ટ્રક-ડ્રાઈવર – યશવંત ઠક્કર

યુવાન શરીરમાં ધસમસતાં લોહીની જેમ, ટ્રક રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર આઠ પર દોડતી હતી. હું ડ્રાઈવરની કૅબિનમાં ડાબી બાજુના ખૂણામાં બેઠો હતો. હું ક્યારેક રસ્તા પર, ક્યારેક દૂર દૂર સુધી લંબાયેલાં ખેતરો તરફ તો ક્યારેક કૅબિનની અંદર જ મારી નજર ફેરવી લેતો હતો. મોટા કાચની આરપાર દેખાતાં કેટલાંક દશ્યો તો મારી આંખોમાં સમાતાં પહેલાં જ છટકી જતાં હતાં. કશી રોકટોક વગર આવતો પવન, જૂનાં સંભારણાં લઈને આવતો હતો. મને બધું જ સારું સારું લાગી રહ્યું હતું. વાહનોની ઘરઘરાટી કે હોર્નના અવાજો પણ મને તાલબદ્ધ સંભળાતા હતા. વાતાવરણ જ એવું હતું કે મનગમતાં ગીત હોઠ પર રમવા આવી ચડે. થોડાંક ગીતો મારા હોઠે રમવા આવ્યાં પણ ખરાં અલબત્ત, બહુ જ હળવે હળવે !

મારી આગળ જ બારીમાં ટ્રકનો કલીનર, પોતાનું અર્ધું શરીર બારીની બહાર રાખીને બેઠો હતો. તે જરૂર પડ્યે પાછળ આવી રહેલાં વાહનોને હાથથી સાઈડ બતાવવાની ફરજ બજાવતો હતો. તેનાં કપડાં કાળાં અને ચીકણા પદાર્થો વડે ખરડાયેલાં હતાં. તેના માથાના વધેલા વાળ પવનમાં ઊડ્યા કરતા હતા. હું ક્યારેક ક્યારેક તેનો પૂરેપૂરો ચહેરો જોઈ શકતો હતો. મને એ ચહેરો જાતજાતની આબોહવાથી ખરડાયેલો લાગ્યો હતો. તેના અસલ ચહેરા વિષે હું કશું ચોક્કસ અનુમાન કરી શક્યો નહોતો. પરંતુ મેં મારા સ્વભાવ મુજબ એવી ધારણા તો બાંધી જ હતી કે તેનો અસલ ચહેરો નર્યાં કલીનરનો જ નહિ; પણ એક ભાઈ, દીકરા, બાપ કે પ્રિયતમનો પણ હશે.

મારી જમણી બાજુએ એક મુસાફર વાતોડિયો સ્વભાવ લઈને બેઠો હતો. તેનામાં રહેલા ગામડાના સંસ્કારો છાના નહોતા રહેતા. તેણે મને ‘ક્યાં રહો છો’ ને ‘ક્યાં જાઓ છો’ જેવા પ્રશ્નો પૂછ્યા હતા. હું પોતે પણ મૂળ ગામડાનો જ માણસ હોવાથી એક જમાનામાં મને એવા પ્રશ્નોના જવાબ હોંશે-હોંશે આપવાનું ગમતું હતું. પરંતુ શહેરમાં લાંબો વસવાટ કર્યા પછી, મને અજાણ્યા સાથે વધારે વાતચીત કરવાના જોખમોથી દૂર રહેવાની ટેવ પડી ગઈ હોવાથી મેં તેને ટૂંકા ને ટચ જવાબો આપ્યા હતા. વાતચીતમાં નહિ ઊતરવાની મારી ઈચ્છાને તે માણસ સમજી ગયો હશે, તેથી તેણે પોતાની બીજી બાજુએ ખૂણામાં બેઠેલા એક ભરવાડ સાથે વાતચીત શરૂ કરી હતી. ભરવાડ પોતાના બંને પગ બેઠક પર જ રાખીને, જાણે પોતાના ઘરની ઓસરીએ ખાટલામાં જ બેઠો હોય એમ નિરાંતે બેઠો હતો. તેનો ડંગોરો ડ્રાઈવરે પહેલેથી જ કૅબિનના આગળના ભાગમાં મુકાવી દીધો હતો. તેના ચહેરા પર સુકાઈ ગયેલી નદીઓ જેવી કરચલીઓ પડી ગઈ હતી. તેના બંને ગાલમાં પડેલા ખાડા તેના મોઢાના અંદરના ખાલીપાની ચાડી ખાતા હતા. ઘેટાંનો રંગ ધરાવતી તેની મૂછો તેની ઉંમરને માન આપતી હોય એમ નીચે તરફ ઝૂકી ગયેલી હતી. ટ્રકની ઝડપ અને વારંવારના આંચકા છતાંય તેના માથા પરનો લાલ ફેંટો અડીખમ રહેતો હતો. તે ભરવાડ પોતાની આંખોમાં કેટલાંય ઘેટાંબકરાંની સાથે જિંદગીનાં વીતેલાં વર્ષોને સાચવીને બેઠો હોય એમ લાગતું હતું.

