ક્વીક લોન-સ્કીમ – રતિલાલ બોરીસાગર

[‘અમથું અમથું કેમ ન હસિયે !’ પુસ્તકમાંથી સાભાર.]

થોડા દિવસ પહેલાં કૉર્પોરેટ ક્ષેત્રની એક બૅન્કમાં મારે લોન માટે જવાનું થયું. સમગ્ર બૅન્કિંગ પ્રવૃત્તિમાં લોન આપવાની પ્રવૃત્તિ મને હંમેશાં સર્વોત્કૃષ્ટ લાગી છે. વર્ષો સુધી નોકરી કર્યા પછી ‘ભવિષ્યનિધિ’ (પ્રોવિડંટ ફંડ) નામે ઓળખાતી યોજના અન્વયે મને નાનકડી રકમ મળી હતી. આ રકમ મેં એક એજન્ટ મિત્ર નવીનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ બૅન્કમાં જમા કરાવી હતી. ‘નિધિ’નો અર્થ ‘ભંડાર’ એવો થાય છે. આ ભવિષ્યનિધિ યોજનામાં જોડાયો ત્યારે મને એમ હતું કે નિવૃત્ત થયા પછી આ નિધિમાંથી મને મબલક રકમ મળશે, પરંતુ ખરેખર જે રકમ મળી એ એટલી નાની હતી કે ‘નિધિ’ના અર્થ સાથે એ કોઈ રીતે બંધબેસતી નહોતી, પણ આ નિધિવાળાઓ ભાષા કરતાં હિસાબમાં ચોક્કસ રહેવાનું વધુ પસંદ કરતા હોવાને કારણે એમણે ‘નિધિ’નો અર્થ સાચવવા કરતાં પોતાનો હિસાબ સાચવવાનું વધુ પસંદ કર્યું હતું.

એજન્ટ મિત્રે આ અલ્પ રકમ મજકૂર બૅન્કમાં મૂકવાની સલાહ આપી. આ બૅન્કમાં પૈસા મૂકવાના કેટલાક ફાયદા પણ એમણે ગણાવ્યા. આમાં એક વાત એવી કરી કે ‘તમારે જરૂર પડે ત્યારે આ રકમના પંચોતેર ટકા જેટલી રકમની લોન તુરત મળી શકે.’ આ લાભ મને ઘણો અગત્યનો લાગ્યો. નોકરી દરમિયાન ખાસ કશી બચત થઈ ન હોવાને કારણે પૈસાની જરૂર તો ગમે ત્યારે પડે – બૅન્કમાં ડિપૉઝિટ મૂક્યા પહેલાં પણ પડે એવી શક્યતા હતી. પણ ડિપૉઝિટ મૂક્યા વગર લોન આપવા જેટલી ઉદારતા બૅન્કના સત્તાવાળાઓએ કેળવી ન હોવાને કારણે મારી નાનકડી રકમ વડે બૅન્કનું ભંડોળ મેં વધાર્યું. બૅન્કની દષ્ટિએ ઘણી નાની અને મારી દષ્ટિએ ઘણી મોટી રકમ મેં બૅન્કમાં મૂકી.

મને મારી ધારણા કરતાં ઘણી મોડી અને બૅન્કની ધારણા કરતાં ઘણી વહેલી લોનની જરૂર પડી અને બૅન્કમાં જઈને કાઉન્ટર પર બેઠેલાં મહિલા અધિકારી પાસે જઈ લોન લેવા અંગે માર્ગદર્શન આપવા વિનંતી કરી. મહિલા અધિકારીએ એક ફૉર્મ મને આપ્યું અને કહ્યું, ‘આ ફૉર્મ ભરી લાવો. લોન મળી જશે. તમારી ડિપૉઝિટના પંચોતેર ટકા જેટલી રકમ મળી શકશે અને એના પર બૅન્ક તમને જેટલું વ્યાજ આપતી હશે એના કરતાં બે ટકા વ્યાજ વધુ લેશે.’ મારા જ પૈસાનું મારી પાસેથી વ્યાજ લેવાની બૅન્કની પ્રથા મને વાજબી ન લાગી, પણ આ નીતિમીમાંસા અત્રે અપ્રસ્તુત હતી એટલે એની ચર્ચા કરવાનું મેં માંડી વાળ્યું.

