- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાચકોનું સર્જન – સંકલિત

[1] ખોટું દર્પણ – અનિરુદ્ધ એ. ભટ્ટ

[24વર્ષીય યુવાન શ્રી અનિરુદ્ધ બારડોલીના રહેવાસી છે. ‘સી-ડેક’ સંસ્થામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતાં નવરાશની પળોમાં સાહિત્ય-સર્જન કરવાનો શોખ ધરાવે છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સાહિત્ય પંથે તેમની પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ani_123_a@yahoo.co.in ]

દર્પણ ના જુઓ ખોટું આપણા જીવનનું તમે,
સમજી શકીશુંતો સદા રહીશું સાથી.

જરૂર પડેજો મુજની તો અવાજ લગાવી દેજો,
મોડા પહોંચીશું એવી ઘડી ન આવે કદી.

બીજાને જોઈ તમે અંધકારમાં ના ઉભા’રો,
થોડા નીકટ તો આવો, અજવાળું છે અહીં.

નિભાવીશું સાથ સદા એવું વચન આપી દીધું છે,
ન માનો તો કયાં, પણ માનો તો ઘણું છે.

જીવનની એ બુરાઈઓ તમને ભ્રમિત કરે છે,
નીક્ળો હવે ત્યાંથી કે મારો હાથ ઝાલી.

દર્પણ ના જુઓ ખોટું આપણા જીવનનું તમે,
સમજી શકીશુંતો સદા રહીશું સાથી.
.

[2] ગઝલ – સુનિલ શાહ

[ સુરતના ગઝલકાર શ્રી સુનિલભાઈ શાહની કલમે માણીએ એક સુંદર ગઝલ. રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે સુનિલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sunras2226@yahoo.co.in ]

આ હવા જ્યાં પાંદડાના ગાલ ચૂમે છે પછી,
ડાળ સઘળી સ્નેહભીની થઈને ઝૂલે છે પછી.

તું હવાની જેમ સરસર આવ–જા ના કર અહીં,
મારી ભીતર એથી કૈં વંટોળ ઊઠે છે પછી.

કેમ, તેં પાડેલ પડછાયાની હું પરવા કરું ?
સૂર્ય, ખુદ તારો જ પડછાયો તો ખૂટે છે પછી.

એક વખત તું ફૂંક ચૂલે વાપરીને જોઈ લે,
રોટલામાં કેટલી મીઠાશ ફૂટે છે પછી.

ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના,
તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
.

[3] કોણ છે ? – કવિતા મૌર્ય

[અભ્યાસે કોમર્સ ગ્રેજ્યુએટ તેમજ સાહિત્યક્ષેત્રે પ્રવૃત્તિશીલ એવા કવિતાબેનનો (બીલીમોરા, ગુજરાત) આ ગઝલ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kavya186@gmail.com સંપર્ક કરી શકો છો.]

તૂટતાં કૈં શ્વાસ લૈ બેઠું અમારી ભીતરે આ કોણ છે ?
સાવ તુટ્ટ્લ ખ્વાબ લૈ બેઠું અમારી ભીતરે આ કોણ છે ?

કોણ છે જે તૂટવા દેતું નથી, ઉઠવા નથી દેતું મને,
અંદરૂની સાદ લૈ બેઠું અમારી ભીતરે આ કોણ છે ?

છે બુલંદી ખ્વાબની પણ એટલી ચઢતા પડો, ઊઠો નહીં,
એ જ બે-ત્રણ ચાન્સ લૈ બેઠું અમારી ભીતરે આ કોણ છે ?

ચોતરફ અંધાર છે ને ભાર છે અઢળક અમારા ભાગ્યમાં,
ચાંદની અજવાસ લૈ બેઠું અમારી ભીતરે આ કોણ છે ?

ના પડે કોઠે કશું વાંધો નહીં જગ તો ય ચાલે છે હજી,
કાલનીયે આશ લૈ બેઠું અમારી ભીતરે કોણ છે ?
.

[4] બદલાઈ ગઈ… – જય દવે ‘હયાત’

[ 23વર્ષીય શ્રી જય દવે, ઓસ્ટ્રેલિયામાં મૅલબોર્ન ખાતે અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી છે. અભ્યાસની સાથે કવિતા લખવાનો ઉમંગ તેઓ ધરાવે છે. આ તેમનો પ્રથમ પ્રયત્ન છે. સાહિત્યક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : bittu_4u_0108@yahoo.com ]

આપના જ્યાં પગ પડ્યા મારી જિંદગી બદલાઈ ગઈ
રાતને લાગ્યું છે માઠું એની દોસ્તી વેરાઈ ગઈ