મારી બાજુમાં બેઠેલા માણસે પોતાના ખિસ્સામાંથી બીડીની જૂડી ને બાકસ કાઢ્યાં. તેણે બીડીવાળો હાથ ડ્રાઈવર તરફ લંબાવ્યો પણ ડ્રાઈવરે ઈશારાથી ના પાડી. તેણે કલીનર તરફ હાથ લાંબો કર્યો તો કલીનરે પણ ના પાડી. મારી અનિચ્છાને સમજી ગયો હોય કે ગમે તેમ તેણે મને આગ્રહ કર્યો નહિ. છેવટે ભરવાડે તેનું માન રાખ્યું. થોડીવારમાં જ કેબિનમાં તમાકુની ગંધ ફેલાઈ ગઈ. એ ગંધ મને મારા ગામડે લઈ ગઈ. શિયાળાની રાત્રે કોઈને ત્યાં સત્યનારાયણની કથા ચાલતી હોય ત્યારે; દૂર ફળિયામાં ખાટલે બેઠેલા ગામના દરબારો, કુંભારો કે આહીરો તમાકુની આવી જ ગંધ ફેલાવતા…. એ બધું મને સાંભરી આવ્યું. હું મારા ગામલોકોના ચહેરાઓને યાદ કરવાની રમતે ચડ્યો. નાના ને મોટા… સીધા ને માથાભારે, નબળા ને ખમતીધર એવા કૈંક કેટલાય લોકોના ચહેરાઓ; હું એક-પછી-એક સંભારી રહ્યો હતો ત્યાં જ મને પોતાને ખ્યાલ આવ્યો કે ડ્રાઈવરે મારા ચહેરા તરફ એક નજર નાખી હતી. એટલું જ નહિ પણ પોતાના હોઠ પણ મલકાવી લીધા હતા.

