- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અમર બાલકથાઓ – સં. શ્રદ્ધા ત્રિવેદી

[ પ્રસ્તુત બાળવાર્તાઓ ‘અમર બાલકથાઓ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] દલા તરવાડીની વાર્તા – ગિજુભાઈ બધેકા

એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું : ‘તરવાડી રે તરવાડી !’
તરવાડી કહે : ‘શું કહો છો, ભટ્ટાણી ?’
ભટ્ટાણી કહે : ‘રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવો ને, રીંગણાં ?’
તરવાડી કહે : ‘ઠીક.’

તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?
છેવટે તરવાડી કહે : ‘વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો, વાડીને જ પૂછીએ.’
દલો કહે : ‘વાડી રે બાઈ, વાડી !’
વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું : ‘શું કહો છો, દલા તરવાડી ?’
દલો કહે : ‘રીંગણાં લઉં બેચાર ?’
ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે : ‘લે ને દસબાર !’
દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો.

ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે. વાડીમાં રીંગણાં ઓછાં થવા લાગ્યાં. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક દિવસ સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા : ‘વાડી રે બાઈ, વાડી !’
વાડીને બદલે દલો કહે : ‘શું કહો છો, દલા તરવાડી ?’
દલો કહે : ‘રીંગણાં લઉં બેચાર ?’
અને વાડીને બદલે વળી દલો કહે : ‘લે ને દસબાર !’
દલા તરવાડીએ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે : ‘ઊભો રહે, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?’
દલો કહે : ‘કોને પૂછીને કેમ ? આ વાડીને પૂછી લીધાં.’
માલિક કહે : ‘પણ વાડી કાંઈ બોલે !’
દલો કહે : ‘વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?’
માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો : ‘કૂવા રે ભાઈ, કૂવા !’
કૂવાને બદલે વશરામ કહે : ‘શું કહો છો, વશરામ ભૂવા ?’
વશરામ કહે : ‘ડબકાં ખવડાવું બેચાર ?’
કૂવાને બદલે વળી વશરામ બોલ્યો : ‘ખવરાવ ને, ભાઈ ! દસબાર.’

દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો : ‘ભાઈસા’બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !’ પછી તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.

[2] ભોળો ભટ – ગિજુભાઈ બધેકા

ભોળા ભટ કાશીએ જઈને ભણતર ભણી આવેલા. શાસ્ત્ર જાણે ને કથાવારતાય આવડે. ભોળા ભટ એક વાર પરગામ કથા વાંચવા નીકળ્યા. જઈને ગામને ચોરે ઉતારો કર્યો. ત્યાં તો ગામના પટેલિયા ભેળા થયા. ને ભટજીને તો ડેલીએ તેડી ગયા. સારા ઉતારા આપ્યા અને સીધાંપાણી મોકલીને ભટને સારી પેઠે જમાડ્યા. જમીકરી ભટજી ડેલીએ આવ્યા. પટેલિયા કહે : ‘ભટજી ! કેમ આવવાં થયાં ?’
ભટ કહે : ‘જે કહેવાય તે ભાગવત તો મહારસ છે. એમાં શ્રીકૃષ્ણ ભગવાનની લીલાનું વર્ણન છે. આ એનું પારાયણ કરવા અમે આવ્યા છીએ.’
પટેલિયા કહે : ‘બહુ સારું. આ આપણે ચોરે રોજ રાતે તમે કથા કરજો; પણ એક વદાડ (શરત) છે. જો ‘હરે નમ:’ (હરયે નમ:) કરતાં અમે થાકીએ તો તમને પાંચસો રૂપિયા શીખમાં દેવા; ને જો ભાગવત વાંચતાં તમે થાકો તો તમારે અહીં ભાગવત મૂકીને જવું.’
ભટ કહે : ‘ભલે, કાંઈ વાંધો નહીં. આપણે વદાડ કબૂલ છે.’

