આઝાદી કી મશાલ – સં. મહેન્દ્ર મેઘાણી

indian_flag

[આજે 26મી જાન્યુઆરી. આજના પ્રજાસત્તાક પર્વની સૌ વાચકમિત્રોને શુભકામનાઓ. પ્રસ્તુત છે આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા સંપાદિત ‘આઝાદી કી મશાલ’નામની ખિસ્સાપોથીમાંથી કેટલાક પ્રેરણાદાયી લેખો. ખિસ્સાપોથીની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સરકારનું એ ગજું નથી – વિનોબા ભાવે

જો આપણને કંઈક એવો ખ્યાલ હોય કે અત્યારે જે લોકોના હાથમાં રાજવહીવટની સત્તા છે તેને બદલે તે આપણા હાથમાં આવે તો આપણે વધારે કામ કરી શકીએ, તો એ ખ્યાલ ભૂલભરેલો છે. ખુદ મારા હાથમાં સત્તા હોત તો હું પણ ઝાઝું કામ ન કરી શકત. એનું કારણ એ છે કે સરકાર કદી ક્રાંતિકારી હોતી નથી. સરકાર તો આમજનતાનું પ્રતિબિંબ હોય છે. એને જ લોકશાહી કહે છે. લોકો બૂરી વસ્તુ પસંદ કરશે, તો લોકશાહી સરકાર પણ બૂરી વસ્તુ પસંદ કરશે. વધુમતી સંખ્યાને દારૂ પીવો હશે, તો સરકાર દારૂબંધી નહીં કરી શકે. કોઈ સરકાર કાયદાથી ન્યાતજાત વગરનો સમાજ રચી શકશે ખરી કે ? સરકાર જો ખરેખર પ્રજા-સત્તાક હોય, તો એમાં પ્રજાનું દર્શન થયા વિના કેમ રહે ? એથી ઊલટી સ્થિતિ હશે તો એ સરકાર સારી હશે તોયે લોકશાહી સરકાર નહીં હોય.

આથી જે લોકો નવો સમાજ રચવા માગે છે તેમને રાજ્યસત્તાનું ક્ષેત્ર છોડીને કામ કરવું પડે છે અને તેવા કામમાંથી જ ક્રાંતિ કરવાને જરૂરી સત્તા એ લોકો મેળવે છે. બુદ્ધ ભગવાન સમાજમાં ક્રાંતિ કરાવવા માગતા હતા, એટલે તો એમને પોતાના હાથમાં હતું તે રાજ્ય પણ છોડવું પડેલું. રાજ્યસત્તા હાથમાં રાખીને તેઓ ક્રાંતિ ન કરાવી શકત – બહુ તો એક સારા રાજા થઈ ગયા હોત, પરંતુ ક્રાંતિકાર ન થયા હોત. અકબર ઘણો સારો રાજા હતો, પણ તે ક્રાંતિકારી નહોતો. બુદ્ધે ક્રાંતિ કરી, ઈશુએ ક્રાંતિ કરી, ગાંધીજીએ ક્રાંતિ કરી; પરંતુ એ સૌએ ઉપાસના કરી નૈતિક શક્તિની. નૈતિક શક્તિ નિર્માણ કરવાનું સરકારનું ગજું હોતું નથી. તે તો એ શક્તિની પાછળ પાછળ ચાલે છે.

[2] ઓસવાતો આત્મા – ઉમાશંકર જોશી

azadinimashalગયાં સો વર્ષોમાં એકસાથે ભારતમાતાની કૂખમાંથી કેટલાં રત્નો નીકળ્યાં ! હિંદના કોઈ પણ એક ખૂણાના સંતજનના હૃદયમાં ઊર્મિ ઊછળે, અને સારા દેશના હૃદયના તાર ઝણઝણી ઊઠતા. આજે વ્યવહારનાં આટઆટલાં સાધનો ખડકાયાં છે, રોજ વર્તમાનપત્રો બહાર પડે છે, તેમ છતાં એ વખતના જેવું એકતારપણું આપણે સાધી શક્યા છીએ કે કેમ એ વિચારવા સરખું છે. દેશને ખૂણેખૂણે ફરીએ અને એક નિશ્વાસ નીકળી જાય છે : એ વિભૂતિઓ ક્યાં છે ? આપણને પ્રેરણા આપે એવા પુરુષો ક્યાં છે ? એવી સન્નારીઓ ક્યાં છે ?

