અવસર ચૂક્યા મેહુલા – જયવતી કાજી

મારે મળવું જોઈતું હતું, મારે કહેવું જોઈતું હતું, મારે આપવું જોઈતું હતું. પણ….પણ….
મહાભારતકાર મહર્ષિ વેદવ્યાસે દુર્યોધનના મુખમાં શબ્દો મૂક્યા છે :
जानामि धर्मम् न च मे प्रवृत्ति: ।
जानामि अधर्मम् न च मे निवृत्ति: ।।
આવી જ મનોદશા મોટે ભાગે આપણી હોય છે. આપણે જે કરવું જોઈએ, આપણું મનુષ્ય તરીકેનું જે કર્તવ્ય હોય છે તે નથી કરતાં, પણ જે સ્થૂળ છે, જે નકામું છે તે કરતાં હોઈએ છીએ ! માનવચિત્તની આ નિર્બળતા હશે, પરંતુ ઘણી વખત આપણે સમજતાં હોઈએ, એ કરવાની આપણી ઈચ્છા પણ હોય છે, છતાં આજે નહિ કાલે કરીશું. હમણાં સમય જ ક્યાં છે, બીજા ઘણાં મહત્વનાં કામ કરવાનાં છે એટલે સમય મળે કે તરત એ કરીશું એમ વિચારી એને ઠેલતા જઈએ છીએ.

આજે હું લગ્નવિવાહ, નોકરીધંધો કે દુનિયાદારીનાં કામકાજની વાત નથી કરતી. વાત કરવા માગું છું લાગણીના સંબંધોની-સુક્ષ્મ, કોમળ, ઋજુ લાગણીઓની અને એના પ્રતિસાદની… આપણાં હૃદયના સાદને આપણે ઘણીયે વખત નજીવા રોજિંદા કામકાજમાં કચડી નાખીએ છીએ. કરવાનું અને કહેવાનું યથાસમયે રહી જાય છે અને બાકી રહે છે અફસોસ….

મારાં ફોઈ વૃદ્ધ છે. માંદા રહે છે. એમને મળવા જવું જોઈએ. એમની સાથે નિરાંતે બેસી વર્ષો પહેલાં વીતી ગયેલા દિવસોની મધુર સ્મૃતિ તાજી કરવી છે. એમણે મને કેટલું વહાલ કર્યું હતું, પણ એ બહારગામ રહે છે. મનમાં થાય છે, ક્યારેક ચાર-પાંચ દિવસનો સમય કાઢી હું એમની પાસે જઈ નિરાંતે રહીશ પણ હું તો કંઈ ને કંઈ કારણસર જવાનું ઠેલતી રહું છું અને જીવતાં ફોઈને મળવા જવાને બદલે હું એમનાં અવસાન પછી એમના પરિવારને દિલાસો આપવા જાઉં છું ! સ્વજન, મિત્ર કે પરિચિત વ્યક્તિ બીમાર હોય ત્યારે એમને મળવા જવાનો વિચાર કરીએ છીએ પણ રોજના જીવનમાંથી અને એનાં નાનાં-મોટાં કામકાજમાંથી આપણે આજે નહિ પણ કાલે એમ વિચાર કરી ઠેલતાં જઈએ છીએ. સંબંધોની માવજત માટે આપણી પાસે નિરાંત અને સમય જ નથી હોતાં. કોઈક મિત્ર કે સ્વજનને પત્ર લખવા માગતા હોઈએ કે પછી ફોન કરવાનો વિચાર કરતાં હોઈએ, પણ એ બધું અત્યારે નહિ. પછી નિરાંતે ફોન કરીશ એમ વિચારી મુલતવી રાખીએ છીએ. આવી જ રીતે મારે જેને મળવું જ જોઈતું હતું, તેને મળવાનું મેં મુલતવી રાખ્યું. એ માટે મને પારવાર પસ્તાવો થયો છે. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બને છે જે માટે આપણે આપણી જાતને ક્યારેય માફ ન કરી શકીએ.

