વોટર રિલેશન – અતુલકુમાર વ્યાસ

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર]

‘આપણા દુ:ખમાં મદદ કરવાની વાત તો એક તરફ રહી…. ઊલટાની આપણી મજાક જ હંમેશાં કરી છે એમણે….’ અક્ષરા બોલી : ‘એ બધું ભૂલી ગયા તમે… ?’
‘ભૂલ્યો તો કશુંય નથી પણ આ તો આપણી ફરજ….’ આશ્લેષ બોલતાં બોલતાં ખચકાયો : ‘આવા કપરા સમયે તો પિતરાઈઓ પણ સાથ આપે જ્યારે આપણે તો એક જ….’
‘આટલાં વર્ષોમાં સારા સમયમાં એમને ક્યાંય યાદ આવ્યા નહીં…. ?’ અક્ષરાની આંખોમાં આક્રોશ ઊતરી આવ્યો : ‘એ વખતે તમે એમના નાના ભાઈ જ થતા હતા… એનાથી દસ વરસ નાના…’
આશ્લેષ ચૂપ થઈ ગયો.
બા કહેતી : ‘બે સગા ભાઈઓના લોહીના સંબંધો એ તો એક જળાશયના નીર જેવાં, એમાં લાકડી માર્યેથી એનાં નીર નોખાં ન પડે…..!’

પણ એ નીર તો નોખાં પડી ગયાં… કારણ કે એ લોહીના સબંધોમાં હવે લોહી રહ્યું ન હતું… સબંધો સાચવવા એણે તો લોહીનું પાણી કર્યું હતું પણ લાકડીએ માર્યાં પાણી નોખાં થઈ જતાંય ક્યાં વાર લાગી હતી…. ? જેના વિયોગે બા દીકરો દીકરો, કરતી મરી ગઈ એ મોટાભાઈ બાની સૂધ લેવાય નહોતો આવ્યો ત્યારે નરાધમ લાગ્યો હતો, બાની માટી ઠંડી થાય એ પહેલાં જેણે બાના નામનું નાહી નાંખ્યું હોય એ નરરાક્ષસ પાસેથી નાના ભાઈને શું મળે…. ? આમેય આખી જિંદગી એણે આશ્લેષને હડધૂત કરવા સિવાય શું કર્યું હતું…. ? આશ્લેષ ઘર અને વતન છોડીને અક્ષરા અને મોહિતને લઈ અમદાવાદમાં આવ્યો ત્યારે સાવ ખાલી હાથે આવ્યો હતો…. પણ અમદાવાદ શહેરે કોઈને નિરાશ કર્યા નથી, જેનામાં પોતાની લાયકાત સાબિત કરી બતાવી દેવાની હામ હોય….. !

