દૂરથી ડુંગર…. – પરાગ મ. ત્રિવેદી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જાન્યુઆરી-2009માંથી સાભાર.]

દરેક બાળકને જલદી-જલદી મોટા થવાની ઈચ્છા થતી હોય છે. ‘હું મોટો ક્યારે થઈશ ?’ અથવા તો ‘હું મોટો થઈને પાઈલોટ બનીશ.’ – આવું બધું બાળક કહેતું હોય છે, ત્યારે એને એમ થતું હોય છે કે મોટા થઈએ એટલે પછી કોઈ રોકટોક નહિ – જેમ કરવું હોય એમ કરવાનું – કેવી મજા ! એથી ઊલટું, લગભગ દરેક પુખ્ત વયની વ્યક્તિને ‘બાળપણ પાછું મળે તો કેવું સારું !’ આવું થતું હોય છે. જે નથી એનું આકર્ષણ થવું એ કદાચ માણસજાતિનો મૂળભૂત સ્વભાવ જ હશે.

‘હે ભગવાન ! આ તડકાથી તો તોબા ! સવારના પહોરમાં પાછલી ગૅલેરીમાં અને રસોડામાં આવી જાય તે છેક બપોર સુધી. અને બપોર પછી તો ઓ…હો….હો… ઘરની અંદર જ સીધો ધસી આવે, તે છેક સાંજે સાત વાગ્યા સુધી. જાણે ભઠ્ઠીમાં રહેતા હોઈએ એવું લાગે. રાતે 10 વાગ્યા સુધી બધું ધગધગતું રહે છે. ગમે તેવાં સારાં કપડાં પહેરો, તરત પરસેવાથી રેબઝેબ. દિવસમાં 3 વખત નાહીએ તો ય એના એ….

‘હે ભગવાન ! આમાં બહાર કેમ કરીને નીકળવું ? એકધારો મંડાણો છે આ વરસાદ…. એક મિનિટે ય બંધ થતો નથી. આ આજે ચોથો દિવસ છે. જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી. હવે તો બધા ડેમેય ભરાઈ ગયા છે. હવે ક્યાં જરૂર છે ! વરસાદ બંધ થાય ને કંઈક ઉઘાડ થાય તો સારું. આ ઘરમાં ય એક-બે જગ્યાએ છતમાંથી ટપક-ટપક ચાલુ થયું છે….. કપડાં ય એકે ય સુકાતાં નથી. રસ્તા ઉપર બધે ગારો-ગારો… થોડાક દિવસ સરખો તડકો પડે તો બધું કોરું થાય….’

‘હે ભગવાન ! આ તે ઘર છે કે હિમાલય ! ઠંડીએ તો કાળો કેર વર્તાવ્યો છે. ઘટવાનું નામ જ નથી લેતી. ઠીંગરાઈ ગયા આમ ને આમ ! આ ચામડીની દશા તો જુઓ – ફાટીને ફણો થઈ ગઈ. આ સ્વેટર, ગોદડાં, શાલ, બ્લેન્કેટનાં ધબાલાં… બારી તો ખોલી નથી થતી…. પવનના સુસવાટા આવે છે – સીધા ઘરમાં. સવારે ઊઠવાની ઈચ્છા જ નથી થતી. આ દાઢી તો આખો શિયાળો કરવી જ ન જોઈએ – એવું બળે છે… હવે તડકા તપે તો આ ઠંડી જાય…..’

વિવિધ ઋતુઓમાં તમે આવું-આવું બોલ્યા હશો, તમે નહિ બોલ્યા હોય (કદાચ ભૂલી ગયા હશો, આટલી બધી ઋતુઓ હોય, એમાં ક્યાંથી યાદ રહે ?) તો બીજાને બોલતા તો સાંભળ્યા જ હશે. આ આપણી ખાસિયત છે. દરેક ઋતુમાં તે ઋતુની ટીકા કરી, તેની ઉપર ખીજ કાઢીએ અને બીજી ઋતુને યાદ કરી તેનાં વખાણ કરીએ. જે ઋતુ ચાલતી હોય, તેના ફાયદા ઓછા અને ગેરફાયદા વધુ દેખાય; અને જે ન ચાલતી હોય, તેના ન હોય એવા ય ફાયદા દેખાય અથવા તો હોય એનાથી મોટા ફાયદા દેખાય. ‘આહા…. ઉનાળામાં તો…એ..યને આઈસ્ક્રીમ ખવાય, કોલ્ડ્રિંક્સ પિવાય…. અને કેરી ખાવાની તો કેવી મજા આવે… રાત્રે બહાર ફરવા નીકળાય, મોડે સુધી ફરી શકાય…. આ શિયાળામાં તો સાંજ પડી નથી ને ઘરમાં પુરાણાં નથી…’ ઉનાળો હોય ત્યારે આપને શું બોલીએ છીએ ?…. ‘ચોમાસામાં વરસાદ વરસતો હોય ને સાંજે ઘરમાં બેઠાં-બેઠાં સંગીત સાંભળતાં હોઈએ ને એમાં ભજિયાં ખાવાની જે મજા છે… આ….હા.. અને આવી ગરમીમાં ? – ન ખાવાનું ભાવે, ન સરખી ઊંઘ આવે.’ તો વળી ચોમાસામાં શિયાળાને યાદ કરીએ છીએ…. ‘શિયાળામાં તો કેટકેટલાં ફળ આવે, જુદાં-જુદાં સરસ શાકભાજી આવે…. બધું ખાવા મળે. ગોદડું ઓઢીને સૂતાં-સૂતાં ટી.વી. જોવાનું એ…ય આરામથી… શિયાળાની સવારે શાલ ઓઢી હીંડોળે હીંચકતાં-હીંચકતાં ગરમાગરમ ચાની ચૂસકી લેવાની વાત જ જુદી છે… ચોમાસામાં ન સરખાં ફ્રૂટ મળે, ન શાકભાજી…. શું નકરાં કઠોળ ખાધાં કરવાં ?

