સ્વાદિષ્ટ સૂપ અને વિવિધ ચીકીઓ – સંકલિત

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

[અ] સ્વાદિષ્ટ સૂપ – સરયુ શાહ

soup

[1] સૂરણનો સૂપ

સામગ્રી :
250 ગ્રામ તાજા સૂરણ,
250 ગ્રામ તાજું દહીં,
1 ચમચી મીઠું,
અડધી ચમચી ગરમ મસાલો,
થોડું આદુનું છીણ, 1 લીલું મરચું, 1 લીંબુ.

રીત :
સૌપ્રથમ સૂરણને ધોઈને 1 કપ પાણી સાથે આદુનું છીણ અને લીલું મરચું નાખી પ્રેશર કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થાય એટલે હાથથી દબાવી મોટાં બાઉલમાં તેનો રસ નિચોવી નાખો અને દહીં સાથે મિક્સરમાં નાખી એકરસ કરો. બધો મસાલો નાખી કાચા પૌંઆ ભભરાવી નવશેકા સૂપ પીરસો. શિયાળામાં આ સૂપ શરદીમાં રાહત આપે છે.

[2] ચોળાનો સૂપ

સામગ્રી :
1 વાટકી ચોળા,
અડધી વાટકી દહીં,
પા ચમચી જીરૂં, પા ચમચી મરીનો પાઉડર,
પા ચમચી મીઠું, 1 લીંબુ, 1 ચમચી ઘી,
3-4 પાન મીઠો લીમડો, 1 ચમચો સમારેલી કોથમીર.

રીત :
સૌપ્રથમ ચોળામાં મીઠું નાખીને ત્રણ વાટકી પાણી રેડી એટલા ઉકાળો કે તે એકદમ ગળી જાય. ઠંડા થાય એટલે તેમને ગાળી લો. આ ગાળેલા પાતળા મિશ્રણમાં ઘોળેલું દહીં અને મરી ભેળવી પાંચ મિનિટ સુધી ઉકાળો. ઘી ગરમ કરો. જીરાને મીઠા લીમડાનો પાનનો વઘાર કરી લીંબુ અને કોથમીર નાખી ચોળાના સૂપનો સ્વાદ માણો.

[3] મેવા છાશ સૂપ

સામગ્રી :
4 કપ છાશ,
1 કપ ક્રીમ,
1 ચમચો માખણ,
1 ચમચો કાજુનો પાઉડર,
1 ચમચો વાટેલી બદામ,
1 ચમચો વાટેલાં પીસ્તાં,
1 ચમચો તળીને વાટેલા મખાના,
2-3 લવીંગ, 1 ચમચી મીઠું,
1 ચમચી મરીનો પાઉડર,
અડધી ચમચી શેકીને વાટેલું જીરૂં,
1 લીંબુનો રસ, 5-6 બદામ, 5-6 પિસ્તાં.

રીત :
સૌપ્રથમ માખણ ગરમ કરી, તેમાં લવીંગનો વઘાર કરો. તેમાં બધો વાટેલો મેવો નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી આંચ પરથી ઉતારી લો. તેમાં છાશ અને ક્રીમ નાખો. લીંબુનો રસ, મીઠું અને મસાલો નાખી એકરસ કરો. મેવાથી સજાવટ કરો અને પીરસો.

[4] કાબૂલી ચણા-ટામેટાંનો સૂપ

સામગ્રી :
1 કપ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણા,
2 મધ્યમ કદની ડુંગળી,
1 ચમચો મેંદો,
100 ગ્રામ ટામેટાંનો રસ,
1 ચમચો સમારેલી કોથમીર,
1 ચમચી મીઠું,
1 ચમચી વાટેલો ગરમ મસાલો,
2 ચમચા માખણ.