નોકરી સાથે સવારસાંજ છ-છ કલાક ખાનગી ટ્યૂશન કલાસીસમાં ભણાવવા જતો. અક્ષરા પણ ઘેર ટ્યૂશન કરતી…. ઉપરાંત નોકરીનો પગાર એમાંથી પાઈ પાઈ બચાવીને અમદાવાદ શહેરમાં એણે એનું સામ્રાજ્ય ખડું કર્યું હતું. બૅન્કની નોકરી સાથે જ્યારે સાઈડમાં બિઝનેસ શરૂ કર્યો ત્યારે એણે ધાર્યું નહોતું કે એ બિઝનેસમાં આટલો સફળ થશે…. કોઈ જ પ્રકારના અનુભવ અને અભ્યાસ વિના એણે ધંધામાં કોશિયો માર્યો હતો. એક કવિતામાં કહેવાયું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી પણ, આશ્લેષ જાણે સફળતાને એની હસ્તરેખામાં જ કોતરાવી લાવ્યો હતો… જોતજોતામાં બિઝનેસ જામી ગયો, પછી બૅન્કની નોકરી બિઝનેસમાં બાધક બનતી હતી એટલે એણે બૅન્કની નોકરી છોડી દીધી…. પછી પાછું વાળીને જોયું જ ક્યાં ? નરોડાની ફૅક્ટરી, સુહાસનગરનો શૉ-રૂમ, સાણંદની કેમિકલ ફૅક્ટરી, સૈજપુરનો શૅઈડ, વટવાની બંધ હાલતમાં ખરીદીને હમણાં જ ધમધમતી કરેલી કેમિકલ ફૅક્ટરી ઉપરાંત બોપલમાં ભૌતિક સુખસગવડો ને ઐશ્વર્યથી હિચકતો અઢીસો વારનો બે માળનો ‘માતૃવંદના’ બંગલો, વસ્ત્રાપુર પાસે મંગલધામમાં લકઝુરિયસ ફલેટ અને સીટી હોન્ડા એ.સી. કાર એ બધું બિઝનેસે આપ્યું હતું…. જે મેળવવા માટે આશ્લેષે દિવસરાત એક કર્યાં હતાં…. એ એના આર્થિક સામ્રાજ્યનો એકમાત્ર વારસ મોહિત અત્યારે એમ.બી.એ. કરી રહ્યો હતો, જ્યારે પાંચ વર્ષના મોહિતને લઈને આશ્લેષે અમદાવાદમાં પગ મૂક્યો ત્યારે કોઈ કીમતી અસબાબ સાથે ન હતો સિવાય એક બાની નાનકડી છબી….!

આજકાલ કરતાં વતન છોડીને આવ્યા એ વાતને સત્તર વર્ષ પસાર થઈ ગયાં પછી ક્યારે ય એણે વતનમાં પગ જ ક્યાં મૂક્યો હતો ? જ્યાં શોષણ કરનારા સંબંધો હતા, જ્યાં શ્વાસ લેવાથી છાતીમાં એક પ્રકારની ગૂંગળામણ અનુભવાય એટલું કૌટુમ્બિક રાજકારણ હતું, જે વતનમાં કુટુંબીઓને પિતરાઈઓની એક કનડગત કરતી દંડ દેતી ફોજ હતી… એ વતનનો મોહ એણે વર્ષોથી છોડી દીધો હતો…. હા કોઈ કોઈ મિત્રોની યાદ આવતી ત્યારે એ એકાદ ફોન જરૂર કરી લેતો… કારણ કે, સ્થળ, કાળ અને સ્થિતિ બદલાય તોય દોસ્તી અકબંધ રહે છે….
‘અક્ષુ-થોડા રૂપિયા તો આપણે મોકલી જ શકીએ….’ આશ્લેષે ધીમેથી અક્ષરાને કહ્યું, ‘ભાઈને જરૂર છે ને અત્યારે આપણી સ્થિતિ એવી છે કે એ આપણી પાસે અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે.’
‘મોકલો મને વાંધો નથી…’ અક્ષરા છણકો કરીને બોલી : ‘આમેય તમે તમારાં ભાઈબહેનની બાબતમાં મારું કશુંય ક્યાં સાંભળ્યું છે….?’
‘બહેન…. ?’ એકાએક આશ્લેષને બહેન તારા યાદ આવી ગઈ… સત્તર વર્ષ એમ વીતી ગયાં. જાણે એણે એના સામાજિક જીવનથી વનવાસ લઈ લીધો હતો. આશ્લેષ બોલ્યો : ‘અરે, મને તારા તો યાદ જ ન આવી, એ પણ વતનમાં જ છે હજી.’
‘તમારી તારા બહેનને તમે ક્યારેય યાદ આવ્યા છો સત્તર વર્ષમાં…. ?’ અક્ષરાએ ધારદાર સવાલ કરી કહ્યું, ‘ભાઈને પણ પૈસા ન જોઈતા હોત તો ભાઈ કે બહેન ભર્યા ભવમાંય તમને યાદ ન કરત…’

