જીવનના રંગ – સંકલિત

[‘જનકલ્યાણ’ સામાયિક-1995માંથી સાભાર.]

[1] ધંધાકીય આબરૂનું સંરક્ષણ – ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ

આશરે દશ-પંદર વર્ષ પહેલાંની આ વાત છે. કલોલના એક પૈસાદાર વેપારીએ લગ્નપ્રસંગે સોનાના દાગીના ઘડાવવાના હતા. આથી કલોલના એક હોશિયાર અને પ્રતિષ્ઠિત સોનીને તેણે ચોપ્પન તોલા સોનું આપ્યું. આઠ દિવસમાં તમામ દાગીના તૈયાર કરી આપવાની શરતે એડવાન્સમાં થોડા પૈસા પણ આપી દીધા. સોનીએ દાગીના તૈયાર કરવા માંડ્યા. કલોલમાં તેની શાખ બહુ સારી હતી. ગમે તેવા સંજોગોમાં પણ તે વાયદા પ્રમાણે દાગીના તૈયાર કરી આપતો. કલોલમાં શ્રામીળી સોનીઓએ લોકોમાં એવી તો શાખ જમાવી છે કે, કોઈ કોઈવાર તેમને ઘેર માંદગી કે એવી બીજી કોઈ અડચણને પ્રસંગે એકાદ દિવસ મોડું થઈ જતાં, દાગીનામાં મળતી મજૂરીમાં નફાની પરવા કર્યા વગર, પોતાના ખાસ માણસને ચોકિયાત સાથે મોકલી, અનેક મુશ્કેલી વેઠી, માલિકને લગ્નટાણે, ખરે વખતે, દાગીના પહોંચાડી દીધાના પ્રસંગો પણ બન્યા છે.

આ સોની પણ ઝડપથી કામ કરી રહ્યો હતો. તેવામાં તેને બહારગામ જવાનો પ્રસંગ આવવાથી મુદત પહેલાં દાગીના તૈયાર કરવા માટે રાતના ઉજાગરા કરવા લાગ્યો. એકી સાથે ચોપ્પન તોલાનું કામ તેને એકલાને જ મળેલું હોવાથી તેના પાડોશી સોનીઓને તેના પ્રત્યે ઈર્ષ્યા પણ થયેલી. અને તેને બહારગામ જવાનું હોવાથી મુદતસર તે કામ નહિ કરી શકે એવી વાતો પણ તેઓ કરવા લાગ્યા. પણ આ સોનીએ તો અખાત્રીજનું લગ્ન હોવાથી બીજને દિવસે દાગીના આપવાનો વાયદો કર્યો હતો, તેને બદલે અમાવાસ્યાની આગલી રાત્રે તૈયાર કરી દીધા. અમાવાસ્યાને દિવસે પોલીશ કરાવી માલિકને તે આપી દઈ, પડવેને દિવસે પોતે બહારગામ જવાનું ઠરાવ્યું. પરંતુ ચૌદશની રાત્રે જ તેને ત્યાં ચોરી થઈ અને લગભગ બધું જ સોનું ચોરાઈ ગયું.