મન બન્યું મંદિર ને તનમાં ચંચળતા આવી ગઈ
એક સૂમનની સુવાસ જાણે જીવનમાં ફેલાઈ ગઈ

હાથ ઝાલ્યો જ્યાં આપે મારો, દુનિયા ફેરવાઈ ગઈ
અશ્રુઓને છે સહારો તોય આંખ ઉભરાઈ ગઈ

પ્રેમથી જ્યાં જોયું આપે હર ખુશી હરખાઈ ગઈ
તારા સ્મિતથી મારા ગમની રેખાઓ ભૂંસાઈ ગઈ

આપ આવ્યા એ રીતે નાચીઝનાં જીવનમાં,
આપથી મારા મનની જાણે સૂની સભા ભરાઈ ગઈ

આપથી છે જીવન ઉપવન, આપ છો તેઓ સઘળુ સાવન
આપથી મને હર દિશામાં મંઝિલો દેખાઈ ગઈ

પ્રેમથી વસ્યા આ દિલમાં, પ્રેમથી હસ્યા જીવનમાં
આપથી મારા પ્રેમની જાણે વ્યાખ્યા બંધાઈ ગઈ

જેમ છો તેમ આ જીવનમાં, સાથ દેજો સદા સફરમાં
હું થયો સાગર, તું નદી થઈ આવી મુજને સમાવી ગઈ

ઝંખે છે એ દિવસથી તુજ પ્રણય ને આ ‘હયાત’
જ્યારથી એની ગઝલના શબ્દોમાં તું સમાઈ ગઈ.
.

[5] વૃદ્ધની વ્યથા – પ્રવીણ શાહ

[રીડગુજરાતીને આ અછાંદસ કાવ્ય મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર : +91 9428761846 અથવા આ સરનામે સંપર્ક કરી શકો છો : pravin91@ymail.com ]

આંખોમાં
ઝાંખપ આવી છે;
ચહેરા પર
કરચલીઓ પડી છે,
મોંમાંથી લાળ
દદડે છે,
હાથ-પગ
કાંપે છે,
હૈયાના હેત
જેને પાયા છે

હડહડ કરે છે,
પોતાના
પારકા બની
દૂર જાય છે,
વૃદ્ધાશ્રમને ટેકે
ઊભો છું,
મારી વ્યથા
એ અ-શરીરી ઈશ્વરને
કોણ સમજાવે ?
.

[6] ગઝલ – કીર્તિકાન્ત પુરોહિત

[ વ્યવસાયે ઔદ્યોગિકક્ષેત્રે સંકળાયેલા વડોદરાના પ્રસિદ્ધ ગઝલકાર શ્રી કીર્તિકાન્તભાઈનો રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : home@kritonwelders.com ]

બેઘડી ચર્ચામાં રહી ભૂલાઈ પણ જશે,
નામ છે કોઈ દિવસ છેંકાઈ પણ જશે.

આપ-લેના સંબંધ તો જાળવજો ત્રાજવે,
આપતાં સામેથી બધું લેવાઈ પણ જશે.

ધૂંધવાઈ અલગાવથી ઘરઘરમાં વાત તો
કાન દઈને ભીંત પર કહેવાઈ પણ જશે.

ઘરનાં નેવાંની ધાર કે કોઈ રણ-ઝાંઝવું,
જો તરસ જાગે તો ફરક દેખાઈ પણ જશે.

જો ભરાવ થાય સુખનો ફેંકો ભીડ પર,
હાથમાં રહેશે અને વ્હેંચાઈ પણ જશે.

‘કીર્તિ’ તો છે નટખટ ને લીસ્સા પારદ જેવી,
હાથ જેવી કરશો તરત વેરાઈ પણ જશે.
.

[7] શાશ્વત – અતુલ જાની ‘આગંતુક’

[ પ્રસ્તુત ચિંતનાત્મક કાવ્યના રચાયિતા શ્રી અતુલભાઈ ભાવનગરના નિવાસી છે તેમજ વ્યવસાયક્ષેત્રે કાર્યરત છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર : +91 9824438814 અથવા આ સરનામે atuljaniagantuk@gmail.com સંપર્ક કરી શકો છો.]

હું મનુષ્ય નથી, હું પુરુષ નથી
હું સ્ત્રી નથી , હું બાળક નથી.
નથી કોઈ મારી જાત કે પાત
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.

ન હું જન્મુ ને, કદી ના મરુ
ન હું શ્વસુ ને, ન હું વસુ કશે
સઘળું કાઈ મારામાં ઓતપ્રોત
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.

ન કોઈ મારો દેશ, ન ભાષા
ન હું કશું બોલું, ને ન ચૂપ રહું
આસપાસ સર્વત્ર,અહી ને આઘે
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.

વિવિધ દૃશ્ય તરંગો મુજમાં ઊઠે
અને વળી શમે, પાછા મુજ મહી
ઉષાસંધ્યાના રંગો, શમે કાળરાત્રીમાં
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.

સુતો ત્યારે સ્વપ્નમાં, વિલસી રહ્યો
જાગ્યો તો મુજ વિણ, કશુ ના મળે
જાગ્રત,સ્વપ્ન ને વળી સુષુપ્તિમાંયે
હું તો એક શાશ્વત અસ્તિત્વ છું.