પ્રજાઓને મહાનરો જોઈએ છે. પ્રજાની વીરપૂજાની ભાવનાને જાગૃત કરી તેની કાર્યશીલતાને એક વધુ વળ આપવાનું પૂર્વજોના નામસંકીર્તનથી વધારે સુકર બને છે. પણ પ્રજામાં વીરપૂજાની ભાવના કેળવવી જ હોય તો ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂર્વજોમાંથી ઉત્તમોત્તમને જ વીરપૂજાના અર્ઘ્ય અર્પવામાં આવે. જે પ્રજા સાચા પૂર્વજોને ઓળખી શકતી નથી, તે ક્રમે-ક્રમે પૂજ્ય પુરુષો પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. પૂર્વજોમાંથી પ્રથમ કક્ષાનાઓને પડતા મૂકી ઊતરતી કક્ષાના ઠિંગુજીઓને જે પ્રજા પૂજે છે, તે પોતાના આદર્શોને પણ એ ધોરણ પર લાવી મૂકે છે.

યુગો પછી પહેલી વાર પ્રજાસત્તાકનો મોભો પ્રાપ્ત કરનાર આપણા આ મહાન દેશમાં લોકશાહીને મજબૂત બનાવવામાં આપણા તરફથી નજેવો ફાળો અપાયો છે. લોકશાહી તો એક વટવૃક્ષ જેવી છે. જેમ વડ ઊંચો જાય છે તેમ તેને નીચે પાછા વળવાનું સાંભરે છે, અને જમીન તરફ શાખાઓ ફેલાવી માટીમાં એ મૂળિયાં નાખે છે. લોકશાહી તો જ જીવી શકે, જો શાખાઓ મૂળિયાં જમાવે. પછી એ ગમે તેવા ઝંઝાવાતની સામે અડીખમ ઊભી શકે. વાવાઝોડાની સામે લોકશાહીને પગભર રાખી શકે એવી ઘણી ઘણી સંસ્થાઓ હોવી જોઈએ.

સવારે ઊઠ્યા અને રાતે સૂતા તે વચ્ચે દિવસભરમાં એક વાર પણ જેણે આખા દેશનો વિચાર કર્યો હોય, એવી વ્યક્તિઓ કેટલી હશે ? સ્વતંત્રતા માટે લડતા હતા ત્યારે ગામડામાં બેઠેલો નાનો અમથો સેવક, ગ્રામસફાઈ કરતાં કે રેંટિયો કાંતતાં, વાઈસરોયને ગાંધીજીએ લખેલા પત્રનો કે એવા કોઈ નિવેદનનો ખુમારીપૂર્વક વિચાર કરતો અને પોતાના હૃદયના તાર રાષ્ટ્રીય ધ્યેય સાથે સાંધતો. આજે એવું સંધાન જવલ્લે જ જોવા મળે છે. જાણે કે દરેક વ્યક્તિ, દરેક જૂથ પોતાનું ભરી લેવા માંગે છે; પછી આખા દેશનું ગમે તે થાઓ. કદાચ જે મૂળે આપણી રાષ્ટ્રીય કમજોરી હતી જ, તે લોકશાહી સ્વાતંત્ર્ય મળ્યા પછી વધુ વકરી છે. આપણે સૌએ સચેત થઈને વિચારવા જેવો મોટો પ્રશ્ન હોય તો તે એ છે કે ભારતની લોકશાહીને થયું છે શું ? કેમ કશું થતું નથી ? કેમ આપણે આપણી જાતને ગરીબીમાંથી ઊંચે ઉઠાવી શકતા નથી ? કેમ વધુ ને વધુ લોકો ગરીબીની રેખાની નીચે હડસેલાતા જાય છે ? દેશનો અત્યારનો મહારોગ છે પ્રજાનું કંઈ કામ થતું નથી તે. સત્તારખુ રાજરમતો કુલ શક્તિ અને સમયને ખાઈ જતી લાગે છે. અત્યારની સરકારોનાં મંડાણ મહદ અંશે ભ્રષ્ટાચાર ઉપર થયેલ હોય છે. જે સરકાર ભ્રષ્ટાચાર દ્વારા અસ્તિત્વમાં આવે છે, તે ભષ્ટાચાર અને હિંસા દ્વારા ટકી રહે છે. સંઘરાખોરો અને નફાખોરો પાસેથી ભ્રષ્ટાચારી સરકાર જે બધા પૈસા મેળવે છે, તે છેવટે તો ચીજવસ્તુ ખરીદનારાઓ તરીકે (લોકોએ) જ કમ્મર વાંકી કરીને ચૂકવવાના રહે છે.