હવે શું થાય ? સોની તો જિંદગી હારી બેઠો. ચોપ્પન તોલા સોનું હાલ તુર્ત ક્યાંથી મેળવવું ? તેની એટલી શક્તિ ન હતી. વળી, શેઠને ખરે વખતે દગો દેવા જેવી વાત બની હતી. પોતાની આબરૂનું શું ? કોઈ રસ્તો તેને સૂઝતો ન હતો. સોનાના માલિકને શું મોઢું બતાવવું ? આખા યે ગામમાં વાત ચર્ચાવા લાગી. આખી નાતમાં પોતાની આબરૂ જશે એ ડરથી તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો. સામાન્ય રીતે એક જ ધંધાના કારીગરો એકબીજાની ઈર્ષ્યા કરતા હોય છે, પરંતુ આ તો આખી કોમની આબરૂનો પ્રશ્ન હતો. કલોલના બધા સોનીઓ ભેગા થયા. તેમનામાં માનવતા પ્રગટી. તેમની દરેકની પાસે ઘરાકોનું થોડું થોડું સોનું પડેલું હતું, એમાંથી સહેજે પચાસેક તોલાના દાગીના આઠ-દસ દિવસ પછી તૈયાર કરી આપે તો ચાલે તેવું હતું. આથી બધાએ એકઠા થઈ પેલા સોનીને દિલાસો આપ્યો. દાગીના આપનાર વેપારી પણ આવ્યા. તેમણે કહ્યું, ‘કશો વાંધો નહિ. ધીરે ધીરે આપજો.’ પણ પોતાના ધંધાની આબરૂની ખાતર બધા કારીગરોએ અખાત્રીજની રાતે દાગીના તૈયાર કરી આપવાની બાંહેધરી આપી અને અખંડ રાત્રિના ઉજાગરા કરીને તમામ દાગીના તૈયાર કરી મુદત પ્રમાણે સોંપી દીધા. અખાત્રીજના લગ્નપ્રસંગે તે દાગીના વખતસર ઉપયોગમાં આવી ગયા. પછી તો તે સોનીનાં સગાંવહાલાંને ખબર પડતાં જ સહુએ શક્તિ મુજબ પૈસાની મદદ કરી અને તે પૈસાનું સોનું લઈ જે-તે કારીગરોને પેલા સોનીએ આપી દીધું.

[2] જરા વધુ રસ ? – કિરીટકુમાર સંઘવી

થોડા વર્ષો પહેલાં અમારા એક સંબંધીએ કહેલી સત્ય ઘટના છે. સાંજનો સમય હતો. આ સંબંધીની બાજુમાં રહેતા ઘણા વખતથી બીમાર એક વૃદ્ધ માજીની તબિયત ખૂબ જ બગડી હતી. તેથી આ સંબંધીએ નજીકના એક પડોશીને ઘેર જઈ પડોશીના પુત્રને, ડૉકટરને બોલાવી આવવા કહ્યું. છોકરો તે વખતે ચાલી રહેલ ભારત-ઈંગલેન્ડ ટેસ્ટની કોમેન્ટ્રી સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું કે હમણાં જાઉં છું. ડૉક્ટરની વાટ અર્ધા કલાક સુધી જોઈ, છતાં ન આવતાં, માજીના બીજા પડોશીએ ડૉક્ટરને ફોન કરી ફરિયાદ કરી, તરત બોલાવ્યા.

પણ તે વખતે પેલાં માજીનો જીવનદીપ ઓલવાઈ ગયો હતો. ડૉક્ટરે જણાવ્યું કે તેમને બોલાવવા કોઈ જ આવ્યું નથી. આથી બધાને આશ્ચર્ય થયું. એક ભાઈ તપાસ કરવા ગયા તો પેલા ભાઈ સાહેબ હજુ મજાથી કોમેન્ટ્રી સાંભળી રહ્યા હતા. તેણે જવાબ આપ્યો : ‘હું સાવ ભૂલી જ ગયો. અહીં સોલકર અને વિશ્વનાથની કેવી જોડી જામી છે !’ કોઈનો જીવનદીપ ઓલવાઈ ગયો તેનો લેશમાત્ર રંજ તેને નહોતો. તે કૉલેજના બીજા વર્ષમાં હતો.
શું કૉલેજમાં તેને આવું જ શિક્ષણ મળતું હશે ?
વળી, વધુ શોચનીય બાબત તો એ છે કે તેના પિતા શહેરની એક આગેવાન શિક્ષણ-સંસ્થા સાથે સંકળાયેલા છે. અને જ્યારે બાજુના પાડોશીએ ઉપરોક્ત પ્રસંગનો ઉલ્લેખ તેમની પાસે કર્યો ત્યારે ફક્ત આટલું જ કહ્યું : ‘હા, છોકરાને કોમેન્ટ્રીમાં જરા વધુ રસ છે.’