ડ્રાઈવર મજબૂત બાંધાનો હતો. તેણે લુંગી અને ભડકામણા રંગવાળું ખમીસ પહેર્યાં હતાં. તેની દાઢી વધેલી હતી અને મૂછો વળ ચડાવેલી હતી. તેનો ચહેરો ટ્રક-ડ્રાઈવર માટે જરૂરી એવા હાવભાવથી ભરેલો ને ડરામણો હતો. તેની મોટી આંખોમાં થાક, કંટાળો ને ઉજાગરો જાણે કે કાયમી ધામો નાખીને પડ્યા હતા. છતાંય તેના સ્નાયુબદ્ધ હાથ તેની શક્તિ અને સહનશીલતાનું પ્રદર્શન કરતા હોય એ રીતે સ્ટીયરિંગ પર ગોઠવાયેલા હતા. તેના વાળ ટૂંકા અને ઊભા ઓળેલા હતા. તેણે કપાળ પર મોટો રૂમાલ બાંધેલો હતો. તેને જોઈને જ મને એવું લાગતું હતું કે તે ટ્રક-ડ્રાઈવર જ થવા સર્જાયેલો હતો. ટ્રક-ડ્રાઈવર ખાસ બોલતો નહોતો. પરંતુ ક્યારેક ટ્રાફિકમાંથી રાહત મળતાં તે કલીનર સાથે, ડીઝલની કે ટ્રકની મરામત અંગેની કે પછી પાછળ રહી ગયેલી કોઈ ગાડી બાબતની ટૂંકી વાતચીત કરી લેતો હતો. તેનો અવાજ પણ તેના શરીરને શોભે એવો બુલંદ હતો. ટ્રક-ડ્રાઈવર અને કલીનર બંને પોતપોતાની દુનિયામાં એટલા મશગૂલ લાગતા હતા કે જાણે ટ્રકમાં બેઠેલા ત્રણ મુસાફરોનું એમની નજરમાં કોઈ અસ્તિત્વ જ નહોતું. પણ ના. એવું નહોતું. ડ્રાઈવરની નજરમાં મારું અસ્તિત્વ તો હતું જ. તેણે પોતાની અણીદાર નજર મારા ચહેરા પર નાખી હતી. જે મારા ધ્યાનમાં આવી ગયું હતું. વળી તેણે પોતાના હોઠ પરનો મલકાટ છુપાવવા ધાર્યો હોય તો પણ મારાથી છૂપો રહ્યો નહોતો.

ત્યારબાદ, તેની એવી નજર મેં એક નહિ પણ ત્રણત્રણ વખત પકડી પાડી. ને ત્રણેય વખતના એના હોઠ પરના મલકાટે મને ગડમથલમાં મૂકી દીધો. મને થયું કે નક્કી, મારા ચહેરા પર એવું કશું છે, જે જોઈને ડ્રાઈવર વારંવાર મલકાય છે. મેં મારા ચહેરા અને માથા પર મારો હાથ સહજતાના ડોળ સાથે ફેરવી લીધો. પણ મારા હાથમાં કશું જ વાંધાજનક આવ્યું નહિ. ‘ડ્રાઈવર શું જોઈને પોતાના હોઠ મલકાવતો હશે ?’ એ પ્રશ્ન મારા મનને મૂંઝવવવા લાગ્યો. હું અટકળો બાંધતો હતો એ દરમ્યાન કલીનરે ભાડું ઉઘરાવવાનું શરૂ કર્યું. મારી બાજુમાં બેઠેલા બંને મુસાફરો પાસેથી ભાડું લીધા પછી તેણે મારા તરફ હાથ લાંબો કર્યો. હું મારા ખિસ્સામાંથી પૈસા કાઢતો હતો એ જ વખતે ડ્રાઈવરે તેને કહ્યું કે : ‘એમનું ભાડું નથી લેવાનું.’ હવે તો મારા આશ્ચર્યનો પાર નહોતો. હું ડ્રાઈવર તરફ એકીટશે જોઈ રહ્યો. તેનું ધ્યાન ગાડી ચલાવવામાં હતું. મેં માન્યું કે તેને મજાક સૂઝી હશે. બાકી મારી પાસેથી ભાડું ન લેવાનું કોઈ કારણ નહોતું. કલીનર તો ફરીથી બારીમાં ગોઠવાઈ ગયો હતો. ડ્રાઈવર ફરીથી મારી સામે જુએ ત્યારે કારણ પૂછી લેવાની અધીરાઈ સાથે હું એમ જ બેસી રહ્યો. ટ્રાફિકમાંથી રાહત મળતાં તેણે જ મને પૂછ્યું :
‘ઓળખાણ ન પડી ને ?’
‘ના.’ મેં કહ્યું.
‘આપણે બહુ વખતે ભેગા થયા છીએ. પણ હું તો તમને તમે ટ્રકમાં ચડ્યા ત્યારથી જ ઓળખી ગયો છું.’ તેના ચહેરાની અંદરથી પરિચિત ચહેરાને શોધી કાઢવા માટે હું મારી સ્મરણશક્તિની ધાર કાઢતો રહ્યો…
‘તમે ભણવામાં દર વર્ષે પહેલો નંબર લાવતા હતા ને ?’ તેણે પૂછ્યું.
‘હા. ‘ મારાથી હસી પડાયું.
‘તમારી યાદશક્તિ તો બહુ તેજ હતી ને ?’ તેણે હસતાં હસતાં પૂછ્યું. પણ તેના પ્રશ્નમાં રહેલી મજાક મારાથી છાની ન રહી.
‘હા.’ મારે જવાબ આપવો પડ્યો.
‘પણ હું તો ડફોળ હતો. અબઘડી વાંચેલું અબઘડી જ ભૂલી જાઉં એવો.’ તેણે કહ્યું. ત્યારબાદ ટ્રાફિકના કારણે અમારી વાતચીત અટકી ગઈ. મને માત્ર એટલો ખ્યાલ આવ્યો કે, આ માણસ ક્યારેક મારી સાથે ભણ્યો હશે. પણ મને કશું ચોક્કસ યાદ આવતું નહોતું. મેં એટલાં ગામો ને એટલી નિશાળો બદલી હતી કે સાથે ભણનારા તમામને યાદ રાખી શક્યો નહોતો. કેટલાંકનાં નામો યાદ હતાં તો તેમના ચહેરા ભૂલી ગયો હતો. તો વળી કેટલાક ચહેરા યાદ હતા તો તેમનાં નામો ભૂલી ગયો હતો.

