મને પપ્પા કહેવાનું… – અવંતિકા ગુણવંત

મારા દીકરાએ બહારગામ સર્વિસ લીધી એવું જાણ્યું એટલે વિનુભાઈ તરત બોલેલા : ‘એકનો એક દીકરો ને દૂર શું કામ મોકલ્યો ?’
‘આ જમાનામાં દૂર શું ને નજીક શું, ઈચ્છા થાય ત્યારે મળાય છે.’
‘દીકરાને જોવાની ઈચ્છા તો રાત-દિવસ રહે, સવારે ઊઠીએ એવું એનું મોં જોઈએ તો દિલને ટાઢક વળે. રાત્રે સાથે બેસીને વાતો કરીએ ને દિવસભરનો થાક ઊતરે. હું તો દીકરાને નજરથી દૂર ના કરી શકું.’ વ્યગ્રતાથી વિનુભાઈ બોલેલા.
મેં દલીલ કરી હતી, ‘પણ ત્યાં સારી તક છે, મોટો પગાર, વિકાસની શક્યતાઓ – પછી આપણો મોહ છોડવો પડે.’
‘એ થોડા પૈસા ખાતર અલગ રહેવાનું ? ઓછું મળે તો ઓછું ખાઈએ પણ સાથે જ રહેવું જોઈએ. પ્રેમ કરતાંય તમારે મન પૈસો વધી ગયો ?’ એમણે પૂછેલું.

એમના તીવ્ર વાત્સલ્ય સામે કોઈ ખુલાસા, સમજાવટ ચાલી શકે એમ ન હતાં. એમણે એમની ત્રણે દીકરીઓને પોતાના શહેરમાં જ પરણાવી હતી ને દીકરા હેતલને પોતાની સાથે જ રાખ્યો હતો. એમનો અને હેતલનો ધંધો જુદો હતો, પણ હેતલને કહેતા : ‘બેટા, તું કમાવાની હાયવોય ના કરીશ. તું તારે શાંતિથી જીવ.’ દીકરાને આંખ સામે જુએ ને એમને સંસારનાં સર્વ સુખ સાંપડ્યાં હોય એમ સંતોષ થઈ જતો.

એક દિવસ રોજના ક્રમ પ્રમાણે હેતલ સવારના ઑફિસ જવા ઘરેથી નીકળ્યો. બપોરના સમયે ઘેર ટેલિફોન કર્યો કે, ‘આજે મારે અગત્યનું કામ છે. જમવા નહિ આવી શકું.’
‘તો દીકરા સાંજે વહેલો ઘેર આવી જજે.’ એની મમ્મી ભાનુબહેને કહ્યું.
‘હા. મમ્મી.’ હેતલે કહ્યું. પણ સાંજે એ ઘેર ન આવ્યો. સીધા સમાચાર આવ્યા : ‘હેતલ અકસ્માતમાં અવસાન પામ્યો છે.’ સીધી મોતની જ ખબર. હાથપગ ભાંગ્યા છે કે બેભાન થયો છે ને હૉસ્પિટલમાં દાખલ કર્યો છે એવા કોઈ સમાચાર નહિ, સીધા મરણના જ ખબર. માત્ર ઘરનાં જ નહિ પણ આડોશીપાડોશી, સગાંસ્નેહી જેણે જેણે સાંભળ્યું એ બધાં સ્તબ્ધ થઈ ગયાં. ઓગણત્રીસ વરસનો ભરજુવાન હેતલ મૃત્યુ પામ્યો. પાંચ વરસ પહેલાં એનાં લગ્ન થયાં હતાં. એની દીકરી લીસા માત્ર દોઢ વરસની હતી. હજી હમણાં તો એ ‘પાપા’ ‘પાપા’ બોલતાં શીખી હતી, ને એના પાપા તો ‘હં બેટા’ કહેવાને બદલે હંમેશને માટે વિદાય થઈ ગયા.

