વીસમી સદીની એક સાધિકા મીરાબહેન – બેલા ઠાકર

[પ્રસ્તુત લેખ ‘નારીપ્રતિભાઓ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર નારીચરિત્રોનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. ‘વિદેશી નારીઓ, ‘ભારતીય નારીઓ’, ‘ગુજરાતની નારીઓ’ તેમજ ‘અન્ય નોંધપાત્ર ભારતીય મહિલાઓ’ એમ ચાર ખંડમાં કુલ 86 જેટલાં મહિલા અગ્રણીઓની ક્ષમતા-શક્તિ-પ્રતિભાનો પ્રેરણાદાયી પરિચય આપવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

naaripratibhao‘અમે સીડી ચડીને વરંડામાં પહોંચ્યા. હાથમાં પકડેલી પેટી મને જાણે અવરોધરૂપ લાગતી હતી. મેં ઝડપથી તેને વલ્લભભાઈના હાથમાં પકડાવી દીધી. તેઓ તે પકડીને એક બાજુ ઊભા રહી ગયા અને મને અંદર કમરામાં મોકલી દીધી. જેવી હું અંદર પહોંચી કે એક ઘઉંવર્ણી મૂર્તિ ઊભી થઈને મારી તરફ આવવા આગળ વધી. મને પ્રકાશ સિવાય બીજી કોઈ વસ્તુનું ભાન નહોતું. મેં ઘૂંટણિયે પડીને એ મૂર્તિને પ્રણામ કર્યા. બે હાથોએ કોમળતાથી મને ઊભી કરી અને એક અવાજ સંભળાયો, ‘તું મારી દીકરી બનીને રહીશ.’ ભૌતિક જગતનું મારું ભાન પાછું આવ્યું અને મેં જોયું કે એક સૌમ્ય મુખ પ્રેમભરી દષ્ટિથી મને જોઈને હસતું હતું. તેમાં વિનોદની એક હલકી ઝલક હતી. હા, આ જ મહાત્મા ગાંધી હતા અને હું એમની પાસે આવી પહોંચી હતી.’

હજારો માઈલની સફર કરીને, શરીર અને મનને ભારતમાં મહાત્મા ગાંધી પાસે રહેવા માટે એક વર્ષની કઠોર તાલીમ આપીને અંતે મહાત્મા ગાંધી પાસે હંમેશાં માટે રહેવાનું નક્કી કરીને 7 નવેમ્બર, 1925ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમમાં આવનારી એ બત્રીસ વર્ષની બ્રિટીશ યુવતીનું નામ હતું મેડેલીન સ્લેડ, બાપુએ પોતાની આ માનસપુત્રીને મીરાબહેન નામ આપ્યું અને પછી આખીયે જિંદગી તેઓ મીરાબહેન તરીકે જ ઓળખાયાં. મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાબહેનનો જન્મ 22 નવેમ્બર, 1892ના રોજ ઈંગ્લૅન્ડમાં થયો હતો. પિતા બ્રિટીશ નૌકાદળમાં અધિકારી હતા અને પાછળથી બ્રિટીશ નૌસેનાના એડમિરલ પદ સુધી પહોંચ્યા હતા. પિતા મોટે ભાગે પ્રવાસમાં રહેતા હોવાથી મેડેલીનનું બાળપણ ઈંગ્લેન્ડના મિલ્ટન હીથ નામના નાનકડા ગામમાં આવેલા નાનાજીના ઘરમાં વીત્યું. નાનાનું એ મકાન વીસ એકરની વિશાળ જમીન પર પથરાયેલું હતું, જેમાં બાગ-બગીચા, તબેલા, ગમાણ બધું હતું. બાળપણથી જ મેડેલીનને પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે અગાધ પ્રેમ હતો. સ્વભાવે શાંત, મીતભાષી અને અંતર્મુખી એવી આ કિશોરીનાં મિત્રો પણ મોટે ભાગે ઘોડા અને કૂતરા જેવા પ્રાણીઓ જ હતાં. પ્રાણીઓ ઉપરાંત એક વસ્તુ તેમને અત્યંત પ્રિય હતી અને તે હતું સંગીત. મહાન સંગીતકાર બિથોવનના તેઓ પરમ ચાહક હતા. પિતાએ લાવી આપેલ પિયાનો વગાડતાં પણ તે શીખ્યાં હતાં.