લોન માટેની અરજીના ફૉર્મના મથાળે જ ‘ક્વીક લૉન’ એવું છાપેલું હતું. બૅન્કો પૈસા લેવામાં જેટલી ક્વીક (ઝડપી) હોય છે, એટલી પૈસા આપવામાં ક્વીક નથી હોતી એવો મારો સામાન્ય અનુભવ છે, પણ આ બૅન્ક લોન આપવામાં પણ ક્વીક છે એ જાણી આ બૅન્ક વિશેના મારા માનમાં પ્રચંડ વધારો થયો. થોડાં વરસ પહેલાં દૂરદર્શન પર વિખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણનાં કાર્ટૂનો પર આધારિત એક સિરિયલ ‘વાગલે કી દુનિયા’ પ્રસારિત થઈ હતી. આ સિરિયલનો એક હપ્તો ‘ઈઝી લોન’ (સરળ લોન) વિશેનો હતો. છાપાઓમાં ‘ઈઝી લોન’ અંગેની જાહેરાત વાંચી એક માણસ બૅન્કમાં પ્રવેશે છે અને સીધો તિજોરી પાસે જઈ તિજોરીનું હૅન્ડલ ઘુમાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે બૅન્કના મેનેજર એને કહે છે : ‘ઈટ ઈઝ નોટ ધેટ ઈઝી.’ ‘ક્વીક લોન’ માટે પણ પહેલાં તો મેં એવું જ માન્યું હતું કે ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન દરેક સ્પર્ધકના નામના ચૅક અગાઉથી જ તૈયાર રાખતા એમ ક્વીક લોન આપનારી આ બૅન્ક પણ દરેક ડિપૉઝિટરની લૉનના ચેક તૈયાર રાખ્યા હશે. હું ફોર્મ આપીશ અને તુરત મને ચૅક અપાશે. પણ પછી ખ્યાલ આવ્યો કે ‘ઈટ વોઝ નોટ ધેટ ક્વીક’

અરજીપત્રક લઈને મેં પૂછ્યું : ‘આ ફોર્મ અત્યારે જ ભરી આપું તો ચાલે ?’
‘ચાલે, પણ ડિપૉઝીટની રસીદ લાવ્યા છો ?’
‘ના.’
‘તો રસીદ વગર લોન કેવી રીતે મળે ?’
બૅન્ક એના ડિપૉઝિટરો પર આટલો વિશ્વાસ પણ ન મૂકે એ મને યોગ્ય ન લાગ્યું, પણ મહિલા અધિકારી કામમાં એટલાં બધાં વ્યસ્ત હતાં કે મેં ‘વિશ્વાસ’ વિશે બે શબ્દો કહેવાનું મુલતવી રાખ્યું. હું ઘેર પાછો આવ્યો. ફૉર્મ ભર્યું, પાછો બૅન્કમાં ગયો. ‘આ ફૉર્મ આપ્યું અને આ ચૅક મળ્યો’ એવું થશે એમ હું માનતો હતો, પણ એવું ન થયું. મહિલા અધિકારીએ રસીદ જોઈ, ફૉર્મ જોયું, બોલ્યાં : ‘આમાં બે નામથી નાણાં ડિપૉઝિટ કર્યાં છે. ફૉર્મમાં એક જ સહી છે.’ થયું ! પાછાં ઠેરનાં ઠેર !