આશ્લેષને યાદ આવ્યું : તારા પણ પાંચ વર્ષ પહેલાં રૂબરૂ આવી હતી… બાર વર્ષમાં જે બહેનને વર્ષમાં એક દિવસ રાખડી મોકલવાનીય ફૂરસદ નહોતી મળી તે બહેને આવીને બા અને બાપુજીનો વાસ્તો આપીને રૂપિયાની રીતસર માંગણી કરી હતી… અને એ પણ બેચાર હજાર નહીં પૂરા એક લાખ રૂપિયા…! તારાએ કહ્યું હતું કે એના પતિ ચંદ્રકાન્તની તબિયત સિરિયસ છે એટલે રૂપિયાની તાતી જરૂર છે પણ એ સાચું નહોતું. હકીકતમાં તારાના દીકરાને કોઈ કૉલેજમાં એડમિશન મળ્યું હતું એટલે એને રૂપિયા જોઈતા હતા. બહેન એને મૂર્ખ બનાવીને એક લાખ રૂપિયા લઈ ગઈ. એણે રીતસર ઘરમાં ખાતર જ પાડ્યું હતું, પણ આશ્લેષ એ સહી લીધું…. આજે ભાઈને દીકરીના લગ્ન માટે રૂપિયા જોઈતા હતા…. !

આશ્લેષને ભાઈની દીકરી આસ્થા યાદ આવી. એ ગામડે મજિયારા મકાનમાં ભાઈ સાથે એક ઓસરીએ આવેલા ઘરમાં રહેતો ત્યારે મોટા ભાઈની આ દીકરી પાંચ-છ વર્ષની હતી… ભોળી પારેવડા જેવી આસ્થા ઘડીક આ તરફના ફળિયામાં ને ઘડીક એના ફળિયામાં એમ દોડાદોડ કરતી…. જાણે સવારના કૂણા તડકામાં ઝીણી ઝીણી ચિચિયારી કરતી દેવ ચકલી જ જોઈ લ્યો… મોહિત એ વખતે ત્રણેક વર્ષનો હતો. એની સાથે એ આખો દિવસ રમ્યા કરતી…. બાના ખાટલે બેસી બા પાસે જીદપૂર્વક વાર્તા કહેવડાવતી… ખડખડાટ હસતી… ખિલખિલાટ કરતી…. આસ્થાના માથે હાથ ફેરવી બા હંમેશાં કહેતી : ‘તું તો અમારા કુટુંબની ઘરદીવડી છો બેટા. મંછારામ જાદવજીના વંશમાં દીકરીઓ ઓછી છે એટલે તને ભગવાને અમારા ઉપર દયા કરીને આંય મોકલી છે…’
મંછારામ જાદવજીનો વંશ… !
એ વંશની એક માત્ર દીકરી હતી… ચોવીસ પિતરાઈ ભાઈઓના આંબામાં ગણીને ત્રણ દીકરીઓ હતી. એક પાર્વતી ફોઈ, બીજા દુર્ગા ફોઈ અને ત્રીજી એ આ મોટાભાઈની દીકરી આસ્થા હતી. મંછારામ જાદવજીના વંશની છેલ્લી ઘરદીવડીનાં લગ્ન લેવાયાં હતાં…. બિચારી બા આજે જીવતી હોત તો કેટલી રાજી થઈ હોત ? મોટાભાઈ ન તેડાવત તોયે એણે જીદ પકડી હોત કે મારે મોટાભાઈના ઘેર ગામડે જવું છે….! એનેય મોટાભાઈએ ક્યાં તેડાવ્યો હતો…? એનેય મોટાભાઈએ ટેલિફોન કરી કહ્યું હતું કે પંદર દિવસ પછી આસ્થાનાં લગ્ન લીધાં છે… નાતના રિવાજ મુજબ ચાલવા માટે જોઈએ એટલા રૂપિયાની જોગવાઈ મારી પાસે નથી…. તું નાતમાં ધનવાન ગણાય છે એટલે હું ઈચ્છું છું કે તું પૈસે ટકે મારી પડખે ઊભો રહે…. તો સારું.’