[3] પામરતાનું પાપ – મો. ક. ગાંધી

દેશમાં પક્ષો તો હંમેશાં રહેવાના જ. પણ આપણામાંથી જે વસ્તુ હું દૂર કરવા ઈચ્છું છું તે તો એ કે, આપણે એકબીજા પર ખોટા હેતુઓનું આરોપણ ન કરીએ. આપણને ઘેરી વળેલું પાપ એ આપણા મતભેદો નથી પણ આપણી પામરતા છે. શબ્દો ઉપર આપણે મારામારી કરીએ છીએ. ઘણી વાર તો પડછાયાને માટે આપણે લડીએ અને મૂળ વસ્તુ જ ખોઈ બેસીએ છીએ. ખરેખર નડનારી વસ્તુ આપણા મતભેદો નથી, પણ તેની પાછળ રહેલી આપણી લઘુતા છે.

[4] છે કોઈ વીરલો ? – રાજમોહન ગાંધી

તમામ સંપત્તિ પેદા થાય છે માત્ર મહેનતમાંથી. આપણે બધા મહેનત ઓછી કરીએ, કામ ઓછું કરીએ અને છતાં રાષ્ટ્રનું ઉત્પાદન વધે, એટલે કે રાષ્ટ્રીય સંપત્તિ વધે, તે તો અશક્ય છે. કરોડો ભારતવાસીઓને પડકારીને વધારે પરિશ્રમ કરવાની પ્રેરણા કઈ રીતે આપી શકાય ? જાતે વધુ આપવાની અને બદલામાં ઓછું માગવાની ચાનક એ કરોડોને શી રીતે ચડાવી શકાય ? એવો કોઈ માનવી છે ખરો, જે રાષ્ટ્રને સત્ય સંભળાવે ? પોતાનો જ સ્વાર્થ, પોતાની જ ભીરુતા આપણા રાષ્ટ્રની કૂચની આડે આવે છે, એવું કહેનારો છે કોઈ વીરલો ?

[5] જૂનું માનસ અકબંધ – મનુભાઈ પંચોળી ‘દર્શક’

ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં કહ્યું છે કે, ‘અંગ્રેજોએ હિંદુસ્તાન જીત્યું નથી, પણ આપણે તેમને સોંપી દીધું છે.’ ભારે માર્મિક અને કડવું લાગે તેવું, છતાં અંદરથી સાચું વાક્ય છે. તે દિવસે સાચું, તેટલું જ આજે પણ સાચું. અંગ્રેજો થોડા હતા, ને આપણે તો અસંખ્ય હતા. આ થોડાએ અસંખ્યને કેમ હરાવ્યા ? આ થોડા અંગ્રેજોને લશ્કરના સિપાહીઓ ને વહીવટદારો કોણે પૂરા પાડ્યા ? આપણે જ એમના સિપાહી થયા, એમના વહીવટદાર થયા. તેનો અર્થ એ કે આપણે જ એમને આપણો દેશ સોંપી દીધો.