‘તમારે ક્યાં ઊતરવું છે ?’ તેણે મને પૂછ્યું.
‘કરજણ ચોકડી.’ મેં કહ્યું.
‘થોડી વાર છે. ત્યાં સુધીમાં યાદ કરો. આપણે જયહિંદ વિદ્યાલયમાં આઠમું ને નવમું ધોરણ સાથે ભણ્યા હતા.’ તેણે મોટાભાગનું રહસ્ય ખોલી નાખ્યું હતું. હવે હું તેને ન ઓળખી શકું તો એ મારી ભયંકરમાં ભયંકર નિષ્ફળતા હતી. મારી સાથે આઠમા અને નવમા ધોરણમાં ભણનારા વિદ્યાર્થીઓને હું સંભારવા લાગ્યો. મને કેટલાક ચહેરા યાદ આવ્યા પણ એ ચહેરાઓનો ડ્રાઈવરના ચહેરા સાથે મેળ ખાતો નહોતો. કરજણ ચોકડી નજીક ને નજીક આવી રહી હતી ને હું વીસ વર્ષો પહેલાંના સમય સમુદ્રમાં ડૂબકી મારીને તેમ જ મારી તમામ માનસિક શક્તિને દાવમાં મૂકીને ડ્રાઈવરને ઓળખી કાઢવા માટે ઝઝૂમી રહ્યો હતો. પણ તકલીફ એ વાતની થઈ કે ડ્રાઈવરના ચહેરા સાથે મેળ ખાય એવો ચહેરો યાદ આવવાના બદલે બીજા બીજા જરૂર વગરના ચહેરાઓ મારા સ્મરણ પટ પર આવીને મને ડોકવવા લાગ્યા. મારી સ્થિતિ દયાજનક હતી… છેવટે નજર સામે કરજણ ચોકડી દેખાતાં મેં મારા પ્રયત્નો છોડીને કહી દીધું : ‘ઓળખાણ નથી પડતી, યાર.’
‘હત્ત તેરીકી !’ તેણે પોતાના કપાળ પર હાથ પછાડ્યો ને ચોકડી પાસે રસ્તાની સહેજ બાજુમાં ટ્રક ઊભી રાખી દીધી, ‘હું શંકર ડી. રાઠોડ.’ તેણે હસી પડતાં કહ્યું : ‘હું તમારી પાછળની પાટલી પર બેસતો હતો. તમારામાંથી ચોરી કરી કરીને હું પાસ થતો હતો.’
‘અલ્યા. શંકર તું !’ મેં ઊભાં થતાં કહ્યું. મારી નવાઈ અને ખુશીનો પાર નહોતો. મારી સાથે ભણનારો એક શરારતીમાં શરારતી છોકરો પૂરાં વીસ વર્ષો પછી મારી નજર સામે હતો. પણ હવે તે એક છોકરો નહોતો. એક ટ્રક-ડ્રાઈવર હતો. ઘણો બદલાઈ ચૂકેલો હતો અને મારાથી તે ઓળખાયો નહોતો. ‘તું તો યાર ઘણો બદલાઈ ગયો છે !’ મેં કહ્યું.
‘તમે પણ ક્યાં નથી બદલાયા ? તોય હું ઓળખી ગયો ને !’ તેણે કહ્યું. મને લાગ્યું કે તેણે મૂછોને વળ દેવાનું જ બાકી રાખ્યું છે.