રીત :
સૌપ્રથમ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણામાં મીઠું અને ગરમ મસાલો નાખી 4 કપ પાણી રેડી ઉકાળો. ડુંગળીને ચોરસ ટુકડામાં બારીક સમારો. માખણ ગરમ કરી, તેમાં ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. પછી મેંદો નાખી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં ટામેટાં અને ચણાનો રસ રેડી ઉકાળો. તે પછી ઠંડુ થાય એટલે મિક્સીમાં ક્રશ કરો અને ફરી 10 મિનિટ સુધી ઉકાળો. કોથમીર અને બાફેલા ચણા નાખી તળેલી બ્રેડ સાથે પીરસો.

[5] લીલા મઠનો સૂપ :

સામગ્રી :
200 ગ્રામ ફણગાવેલા લીલા મઠ,
1 લીલું મરચું,
1 કળી લસણ,
1 નાનો કપ દૂધ,
2 ચમચા ક્રીમ
વઘાર માટે :
2 ચમચી શુદ્ધ ઘી,
પા ચમચી જીરૂં,
2 ચમચા દહીં,
1 ચમચો સમારેલી કોથમીર

રીત :
સૌપ્રથમ 2 ચમચા મઠ પહેલાં કાઢી લો. વધેલા ફણગાવેલા મઠ, લીલું મરચું અને લસણની કળીને મિક્સરમાં બારીક ક્રશ કરી નાખો. સોસપેનમાં કાઢી તેમાં ક્રીમ અને દૂધ ભેળવી સહેજ ઊભરો આવવા દો. એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરૂં નાખો. તે બ્રાઉન રંગનું થાય એટલે ઝડપથી આંચ પરથી ઉતારી લઈ ઠંડુ થવા દો. હવે તેમાં દહીં નાખીને એકરસ કરો. બાઉલમાં ગરમાગરમ સૂપ કાઢી તેના પર વઘાર રેડો અને ઉપર કોથમીર ભભરાવો.
.

[બ] વિવિધ ચીકીઓ

chikki

[1] સાત્વિક ચીકી – આલુબહેન ડુમસીયા

સામગ્રી :
100 ગ્રામ ઘઉં,
100 ગ્રામ સોયાબીન,
100 ગ્રામ દાળિયા,
50 ગ્રામ ખારેક,
50 ગ્રામ અંજીર,
300 ગ્રામ ગોળ,
2 ચમચા ઘી,
1 ચમચો મધ,
સૂંઠ + ગંઠોડા પાવડર.

રીત :
સૌપ્રથમ ઘઉં, સોયાબીન, દાળિયા ધીમા તાપે જુદા જુદા શેકો. ખારેકના ટુકડા કરો. ઘઉં, સોયા, દાળિયા, ખારેકનો ગ્રાઈન્ડરમાં જાડો ભૂકો કરો. હવે પેણીમાં જરા પાણી, 1 ચમચી ઘી-ગોળ નાખી ચાસણી કરો. ચાસણી થાય એટલે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને દળેલો લોટ નાખો તથા અંજીર-મધ નાખી બધું બરાબર હલાવો. તૈયાર થાય એટલે ઘી લગાડેલી થાળીમાં પાથરો. જેવા ગમે તેવા મનપસંદ ટુકડા કરો.

[2] કાળા તલ અને ખજૂરની ચીકી – નીપા. કે. શુક્લ

સામગ્રી :
500 ગ્રામ કાળા તલ,
250 ગ્રામ કાળું ખજૂર,
10 ગ્રામ રાજગરો,
250 ગ્રામ ચીકી ગોળ,
ત્રણ ચમચા શુદ્ધ ઘી.

રીત:
સૌપ્રથમ તલ, ખજૂર, રાજગરો બરાબર સાફ કરી લેવા. ખજૂરના ઝીણા ટુકડા કરી લેવા. કડાઈમાં ઘી ગરમ કરી ગોળને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરવો. પછી તેમાં કાળા તલ અને ખજૂરને બરાબર ભેળવી લેવું. ગેસ પરથી ઉતારી થાળીની પાછળના ભાગે તેલ ચોપડી પાથરી લેવું. વેલણથી બરાબર વણતા પહેલાં રાજગરો બધે ઉપર રહે તેમ ભભરાવી દેવો. બસ, કાળા તલ તથા ખજૂરની પૌષ્ટિક ચીકી તૈયાર છે !

