આશ્ચર્ય ! – પ્રવીણ પટેલ ‘શશી’

[ અમેરિકામાં ન્યૂજર્સી સ્થિત શ્રી પ્રવીણભાઈ પટેલ ખૂબ જાણીતા વાર્તાકાર છે. તેમની અનેક વાર્તાઓ અને લેખો અવારનવાર ગુજરાતી સામાયિકો અને દૈનિકોમાં પ્રકાશિત થતા રહે છે. ‘ગમતાનો ગુલાલ’, ‘વિન્ટેજ વેલેન્ટાઈન’, ‘કાવ્ય સૌરભ’, ‘અમાસનો ચંદ્ર’ વગેરે જેવા અનેક પુસ્તકો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યાં છે. આજે માણીએ તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘આંખ આડે પાંપણ’ માંથી એક કૃતિ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો તેમજ શ્રી રજનીકુમારભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી પ્રવીણભાઈનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pcpatelxshashi@aol.com પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

aankhફોનની ઘંટડી વાગતી હતી.
મેં એના ઉપર ધ્યાન ન આપ્યું. મારી ઊંઘમાં ખલેલ પડતી હતી. જેમ એની અવગણના કરવા માંડી, એમ એનો અવાજ ઘંટનાદ જેવો વર્તાવા માંડ્યો. ડિજિટલ કલોકમાં બાર વાગ્યા હતા. મારા બાર બજે તે પહેલાં મેં રિસિવર ઊંચકી પુન: ક્રેડલ ઉપર મૂકી દીધું. ફરી પાછી ઘંટડી વાગવા માંડી. પડખે સૂતેલી સુરભિ ફોન લઈ લે તો કેવું સારું ! એ ભર નિદ્રામાં લાગી. પણ, કોણ જાણે કેમ એનાં મુખ ઉપર મને હાસ્ય ફરકતું લાગ્યું. ઊંઘમાં માણસ કુદરતના ખોળે પોઢ્યો હોય ત્યારે જો હસે તો નિર્દોષ લાગે; સુરભિનું હાસ્ય નિર્દોષ કહેવાય ?

‘તમારો ફોન છે, લઈ લો એટલે જાન છૂટે.’ બીજી તરફ પડખું ફેરવતાં સુરભિ ઊંઘમાં બોલી.
‘એય સુરભિ, તું એ પતાવી દે ને, મારે કાલે પાછું વહેલું ઉઠવાનું છે અને મારી ઊંઘ પૂરી થઈ નથી.’
‘મારા ફોન રાત્રે આવતા નથી. એ તમારો જ ફોન છે. ટૂંકમાં વાત પતાવી પાછા સૂઈ જાઓ.’
‘હેલો, કાલે ફોન કરજો અત્યારે હું વ્યસ્ત છું.’ મેં લગભગ બૂમ જ પાડી.
‘મને ખબર છે, તમે કેવા વ્યસ્ત છો ! ભાભીને પજવતા તો નથી ને !’ એ અવાજ મારા મિત્રની પત્ની વિશાખાનો હતો. સ્ત્રીના અવાજથી હું સહેજ નરમ પડ્યો.
‘આટલી મોડી રાત્રે કેમ ફોન કર્યો ? કોઈ ઈમર્જન્સી તો નથી ને ? વિનોદ ઑલરાઈટ છે ને ?’
‘બધું નોર્મલ છે. વિનોદ ઑફિસના કામે બહાર ગયો છે. મારે એની ગેરહાજરીમાં તમારી સાથે વાત કરવી હતી.’
‘તારે મારી સાથે કેમ વાત કરવી છે ? તું સુરભિ સાથે વાત કરે તો ન ચાલે ?’
‘તો મજા મારી જાય. હું તમને જે કહું છું, તે તમે એને પછી સમજાવી દેજો.’