ઘરના માથે આભ તૂટી પડ્યું. રોક્કળ, આક્રંદ, વિલાપ, ડૂસકાંથી વાતાવરણ દ્રવી ગયું. સવાર-સાંજ, દિવસ-રાત બધું એમના માટે એકાકાર થઈ ગયું. આ રૂદન કદી અટકશે નહીં. આંસુના આવેગમાં ઘરના આનંદ, ઉલ્લાસ, સમૃદ્ધિ બધું તણાઈ જશે, નષ્ટ થઈ જશે ? પણ ના, વિનુભાઈ સાવ કાચી માટીના બનેલા ન હતા. તત્કાળ દુ:ખથી એ ભાંગી પડ્યા હતા. પણ ધીરે ધીરે આંસુનો આવેગ ઓછો થયો. એમનું ચિત્તતંત્ર વિચારતું થયું. શું હવે આમ રડ્યા જ કરવાનું ? દીકરાના અવસાનના સમાચાર આવ્યા તે દિવસથી ભાનુબહેને પુત્રવધૂ સ્મિતાને પડખામાં લીધી. તેઓ એક ઘડીય એને સૂની મૂકતાં નહિ. પોતાના ગળે અન્નનો કોળિયો ઊતરતો નહિ છતાંય એ સ્મિતાના રૂદનગ્રસ્ત ચહેરાને જોઈને પોતાના હૈયામાં ઊમટી આવતાં આંસુ અંદર જ ભંડારી દઈ, સ્વસ્થતા ધારણ કરીને પ્રેમથી પ્રથમ કોળિયો સ્મિતાના મોંમાં મૂકતાં, ને બીજો કોળિયો પોતાના મોંમાં મૂકતાં. છાતી પર પથ્થર મૂકીને એ લીસાના હાસ્યનો જવાબ હાસ્યથી આપતાં. એની કાલીઘેલી બોલીનો પ્રત્યુત્તર વાળતાં. સ્મિતાનેય બાથમાં લઈ કહેતાં : ‘જનાર તો પાછું વાળીને જોવા નથી આવવાનો, હવે તો એની જવાબદારી આપણે નિભાવવાની છે, દીકરી.’

ભાનુબહેનના મોંએ પુત્રવધૂ માટે દીકરી સંબોધન સાંભળીને વિનુભાઈના મનમાં ઝબકારો થયો. હા, હવે તો સ્મિતા ખરેખર અમારી દીકરી છે. આજ સુધી અમે બોલતાં હતાં, અમારે મન તો દીકરી અને વહુ સરખાં છે, હવે એ સાબિત કરવાનો સમય આવ્યો છે. અમારી ત્રણે દીકરીઓને પરણાવી એમ આ સ્મિતાને પણ પરણાવીએ તો અમે અમારી જવાબદારી નિભાવી કહેવાય. વિનુભાઈની ફરજબુદ્ધિએ એમના અંતરાત્માને ઝકઝોરવા માંડ્યો. એમણે ભાનુબહેનને વાત કરી તો એ બોલ્યાં, ‘સ્મિતા તો આપણને એકલાં મૂકીને બે દિવસ પિયર જતી નથી. એનાં મા-બાપ કેટલી વાર તેડવા આવી ગયાં તો એક જ વાત કહે છે કે મારાં સાસુ-સસરાને મૂકીને મારાથી અવાય જ નહિ. મારા હિસાબે તો એ મન મજબૂત કરતાં થયાં છે. લીસાના હિસાબે સહેજ હળવાશ લાગે છે. અમે બેઉ ના હોઈએ તો તેઓ રડી રડીને મરી જાય.’
‘તારી વાત તો સાચી છે. સ્મિતા આપણો ખ્યાલ કરીને આપણાં દેખતા રડતી નથી. એ છે તો ઘરમાં વસ્તી છે પણ એ જેમ આપણો વિચાર કરે છે એમ આપણે એનો વિચાર નહિ કરવાનો ? આપણી પર વહાલ રાખનાર વહુના જીવનમાં શું કાયમ માટે અંધકાર જ રહેશે ?’
પતિની વાતમાં સંમતિ આપતાં ભાનુબહેન બોલ્યાં : ‘તમારી વાત તદ્દન સાચી છે. એને લગ્ન કરવા આપણે સમજાવવી જોઈએ. પણ એ પહેલાં એનાં મા-બાપને કાને વાત નાખીએ.’