એ દિવસનું મને બરાબર સ્મરણ છે. એ દિવસે સાંજે જ હું એને મળવા હૉસ્પિટલમાં જવાની હતી. વિલેપાર્લે મારે જવાનું હતું. એ પ્રમાણે હું તૈયારી કરી રહી હતી ત્યાં તો મારી સખી સુમિતાનો ફોન આવ્યો. ‘સુજુ ! બહુ જ ખરાબ થયું. આપણી બહેનપણી મિતાલી ચાલી ગઈ !’ અને બોલતાં બોલતાં એ ધ્રૂસકેધ્રૂસકે રડી પડી. એ સાંભળતાં જ હું ટેલિફોન પાસેની ખુરશી પર ફસડાઈ પડી. મારી આંખમાંથી ચોધાર અશ્રુ વહેવા લાગ્યા. મારામાં ઊભા થવાની તાકાત રહી નહોતી. હું ખૂબ જ મોડી પડી ગઈ હતી. વિલે પાર્લા એ મારા ઘરથી ક્યાં બહુ આઘું હતું ! હવે તો અમારી વચ્ચે જન્મારાનું અંતર પડી ગયું હતું ! મને મિતાલીની ગંભીર માંદગીના સમાચાર ચાર-પાંચ દિવસ પહેલાં મળ્યા હતા. રાજકોટથી એ સારવાર માટે મુંબઈ આવી હતી. એને મળવાની મને ખૂબ ઈચ્છા હતી, પણ ચાર-પાંચ દિવસ એમને એમ – આજે નહિ કાલે કરતાં નીકળી ગયાં. આજે જ્યારે હું એને મળવા જવા તૈયાર થઈ ત્યારે એ દુનિયા છોડી કાયમ માટે ચાલી ગઈ હતી. સુમિ અને હું એને ઘેર પહોંચ્યાં ત્યારે જીવતી જાગતી હસતી અને મને જોઈ ખુશખુશ થઈ જતી મારી બાળપણની સખી મિતાલી ચિરનિંદરમાં પોઢી ગઈ હતી ! મને જોઈ એ દોડી આવી ઉમળકાથી ભેટી પડવાની નહોતી. નાની-મોટી અમારી વાતો જે કલાકો સુધી ખૂટતી નહોતી, તે કરવા માટે હવે આગ્રહ કરી મને એની પાસે બેસાડી રાખવાની નહોતી. એની માંદગીના સમાચાર મળતાં જ મારે એની પાસે દોડી જવું જોઈતું હતું. મારે એના બીમાર વ્યથિત તન અને મનને સાન્તવન આપવું જોઈતું હતું. મારે એને માથે સ્નેહથી હાથ ફેરવવો જોઈતો હતો. વેદનાથી એ અસ્વસ્થ હોય ત્યારે મૈત્રીનાં મધુર સ્મરણ પુષ્પો ખુશબોથી એના ખંડને સુવાસિત કરવો જોઈતો હતો, પણ એ બધું કરવાનું હું ચૂકી ગઈ હતી. નજીવા નાના ઘરસંસારના કામકાજમાં શાળા-કૉલેજની મૈત્રીના ગાઢ અને ઉષ્માભર્યા સંબંધને દિલમાં મે ભંડારી દીધો હતો. એક સમય એવો પણ હતો, જ્યારે હું એને ઘેર ગમે ત્યારે પહોંચી જતી. એ પણ એવી જ રીતે મારે ઘેર આવી પહોંચતી. એ દિવસો અમારા બન્નેની બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાના હતા. કેટકેટલી અંતરંગ વાતો અમે કરી હતી !

મિતાલીના દેહ પર પુષ્પની સુકોમળ પાંદડીઓ મેં પાથરી, એને મેં અશ્રુભરી આંખે અંજલિ આપી. તે ઘડીએ મને લાગ્યું કે મારા અસ્તિત્વનો એક સુંદર હિસ્સો મેં ગુમાવી દીધો છે, પરંતુ જીવંત ચિતા માટે મેં શું કર્યું ? એને તો મારા થોડાક પ્રેમભર્યા શબ્દોથી – મારા સાનિધ્યથી જ માંદગીમાં સારું લાગ્યું હોત. મૃત માણસો માટે આપણે પુષ્પહાર લઈ દોડી જઈએ છીએ. એમને માટે આંસુ સારીએ છીએ. એમનું સારું બોલીએ છીએ, પરંતુ તેઓ જીવતા હોય ત્યારે એમના પ્રત્યેના આપણા પ્રેમને ભાગ્યે જ વ્યક્ત કરીએ છીએ. જીવતાં જેની પૂરી કદર નથી કરતાં એને મૃત્યુ બાદ પુષ્પોથી માન આપીએ છીએ ! માનવજીવનની આ તે કેવી વક્રતા છે ! જીવનભર આપણે ખોટી-મૂર્ખાઈભરી નકામી રમતમાં ગૂંથાયેલાં રહીએ છીએ અને જીવનના હાર્દને-સત્વને ગુમાવી દઈએ છીએ !