15 વર્ષની ઉંમરે કિશોરી મેડેલીન સહુપ્રથમ ભારત આવી. પિતા ઈસ્ટ ઈન્ડિયન સ્ટેટસના વડા સેનાપતિ નિમાઈને ભારત આવ્યા હતા. મુંબઈ ખાતે મેડેલીન પોતાના કુટુંબ સાથે બે વર્ષ રહી, પણ જીવનશૈલી તો એ વખતે ખૂબ એશોઆરામની હતી. ઉચ્ચ બ્રિટીશ અમલદારની આ દીકરીનો મોટા ભાગનો સમય ઘોડેસવારી, શિકાર અને મિજબાનીઓમાં જ વીતતો. પિતાની બદલી થતાં કુટુંબ ઈંગ્લેન્ડ પાછું ફર્યું અને મેડેલીન પાછી બિથોવનમાં ખોવાઈ ગઈ. કોઈકે કહ્યું કે ફ્રેન્ચ સાહિત્યકાર રોમાં રોલાએ બિથોવનના જીવન પર એક સુંદર પુસ્તક લખ્યું છે. પુસ્તક વાંચીને તેને રોમાં રોલાં પ્રત્યે ગજબનું ખેંચાણ થયું અને તેમને મળવા તત્પર બની. રોમાં રોલાંને મળવા તે ફ્રાંસ ગઈ, ત્યાં રહીને ફ્રેંચ શીખી, કારણ કે રોમાં રોલાં અંગ્રેજી નહોતા જાણતા. પછી તેની અને રોમાં રોલાની ત્રણ-ચાર વાર મુલાકાત થઈ. રોમાં રોલાંએ એક વાર મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો, જેમને તેઓ ઈસુનો બીજો અવતાર માનતા હતા. મેડેલીને એ વખતે મહાત્મા ગાંધીનું નામ સુદ્ધાં નહોતું સાંભળ્યું. થોડા વખત પછી રોમાં રોલાંએ મહાત્મા ગાંધી પર લખેલ પુસ્તક પ્રકાશિત થયું. મેડેલીને આખું પુસ્તક એક જ દિવસમાં પૂરું કર્યું અને તે સાથે જ તેને સમજાઈ ગયું કે જિંદગીમાં તેને જેની તલાશ હતી તે ધ્યેય તેને મળી ગયું છે. તેને મહાત્મા ગાંધી પાસે જવાનું હતું. અત્યાચાર અને અન્યાય વિરુદ્ધ અહિંસા અને સત્યની મદદથી લડનાર આ અનન્ય પુરુષના સિદ્ધાંતોને અનુસરવા અને તેમાં સાથ આપવા ભારત જવાનું હતું. મેડેલીનની ઈચ્છા અને પ્રેરણા એટલાં તો પ્રબળ હતાં કે તેનાં કુટુંબે આ વાતનો ક્યારેય પણ, જરા પણ વિરોધ ન કર્યો. નહીં તો, જે અંગ્રેજ અધિકારીનો મોટા મોટા અફસરો અને મંત્રીઓ સાથે સંપર્ક હતો, તેની પુત્રી બ્રિટીશ સામ્રાજ્યના કટ્ટર વિરોધી સાથે રહેવા જવાનો, તેને સાથ આપવાનો નિર્ણય કરે એ કોઈ નાનીસૂની ઘટના નહોતી. પોતાની આત્મકથા ‘ધ સ્પિરિટ્ઝ પિલ્ગ્રિમેજ’માં મીરાબહેને લખ્યું છે, ‘બધા જાણે સમજી ગયા હતા કે ભારત આવવું એ જાણે મારી એક આધ્યાત્મિક જરૂરિયાત છે અને તેને અનિવાર્ય માનીને બધાએ તેનો સ્વીકાર કરી લીધો હતો.’

