- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બારસો ઉઘાડી બારીવાળો મહાલય – દીપક મહેતા

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

આપણે ત્યાંની પરંપરા પ્રમાણે રોજ સવારે નહાતી વખતે ગંગા, જમુના, નર્મદા, ગોદાવરી વગેરેનાં પવિત્ર પાણીઓનું આવાહન કરવામાં આવતું અને સ્નાન સમયે આ બધી નદીનાં પાણી તાંબાકુંડીમાં આવી વસ્યાં છે એમ મનાતું. ગુજરાત અને ગુજરાતી ભાષાને સારે નસીબે છેલ્લાં પચાસ વર્ષમાં તેને દેશ અને દુનિયાની જ્ઞાન, માહિતી અને કલાઓની અનેક નદીઓનાં જળથી ભરેલી બારસો તાંબાકુંડીઓ મળી છે. આ બારસો તાંબાકુંડી તે આજ સુધીમાં પ્રગટ થયેલી બારસો પરિચય પુસ્તિકા. ગુજરાતીમાં તો પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અપૂર્વ અને અદ્વિતિય છે જ, પણ આપણા દેશની બીજી કોઈ ભાષામાં પણ આવી પ્રવૃત્તિ થઈ હોય કે થતી હોય એવું જાણ્યું નથી.

હજી તો દેશ માંડ આઝાદ થયો હતો એ વખતે મુંબઈમાં કૉલેજનું ભણતર પૂરું કરીને મધ્યમ વર્ગનો એક વિદ્યાર્થી અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાં વધુ અભ્યાસ માટે ગયો. શિકાગો યુનિવર્સિટીની પુસ્તિકા પ્રવૃત્તિ જોયા પછી તેણે એક સપનું સેવ્યું. ગુજરાતીમાં એવી પ્રવૃત્તિ શરૂ કરવાનું. એ યુવાનનું નામ વાડીલાલ ડગલી. પંડિત સુખલાલજીએ પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં. વિદ્યાર્થીકાળના મિત્ર યશવંત દોશીએ સાથ આપ્યો અને 32 વર્ષની ઉંમરે 1958ના એપ્રિલમાં વાડીભાઈએ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ શરૂ કરી. યશવંતભાઈની ઉંમર એ વખતે 38 વર્ષની. સાધન-સગવડને નામે મીંડું. વાડીભાઈએ જ પછીથી કહ્યું છે : ‘1958ના એપ્રિલમાં પહેલીએ પરિચય પુસ્તિકા પ્રગટ થઈ ત્યારે નહોતી ઑફિસ, નહોતો પટાવાળો. સાન્તાક્રુઝના મારા ઘરમાં પલંગ નીચે એક ખોખામાં પ્રવૃત્તિ અંગેનાં બધાં કાગળિયાં ભરી રાખતા. એ જ અમારું દફતર.’

પત્રો લખવાનું, સરનામાં કરવાનું, ટિકિટ ચોંટાડવાનું અને પોસ્ટ કરવાનું એવાં નાનાંમોટાં બધાં કામમાં વાડીલાલના નાના ભાઈઓ મદદ કરે. પુસ્તિકાઓનું પ્રકાશન શરૂ કર્યા પછી લગભગ સવા વર્ષે 1959ના જુલાઈની નવમી તારીખે પરિચય ટ્રસ્ટની સ્થાપના થઈ. તેના પહેલા પ્રમુખ હતા પંડિત સુખલાલજી. ત્યાર બાદ ગગનબિહારી મહેતા અને ઉમાશંકર જોશી જેવા પ્રતિભાશાળીઓ તેના પ્રમુખ બન્યા. અમેરિકન સેન્ટર, યુસીસની માન અને ધન આપતી નોકરી છોડીને 1963ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી યશવંતભાઈ પરિચય ટ્રસ્ટમાં મૅનેજિંગ એડિટર તરીકે જોડાયા. આ અંગે વાડીભાઈએ પોતે 1973માં લખ્યું હતું : ‘સામાન્ય રીતે એવી છાપ છે કે પરિચય ટ્રસ્ટ એટલે વાડીલાલ ડગલી, પણ યશવંતભાઈએ પરિચયની ધૂણી ધખાવીને મૂંગામૂંગા પરિચય પુસ્તિકા અને ગ્રંથનું કામ ધપાવ્યે રાખ્યું ન હોત તો પરિચય ટ્રસ્ટનો આટલો વિકાસ શક્ય બન્યો ન હોત. પાયાના પથ્થર થવાની વાત કવિતાઓમાં વાંચી છે, પણ અહીં મેં નજરે નિહાળી છે.’