જીવનમાં આપણા હૃદયને-આપણી સમગ્ર ચેતનાને જેની સાથે ગાઢ સંબંધ અને લાગણી હોય છે ત્યાં જ આપણે ચૂકી જઈએ છીએ. ઘણુંબધું જાણવા છતાં આપણને જીવન જીવતાં નથી આવડતું. માણસ વિજ્ઞાનના કેટલાયે નિયમો જાણે, બીજી કેટલીયે કળાઓ એ શીખ્યો હોય, પરંતુ મોટા ભાગના માણસોને જીવન પર શાસન કરનારા નિયમોની જાણ નથી હોતી. આપણી પડોશમાં અને આજુબાજુ વસનારા માણસોના સુખદુ:ખ આપણે ક્યાં જાણીએ છીએ ? આપણાં માતાપિતા, ભાઈબહેન, સ્વજનો અને મિત્રો માટે આપણા હૃદયમાં સ્નેહભાવ હોય છે, પરંતુ ઘણીય વાર આપણે તે પ્રેમ અને ઋજુ લાગણીઓને શબ્દમાં કે સ્પર્શમાં અભિવ્યક્ત કરવામાં આપણને ક્ષોભ થાય છે. આપણે કોણ જાણે કેમ સંકોચ અનુભવીએ છીએ. લાગણીઓની અભિવ્યક્તિને આપણે નબળાઈ સમજીએ છીએ. આપણે બહુ જ બુદ્ધિજીવી બની ગયા છીએ ! માતાપિતા-પતિ કે પત્નીની સ્મૃતિમાં શાળા, કૉલેજ, સભાખંડ, મંદિર કે દવાખાનાં બાંધવામાં આવે છે. કાવ્યમાં કે લેખમાં અને ક્યારેક પુસ્તકરૂપે પ્રેમાંજલિ અર્પણ કરવામાં આવે છે. આની પાછળ પ્રેમ, આદર અને ઋણ ચૂકવવાની ભાવના હોય છે. મૃત વ્યક્તિની સ્મૃતિ જાળવવાની ઈચ્છા હોય છે. આમાં ખોટું કશું જ નથી. પરંતુ એ મૃત વ્યક્તિ માટે એનો શો અર્થ ?

માણસના ગયા પછી એની પ્રશંસા કરવી – એના મૃતદેહ કે છબી પર પુષ્પો અર્પણ કરવા કરતાં એ મિત્રો અને સ્વજનો જીવતાં હોય ત્યારે એમના પર એ લાગણી વરસાવીએ તો ? તેઓ થાક્યાંપાક્યાં હોય – હાર્યા હોય કે દુભાયાં હોય ત્યારે એ લાગણીને શબ્દોમાં કે હૂંફાળા આલિંગન દ્વારા કે ખભા પર સ્નેહભીનો હાથ મૂકી અભિવ્યક્ત કરી એમને નવપલ્લવિત કરવાનો યત્ન કરીએ તો ? એ લાગણીઓને શબ્દમાં જ નહિ પણ આચરણમાં મૂકીએ. પતિ-પત્ની વચ્ચે, માબાપ અને સંતાનો વચ્ચે, ભાઈ-બહેન વચ્ચે ઘણી વખત આવું બનતું હોય છે. જરૂર વખતે જ લાગણી દર્શાવતાં આપણે ખચકાઈએ છીએ. ક્યારેક પતિના જીવનસંઘર્ષનું પત્ની મૂલ્ય કરી એના પ્રેમની કદર કરે – ક્યારેક પોતાની ખુશી અને અહેસાન વ્યક્ત કરે તો એને કેટલું જોમ મળે ! પતિના મુશ્કેલીના દિવસોમાં એને સતત સાન્તવન આપી પ્રોત્સાહિત કરતી પત્નીના પ્રેમ અને સ્વાર્પણનું ઋણ સ્વીકારી પત્ની પ્રત્યેનો પોતાનો પ્રેમ જો પતિ અભિવ્યક્ત કરે તો પત્નીને જીવનમાં કેટલી કૃતાર્થતા લાગે ! ચાર-પાંચ વર્ષનું બાળક છે. એના મિત્રો સાથે એને વાંધો પડ્યો છે. એનું મન દુભાયું છે. એ રડતુંરડતું મા પાસે આવે છે, અને મા એને ઊંચકી લઈ બે વહાલસોયા શબ્દો કહે છે. એકાદ ચુંબન કરે છે અને એને આશ્લેષમાં લઈ લે છે અને બાળક એનું બધું દુ:ખ ભૂલી જાય છે. યુવાન પુત્ર વૃદ્ધ પિતાને ભેટીને એના જન્મદિને કહે છે : ‘I love you so much papa’ ત્યારે પિતાને આખાયે આયખાનો થાક જતો રહે છે.