આમ, જે-તે ઋતુઓ જ્યારે ન ચાલતી હોય, ત્યારે તેને યાદ કરીએ અને પછી ચાલતી હોય ત્યારે ?… ‘આ કેરી હવે અબખે પડી છે, હોં ! મહેરબાની કરીને હવે એક કેરી નહિ લાવતા ઘરમાં. એક પેટીનો દાબો નાખ્યો બે દિવસ પહેલાં જ. એ હજી પાકી નથી ત્યાં આ બીજી બે પેટી ઉપાડી આવ્યા. આપણે હવે નથી ખાવી…. કોઈકને જોઈતી હશે, તો પધરાવી દઈશું, એટલે ઘરમાં જગ્યા થાય…. ફ્રીજમાં ય છોકરાંઓએ જગ્યા નથી રહેવા દીધી, જ્યાં જુઓ ત્યાં આઈસક્રીમ ને કૅન્ડી ને શરબતના શીશા ખડકી દીધા છે….’ શિયાળામાં આપણે એમ બોલીએ છીએ કે… ‘આ ગોદડાં ઓઢી-ઓઢીને હવે થાક્યાં. ચા હજી તો કપમાં કાઢીએ ને શાલ ઓઢીને સરખા બેસીએ ત્યાં ઠરીને ઠીકરું ! પછી ઠરેલો રગડો પીવાનો…. આ ફ્રૂટ-જ્યૂસ રોજેરોજ પીઈપીઈને મોઢું ચોવીસ કલાક ગળ્યું-ગળ્યું રહે છે… એલર્જી થઈ ગઈ….’ અને ચોમાસામાં….. ‘શું જ્યારે હોય ત્યારે આ ભજિયાંનો ઘાણ ઉતાર્યો… ચોમાસું તો ચાર મહિના ચાલે, એટલે શું ચાર મહિના સુધી ભજિયાંના લોચા ખાધા કરવાના ? કોલેસ્ટરોલ વધી જશે આ ચોમાસામાં તો….’

આટલા બધા માણસોના આટલા બધા બળાપા છતાં પણ ભગવાન હજી સુધી કોઈ નવી ઋતુની શોધ નથી કરી શક્યા, જેમાં બધા ફાયદા જ હોય, કોઈ ગેરફાયદો ન હોય – આ માનવજાતની કમનસીબી છે. ઑફિસ-કર્મચારી વર્ગ અને શિક્ષકવર્ગને એકબીજાની સ્થિતિ સારી લાગે છે.

ઑફિસ કર્મચારી : ‘અમે તો તૂટી ગયા કામ કરી-કરીને…. 11 થી 6 એકધારું કામ-કામ અને કામ.. ને છ વાગેય છૂટીએ તો ને ? સાત વાગી જાય ને આઠે ય વાગી જાય. આની કરતાં તો નોકરી સારી શિક્ષકોની – સવારે જઈને બે-ત્રણ પિરિયડ લઈ લીધા કે બસ, પૂરું…. બપોર પછી ફ્રી તે છે…ક બીજે દિવસે સવાર સુધી.’
શિક્ષક ઉવાચ : ‘સવારના પહોરમાં સાડા-પાંચ વાગે ઊઠવાનું – શિયાળો હોય તો શું કે ચોમાસું હોય તો શું… ક્યારેક રાત્રિના કાર્યક્રમમાં કે પિકચરના છેલ્લા શોમાં જઈ ન શકાય… નહિતર બીજે દિવસે સ્કૂલે મોડું પહોંચાય ને થાય ઘાણી… અને માંડ કરીને સવારના સમયમાં સેટ થયા હોઈએ ને બપોરે સૂઈને આરામ કરવાની ટેવ પાડી હોય, ત્યાં સ્કૂલનો ટાઈમ બપોરનો થઈ જાય ને પછી કઠણાઈ.. આની કરતાં તો ઑફિસમાં જલસા હોય. એ….ય ને 11 વાગ્યે જવાનું, ને બેસવાનું ખુરશી ઉપર ને પંખા નીચે… સાંજ સુધી ઊભા થવાપણું જ નહિ. સાંજે ખંખેરીને ચાલતા……’