રોમાં રોલાંનું મહાત્મા ગાંધી પરનું પુસ્તક વાંચીને પહેલાં તો એ તત્કાળ ભારત આવવા તૈયાર થઈ ગયાં હતાં, પણ પછી લાગ્યું કે ત્યાં જતાં પહેલાં, ત્યાંની સંસ્કૃતિ અને જીવનશૈલી પ્રમાણે કેળવાવું અગત્યનું છે. આથી એક વર્ષ સુધી તેમણે પોતાના મન અને શરીરને તાલીમ આપી. કાંતણ શીખ્યાં, ભોંય પર સૂવાનું અને પલાંઠી વાળીને બેસવાનું ચાલુ કર્યું, મદિરા અને માંસાહાર છોડ્યો અને ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું, જે તેમને ખૂબ કઠીન લાગ્યું. ભગવદગીતા અને વેદો પણ ફ્રેંચ ભાષામાં વાંચ્યાં. થોડા મહિનાઓ પછી તેમણે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો અને તેમની પાસે આવવાની પોતાની ઈચ્છા જણાવી. મહાત્મા ગાંધીની મંજૂરી મળતાં તેઓ અત્યંત આનંદિત થયાં અને એક વર્ષની સ્વયંતાલીમ બાદ 6 નવેમ્બર, 1925ના રોજ ભારત આવ્યાં.

સાબરમતી આશ્રમમાં તેમનો નિત્યક્રમ અત્યંત વ્યસ્ત રહેતો. ગાંધીજીની સૂચનાથી તેમણે હિંદી શીખવાનું શરૂ કર્યું. તે ઉપરાંત પ્રાર્થના, કાંતણ, સફાઈ, રસોઈ, વાચન આ બધામાં તેઓ ધીરે ધીરે પરોવાતાં ગયાં. તેમણે પોતાની આત્મકથામાં બહુ નિખાલસતાથી કબૂલ્યું છે કે, એક વર્ષ સુધી મેં મારી જાતને આ બધા માટે તૈયાર કરી હોવા છતાં આશ્રમજીવનથી ટેવાતાં મને ખાસ્સી વાર લાગી. અહીંની ગરમી તેમને પરેશાન કરતી અને મેલેરિયા તો અવારનવાર થઈ જતો. શરૂઆતમાં ખોરાક પણ માફક ન આવતો. તબિયત કથળી જતી. છતાં સહેજ પણ નાસીપાસ થયા વગર તેમણે પોતાની સાધના ચાલુ રાખી. હિંદી સારી રીતે શીખી શકાય તે માટે ગુજરાત છોડીને વર્ધા અને રાજસ્થાન ગયાં. બાપુએ સ્પષ્ટપણે કહ્યું હતું કે હિંદી પર બરાબર કાબૂ આવી જાય ત્યાર પછી જ તેઓ મીરાબહેનને પોતાની સાથે પ્રવાસે લઈ જઈ શકે. તેમને કંઈક કામ સોંપી શકે.

