- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વહાલું વતન – ડૉ. નલિની ગણાત્રા

[ ‘વહાલું વતન’ પુસ્તકમાં સાહિત્યકારો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પોતાના વતનના સંસ્મરણોને વાગોળ્યા છે. આ પુસ્તકનું સંપાદન શ્રી રોહિતભાઈ શાહે કર્યું છે. આજે માણીએ આ પુસ્તકમાંથી પ્રસિદ્ધ હાસ્યલેખિકા ડૉ. નલિનીબેન ગણાત્રા (અમદાવાદ)નો લેખ. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

‘વહાલું વતન’ શીર્ષક હેઠળ લેખ લખવાનું મને નિમંત્રણ મળ્યું ત્યારે મારા વાંધાપ્રિય વ્યક્તિત્વને પહેલો વાંધો એ પડ્યો કે, વતનની આગળ વહાલું લગાડવાની શી જરૂર ? શું આપણે બરફ ને ઠંડો કહીએ છીએ ? તડકાની આગળ ‘ગરમ’ વિશેષણ લગાડીએ છીએ ? પત્નીની આગળ ‘ઝઘડાળું’ કે લેકચરની આગળ ‘લાંબું’ લખવાની જરૂર હોય ખરી ? વાંદરાની આગળ ‘અળવીતરો’ કે ખિસકોલી આગળ ‘ચંચળ’ વિશેષણ સદંતર વ્યર્થ જ છે. અરે ઘણાં તો મિત્રની આગળ પણ પ્રિય લગાડે છે. મિત્ર તો પ્રિયનો પર્યાય ગણાય ! એટલે જેમ મિત્ર પ્રિય જ હોય, બચપણ રૂડું જ હોય, એમ વતન વહાલું જ હોય. વતન વહાલું એટલા માટે જ હોય કે એની સાથે આપણું બોલકું બચપન જોડાયેલું હોય છે, અને બીજું કારણ એ કે છેલ્લાં ઘણાં વર્ષોથી વિકાસના નામે વતનથી દૂર જવાની ફેશન ચાલી છે અને દૂરથી તો દુર્જન પણ રળિયામણો લાગે ! તો ફિર વતન કા ક્યા કહેના ? માણસ વતનમાં હોય ત્યારે એને દૂરનું શહેર એક કલ્પનાસુંદરી જેવું દેખાય છે. પણ ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવે છે કે, ‘દૂર સે દેખા તો હસીના કા દુપટ્ટા થા, નજદીક જા કે દેખા તો મૌત કા સામાન થા !’

જિંદગીના બે અભાવોએ આજદિન સુધી મારો પીછો નથી છોડ્યો. હું નાની હતી ત્યારે મને ટ્રાઈસીકલનું ટેરિફિક આકર્ષણ હતું. મને એ ‘વિક્ટોરિયા’ જેવી લાગતી ! પણ બાની જૂની સાડી ફાડીને બનાવેલું ફ્રોક પહેરવું પડતું તેવા સમયે સાઈકલની માગણી કરવી એ ફડચામાં ગયેલી કંપની પાસે બેકારી ભથ્થું માંગવા બરાબર હતું ! હું એમાં સમાઈ શકું એવડી હતી ત્યાં સુધી ત્રણ પૈડાંની સાઈકલ મળી નહીં. આજે સુલભ છે ત્યારે હું એમાં સમાઈ શકતી નથી ! આજે ફોર્ટી પ્લસની મારી ઉંમરે પણ હું કોઈ બાળકીને ટ્રાઈસીકલ ચલાવતી જોઉં તો એમાં બેસીને એક આંટો મારવાની ઈચ્છા તો થઈ જ આવે છે. બીજો અભાવ મને સાલતો રહ્યો છે મારા વતનનો ! વૅકેશનમાં જ્યારે જ્યારે મારા બાળમિત્રો એમના વતન જવાની હોંશે હોંશે તૈયારી કરતાં ત્યારે મારા દિલ પર રીતસર આરી ચાલતી. અને થતું કે કાશ ! મારે પણ એક એવું વતન હોત જ્યાં દાદા-દાદી, કાકા-ફોઈ અને એમનો પરિવાર વસતો હોય. એવું વતન કે જે ગામમાં કૂવો, તળાવ અને ખેતર હોય; મંદિર અને આંબલી-પીપળીનાં ઝાડ હોય; ઝાડની ડાળીએ હીંચકો બનાવી ઝૂલતાં હોઈએ; આંબલી-પીપળીની રમત રમીએ; વાડીની કેરીઓ ખાઈએ; આખું વૅકેશન વતનમાં વિતાવી વરસનો થાક ઉતારી તાજગી પહેરી પાછાં ફરીએ; પરંતુ મારી આ ઈચ્છા પણ અધૂરી રહી. હવે પછી હું ચાહે વિશ્વપ્રવાસ કરીશ તો પણ આ અભાવની પીડા મારાથી અળગી નહીં થાય. અલબત્ત આજ સુધીની મારી દરેક ઈચ્છા વહેલી-મોડી પૂરી થઈ જ છે. એટલે હું મજાકમાં કહેતી હોઉં છું કે ઈશ્વરની જરૂર કોઈ મજબૂરી હશે, નહીં તો એ આમ મારી બધી ઈચ્છા પૂર્ણ ન કરે ! એટલે મને વિશ્વાસ છે કે આવતા જન્મે હું ટ્રાઈસીકલમાં બેસીને જન્મ લઈશ અને એય મારી કલ્પના મુજબના કોઈ તંદુરસ્ત, રમણીય ગામડામાં. અને એ વતનને આજીવન વળગી રહીશ પછી !