-ને ભાઈએ એના જવાબની પ્રતીક્ષા કર્યા વિના જ ફોન મૂકી દીધો.
‘મોહિતની નવા સત્રની ફી અને બીજા ખર્ચના ચાર લાખ મોકલવાના છે…’ અક્ષરા બોલી : ‘ભાઈને મોકલવા હોય એટલા રૂપિયા મોકલો પણ એના લીધે મોહિતને રાહ જોવી પડે એવું ન થાય એ જોજો….’
આશ્લેષ કશો જ જવાબ આપે એ પહેલાં જ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. આશ્લેષે ફોન ઉઠાવીને કહ્યું : ‘હલ્લો….’
‘આશ્લેષ છે ઘરમાં ? હું એના મોટા ભાઈ બોલું છું… ગામડેથી….’ ફોનમાં મોટાભાઈનો અવાજ હતો.
આશ્લેષે કહ્યું : ‘હા ભાઈ, કહો હું આશ્લેષ…’
‘મેં તને સવારે વાત કરી હતી એનું તે શું વિચાર્યું…. ?’ મોટાભાઈના અવાજમાં રુક્ષતા યથાવત હતી : ‘તું મને કાંઈ મદદ કરી શકે એમ છે કે મારે વ્યાજે લાવવા પડશે… ?’
‘હું…. મોટા… ભાઈ… હું…’ આશ્લેષે સામે ઊભેલી અક્ષરાની સામે જોઈ કહ્યું : ‘હું હાલમાં થોડી સંકડામણમાં છું… એટલે સોરી…. પણ…. પચ્ચીસેક હજાર….’
‘બૈરીના ગુલામ….’ મોટા ભાઈ ફોનમાં તાડૂક્યા : ‘મને લાગે છે તારી બૈરીએ જ તને ના કહી હશે…. નહીંતર તું સાવ આમ સફેદ લોહીનો નહોતો….’
‘સોરી મોટા ભાઈ –’ એકાએક આશ્લેષના અવાજમાં કડકાઈ આવી ગઈ : ‘મારી પાસે તમને આપવા માટે એક પાઈ પણ નથી….. ઓ…કે….’ – ને આશ્લેષે ફોન મૂકી દીધો.

‘અરે આશુ, તમે શું કર્યું ? મોટા ભાઈ સાથે આમ આવી રીતે વાત થાય ?’ અક્ષરા બોલી : ‘તમારે એમની સાથે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી…’
‘એ શું કહેતા હતા એ તું જાણે છે… ?’ આશ્લેષે રોષ સાથે કહ્યું.
‘એ ગમે તે કહે, એમને હક્ક છે. પણ આપણાથી અવિવેક ન થાય….’ અક્ષરા સ્વગતની જેમ બોલી : ‘તમારા વર્તનથી લોકોને એમ થાય છે કે હું જ તમને…’
‘એણે એમ જ કહ્યું’ આશ્લેષે કહ્યું : ‘કે તું જ મને મદદ કરતાં રોકતી હોઈશ.’
‘જોયું ને ?’ અક્ષરા અકળાઈને સામે જોતી ઊભી રહી : ‘મેં તમને ના કહી છે ?’
‘ફર્ગેટ ઈટ….’ આશ્લેષે કહ્યું : ‘મારો મૂડ ઑફ થઈ ગયો, જા ચા બનાવ…’
અક્ષરા જતાં જતાં પૂછતી ગઈ : ‘કાંઈ નાસ્તો કરશો…. ?’
‘હા-બે ટોસ્ટ અને બિસ્કિટ આપજે….’ આશ્લેષે કહ્યું… ને એ વિચારે ચઢી ગયો….