વિનુભાઈએ સ્મિતાનાં માતા-પિતાનાં બોલવ્યાં, ને વાત મૂકી. માતા-પિતા કંઈ બોલે એ પહેલાં સ્મિતા બોલી, ‘આવા કોઈ વિચાર કરશો જ નહિ. હું તો અહીં રહીશ. તમારી સેવા કરીશ.’
‘બેટા, અમે કેટલાં વરસ જીવવાનાં ? પાંચ વરસ, દસ વરસ ? પછી તો તું એકલી જ ને ?’
સ્મિતા બોલી : ‘આ લીસા છે ને ! ત્રણ બહેનો છે.’
‘બેટા, લીસા મોટી થઈને એનું ઘર લઈને બેસશે ને ત્રણ બહેનોને એમનો સંસાર છે. આ ભર્યા જગતમાં તું એકલી પડી જઈશ. લાંબી જિંદગી સાથી વગર ના કપાય, દીકરી.’ અત્યંત ભાવથી વિનુભાઈ બોલ્યા. સ્મિતાની આંખમાં આંસુ ઊભરાયાં. પોતાની જાતને એ આ કુટુંબથી છોડી શકે એમ ન હતી. આ ઘર, એનું આ ઘર, એના સુખદ દાંપત્યની સ્મૃતિઓથી ઊભરાતા આ ઘરને કેમ કરીને છોડાય ? હજુય જાગતાં અને ઊંઘતાં હેતલ નજર સમક્ષ દેખાય છે, એનો અવાજ કાનમાં સંભળાય છે. એનો સ્પર્શ અનુભવાય છે ત્યાં બીજા કોઈ પુરુષની કલ્પનાય કેવી રીતે કરાય ? ના, હેતલના સ્થાને એ બીજા કોઈને સાંખી ના શકે. હેતલ પાસેથી એ એટલો બધો પ્રેમ પામી છે કે એટલી મૂડી પર જિંદગી આખી પસાર થઈ શકશે.

હાલ ને હાલ બહુ આગ્રહ કરવો ઉચિત નથી એમ માનીને વિનુભાઈએ વાત લંબાવી નહિ. પણ મનમાં જે નિર્ણય લીધો હતો એને અનુરૂપ પગલાં લેવાં માંડ્યાં. સ્મિતાને કોઈ ને કોઈ કારણસર બહાર મોકલવા માંડ્યા. સાંજના સંગીત કલાસ જોઈન કરાવડાવ્યા, સ્મિતા ગ્રેજ્યુએટ તો હતી જ, એને વાંચવું ગમતું હતું, તેથી નાના સર્ટિફિકેટ કોર્સ કરાવડાવ્યા ને પોતાની લાગવગ લગાડીને એક ઑફિસમાં નોકરી અપાવી દીધી. સ્મિતા એ જ ખ્યાલમાં હતી કે સસરા એને સ્વાવલંબી બનાવવા માગે છે, અને જતે દિવસે સસરા ઘરડા થાય, નિવૃત્ત થાય ત્યારે ઘરમાં કોઈ કમાનાર તો જોઈએ જ ને, તો જ વ્યવસ્થિત જીવી શકાય, માટે મારે કમાવું અતિ આવશ્યક છે. આમ વિચારીને એણે પોતાનું બધું ધ્યાન સર્વિસ પર કેન્દ્રિત કર્યું. હવે એને લાગણીમાં તણાવાનો વખત રહેતો નહિ. રોજ ઘરની બહાર જવાનું, બહારના લોકોની સાથે હળવા-મળવાનું. બહારની હવાએ એને તદ્દન નોર્મલ બનાવી. હવે હેતલની યાદ આવે છે તોય હૈયું ભરાઈ નથી આવતું. હાથપગ કામ કરતા અટકી નથી જતા. એના મોં પર પહેલાંનું સ્મિત રમતું થયું. એને બધી વાતોમાં પુન: રસ પડવા માંડ્યો.