હવે વતનની વાતના પાટા પર આવું. મૂળ વતનના કણ રક્તકણમાં આવે જ છે. એની સાબિતી આપું. મારો મુખ્ય શોખ છે અંચઈ કરવાનો ! આ ઉમદા શોખ જન્મજાત છે. ચિત્ર, સંગીત, નાટક કે અન્ય કલા કરતાં મને રમતગમતમાં વિશેષ રુચિ. એનું કારણ આ જ કે રમતમાં અંચઈનો અવકાશ વધુ રહે. ગિલ્લી-દંડા, લખોટી, ગંજીફા હોય કે પછી થપ્પો કે આંધળી ખિસકોલી; અંચઈ કરવામાં મારો જોટો ન જડે ! અંચઈ તો ઈન્ટેલીજન્ટ અને સ્માર્ટ આર્ટ કહેવાય અને તેથી મારા હરીફોએ દાઝમાં મારું હુલામણું નામ ‘સ્માર્ટી’ પાડેલું. જો કે મને પોતાને એ વાતનું આશ્ચર્ય થતું કે મેં ક્યારેય ક્યાંયે ‘આર્ટ ઑફ અંચઈ’નું કોચિંગ કે ટ્યૂશન નથી લીધું છતાં કેવી રીતે મને આ કલા આટલી હસ્તીમાત્રામાં હસ્તગત થઈ હશે ? પણ એનું પગેરું મને અમારા મૂળવતનમાંથી મળ્યું. અમારું મૂળવતન છે કરાંચી. જેના ‘ભાગલા’ પાડો તો અર્થ થાય ‘કર વત્તા અંચી’ (કર+અંચી) અને… વતનનો આદેશ તો સર આંખો પર જ હોય ને ! એટલે ‘કરિષ્યે વચનં તવ’ અનુસાર હું સદાય અંચી (અંચઈ) કરતી રહી છું. સાહિત્યમાં ‘હાસ્યલેખન’નો પ્રકાર પણ અંચઈને મળતો જ આવે છે ને ? હાસ્યલેખન એટલે અવળચંડાઈ જ !

મારાં દાદા-દાદી, નાના-નાની તથા બા-બાપુજી એ બધાં જ વર્ષો પહેલાં કરાંચીમાં જ રહેતાં હતાં. એટલે મારી બાને ગામમાં પિયર ને ગામમાં સાસરું રે ‘લોલ’ હતું. જોકે હું કરાંચીને રૂબરૂ નથી મળી શકી. કારણ કે મારા જન્મ પહેલાં જ ઈ.સ. 1947માં કરવામાં આવેલ ‘જગજાહેર અંચઈ’ને કારણે મારા બાપ-દાદા અને નાનાને અડધી રાત્રે કરાંચી છોડીને પહેરેલ કપડે અને વગર પૂંછડીએ ભાગી આવવું પડ્યું’તું. એ સમયનો ઈતિહાસ મારા સિવાય સહુ જાણો જ છો. એટલે ડુંગળીનાં પડ નથી ઉખેડતી. અમે લોહાણા મૂળ ડુંગળીના વેપારી ખરા, પણ ડુંગળી હંમેશ આખ્ખી જ વેચી છે ! એનાં પડ ઉખેડીને ‘પાંચ પૈસાનું એક પડ…. પાંચ પૈસાનું એક પડ…’ એમ બૂમો પાડીને વેચીને બધી આંખોને અમે ‘પાણી પાણી’ ન કરી દઈએ. એની વે, ‘સંધિ છૂટી પડતાં’ મારાં બા-બાપુજીના પરિવાર નોકરી-ધંધાર્થે ટીકર (હળવદ), મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ એમ સૌરાષ્ટ્ર ટૂરિઝમનો લાભ લેતાં રહ્યાં. અંતે મારા નાનાનો પરિવાર જૂનાગઢમાં સ્થાયી થઈ ‘મોટો’ થયો. ‘દાદા’ લોકોએ રાજકોટમાં અડ્ડો જમાવ્યો અને મારા બાપુજીએ ‘અહમ’ જેવા અહમદાબાદ (અમદાવાદ)માં અઠે વતન કર્યું !