હિંદી શીખી લીધા બાદ તેમણે બાપુના કાર્યોમાં સાથ આપવા માંડ્યો. બાપુ પોતાનાં રચનાત્મક કાર્યોના પ્રસાર માટે અવારનવાર પ્રવાસ ખેડતા ત્યારે મીરાબહેન સાથે જતાં અને બાપુનાં કપડાં, આહાર, આરામ, દવા-દારૂ વગેરે ઝીણામાં ઝીણી બાબત અને જરૂરિયાતોનો ખ્યાલ રાખતાં. ગાંધીજીએ બ્રિટીશ શાસન સામે છેડેલી લડાઈ અને તેમણે અપનાવેલી નીતિઓ – અસહકાર, સત્યાગ્રહ, વિદેશી ચીજોનો બહિષ્કાર વગેરેમાં તેમણે મૂક રીતે સાથ આપ્યો. કૉંગ્રેસના અધિવેશનોમાં અને દેશનેતાઓ સાથેની ચર્ચા-વિચારણામાં તેઓ હંમેશાં ગાંધીજીની સાથે રહેતાં. 1931માં લંડનમાં યોજાયેલા ગોળમેજી પરિષદમાં ગાંધીજીની સાથેસાથ ખાદીની જાડી સાડીમાં લપેટાયેલી આ અંગ્રેજી મહિલા સહુનું ધ્યાન ખેંચતી હતી. તેમણે અમેરિકા જઈ, તે વખતના પ્રમુખ રૂઝવેલ્ટને મળીને ભારતની પરિસ્થિતિ સમજાવેલી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’નું મહાદેવભાઈ દેસાઈ અંગ્રેજીમાં ભાષાંતર કરતા હતા ત્યારે તેનું પ્રૂફ તપાસવાનું કામ મીરાબહેને ઉપાડી લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઓરિસ્સા જઈને જાપાની સૈન્યના આક્રમણનો અહિંસાથી પ્રતિકાર કરવા તેમણે લોકોને સમજાવેલાં. 1942ની ‘હિંદ છોડો’ ચળવળના એલાન પછી ગાંધીજી, કસ્તૂરબા, મહાદેવભાઈ દેસાઈ અને સરોજિની નાયડુ સાથે મીરાબહેનને પણ પૂનાના આગાખાન પેલેસમાં નજરકેદ રાખવામાં આવ્યાં હતાં. 1942થી 1944 સુધી તેઓ અહીં નજરકેદ રહ્યાં, જે દરમિયાન મહાદેવભાઈ અને કસ્તૂરબાનું આગાખાન પેલેસમાં જ મૃત્યુ થયું. આ બંને પ્રસંગોને મીરાબહેને પોતાની આત્મકથામાં ખૂબ લાઘવથી પણ હૃદયંગમ રીતે વર્ણવ્યા છે.

ભારતને 1947માં આઝાદી મળ્યા પછી તેમણે પોતે સ્વતંત્ર રીતે રચનાત્મક કાર્ય કરવાની ઈચ્છા દર્શાવી અને ગાંધીજીની પરવાનગી લઈ હરિદ્વાર નજીક કિસાન આશ્રમ ખોલ્યો, જ્યાં કાંતણ, વણાટ અને પશુપાલનનું કામ થતું. બીમાર ગ્રામીણો માટે એક દવાખાનું પણ તેમણે અહીં શરૂ કર્યું. થોડાં વર્ષો પછી ઉત્તરપ્રદેશની સરકારે તેમને પશુકલ્યાણ અંગેની બે યોજનાઓ ઉપાડી લેવાની દરખાસ્ત કરી. તેમણે આ દરખાસ્ત સ્વીકારી લીધી અને ઋષિકેશ નજીક ‘પશુલોક આશ્રમ’ની સ્થાપના કરી. અહીં બીમાર પ્રાણીઓનો ઈલાજ થતો. એક ગૌશાળા પણ તેમણે અહીં બનાવી. તેમને આશા હતી કે બાપુ આરામ કરવા ગંગાકિનારાના આ શાંત, પવિત્ર અને રમણીય સ્થળે ક્યારેક જરૂર આવશે. ગાંધીજીની પણ આ આશ્રમમાં આવવાની ખૂબ ઈચ્છા હતી, પણ આઝાદી પછી તેમણે જે ભારત જોયું તેનાથી તેઓ ઘણા વ્યથિત હતા. અને ખૂબ નિરાશ હતા તેટલા ભાગ્યે જ બીજા કોઈ તેમને સમજી શક્યા હતા. હજુ તેમના પ્રવાસો ચાલુ હતા અને દેશના નેતાઓ તેમને દિલ્હીની બહાર બહુ જવા દેવા રાજી નહોતા. મીરાબહેન ગાંધીજીને જેટલા સમજી શક્યાં હતાં તેટલા ભાગ્યે જ બીજા કોઈ તેમને સમજી શક્યા હતા. ગાંધીજીની અંદરની વ્યથા અને નિરાશા જોઈને તેમને ડર લાગતો હતો કે જો તેમને જીવવાની ઈચ્છા જ નહિ રહે તો તેમને કેવી રીતે બચાવી શકાશે ? મીરાબહેને લખ્યું છે : ‘કોંગ્રેસી નેતાઓ હવે મોટાં મોટાં સરકારી મકાનોમાં રહેવા લાગ્યા હતા, જાણે જન્મથી જ એમાં રહેતા હોય. બાપુની દીર્ધ અને શાન્ત દષ્ટિએ તો એક એવા સાત્વિક, સ્વસ્થ અને સુખી ભારતની કલ્પના કરી હતી, જે સ્થિરતા અને શાન્તિનો માર્ગ ચીંધે, પરંતુ હવે જે ભારત સામે દેખાઈ રહ્યું હતું તેમાં બાપુને જીવતા રહેવાની ઈચ્છા નહોતી રહી. એક દિવસ મેં એમને કોઈને કહેતાં સાંભળ્યા કે, ખબર નહિ તમે આ આઝાદી વિષે શું માનો છો. મારા માટે તો એ એક ભ્રમનિરસન સિદ્ધ થઈ છે.’