વિશાખાએ જે મને કહ્યું તે મેં સુરભિને સવારે જણાવ્યું.
‘તો વાત એમ છે કે વિશાખાને એની 25મી મૅરેજ ઍનિવર્સરી ઊજવવી છે અને વિનોદને જાણ કરવી નથી.’
‘રાઈટ, તું બરાબર સમજી છે.’
‘પણ મને એક વાત સમજાતી નથી કે વિશાખાએ તમને એ કેમ કહ્યું ? એ મારી સહિયર છે, ખરી રીતે તો આ બધું એણે મને જણાવવું જોઈતું હતું. મને લાગે છે કે એ તમારા ઉપર ડોળા નાખી રહી છે.’
‘સુરભિ, તું ખોટો કાગનો વાઘ બનાવી રહી છે. તને જો આ અયોગ્ય લાગતું હોય તો આપણે એને ના પાડી દઈશું. એમ કરજે કે તું જ એને નન્નો ભણી દેજે.’
‘કેવા બનાવ્યા મેં તમને ? હું મારી સખી વિશાખાને ક્યાં નથી જાણતી ? જે એ મને કહી શકે તે તમને કેમ ન કહી શકે ? મને કહ્યું કે તમને કહ્યું, શો ફેર પડે છે ? સો વાતની એક વાત કે એ લોકોને મૅરેજ ઍનિવર્સરી દબદબાપૂર્વક ઊજવવી છે અને આપણે એ વ્યવસ્થા કરવાની છે.’
‘સુરભિ, ખરું કહું તો આટલાં બધાં વર્ષોના સહવાસ પછી પણ હું તને બરાબર ઓળખી શક્યો નથી.’
‘આટલાં બધાં વર્ષો એટલે પચીસ જ ને ? આપણાં લગ્ન પણ વિનોદ-વિશાખાના લગ્નના દિવસે જ થયેલાં, બપોરે એમનાં અને રાત્રે આપણાં. એકબીજાનાં લગ્નનો આનંદ આપણે માણેલો અને હનીમૂન માટે ઊટી પણ સાથે જ ગયેલાં, એ બધું યાદ છે ને ?’
‘બધું જ એમનું એમ અકબંધ છે. કોઈ પૂછે તો તે બધી ક્ષણોનો હિસાબ આપી દઉં. આ પણ જીવનની એક મધુરપ છે. દિલમાં જે વસે તે ક્યારેય પણ ના ભુલાય. વિનોદ-વિશાખા મને પોતાનાં જ લાગ્યાં છે.’
‘એ ત્યાં અને છતાં નિજી; હું ઢૂંકડી પરંતુ મને પચ્ચીસ વર્ષ પછી પણ ના ઓળખી ! પણ મેં અગ્નિસાક્ષીએ હાથ પકડ્યો છે માટે સાત જન્મનો તમારો સાથ રહેવાનો છે; આજે નહિ તો કાલે હજી મને જાણવાની તમને તક છે.’ સુરભિ મીઠું હસી.

‘પચ્ચીસ વર્ષ ? સમય ક્યાં જતો રહ્યો તે જ ખબર ન પડી !’ મને સાચે જ અચંબો થયો.
‘પ્રિય, આ તો લગ્નનું રહસ્ય છે. ખબર ના પડે તો માનો કે સંસાર સુભગ રહ્યો. બાકી પળે પળે જો મેળ તૂટતો રહે તો પછી એ બંધનનો કોઈ અર્થ પણ નહીં. પતિ અને પત્નીએ એકબીજાની ખબર લઈ નાંખવાની નથી, પણ એકબીજાની ખબર રાખવાની છે.’
‘આપણે આપણામાં પડી ગયાં ! એમની લગ્નજયંતિની ઊજવણીની જવાબદારી આપણી છે. વિશાખાને બોલાવજે. આપણે ભેગા થઈ બધી ગોઠવણી કરી લઈશું અને વિનોદને ખબર પણ નહિ પડે.’
‘જે કરવાનું છે તે તો બધું થઈ રહેશે. પણ, મારા મનમાં એક સવાલ ઊભો થઈ રહ્યો છે જેનો જવાબ તમારે આપવાનો છે.’ સુરભિના હોઠ અને નેણમાં સવાલ આવી બેઠો.
‘હર સવાલનો જવાબ હોતો નથી, છતાં તારા સવાલનો જવાબ આપવાની હું જરૂર કોશિશ કરીશ.’
‘તમને આપણી ઊજવણી માટેનો અભરખો થતો નથી ?’
‘અંગતતાનું જાહેર પ્રદર્શન મને ગમતું નથી પણ બીજાને એવું કરવું હોય તો મારો સામે વિરોધ નથી. આ તો પસંદ અપની અપની ખ્યાલ અપના અપના જેવું છે.’