નીચે ઊભેલા મુસાફરો ને કલીનર, હું નીચે ઊતરું એ માટે અધીરા થઈ ગયા હતા. શંકર સાથે વધારે વાતો થાય એવા સંજોગો જ નહોતા. તે પોતે પણ ઉતાવળમાં હોવાનું સમજી શકાતું હતું. હું તેની સાથે હાથ મેળવીને નીચે ઊતરી ગયો. નીચે ઊભેલા લોકો ટ્રકમાં ચડી ગયા પછી મારી અને શંકરની નજર એક થઈ. તેણે હાથ ઊંચો કરીને ‘આવજો’ કહ્યું. મેં પણ સામો હાથ ઊંચો કર્યો ને તેણે ટ્રક ઉપાડી. હું ટ્રકને જતી જોઈ રહ્યો. ટ્રકની પાછળ ‘ફિર મિલેંગે’ એવું લખ્યું હતું, પણ ક્યાં મળવું તેની નહોતી શંકરને ખબર કે નહોતી મને. ટ્રક દેખાતી બંધ થઈ એટલે મેં પગ ઉપાડ્યા. હવે હું હતો, મારું મન હતું ને મનમાં શંકરનો સણસણતા તીર જેવો સવાલ હતો : ‘તમારી યાદશક્તિ તો બહુ તેજ હતી ને ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દૂરથી ડુંગર…. – પરાગ મ. ત્રિવેદી
વહાલું વતન – ડૉ. નલિની ગણાત્રા Next »   

30 પ્રતિભાવો : ટ્રક-ડ્રાઈવર – યશવંત ઠક્કર

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ વારતા. ક્યારેક આપણે ભ્રમમાં હોઇએ છીએ કે કોઇ જુના દોસ્ત કે ઓળખીતા મળી જાય તો હું ચોક્કસ ઓળખી શકુ..પણ જ્યારે હકીકતમાં એવી ક્ષણ આવે ત્યારે આપણે જ ન ઓળખી શકીએ એ વ્યકતી ને.

  નજીકના જ ભુતકાળમાં મારી સાથે આવી એક ઘટના બની ગઇ છે. 🙂

 2. really nice…. ‘તમારી યાદશક્તિ તો બહુ તેજ હતી ને ?’ such a amezine sentence… some time we proud about ur memory but….
  really fine…

 3. nirav patel says:

  Really Good Story sir.please keep writing it will make gujarati live

 4. Amit Patel says:

  Nice story.
  I met some friends in pune and vadodara after 15 years.
  I am able to identify them.
  મારી યાદશક્તિ હવે સારી છે. પગાર, લોન, બોનસ લેવાનુ યાદ રહે છે. 🙂

 5. jinal says:

  હમ હૈ રાહી પ્યાર કે ..ફિર મિલેન્ગે ..ચલતે ચલતે

 6. Rajni Gohil says:

  આપણને ખબર છે કે યાદશક્તિમાં તો આપણને જેમાં વધારે રસ હોય તે વાત આપણને યાદ રહી જાય છે. અને જેને બહુ મહત્વ ન આપીએ તે ભુલી જવાય. પ્રોફેસર કેમેસ્ટ્રીની બધી ફોર્મ્યુલા યાદ રાખે પણ પત્નીની વર્ષગાંઠ ભૂલી જાય એવું બનતું હોયછે. આ વાર્તા જ આપણને આની જ પ્રતિતી કરાવે છે.