[3] સ્વાર્પણના સંદેશાનું સાર્થક્ય – શાંતિલાલ છો. પટેલ

મારા એક ડૉક્ટર-મિત્ર છે. તેમની અનિચ્છા હોવાથી નામ જણાવતો નથી. ગાંધીજીના એક પ્રેરક વાક્યે તેમના જીવનની દિશા કેવી રીતે બદલી નાખી હતી, તેનું એક ટૂંકું ચિત્ર તેમના શબ્દોમાં અહીં રજૂ કરું છું.

‘1935ની સાલ. આ અરસામાં બાપુ વર્ધામાં મગનવાડીમાં રહેતા હતા. એક દિવસ મેં એમની મુલાકાત માગી અને પ્રાર્થના પછીનું પ્રવચન પૂરું થતાં હું એમની સાથે થયો. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો.
મેં કહ્યું : ‘બાપુ, મારે સેવાના ક્ષેત્રમાં પડવું છે. તમારી સલાહ લેવા આવ્યો છું.’
‘અભ્યાસ ક્યાં સુધી ?’
‘આ વર્ષે જ એમ.બી.બી.એસ. થયો છું.’
‘ઘણું જ સરસ.’ બાપુના મુખારવિંદ પર આનંદ પથરાયો, ‘ગામડામાં જાઓ અને ત્યાં જઈ દુ:ખી, દલિત લોકોનાં આંસુ લૂછો. એટલું કરશો તો આ દેશની ઘણી સેવા કરી ગણાશે.’
‘પણ સેવા કરવી કઈ રીતે ?’ મેં મારી મૂંઝવણ રજૂ કરી. બાપુ પળભર મૌન રહ્યા. પછી કહે :
‘સેવા કરવી એ સહેલી ચીજ નથી. તલવારની ધાર પર ચાલવા જેવું વિકટ કામ છે. એનો અર્થ એવો રખે ઘટાવતા કે સેવા ન જ થઈ શકે. તમારા જેવા જુવાનિયા આ દેશની સેવા નહીં કરે તો બીજું કોણ કરશે ? પણ સેવકે એક બાબતમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ. માન-અપમાનથી સદાય દૂર રહેવું. ગરીબો કાજે જીવન ન્યોચ્છાવર કરી દેવું.’

ચાલતા-ચાલતાં અમે બાપુના આવાસ આગળ પહોંચ્યા. ઓરડામાં દાખલ થતાં બાપુ બોલ્યા : ‘તમે સેવાનો ભેખ જરૂર લો – જીવનને ગરીબો વચ્ચે હોમી દેવાની પૂરી ઈચ્છા હોય તો ! કારણ કે, જ્યાં સુધી મનુષ્ય સ્વાર્પણ કરતો નથી ત્યાં સુધી એ કશું જ આપી શકતો નથી.’ બાપુ ઓરડામાં ચાલ્યા ગયા. હું બહાર જ ઊભો રહ્યો. મારા કાનમાં એમના છેલ્લા શબ્દો ગુંજી રહ્યા.