વતન એટલે મૂળ ગામ. અને મૂળ ગામ એટલે આપણા જીવનનાં મૂળિયાં જ્યાં નંખાયાં હોય તે સ્થળ. વતન એટલે આપણા વર્તમાન રહેઠાણથી અલગ અને થોડુંકઘણું દૂર હોય એવું એક ખાસ આવાસ, આગવું આવાસ. જેણે આપણને જીવનનો એક અલગ સ્વાદ અને મીઠી યાદ આપી હોય તે વતન. મારું તો વતન અને વર્તમાન મુકામ એક જ છે અને એ છે આમચી અમદાવાદ. જો કે મારા જીવનનો પૂર્વાર્ધ અમદાવાદના એક છેડે અને ઉત્તરાર્ધ બીજા છેડે વીત્યો છે. જિંદગીની પ્રારંભિક અવસ્થામાં અમે જે વિસ્તારમાં રહેતાં હતાં એ ‘નરોડા’ અત્યારના અમારા રહેઠાણ ‘વસ્ત્રાપુર લેઈક’થી કોઈ નજીકના વતન (જેમ કે, સાણંદ કે ધોળકા) જેટલો દૂર જ ગણાય. અને 40 વર્ષ પહેલાનું અમદાવાદ પણ આજના અમદાવાદ કરતાં તો ઘણું દૂર…. સાવ અલગ જ હતું ને ? પ્રાચીન અમદાવાદ ખુદ એક પ્યારે વતનની ગરજ સારે એવું સાદું, સુંવાળું અને સુગંધીદાર જ હતું સ્તો ! મારી લાગણી તો કહે છે કે, બચપન એ જ શ્રેષ્ઠ વતન. એટલે આજે હું મારા મુ.પો. બચપનવાલા જૂના અમદાવાદને જ મારા વહાલા વતન તરીકે વટાવી એ જાહોજલાલીને જ વાગોળીશ.

અમે અમદાવાદમાં સ્થાયી થયાં ત્યારે મારી ઉંમર ફક્ત પાંચ વર્ષની હતી. (સ્ત્રીઓની ઉંમર કરન્સી જેવી છે. કરોડ રૂપિયાની પાછળ પણ ‘Only’ તો લાગે જ. એમ અમારી ઉંમર પાંચ વર્ષની હોય કે પાંચસો પંચાવન વર્ષની એની આગળ ‘ફક્ત’ તો લાગે જ !) અમદાવાદમાં અમે નરોડા રોડ અશોકમિલ સામે આવેલી ગવર્નમેન્ટ ‘C’ કોલોનીમાં રહેતાં’તાં. અરે બાબા She નહીં સી….સી….સી કોલોની ! એટલે એમાં હી-મેન પણ રહેતા. અમારી એ સી કોલોની વર્થ સીઈંગ (Worth Seeing) હતી. એના સ્મરણમાત્રથી કંઈ કેટલીયે ગળચટ્ટી યાદોનો ‘સુનામી’ ઊછળી આવે છે. આજે અત્યારે આ ઘડીએ મને એવું ફિલ થાય છે કે જાણે અમારી એ કોલોની પેલું ગીત ગાઈને મને કહેતી હોય કે….
‘જબ મૈં હૂઁગી સાઠ સાલ કી,
ઔર તુમ હોગી પચપન કી,
બોલો પ્રીત નિભાઓગી ના
તબ ભી અપને બચપન કી ?’
આ પંક્તિ સાથે જ હું જાણે સદેહે ત્યાં પહોંચી ગઈ છું.
‘પ્રીત આગળ હું પાંગળી, પકડો મારી આંગળી,
કરું-કરાવું તમને, મુજ વતન-વિહાર.’