વિનુભાઈ આવા સમયની રાહ જોઈને બેઠા હતા. ફરી એક વાર એમણે એ લગ્નની વાત ઉચ્ચારી. સ્મિતાની આંખો ભીંજાઈ પણ એ પહેલાંની જેમ સાફ ઈન્કાર ના કરી શકી. એ નીચું જોઈને મૂંગી રહી. એકાદબે વરસના અનુભવે એને વાસ્તવિક્તાની ધરતી પર લાવી મૂકી હતી. જુવાન સ્ત્રીએ એકલાં જિંદગી કાઢવી એ દુષ્કર છે એ સમજાવા માંડ્યું હતું. વિનુભાઈ જાતે મુરતિયો શોધી લાવ્યા. પીયૂષ એનું નામ, કોઈ ગામમાં શિક્ષક હતો. વિનુભાઈએ તપાસ કરાવી તો પીયૂષમાં કોઈ વ્યસન, એબ કે દૂષણ ન હતાં. સ્મિતાનાં સાદાઈથી લગ્ન કરાવ્યાં. બધો કરિયાવર આપ્યો, દરદાગીના આપ્યાં ને વિનુભાઈ બોલ્યાં : ‘સ્મિતા, તું નવું ઘર વસાવે છે. આજથી તારી પાછળ નવું નામ અને અટક લખાશે. પણ આપણો સંબંધ પૂરો નથી થતો. અમે તારાં મા-બાપ છીએ ને બીજી ત્રણ બહેનો જેટલો જ તારો આ ઘર પર હક છે.’

પીયૂષ વિનુભાઈ, ભાનુબહેન તથા ત્રણે બહેનોના ભાવ જોઈને સાનંદ સંકોચ પામી ગયો. આટલી બધી ઉદારતા ? આવા લાગણીશીલ વડીલને હું શું કહીને બોલાવું ? પીયૂષે ધીમેથી આ સવાલ પૂછ્યો ને હાજર રહેલાં સૌનાં હૈયામાં રૂદનના ધોધ ઊમટ્યા. ઓહ, આ સ્મિતાનો વર છે, પણ અમારો દીકરો નથી. સ્મિતા આજસુધી અમારી પુત્રવધૂ, હેતલની પત્ની હતી પણ હવે ? હવે એ મારી પુત્રવધૂ મટી જાય છે. સમાજની દષ્ટિએ અમારી એ કંઈ નથી પણ અમારા હૈયામાં તો એ પ્રેમાળ દીકરી કરતાંય અદકેરું સ્થાન પામી છે. એ સંબંધે પીયૂષ, પીયૂષ અમને શું કહીને બોલાવે ? હૃદયમાં ફરી જાણે બધું નષ્ટભ્રષ્ટ થવા માંડ્યું. ફરી એ આઘાત થયો…. વિનુભાઈને એક વાર તો થયું કે ‘કોઈ સંબોધન ના કરીશ. પીયૂષ, તું અમારે ઘરે ન આવીશ. તું આવીશ ને મને મારા હેતલની યાદ આવશે. મેં મારી ફરજ બજાવી, હવે મારી પાસેથી કંઈ વધારે અપેક્ષા ના રાખીશ.’ વિનુભાઈ આમ ગડમથલમાં છે ત્યાં ભાનુબહેન બોલ્યાં :
‘એમને પપ્પા કહેવાનું, એ તમારા પપ્પા જ થાય.’
વિનુભાઈ પત્નીનો જવાબ સાંભળીને આભા બની ગયા. ઓહ, ભાનુ તેં મને સાચવી લીધો. છેલ્લી કસોટીમાં હું નાપાસ થાત પણ તેં મને બચાવી લીધો. ધન્ય છે તારાં સંયમ, ધૈર્ય અને ઉદારતાને ! તું સાચા અર્થમાં મા બની. સુધારક બની.

વિનુભાઈ બોલ્યા, ‘હા, તમારી મમ્મી સાચું જ કહે છે, મને પપ્પા કહેવાનું.’ આટલું કહીને એ પીયૂષને ભેટી પડ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમર બાલકથાઓ – સં. શ્રદ્ધા ત્રિવેદી
ક્વીક લોન-સ્કીમ – રતિલાલ બોરીસાગર Next »   

34 પ્રતિભાવો : મને પપ્પા કહેવાનું… – અવંતિકા ગુણવંત

 1. D.Desai says:

  Nice ones. Anyone can predict what will happen next although writer use such wonderful script, So eaveryone would like to read till end. Amazing writing.

 2. Shrikant says:

  Very good story. It is not about prediction, but about the feeling that parents go through in such a situation. It is a very rare scenario to see, but I am glad that Avantikaben could create such a lovely picture, such a lovely scenario by her story. Great Job!! Exquisite..!!

 3. Nims says:

  Babul Film

 4. nayan panchal says:

  સુંદર વાર્તા.
  આ જ છે લખાણની તાકાત. એકદમ predictable હોવા છતાં હ્રદયસ્પર્શી.