ઑફિસ-કર્મચારી : ‘તોબા આ પ્રજાથી… ઑફિસમાં દર મિનિટે એક નવું ભેજું આવે…. જવાબ દઈ-દઈને થાકી ગયા… દલીલ ઉપર દલીલ કરે… ટાઈમ પાસ કરવા ઑફિસોમાં આવીને ધામા નાખે છે ને અમારું માથું ખાય છે. શિક્ષકોને કંઈ માથાકૂટ ? એકસાથે બધા વિદ્યાર્થીઓને લખવા આપી દે એટલે અડધા કલાકની શાંતિ… વિદ્યાર્થીઓ સમજે તોયે ભલે, ન સમજે તોયે ભલે….’
શિક્ષક : ‘અરે, આ વિદ્યાર્થીઓને સંભાળવા એના કરતાં તો સરકસમાં જાનવરોને સાચવવા સારાં. મગજ ફેરવી દે છે.’
ઑફિસ-કર્મચારી : ‘આજે કેટલું કામ કર્યું ? ને આ મહિનામાં લક્ષ્યાંકો કેટલા સિદ્ધ કર્યાં ?’ – કામ કર્યા પછી યે નિરાંત તો નહીં જ. ઉપરી અધિકારીને જવાબ દઈ-દઈને થાકી ગયા. શિક્ષકોને કેટલી શાંતિ… વિદ્યાર્થી પાસ થાય કે નાપાસ – કોઈ પૂછવાવાળું જ નહિ…..’
શિક્ષક : ‘આ એકનું એક ચાર-ચાર વખત શીખવીએ તો પણ આવડતું નથી…. આવા વિદ્યાર્થીઓ છે અમુક તો ! વળી દર વર્ષે એકાદ ધોરણનો બધો અભ્યાસક્રમ બદલાઈ જાય, એટલે અગાઉનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં કરેલી બધી મહેનત પાણીમાં…. નવેસરથી તૂટવાનું…. ઑફિસવાળાને છે કંઈ ચિંતા ? એ…યને બેઠા-બેઠા તગડા પગાર ખાવાના…. અમને તો અડધા જેવો પગાર મળે છે….’

ઑફિસ-કર્મચારી : ‘એ તો તેલ પાઈને એરંડિયું કાઢે છે, ભાઈ ! કામ કરવા આવો તો ખબર પડે… મગજનું દહીં થઈ જાય… સતત ટેન્શન રહે…. જવાબદારીનો પાર નહિ, ને રજાને નામે મીંડું. તમારે તો આહા…હા – વેકેશન ઉપર વેકેશન… દિવાળીનું વેકેશન, ઉનાળાનું મોટુંમસ વેકેશન, તહેવારોની પહેલાંના ને પછીના દિવસોમાં ય રજા જેવું જ….. કામ ઓછું ને વેકેશન ઝાઝાં.’
શિક્ષક : ‘વેકેશન કેવા ને વાત કેવી…. એ જમાના ગયા હવે. હવે તો જરા ય નિરાંત નથી લેવા દેતા. અરે, ઊલટું વેકેશનમાં વધુ દોડાદોડી. ચૂંટણીના કામમાં ઢસરડા કરવાના. વસ્તીગણતરીમાં ઘેર ઘેર ભટકવાનું, પચીસ જાતનાં પત્રકો બનાવવાના. પોલિયોની રસી પાવાની હોય, તો ય અમે જ યાદ આવીએ…. ઉપરથી દસ જાતની ટ્રેનિંગ…. આમાં વેકેશન શું ખાક મળે ? આની કરતાં તો ઑફિસમાં ભેગી થયેલી રજા એકસાથે લઈને ફરવા ઊપડી જવાનું… પછી એટલા દિવસ કોઈ બોલાવે જ નહિ….’