આ પછી અમે ઊજવણીના આયોજનમાં પડી ગયાં. આલબર્ટ પૅલેસ નક્કી કર્યો. ખાણી-પીણીની સરસ વ્યવસ્થા કરી. ડેકોરેશન માટે સ્પેશિયલ ઓર્ડર આપ્યો. ગાન-સંગીત માટે ‘લાડલા’ ગ્રુપ પસંદ કર્યું. સુરભિ અને વિશાખાએ એનિવર્સરી કેક માટેની તજવીજ કરી. સઘળી તૈયારી થઈ ગઈ. મહેમાનોને નિમંત્રણો અપાયાં. આવવાનું ખરું પણ શા માટે તે ગોપનીય રખાયું હતું. કેટલાક ફોન મેં અને સુરભિએ તો કેટલાક વિશાખાએ કર્યા. ઉત્સાહથી બધું સાંગોપાંગ ઊતરે એની ખાસ કાળજી મેં લીધી. અને એ તિથિ અને સમય આવી પહોંચ્યા. સુરભિએ બરાબર સજાવટ કરી. જાણે, બીજી દુલ્હન ! હું પણ કેમ બાકાત રહું ? નવા સૂટ-બૂટમાં હું છબીલો બની ગયો. ‘પોલો સ્પોર્ટ’ પરફ્યૂમ છંટાઈ ગયું. સુરભિએ ઈટર્નિટીનો મઘમઘાટ કર્યો. ઘરમાં સુગંધી પ્રસરી ગઈ. મહેકે તે ઘર બાકી તો એ લાકડાનું કેવળ ખોખું !

ગાડીમાં સવાર થઈ અમે પ્રસ્થાન કર્યું. એરકન્ડિશન વગર ના ચાલે, રેડિયો પણ વાગવો જોઈએ. ઠંડી હોવાથી તનને સુવાણ થઈ. મીઠાં ગીતોની રસ લહાણથી મન તૃપ્ત થવા માંડ્યું. ગીતો સાથે સુરભિ ગુનગુનાતી હતી. મંઝિલ તરફ ગતિ હતી અને સાથે મતિમાં કંઈક મૂંઝારો હતો. ઠીક એ જ વખતે રેડિયાએ મને મારું મનગમતું ગીત આપ્યું…

મુક્ત હું મારી જ મુક્તિમાં બંધાઈ જાઉં છું,
સવાર હું મારી જ સવારીમાં આગળ જાઉં છું.
ધપે રફતાર જીવનની, સવાર સાથે જ સાંજ,
ડૂબેલો હું ચાહતમાં, ફફડતો આકાશે ઊડી જાઉં છું.

ગાડીમાં ઊડતાં અમે પૅલેસે પહોંચ્યા. સામે મોટો સમુદાય ખડો હતો. આગળ વિનોદ-વિશાખા હતાં. આ બે તો અંદર હોવાં જોઈએ, અહીં કેમ છે ? એમણે તો પાછા અમારા ગળામાં હાર પહેરાવ્યા.
‘વેલકમ, સુસ્વાગતમ્ , બંને હવે અંદર પધારો.’
‘એય વિનોદના બચ્ચા, આ તેં શું માંડ્યું છે ? સુરભિ, તું વિશાખાને કેમ કશું કહેતી નથી ?’
‘કોઈ અહીં બચ્ચા નથી. ઉપસ્થિત બધાં જ સમજણાં છે. કોઈએ કોઈને કશું કહેવાનું નથી. મજા કરવા બધાં ભેગાં થયાં છે, માટે આજે આનંદ જ કરવાનો છે.’ વિનોદે વિનોદ કર્યો કે કટાક્ષ, એ મને ખબર ના પડી ! બધાએ પૅલેસ તરફ પ્રસ્થાન કર્યું. અંદર દરવાજામાં પ્રવેશતાં ક્યાંક ઉપરથી માથે પુષ્પવર્ષા થઈ. ત્યાં બંને તરફ ઊભેલાં મોટા ભાગનાં મારી જાણ-પહેચાણનાં દેખાણાં. અરે, મારી અને સુરભિની ઑફિસનાં માણસો પણ હતાં. મારું માથું ચકરાવામાં ફરવા લાગ્યું.