વ્યાપારધંધામાં મંદીનું મોજું છે. લેણદારો તકાદો કરે છે. માણસ સાવ મૂંઝાઈ ગયો છે. તે વખતે જો કોઈ મિત્રની કે કુટુંબીજનની આર્થિક મદદ મળી રહે તો એ બચી જાય. જિંદગીમાં પછી કદાચ એ ઘણુંયે કમાય પણ તે અણીની ઘડીએ મદદ કરનારને ક્યારેય નહિ ભૂલી શકે. પ્રત્યેકના જીવનમાં દુ:ખ-હતાશા અને વિપત્તિના પ્રસંગો આવતા રહે છે, કારણ કે એ બધું જીવનની ચાદરમાં તાણાવાણાની માફક વણાયેલું છે. એ ઘડી એ વખત જ નિર્ણયાત્મક છે. એ સમય જો જળવાઈ જાય તો બસ ! યોગ્ય સમયે યોગ્ય કામ યોગ્ય માત્રામાં કરવામાં જ જીવનની સાર્થકતા અને સફળતા રહેલી છે. એ ઘડી – એ સમય ચાલ્યો જાય પછી ખલાસ ! ખેતી માટે પાણીની તાતી જરૂર હોય તે વખતે મેહુલિયો વરસે નહિ તો ! અવસર ચૂક્યા પછી મેહુલિયો ગમે તેટલું વરસે, એનો અર્થ શો ?

આપણી લાગણીને-સ્નેહને વ્યક્ત કરતા શબ્દોની અને નાના કોમળ આચરણોની પુષ્પપાંદડીઓ આપણા સ્વજનો અને પ્રિયજનોના જીવનમાર્ગમાં બિછાવતાં જઈએ જેથી એમનો માર્ગ વધુ સુખદ બને. એમાં આજે નહિ કાલે – એમ ન કરીએ. કવિ શ્રી મકરન્દ દવેની આ પંક્તિઓ હંમેશ સ્મરણમાં રાખવા જેવી છે :
‘પળનો તકાજો જો પાળી શકું
તો મને આખું આયખું કરે માફ….’

આમાં બધું જ નથી આવી જતું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનનું જાગરણ – દેવેશ મહેતા
ડાળ ફૂલોથી… – અંજુમ ઉઝયાન્વી Next »   

22 પ્રતિભાવો : અવસર ચૂક્યા મેહુલા – જયવતી કાજી

 1. gopal says:

  બહુ જ મુદ્દાનીવાત બેને કરી છે,આપણી આળસ કેટલી નડે છે તેનુઁ ભાન આ લેખથી થાય છે

 2. લાગણેીઓ પ્રત્યેનેી બેદરકારેીનું પરિણામ હમેંશા અફસોસ જ રહે છે. ગયેલ સમય પાછો ક્યારેય આવતો નથી તેનું સરસ ચિત્રણ !

 3. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. સાચા સમયે કરેલુ કાર્ય, સમયસર સાચવેલો સંબંધ લેખે લાગે.

 4. Balkrishna Shah,Vile Parle says:

  જયવતીબેનના લેખમાં નિરદેશેલ બાબતો આપણે બધા જાણતા હોઇએ છીએ પરંતુ એ વિચારો પર જામી
  જતી ધુળને સમયે સમયે સાફ કરવાની જરૂર રહે છે જે કામ જયવતી બહેને સુપેરે કરેલ છે ..અભિનંદન

 5. nayan panchal says:

  હંમેશ મુજબ જયવતીજીનો સચોટ લેખ.

  અવસર ચૂક્યા પછી મેહુલિયો ગમે તેટલું વરસે, એનો અર્થ શો ?

  કર્મની યોગ્યતા સાપેક્ષ છે, તે કઈ ક્ષણે કરવામાં આવે તેના ઉપર નિર્ભર છે.

  આભાર.

  નયન

 6. JITENDRA J. TANNA says:

  સરસ લેખ.

 7. dipak says:

  જયવતિબેન ખુબજ સરસ લેખ.સાવા સાચિ વાત.કોઇપણ કાર્ય સમયસર થાય,તો જ તેનુ મહત્વ રહે.