ત્યાર પછી મુંબઈમાં એક જાહેર દવાખાનામાં મેં પ્રેક્ટિસ શરૂ કરી. પાંચ-છ મહિના કામ કર્યું, પણ માનસિક સમાધાન થતું નહોતું. બાપુને મળ્યા પછી મનમાં ગડમથલ વધી ગઈ હતી. રોજના કામથી મને સંતોષ મળતો નહીં. હું મૂંઝાતો હતો : ‘સ્વાર્પણ કરવું કઈ રીતે ?’ અંતે એક દિવસ સાંજે મા-બાપના આશીર્વાદ લઈ મુંબઈ છોડ્યું. આસામના આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો મેં દઢ નિશ્ચય કરી લીધો હતો. એ જંગલી, વહેમી, ધોળે દિવસે માણસ જેવા માણસને તીર-કામઠાથી વીંધી નાંખનાર આદિવાસી પ્રજા, મારા કામમાં સાથ આપશે કે કેમ એ વિશે મને શંકા હતી. એટલું જ નહીં, એ વિભાગમાં જઈ મારે કઈ જગ્યાને કાર્યક્ષેત્ર બનાવવું તેનો પણ ખ્યાલ નહોતો. મનમાં એવી શ્રદ્ધા હતી કે શુદ્ધ હૃદયથી, નિષ્કામભાવે જેને માત્ર સેવા જ કરવી છે, તેને કોઈને કોઈ હરિનો લાલ મળી રહે છે. ને થયું પણ એવું. જોરહાટ નામના ગામે હું ઊતર્યો. ગામના મુખીને મળ્યો. તેને મેં મારી વાત સમજાવી. થોડી આનાકાની સાથે તેણે કામ શરૂ કરવા નિશાળની એક ઓરડી ખાલી કરી આપી. એ મારું ઑપરેશન થિયેટર કે રહેવાની ઓરડી, જે કહો તે. બીજે દિવસે નિશાળના માસ્તરને લઈ આદિવાસીઓને ખોરડે ખોરડે ફર્યો. કેટલાંય સ્ત્રી-પુરુષો મોતિયાને કારણે હેરાન થતાં દેખાયાં. મારી આંખો ભીંજાઈ ગઈ. મને બાપુ યાદ આવ્યા…. જે લોકો તૈયાર થયા તેમનાં ઑપરેશન કર્યાં. એ લોકો દેખતા થયા. લોકોમાં મારા પ્રત્યે વિશ્વાસ જાગ્યો. હું કોઈ સરકારી માણસ નથી તેવી પ્રતીતિ તેમને થઈ. પછી તો ઉત્સાહ દેખાતાં મેં 15 દિવસની એક શિબિર યોજી. વેલાને ઊંચે ચઢવા આધાર જોઈએ. મને સેવા કરવા માટે આધાર મળી ગયો. દસ વર્ષ સુધી મેં આસામ ને તેની આજુબાજુના પ્રદેશોમાં શિબિરો યોજી. માત્ર મોતિયાના દર્દીઓ જ એટલા બધા મળતા કે, મારે કેટલીક વાર તો રાત્રે મોડે સુધી જાગી સો સો ઑપરેશન કરવાં પડતાં. રાત-દિવસ એક કરી હું કામમાં રત રહેવા લાગ્યો. કારણ કે, મેં મારું જીવન ગરીબો માટે ન્યોચ્છાવર કરી દીધું હતું. સેવા એ જ મારું જીવન-ધ્યેય બની ગયું હતું. મારી આવડત, ઉત્સાહ ને ધીરજથી થોડા સમયમાં આખાય પ્રદેશમાં હું પ્રખ્યાત થઈ ચૂક્યો.

એક દિવસ વતનમાંથી એક છોકરીના બાપે મારી સામે આવી લગ્નની વાત મૂકી. મેં એમને કહ્યું : ‘મેં તો ગરીબો માટે મારું જીવન દઈ દીધું છે. તમારી છોકરીની હું સંભાળ નહીં રાખી શકું. ઊલટી એણે મારી રાખવી પડશે.’ એ મારી સાથે સંમત થયા. હવે અમે બે જણા થયાં. મારો ઉત્સાહ અનેકગણો વધી ગયો. મારી પત્ની પણ મારા કામમાં રસ લેવા લાગી. મેં મારું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું. કેનેરા, મદુરા, કોલ્હાપુર, અજમેર, પટના, મૈસૂર વગેરે શહેરોમાં મેં શિબિરો યોજી. એ બધામાં મને અસાધારણ સફળતા મળી. 1955ની 26મી જાન્યુઆરીએ ભારત સરકારે મારી સેવાની કદર કરી ‘પદ્મશ્રી’નો ઈલકાબ આપ્યો ત્યારે પ્રવચન કરવા માટે જુદી જુદી જગ્યાએથી મારા પર આમંત્રણો આવ્યાં. મેં મારા સ્વભાવ મુજબ એ બધાં ટાળ્યાં : ‘માફ કરજો. મારાથી આવી શકાય તેમ નથી. દર્દીઓ મારા ભગવાન છે. વાઢકાપનો ઓરડો મારું મંદિર છે, ને શસ્ત્રક્રિયાનાં સાધનો મારી પૂજાસામગ્રી છે.’