[3] ઘઉંની ચીકી – રઝિયા ગાંગદાણી

સામગ્રી :
150 ગ્રામ ઘઉં,
100 ગ્રામ ચીકીનો ગોળ,
2 ટી સ્પૂન શુદ્ધ ઘી,
2 ટી સ્પૂન સૂકા કોપરાનું છીણ,
2 ટી સ્પૂન પાણી
પા ટી સ્પૂન સૂંઠ (દળેલી)
પા ટી સ્પૂન પીપરી મૂળના ગંઠોડા (દળેલા)
પા ટી સ્પૂન કોર્ન ફલોર
2 ટીપાં ગુલાબનું એસેન્સ.

રીત:
સૌપ્રથમ ઘઉંને સાફ કરી બરાબર ધોઈ એક કલાક પલાળી દો. પલળી જાય પછી પાણીમાંથી નીતારી સૂકવી દેવા. સૂકાઈ જાય પછી અધકચરા કરી નાખવા (શેકીને અધકચરા કરવા લાપસી જેવા). પછી એક હિન્ડોલિયમની તપેલીમાં પાણી અને કોર્ન ફલોર મિક્સ કરી નાખવું. પછી તેમાં સૂંઠ, ગોળ, ગંઠોડા, તલ, કોપરાનું છીણ અને એસેન્સ નાખી ગેસ પર મૂકવું અને પાયો બનાવવો. પાયો બની જાય એટલે અધકચરા કરેલા ઘઉં નાખીને મિક્સ કરી નાખવું. પછી એક થાળીમાં ઊંધી બાજુ તેલ લગાડી તેમાં ઠારીને પાથરી દેવું. જરાક મિશ્રણ ઠંડુ થાય પછી ટુકડા પાડવા.

[4] ફાઈવ સ્ટાર ચીકી – કલ્પના જિતેન્દ્ર દેસાઈ

સામગ્રી :
100 ગ્રામ ખસખસ,
100 ગ્રામ તલ,
100 ગ્રામ છીણેલું અથવા તૈયાર સૂકું કોપરું 100 ગ્રામ કાજુના નાના ટુકડા
100 ગ્રામ પીસ્તાના નાના ટુકડા
300 ગ્રામ ચીકીનો ગોળ
2 ચમચી તેલ.

રીત:
સૌપ્રથમ ખસખસ, તલ, કોપરું, કાજુ અને પીસ્તાને જુદાંજુદાં થોડાં શેકી લેવાં. તેલ, લગાવીને થાળી તૈયાર રાખવી. ગોળને ધીમે તાપે ગેસ પર રાખી પાયો કરવો. સતત હલાવતાં રહેવું ને ગોળ વાસણથી છૂટો પડવા માંડે (ચોંટે નહીં) ત્યારે ચમચીમાં લઈ ઊંચેથી ધાર પાડી જોવી. તાર નીકળતા દેખાય (અજવાળા તરફ ચમચી ધરતાં, હવામાં તાર નીકળતાં દેખાશે) કે તરત જ બધી વસ્તુઓ અંદર નાંખી ઝડપથી બધું મિક્સ કરવું ને થાળીમાં ઠારવું. ઊંધી થાળી હોય તો વેલણથી વણવું અથવા સીધી થાળીમાં, ચપટી વાટકી પાણીવાળી કરી ઠોકવાથી ચીકી એકસરખી પથરાઈને ચોંટી જશે. ચીકી સહેજ ગરમ હોય ત્યારે જ પાણીવાળી છરીથી આરપાર કાપા પાડી દેવા. બરાબર ઠંડી થાય પછી ઉખેડી ડબ્બામાં ભરવી. (બે ચમચી ગુંદરનો ભૂકો ભેળવવાથી વધુ ગુણકારી બનશે.)

