૌત્ર- પૌત્રીઓ સાથેના આનંદ કરતાં એમને સાચવ્યાનો ઉપકાર જતાવતા હોય ત્યારે પોતાને મળતા આનંદનુ વળતર આપવાને બદલે માંગતા માબાપો માટે સંતાનોને થાય કે તેઓ દેશમાં એકલાં રહે તે જ ઠીક છે. એટલી ચિંતા ઓછી વળી તબીબી સારવારના શક્ય એવા મસ મોટા ખર્ચાઓની ચિંતા પણ નહી. પરદેશમાં સાથે રહેવાનું દુ:ખ દેશમાં અલગ રહેવાથી વધારે છે. એ દુ:ખ બંને પક્ષ સમજીને વહેંચે તો જ સાથે આનંદ પણ વહેંચી શકે બાકી એકના ભોગે બીજાને સુખી કરવાનું અહીંની પશ્ચિમિ સંસ્કૃતિમાં વણાયેલ નથી ત્યાંની સંસ્કૃતિમાં ભોગ આપનારની પ્રતિષ્ઠા વધે છે કારણ કે સમાજ સાક્ષી હોય છે. અહીંના સમાજને રોજબરોજના કોઈના જીવનની કંઈ ખબર નથી હોતી. બાકી તો ભગવાનને સાક્ષી રાખનારા ઘણા માબાપ અને સંતાનો સાથે રહી કિલ્લોલતાં નજરે પડે જ છે. અમારા મિત્રવર્તુળમાં અહીં અમેરીકામાં એક ભારતીય કુંટુંબની ચાર પેઢી ખુશહાલ સાથે રહે છે.”વાવો તેવું લણવાની” વાત કેટલાંક માબાપ ભૂલી જતાં હોય છે. અને પોતાના દુ:ખનો દોષ બાળકો પર નાંખીને ગિલ્ટ ફ્રી થતાં હોય છે. મૃગેશભાઈ, વાર્તાની સાથે સાથે પ્રતિભાવની સવલત બદલ પણ આભાર !

 4. Vinod Patel says:

  Attachment brings sorrow while detachment brings pleasure and happiness as per Srimad Bhagavad Geeta. The problem is not many people read and practice teachings of Bhagavad Geeta. That does not mean we shoud be indifferent or negligent to our parents. Love, Respect and understanding can solve this family problem.

  Vinod Patel, USA

 5. kumar says:

  મને એક વાત નથી સમજાતી.
  માતા-પિતા અને સંતાનો વચ્ચે નો તફાવત અને તકલીફો સમજાવતા લેખો આજકાલ આપણે ઘણા વાંચીએ છીએ. પણ આ તફાવત અને તકલીફો દુર કરવાના રસ્તા સમજાવતા લેખો કેમ નથી આવતા.
  બન્ને પક્ષે તફાવત હોઇ છે અને એવુ પણ નથી કે બન્ને ને તે તફાવત ગમે છે, ફક્ત જરુર છે તો વચગળા ના રસ્તા ની.
  “કુટુંબ આખું સાથે ખાવા બેઠું હોય ત્યારે ખાવામાં જે લિજ્જત આવે, તે ડૉલર-પાઉન્ડ ક્યાંથી લાવી શકવાનાં ?” – એકદમ સાચુ,આ વાક્ય ના મહત્વ ની બંને પક્ષ ને જાણ છે.
  I know this topic is a bit apart from article but as it is mentioned “વતન છોડીને વિદેશ જતા સંતાનો….” so I am writing here.

 6. Dhaval B. Shah says:

  An eye opening article.

 7. really heart touch ….. this story is really nice…

 8. Rajni Gohil says:

  જુના જમાનામાં સંયુક્ત કુટુમ્બમાં જે સુખ હતું તે આજે અદ્રશ્ય થતું જાય છે તે વાતનો ચિતાર આ વાર્તા આપણને આપે છે. લેખકે સુંદર વાર્તા આપી છે.

  આમાં જીવન તરફ જોવાની – Positive attitude નો અભાવ એક કારણ છે. એક માણસની એક આંખ ફૂટી જાય છે, તે નસીબને દોષ દઇ નિરાશ થઇ દુઃખમાં જીવન પસાર કરે છે. બીજો માણસ એક આખ ફૂટી જાય છે છતાં ભગવાનનો ઉપકાર માને છે કે મારી એક આંખ બચી ગઇ. હું એક આંખથી પણ આખી દુનિયા જોઇ શકું છું અને બધા કાર્યો કરી શકું છું.