અમારી કોલોનીમાં છ બ્લોક હતા. એક બ્લોકમાં 24 ઘર. એટલે 144 ઘર થયાં. 10×10 ફૂટનો એક રૂમ અને 5×5 ફૂટનું રસોડું. (આ મકાન લે-વેચની જાહેરાત નથી હોં !) ત્યારે ‘બે બસ’ની સ્કીમ નહોતી એટલે ‘ઝાઝાં બાળ રળિયામણાં’ના ધોરણે અમને અસંખ્ય બાળદોસ્તો કોલોનીમાં મળ્યાં હતાં. રમવા માટે અમારે ‘સ્પોર્ટસ કલબ’માં જવાની જરૂર ન પડતી. બે બ્લોક વચ્ચે લગભગ એક બ્લોક જેટલી લાંબી, પહોળી ખાલી જગ્યા હતી એ જ અમારું પ્લેગ્રાઉન્ડ ! અમે સાત ભાઈ-બહેન અને બા-બાપુજી એમ અમારું કુટુંબ ભંડોળ ‘નવ’નું હતું. ઓરડો એક અને સંખ્યા નવ. પીચ કરતાં ટીમ મોટી છતાં બધાં સમાઈ જતાં, ભીડ પડતી પણ એની બૂમ નહોતી પડતી. ભીડ અને બૂમ નહીં પડવામાં મહત્તમ ફાળો મારો હતો. ખાવું, પીવું, નહાવું, સૂવું જેવી દેહધાર્મિક ક્રિયા પૂરતી જ હું ઘરમાં આવતી. બાકી બહાર જ રમરમ કરતી. તેથી મારી પર્સનાલિટી પણ ‘સદાબહાર’ બની. મને રમવાનો ભારેથી અતિભારે શોખ. ગ્રીષ્મની ભરબપોરે જ્યારે ચકલુંય ન ફરકતું હોય એવા તાપમાં તો જેણે સવાશેર સુવર્ણભસ્મ ખાધી હોય એ જ ઘરની બહાર નીકળી શકે. એટલે મારા સિવાય કોઈ નીકળતું નહીં. હું કો’ક દીવાલના છાંયે છાંયે સાવ એકલી એકલી ગિલ્લી-દંડો ને લખોટી રમું. એમાં સામા પક્ષનો દાવ પણ હું જ ખેલું. અત્યારના ચેસના ખેલાડીઓ બેય પક્ષની ચાલ પોતે જ ચાલીને જે રીતે પ્રેક્ટિસ કરે છે એ આઈડિયા મેં જ લોન્ચ કરેલો, યુ નો ?

ધોમતડકામાં તો કોઈ પોતાની માલિકીના સંતાનને બહાર રમવા ન મોકલે. હુંય બાને ઊંઘતા મૂકીને છેતરીને જ નીકળી જતી. પણ પછી બપોર ઢળતી જાય અને છાંયો થતો જાય એમ એમ વારાફરતી એક એક પ્લેયર આવતું જાય. અને મારી સાથે રમતમાં જોડાતું જાય. ‘બપોર ઢળે, ગગન તલે, મૈં બન જાતી બેકાકી..’ રાત્રે બધાં ઘેર જતાં રહે પછી જમવા ટાણે જ હું ઘેર જાઉં અને જતાંવેંત પહેલાં તો બાના હાથનો માર ખાઉં – કીધા વગર નીકળી હોઉ એના ફળસ્વરૂપે ! આખો દિવસ ધૂળમાં રમી હોઉં એટલે બા મને મારે તો જેમ ધૂણતાં માતાજીના કપાળમાંથી કંકુ ખરે એમ મારાં કપડાંમાંથી ધૂળ ખરે. એટલે બાનો ગુસ્સો બેવડાય. એટલે વળી પાછી રૂઢિપ્રયોગમાં મારી ‘ધૂળ કાઢી નાંખે !’ ખબર નહીં કેમ પણ મને ધૂળ એટલી ગમતી કે એકલી રમીને થાકું તો લાંબા પગ કરીને ધૂળમાં બેસી જતી અને હાથે પગે અને ફ્રોક પર રીતસર ધૂળ ચોપડ્યા કરતી ! થોડી ખિસ્સામાંય ભરતી. પછી બા ધૂળ કાઢી નાંખે જ ને !! આજે પણ હું મારી બાને મજાકમાં કહું છું કે તમે મને મારીને જ મોટી કરી છે !