કોઈ કોઈવાર ખૂબ જ કામ રહેવાથી મારી તબિયત નરમ થઈ જાય છે. સ્નેહીજનો મને દવા ને આરામ લેવાનું કહે છે. ત્યારે હું તેમને કહું છું : ‘મને બધું જ મટી જશે. દર્દીઓ વચ્ચે મને જવા દો. એ મારી દવા છે.’ હું આવો ધૂની, લોકોની ભાષામાં કહું તો વિચિત્ર, શા માટે બની ગયો ? એના કારણરૂપ કોણ ? એ જ પેલા બાપુના શબ્દો : ‘જ્યાં સુધી મનુષ્ય સ્વાર્પણ કરતો નથી ત્યાં સુધી એ કશું જ આપી શકતો નથી.’

[4] સદભાવનો સત્પ્રભાવ – દિલીપ રાણપુરા

એ વખતે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. પિતાનું છત્ર તો દસ વર્ષનો હતો ત્યારનું ચાલ્યું ગયેલું. કુટુંબમાં અમે બે ભાઈ, તેમાં હું મોટો. બજારમાંથી લાવવા-મૂકવાનું કામ મારે માથે. મને બરાબર યાદ છે કે, ભીમ અગિયારસનો એ દિવસ હતો. મારી બાએ મને વીસ રૂપિયા આપી એક મણ ચણા અને એક મણ મગ લેવા મોકલેલ. હું ટૂંકે રસ્તે બજાર જતો હતો. એક ગલીમાં એક મકાનના ઓટા આસપાસ સાત-આઠ માણસોને જુગાર રમતા જોયા. કુતૂહલને વશ થઈ હું ત્યાં ગયો. કોઈ જીતતું હતું, કોઈ હારતું હતું. મને થયું : ચાલ, એકાદ-બે દાવ અજમાવું, અને મેં પણ રમવા માંડ્યું. શરૂઆતમાં થોડા રૂપિયા ગયા. વળી આવ્યા ને પાછા ગયા. આમ કરતાં વીસેવીસ રૂપિયા હું હારી ગયો.

હવે શું કરવું ? મગ ચણા કઈ રીતે લાવવા ? ઘેર શો જવાબ દેવો ? હું ભાંગી પડ્યો. રડવા જેવો થઈ ગયો. પણ મગજમાં એક રસ્તો દેખાવા લાગ્યો. અત્યારે ઉધાર લઈ આવું. પૈસા ભેગા થશે એટલે આપી દઈશ. એ રીતે હું મગ, ચણા ઉધાર લઈ આવ્યો. રોકડેથી લાવું તો પાછળ દોઢેક રૂપિયો વધે તેમ હતો. ઘરે બાને કહી દીધું, ‘મેં એટલા પૈસા વાપરવા રાખ્યા છે.’ તત્કાળ પૂરતો પ્રશ્ન હલ થઈ ગયો. હું નિશ્ચિંત બની ગયો. ઘરેથી વાપરવા મળતા પૈસા હું ભેગા કરવાનો વિચાર કરતો, પણ ધીરજ રહેતી નહીં. ઝટ રમવા જાઉં ને પટ વીસ-પચીસ રૂપિયા જીતીને પાછો આવું – એમ થયા કરતું. હું રમવા જતો ને હારી જતો. પછી તો શાક-પાંદડું લેવા જાઉં તો એમાંથી એક-બે આના તારવી લઉં. પણ પૈસા ભેગા થાય નહિ. હું મૂંઝાવા લાગ્યો. ઘરે કહેવાની હિંમત ચાલે નહિ, તેમ બીજો કોઈ રસ્તો પણ જડે નહિ.