બૅન્કમાં પૈસા મૂક્યા એ વખતે એજન્ટ મિત્રે સલાહ આપેલી : ‘તમારાં પત્નીનું નામ જૉઈન્ટ ડિપૉઝિટર તરીકે રાખો.’
‘કેમ ?’ મેં પૂછ્યું.
‘આમ તો ખાસ કંઈ નહિ, પણ ન કરે નારાયણ ને તમને કંઈ થયું તો તમારાં પત્નીને ડિપૉઝિટનાં નાણાં મેળવવામાં તકલીફ ન પડે.’
‘પણ મારી તબિયત એના કરતાં ઘણી સારી છે.’ મિત્રને અમંગળ શંકા કરતા રોકવા મેં દલીલ પેશ કરી.
‘તે હશે. સારી રહે એવી મારી શુભેચ્છાઓ પણ છે, પરંતુ જિંદગીનો કોઈ ભરોસો નથી, એટલે બે નામથી નાણાં ડિપૉઝિટ કરવાનું સલાહભર્યું છે.’ મિત્રની વાત માની સહધર્મચારિણીને સહાઅર્થચારિણી પણ બનાવી. આમેય હવે યજ્ઞયાગ, હોમહવન ખાસ થતા નથી એટલે સ્ત્રીઓને સહધર્મચારિણીનો રોલ કરવાનું ખાસ આવતું પણ નથી. સ્ત્રીઓ હવે નોકરી કરે છે, પતિ જેટલું નહિ તો એનાથી બહુ ઓછું નહિ એટલું કમાય છે. કેટલીક સ્ત્રીઓ તો પતિ કરતાં પણ વધુ કમાય છે. મોટા ભાગનાં ઘરોમાં અર્થ (પૈસા) પર પત્નીનો અંકુશ હોય છે એટલે હવે સ્ત્રીને સહધર્મચારિણી કરતાં સહઅર્થચારિણી કહેવી વધુ યોગ્ય છે. જોકે ચર્ચાનો આ અલગ મુદ્દો છે. અહીં તો પત્નીને સહઅર્થચારિણી બનાવવા જતાં અનર્થ ઊભો થયો હતો. ફરી ઘેર ગયો. સહઅર્થચારિણીની સહી લીધી. ફરી બૅન્કમાં ગયો. મહિલા અધિકારીએ ફૉર્મ ચકાસ્યું. રસીદ ચકાસી. રસીદની પાછળ રેવન્યુ સ્ટૅમ્પ હતી.
‘આ સ્ટૅમ્પ પર પણ બે સહી જોઈશે.’
મેં કહ્યું : ‘ફૉર્મમાં તો બે સહી છે. અહીં મારા એકલાની સહી નહિ ચાલે ?’
‘લોનના નાણાં ભરપાઈ કરવાની બંનેની સરખી જવાબદારી છે એટલે રસીદ પર જોઈન્ટ ડિપૉઝિટરની સહી પણ જોઈશે જ.’
‘લૉનનો ચૅક લેવા પણ બંનેએ આવવું પડશે ?’
‘ના. ચૅક તમને આપવો એવું ફૉર્મમાં લખ્યું છે ને એમાં જૉઈન્ટ ડિપૉઝિટરની સહી છે એટલે ચૅક તમને આપી શકાશે.’
‘આ ચૅક ઘેર જઈને તરત જ પત્નીના કરકમળમાં મૂકી દેવાની ખાતરી આપું છું. કહો તો લેખિત ખાતરી આપું.’
‘એવી ખાતરી બૅન્ક સ્વીકારતી નથી.’

ફરી એક વાર વધુ પુનરપિ ગૃહમ થયું. રસીદ પર સહી લઈ, ફરી એક વાર પુનરપિ બૅન્કમ થયું. રસીદ આપી. ‘થોડી વાર બેસો. ચૅક તૈયાર કરી આપું છું.’ હું બેઠો. પુનરપિ ગૃહમ પુનરપિ બૅન્કમ કરીને થાકી ગયો હતો. એ.સી.માં બેસવાનું બહુ સારું લાગ્યું. રાત્રિના સમયે કમળમાં પુરાઈ ગયેલા ભમરા વિશે સંસ્કૃતમાં એક શ્લોક છે : કમળ બિડાઈ ગયું છે. ભમરો અંદર રહી ગયો છે. અંદર પુરાયેલો ભમરો વિચારે છે કે રાત્રિ પૂરી થશે, સવાર પડશે, સૂર્ય ઊગશે, કમળોની શોભા ખીલી ઊઠશે – એમ હું પણ વિચારતો હતો : આ બહેન કમ્પ્યૂટર પર ચૅક ટાઈપ કરશે. ચૅક પર મારું નામ શોભી ઊઠશે, સાહેબ પ્રસન્ન થઈ ચૅક પર સહી કરશે, મહિલા અધિકારી મને ચૅક અર્પણ કરશે, હું આજે જ મારા ખાતમાં એ ચૅક જમા કરાવીશ. જોકે પેલા શ્લોકમાં ભમરાનો અંત કરુણ આવે છે. સવાર પડતાં જ હાથી તળાવને ખૂંદી નાખે છે. સ્વપ્નલોકમાં વિહરતો ભમરો સ્વર્ગલોકમાં પહોંચી જાય છે, પણ અહીં કરુણાંત આવવાનો સંભવ નથી. આવડી મોટી બૅન્કનો ચૅક પાસ ન થાય એવું બને જ નહિ.