અત્યારે જેને કોમન પ્લોટ કહેવાય છે એવું અમારે ત્યાં છ બ્લોક પૂરા થતા ત્યાં મો…ટું મેદાન હતું. (મેદાનની સાઈઝ દર્શાવવા ‘મો…ટું’ લખ્યું છે.) આ મેદાનમાં માહિતી ખાતાવાળા અવારનવાર ડોક્યુમેન્ટરી અને ફીચર ફિલ્મો બતાવતા. ‘ભવાઈ’ અને ‘રામલીલા’ ભજવવા મંડળીઓ આ મેદાનમાં આવતી. છએ છ બ્લોકનાં બધાં માણસો બધા પ્રોગ્રામ જોવા અચૂક આવતાં. કારણ કે ત્યારે ટી.વી. હતાં નહીં. વળી થિયેટરો, હૉટલો અને પૈસા પણ ઓછા હતા. એટલે મફતમાં જે અને જેવા પ્રોગ્રામ મળે એ જલસેથી માણતા. ડોક્યુમેન્ટરી ફિલ્મ ગમતી નહીં અને સમજાતી પણ નહીં. છતાં જવાનું એટલે જવાનું ! સામાન્ય રીતે જે પ્રોગ્રામ થતા એ રાત્રે જ થતા પણ અમે બપોરથી એ મેદાનમાં અમારા ફેમિલી માટે જગ્યા રોકી લેતાં. જગ્યા રોકવા માટેની અમારી એક વિશેષ પાટા-પદ્ધતિ હતી. એ ધૂળિયા મેદાનમાં અમે પગથી (પગ ઘસડીને) પાટો દોરીને ચોરસ કે લંબચોરસ બનાવી નાખીએ. એ ચોરસમાં ‘એન’ કે ‘પી’ એવું આંગળી વડે લખી દઈએ. એટલે એ જગ્યા અમારી માલિકીની થઈ જાય. એ જગ્યા જો કોઈ બીજો પચાવી પાડવા પ્રયત્ન પણ કરે તો સંસદ જેવી ધમાલ મચી જાય ! આવી બાદશાહી ભોગવી હોય પછી સિત્તેર રૂપિયા ખર્ચીને સિટી પલ્સ કે સિટી ગોલ્ડમાં પિકચર જોવાનો શું ‘સવાદ’ આવે ? રિઝર્વેશનની હાલથી પ્રથા એ અમારી પાટા પદ્ધતિની ઉઠાંતરી જ છે !

અમારી કોલોનીમાં થતા ઝઘડા પણ જોવાલાયક હતા. અમારે ત્યાં જાતજાતના પ્રોગ્રામ થતા પણ જેને નાટક કહી શકાય એવા નાટકનો શો ક્યારેય નહીં થયેલો. પણ અમારા ‘ત્રિઅંકી ઝઘડા’ નાટકની ખોટ પૂરી કરી દેતા. ઝઘડાની સ્ટાઈલ એવી હતી કે રમતાં રમતાં કોઈ બે બાળકો ઝઘડી પડે એ પહેલો અંક ! એ બંને બાળકો એકબીજાનો માર ખાઈને નબળાં પડે એટલે રડતાં રડતાં પોતપોતાની મમ્મીને ફરિયાદ કરવા જાય એટલે રિવાજ મુજબ બંનેની મમ્મી સામસામી આવી જાય. અલબત્ત શાબ્દિક યુદ્ધ જ ચાલે. બોલવામાં તો બહેનો કોઈ કાળેય ક્યાં પાછી પડી છે ?! પણ ‘આરંભ એનો અંત હોય જ’ એવો સનાતન નિયમ છે એટલે વળી એ બહેનોના ઝઘડાનો અંત આવે. અને આમ બીજો અંક પૂરો થાય ! પણ એ બંને ત્રીજા અંકનું બુકિંગ કરાવતી જાય. એક કહે, ‘મારા એ ને આવવા દે.’ એટલે બીજી પણ ‘Same to you’ વાળી કરે. મતલબ મારો વર આવશે એટલે તમને ખબર પાડી દેશે અને આ સ્ત્રી-ધમકી ક્યારેય લુખ્ખી સાબિત ન થતી ! સાંજે બંનેના ‘એ’ ઘરે આવે એટલે ત્રીજો અંક અવશ્ય ભજવાતો. આ પરંપરા નિયમિત અને અવશ્યમેવ હતી. એટલે ત્રીજો અંક જોવા સંભવિત ઘટનાસ્થળે હું બીફોર ટાઈમ પહોંચી જતી. મને ઝઘડો જોવામાં જબરો રસ. જોવા કરતાંય સાંભળવો વધુ ગમે. કારણ કે મને બોલીને ઝઘડતાં નથી આવડતું અને આપણને જે ન આવડતું હોય એ કોઈક કરી બતાવે તો એ એની આવડત લાગે. ઝઘડતી વખતે કેવાં કેવાં વાક્યો અને કેવા કેવા શબ્દો ક્યાં ક્યાંથી એ લોકો કાઢતાં હોય છે. એનાં કોઈ શાસ્ત્ર કે અપેક્ષિતો પણ ઉપલબ્ધ નથી. બધું સ્વયંસ્ફુરિત અને તદ્દન મૌલિક. મને તો માન થઈ આવે, યાર ! હું તો કોઈની સાથે ઝઘડું તો એના વાળ ખેંચી નાખું, બટકાં ભરી લઉં, નખોરિયા ભરું, કપડાં ફાડી નાંખું (એનાં) કે ધૂંબેધૂંબા મારું પણ મારા મોંએથી કોઈ અપશબ્દ ક્યારેય ન નીકળે. ટૂંકમાં મારા વતનના ‘ત્રિઅંકી ઝઘડા’ એ અમારું અણમોલ નજરાણું હતું.