જમાનો બદલાતો ગયો, પણ આપણે ન બદલાયા. ન્યાતજાતનાં તે જ કૂંડાળાં, તે જ ધાર્મિક રૂઢિઓ, તે જ પરલોક-પરાયણતા, આ લોક વિશે તે જ બેદરકારી. આ બધાં અપલક્ષણો સાથે આપણે નવું બંધારણ ને નવી રાજપદ્ધતિ લાવ્યા, પણ આપણે તો જૂના ને જૂના જ રહ્યા. કોળી કોળી માટે, કણબી કણબી માટે, ગરાસદાર ગરાસદાર માટે, ભણેલા – ખરી રીતે ભૂલેલા – ભણેલા માટે, આ નવો જ્ઞાતિવાદ. બધું જૂનું માનસ અકબંધ રહ્યું. અંગ્રેજો ગયા, ગોરા સાહેબોને બદલે ઘઉંવર્ણા સાહેબો આવ્યા. તે આપણા મુનીમ છે, રાજ્ય આપણું છે તે આપણા લાભમાં ચાલે, એ જાતની જાગૃતિ નથી, જ્ઞાન કે અભ્યાસ નથી. રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તેવા પ્રજાકીય પ્રૌઢશિક્ષણની જરૂર છે. તે માટે આપણે જૂના વિચારો, જૂના આચારો, જૂની વર્ણવ્યવસ્થા, એવું કાંઈ કાંઈ બદલવું પડશે. નહીંતર એ જ મતદાનથી નબળાં તત્વો સત્તા પર આવશે. અંગ્રેજોને આપણે જ આપણો દેશ સોંપી દીધેલો, તેમ આજે દેશ ન્યાતજાતને આપણે સોંપી દીધો છે.

લોકશાહી તો એવું ઝાડ છે જેનો રસ પાંદડે પાંદડે, ડાળીએ ડાળીએ, મૂળિયામાં, થડમાં બધે ઊતરેલો હોય. પરંતુ આપણી લોકશાહી કેવળ રાજકીય લોકશાહી છે. સામાજિક લોકશાહી હજી જન્મી નથી. શું શેઠ અને ગુમાસ્તા વચ્ચે લોકશાહી છે ? અરે, પતિ-પત્ની વચ્ચે પણ ક્યાં લોકશાહી છે ? ખાઈ-પીને પતિદેવ આરામથી ખાટ પર બેસે, અને પત્ની ઠામ ઊટકવા બેસે ! આ રીતે માત્ર રાજકીય લોકશાહી હોય તે કેમ ટકી શકે ?

[6] પ્રજા તેજસ્વી હોય તો – નાનાભાઈ ભટ્ટ

પ્લેટોનું પુસ્તક ‘રિપબ્લિક’ મેં વાંચ્યું, અને કોઈ રાજા જ્ઞાની હોય તો રાજાશાહી પણ સુંદર પરિણામ આપે એવી વિચારણા થોડો વખત મારા મનમાં રહી ગઈ. પણ રાજા આવો જ્ઞાની ન હોય તો ? વળી જ્ઞાની રાજાના કુંવર પણ જ્ઞાની જ હશે, તેની શી ખાતરી ? એટલે પછી, રાજવહીવટની લગામ વંશપરંપરામાં ઊતરે એ વ્યવસ્થાના મૂળમાં જ દોષ છે, એમ હું સમજ્યો. પણ આ સમજણની સાથે જ એક બીજો વિચાર પણ મારા મનમાં ઊગ્યો : રાજ્યતંત્ર ગમે તે પ્રકારનું હોય; તંત્રનું બાહ્ય કલેવર રાજાશાહી હોય, લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય, કોમ્યુનિસ્ટ હોય – ગમે તે હોય; પણ પ્રજા પોતે જો તેજસ્વી હોય તો કોઈ પણ સરકારને પોતાના અંકુશમાં રાખી શકે છે. પ્રજામાં, મોટા ભાગના લોકોમાં, જો આખરે ખુવાર પણ થઈ જવાની તાકાત હોય તો કોઈ પણ રાજ્યસત્તાનો ભાર નથી કે તે પ્રજાને પીડી શકે.

પરંતુ રાજતંત્ર લોકશાહી હોય તો પણ, જો પ્રજા નિર્માલ્ય હોય અને શાસકો સત્તાલોલુપ હોય તો, લોકશાહીના બહારના માળખાની અંદર પણ બીજી કોઈ ‘શાહી’ ઢંકાયેલી રહી શકે છે.