બા હતી ત્યારેય મોટા ભાઈ અને બહેન બાની ખબર પૂછવા નહોતાં આવતાં પણ માત્ર સંકટ સમયે પૈસા માગવા આવતાં… ને ભોળી બા એની બચતમાંથી આપ્યા કરતી… આજે પણ એ લોકોની માનસિકતા બદલાઈ નથી… સગાવટનો અર્થ માત્ર મેળવવું એવો જ એ લોકો કરે છે. શ્રીમંત સગા એ માત્ર રૂપિયા ખંખેરવાની છત્રી જ ગણતા હશે ને એ લોકો…. ? આજેય સત્તર વર્ષ પછી આશ્લેષ એ ભૂલ્યો નહોતો કે અક્ષરાને હૉસ્પિટલમાં દાખલ કરી ત્યારે એણે બહેન પાસે પૈસા છે એની આશ્લેષને ખબર હતી એટલે એણે માત્ર સાત હજાર ઉછીના માંગ્યા હતા, ઘરમાં ફાજલ પડ્યા હોવા છતાંય બહેને ચોખ્ખીચટ્ટ ના કહી દીધી હતી. ઉપરાંત એમ પણ કહેલું : ‘બહેનને તો આપવા જોઈએ નાનકા, એના બદલે માંગતા શરમ નથી થતી…?’ અત્યાર સુધી બા હતી એટલે બાને દુ:ખ ન થાય એટલે એ લોકોનાં બધાં જ નાટકો નિભાવી લેતો. આશ્લેષ હવે ગિન્નાયો હતો… ભાઈને તો ચોખ્ખું સુણાવી જ દેવું પડ્યું….
પણ આસ્થા….?
આંગણાની દેવચકલી….? મંછારામ જાદવજી વંશની છેલ્લી ઘરદીવડી… !
એનો શું વાંક ?
અક્ષરા ચા લઈને આવી. સાથે નાસ્તો કરી આશ્લેષે કહ્યું : ‘અક્ષુ, મારે થોડું કામ આવી ગયું છે… એટલે ફૅક્ટરી પર જવું પડશે…. કદાચ રાત પણ રોકાવું પડે…. હું જઈ આવું..’
‘ફેક્ટરીએ રાત રોકાવું પડે….?’ અક્ષરા બોલી : ‘એવું શું કામ પડ્યું…. ?’
‘અમુક મશીનરી બદલવાની છે….’ આશ્લેષે બૂટની દોરી બાંધતાં કહ્યું : ‘કાલની સવાર સુધીમાં આવી જઈશ…’
‘ભલે….’ અક્ષરા આશ્ચર્યથી તાકી રહી.