બાપુ મીરાબહેન સાથેના પત્રવ્યવહારમાં ઘણીવાર હવે મૃત્યુનો ઉલ્લેખ કરતા અને થયું પણ એવું જ. આઝાદી પછી ગણતરીના મહિનાઓમાં જ, 30 જાન્યુઆરી, 1948ના રોજ તેમની હત્યા થઈ. મીરાબહેનને જ્યારે પશુલોક આશ્રમમાં આ સમાચાર મળ્યા ત્યારે તેઓ મૂર્છા પામી ગયા, પણ મૂર્છામાંથી બહાર આવ્યા પછી તેઓ ખૂબ ઝડપથી સ્વસ્થ થઈ ગયાં. તેમને બાપુના શબ્દો યાદ આવ્યા. તેમણે કહ્યું હતું, ‘તું જ્યાં હોય ત્યાં જ રહેજે, તારું કામ ચાલુ રાખજે… અંતિમ દર્શન કરવાનો કોઈ અર્થ નથી. એ આત્મા, જેને માટે તને પ્રેમ છે, તે તો હંમેશાં તારી સાથે જ છે.’ લોકોની ખૂબ સમજાવટ છતાં તેઓ દિલ્હી બાપુની અંતિમક્રિયામાં ન ગયાં. પોતાનું કામ ચાલુ રાખ્યું અને ઋષિકેશના પવિત્ર ઘાટ પર ગંગામાં તેમની ભસ્મ પધરાવીને તેમને અંતિમ અંજલિ આપી. ફ્રેબુઆરીમાં તેઓ દિલ્હી ગયાં, પણ ત્યાંનું સમગ્ર વાતાવરણ તેમને નિ:સ્તબ્ધ, નિષ્પ્રાણ અને નિરાશાપૂર્ણ લાગ્યું. તેનું વર્ણન કરતાં તેમણે લખ્યું છે, ‘જવાહરલાલ પીળા અને નિસ્તેજ દેખાતા હતા, વલ્લભભાઈ મૌન શોકમાં ડૂબેલા હતા. કોઈને ન કાંઈ કહેવાનું હતું. ન કરવાનું. દિલ્હી એક મડદાંની નગરી લાગતી હતી, જ્યાં સહુ પોતાના શોકની છાયામાં ચાલતા હોય તેમ લાગતું હતું. હું બિરલા ભવન ગઈ, રાજઘાટ ગઈ. દરેક જગ્યાએ એ જ નિરાશા, એ જ નિ:શબ્દ શૂન્યતા. મેં મારી જાતને કહ્યું : ચાલ, પાછી ફરું એ ખેતરો અને જંગલોમાં, જ્યાં જીવન અને પ્રકાશ છે. જ્યાં પ્રકૃતિ જાણતી જ નથી કે મૃત્યુ પામેલાં માટેનો શોક શું ચીજ છે, કારણ કે પ્રકૃતિમાં તો મૃત્યુ છે જ નહિ. મારા માટે બાપુ અહીં નથી, ત્યાં છે. અને હું તરત જ ‘પશુલોક’ પાછી ફરી.’