[5] કાજુ-પીસ્તાની ચીકી – બીના લાહેવાળા

સામગ્રી :
1 વાટકી ખાંડ
1 વાટકી કાજુ-પીસ્તાનો કરકરો ભૂકો
ચપટી કેસર તથા ચપટી કેસરી (મીઠાઈનો રંગ)
બે-ચાર ટીપાં કેસર એલચીનું એસેન્સ.

રીત :
સૌપ્રથમ કાજુ, પીસ્તાનો કરકરો ભૂકો કરો. (મિક્સરમાં કરવો નહિ. શીંગ-કોપરું ખમણવાના હેન્ડ મિક્સરથી કરવો જેથી તેલ છૂટું પડે નહીં.) હવે કેસરને સહેજ તપાવી એક ચમચી પાણીમાં કેસરી રંગ નાંખી એકરસ કરી લેવું. ત્યારબાદ એક જાડા તળિયાવાળી પેણીને ગેસ પર ગરમ કરવા મૂકવી. તે સહેજ ગરમ થાય કે તરત જ ફૂલ તાપે ખાંડ જોર-જોરથી હલાવવી. જેવી ખાંડ ઓગળે કે તરત જ ગેસ બંધ કરી તેમાં કાજુનો તથા પીસ્તાનો ભૂકો તેમજ કેસર નાખેલો કેસરી રંગ તથા કેસર એલચીનું એસેન્સ બે ટીપાં નાખી બરાબર હલાવી તરત જ ઘી લગાવેલી થાળી પર ભાર દઈને પાથરી દો. પછી તેમાં મનપસંદ કાપા પાડી ચકતાને ડબ્બામાં ભરી ઉપયોગમાં લેવી. આ પ્રકારની ચીકી એકસામટી મોટા જથ્થામાં ન બનાવવી. ઉપર પ્રમાણે થોડું થોડું પ્રમાણ લઈ બનાવવાથી સરળતાથી ને સફળતાથી બનાવી શકાય છે. આ જ પ્રમાણ લઈ તલની, કાજુ-બદામની, સીંગ વગેરેની ચીકી પણ જુદાં જુદાં વેનીલા, રોઝ, પાઈનેપલ અથવા ઓરેન્જ એસેન્સનો ઉપયોગ કરી જુદી જુદી વેરાયટીઝની કલરફૂલ (રંગબેરંગી) ચીકી બનાવી શકાય છે.

[6] ખજૂર વરિયાળીની પૌષ્ટિક ચીકી

સામગ્રી :
300 ગ્રામ બી વગરનું દેશી ખજૂર,
50 ગ્રામ ઘી,
200 ગ્રામ ગોળ,
50 ગ્રામ વરિયાળી,
50 ગ્રામ સિલોની કોપરાનું છીણ,
50 ગ્રામ બદામની કતરી
1 કપ પાણી,
ડેકોરેશન માટે વાટેલાં કાજુ

રીત:
સૌ પ્રથમ કઢાઈમાં ગોળ, ઘી અને પાણી લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. ગોળ-ઘી ગરમ થાય અને પાયા જેવું તૈયાર થાય તો ગોળી વાળી જોવી. ગોળી દાંત પર ચોંટવી જોઈએ નહિ. ત્યારબાદ ગોળ-ઘીના પાયામાં ખજૂર, વરિયાળી, સિલોની કોપરાનું છીણ, ગુલાબની પાંખડી નાંખીને લોચા જેવું મિક્સ કરવું. ત્યાર બાદ રસોડાના પથ્થર પર કે ઊંધી થાળી પર પાથરી વેલણ વડે વણવી. ઉપર કાજુ, સીંગ, એલચી, જાયફળનો ભૂકો નાંખતાં જવું અને પાતળી વણવી. ગરમ હોય ત્યારે જ કટકા કરી નાંખવા. ઠંડુ પડે એટલે ખાવાના ઉપયોગમાં લેવી.

*******

[ક] હોમ ટિપ્સ – સંકલિત

kitchen

[1] દરવાજો ખોલ-બંધ કરતી વખતે અથવા તો હીંચકાનાં કડામાં કિચૂડ-કિચૂડ અવાજ થતો હોય તો પેટ્રોલિયમ જેલી લગાવો. અવાજ બંધ થઈ જશે.