-ને આશ્લેષ કારમાં બેઠો એટલે ડ્રાઈવરે ગાડીનો સેલ માર્યો…ઝણઝણાટી સાથે કાર પાણીના રેલાની જેમ રસ્તા ઉપર વહેવા માંડી…. સમી સાંજનો આછો પ્રકાશ પાછળ રહી ગયો હતો. સડસડાટ વહેતી એ.સી.કારની બારી બહાર અમદાવાદની સોનેરી સાંજ હાંફતી હતી. બે કલાકની મુસાફરી કરી કાર એક નાનકડા શહેર જેવા લાગતા ગામમાં પ્રવેશી…. જ્યાં આશ્લેષે બતાવ્યા તે વાંકા-ચૂંકા વળાંક લઈ, કાર એક જૂનવાણી લીલા કલરની ડેલી પાસે જઈને ખડી થઈ. એ વખતે મોડી સાંજના સાડા સાત થયા હતા. ડ્રાઈવરે ગાડી એક તરફ ઊભી રાખી બારણું ખોલ્યું એટલે આશ્લેષ કારમાંથી નીચે ઊતર્યો ને સામેની ખાલી બંધ કરેલ ડેલીને ધકેલી અંદર ગયો.
‘અરે આશ્લેષ, તું….? મારા દોસ્ત આમ અચાનક અહીં ક્યાંથી… ?’ પરીક્ષિતે એની સામે આવી એને બાથમાં ભીડી દીધો : ‘કેટલા સમયે આવ્યો યાર તું તો….’
આશ્લેષ કશુંય બોલ્યા વિના માત્ર પરીક્ષિતને નીરખીને જોતો રહ્યો. નાનપણથી સાથે રમીને મોટા થયા પછી પરીક્ષિત શિક્ષક થયો ને હવે તો એ આ નાનકડા શહેરની હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ થયો હતો. બન્ને દોસ્તો વચ્ચે ખાસ્સી ઔપચારિક વાતો થઈ પછી આશ્લેષે કહ્યું : ‘પરીક્ષિત, દોસ્ત એક ખાસ કામે આવ્યો છું તારે ત્યાં… ?’
‘બોલને યાર…’ પરીક્ષિતે કહ્યું : ‘હું તારા માટે કાંઈ પણ કરીશ…..’
‘મારા મોટા ભાઈને ઓળખે છે ને… ?’
‘હા.’ પરીક્ષિતના ચહેરા ઉપર એક પ્રકારનો અણગમો ઊતરી આવ્યો, ‘એમને તો બહુ સારી રીતે ઓળખું છું ! તને પરેશાન કરવામાં એમણે બાકી છોડ્યો નથી…’
‘એ ભાઈની દીકરી આસ્થાનાં લગ્ન છે….’ આશ્લેષે કહ્યું.
‘હશે….’ પરીક્ષિતે કહ્યું : ‘પણ મને બરાબર ખબર નથી…..’

આશ્લેષે એની સાથે લાવેલી થેલીમાંથી પાંચસોનાં બે બંડલ કાઢીને પરીક્ષિત સામે મૂક્યાં : ‘આ રૂપિયા તું એમને ત્યાં પહોંચાડી દેજે….’
‘એક લાખ રૂપિયા…. ?’ પરીક્ષિત બન્ને બંડલ સામે તાકી રહ્યો : ‘હું એમને દઈ આવું….. પણ શા માટે ?’ પરીક્ષિતે કહ્યું : ‘તું અહીં સુધી આવ્યો છે તો તું જ દઈ આવને…’
‘મારો પગ નહીં ઉપડે….’ આશ્લેષે કહ્યું : ‘આમ પણ એ ઘરમાં મારું ખૂબ અપમાન થયું છે એટલે મારી ત્યાં જવાની ઈચ્છા પણ નથી….’
‘ભાઈ માટે એટલો બધો અણગમો છે તો પછી આ રૂપિયા શા માટે લાવ્યો છે ?’ પરીક્ષિતે પૂછ્યું : ‘હું કાંઈ સમજ્યો નહીં…’
‘ભાઈને કદાચ જીવનપર્યન્ત માફ ન કરી શકું પણ….’ બોલતા બોલતા આશ્લેષનો કંઠ ભરાઈ આવ્યો : ‘આ રૂપિયા તો મારી દીકરી આસ્થાના કરિયાવરના છે…. અમારા મંછારામ જાદવજીના વંશની મોંઘામૂલી દીકરીનો કરિયાવર….’
-આશ્લેષ રડી પડ્યો….. એ મનોમન બબડી રહ્યો હતો : ‘અમારા લોહીના સંબંધો ઓગળી ગયા છે દોસ્ત, ડાંગે માર્યાં પાણી જુદાં ન થાય એમ કહેવાય છે પણ લોહીના સંબંધોમાં લોહી નથી રહ્યું. નર્યા પાણીના સંબંધો થઈ ગયા એમાં મારા કુટુંબની દેવચકલી જેવી આસ્થાનો ક્યાં કશો ગુનો છે…. ? ને હુંય મંછારામ જાદવજીનો વંશજ તો ખરો જ ને…. એ દેવચકલી જેવી દીકરીને કરિયાવર હુંય કરી શકું… એ મારો હક્ક છે…’
‘ભલે, આ રૂપિયા હું હમણાં જ રાત્રે તારા મોટાભાઈને આપી આવીશ.’ પરીક્ષિતે પૂછ્યું : ‘પણ તું લગ્નમાં નહીં આવે…?’
‘ના…’ આશ્લેષે આંસુ લૂછતાં ઘસીને ના પાડી.
પરીક્ષિત એની સામે મૌન તાકી રહ્યો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બારસો ઉઘાડી બારીવાળો મહાલય – દીપક મહેતા
અમર બાલકથાઓ – સં. શ્રદ્ધા ત્રિવેદી Next »   

