‘મિસ્કીન’ની મહેફીલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગઝલમાં ઢાળું છું….

પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું,
દેહની આ દીવીમાં આમ જાત બાળું છું.

વ્યર્થ બધું ભુલાતું એ જ બળ બની જાતું,
ચોતરફ ભટકતું મન ભીતરે જ્યાં વાળું છું.

કોઈ વહે છે ખળખળ વીંટળાઈને હરપળ,
લોક એમ માને છે પાંપણો પલાળું છું.

શ્વાસ જે હતો ભીતર શબ્દ થઈ ગયો બાહર,
એક નરી ઝંઝાને લો ગઝલમાં ઢાળું છું.

જીત ના થતી મ્હારી છાપ નીકળતી ત્હારી,
શ્વાસ કોઈ સિક્કાની જેમ જ્યાં ઉછાળું છું.


એય ક્રમ….

જવું એય ક્રમ આવવું એય ક્રમ,
પીગળવું ફરી થીજવું એય ક્રમ.

યથેચ્છા-સહજતા ગમે તે કહે,
રઝળવું અને પ્હોંચવું એય ક્રમ.

ગણે એને આદર્શ કે ભાગ્ય તું,
પડી એકલા ઝૂઝવું એય ક્રમ.

બધું પૂર્વ નિશ્ચિત સકળ વિશ્વમાં,
અચાનક કશું થઈ જવું એય ક્રમ.

પવનનું વહેવું આ ફૂલો કને,
અને શ્વાસનું મ્હેકવું એય ક્રમ.

ખબર તે છતાં ટેવ છૂટે નહીં,
મળીને ફરી ઝૂરવું એય ક્રમ.

કશું બ્હાર ક્રમની ન મિસ્કીન જતું,
સકળ ક્રમથી છુટ્ટા થવું એય ક્રમ.


હોય છે…..

હોય છે ઘરમાં જુદો ને બ્હાર જુદો હોય છે,
એક માણસનો સતત વ્યવહાર જુદો હોય છે.

વાત એની એ જ તો પણ સાર જુદો હોય છે,
મૂડ પણ માણસનો વારંવાર જુદો હોય છે.

એક બાળકનોય કાયમ ભાર જુદો હોય છે,
ટૂંકમાં એ હાથ ઊંચકનાર જુદો હોય છે.

મન સુધી – મતલબ સુધી આકાર જુદો હોય છે,
કેમ સમજાવું ? એ સમજણ-બ્હાર જુદો હોય છે.

આભથી આઘે કદી તો, પ્રાણથી પાસે કદી,
હરવખત એ યાદનો વિસ્તાર જુદો હોય છે.

એટલે સંબંધ સઘળા સાવ તરસ્યા નીકળે,
હોય છે જેની તરસ એ પ્યાર જુદો હોય છે.

હોય છે સંસારમાં સંસાર એનામાં નહીં,
કોઈ પણ જાગેલનો સંસાર જુદો હોય છે.

ઘર જુદાં છે, મન જુદાં છે, આંખ પણ મિસ્કીન અલગ,
રાત એક જ પણ બધે અંધાર જુદો હોય છે.


હરતીર્થમાં

કેમ વારમવાર હું ખેંચાઉં છું, હરતીર્થમાં,
કેમ દોડી જઈ ફરી પસ્તાઉં છું, હરતીર્થમાં.

ફૂલ-આંસુ થઈને ચઢતો જાઉં છું હરતીર્થમાં,
સાવ ખાલી છું અને છલકાઉં છું હરતીર્થમાં.

થાય છે આવ્યો છું મૂકી એકલો એને ઘરે,
શોધવા જેને હું ઠોકર ખાઉં છું હરતીર્થમાં.

ઝળહળે છે એ જ, ટહુકે એ જ, મહેકે એ જ પણ,
આ વિધિ કઈ છે ? સતત અટવાઉં છું હરતીર્થમાં

પથ્થરો તોડી ઘડ્યાં જે રૂપ એને કરગરું,
હું મને તોડીને ઘડતો જાઉં છું, હરતીર્થમાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દેવસ્ય પશ્ય કાવ્યમ્ – પ્રવીણ દરજી
ગીતા – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

13 પ્રતિભાવો : ‘મિસ્કીન’ની મહેફીલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 1. સુરેશ જાની says:

  ઘણી જ સુંદર કવિતાઓ . કવિનું અંતર ઉઘડી ગયું છે.
  મિસ્કીન શબ્દનો અર્થ શું છે?

 2. મિસ્કીન એટલે મુફલિસ, ગરીબ અથવા ભિખારી.

 3. પ્રિય મૃગેશભાઈ,

  રીડગુજરાતીની ફક્ત પૉસ્ટ જ સરસ હોય છે એવું નથી. વાંચકોના પ્રતિભાવો પણ એટલા જ મજાના હોય છે. ફરિયાદ ગણો તો ફરિયાદ ગણો અને વિનંતી ગણો તો વિનંતી ગણો, એટલું કહેવું છે કે ફક્ત પાંચ કૉમેન્ટના બદલે આંકડો દસ સુધી વિસ્તારો તો વધુ મજા આવે. આપના બ્લૉગ પર કૉમેન્ટનું ટર્નઓવર એટલું ઝડપી છે કે ઘણી બધી ચૂકી જવાય છે.

 4. Suresh Jani says:

  I am working on another PC , so I am not able to write in Gujarati. I have two things to say about Vivek’s comments:-
  1. I thank him for letting me know the meaning of Miskin
  2. I support him for the request of increasing the no. of recent comments. Some are as interesting as the article.
  Thank you Mrugeshbhai , for incorporating Auto entry feature on email address slot above. I was geting bored every time typing my identity !!
  Can there be a section of information about readers like me, who do not mind disclosing their identity to others? If that is done we can develop a very good network of like minded readers in establishing contacts with each other and interacting on common interst topics.

 5. nayan panchal says:

  “બધું પૂર્વ નિશ્ચિત સકળ વિશ્વમાં,
  અચાનક કશું થઈ જવું એય ક્રમ.”

  “કશું બ્હાર ક્રમની ન મિસ્કીન જતું,
  સકળ ક્રમથી છુટ્ટા થવું એય ક્રમ.”

  ખૂબ સરસ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.