  મૃગેશભાઈ,

  હસો અને હસાવો વિભાગમાંથી હટાવવા વિનંતી. મેં તો હસવાના વિચાર સાથે વાર્તા વાંચવી ચાલુ કરી હતી.
  આભાર.

  નયન

 5. Editor says:

  ધન્યવાદ નયનભાઈ, કદાચ ભૂલમાં તે વિભાગમાં ફાઈલ થઈ ગયું હશે, જે હવે સુધારી લીધું છે.

 6. Jignesh says:

  લાગણી થી ભરેલી વાર્તા વાંચીને આનંદ થયો.

  જિગ્નેશ અને સ્મિતા.

 7. krishna says:

  બહુ જ સરસ છે ખરેખર તો એક એવી વસ્તવિક્તા છે જે દરેક મા-બાપે ધ્યાનમાં લેવી જોઈએ ..

 8. JITENDRA J. TANNA says:

  સરસ વાર્તા.

 9. shruti maru says:

  ખુબ સરસ વાર્તા છે. babul film યાદ આવી ગઈ.

  દરેક વિધવા સ્ત્રી ના સાસુ સસરા આવી રીતે વિચારે તો કોઇ પણ સ્ત્રી માટે સાસરુ સાસરુ ન રહે તેનુ પિયર બની જાય.

  લેખકજી આવી સુન્દર વાર્તા વધુ લખતા રહો જેથી સહુ વાન્ચવા નો આનન્દ માણે….

  shrutimaru1991@rediff.com

 10. dipak says:

  very nice story.end was predictable like babul.

 11. jinal says:

  “આજ સુધી અમે બોલતાં હતાં, અમારે મન તો દીકરી અને વહુ સરખાં છે, હવે એ સાબિત કરવાનો સમય આવ્યો છે. Vinubhai has proven it in a true sense otherwise I have seen people who just “says” that. I think these kind of people should read this story and think on their sentence once more!!

 12. Veena Dave,USA. says:

  Nice story.

 13. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સુંદર વાર્તા !!

 14. Gira says:

  yes yes.. definitely.. babul movie’s story.. well.. much similar…

 15. Hetal says:

  very touchy!!

 16. Rajni Gohil says:

  This story shows love is the only law of life.
  પ્રેમની કેટલી તાકાત છે? કસોટિ માંથી પાર થઇને આવે ત્યારે ખબર પડે કે સાચો પ્રેમ કયો છે!
  ખૂબજ હ્રદયસ્પર્શી વાર્તા વાંચવી અને બીજાને પણ વંચાવવી ગમે એવી છે. અવંતિકાબેનને અભિનંદન.

 17. sudhir patel says:

  ખૂબ જ સુંદર હ્ર્દયસ્પર્શી વાર્તા.
  સુધીર પટેલ.

 18. gopal parekh says:

  આઁખો ભીઁજાય ગઇ વાર્તા વાઁચીને

 19. DARSHANA DESAI says:

  ખૂબ જ સરસ વર્તા. આંખો ભીની થઈ ગઈ. સમાજમાં આવા ઉમદા વિચારો ધરાવનારા લોકો પણ છે પરંતુ કેટલા ?

 20. Neha Parmar says:

  Nice touchy story.

 21. Rita Saujani says:

  I know someone close to my heart was offered the same option after the sad loss of her husband in real life!

 22. Sweta says:

  ખરે ખર ખુબ જ સુન્દ્ર વાર્તા ચે.આવા લોકો પન સમાજ મા હોય ચે.

  આભાર્ , આવુ સુન્દ્ર સાહિત્ય વાન્ચવા મલ્યુ.

  સ્વેતા અને મિત્તુલ્

 23. Urmila says:

  Although this is a story – similar incident has taken place in england in a family here – prents lost the son and they got their daughter in law married after few years to a eligible bachelor

 24. Rajnikant M Modi says:

  Nice story.let those in similar circumstances take action.

 25. Dhaval B. Shah says:

  ખૂબ સુન્દર નિરુપણ. હ્રુદયસ્પર્શી વાર્તા.

 26. D.T.PATEL says:

  દશરથ પટેલ
  મને વારતા ખુબજ સરસ લાગી બસ એજ

 27. SAKHI says:

  VERY NICE STORY

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.