હૉલમાં સામે મોટું બેનર હતું જેના ઉપર ‘હેપી ઍનિવર્સરી’ લખેલું હતું. બધાં આવીને અમને અભિનંદન આપવા માંડ્યા. વિશાખાએ અમને ગુલદસ્તો આપ્યો. એના ઉપર અમારી મૅરેજ ઍનિવર્સરીની શુભેચ્છાઓ હતી ! વિનોદે માઈકનો હવાલો લીધો –
‘ગયેલો સમય પાછો આવતો નથી. પણ, સમયનાં સંભારણાંની છાપ ફરીને ફરી જોવા જેવી છે. આજની સાંજ સુકેતુ અને સુરભિ માટે છે. એમની ખુશીમાં અમારી ખુશી છે. એમને સર્વની વધામણી છે. આ વધામણીને અમે અમારી વધામણી માની છે.’

એક પંથ બે કાજ એવી કહેવત છે ખરી. પણ, અહીં બે માટેની એક ઊજવણી હતી. મને આજે ખબર પડી કે મારા કેટલા બધા મિત્રો, ચાહકો, શુભેચ્છકો અને સગાંસંબંધીઓ છે. અમે પણ વિનોદ અને વિશાખાને દિલથી અભિનંદન આપ્યાં. તાજુબ્બી તો એ કે મને અંધારામાં રાખી પેલાં ત્રણ જણે મારા હાથમાં ચિરાગ પકડાવ્યો હતો. મારી પાર્ટીની હું જ તૈયારી કરતો હતો અને મને એની ખબર ન હતી. ખબર છતાં બેખબર ! અજાણ્યું અચાનક છતું થાય તે જ તો હેરત, અચંબો ને આશ્ચર્ય !

[કુલ પાન : 104. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : 80 Corona Court, Old Bridge, NJ 08857, USA. Phone +1 732 727 6833. Email : pcpatelxshashi@aol.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વહાલું વતન – ડૉ. નલિની ગણાત્રા
મેના-પોપટની વાર્તા – ઈંતિઝાર હુસૈન Next »   

15 પ્રતિભાવો : આશ્ચર્ય ! – પ્રવીણ પટેલ ‘શશી’

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખરેખર સરપ્રાઇસ જેવો વારતાનો અંત.

 2. Balkrishna Shah,Vile Parle says:

  અત જ વાર્તાનો પ્રાણ છે. બહુ સરસ

 3. સરપ્રાઈઝ મેળવવાનો આનંદ જ અલગ હોય છે.. !!

 4. Rajni Gohil says:

  મહેકે તે ઘર બાકી તો એ લાકડાનું કેવળ ખોખું. ખૂબ સુંદર.
  I am fortunate enough to attend family and friends’s five surprise parties. Words cannot describe the feeling, what the hearts has enjoyed. Nice story.

  વાર્તા પણ સસ્પેન્સ જાળવવામાં સફળ રહી છે. છેલ્લે વાંચ્યું ત્યારે ખબર પડી કે સુકેતુ-સુરભીની એન્નીવર્સરી ઉજવાય છે. સુકેતુને …જાણ્યું છતાં અજાણ્યું.

 5. Chetan says:

  Good story

 6. Amit Patel says:

  wow amazing surprise 🙂

  મેં પણ આવતા વર્ષ માટે વિચારી લીધુ.
  મારી અને મારી cousine ની anniversary એક જ છે.

 7. Veena Dave,USA. says:

  સ ર સ

 8. Ravi Ponda says:

  Really nice story !!
  patel sir , put more stories please

 9. Dhaval B. Shah says:

  ખૂબ સુન્દર. બહુ મજા આવી.

 10. Dhaval B. Shah says:

  surprise આપવાનો આનન્દ અનેરો હોય છે!!!

 11. sunil says:

  It is very nice and i really like the story how the author has described it.

  salute 2 u.

 12. shruti maru says:

  લેખકજી આપે ખુબ સુન્દર વાર્તા દર્શાવી છે. ખુબ ખુબ આભાર.
  વાર્તા નો અન્ત ખુબ સુન્દર છે.

 13. nayan panchal says:

  એકદમ સરપ્રાઈઝિંગ વાર્તા.

  મજા આવી ગઈ, અભિનંદન.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.