એકાએક પેલાં બહેને મારા નામની બૂમ પાડી. હું એકદમ જાગ્રત થઈ ગયો. ઊભો થઈ ચૅક લેવા ધસ્યો. ‘આ ડિપૉઝિટ પર લોન નહિ મળે. તમારી આ ડિપૉઝિટને ત્રણ મહિના થવામાં પંદર દિવસની વાર છે, એટલે પંદર દિવસ પછી જ લોન મળી શકશે. તમને પડેલી અગવડ બદલ હું દિલગીર છું.’ મહિલા અધિકારી બોલ્યાં. ખરેખર તો એમના કરતાં હું અનેકગણો, વધુ દિલગીર હતો, પણ નિરુપાય હતો.

‘ક્વીક’ લોન લેવા માટે બીજા પંદર દિવસ રાહ જોયા સિવાય છૂટકો નહોતો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મને પપ્પા કહેવાનું… – અવંતિકા ગુણવંત
પાંદડે પાંદડે કિરણ – સં. મહેશ દવે Next »   

18 પ્રતિભાવો : ક્વીક લોન-સ્કીમ – રતિલાલ બોરીસાગર

 1. Hiral Thaker "Vasantiful" says:

  😀

 2. Ravi Ponda says:

  Hahaha 🙂 !!
  ratilal ji your are really genius !!
  please upload more comedy article..

 3. Soham says:

  simply amazing!!! Ratilalji is just too good!!! I am big time fan of him…

  Mrugesh bhai
  It would be really helpful if you can give is some details about the book from which this article is taken.

  Thank you,

 4. Balkrishna Shah,Vile Parle says:

  મુ.શ્રી રતિલાલ બોરીસાગર હાસ્ય રસના લેખક છે અને આ લેખ તેમણે એ રીતે જ લખ્યો છે તેમાં કોઈ
  શંકા નથી. પરંતુ સદરહુ લેખમાં વસ્તવિક્તા ભારોભાર છે. હા..થોડી શબ્દ રચના જરુર હાસ્ય પ્રેરે પરંતુ
  જેને આવો અનુભવ થયો હોય તેને તો આ લેખમાં વાસ્તવ દર્શન જ લાગે.

  બાલક્રુષ્ણ શાહ

 5. Editor says:

  નમસ્તે સોહમભાઈ,

  પ્રસ્તુત પુસ્તકની માહિતી, અગાઉ આ લેખમાં પ્રકાશિત થયેલી છે :

  http://www.readgujarati.com/sahitya/?p=2989

  લિ. તંત્રી.

 6. shruti maru says:

  ખુબ જ વાસ્ત્વિક લેખ છે.

  બેન્ક માં વડીલ ને પેન્શન ના પૈસા લેવા માં જે તકલીફ થાય ઍ અત્યંત દયનીય છે.

  આ લેખ ને હાસ્ય લેખ કરતાં વાસ્ત્વિક લેખ વધુ ગણાવી શકાય ને……

 7. Soham says:

  પ્રસ્તુત પુસ્તક ની માહિતી માટે આભાર..

 8. nayan panchal says:

  મજા આવી ગઈ.

  આભાર.

  નયન

 9. farid says:

  it is a good jokes

 10. shiraz kesharia says:

  KHUB MAZA AAVI

 11. Neha Pancholi says:

  It is really the biggest truth. The bank staff will never give you the complete details at the first time. We had a very recent experience, when just to open an account it took us three days and god only knows how many iterations.

  OFFICE- OFFICE.

 12. VIPUL PANCHAL says:

  સરસ્ બહુજ મજા આવી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.