[કુલ પાન : 32 (નાની સાઈઝ). કિંમત રૂ. 3. પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો. 23 (સરદારનગર), ભાવનગર-364001. ફોન : +91 278 2566402.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વીસમી સદીની એક સાધિકા મીરાબહેન – બેલા ઠાકર
બારસો ઉઘાડી બારીવાળો મહાલય – દીપક મહેતા Next »   

24 પ્રતિભાવો : આઝાદી કી મશાલ – સં. મહેન્દ્ર મેઘાણી

 1. Gira says:

  Happpy Republic Day!!!!!!!!!!!!
  jai hind!!! I love India!!!!!!

  Tu mera karma tu mera dharma tu mera abhimaan hai
  ae watan mehboob mere tujh pe dil qurbaan hai

  Hum jiyenge aur marenge ae watan tere liye
  Dil diya hai jaan bhi denge ae watan tere liye

  Hindu muslim sikh eshayi, hum watan hum naam hai
  jo kare inko judaa mazheeb nahin ilzaam hai
  hum jiyenge aur marenge ae watan tere liye
  dil diya hai jaan bhi denge ae watan tere liye

  Teri galiyoon mein chalakar nafarton
  ki valliya lut the hai kuch lutere dulhaano ki doliya
  lut the hai kuch lutere dulhaano ki doliya
  lelete hai bekhabar apne lahoon se goliyan

  Hum jiyenge aur marenge ae watan tere liye..
  dil diya hai jaan bhi denge ae watan tere liye

  Har karam apna karenge ae watan tere liye
  dil diya hai jaan bhi denge ae watan tere liye…
  -Karma(1986)

 2. nayan panchal says:

  “પરંતુ આપણી લોકશાહી કેવળ રાજકીય લોકશાહી છે. સામાજિક લોકશાહી હજી જન્મી નથી. ”

  એકદમ સાચી વાત.

  આપણે દેશભકિતની ભાવના વધુ પ્રગાઢ કરવાની જરૂર છે. આપણા યુવામિત્રોને પૂછવુ છે કે તમે જેટલા sms valentine’s day, friendship day, women’s day પર મોકલો છો, આજે કેટલા લોકોને વિશ કર્યુ. આપણા માટે ૨૬ જાન્યુઆરી માત્ર એક જાહેર રજાથી વધુ શું છે…

  મને આજે પણ યાદ છે કે જ્યારે હું નાનો હતો અને ધ્વજ વંદન કરવા માટે શાળાએ જવાનુ કહેતો હતો ત્યારે મારી મમ્મી કહેતી કે શું જરૂર છે. આવા ઘણા માતા-પિતાઓ મળી રહેશે. આપણે જે પણ કરીએ તેમા પરિવારની સાથે સાથે દેશને પણ (in fact, પરિવાર કરતા પણ વધુ) અગ્રતા આપવી જોઇએ.

  મુંબઈના આંતકવાદી હુમલા પછી આપણે શાંતિયાત્રાઓ યોજી, શહીદોને શ્રધ્ધાંજલિ આપી અને પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવ્યાનો સંતોષ માણી લીધો. મીણબત્તી ચઢાવવાથી કે બે મિનિટ મૌન પાળી લેવાથી તો ઊલટુ જે આપણી અંદરનો આક્રોશ હતો તે ઓછો થઈ ગયો. દેશભક્તિને હવે ઝનૂન બનાવવાની જરૂર છે તો જ આપણે ખરા અર્થમાં ભારતીય કહેવાશુ. બાકી કોઈ દેશભક્તિની ફિલ્મ જોઈને થોડી વાર માટે જોશમાં આવી જવુ કે આંતકવાદી સરકારને ગાળો આપવાથી શું મળશે !!!

  પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ, જય હિંદ.

  નયન

 3. કલ્પેશ says:

  એક વસ્તુ કરી શકીએ તો કરીએ.

  જેમ આપણે બધી વસ્તુ ભગવાન પર છોડી શકતા નથી તેમજ સરકાર પર દોષ ના ઢોળીએ.
  સવાલ કરીએ, જવાબ માંગીએ અને થોડી જવાબદારી પણ લઇએ.

  આપણા કરોડો ભાઇ-બહેનો, બાળકો જેને એક હાથ આપવાની જરુર છે તેમા આપણે કંઇ કરી શકીએ તો ભારત ખરા અર્થમા મહાન દેશ કહેવાશે.