તહેવારોમાં હોળી-દિવાળીની ઉજવણી પણ અમારી આગવી રહેતી. હોળીને દિવસે કોલોનીના અવરજવરના મુખ્ય રસ્તે અમે ભૂલકાં ઊભાં રહી જઈએ. ત્યાંથી જેટલા પસાર થાય એ બધા પાસે ‘કાકા-હોળીનો પૈસો’ એમ રાગમાં ગાઈને પૈસા શરમ વગર હાથ ફેલાવીને માંગીએ. જે પૈસા આપે એને જવા દઈએ અને ન આપે એના પર હલ્લો કરીને રંગી નાંખીએ. હું તો જે પૈસા આપે એનેય થોડા દૂર જાય એટલે પિચકારીથી રંગી જ નાંખું. મારો માંહ્યલો કહે ‘રંગ દે બસંતી….’ પછી હું શું કરું ? આમ માંગી માંગીને ખાસ્સા પૈસા જમા કરતાં. એમાંથી અડધા પૈસાના ધાણી-ચણા અને ખજૂર લાવીને ટોળે વળીને ખાઈએ અને અડધા પૈસા ભાગે પડતા વહેંચી લઈએ. અત્યારે તો આવો કન્સેપ્ટ શોધવા જવો પડે એમ છે. અમે વિવેક જેવી અંધશ્રદ્ધામાં તો માનતાં જ નહીં એટલે દિવાળીમાં ઓળખતા ન ઓળખતાં બધાના ઘરમાં ઘૂસી જઈને સાલમુબારક કહીને મૂક્યો હોય એટલો બધો નાસ્તો ઝાપટી જઈએ. સારી આઈટમ હોય તો ખબર ન પડે એમ ખિસ્સામાંય મૂકી દઈએ ! બધા બાળદોસ્તો ભેગા મળીને ટોળામાં જ નીકળતાં અને ટોળાંને કોઈ ડોળાની બીક કે શરમ ન હોય. દિવાળીમાં કપડાં સીવવા માટે બધા લોકો દરજી ઘરે બેસાડતા. તાકામાંથી બધા માટે દિવાળીના ‘યુનિફોર્મ’ તૈયાર થાય ! વરસમાં એક વાર નવાં કપડાં અપાવતાં હોય એટલે જીદ કરીને જરીનાયલોનનું ફ્રોક લઈએ. એ પહેરીને નીકળીએ એટલે એટીટ્યૂડ અને મિજાજ મિસવર્લ્ડ જેવો બની રહેતો. મારી એક ‘ફ્રોકફ્રેન્ડ’ અત્યારે પણ મારા સંપર્કમાં રહી છે. (જેમ લંગોટિયા દોસ્તાર કહેવાય એમ નાનપણની સખીને હું ફ્રોકફ્રેન્ડ કહું છું !) અમે બે-ત્રણ વરસે મળીએ. પણ જ્યારે મળીએ ત્યારે અમારી ગાંડીઘેલી ગાથા વાગોળીએ અને રોમાંચિત થઈએ. અત્યારે રોજ નવી સાડી પહેરીએ તોય એ થ્રીલ ફીલ નથી થતું. કવચિત મળતાં સુખો જ દાઢમાં રહી જાય !