બીજે દિવસે ભટે તો ભાગવતનું પારાયણ શરૂ કર્યું. ભટ તો સંસ્કૃત શ્લોક વાંચતા જાય, અર્થ કરતા જાય ને સમજાવતા જાય. બધું સમજાવી રહે ત્યારે પટેલિયા બોલે ‘હરે નમ:’ ભટને તો કેટલુંયે વાંચવાનું; ઘણું બોલે ત્યારે પટેલિયાને તો એક વાર ‘હરે નમ:’ જ કહેવાનું. ભટ તો વાંચતા વાંચતા થાક્યા. છ દિવસ તો કથા વાંચી પણ સાતમે દિવસે ભટજીનો સાદ બેસી ગયો. ઘણું કરે, પણ ગળું ઊઘડે તો કે ? પટેલિયા તો બેઠા બેઠા ‘હરે નમ:’ કરતા. ભટ તો હારી ગયા.
પટેલિયા : ‘લ્યો, ભટજી ! પોથી મૂકીને પધારો !’
ભટજી શું કરે ? ભાગવત મૂકીને ઘેર ગયા. ઘેર જઈને મોટાભાઈને માંડીને બધી વાત કરી.

ભાઈ કહે : ‘ઠીક છે, જવા દે. એ જ ગામમાં જાઉં ને ભાગવત પાછું લાવું તો જ હું ખરો. આ ભાઈ કાંઈ ભણેલાગણેલા નહીં; કોણ જાણે પૂરી હાથજોડ કરાવતાં આવડતી હોય તો ! બાકી ડિંગળશાસ્ત્ર જાણે, ગપ્પેગપ્પાં લગાવે ને ગામડાના માણસોને બરાબર સમજાવી જાણે. ભાઈએ તો એ જ ગામમાં જઈને ચોરે બેઠેલા પટેલિયાઓને ‘રામ રામ’ કર્યા. પટેલિયા તો પગે લાગ્યા ને કહે : ‘રામ રામ.’ બેઠા કરાવ્યા પછી પટેલિયાઓએ મહેર કરી કહ્યું : ‘કાં ભટજી ! કથા વાંચવા આવ્યા છો કે ? આ એક ભટ તો ભાગવત મૂકીને ગયા છે. તમારેય ભાગવત મૂકીને જવું હોય તો માંડો વાંચવા.’
ભટ કહે : ‘બધાય સરખા ન હોય. કથા કથાએય ફેર હોય ને ? હું તો ડિંગળશાસ્ત્ર ભણ્યો છું. એવું તો કોક જ ભણ્યા હોય ને ?’
પટેલિયા કહે : ‘પણ આ અમારો વદાડ (શરત) સમજ્યા ? આ અમે ‘હરે નમ:’ કરતાં થાકીએ તો તમને પાંચસો રૂપિયાની શીખ આપીએ, ને તમે વાંચતાં થાકો તો તમારે ભાગવત મૂકીને ચાલ્યા જવું. છે કબૂલ ?’
ભટજી કહે : ‘એમ જ હોય ને ? પણ એક વદાડ વધારે. જો હું જીતું તો પેલું ભાગવત મને ઉપરિયામણમાં આપવું.’
પટેલિયા કહે : ‘ઠીક.’