  સાચો આનંદ તો આપણી અંદર જ રહેલો છે. તેને બહારની વસ્તુઓમાં – પૈસા, મોટર, બંગલો, પત્ની, બળકો કે બીજી વસ્તુઓમાં શોધવાથી ન મળે. આ બધી વસ્તુઓ ભોગવવાની ના નથી, પણ તેની આસક્તિ ન હોવી જોઇએ.

  NRI Parents Associations અસ્તિત્વમાં અવ્યાં છે તેમાં બધા ભેગા મળી સુખ-દુઃખની વાતો કરી સાંત્વન મેળવે છે. મા-બાપ પણ દિકરો પોતના વિકાસ માટે પરદેશ ગયો છે તેનો આનંદ મનાવી શક્તા નથી કારણ જીવન તરફ જોવાનો અભિગમ Positive Attitude કેળવી શક્યા નથી.

  હવે બાળકો તરફનો વિચાર કરીએ. સૌથી પહેલાં તો આપણી શિક્ષણ પ્રણાલીને Character Base બનાવાની જરુર છે. આનાથી માતૃઉસદેવો ભવ, પિતૃદેવો ભવ જેવા સાંસ્ક્રુતિક મૂલ્યોનું જતન આપ મેળે જ થાય. પૈસા બનાવવાનું શિક્ષણ અપાય છે પણ જીવન જીવવાનું શિક્ષણ અપાતું નથી. રામે નિષ્ઠાપૂર્વક વનવાસ સ્વીકાર્યો.

  કુટુંબ વ્યવસ્થામાં પૈસાને વધારે મહત્વ આપવામાં આવે છે. તેથી ડૉક્ટર કે એન્જિનીયર જેવા વ્યવસાયો અપનાવી સારી તકો માટે બાળકો દૂર કે પરદેશ ગમન કરે છે. વળી સમાજ પણ પૈસાને જ મોભો આપે છે.

  આમ શિક્ષણ, કુટુંબ વ્યવસ્થા અને સમાજમાં ધરખમ ફેરફાર સારું પરિણામ આપે. અને છતાં પણ એ વાત ન ભૂલવી જોઇએ કે – આપણું ધર્યું થાય તો ભગવાનની કૃપા ને દુઃખ મળે તો ભગવાનની ઇચ્છા. ભગવાન પર સંપુર્ણ વિશ્વાસ રાખી હસતે મુખે જે મળે તે સ્વીકારી લેવું તેમાં જ આપણા સુખની ચાવી છે. રાજા દશરથના મૃત્યુ વખતે રામ હાજર નહોતા રહી શક્ય. બલિયસી કેવલમ ઇશ્વરેચ્છા….

 9. Parashar says:

  This artlicle just shows a scenario from a father’s side. I dont need to say when someone moves away from his family, the pain is mutual. A son also wants to be with his family back home, but the responsiblities and his busy life doesn’t allow him to do that. This is an excillent article but i just want to say, if the family members read this at back home, they dont need to think that, their son doen’t care for them or doesn’t love them.

 10. nayan panchal says:

  રજનીજીની વાત સાથે સહમત.

  સાચો આનંદ તો આપણી અંદર રહેલો છે. માત્ર વિદેશમાં વસતા સંતાનોને લાગણીહીન કહેવાનો કંઈ મતલબ નથી. આની પાછળ ઘણા કારણો હોય છે જેમ કે સારી રહેણીકરણી, શિક્ષણ, તકો અને બીજુ ઘણુબઘુ.

  દરેક સિક્કાની બે બાજૂ હોય છે. ફાયદા-નુકસાન સરખાવો અને તમારી અગ્રિમતા પ્રમાણે પસંદગી કરો.
  આભાર.

  નયન

 11. Kanchanamrut Hingrajia says:

  પ્રસંગમાં જાણે આપણી પોતાની કથા તથા વ્યથા હોય તેવું લાગે છે.
  વાસ્તવિકતાને બીજી બાજુ હશે પણ લાગણીનાં બંધન તો જેને વિતિ હોય તે જ જાણે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.