  Three 84+ years old friends were having memory test at doctors office. Doctor asked the first one: How much is 3 multiplied by 3? He says 247. Doctor asked the same question to second man. He replies 3 X 3 =Tuesday.

  Doctor asked the third one the same question. How much is 3 multiplied by 3?
  The third one replied 9. Doctor further asked him how did you get the answer? The third man says : I subtracted 247 from Tuesday.

  This joke tells us all.

  Nice story. We learn from this story that Truck Drivers have the kind heart too.

 7. હ્રદયસ્પર્શેી વાર્તા !

 8. Ravi Ponda says:

  Supperb story !!
  Ae decide na thayu ke shankar ni memory
  sharp hati ke !! 🙂 and exams time kon kona mathi chori kartu hase !!

 9. Husain says:

  ખુબ સરસ વારતા
  Song of Rab ne banadi jodiiiiii
  હમ હૈ રાહી પ્યાર કે ..ફિર મિલેન્ગે ..ચલતે ચલતે

 10. shruti maru says:

  જીવન ના માર્ગ મા કોન ક્યારે કેવી રીતે મળી જાય તેને આપણે ભુલી જઇએ છીએ પછી ભલે ને આપણી યાદ શક્તિ ગમે તેવી તેજ કેમ ન હોય.

  ….ઇતિફાક કદાચ આને કહી શકાય ને!!!!!

 11. nayan panchal says:

  feel-good story. good one.

 12. Gaurang Thakkar says:

  સુન્દર્…..ખુબજ ગમી..

 13. Gira says:

  this was a nice piece.. enjoyed the brief detail that is covered in this article.. nicee.. thanks

 14. Chirag Patel says:

  LOL… Simple yet very wonderful story. I had very semilar expreience when I went to India in 2006. All my friends (from school time) and I went out to dinner one night and we bumped into one of our old school friends. He saw me and said OH Chirag, kem che yaar? Amarican babu – desi chokri jova aavya che? I just smiled and kept looking at him – I didnt know who he was!!!! – To my surprise, he realized that and said, Sala (gaar) bhagat – bhuli gayo? Yaad che, Baroda High School ni Cricket match maa te ek chokra ne bhu marelo – tane Maa/Ben parthi gaar aapi thi?!?!?! – and I screamed – AFZAL – and he said, Have yaad aayu vilayti babu ne – and we hugged as friends – I told him I am so sorry for not knowing it was him – he said, tane to aakhi duniya ma gametya – game tyare oalkhi nahu – mane tara jetlo maar to koie nathi mariyo… And I looked down in shame…. He put his arm around my shoulder and said, pan bhai – bhul mari hati…

 15. આજે અચાનક જ આ સાઈટ પર આવી ચડ્યો ને જુલાઈ ૧૯૯૬ માં”નવનીત-સમર્પણ ” માં પ્રગટ થયેલી મારી જ વાર્તા “ટ્રક ડ્રાઈવર ” જોઈને નવાઈ લાગી. આપ સૌને ગમી એથી ખૂબજ આનંદ થયો. આ વાર્તા લખ્યા પછી વાર્તાઓ ખાસ લખી નથી. પણ આપ સૌના પ્રતિભાવોથી ફરીથી જોર ચડે તો નવાઈ નહીં.
  સૌનો આભાર. આપ સૌની સાથે મિલાપ કરાવવા બદલ રીડગુજરાતી.કોમ ને પણ ધન્યવાદ. ફિર મિલેંગેં.

 16. vipul says:

  Really a nice short story,,see the difference still the poor fellow knows him but that man was not able to recognise him…some time we forget great things its ok but we should not forget our old frnds….

 17. vaidehi shah says:

  ખુબ સરસ અને હ્દય સ્પર્શે તેવિ વારતા !
  જિવન મા સન્જોગ આવે તો આવિ રિતે જ આવે

 18. vijay patel says:

  Good story

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.