બેસતા વર્ષના દિવસની અમે આતુરતાપૂર્વક રાહ જોતાં. એની પાછળ એક ખાસ કારણનો ઈતિહાસ છે. બનતું એવું કે કોઈને કોઈ કારણસર કોઈની સાથે અબોલા થઈ ગયા હોય તો બેસતા વર્ષે સહેલાઈથી બુચ્ચા થઈ જાય. એક વાર કિટ્ટા કરી હોય પછી એના વગર ગમતું ન હોય, પણ બોલવાની પહેલ કરતાં ખચકાઈએ. કારણ કે જે સામેથી બોલવા જાય એ ગરજુડું ગણાય. અને બધા એને લાંબા સમય સુધી ગરજુડો કે ગરજુડી કહીને ચીડવ ચીડવ કરે. પણ બેસતા વરસે સાલમુબારક કહીને અબોલા તોડે તો ગરજુડું ન ગણાતું ! એટલે અમે બહેનપણી સાથે બુચ્ચા કરવા બેસતા વર્ષની આતુરતાથી રાહ જોતાં. બેસતા વર્ષનો દિવસ અમારા માટે ‘બક્ષ-ડે’ (બક્ષ દે) હતો. ખરેખર એ રીતે ત્યારે સાચા અર્થમાં ‘નવું વર્ષ’ લાગતું. જે જૂના દોષ કે ભૂલોને ભૂંસીને સંબંધ અને જીવન નવેસરથી સજાવતું. અત્યારે તો જેની સાથે ન બગડ્યું હોય એય નવા વર્ષે નથી ડોકાતાં !

એકમેક પ્રત્યેના લગાવની વાત જવા દો. અત્યારે તો લોકો આનંદ માટે પણ પરાધીન થઈ ગયા છે. આનંદ મેળવવા અઢળક પૈસા ખર્ચે છે માણસ ! સાઉથ ટૂર, નોર્થ ટૂર કે વર્લ્ડટૂર કરે છે. અમારી પાસે પૈસા નહોતા એટલે અમે આનંદ મેળવવા પૈસાને બદલે બુદ્ધિ વાપરતાં. બુદ્ધિના બળે અમે મફત રિક્ષા ટૂરનો લાભ લેતાં. કઈ રીતે તે કહું. અમને રિક્ષામાં બેસવાના ધખારા બહુ. પણ બેસવા મળે નહીં. અમારી કૉલોનીનો મેઈન ગેટ 150-200 ફીટ દૂર હતો. કોઈ રિક્ષાવાળો પેસેન્જરને ઉતારવા કોલોનીની છેક અંદર આવે. રિક્ષા ખાલી થાય એટલે અમે આઠ-દસ ટાબરિયાં એમાં ચડી બેસીએ અને કહીએ, ‘કાકા ઝાંપા સુધી લઈ જાવ ને !’ અને ડ્રાઈવર લઈ પણ જાય. ઝાંપે ઉતારી દે. એટલે થનગનતાં થનગનતાં પાછાં આવી જઈએ. બોલો બુદ્ધિધન શ્રેષ્ઠધન ખરું કે નહીં ! આજે તો બાળકો રોજ સ્કૂલે રિક્ષામાં જતાં હોય છે પણ કોઈના ચહેરા પર અમારા જેવો એ ‘ઝાંપાના આંટાવાળો’ આનંદ નથી હોતો. અમે જેટલી રમતો રમતાં એનું ખાલી લિસ્ટ વાંચે તોય આજનો વીડિયો (ગેમ) ચાઈલ્ડ હાંફી જાય !! આ રમતોમાં સાતતાળી, સાંકળ સાતતાળી, લંગડી, સંતાકૂકડી, ચોર-પોલીસ, ગિલ્લી-દંડા, લખોટી, બેટ-બોલ (અત્યારે એને ક્રિકેટ કહેવાય છે.), આંધળી ખિસકોલી, બે કૂતરાં વચ્ચે હાડકું, આઈસપાઈસ, ઈંડું, સતોલિયું, માલદડી, ખુચામણી, ઊભી ખો, બેઠી ખો, નદીકિનારે ટામેટું, દોરડાં કૂદવાં, ફેરફુદરડી, પત્તાં (ગંજીપા), કેરમ, કૂકા, ડૉક્ટર-ડૉક્ટર, ટીચર-ટીચર, આવી અનેક રમતો ઉપરાંત વગેરેમાં ગલૂડિયાં રમાડવાં એ જુદું ! ઉપર્યુક્ત સઘળી રમતોમાં હું અંચઈ કરી જાણતી. એક વાર તો એક છોકરી મને કહે, ‘નલિની, ચલને અંચઈ અંચઈ જ રમવું છે ?!’ તો બીજી છોકરી તરત જ બોલી, ‘રહેવા દે, એ તો એમાંય અંચઈ કરશે.’ ખરેખર આ ઉંમરે અડીખમ છીએ એમાં શારીરિક માનસિક કસરત આપતી રમતોનો જ વિશેષ ફાળો છે.