[2] ગરમ પાણીમાં મીઠું નાખવાથી પાણી વધારે સમય સુધી ગરમ રહે છે.

[3] વડાં, ભજિયાં વગેરેને નરમ બનાવવા માટે દાળ અથવા ચણાના લોટને ત્યાં સુધી ફીણો જ્યાં સુધી એ પાણીમાં જરાક નાખવાથી ઉપર આવીને તરવા ન લાગે. કઢી બનાવતી વખતે પણ ચણાના લોટને આ રીતે ફીણવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.

[4] થર્મોસમાંથી દુર્ગંધ આવતી હોય તો છાશમાં મીઠું મિક્સ કરી એ મિશ્રણથી થર્મોસ સાફ કરો.

[5] જો ભાત વધી પડે તો એમાં દહીં, મીઠું, મીઠો લીમડો નાખીને ઘી અને રાઈનો વઘાર કરો. પછી એમાં મનપસંદ શાકભાજી મેળવીને ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે.

[6] લોટ અને ખાંડના ડબ્બામાં થોડાં લવિંગ નાખી રાખો. એનાથી એમાં લાલ કીડીઓ નહીં આવે.

[7] છરી વાગેલા ઘા પર રૂ બાળીને દબાવી દેવાથી લોહી તરત બંધ થઈ જશે.

[8] વાટેલાં લાલ મરચામાં થોડું મીઠું નાખી રાખવાથી જીવાત નથી પડતી.

[9] દહીં બહુ ખાટું થઈ ગયું હોય તો ઉપયોગ કરતાં પહેલાં એને કોઈ પાતળા કાપડમાં બાંધીને લટકાવી દો. એમાંનું બધું પાણી નીતરી જાય એટલે કોઈ વાસણમાં કાઢીને એમાં થોડું દૂધ ભેળવી દો. દહીં ફરી તાજું થઈ જશે.

[10] બટાટા બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો. એનાથી બટાટા બાફ્યા પછી ફાટી નહીં જાય.

[11] નંગવાળા દાગીનાને સાફ કરવા હૂંફાળા પાણીમાં અરીઠા કે સાબુની ભૂકી નાખીને થોડી વાર રહેવા દો. પછી બે-ત્રણ પાણીએ ધોઈ નાખો. નંગવાળા દાગીના ક્યારેય બ્રશથી સાફ ન કરો. બ્રશથી સાફ કરવાથી નંગ નીકળી જવાની શક્યતા રહે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોનું સર્જન – સંકલિત
વીસમી સદીની એક સાધિકા મીરાબહેન – બેલા ઠાકર Next »   

18 પ્રતિભાવો : સ્વાદિષ્ટ સૂપ અને વિવિધ ચીકીઓ – સંકલિત

 1. Bhupendra says:

  લેખ વાચી ખુબ આનદ થયો .

 2. raj says:

  સારિ માહિતિ,ધન્યાવાદ્

 3. pragnaju says:

  માહિતીપૂર્ણ વાનગીનૂ સંકલન અને ઉપયોગી હોમ ટિપ્સ
  આવી માહિતી સાથે ન્યુટ્રીશન ફેક્ટસ આપો તો વધુ સારું

 4. Gira says:

  thanks alott!! 😀 Now I’ve something new to try! 😀 Suran Soup!! pretty interesting.. I hope it wouldn’t taste bitter…would it? never heard before.. so yeah…

 5. jinal says:

  I like all the chikkies. Good in winter.

 6. chetan patel says:

  ખુબ જ સરસ વાન્ચવાની મજા આવી. સાથે સાથે જાણવાની પણ

 7. kanu says:

  કનુ કાકા ને આ વાનગી બહુ સારી લાગી

 8. mitalben says:

  we like this all types of items and we will try making some items on holidays.

 9. rita says:

  hi ! i realy like all cihkkies thank’s a lot

 10. swati says:

  hi, yammy,i love it!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.