બીજે દિવસે ભટે તો કથા વાંચવા માંડી : જે કહેવાય તે શ્રીકૃષ્ણ ભગવાન ગરુડ ઉપર બેસે. ગરુડ તો એમનું વાહન કહેવાય.’
પટેલિયા કહે : ‘હરે નમ:’
‘આ ગરુડ પંખી તો આ મુલકમાં પંખીઓનો રાજા કહેવાય.’
‘હરે નમ:’
‘આ કહેવાય તે શ્રીકૃષ્ણ ભગવાને એક દિવસ પૂછ્યું… હે ગરુડજી ! તમારે કાંઈ નાતબાત ખરી કે ?’
‘હરે નમ:’
‘આ ગરુડજી ઉત્તર આપે છે : હે મહારાજ ! મારે નાત તો છે; પણ બધાએ મળીને મને નાત બહાર મૂક્યો છે.’
‘હરે નમ:’
‘આ જે કહેવાય તે શ્રીકૃષ્ણ ભગવાને બધાં પંખીને ભેગાં કર્યાં. આજે કહેવાય તે પાંચસો બૂંગણનો મોટો કોથળો સિવડાવ્યો ને એમાં બધાં પંખીને પૂર્યાં.’
‘હરે નમ:’
‘આ એ પંખીઓ તો બધાં કોથળાની અંદર કીવી કીવી કરવા માંડ્યાં.’
‘હરે નમ:’
‘ત્યાં તો કોથળામાં એક ફાંકું રહી ગયેલું.’
‘હરે નમ:’
‘આ પછી એક ફાંકામાંથી જે કહેવાય તે એક પંખી ઊડ્યું અને ફરરર…’
‘હરે નમ:’
‘આ કહેવાય તે પછી બીજું પંખી ઊડ્યું ને ફરરર…’
‘હરે નમ:’
‘આ ત્રીજું ઊડ્યું ને ફરરર….’
‘હરે નમ:’
‘આ ચોથું ઊડ્યું ને ફરરર…..’
‘હરે નમ:’
‘આ પાંચમું ઊડ્યું ને ફરરર…’
‘હરે નમ:’
ભટનું તો ‘ફરરર’ ચાલ્યું ને પટેલિયાનું ‘હરે નમ:’ ચાલ્યું. એમ કરતાં પટેલિયાનાં તો મોઢાં દુખવા આવ્યાં ને પટેલિયા તો ‘હરે નમ:’ ને બદલે ‘ફરરર’ બોલવા માંડ્યા. ભટે પુસ્તક-પાનાં બંધ કર્યા ને પછી કહે : ‘તમે હાર્યા. હવે પેલું ભાગવત અને શીખ મૂકી દ્યો.’

પટેલિયાઓ પાસેથી ભાગવત અને શીખ લઈને મોટો ભાઈ ઘેર પાછો આવ્યો અને ભાગવત નાના ભાઈને સોંપ્યું.’

[3] મહાકુંભ – હરીશ નાયક

રાજા બડો શિવભક્ત હતો.
એક વખત શિવરાત્રીએ તેણે પાટનગરના તમામ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. ભોજન પહેલાં જે વાનગી બનાવવામાં આવે એ બધી જ વાનગી ભગવાન શિવ સમક્ષ ધરવાની હતી. એટલે કે ભગવાન શિવશંકર પ્રસાદ સ્વીકારે પછી જ બ્રાહ્મણોનું ભોજન શરૂ થાય એવી ગોઠવણ હતી. રસોઈયાઓએ મહારાજને વિનંતી કરી કે ‘લગભગ તમામ રસોઈ દૂધમાંથી જ બનાવવી પડશે માટે ઘણું બધું દૂધ જોઈશે.’
મહારાજ કહે : ‘એમાં શી મોટી વાત છે ? મૂકી દો રાજ્યનો મોટામાં મોટો કુંભ ચોકમાં અને ઢંઢેરો પિટાવો કે શિવરાત્રીએ કોઈએ દૂધનો ઉપયોગ કરવાનો નથી. ઘરેઘરથી બધાંએ જેટલું હોય તેટલું દૂધ એ મહાકુંભમાં રેડી જવું.’ મહારાજ કહે : ‘ઘરેઘરમાંથી દૂધ આવશે એટલે મહાકુંભ પણ ઊભરાઈ જશે અને પછી તમને જોઈએ તેટલું દૂધ મળી રહેશે.’