  દા.ત. આપણે બધા આપણા એક સંતાન સિવાયના બીજા એક બાળકને ભણવામા અને આગળ વધવામા મદદ કરી શકીએ તો?

  જરુર છે આપણે આપણા ધર્મગ્રંથોનો ખરો અર્થ સમજવાની અને એને અનુકરણમા લાવવાની.

 4. gopal parekh says:

  શ્રી મહેન્દ્રભાઈએ ગુજરાતી સાહિત્ય માટે જે તપ કર્યુ છે અને હજી આજે પણ કરે છે એના ફળસ્વરુપે આ ખિસ્સાપોથીનુ વાચન આપણે સૌ માણી છીએ

 5. કલ્પેશ says:

  રવિશંકર મહારાજે કહ્યુ છે તેમ – એક ઘાસનુ તણખલુ શુ કરી શકે અને ઘાસના ઘણા તણખલા ભેગા મળે તો હાથીને પણ બાંધી શકે.

 6. કલ્પેશ says:

  અને એક વાત, જેમ આપણને આપણા પૂર્વજો માટે માન છે તેમ આપણે એવુ (ભલે નાનુ) કંઇ કરીએ કે આવનારી પેઢી પણ એમ વિચારી શકે (આપણા માટે).

 7. Sandhya Bhatt says:

  પ્રજાસત્તાકદિને તંદુરસ્ત,સાત્વિક,મનનીય,વ્યવહારુ અને જોશવાળા વિચારો આપવા માટે ખૂબ ખૂબ આભાર.

 8. Kavita says:

  Happy Republic Day to all read gujarati friends.

 9. pragnaju says:

  Although India obtained its independence on August 15, 1947, the Constitution of India came into effect only on January 26, 1950. During the transition period from 1947 to 1950, King George VI was the head of state. Lord Mountbatten and C. Rajagopalachari served as the Governors-General of India during this period. Following January 26, 1950, Rajendra Prasad was elected as the first president of India.

  To mark the importance of this occasion, every year a grand parade is held in the capital, New Delhi, from the Raisina Hill near the Rashtrapati Bhavan (President’s Palace), along the Rajpath, past India Gate and on to the historic Red Fort. The different regiments of the Army, the Navy and the Air Force march past in all their finery and official decorations. The President of India who is the Commander-in-Chief of the Indian Armed Forces, takes the salute. The parade also includes vibrant displays and floats and traditionally ends with a flypast by Indian Air Force jets.
  Carried with Care !!
  Coated with Pride !!
  Dipped in Love !!
  Fly in Glory !!
  Moments of Freedom in Shades of Joy !!
  JAI HIND

  Happy Republic Day!!

 10. Rajni Gohil says:

  માત્ર રાજકીય લોકશાહી હોય તે કેમ ટકી શકે ? ખૂબજ સાચી વાત કરી છે. કૂવામાં હોય જ તે હવાડામાં આવે ને!

  ખરેખર નડનારી વસ્તુ આપણા મતભેદો નથી, પણ તેની પાછળ રહેલી આપણી લઘુતા છે.

  બુદ્ધે ક્રાંતિ કરી, ઈશુએ ક્રાંતિ કરી, ગાંધીજીએ ક્રાંતિ કરી; પરંતુ એ સૌએ ઉપાસના કરી નૈતિક શક્તિની.

  વાવાઝોડાની સામે લોકશાહીને પગભર રાખી શકે એવી ઘણી ઘણી સંસ્થાઓ હોવી જોઈએ.

  મહેન્દ્રભઇએ પાયાની વાતો યોગ્ય સમયે આપણી સમક્ષ મુકી છે. ધન્યવાદ.
  ચાલો આપણે સહુ સાચી દિશામાં પગલાં ભરવાનું શરું કરી દઇએ.

 11. dipak says:

  ચાલો આપણૅ સૌ સાચી દિશામા પગલા ભરવાનુ શરુ કરી દઈએ.સાવ સાચ્ચિવાત.મુ.મહેન્દ્રભઇ,ખુબજ આભાર સહ અભિનન્દન્.

 12. Pradipsinh says:

  Inqlab zindabad

 13. Veena Dave,USA. says:

  Khub saras lekh. Jai Hind.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.