રમવામાંથી સમય બચે તો અમે ભણતાં પણ ખરાં. સાત ધોરણ સુધી મ્યુનિસિપલ સ્કૂલમાં જ ભણેલાં એટલે એટીકેટનો કોઈ ભાર નહોતો. કો’ક દિ’ દાતણ કરવામાં ગાપચી મારીએ તો કોઈ વાર ચપ્પલ, સોરી.. સ્લીપર પહેર્યા વગર સ્કૂલે જતાં રહીએ. મોડા ઊઠીએ તો ચોટલા છોડ્યા વગર ઉપર ઉપરથી માથું ઓળીને (વાળ ઓળીને) થેલી (સ્કૂલબેગ) લઈને ભાગીએ. અમને સ્કૂલમાં પ્યોર પિત્તળના ચકચકિત પ્યાલામાં રોજ દૂધ પીવા આપતા. એ મીઠા દૂધનો સ્વાદ એ પછી માણવા નથી મળ્યો. અત્યારે તો સ્કૂલમાં બધું આપણે આપવાનું. એ લોકો ફકત રસીદ આપે, એય ફાડીને !

વતનમાં જ્યારે વસતાં હોઈએ ત્યારે ઘણી આબદા, અભાવો, પીડાઓથી પિડાયાં હોઈએ. પણ એ સમસ્યાઓની સ્મૃતિ પીડા નથી આપતી. બલ્કિ એક ચુસ્ત આનંદ આપે છે. કારણ કે અત્યારે એ પરિસ્થિતિ ભૂતકાળ બની ગઈ છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ હંમેશાં ભવ્ય જ લાગે છે. વસમો હોય છે તો વર્તમાન !! ભૂત અને ભવિષ્ય એટલે જસ્ટ લાઈક પારકા ભાણાનો લાડુ ! વિદેશમાં રઝળીને આવે એ જ સાચા દિલથી બોલે ‘મેરા ભારત મહાન’. વતન સાથે છેટું થયા પછી જ દિલમાંથી શબ્દોની સુવાવડ થાય છે… બુદ્ધિનું અલ્પ પણ અવલંબન લીધા વગર બચપનનું જ્યાં વર્તન અને નર્તન કર્યું છે તે છે મારું વતન અમદાવાદ ! વતનને હું આંખનું રતન કહીશ. બુઢાપો આવે ત્યારે ‘ઝાંખા રતન’ એટલે કે ‘મોતિયા’ સમક્ષ વતન આગિયાની જેમ ચમકે છે. મોતિયો એટલે અંધ આંખ – બંધ આંખ અને ‘…બંદ કરકે ઝરોખોં કો મૌંને દેખા જો અય વતન, મનમેં તૂ હી તૂ મુસકાયે…(2)..’

મારી અંતિમ લાગણી-
વિશ્વમાં શ્રેષ્ઠ એશિયા
એશિયામાં શ્રેષ્ઠ ભારત
ભારતમાં શ્રેષ્ઠ ગુજરાત
ગુજરાતમાં શ્રેષ્ઠ
મારું અમદાવાદ !

છમ્મવડું :
હું મૂળ વિદેશી (કરાંચી) મહિલા હોવાથી ભવિષ્યમાં મારી વડાપ્રધાન થવાની શક્યતાને નકારી શકાય નહીં.

[કુલ પાન : 446. (આડી સાઈઝ) કિંમત રૂ. 350. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001. ફોન : 91-79-26564279. ]