શિવરાત્રીનો દિવસ આવ્યો. વહેલી સવારથી જ લોકો મહાકુંભમાં દૂધ રેડી જવા લાગ્યા. જોતજોતામાં રાજ્યના લગભગ તમામ લોકો દૂધ રેડી ગયાં. તો પણ નવાઈની વાત, કુંભ તો હતો તેવો ને તેવો જ ખાલી. એટલે કે થોડુંઘણું દૂધ દેખાતું હતું, પણ એ કંઈ બધા બ્રાહ્મણને ચાલી રહે નહીં. રાજાએ ઘેરઘર સિપાઈને મોકલીને તપાસ કરાવી કે ‘જુઓ – કોઈ ઘર બાકી તો નથી રહી ગયું ને ?’ જેટલા બાકી હતા એટલા પણ દોડી આવીને દૂધ રેડી ગયા; પણ રાજકુંભ ન ભરાયો તે ન જ ભરાયો. છેવટે સૈનિકો ખબર લાવ્યા કે :
‘મહારાજ ! પાટનગરનું કોઈ જ ઘર બાકી નથી પણ એક ડોસી એવી છે કે જે હજી સુધી દૂધ લઈને આવી નથી.’
મહારાજ કહે : ‘એ ડોસી એના મનમાં સમજે છે શું ? જાવ એને બોલાવી લાવો. એને કહેજો કે દૂધ લઈને જ આવે, નહીં તો રાજદંડ ભોગવવો પડશે.’
રાજસેવકો જ્યારે ડોસીને પકડવા દોડ્યા ત્યારે ડોસી ઘરેથી નીકળતી જ હતી. તે કહે : ‘ભઈલાઓ ! હું આવતી જ હતી. નાહક આમ દોડાદોડી કરવાની શી જરૂર ? હું રહી ઘરડી વૃદ્ધા. મારે પાછાં જાતજાતનાં કામ પતાવવાનાં હોય, એટલે જરા મોડું થઈ ગયું. એ હાલો મારા ભઈલા ! જુઓ આ રહ્યું મારા ભાગનું દૂધ.’

ડોસીમા પાસે એક લોટી જેટલું દૂધ હતું. કોણ જાણે એટલા દૂધ વગર રાજાનું વાસણ શું ઊણું રહી જવાનું હતું કે તેણે આખી સૈનિકોની ફોજ મોકલી આપી ! ડોસીએ આવીને રાજાને નમનવંદન કર્યાં અને પોતાના ભાગનું દૂધ ‘જય ભોળા શંભુ’ કહીને મહાકુંભમાં રેડી દીધું. આશ્ચર્ય ! નવાઈની વાત ! અરે જોવા જેવી થઈ. મહાકુંભ એકાએક દૂધથી ઊભરાઈ ઊઠ્યો અને શિવની જટામાંથી જેમ ગંગા વહે તેમ એ ઘડામાંથી દૂધ છલકાઈને બહાર આવવા લાગ્યું. બધાં લોકો આંખો ફાડીને આ ઘટના જોતાં હતાં, ખુદ રાજાથી આ દશ્ય જોઈ શકાયું નહીં. તેણે ડોસીને પૂછ્યું : ‘ઓ વૃદ્ધા ! તું કોઈ જાદુબાદુ જાણે છે કે શું ? તારી એક જ લોટી દૂધ ઉમેરાવાથી આ કુંભ કેવી રીતે ભરાઈ ગયો અને ઊભરાઈ ઊઠ્યો ?’