મીરાબહેન બાપુના મૃત્યુ પછી 11 વર્ષ સુધી ભારતમાં રહ્યાં, પણ જે ગાંધીજીએ આઝાદી અપાવી, એનાં જ મૂલ્યોને દફનાવીને ચાલતા નેતાઓ, અમલદારો અને દેશને જોઈને તેમનું દિલ તૂટી ગયું હતું. ગ્રામકલ્યાણ અને પશુકલ્યાણના તેમના રચનાત્મક કાર્યોમાં હવે તેમને અવારનવાર નોકરશાહીની દખલ અને અડચણો અનુભવાતી હતી. છેવટે અંતરાત્મામાંથી ફરી એક અવાજ આવ્યો, જેને આદેશ માનીને તેમણે પાછું બિથોવનના સંગીતમાં લીન થઈ જવાનું નક્કી કર્યું. ઈ.સ. 1959માં તેઓ ભારત છોડી ઓસ્ટ્રિયા ગયાં અને બિથોવનના શહેર વિયેના નજીકના એક ગામમાં જઈને વસ્યાં. અહીં તેઓ 23 વર્ષ રહ્યાં, પણ કદી ભારત પાછાં ન આવ્યાં. 1978માં તેઓ ઈંગ્લૅન્ડમાં હતાં, ત્યારે ‘ગાંધી’ ફિલ્મ બનાવનાર સર રિચાર્ડ એટનબરો વારંવાર તેમને ફિલ્મની પ્રત બતાવતા અને તેમની સાથે ચર્ચા કરતા. ઓસ્ટ્રિયા વસવાટ દરમિયાન તેમણે બિથોવન પર એક પુસ્તક લખ્યું. અંતિમ દિવસો સુધી સંગીતની આરાધના કરવાનો અને સફેદ ખાદીના ડગલામાં માથે સ્કાર્ફ બાંધીને નજીકના જંગલોમાં ફરવા જવાનો તેમનો નિત્યક્રમ ચાલુ રહ્યો હતો. 1982માં 90 વર્ષની જૈફ ઉંમરે તેમનું અવસાન થયું. જન્મે ભારતીય ન હોવા છતાં જેનો આત્મા નિતાંત ભારતીય હતો, ભારતની આઝાદીની લડતમાં અંગ્રેજ હોવા છતાં જેણે સતત સાથ આપેલો, વેદ અને ઉપનિષદો જેને અત્યંત પ્રિય હતાં અને મહાત્મા ગાંધીનાં જે અનન્ય ભક્ત હતાં એવાં આ મહિલાના મૃત્યુના ચાર-પાંચ માસ પહેલાં તેમને ‘પદ્મવિભૂષણ’થી નવાજવાનું ભારત સરકારને યાદ આવેલું !