આવું-આવું તો બીજા ઘણા બધા વર્ગોને લઈને કહી શકાય – લખી શકાય. પણ એ વળી પછી ક્યારેક… નહિતર આ હાસ્યનિબંધની બદલે મહાનિબંધ થઈ જાય એવી પૂરી શક્યતાઓ છે. વ્યસનીઓની ટીકા કરવી તો સામાન્ય બાબત ગણી શકાય, પણ નિર્વ્યસનીઓની ટીકા કરવાનું પણ ‘પૈસા જ ભેગા કરવા છે ?’ – એવું કહીને પણ ઘણા લોકો ચૂકતા નથી…. જે કોઈ, જે કંઈ કરે, તે બધું જ અયોગ્ય ! મંદિર બાંધવાવાળાની ટીકા, ‘આટલા રૂપિયા પથ્થરમાં નાખી દીધા’ કહીને કરે, તો જાહેર શૌચાલય બનાવવાવાળાની ટીકા કરતાં કહે, ‘ગામની વચ્ચોવચ આવું હોતું હશે ? આ તો ગામની બહાર જ સારું !’

એક બહેનના મતે ભારતનું હોય, એ બધું ખરાબ ને ‘ફૉરેન’નું હોય, એ બધું જ સારું. બને એટલી વસ્તુઓ ફૉરેનની જ લેવાનો આગ્રહ રાખે. આવી બધી વસ્તુઓ બધાને ગર્વભેર બતાવે પણ ખરા. એક વખત તેમનું કોઈએ ધ્યાન દોરેલું કે ‘તમારી લાવેલી વસ્તુઓમાંથી આ બે વસ્તુ તો ભારતમાંથી જ export થયેલી છે….’ ત્યારથી તેમને તે બે વસ્તુઓ પ્રત્યે અણગમો થઈ ગયેલો ! એક ભાઈને અમેરિકાથી આવ્યા પછી ત્યાંના ચોખ્ખા રસ્તા વિશે વાત કરતાં-કરતાં ચાલુ કારની બારીમાંથી બહાર પિચકારી મારતા મેં જોયા છે. યુદ્ધખોર દેશોએ શાંત રહેવું જોઈએ અને શાંત રહેતા દેશોએ તાત્કાલિક યુદ્ધ છેડી દેવું જોઈએ – એવા મતલબનું આપણે ઘણાના મુખે સાંભળીએ જ છીએ ને ?

ઘણાને પૃથ્વી જેવો ગ્રહ પણ રહેવા માટે બહુ યોગ્ય લાગતો નથી જ… પણ જ્યાં સુધી ચંદ્ર કે મંગળ કે બીજા કોઈ ગ્રહ પર વસાહત ન થાય, ત્યાં સુધી તેઓ સહન કર્યે જાય છે ને જીવ્યે જાય છે. આવું બધું ચાલ્યા જ કરે છે… કહ્યું છે ને કે ડુંગરા દૂરથી રળિયામણાં….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભૂંસાતાં ગ્રામચિત્રો – મણિલાલ હ. પટેલ
ટ્રક-ડ્રાઈવર – યશવંત ઠક્કર Next »   

11 પ્રતિભાવો : દૂરથી ડુંગર…. – પરાગ મ. ત્રિવેદી

 1. shruti maru says:

  અહી જીવન ની વાસ્તવિકતા દર્શાવાઈ છે. આ બધી વાત આપણે રોજબરોજ સામ્ભળીયે છીએ. મને આ વાર્તા ઘણી ગમી.

 2. Amit Patel says:

  જીદગી જીવવાની મજા બધા માણી શક્તા નથી.
  તક તો વારંવાર મળે છે, બસ ઝડપી લેવાની.

 3. Veena Dave,USA. says:

  Aa lekh vanchvani maza aavi.

 4. Vinod Patel says:

  Satisfaction is the answer for all these situations. Article proves that man is a very difficult animal.

  Vinod Patel, USA

 5. “અજીબ ચીઝ હૈ આદમી ભી! ગર્મીયોઁમેં ગર્મી નહિં ચાહિયે, ન સર્દિયોઁમેં ઠંડ, ઔર બારિશમેં ભીગના અચ્છા નહિં લગતા તો ખુદા દે ભી તો ક્યા દે – કબ દે?”

 6. khubj saras this story match with us….

 7. nayan panchal says:

  સરસ લેખ.

  માનવજીવનની એક વાસ્તવિકતા. પરંતુ મારા માનવા મુજબ વ્યવસાયની રીતે આ લેખ ભારતીયોને વધુ લાગુ પડે છે. કારણ કે મોટા ભાગના નોકરી કરતા વર્ગને નાનપણમાં ખબર નથી હોતી કે તેમને જીવનમાં શું કરવુ છે, તેમને તો બસ જીવનનુ ગાડું ચલાવવુ હોય છે.

  અન્ય ઘણા દેશોમાં લોકો પોતાના મનપસંદ ક્ષેત્રમાં હોય છે તેથી તેઓ કામને માણે છે.

  નયન

 8. mukesh thakkar says:

  I think i agree with Nayan’s view. In India it is like what it has been described in this story, but people abroad (i am in Australia) are doing ok in their own profession without complaining. Anyway it is a very nice story which explains the any human being’s nature.

 9. મજા પડિ

  Vinod K Pandya
  Rajkot

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.