‘અરે મહારાજ !’ એ ઘરડાં માજી બોલી ઊઠ્યાં : ‘જાદુ કેવો ને વળી વાત કેવી ? હું એક ગરીબ ડોસી છું. મહેનત-મજૂરી કરીને ભગવાનને નજર સમક્ષ રાખીને જીવન જીવું છું. તમારા હુકમનું પાલન સમયસર ન કરી શકી એટલે પણ હું તો ડરી મરતી હતી. પણ શું કરું ? સવારના પહોરમાં રોજની જેમ ઊઠીને મેં દૂધ દોહ્યું. ગાયે મને રોજની જેમ ઉમંગથી દૂધ આપ્યું. એમાંથી અડધું દૂધ મેં એના વાછરડાને પાઈ દીધું. હાસ્તો વળી, પહેલો હક્ક તો એનો ખરો જ ને ? એમાંથી જે અડધું વધ્યું એ મારા છોકરાને પાઈ દીધું. છોકરાને કંઈ દૂધ વિના રડતાં રખાય ? વળી એમાંથી અડધું રહ્યું એમાંથી થોડુંક મારા કૂતરાને તથા બિલાડીને પાયું. બન્ને મારા ઘરનાં રખેવાળ છે અને તેમનો આધાર મારા પર જ છે. છેવટે બાકી જે કંઈ વધ્યું એ દૂધ મેં આપના કુંભમાં રેડી દીધું છે. એમાં હવે જાદુ ગણો તો જાદુ અને કર્તવ્ય ગણો તો કર્તવ્ય.’ રાજા તો આ વાત સાંભળી સમસમી રહ્યો. બ્રાહ્મણોના કાન ક્યારના ઊંચા થઈ ગયા હતા.
રાજાએ તરત જ પૂછ્યું : ‘ડોસી ! તેં આ શું કર્યું ? તેં ભગવાન સમક્ષ વધેલું દૂધ રેડી દીધું ? ભગવાનનો હક્ક તો આપણા તમામ દૂધ પર છે.’
‘આપ ભૂલો છો મહારાજ !’ ડોસીમાએ કહ્યું : ‘ભગવાનનું પેટ ભરવું હોય તો એણે રચેલા જીવોનું પેટ ભરવું જોઈએ. આજે આપે તમામ ઘરોમાંથી દૂધ મંગાવી લીધું. હવે વિચાર કરો જોઈએ કે દૂધ વગર આજે રાજ્યનાં કેટલાં બાળકો ભૂખ્યાં રહી જશે ? શું તમે એમ માનો છો કે એ બધાં બાળકોને ભૂખ્યાં રાખીને ભગવાન શિવશંકર કુંભ ભરીને દૂધ પી જશે ?’

માજીએ ચોખ્ખું કહ્યું : ‘આપ સહુએ બાળકોનું દૂધ આંચકીને કુંભ ભરવાની કોશિશ કરી એટલે જ કુંભ અધૂરો રહેતો હતો. જ્યારે મેં વાછરડાને, બાળકને, શ્વાન-બિલ્લીને દૂધ પાઈને બાકીનું દૂધ ભગવાનને ચડાવ્યું એટલે જ ભગવાને તેનો સ્વીકાર કર્યો અને મહાકુંભ ઊભરાઈ રહ્યો.’ દાદીમાની વાત સાંભળી રાજાની આંખ ઊઘડી ગઈ. તેને લાગ્યું કે આંચકેલું દૂધ ભગવાનને પાવાથી ભગવાન તેનો સ્વીકાર કરતા નથી. એવું દૂધ બ્રાહ્મણને પાવાથી પણ ભગવાન રાજી થતા નથી. એ દૂધ પર જેનો હક્ક છે એવાં બાળકો સુધી પહોંચાડવાથી જ ભગવાન રાજી રહે છે. તેણે એ બધું દૂધ નાનાં નાનાં ભૂલકાંઓ સુધી પહોંચાડી દીધું. તેણે પેલાં માજીનું વિશેષ રૂપે સન્માન કર્યું અને તેમની રાજમાતા તરીકે સ્થાપના કરી. રાજમાતાની વાત માની તેણે રાજ્યમાં એક પણ જણ ભૂખ્યું હોય ત્યાં સુધી ભોજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી.

[4] ચલ રે તુંબડા તડૂક તડૂક – હંસા મહેતા

એક હતાં ડોશીમા. તે બીચારાં એકલાં રહેતાં, એટલે દરરોજ ઘરનું કામ કરીને થાકી જાય. ડોશીમાએ વિચાર કર્યો કે લાવ મારી દીકરીને ઘેર સાત-આઠ દિવસ રહી આવું. ડોશીમા તો હાથમાં લાકડી લઈને દીકરીને ઘેર જવા નીકળ્યાં. ત્યાં રસ્તામાં એક મોટો વાંદરો મળ્યો. વાંદરો ડોશીમા પાસે આવીને કહે કે, ‘ડોશી ડોશી, તને ખાઉં !’ ડોશીએ જાણ્યું કે જો જરા પણ બીક બતાવીશ તો વાંદરો મને ખાઈ જશે. એટલે એમણે તો તરત જ જવાબ આપ્યો કે ‘ભાઈ, હમણાં મને ખાશે તો તેમાં તને શું મળશે ? ફક્ત ચામડી ને હાડકાં જ ને ? મને મારી દીકરીને ઘેર જવા દે, વાલ ને રોટલો ખાવા દે, તાજીમાજી થવા દે. પછી મને ખા.’
વાંદરો કહે કે : ‘બહુ સારું. પણ તમે પાછાં ક્યારે આવશો ?’
ડોશી કહે : ‘આઠ દિવસ પછી.’ એટલું કહીને ડોશી તો ચાલ્યાં.