મીરાબહેને લખેલ આત્મકથા ‘The Spirit’s Pilgrimage’ નો ‘એક સાધિકાની જીવનયાત્રા’ નામે ગુજરાતીમાં અનુવાદ થયો છે. તેમની આત્મકથામાં ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામ અને મહાત્મા ગાંધીનું સુંદર રેખાંકન થયું છે. આત્મકથા ખૂબ રસાળ અને સાદી ભાષામાં લખાયેલી છે. વાંચતા સમજાય છે કે તેઓ એક ઉત્કૃષ્ટ લેખિકા પણ હતાં. તેમની આત્મકથામાંથી એક એવા સૂફી આત્માનો પરિચય મળે છે કે જે પ્રકૃતિ, પ્રાણીઓ, સંગીત અને ગાંધી સાથે ઓતપ્રોત થતાં થતાં છેવટે પરમ તત્વ સાથે ઓતપ્રોત થઈ ગયો હતો.

[કુલ પાન : 354. કિંમત રૂ. 200 (આવૃત્તિ 1999 પ્રમાણે) પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001. ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વાદિષ્ટ સૂપ અને વિવિધ ચીકીઓ – સંકલિત
આઝાદી કી મશાલ – સં. મહેન્દ્ર મેઘાણી Next »   

22 પ્રતિભાવો : વીસમી સદીની એક સાધિકા મીરાબહેન – બેલા ઠાકર

 1. Rajani Mehta says:

  What a dedication, determination and commitment towards values. We can take lession from this and put all our efforts to see ” Gandhiji na swapna nu Bharat”.
  Nothing is impossible, if we all decide it is possible.
  On this 26th January “Vande Matram” JAI HIND

 2. navinnmodi says:

  સૌ પ્રથમ સર્વેને પ્રજાસત્તાક દિવસના હાર્દિક અભિનંદન.
  આ પ્રસંગને અત્યંત અનુરુપ મીરાબેનનો પરિચય વાંચી આમ તો આનંદની લાગણી થવી જોઈએ. પરંતુ આઝાદી મેળવવામાં જે લોકોનો અનુપમ ફાળો છે એ બધાની આઝાદી પછીની પરિસ્થિતિથી થયેલી વેદના જાણી વિષાદ થયો.
  આ વિષમ પરિસ્થિતિમાંથી દેશ હેમખેમ બહાર આવે એવી આ પ્રજાસત્તાક દિવસે ઈશ્વરને આપણે સૌ પ્રાર્થના કરીએ.

 3. nayan panchal says:

  ખરેખર મીરાબહેન એક સાચા ભારતીય હતા.

  માહિતીપ્રદ લેખ બદલ આભાર.

  નયન

 4. આ પુસ્તકના પરિચય માટે આભાર. મીરાંબેન વિષે વિગતે જાણીને આનંદ થયો. મનમાં એમના વિષેનું એક સૂતેલુ કુતૂહલ હતું.

 5. pragnaju says:

  પ્રજાસત્તાક દિવસના હાર્દિક અભિનંદન
  ગાંધીજીની વિશ્વમાં ફેલાયેલી સુવાસથી આકર્ષિત થઇને સાબરમતી આશ્રમમાં રહેવા આવી ગયેલી મેડેલિન સ્લેડ નામની મહિલાને મહાત્મા પ્રત્યે કૂણી લાગણી હતી. જોકે, ગાંધીજીએ કયારેય મીરાબહેન તરફ પ્રેમનો એકરાર કર્યો હોય કે એવું વર્તન દાખવ્યું હોય એવું જણાતું નથી. પણ, મીરાબહેનના વર્તનમાં તેઓ ગાંધીજીના એકતરફી પ્રેમમાં હતાં એવું તો દેખાઇ જ આવે છે. છતાં, ગાંધીજી પ્રત્યેના અપાર આદરના કારણે તેમણે પણ મર્યાદા ઓળંગવાનો પ્રયાસ કર્યો નહોતો. ગાંધીજી કદાચ મીરાબહેનના મનને પામી ગયા હશે એટલે મીરાબહેનના મનને અન્યત્ર વાળવા પ્રયત્નો કર્યા હતા. બંનેના પત્રવ્યવહારમાં આ બાબત સ્પષ્ટ દેખાઇ આવે છે. ક્રાંતિનો માર્ગ છોડીને આશ્રમમાં રહેવા આવી ગયેલા ક્રાંતિકારી પૃથ્વીસિંહ માટે પણ મીરાબહેનના હૃદયમાં પ્રેમના અંકુરો ફૂટયા હતા. પૃથ્વીસિંહ મીરાને પ્રેમ કરતા નહોતા છતાં, ગાંધીજીએ બંનેને પરણાવી દેવા માટેની તજવીજ કરી હતી. જમનાલાલ બજાજને બોલાવીને બાપુએ કહ્યું હતું કે, ‘આપણું કર્તવ્ય છે કે પૃથ્વીસિંહને સમજાવીએ કે તારા માટે જે વ્યકિત તપ કરે છે તેનું જીવન જોખમમાં છે, હઠ છોડીને તેને અપનાવી લો.’ જો કે, પૃથ્વીસિંહે કોઇ સમજાવટના તાબે થવાને બદલે સ્પષ્ટ કહ્યું કે ‘મીરાને મેં હંમેશાં ભત્રીજી સ્વરૂપે જોઇ છે, તેને ભાર્યા કેમ બનાવું ? પૃથ્વીસિંહે મીરા સાથે લગ્ન ન કર્યા અને, મીરાબહેન ઋષિકેશમાં ગાંધીપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઇ ગયાં.