 8. Rajni Gohil says:

  Procrastination is a thief of time.
  આલસ્ય હી મનુષ્યાણામ શરીરસ્થો મહારિપૂ.
  ભગવાને તો આપણને અળસ માંથી જગાડવા જયવતીબેનનો લેખ મોકલી દીધો. સાચી વસ્તુ જાણ્યા પછી એને અમલમાં મુકવાની આપણી જવાબદારી નથી? સાચું જાણ્યા પછી પણ ખોટે રસ્તે જવું એ માનવતાની દ્રષ્ટિએ પાપ નથી?
  આ જીવન ઉપયોગી સૂત્રોને સમજાવતો જીવનમાં ખુબ જ ઉપયોગી લેખ આપવા બદલ જયવતીબેન કાજીને અભિનંદન.
  હું એક છોકરાને મળ્યો હતો જે એના ગ્રુપનાં ૨૫ છોકરઓની જન્મ તારીખે કાગળ પર સુંદર સુવાક્ય લખીને અને ફુલ આપી આવતો હતો. ઢાઇ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઇ. આપણે જેમ વિચારીએ છીએ તે જ બનતું હોય છે, પણ ભગવાનના સમયે અને ભગવાનની રીતે. સમય નથી મળતો એ દલીલ બરાબર ન કહેવાય. ભેદભાવ વગર ભગવાન બધાને ૨૪ કલાક જ આપે છે.
  It is question of time management as well as love and attitude towards work we want to do. Have positive attitude towards everything.
  આશા રાખીએ કે આપણે બધા મક્કમ મનથી આપણા નિર્ણયોને વળગી રહીએ અને જયવતીબેન કાજીએ કહ્યું છે તેમ સંબંધોની માવજત માટે – મેહુલિયો વરસી જાય તે પહેલાં વાવણી કરી નાંખીએ.

  જયવતીબેને પ્રોબ્લેમનું નિદાન તો કર્યું પણ તેનો ઉપાય શું? આળસ ત્યજવા આત્મબળ કેવી રીતે મેળવવું અને તેને કેવી રીતે વળગી રહેવું તે માટે જયવતીબેન માર્ગદર્શન આપશે એવી આપણે આશા રાખીએ.

 9. Veena Dave,USA. says:

  Very true. Thanks for this very good article.

 10. Pradipsinh says:

  J chhe tenu jatan karo. pa6i jatan nu kai kam nathi

 11. Sandhya Bhatt says:

  જયવતીબેન,
  તમારા ઘણા લેખો હું હમેશા વાંચતી રહું છું.વળી તમે મૂળ સુરતના હોવાથી પણ સામીપ્ય અનુભવું
  છું.આજના સમયમા તમારી વાત અત્યંત પ્રસ્તુત છે.

 12. pragnaju says:

  સુંદર અભિવ્યક્તી
  પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે,
  પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
  સૂમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત,
  તો કોણ અહીં આવ્યું? આ કોની આહટ છે ?

 13. Bhupendrabhai Mistry says:

  આજે જ્ચારે માનવી માં લાગણી શૂન્યતા આવી ગઈ છે.અને ભૌતિકતા તરફ ની આંધળી દોટે હદય ની
  અનૂકંપા ને બળજબરી પૂવૅક દબાવી દીધી છે. માણસ હતાશા અને મનોવિકુતીઓ નો ભોગ બની રહ્યો છે.
  ત્યારે માનવીય લાગણી ને આપણે જાળવી રાખીને મનની સ્વસ્થતા અને શાન્તી મેળવીએ.
  આવો સુદંર ભાવુક લેખ હદય સ્પશી ગયો. લેખિકા બહેન ને અભિનંદન.

 14. swati says:

  ખુબ જ સરસ ૬.

 15. સુદંર ભાવુક લેખ હદય સ્પશી ગયો. લેખિકા બહેન ને અભિનંદન.

 16. સુરેશ જાની says:

  જયવતીબેનના લેખોમાં હમ્મેશ વીચારની મુક્તતા, મૌલીકતા અને જીવન પ્રત્યેની દૃષ્ટીનું ઉંડાણ હોય છે.
  સૌને સ્પર્શતો આ લેખ તો બહુ જ ગમ્યો ..
  પણ વાંચન જેવું જીવાય છે ખરું?
  સગવડીયા સંબંધો કામના ન રહે ત્યારે અભરાઈએ ચઢાવી દેવા ટેવાયેલા આપણે આ લેખથી જાગીશું?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.