આગળ જતાં રસ્તે એક રીંછ મળ્યું. તેણે કહ્યું, ‘ડોશી ડોશી, તને ખાઉં !’
ત્યારે ડોશી કહે કે, ‘ભાઈ, હમણાં ખાઈશ તો ચામડી ને હાડકાં મળશે. મને મારી દીકરીને ઘેર જવા દે, વાલ ને રોટલો ખાવા દે. તાજીમાજી થવા દે, પછી મને ખા.’
ત્યારે રીંછ કહે : ‘બહુ સારું. પણ જલદી આવજો.’
ડોશીએ એને પણ આઠ દિવસનો વાયદો કર્યો.

પછી આગળ ચાલતાં ડોશીને એક વરુ મળ્યું. તે કહે કે ‘ડોશી ડોશી, તને ખાઉં.’ ત્યારે ડોશી કહે કે, ‘ભાઈ, હમણાં ખાઈશ તો ચામડી ને હાડકાં મળશે. મને દીકરીને ઘેર જવા દે, વાલ ને રોટલો ખાવા દે, તાજીમાજી થવા દે, પછી મને ખા.’
ત્યારે વરુ કહે કે : ‘બહુ સારું. પણ મને ભૂખ બહુ લાગી છે, માટે જલદી આવજો.’
ડોશી કહે કે જરૂર આઠમે દિવસે આવીશ. પછી આગળ જતાં મળ્યો વાઘ. તે કહે કે : ‘ડોશી ડોશી, તને ખાઉં.’ ત્યારે ડોશી કહે : ‘બાપુ, હમણાં ખાઈશ તો ચામડી ને હાડકાં મળશે. મને દીકરીને ઘેર જવા દે, વાલ ને રોટલો ખાવા દે, તાજીમાજી થવા દે, પછી મને ખા.’
વાઘ કહે કે : ‘સારું. પણ પાછાં ક્યારે આવશો ?’
ડોશી કહે કે : ‘આઠમે દિવસે.’

પછી ડોશીમા દીકરીને ઘેર પહોંચ્યા. દીકરીએ તો ડોશીમાને બહુ સારો આવકાર આપ્યો ને ખૂબ સારી બરદાસ કરવા માંડી. ડોશીમાને દરરોજ ઊના પાણીએ નવડાવે ને સારું સારું ખવડાવે. આઠ દિવસની અંદર તો ડોશીમા તાજામાજાં થઈ ગયાં. પછી ડોશીને લાગ્યું કે હવે ઘેર નહીં જઉં તો બધાં જનાવરો અહીં આવશે ને મારી દીકરીને હેરાન કરશે. એટલે ડોશીમા તો ઘેર જવા તૈયાર થયાં. દીકરીએ બહુ સમજાવ્યાં કે રહો. પણ ડોશી કહે કે ‘રસ્તામાં મને બધાં જનાવરો મળ્યાં હતાં તેને આઠ દિવસનો વાયદો દઈને આવી છું. જો હું નહીં જાઉં તો અહીં આવશે.’
ત્યારે દીકરી કહે કે ‘એમ કરો; આ તુંબડામાં બેસીને જાઓ, એટલે કોઈને ખબર નહીં પડે.’
ડોશી તો તુંબડામાં બેઠાં ને તુંબડું ગબડવા માંડ્યું.
જતાં જતાં રસ્તામાં વાઘ મળ્યો. તેને થયું કે આ ગોળમટોળ ગબડતું ગબડતું શું આવે છે ! આઠ દિવસ થયા એટલે જરૂર એમાં પેલી ડોશી હોવી જોઈએ. તેણે બરાડ પાડી કે ‘ડોશી ડોશી, તને ખાઉં !’
એ સાંભળીને તુંબડામાંથી ડોશી બોલી ઊઠ્યાં કે ‘ડોશી કેસી, વાત કેસી, ચલ રે તુંબડા તડૂક તડૂક !’ એટલે તો તુંબડું તડૂક તડૂક કૂદતું આગળ દોડ્યું. વાઘે જાણ્યું કે અંદરથી અવાજ તો ડોશીના જેવો જ આવે છે. એટલે એ પણ પાછળ દોડ્યો.