અર્થશાસ્ત્ર, આરોગ્ય ઈતિહાસ-ભૂગોળ, કળા, કાયદો, ઘર અને કુટુંબ, તત્વજ્ઞાન, દેશ-પ્રદેશ, પત્રકારત્વ, પશુ-પંખી, પુરાતત્વ, બંધારણ, ભાષા-સાહિત્ય, માનસશાસ્ત્ર, રમતગમત, રાજકારણ, વિજ્ઞાન, વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, સમાજશાસ્ત્ર કે બીજા કોઈ પણ વિષય વિશે પાયાની અને આધારભૂત માહિતી ટૂંકમાં અને સરળ ભાષામાં જોઈતી હોય તો તમને એવી પાંચ-પંદર પરિચય પુસ્તિકા મળ્યા વગર રહે નહીં. એવી પુસ્તિકાઓ મોરારજી દેસાઈ, એચ. એમ. પટેલ, અક્ષયકુમાર દેસાઈ, દર્શક, નગીનદાસ સંઘવી, કસ્તુરભાઈ લાલભાઈ, હસમુખ સાકળિયા જેવા વિખ્યાત વિશેષજ્ઞે લખી હોય કે પછી કોઈ નવાસવા, પણ શક્તિશાળી અભ્યાસીએ પણ લખી હોય. કેટલાય જાણીતા ડૉક્ટરો, વકીલો, વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ અને જે તે કલા કે શાસ્ત્રના જાણકરો પાસે પરિચય ટ્રસ્ટે આગ્રહપૂર્વક લખાવ્યું ન હોત તો કદાચ એ લોકોએ ક્યારેય ગુજરાતીમાં કશું લખ્યું ન હોત અને છતાં જરૂર પડે ત્યારે અન્ય ભાષામાંથી અનુવાદ કરીને પ્રગટ કરવાનો પણ બાદ્ય નથી.

કોઈ પણ પરિચય પુસ્તિકા પાછળનું મુખ્ય ધ્યેય એ કે વાચકને પૂરી માહિતી આપવી. એને સ્વતંત્ર રીતે વિચાર કરતો કરવો અને એ રીતે લોકશાહીને દઢ બનાવવી. 1985ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખે વાડીભાઈનું અવસાન થયું તે પછી તો બધો ભાર યશવંતભાઈ પર આવ્યો. 1999ના જાન્યુઆરીની 14મીએ તેમનું અવસાન થયું તે પછી થોડો વખત પરિચય ટ્રસ્ટનું ટ્રસ્ટીમંડળ બદલાયું. છેલ્લાં ચાર વર્ષથી સુરેશ દલાલ મૅનેજિંગ ટ્રસ્ટી અને સંપાદક બન્યા. ઈમેજ પબ્લિકેશનન્સનો સહયોગ સાંપડ્યો. પરિચય પુસ્તિકાનાં રૂપ, રંગ, રજૂઆત બદલાયાં. પરંપરાને છોડ્યા વગર નવું નવું અપનાવવામાં આવ્યું, પરિણામે આ પ્રવૃત્તિ બંધિયાર અને અવાવરુ ન બનતાં તાજગીભરી બની રહી. લગભગ સો વર્ષ પહેલાં પ્રભાશંકર પટ્ટણીએ સંદેશો આપેલો : ‘ઉઘાડી રાખો બારી.’ પહેલા દિવસથી આજ સુધી ઉઘાડી બારી એ પરિચયનું પ્રતીક બની રહી છે અને ઉઘાડી બારી એટલે તાજી હવા, તાજી જાણકારી, તાજી વિચારણા. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ એટલે 1200 ઉઘાડી બારીવાળો મહાલય.

(પરિચય ટ્રસ્ટને 50 વરસ થયાં તે નિમિત્તે એક વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન ભાઈદાસ હૉલમાં શનિવાર, 31 જાન્યુઆરીએ સાંજે 6 થી રાત્રે 11 સુધી યોજાશે. આ પ્રદર્શનમાં પચાસ વર્ષમાં પ્રગટ થયેલી 1200 પુસ્તિકાઓ પ્રદર્શિત થશે અને 1201મી પુસ્તિકા ‘પરિચયનાં પચાસ વરસ’નું વિમોચન થશે. આ પ્રદર્શનમાં મુલાકાતીઓને જાહેર આમંત્રણ છે.)