 6. dipak says:

  Vande Matram & Happy Republic Day to all.It is nice to read somthing about the person who has dedicate her life for the country where she wasn’t born.thanx Belaben for this article.

 7. Rajni Gohil says:

  બહુ જ સુંદર આલેખન આપણને બતાવે છે કે ફક્ત ભારતમાં જન્મવાથી ભરતીય નથી બની જવાતું. ગમે તે બહાને વિદેશમાં જઇને વસેલાને શું સાચા ભરતીય ગણી શકાય? મધર ટેરેસા પણ ભારતીય બની ને ભારતીયોની સેવા કરીને અમર થઇ ગયા.

  ફક્ત મંદિરે દર્શન કરવા જવાથી સાચા ભક્ત બની જવાય છે? તેથી તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મન્મના ભવ – તારું મન આપ. ગીતાના આ આદેશને જીવનમાં ઉતારનાર મીરાંબેન સાચા ભરતીય હતાં. કહેવાની જરુર ખરી કે મન, કર્મ અને વચનથી જ સાચા ભારતીય બની શકાય?

  વિદેશી ગાડીઓમાં ફરનાર, વિદેશી વસ્તુઓ વાપરના કે વિદેશી રીતભાતનું અનુકરણ કરનાર યુવાનો, નેતાઓ કે વેપારીને આમાથી બોધપાઠ લઇ સાચા ભરતીય બનવાની શિખામણ અપીએ એ પહેલાં આપણે સાચા ભારતીય બનવાની મનમાં ગાંઠ વાળી તે દિશા તરફ પ્રયત્ન ચાલું કરી દઇએ. તો આ લેખ વાંચ્યોં સાર્થક ગણાશે. જાગ્યા ત્યારથી સવાર.

 8. Veena Dave,USA. says:

  Belaben,
  Very good article. Thanks for the information.
  Happy Republic day.

 9. shruti maru says:

  good articale.

 10. Gira says:

  this is just too good and there aren’t any words that i can describe what Mira Ben had offered left.. simply amazing dedication.. can’t compensate her in any era… loved reading this lekh.. thanks

 11. સુરેશ જાની says:

  અત્યંત પ્રેરણાદાયક ચરીત્ર. બહુ જ ગમ્યું. આ વાંચવાની તક આપવા માટે ખુબ આભાર.
  ચર્ચીલે કહેલું વાક્ય યાદ આવી ગયું ,” ભારતને આઝાદી આપીને આપણે એની ગરીબ , અબુધ અને અજ્ઞાન પ્રજાને ગીધોના હવાલે કરી દઈએ છીએ.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.