તુંબડું આગળ ચાલ્યું ત્યાં રસ્તામાં વરુ મળ્યું. તેણે આઘેથી તુંબડાને આવતું જોયું એટલે એને પણ થયું કે એ ડોશી જ હોવી જોઈએ. એટલે કહે કે : ‘ડોશી ડોશી, તને ખાઉં !’ ત્યારે ડોશીએ અંદરથી જવાબ દીધો કે, ‘ડોશી કેસી, વાત કેસી, ચલ રે તુંબડા તડૂક તડૂક !’ તુંબડું તો તડૂક તડૂક કરતું આગળ દોડ્યું ને તેની પાછળ વરુ પણ દોડ્યું. આગળ જતાં મળ્યું રીંછ. તેણે પણ તુંબડામાં ડોશી છે એમ જાણી બૂમ પાડી, ‘ડોશી ડોશી, તને ખાઉં !’ તરત ડોશી અંદરથી બોલી કે ‘ડોશી કેસી, બાત કેસી, ચલ રે તુંબડા તડૂક તડૂક !’ અને તૂંબડું તો ખૂબ વધારે જોરથી દોડવા લાગ્યું. રીંછે ડોશીનો અવાજ ઓળખ્યો એટલે એ પણ દોડ્યું.

આગળ જતાં વાંદરો મળ્યો. એણે આઘેથી તુંબડું આવતું જોયું ને પાછળ વાઘ, વરુ ને રીંછને આવતા જોયા, એટલે તરત જ એને લાગ્યું કે એમાં ડોશી હશે. તેથી એ પણ રસ્તા વચ્ચે જઈ બેઠો ને તુંબડું પાસે આવ્યું એટલે તેને અટકાવી બોલ્યો : ‘ડોશી ડોશી, તને ખાઉં !’
ડોશીમા અંદરથી બોલ્યાં કે : ‘ડોશી કેસી, બાત કેસી, ચલ રે તુંબડા તડૂક તડૂક !’ પણ વાંદરાએ તો તુંબડાને બે હાથે પકડી રાખેલું એટલે તુંબડાથી આગળ જવાયું નહીં. એટલામાં તો વાઘ, વરુ અને રીંછ પણ આવી પહોંચ્યા. ડોશીએ જાણ્યું કે હવે અક્કલ નહીં વાપરું તો બધા મને જરૂર ખાઈ જશે. એટલે એણે થોડી વાર વિચાર કરીને કહ્યું કે : ‘જુઓ, તમારા ચારમાંથી મારું માથું કોણ ખાશે, હાથ કોણ ખાશે, પગ કોણ ખાશે, એ નક્કી કરો; પછી હું બહાર નીકળું.’ વાઘ, વરુ, રીંછ ને વાંદરો ચારેય માંહ્યોમાંહ્ય નક્કી કરવા લાગ્યા. એક કહે કે હું માથું ખાઉં તો બીજો કહે કે હું માથું ખાઉં. એમ કરતાં બધા ખૂબ તકરાર પર પડી ગયા અને છેવટે મારામારી પર આવ્યા.

ડોશીએ આ લાગ જોઈને તુંબડું આગળ દોડાવ્યું. તડૂક તડૂક કરતું તુંબડું ડોશીને ઘેર પહોંચી ગયું ને વાઘ, વરુ, રીંછ ને વાંદરો ત્યાં લડતા જ રહ્યા.

[ કુલ પાન : 289. કિંમત રૂ. 135. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380 001. ફોન : +91 79 25516573.]