દિવાળી આવી. વેપારી નવું વર્ષ આવતાં પહેલાં ચોપડો ચોખ્ખો કરવા ઉઘરાણીએ ઘેર આવ્યો. મારી બા આભી બની ગઈ. વેપારીની પ્રમાણિકતા ઉપર એને અવિશ્વાસ નહોતો, તો મારી પ્રમાણિકતા ઉપર શંકા લાવવાનું કોઈ કારણ નહોતું. વેપારીને પૈસા આપી દીધા. હું ઘેર આવ્યો ત્યારે મને પૂછ્યું. ઘડીભર થયું કે કહી દઉં, ‘તેં જ નહોતું કહ્યું કે છૂટા નથી એટલે અત્યારે ઉધાર લઈ આવ. તું ભૂલી ગઈ, બા !’ પણ એમ હું ન કહી શક્યો. નીચું મોં જોઈને મેં કહ્યું :
‘બા, હું એ પૈસા જુગારમાં હારી ગયો.’
મને એમ હતું, હમણાં બા એક તમાચો ચોડી દેશે. પણ ના, એણે એમ ન કર્યું. તેણે મારો હાથ પકડ્યો. મારી આંખમાં આંસુ હતાં. મારા બરડામાં હાથ ફેરવતાં તે બોલી : ‘ચાલ, મારી સાથે.’ ઓરડામાં જઈ તેણે પટારો ખોલ્યો અને તેમાંથી બે પેટી કાઢી. એકમાં ચલણી નોટો હતી અને બીજામાં સોનાચાંદીના દાગીના. એ બતાવતાં તે બોલી :
‘તારા બાપા આટલું મૂકતા ગયા છે. એમાંથી તમને બે ભાઈઓને ભણાવવા ને પરણાવવાના છે. એટલી જવાબદારી હું પૂરી કરું પછી તું ગમે તે કરજે. થાપણ જેવા કરીને આ પૈસા ને દાગીના હું સાચવું છું. તારા બાપની આબરૂ, આપણા ખોરડા અને ખાનદાની પ્રમાણે વહેવાર પણ આમાંથી જ કરવાનો છે.’

એ વખતે મેં માતાની આંખોમાંથી ચૂતાં આંસુ જોયાં. એ દિવસથી હું જુગાર રમ્યો નથી અને જેને ‘જુગાર’ કહી શકાય તેવી કોઈ રમતનો વિચાર સુદ્ધાં કર્યો નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અય મેરે બિછડે ચમન ! – હરિશ્ચંદ્ર
ભૂંસાતાં ગ્રામચિત્રો – મણિલાલ હ. પટેલ Next »   

21 પ્રતિભાવો : જીવનના રંગ – સંકલિત

 1. JITENDRA J. TANNA says:

  સરસ. ચારેય ઘટનાઓ ખુબ સરસ છે.

 2. kantibhai kallaiwalla says:

  બહુજ સરસ

 3. Veena Dave says:

  khub saras.

 4. Pradipsinh says:

  Saras 6. biji ane triji vat man ma ghar kari gai. wah.

 5. pragnaju says:

  ચારેય સરસ સંકલન

 6. rekhasindhal says:

  પ્રેરણારૂપ સરસ વાતો વાંચીને સંતોષ થયો.

 7. Dhaval B. Shah says:

  બહુ સરસ.

 8. nilam doshi says:

  બધા સંકલન વાંચવાની મજા આવી. આભાર..નાની નાની વાત ઘણીવાર જીવનના મોટા સત્યો સમજાવી જાય છે…સંભળાવી જાય છે. સાંભળી શકીએ તો !!!

 9. સરસ સંકલન

 10. nayan panchal says:

  સુંદર પ્રેરણાદાયક પ્રસંગો,

  આભાર.

  નયન

 11. Rajni Gohil says:

  સોનીઓના રૂપમાં માણસઇના દિવા કેવો ઝગમગાટ બતાવી ગયા!

  જ્યાં સુધી મનુષ્ય સ્વાર્પણ કરતો નથી ત્યાં સુધી એ કશું જ આપી શકતો નથી. કેટલું સુંદર ઉપયોગી જીવન સૂત્ર ગાંધી બાપુએ આપણને આપ્યું છે.

  શું માજીની જીંદગીની કિંમત કોમેંટ્રી કરતાં પણ ઓછી છે?

  સદભાવનો સત્પ્રભાવસદભાવનો સત્પ્રભાવ, બળથી નહીં પણ કળથી કેવું સુંદર પરિણામ મળ્યું ! પ્રેરણાદાયી સંકલન ખૂબ ગમ્યાં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.