23 પ્રતિભાવો : વોટર રિલેશન – અતુલકુમાર વ્યાસ

 1. Ashmita Mehta says:

  Sometimes water is thicker than blood !

 2. JITENDRA J. TANNA says:

  ખુબ સરસ.

 3. shruti maru says:

  ખુબ સરસ વાર્તા છે.

  લોહી ના સંબંધ હજુ પણ કાયમ છે.

 4. Samir says:

  આવા ભાઈ કરતા તો ભાઈ ના હોવુ સારુ

 5. nayan panchal says:

  strictly ok.

  nayan

 6. Rajani Mehta says:

  This is true in real life, but good people should not gove up their goodness.

  Ashlesh must have gone to see Bhai / Bhabhi. and Ashtha. This what our all ” DHARMA ” says. Forgiveness is alwayes gives pleasure to givers.

 7. jinal says:

  Good approach of Aashlesh.

 8. Rajni Gohil says:

  સંબંધ જાળવવામાં અડચણો આવે છે ત્યારે આસ્થા તરફના પ્રેમને લીધે, આશ્લેષે વચલો માર્ગ કાઢીને મનની ઇચ્છા કેવી ચતુરાઇથી પુરી કરાય તેનો સરસ રસ્તો બતાવ્યો છે.
  Friend in a need is a friend indeed.

  પરીક્ષિત આનું કેટલું સુંદર ઉદહરણ પુરું પાડે છે.
  Hats off to Ashlesh and Parikshit. Nice story.

 9. Riya says:

  Relationship can give you most love and it could hurt your the most as well. In today’s time this things are happening in every other home. Now people became very selfish and don’t care how other would feel. Very sad story. But at least, life still goes on.

 10. Veena Dave,USA. says:

  Yes, Sara manso sarai na muke, bura manso burai na muke.

 11. Pradipsinh says:

  Saras 6. haju mansai mari nath. ashlesh jeva haju ghana jive 6

 12. krishna says:

  ખરેખર આજનાં આ જમાનાં માં લોહી નાં સંબંધ જેવું કાંઈ છે જ નહિં..

 13. DARSHANA DESAI says:

  સરસ વાર્તા! બુરાઈ નો બદલો ભલાઈથી વાળ્યો!! ભલાનો ભગવાન હોય છે.

 14. Neha Parmar says:

  Sara manso kadi emni sarai chhodta nathi, samawala nu behavoiur bhale game tetlu kharab hoy.

 15. maya says:

  It’s very difficult to understand in current materiliastic world that this kind of people are still on earth. …Really nobel peaople always nobel no matter what happens.

 16. Veena Dave,USA. says:

  Oh, I received ‘Akhand Anand’ of January on 17th Feb 2009(in USA). Three stories of Akhand Anand are here on this site. I am so surprised. How is this going? I can read these stories here before Akhand Anand came in my hand. I am ‘ajeevan member’ of Akhand Anand. I think this site will creat problem for Akhand Anand. Mr. Amin and Mr. Mrugesh you both have to think about this.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.